અભિષેક પ્રકરણ 24
અભિષેક અંબાજી દર્શન કરવા આવ્યો હતો અને ત્યાં ખમાર ભુવનમાં ઉતર્યો હતો. એની બાજુની જ રૂમમાં પ્રદીપ નામનો એક યુવાન દિશા નામની એક છોકરીને વિસનગરથી ભગાડીને લઈ આવ્યો હતો. પ્રદીપ પરણેલો હતો અને એનો છૂટાછેડાનો કેસ પણ ચાલતો હતો.
અભિષેક નવલકથા
પ્રદીપને જોતાં જ અભિષેક પોતાની શક્તિઓથી આ બધું જાણી ગયો હતો. ૧૭ ૧૮ વર્ષની નાદાન ઉંમરની છોકરીને પોતાની વાતોમાં એણે ફસાવી હતી અને લગ્નનું વચન આપીને એને અંબાજી લઈ આવ્યો હતો.
પ્રદીપ જેવો બહાર ગયો કે તરત જ અભિષેકે દિશાને ચેતવી દીધી હતી અને તાત્કાલિક પોતાના ઘરે જતા રહેવાની સલાહ આપી હતી. એણે દિશાને બસ ડેપોમાં રાહ જોવાની વાત કરી હતી કારણ કે પોતે પણ ૧૦ ૧૫ મિનિટમાં નીકળવાનો હતો.
અભિષેકે પોતાની અંદરની સિદ્ધિથી પ્રદીપની આંખો ઉપર એવી માયાવી પટ્ટી બાંધી દીધી હતી કે દિશા સામે મળે તો પણ એને એ ઓળખી ના શકે. દિશા પીઠ પાછળ બેગ લટકાવીને ડેપો જવા માટે નીકળી ગઈ હતી.
પ્રદીપ દિશા માટે નાસ્તો લઈને ખમાર ભુવનમાં આવ્યો અને રૂમનો દરવાજો ખોલ્યો તો રૂમ ખાલી હતો. દિશા પણ ન હતી અને એની બેગ પણ ન હતી. પ્રદીપને ખૂબ જ આશ્ચર્ય થયું. વોશરૂમ પણ ખુલ્લો જ હતો. પ્રદીપની પોતાની બેગ સિવાય રૂમમાં કંઈ જ ન હતું.
એ બેબાકળો થઈને રૂમની બહાર આવ્યો. રૂમની બહારનો હોલ પણ ખાલી જ હતો. એણે બાજુની રૂમમાં અભિષેકને પૂછ્યું.
" તમે મારી સિસ્ટરને ક્યાંય બહાર જતાં જોઈ ? હું એને રૂમમાં મૂકીને જ નાસ્તો લેવા માટે ગયો હતો પણ અત્યારે રૂમમાં કોઈ જ નથી. " પ્રદીપ બોલ્યો.
" ના ભાઈ. મારું ધ્યાન તો એ બાજુ નહોતું. એ આટલામાં જ ક્યાંક હશે તપાસ કરો. " અભિષેક બોલ્યો. આ કાચિંડાએ હવે રંગ બદલ્યો હતો. દિશાની ઓળખાણ હવે પોતાની બહેન તરીકે આપતો હતો !
અભિષેકને ઈચ્છા તો થઈ આવી કે પોલીસને ફોન કરીને તાત્કાલિક એને એરેસ્ટ કરાવી દેવો પરંતુ એમ કરવા જતાં બિચારી દિશાનું નામ ખરાબ થતું હતું એટલે પછી એ વિચાર એણે માંડી વાળ્યો.
પરંતુ અંબાજી જેવા પવિત્ર ધામમાં આવીને આવું અપવિત્ર કુકર્મ કરવું અભિષેકને જરા પણ ગમ્યું નહીં. અહીં ગેસ્ટ હાઉસમાં આવતા યાત્રાળુઓ કેટલા પવિત્ર ભાવથી અહીંની રૂમોમાં ઉતરતા હોય છે. આ પ્રકારનાં કર્મોથી રૂમની અંદર વાસનાનાં આંદોલનો છવાઈ જતાં હોય છે. જે નવા યાત્રાળુઓના મનને કલુષિત કરતાં હોય છે !
અભિષેકે પ્રદીપનો ચહેરો પોતાની સામે લાવીને મનમાં કંઈક સંકલ્પ કર્યો અને પછી દસ મિનિટમાં એ ગેસ્ટ હાઉસ છોડવા તૈયાર થઈ ગયો અને કાઉન્ટર ઉપર બિલ ચૂકવીને ભારતી આન્ટી સાથે બહાર નીકળી ગયો. નીચે ઉતરીને એણે અંબા માતાની ધજાનાં દૂરથી દર્શન કરી લીધાં અને ગાડીમાં બેઠો.
પ્રદીપ દિશાને શોધવા માટે ખમાર ભુવનની બહાર નીકળ્યો હતો અને ચારે બાજુ દિશાને શોધી રહ્યો હતો. એ જ્યાં ઊભો હતો એની બાજુમાં જ એક યુવાન દંપત્તિ વાતો કરી રહ્યું હતું અને બાજુમાં ત્રણેક વર્ષની એમની નાની દીકરી પણ ત્યાં મમ્મીની આંગળી પકડીને ઉભી હતી.
પ્રદીપને શું સૂઝ્યું કે એણે પેલી નાની બાળકીને અચાનક તેડી લીધી અને બજારમાં દોડવા લાગ્યો. પેલા દંપત્તિએ આ જોઈને બૂમાબૂમ કરી મૂકી. ચારે બાજુ લોકો ભેગા થઈ ગયા. કોઈ યુવાન બાળકીને ઉપાડી ગયો છે એવો ખ્યાલ આવતાં જ બધા પ્રદીપની પાછળ પડ્યા.
એક યુવાને બાળકીને છોડાવી લીધી અને લોકોએ ભેગા થઈને ગડદા પાટુથી એને એટલો બધો માર્યો કે એનાં કપડાં પણ ફાટી ગયાં. એનો ચહેરો અને આંખ પણ સૂજી ગઈ. એનાથી આટલો માર સહન ના થયો. ઉપરથી કોઈએ પોલીસને પણ ફોન કરી દીધો એટલે પોલીસે આવીને એને એરેસ્ટ કરી દીધો. એની બધી આબરૂ ધૂળમાં મળી ગઈ !
આ બધું જોયા પછી જ અભિષેકે પોતાની ગાડી સ્ટાર્ટ કરી અને એસટી ડેપો પાસે આવીને ગાડીને સાઈડમાં પાર્ક કરી. એ નીચે ઉતરી ડેપોમાં ગયો. દિશા હજુ હમણાં જ આવીને એક બાંકડા ઉપર બેઠી હતી. એણે અભિષેકને જોઈ લીધો એટલે એ ઊભી થઈ. બહાર જઈને એ આન્ટીની સાથે પાછલી સીટ ઉપર બેઠી.
અભિષેકે ચાર રસ્તા આગળ સર્કલ ઉપર જઈ ફરી ગાડીને સાઈડમાં પાર્ક કરી અને દિશા સાથે વાતચીત ચાલુ કરી.
" તું રોજ સવારે કોલેજ જવા કેટલા વાગે નીકળે છે ? " અભિષેક બોલ્યો.
" હું સવારે નવ વાગે જ ઘરેથી નીકળી જાઉં છું અને ચાલતી ચાલતી કોલેજ દસ વાગ્યા પહેલાં પહોંચી જાઉં છું. ગઈકાલે સવારે પણ નવ વાગે જ નીકળી હતી. પણ કાલે હું કોલેજ જવાના બદલે સીધી એસ.ટી ડેપોમાં ગઈ હતી અને પ્રદીપની સાથે અંબાજી જતી બસમાં બેસી ગઈ હતી. " દિશા બોલી.
" તું એક કામ કર. તારી આ કોલેજ બેગમાં જો જગ્યા હોય તો વિસનગર પહોંચીને થોડી કોલેજની બુક્સ ખરીદી લે અને ઉપર ગોઠવી દે જેથી તારાં કપડાં ના દેખાય. જગ્યા ના હોય તો બે ચાર કપડાં કાઢી નાખજે. " અભિષેક બોલતો હતો.
" તારી એવી કોઈ ખાસ બહેનપણી છે કે જે તને સાથ આપે અને તારા ઘરે એવું કહી શકે કે અમે બંને અંબાજી ગયાં હતાં ? જો એ સાથ આપે તો તારું કામ સરળ થઈ જાય. તારે એનું નામ દઈ દેવાનું. તારા પપ્પા એને ફોન કરીને પૂછે તો એ કહી દે કે હા અમે બન્ને અંબાજી ગયાં હતાં અને આજે જ આવ્યાં. " અભિષેક બોલ્યો.
" હા અંકલ મારી એક ફ્રેન્ડ તો છે પણ બહુ વાયડી છે. હજાર સવાલ પૂછશે મને. " દિશા બોલી.
" તો પછી જવા દે. તારી પાસે મોબાઇલ છે ? " અભિષેકે પૂછ્યું.
" છે પણ ઘરે જ પડ્યો છે. અત્યારે મારી પાસે નથી. અમે કોલેજમાં મોબાઇલ લઈ જતાં નથી. " દિશા બોલી.
" સારી વાત છે આ એક પ્લસ પોઈન્ટ છે તારા માટે. હવે તું બધી ચિંતા છોડી દે. તું બિન્દાસ્ત કહી દેજે કે હું કોલેજ છૂટ્યા પછી મારી એક ફ્રેન્ડ સાથે અંબાજી ગઈ હતી. બસમાં પંકચર પડ્યું હતું એટલે બસ બહુ મોડી પહોંચી જેથી રાત્રે પાછા આવવાના બદલે ત્યાં ધર્મશાળામાં જ રાત રોકાઈ. તારા મમ્મી કે પપ્પા થોડોક ઠપકો આપશે પરંતુ એનાથી વિશેષ કંઈ જ નહીં. તું ખરેખર અંબાજી દર્શન કરવા જ ગઈ હતી એ રીતે જ ઘરમાં પ્રવેશ કરજે. માં અંબા તને સાચવી લેશે. કદાચ એમણે જ તને બચાવી છે. " અભિષેક બોલ્યો.
એ પછી અભિષેકે સાચા હૃદયથી અંબાજીને પ્રાર્થના કરી અને આ નાદાન છોકરીને સંભાળી લેવા માટે વિનંતી પણ કરી.
" તું ક્યાં રહે છે વિસનગરમાં ? " થોડીવાર પછી અભિષેક બોલ્યો.
" હું ગુંદીખાડ માં રહું છું અંકલ. પણ તમે મને ત્રણ દરવાજા પાસે ઉતારી દેજો. ત્યાંથી હું ચાલતી જતી રહીશ બહુ દૂર નથી." દિશા બોલી.
દોઢેક કલાકમાં જ વિસનગર આવી ગયું અને દિશાએ રસ્તો બતાવ્યો એ પ્રમાણે ત્રણ દરવાજા એણે ગાડીને લઈ લીધી. દિશા ત્યાં ઊતરી ગઈ. એણે નીચે ઉતરીને અભિષેકનો બે હાથ જોડીને આભાર માન્યો.
" થેન્ક્યુ અંકલ. આજે તમે મને બચાવી લીધી. " દિશા બોલી.
" તને મેં નહીં પણ જગદંબાએ બચાવી છે. હવે ભણવામાં ધ્યાન આપજે અને આવા બધા ચક્કરમાં પડીશ નહીં. ઈશ્વર એક જ વાર તક આપે છે. " અભિષેક બોલ્યો અને એણે ગાડી સ્ટાર્ટ કરી.
એણે ગાંધીનગર તરફ જતો રસ્તો પકડ્યો અને ત્યાં પહોંચ્યા પછી અમદાવાદને બાયપાસ કરીને રાજકોટ તરફ જતો રીંગરોડ પકડી લીધો.
દિશાનું આખું પ્રકરણ હજુ ભારતી આન્ટીને સમજાયું ન હતું. જો કે એમણે એક પણ સવાલ અભિષેકને પૂછ્યો ન હતો. એ ચૂપચાપ જોયા કરતાં હતાં. શરૂઆતમાં તો એમણે એમ જ માનેલું કે દિશા અભિષેકની કોઈ ઓળખીતી છોકરી હશે. પરંતુ વિસનગર દિશાને ઉતારી દીધા પછી અભિષેકે ભારતી આન્ટીને બધી જ વાત વિગતવાર કરી.
અભિષેકની વાત સાંભળ્યા પછી ભારતી આન્ટીના મનમાં ઘણા સવાલો ઊભા થયા પરંતુ એમણે પછી કોઈ ચર્ચા કરી નહીં. અભિષેકે એમને મા અંબાનાં દર્શન કરાવ્યાં એ એમને ગમ્યું જરૂર હતું પણ એમને અંબાજીનું ખાસ આકર્ષણ ન હતું.
સૌરાષ્ટ્રનો આખો પંથક દ્વારકાધીશ અને સોમનાથના પ્રભાવમાં છે એટલે સૌરાષ્ટ્રના લોકો કાં તો શ્રીકૃષ્ણને માને છે અથવા તો મહાદેવને માને છે. અંબાજીની ભક્તિ કરનારો વર્ગ અહીં ઓછો છે. જ્યારે ઉત્તર ગુજરાત મોટાભાગે મા અંબાના પ્રભાવમાં હોય છે અને જ્યારે પણ બે વ્યક્તિઓ મળે ત્યારે 'જય અંબે' થી જ વાતની આપ લે થતી હોય છે. મુંબઈમાં 'જય શ્રી કૃષ્ણ' કહેવાનો રિવાજ વધારે છે ! દરેક પ્રદેશ ઉપર અલગ અલગ ચેતનાનો પ્રભાવ હોય છે !
અભિષેક રાત્રે સાડા આઠ વાગે રાજકોટ પહોંચી ગયો. કુળદેવીનાં દર્શન કર્યા પછી એનામાં એક નવી જ શક્તિનો સંચાર થયો હતો.
દિવાળીના પાંચ દિવસ બાકી હતા ત્યારે એણે પોતાના વતન મુંબઈ જવાનું નક્કી કર્યું. દિવાળી તો વતનમાં જ કરવી જોઈએ એવું અભિષેકનું માનવું હતું. એણે દેસાઈ સાહેબની દસ દિવસ માટે પરમિશન લીધી. અભિષેકનું કામ જ એવું હતું કે દેસાઈ સાહેબે તરત જ રજા મંજૂર કરી દીધી.
" અરે અભિષેક દસ મહિનાથી તમે મારી હોસ્પિટલમાં સેવાઓ આપો છો. તમે આજ સુધી એક પણ વાર રજા લીધી નથી. સમય કરતાં વહેલા હોસ્પિટલમાં આવી જાઓ છો અને ઘરે પણ મોડા જાઓ છો. આખો હોસ્પિટલનો સ્ટાફ તમારાથી ખુશ છે પછી તમને રજા કેમ ના મળે ? જેટલું રહેવાની ઈચ્છા હોય એટલું મુંબઈમાં રહેજો અને યોગીજીને મળવાનું થાય તો મારા પ્રણામ કહેજો. " દેસાઈ સાહેબ બોલ્યા.
અભિષેક ત્યાંથી બહાર નીકળીને પોતાની ચેમ્બરમાં ગયો ત્યાં દિપાલીએ પ્રવેશ કર્યો.
" દિવાળીના દિવસોમાં હું તમને બહુ મિસ કરીશ સર. તમારી હાજરી જ આ હોસ્પિટલને જીવંત બનાવે છે. તમારી પાસે બેઠા પછી ઊભા થવાનું મન જ થતું નથી. એક ઉર્જા મળે છે તમારી પાસેથી. માસીને મારી ખાસ યાદ આપજો. જલ્દી જલ્દી દસ દિવસ પૂરા થઈ જાય અને તમે ફરી પાછા આવી જાઓ. " દિપાલી બોલી. એને ખબર પડી ગઈ હતી કે અભિષેક દસ દિવસ માટે મુંબઈ જાય છે.
મુંબઈ ગાડી લઈને જવું કે પછી ફ્લાઇટમાં જવું એની વિમાસણમાં એ હતો. પરંતુ છેવટે નક્કી કર્યું કે ગાડી લઈને જ મુંબઈ જવું. રાજકોટથી મુંબઈનો રસ્તો ૧૨ થી ૧૩ કલાકનો હતો અને વચ્ચે હોલ્ટ કરીને મુંબઈ સુધી ગાડી ખેંચી શકાય.
ઘરમાં કામવાળી બાઈ હતી અને રસોઈ કરવાવાળાં ભાવનાબેન પણ હતાં. ભારતી આન્ટીની તબિયત પણ અત્યારે સારી જ હતી એટલે એમના વિશે કોઈ ચિંતા કરવાની જરૂર ન હતી. છતાં એણે બાજુમાં રહેતાં સ્વાતિબહેનને માજીની ભલામણ કરી દીધી.
બીજા દિવસે એકાદશીની વહેલી સવારે ચાર વાગે એ ઉઠી ગયો. નાહી ધોઈને ગાયત્રીની માળા કરીને એણે ચા મૂકી દીધી. ભારતી આન્ટીને પણ જગાડી દીધાં.
" માસી ચા મૂકી દીધી છે. અત્યારે પીવી હોય તો પી લો. સુઈ જવાની ઈચ્છા હોય તો પછી પાછળથી ગરમ કરી દેજો. હું નીકળું છું. કામવાળી બાઈ પણ છે અને રસોઈ પણ બે ટાઈમ થઈ જશે. એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું દસેક દિવસ પછી આવીશ. " અભિષેક બોલ્યો.
" મારી કોઈ ચિંતા કરીશ નહીં બેટા. રાજકોટ તો મારું પોતાનું ગામ છે. આખી જિંદગી અહીં કાઢી છે. રસ્તો ઘણો લાંબો છે. તું શાંતિથી ગાડી ચલાવજે અને તારી તબિયત સાચવજે. " ભારતી આન્ટી બોલ્યાં.
એ પછી અભિષેક એમના ચરણસ્પર્શ કરીને સવારે છ વાગે જ ઘરેથી નીકળી ગયો. નીચે આવીને ગાડી સ્ટાર્ટ કરી અને આગળ પેટ્રોલ પંપ ઉપર હવા ચેક કરાવીને પેટ્રોલ પણ ફૂલ કરી દીધું.
વહેલી સવારે રસ્તો પણ ક્લિયર હતો અને હવે તો હાઇવે પણ સરસ હતો એટલે અભિષેક સાડા પાંચ કલાકમાં વડોદરા પણ પહોંચી ગયો. એણે ગુગલમાં સર્ચ કરીને તરસાલી પાસે આવેલી હોટલ હાઈ ફ્લાયમાં જમવાનું નક્કી કર્યું અને રેસ્ટોરન્ટ આવી જતાં જ ગાડી સાઈડમાં પાર્ક કરી. રેસ્ટોરન્ટમાં નામ પ્રમાણે એક મોટું પ્લેન પણ ગોઠવેલું હતું.
ધાર્યા કરતાં રેસ્ટોરન્ટ બહુ જ સરસ હતું અને સ્ટાફ આગ્રહ કરી કરીને જમાડતો હતો. ફૂડ પણ એકદમ સરસ હતું. અભિષેકે પંજાબી લંચ લઈ લીધું. એ પછી એણે ફરી ગાડી સ્ટાર્ટ કરી અને છ કલાક પછી દહીસર પણ પહોંચી ગયો.
પોતે મુંબઈ આવી રહ્યો છે એવી જાણ અભિષેકે રસ્તામાંથી વીણા માસીને કરી દીધી હતી એટલે રાત્રે આઠ વાગે એ ઘરે પહોંચ્યો ત્યારે જમવાનું તૈયાર જ હતું.
" ભાઈ રાજકોટ કેવું રહ્યું ? મુંબઈમાં રહેલા છો તો તમને રાજકોટ ફાવે છે ?" જમતી વખતે આરતીએ પૂછ્યું.
" દરેક શહેરની એક આબોહવા હોય છે એક તાસિર હોય છે એક સુગંધ હોય છે. મુંબઈ મુંબઈ છે તો રાજકોટ રાજકોટ છે. સરખામણી ના થઈ શકે પણ તમે ત્યાં રહેવાનું ચાલુ કરો એટલે તમને ત્યાં પણ એટલી જ મજા આવે. અને રાજકોટની રહેણીકરણી ફાવી જાય પછી તમને બીજે ક્યાંય ના ગમે. ત્યાં પાણીની જેમ લોકો છાશ પીએ છીએ. બપોરે ત્રણ કલાક આખું રાજકોટ બંધ ! " અભિષેક બોલતો હતો.
" રાજકોટમાં મને બહુ જ મજા આવે છે. અહીંના કરતાં પણ વધારે માન પ્રતિષ્ઠા મને ત્યાં મળ્યાં છે. હોસ્પિટલ પણ સરસ છે. જાણે મારી પોતાની જ હોસ્પિટલ હોય એવી રીતે હું ત્યાં જોબ કરું છું. " અભિષેક હસીને બોલ્યો.
" તમને દિપાલીએ યાદ આપી છે માસી. દિપાલી એક સારી છોકરી છે. એના ઘરે એકવાર મને જમવા માટે પણ બોલાવ્યો હતો. એ મારી જ હોસ્પિટલમાં જોબ કરે છે." અભિષેક બોલ્યો.
"તો પછી એની સાથે લગ્ન કરવામાં તને શું વાંધો છે ? દેખાવે પણ સારી છે અને સ્વભાવે પણ સારી છે અને તમારા બંનેની જોડી જામે એવી છે. " માસી બોલ્યાં.
" દિપાલી ચોક્કસ સારી છોકરી છે પરંતુ માસી હું મુંબઈની અંજલી નામની એક છોકરીને પસંદ કરું છું. એટલે પછી દિપાલી માટે વિચારી શકતો નથી. " આજે પહેલી વાર અભિષેકે માસી આગળ અંજલી વિશે વાત કરી.
" તને જો અંજલી પસંદ હોય તો પછી લગ્ન કેમ કરી લેતો નથી ભાઈ ? તને ૨૮ પૂરાં થઈ ગયા. નોકરી પણ તને સારી મળી ગઈ છે. તું ત્યાં એકલો રહે છે તો પછી લગ્ન કરી લેવામાં શું વાંધો છે ? " માસી બોલ્યાં.
" છ આઠ મહિના પછી હું મુંબઈ આવી જાઉં એ પછી લગ્ન ચોક્કસ કરી લઈશ માસી. " અભિષેક બોલ્યો.
" ભાઈ તમારી મહેરબાનીથી મને તમારી જ હોસ્પિટલમાં સારી નોકરી મળી ગઈ છે. રામાણી સાહેબ તમારાં ખૂબ જ વખાણ કરે છે. " આરતી બોલી.
" હા એમનો સ્વભાવ પણ સારો છે. મેં રાજીનામું આપ્યું ત્યારે એ ખૂબ જ દુઃખી થયા હતા. " અભિષેક બોલ્યો.
દિવાળી આવતી હતી એટલે માસીએ અભિષેક આવ્યો એના બે દિવસ પહેલાં જ કામવાળીને પૈસા આપીને આખું ઘર સાફસૂફ કરાવી દીધું હતું.
મુંબઈ આવી ગયો હતો એટલે અભિષેકને એક વાર અંજલીને મળવાની ઈચ્છા હતી. ખાસ તો એને જોવાની ઈચ્છા હતી. અંજલી હવે મુંબઈ આવી ગઈ છે એવું એણે જ એક દિવસ ફોન ઉપર કહ્યું હતું.
બીજા દિવસે સવારે નવ વાગે એણે અંજલીને કોલ કર્યો.
" હાય અંજલી. હુ અભિષેક. એક અઠવાડિયા માટે મુંબઈ આવ્યો છું અને તને રૂબરૂ જોવાની ખૂબ જ ઈચ્છા છે. " અભિષેક બોલ્યો.
" જરૂર મળીશું અભિ. તમને મળવા માટે તો હું પણ એટલી જ આતુર છું. હું તમને કેટલો પ્રેમ કરું છું એ હું તમને કહી શકતી નથી. મને બસ એક દિવસ આપો. આજે રાત્રે અથવા તો કાલે સવારે હું તમને જવાબ આપું છું કે આપણે ક્યારે અને ક્યાં મળવું. " અંજલી બોલી. અભિષેકના ફોનથી એ ખૂબ જ ઉત્તેજિત થઈ ગઈ હતી !
પરંતુ બીજી જ પળે એ પાછી અપસેટ થઈ ગઈ. મારા અભિષેકથી મારે કંઈ પણ છાનું રાખવું નથી. મારે સાચી વાત એમને કહેવી જ પડશે. પરંતુ હું વર્જિન નથી અને મેં ગર્ભપાત પણ કરાવેલો છે એ બધું જાણ્યા પછી શું અભિષેક મારો સ્વીકાર કરશે ?!!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
