અભિષેક (Abhishek Novel Part-25)

Related

અભિષેક પ્રકરણ 25

(આજનું ગંભીર પ્રકરણ ખૂબ જ શાંતિથી વાંચવું.)

" પપ્પા મારે તમારી સાથે વાત કરવી છે." બપોરે જમતી વખતે અંજલીએ એના પપ્પા જીતુભાઈને કહ્યું.

" હા તો કર ને ! તારે થોડી મારી પરમિશન લેવાની હોય ?" જીતુભાઈ બોલ્યા.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

" તમે નીરવ સાથે જબરદસ્તી મારાં લગ્ન કરાવીને મારી જિંદગી તો બરબાદ કરી જ દીધી છે. ગુરુજીએ મારાં લગ્ન ડૉ. અભિષેક સાથે થવાનાં છે અને એના માટે દોઢ વર્ષ સુધી રાહ જોવી પડશે એવું સ્પષ્ટ કહ્યું હતું ને ? છતાં પણ તમે એમનું પણ ન માન્યું. એ તો ઠીક પણ હું કુંવારી હતી છતાં મને એની સાથે ગોવા મોકલી. મારી લાઈફ તો બરબાદ થઈ ગઈ ને ! " અંજલી થોડા આક્રોશથી બોલી.

"બેટા કેટલી વાર તું મને એકની એક વાત સંભળાવીશ ? હું તારી માફી પણ માગી ચૂક્યો છું. મને પોતાને પણ ઘણો પસ્તાવો છે. મેં તો તારા ભલા માટે જ એ નિર્ણય લીધો હતો કે તું કેનેડા સેટ થઈ જાય ! " જીતુભાઈ બોલ્યા.

" તમે મને ગોવા કેમ મોકલી એનો જવાબ મને આપો. તમને ખબર ન હતી કે ગોવામાં મારી સાથે શું થવાનું છે ? " અંજલી પપ્પાની આંખોમાં આંખો પરોવીને બોલી.

"બેટા હું નીરવને નારાજ કરવા નહોતો માગતો. સગાઈ થઈ ગઈ હતી એટલે હું એને ના ન પાડી શક્યો. જમાના સાથે ચાલવું પડે એવું મને લાગ્યું અને નહીં મોકલું તો એ સગાઈ તોડી નાખશે એવો મને ભય હતો. હું કબુલ કરું છું કે એ મારી બહુ મોટી ભૂલ હતી પરંતુ જે થવાનું હતું તે થઈ ગયું." જીતુભાઈ બોલ્યા.

" હવે મારે શું કરવાનું ? " અંજલી બોલી.

" તને સારું પાત્ર મળી રહેશે બેટા. આટલું સારું ભણેલી છે. દેખાવમાં પણ સુંદર છે. સગાઈ તૂટી જવી એ કોઈ મોટી ઘટના નથી. સગાઈ તૂટી ગઈ હોય એવી કન્યાઓનાં પણ લગ્ન થતાં હોય છે. તું તૈયાર હો તો હું કાલથી છોકરા જોવાનું ચાલુ કરું." જીતુભાઈ બોલ્યા.

" અને મેં એબોર્શન કરાવેલું છે એ વાત મારે મારા પતિથી છાની રાખવાની ? એની સાથે વિશ્વાસઘાત કરવાનો ? " અંજલી બોલી.

"તું કેવી વાત કરે છે બેટા ! એ વાતને તું મનમાંથી જ કાઢી નાખ. સત્યવાદી થવાનો આ જમાનો નથી. વિદેશમાં તો આ બધું બહુ જ કોમન છે." જીતુભાઈ બોલ્યા.

" આ તમે બોલો છો પપ્પા ? તમે ગાયત્રીની માળા કરો છો. યોગીજી જેવા ગુરુ મળ્યા છે છતાં મને ખોટું બોલવાની શિખામણ આપો છો ? " અંજલી બોલી.

" તારા પપ્પા તારા ભલા માટે કહે છે બેટા. એમનાથી ભૂલ થઈ ગઈ છે. પણ વારંવાર એમને આ બધું યાદ કરાવવાથી શું ફાયદો ! અને સાચું બોલવાથી કોઈ સારો છોકરો થોડો તારી સાથે લગ્ન કરશે ? સગાઈ તૂટી ગઈ છે એટલું જ કહેવાનું." અંજલીની મમ્મી જયશ્રીબેન બોલ્યાં.

" મારા જીવનમાં જે હકીકત બની છે એને હું ભૂલી શકતી નથી મમ્મી. ડૉ. અભિષેક સાથે જ મારાં લગ્ન થશે એવું ગુરુજીએ કહ્યું એ પછી જ હું એમની સાથે આગળ વધી ગઈ હતી. એમણે મને ભરપૂર પ્રેમ કર્યો છે. એમનો વિશ્વાસઘાત કરીને મેં બીજે સગાઈ કરી અને એબોર્શન પણ થઈ ગયું. હવે આજે સવારે જ મારી ઉપર અભિષેકનો ફોન હતો. એ મને મળવા માગે છે. એ તો મારી સાથે લગ્ન કરવાનાં સપનાં જોઈ રહ્યા છે. મારે એમને ઘરે બોલાવવા છે પણ હવે કયા મોઢે હું આમંત્રણ આપું ? " બોલતાં બોલતાં અંજલીની આંખો ભીની થઈ ગઈ.

"મારું માને તો તું એમને ઘરે જમવાનું આમંત્રણ આપ. તારો અંતરાત્મા જે કહે એ પ્રમાણે એમની સાથે વાત કર. તું એમને પહેલી વાર મળી રહી છે. અને યોગીજીની વાણી કદી મિથ્યા થતી નથી. ભગવાન ઉપર ભરોસો રાખ. બીજી બધી ચિંતા છોડી દે." જયશ્રીબેન બોલ્યાં.

" કાલે સવારે જ એમને આપણા ઘરે જમવા માટે બોલાવું છું. હું તો એમને સાચી વાત જ કહેવાની છું મમ્મી. ભલે પછી એ મારી સાથે લગ્ન કરે કે ના કરે. અને એ જો મારો સ્વીકાર નહીં કરે તો આજીવન હું કુંવારી રહીશ એ પણ હું તમને લોકોને કહી દઉં છું." અંજલી બોલી અને જમવાનું અધૂરું છોડીને ઊભી થઈ ગઈ.

અંજલીએ એ જ રાત્રે લગભગ નવ વાગે અભિષેકને ફોન કર્યો.

" ડોક્ટર સાહેબ કાલે સવારે જ તમારે મારા ઘરે પધારવાનું છે. ઘરેથી નાસ્તો કરીને ના આવતા. મારા હાથે જ હું તમને જમાડવાની છું. સુંદરનગર મલાડનું એડ્રેસ તમને વૉટ્સએપ કરી દઉં છું. " અંજલી પ્યારથી બોલી.

" તારો મીઠો અવાજ સાંભળીને જ મારુ તો પેટ ભરાઈ જાય છે. એવું થાય છે કે ત્યાં આવીને મારી અંજલી સામે બસ જોયા જ કરું. " અભિષેક બોલ્યો.

અભિષેકની વાતો સાંભળીને અંજલી બહુ બેચેન બની જતી. - હું તો મારા અભિષેક માટે જ સર્જાઇ છું તો પછી મારા જીવનમાં આવું કેમ બની ગયું !!

"મારી પણ એવી જ હાલત છે અભિ. રૂબરૂ તમને મળવાની એટલી બધી તાલાવેલી છે કે હું તમને કહી શકતી નથી. મારો આત્મા તમારી સાથે એવો જોડાઈ ગયો છે કે દરેક જન્મમાં હું તમને જ મેળવવા માગું છું." અંજલી ભાવુક થઈને બોલી.

" હવે કાલ માટે થોડું બાકી રાખીએ ડાર્લિંગ. હું સવારે સાડા અગિયાર વાગે પહોંચી જઈશ. " અભિષેક બોલ્યો અને ફોન કટ કર્યો.

અંજલીના ફોનથી અભિષેક એટલો બધો ઉત્તેજિત થઈ ગયો કે આવી ઉત્તેજના એણે ક્યારે પણ અનુભવી ન હતી. અંજલિમાં એક જબરદસ્ત મોહિની હતી. પણ પછી એના મહાન ગુરુજીના શબ્દો એને યાદ આવી ગયા. અંજલીના જીવનમાં કંઈક બની ગયું છે પણ મારે એને માફ કરી દેવાની છે ! ગુરુજીએ એવું કેમ કહ્યું હશે !!!

બીજી બાજુ અંજલી પણ અભિષેક સાથે વાત કરીને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. ભલે મેં એમને જોયા નથી પરંતુ મને વિશ્વાસ છે કે મારા પ્રેમાળ અભિષેક મને જરૂર માફ કરી દેશે.

આજે ધનતેરશ હતી. આજ રાતથી દરેકના ઘરમાં દિવાળીના દીવા પ્રગટવાના હતા પરંતુ અંજલીના હૃદયમાં તો સવારથી જ દીવા પ્રગટી ગયા હતા. એ સવારથી જ વહેલી ઊઠીને પોતાના પ્રિયતમ માટે રસોઈ કરવા લાગી ગઈ હતી. એની મમ્મી પણ એને મદદ કરી રહી હતી.

" માસી આજે હું બહાર જમવાનો છું એટલે મારી રસોઈ ના બનાવશો. " અભિષેકે સવારમાં જ માસીને કહી દીધું હતું.

બરાબર ૧૧;૩૦ વાગે અભિષેક મલાડ સુંદર નગર અંજલીના ઘરે પહોંચી ગયો. અંજલીના મમ્મી પપ્પાએ એનું ભવ્ય સ્વાગત કર્યું. વિશાળ ડ્રોઈંગ રૂમમાં અભિષેક સોફા ઉપર બેઠો.

ડૉ. અભિષેકની આવી સુંદર પ્રતિભા જોઈને જીતુભાઈને પોતે કરેલી ભૂલ બદલ ખુબ જ પસ્તાવો થયો. ક્યાં આ અભિષેક અને ક્યાં પેલો નીરવ !! બંને વચ્ચે આસમાન જમીનનો ફરક હતો. કેનેડાના મોહમાં આવો સુંદર જમાઈ એમણે ખોઈ નાખ્યો હતો ! ખબર નહીં અભિષેક અંજલીની સાચી વાત જાણ્યા પછી એનો સ્વીકાર કરશે કે નહીં ! છતાં જાણે કંઈ બન્યું જ નથી એમ માનીને અંજલીનાં મા બાપ એની સરભરા કરી રહ્યાં હતાં.

આજે અભિષેક ગ્રે કલરના પેન્ટ ઉપર સફેદ લીનનનું કડક શર્ટ પહેરીને આવ્યો હતો. લગભગ છ ફૂટની હાઈટ અને કસાયેલું શરીર ! ચોકલેટી ચહેરા ઉપર ટ્રિમ કરેલી દાઢી અને મૂછ ચહેરાને વધુ આકર્ષક બનાવી રહી હતી.

" તમને મળીને ખૂબ જ આનંદ થયો છે અભિષેક કુમાર ! અમારી અંજલી તો તમારા નામની માળા જ જપે છે. જ્યારથી યોગીજીએ તમારું નામ લીધું છે ત્યારથી એ તમારી બની ચૂકી છે. " જીતુભાઈએ પૂર્વભૂમિકા બાંધી.

" મારું પણ એવું જ છે અંકલ. આજ સુધી મેં એને જોઈ નથી પણ મારા દિલમાં અંજલી માટે જે પ્રેમ છે એ હું તમને કહી શકતો નથી. " અભિષેક બોલ્યો.

અંજલી કિચનના દરવાજા પાસે ઊભી રહીને કાન સરવા કરીને આ બધું સાંભળી રહી હતી. અભિષેકની વાત સાંભળીને એના દિલમાં હલચલ મચી ગઈ હતી. એમનો અવાજ પણ કેટલો બધો રણકતો હતો !

રસોઈ તો અગિયાર વાગે પતી ગઈ હતી અને એ પછી એ સજી ધજીને તૈયાર થઈ ગઈ હતી. તે દિવસની જેમ આજે પણ વાળ ખુલ્લા રાખ્યા હતા. બ્લુ કલરની સાડી અને યલો કલરનો બ્લાઉઝ પહેર્યો હતો. અભિષેક આવ્યો ત્યારે એ કિચનમાં ઘૂસી ગઈ હતી. એણે હાથમાં પાણીનો ગ્લાસ લઈને ડ્રોઈંગ રૂમમાં જવાનું હતું પણ એના પગ ધ્રુજતા હતા. પહેલી જ વાર બંનેની નજરો મળવાની હતી !

છતાં હિંમત કરીને અંજલીએ ટ્રે માં પાણીનો ગ્લાસ મુક્યો અને ધીમા પગલે ચાલીને એ ડ્રોઈંગ રૂમમાં આવી. પાણીનો ગ્લાસ અભિષેકના હાથમાં આપ્યો પરંતુ અભિષેક સાથે નજરો મિલાવી શકી નહીં. નીચી નજરે જ પાણીનો ખાલી ગ્લાસ લઈને એ પાછી કિચનમાં જતી રહી.

" અરે બેટા તું બહાર જઈને એમની સામે બેસ તો ખરી ! આટલી બધી શરમાઈ કેમ જાય છે !! " અંજલીનાં મમ્મી જયશ્રીબેન બોલ્યાં.

" ના મમ્મી. એમનો સામનો કરવાની મારી હિંમત નથી. મને બહુ ડર લાગે છે. તું એમને બેડરૂમમાં મોકલી દે. હું ત્યાં જ એમને મળીશ. " અંજલી બોલી અને કિચનમાંથી નીકળીને સીધી બેડરૂમમાં જતી રહી.

"કુમાર તમે બેડરૂમમાં જાઓ. અંજલી તમને ત્યાં જ મળવા માંગે છે. " જયશ્રીબેન બહાર આવીને બોલ્યાં.

અભિષેક અંજલીને પ્રત્યક્ષ જોઈને અંજાઈ ગયો હતો. આટલું અદભુત સૌંદર્ય અંજલીનું હશે એની એને કલ્પના પણ ન હતી. આમ તો તે દિવસે અંજલીને વીડિયો કોલમાં જોઈ જ હતી છતાં પ્રત્યક્ષ અનુભવ આખો અલગ હતો !

અભિષેક ઉભો થયો. પોતાના મહાન ગુરુજીનું સ્મરણ કર્યું અને ધીમે ધીમે અંજલીના બેડરૂમમાં ગયો. અંજલી બેડ ઉપર એક તરફ તકિયાનો ટેકો લઈને બેઠી હતી. હજુ પણ એની નજરો નવોઢાની જેમ નીચી હતી.

બેડની બરાબર સામે એક સિંગલ સોફો મૂકેલો હતો. અભિષેક સોફા ઉપર બેઠો.

" ડાર્લિંગ તને મળવા માટે હું કેટલો બેચેન હતો એ તને હું સમજાવી શકું એમ નથી. આજે તને રૂબરૂ જોઈને મારા તો હોશ જ ઉડી ગયા છે. પણ તું આજે મારાથી આટલી બધી શરમાય છે કેમ કે નજરો પણ મિલાવતી નથી ? " અભિષેક બોલ્યો.

અને એ સાથે જ અંજલી બેડ ઉપરથી ઊભી થઈ ગઈ અને અભિષેકની સામે નીચે ઘૂંટણીએ બેસીને એનું માથું અભિષેકના ખોળામાં ઢાળી દીધું અને એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. અભિષેક તો બિચારો સમજી જ ના શક્યો કે અંજલી આટલી બધી રડે છે કેમ ! છતાં અનાયાસ એનો હાથ અંજલીના માથા ઉપર ગયો અને ધીમે ધીમે માથાના વાળ ઉપર એ પ્રેમથી હાથ ફેરવવા લાગ્યો. અભિષેકના આ પ્રેમથી અંજલી હીબકે ચડી ગઈ.

" અંજલી... અંજુ... તું શાંત થઈ જા ડાર્લિંગ. તને હું રડતી જોઈ શકતો નથી. મને સમજાતું નથી કે તું કેમ રડી રહી છે પરંતુ જે પણ હોય તું મારી સાથે ખુલ્લા દિલથી વાત કરી શકે છે. તું મારી અર્ધાંગિની છે. મારા જીગરનો ટૂકડો છે. તારું સ્થાન મારા પગમાં નથી મારા હૃદયમાં છે. " અભિષેક બોલ્યો.

" હું તમારે લાયક નથી રહી અભિ. હું વધુ તમને કંઈ કહી શકતી નથી. મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. " અંજલી રડતાં રડતાં બોલી રહી હતી.

અંજલીની વાત ઉપરથી અભિષેક સમજી ગયો કે એના જીવનમાં કોઈ દુર્ઘટના બની ગઈ છે. પણ અંજલીને એ બહુ સારી રીતે ઓળખતો હતો એટલે એને એ પણ વિશ્વાસ હતો કે જે કંઈ પણ બન્યું હશે એમાં અંજલીનો વાંક નહીં જ હોય. જે મને આટલો પ્રેમ કરતી હોય એ આવું કોઈ કાર્ય કરી શકે જ નહીં ! અંજલી સાથે બળાત્કારની કોઈ ઘટના બની હોય એવું બની શકે છે. અને ગુરુજીએ પણ એને ખાસ આદેશ આપ્યો હતો કે અંજલીને માફ કરી દેવી.

" અંજલી હું તને દિલથી પ્રેમ કરું છું. અને હું તને બહુ સારી રીતે ઓળખું છું. તારા જીવનમાં જે પણ બન્યું હોય એ તું મારી સાથે શેર કરી શકે છે. મારા પ્રેમમાં એનાથી કોઈ ફરક નહીં પડે. તું જેવી છે તેવી હું તને સ્વીકારવા તૈયાર જ છું. તારો અભિષેક હંમેશાં તારો જ રહેશે. " અભિષેક બોલ્યો અને એણે અંજલીને ખભાથી પકડી ધીમેથી ઊભી કરી અને દિલના ઉમળકાથી ભેટી પડ્યો !

રડતી અંજલીની પીઠ ઉપર એ વહાલથી એક હાથ ફેરવતો રહ્યો અને બીજા હાથથી અંજલીના ગાલ ઉપરથી આંસુ લૂછી નાખ્યાં. આ ક્ષણે અંજલીને લાગ્યું કે અભિષેક કદાચ દુનિયાનો શ્રેષ્ઠ પતિ હતો ! એ ધીમે ધીમે શાંત થઈ અને પછી ધીમેથી અભિષેકથી છૂટી પડીને બેડ ઉપર જઈને બેઠી. અભિષેક પણ એની બિલકુલ બાજુમાં જઈને તકિયાને અઢેલીને બેઠો.

" તારે જે કંઈ કહેવું હોય એ તું મને અત્યારે કહી શકે છે. આ જ યોગ્ય સમય છે. ફરી પાછાં આપણે ક્યારે મળીશું એ કંઈ નક્કી નથી. દિવાળી પછી તો હું રાજકોટ જતો રહીશ. માટે મનમાં જરા પણ સંકોચ રાખ્યા વગર કે ડર રાખ્યા વગર બધું જ મને કહી શકે છે. તારા જીવનમાં જે પણ દુર્ઘટના બની છે એ વિસ્તારપૂર્વક તું મને કહે. એક વાતની તું ખાત્રી રાખજે અંજુ કે એ સાંભળ્યા પછી મારા પ્રેમમાં કોઈ જ ફરક નહીં પડે ! " અભિષેકે અંજલીનો હાથ પોતાના હાથમાં લઈને આશ્વાસન આપ્યું.

અંજલીએ એક મોટો નિઃસાસો નાખ્યો. પછી ઊંડો શ્વાસ લઈને એણે વાત ચાલુ કરી.

" જાન યોગીજીએ મને પપ્પાની હાજરીમાં સ્પષ્ટ કહ્યું હતું કે તારો અભિષેક સાથે છેલ્લા બે જનમથી પતિ પત્નીનો સંબંધ છે અને આ જન્મમાં પણ તારાં લગ્ન અભિષેક સાથે જ થશે. પરંતુ તારે દોઢ વર્ષ સુધી રાહ જોવી પડશે. એ પછી થોડા દિવસમાં જ રેખાનો મારી ઉપર ફોન આવ્યો અને એણે તમારી ઓળખાણ મને કરાવી. એ પછી તમને મનોમન પતિ તરીકે સ્વીકારીને તમારી સાથે ચેટિંગ ચાલુ કર્યું. " અંજલી બોલી રહી હતી.

" પૂર્વ જન્મના કોઈ અભિશાપના કારણે મારે મારો ચહેરો તમને દોઢ વર્ષ સુધી બતાવવાનો ન હતો એટલા માટે મોબાઈલ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક માંથી મારા બધા જ ફોટા મેં દૂર કરી દીધા. ડીપીમાં પણ શિવલિંગનો ફોટો ગોઠવ્યો. તમે મને મળો નહીં એટલા માટે હું કેનેડા છું એ રીતે માત્ર રાત્રે જ વાત કરતી. " અંજલી ધીમે ધીમે બધી જ વાત કહી રહી હતી.

" પપ્પા યોગીજીને પોતાના ગુરુ માને છે અને એમનો સ્પષ્ટ આદેશ હતો કે મારાં લગ્ન તમારી સાથે જ કરાવવાં છતાં પણ ગુરુજીની સલાહની અવગણના કરીને મને કેનેડા મોકલવાના મોહમાં કેનેડાથી આવેલા એક છેલબટાઉ યુવક નીરવ સાથે જબરદસ્તી મારી સગાઈ કરી દીધી. નીરવ સોફ્ટવેર એન્જિનિયર છે. એ કેનેડા સેટ થયેલો છે. " અંજલી બોલી રહી હતી. અહીં એ બે મિનિટ અટકી ગઈ.

" હું પણ સોફ્ટ એન્જિનિયર છું અને કુદરતે મને આટલું રૂપ આપેલું છે એટલે નીરવ મને જોઈને જ પાગલ થઈ ગયો અને કુંડળી મળતી ન હોવા છતાં પણ એણે લગ્ન માટે હા પાડી દીધી. અમારી સગાઈ જાહેર પણ થઈ ગઈ. અને બસ ત્યાંથી મારું પતન ચાલુ થઈ ગયું..... " અંજલી બોલી અને ફરી રડવા લાગી.

"તું રડીશ નહીં ડાર્લિંગ. અડધી વાત તો હું સમજી ગયો છું છતાં તારા મોઢે સાંભળવા માગું છું. " અભિષેક બોલ્યો.

" સગાઈ પછી નિરવે ત્રણ ચાર દિવસ માટે મને ગોવા ફરવા લઈ જવાની વાત કરી. મેં ના પાડી તો એણે પપ્પાને વાત કરી. પપ્પા તો નીરવથી એટલા બધા અંજાઈ ગયા હતા કે એને નારાજ કરવા નહોતા માગતા. મારા વિરોધ છતાં પણ મારે એની સાથે ગોવા જવું પડ્યું. સતત ત્રણ દિવસ સુધી એ નરાધમે મને પીંખી નાખી. એ તો મને મુંબઈ મૂકીને કેનેડા ભાગી ગયો પણ મને પ્રેગનેન્ટ બનાવતો ગયો ! " અંજલી ફરી રડી પડી.

" અભિ મને માફ કરી દો. મેં તમારો વિશ્વાસ તોડ્યો છે. જાણે અજાણે પપ્પાના દબાણથી મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે હું તમારે લાયક રહી નથી. મારું આટલું બધું સૌંદર્ય તમારા પહેલાં જ એક વિકૃત હેવાને બહુ જ ખરાબ રીતે ભોગવી લીધું છે. અરે મારે તો એબોર્શન કરાવવું પડ્યું છે. તમે મને નફરત કરશો તો હું એને લાયક છું. પણ હું તમને જ મારા પતિ માનીને આખી જિંદગી પસાર કરી દઈશ " અંજલી રડતાં રડતાં બોલી.

અભિષેક આ બધું સાંભળીને પોતે જ દિગ્મૂઢ થઈ ગયો હતો ! ધાર્યા કરતાં પણ વધારે ગંભીર ઘટના બની હતી. એની અંજલી કોઈ બીજાના સંતાન ની મા પણ બનવાની હતી ! અભિષેક માટે આ વાત પચાવવી બહુ મુશ્કેલ હતી !!

અશ્વિન રાવલ (અમદાવાદ)

"અભિષેક" નવલકથા - અનુક્રમણિકા પર જવા માટે :☞અહીં ક્લિક કરો
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."