અભિષેક (Abhishek Novel Part-26)

Related

અભિષેક પ્રકરણ 26

અભિષેક અંજલીની છેલ્લી વાત સાંભળીને દિગ્મૂઢ થઈ ગયો હતો ! અંજલીના જીવનમાં ધાર્યા કરતાં પણ વધારે ગંભીર ઘટના બની હતી. એની અંજલી કોઈ બીજાના સંતાનની મા પણ બનવાની હતી ! અભિષેક માટે આ વાત પચાવવી મુશ્કેલ હતી!!

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

અભિષેક એવું માનતો હતો કે નીરવ સાથે એના પપ્પાએ જબરદસ્તી એની સગાઈ કરી હશે એટલે બહુ બહુ તો આજના જમાના પ્રમાણે નીરવે એની સાથે થોડી છૂટછાટ લીધી હશે અને કદાચ એકાદ વાર સંબંધ પણ થયો હશે. અને ત્યાં સુધી એ અંજલીને માફ કરવા પણ તૈયાર હતો. કારણકે સગાઈ કર્યા પછી ક્યારેક છોકરી બિચારી મજબૂર થઈ જતી હોય છે ! પરંતુ એ પ્રેગ્નેન્ટ પણ થઈ ગઈ હતી એ સાંભળ્યા પછી અભિષેક ખૂબ જ નિરાશ થઈ ગયો. એનું દિલ તૂટી ગયું.

પોતાના સમર્થ ગુરુ સ્વામી નિર્મલાનંદે તો અંજલીને માફ કરી દેવા આદેશ આપ્યો હતો પરંતુ અંજલીનું સૌંદર્ય બીજા કોઈએ ત્રણ દિવસ અને ત્રણ રાત ભોગવી લીધું હતું. હવે આવી અંજલીને એક પત્ની તરીકે પોતે કેવી રીતે અપનાવી શકે !! અભિષેકના મનમાંથી અંજલીના સૌંદર્યનું સંપૂર્ણ આકર્ષણ ધરાશાયી થઈ ગયું હતું.

પરંતુ અંજલી અભિષેકના મનોભાવો થી અજાણ હતી. એણે પોતાના જીવનમાં બનેલી ઘટનાનું વર્ણન ચાલુ જ રાખ્યું.

" નીરવ કેનેડા જતો રહ્યો એ પછી દોઢ મહિના બાદ મને પ્રેગ્નન્સીની ખબર પડી. પપ્પાએ એને કેનેડા ફોન કર્યો તો નીરવે ઉડાઉ જવાબ આપ્યો કે આ વાતને એટલી બધી ગંભીર લેવાની જરૂર નથી. આજના જમાનામાં તો આવું બધું ચાલ્યા કરે. એબૉર્શન કરાવી દેવાનું." અંજલી બોલી રહી હતી.

"છેવટે પપ્પાએ નીરવનાં મમ્મી પપ્પાનો સંપર્ક કર્યો તો એમણે તો ઊલટાનો મારો જ વાંક કાઢ્યો. મારા પપ્પાને કહ્યું કે --"નીરવે કોઈ જબરદસ્તી તો નથી કરી ને ! અંજલી પોતાની મરજીથી જ એની સાથે ગોવા ફરવા ગઈ હતી. લગ્ન પહેલાં મોજ મજા કરવા માટે આવા સંબંધો બાંધી દે પછી પરિણામ તો આવું જ આવવાનું ને ! અંજલી કંઈ નાની કીકલી થોડી છે ! હવે અમારે પણ એબોર્શન કરી ચૂકેલી વહુને સ્વીકારવાની આવીને !" અંજલી બોલી.

અભિષેક અંજલીની વાત ચૂપચાપ સાંભળી રહ્યો હતો. અંજલી સાથે ખૂબ જ ખરાબ દુર્ઘટના બની હતી એ અભિષેક સમજી શકતો હતો પણ એમાં પોતાનો વાંક શું ?

" અંજલી મને તારા પ્રત્યે પૂરી હમદર્દી છે. તારા પપ્પાના દબાણમાં તેં સગાઈ મંજૂર રાખી એ તો બધું હું સમજી શકું છું. પરંતુ તું એની સાથે ગોવા ગઈ એ તો તારી જ ભૂલ છે ને ! અહીં જ મારો વિરોધ છે. એના પપ્પાએ સાચું જ કહ્યું કે અંજલી કંઈ નાની નથી ! ગોવામાં શું થવાનું છે એ તને પોતાને ખબર નહોતી ? તું મને આટલો બધો પ્રેમ કરતી હતી છતાં એની સાથે સૂવા માટે ગોવા ગઈ ? " હવે અભિષેકથી ના રહેવાયું.

અને અભિષેકનું આ છેલ્લું વાક્ય તીરની જેમ અંજલીના હૃદયમાં ખૂંચી ગયું. અભિષેકનો આક્રોશ એકદમ સાચો હતો. પોતે સાવ નાદાન તો ન હતી. હજુ તો માત્ર સગાઈ થઈ હતી તો પછી હનીમુન કરવા શા માટે ગઈ ?

અંજલી પાસે અત્યારે અભિષેકના સવાલનો કોઈ જ જવાબ ન હતો. અભિષેકને પ્રેમ કરતી હોવા છતાં પણ બીજા યુવાનના સંતાનની એ મા બનવાની હતી. કોઈ પણ યુવાન આટલું મોટું કોમ્પ્રોમાઇઝ તો ના જ કરે ને !

" મારી વાતનું તું ખોટું ના લગાડીશ અંજલી. હું તને ભરપુર પ્રેમ કરતો હતો અને આજે પણ કરું છું પરંતુ તારી આ વાત પચાવવી મારા માટે બહુ જ મુશ્કેલ છે. અત્યારે હું બહુ જ અપસેટ થઈ ગયો છું. તારી સાથે આટલું બધું બન્યું હશે એની તો મને કલ્પના જ ન હતી. તારી સાથે એકાદ વાર એણે શારીરિક સંબંધ બાંધવા કોશિશ કરી હશે એવું જ હું માનતો હતો. પણ અહીં તો આખું હનીમૂન ઉજવાઈ ગયું છે અંજલી. મારા માટે આ સમાચાર બહુ જ આઘાતજનક છે. " અભિષેક બોલ્યો.

અંજલી પણ શું બોલે ! અભિષેકની વાત સાવ સાચી હતી. કોઈપણ પુરુષ લગ્ન વખતે પોતાની પત્ની પવિત્ર હોય અને એનું કૌમાર્ય અખંડ હોય એવી જ અપેક્ષા રાખતો હોય !

" હું તમને લગ્ન માટે કોઈ જ દબાણ કરતી નથી અભિ. મારું નસીબ જ ફૂટેલું હોય ત્યાં તમે પણ શું કરી શકો ! બસ હું તમારી સાચા દિલથી માફી માગું છું. મને એકવાર તમે માફ કરી દો. મારે એનાથી વધારે કંઈ જ જોઈતું નથી. " અંજલી બોલી અને એણે નીચા નમીને અભિષેકના પગ પકડી લીધા.

અભિષેકે એના ખભા પકડીને એને બેઠી કરી દીધી.

" મેં તને માફ કરી જ દીધી છે અંજુ. જે બનવાનું હતું એ તો બની જ ગયું છે. તારી આ ભૂલથી આપણા બંને વચ્ચે એક મોટી દિવાલ ચણાઈ ગઈ છે ! જિંદગીમાં પહેલીવાર તને મળી રહ્યો છું. કેટલા અરમાન હતા તને ખોળામાં સૂવાડીને વહાલ કરવાના ! મારી જિંદગીમાં આવું બનશે એની તો મને કલ્પના જ નહોતી. " અભિષેક નિઃસાસો નાખીને બોલ્યો.

" મેં આજે તમારા માટે પ્રેમથી મારા પોતાના હાથે રસોઈ બનાવી છે. મારી ઈચ્છા તો તમને મારા હાથે કોળિયા જમાડવાની હતી પરંતુ એના માટે મારી યોગ્યતા હવે રહી નથી. તમે ભોજનનો અનાદર ન કરશો. જમીને જ જજો. તમારી પીડા હું સમજી શકું છું પરંતુ બહાર જઈને ચહેરો હસતો રાખજો. મારાં મમ્મી પપ્પાને હવે હું વધારે દુઃખી જોવા માગતી નથી." અંજલી લગભગ રડમસ અવાજે બોલી.

" અંજલી તારે આટલા બધા નિરાશ થવાની જરૂર નથી. હું બહુ મોટા આઘાતમાં આવી ગયો છું પરંતુ મેં લગ્ન કરવાની હજુ ના પાડી નથી. મેં તને સાચા દિલથી પ્રેમ કર્યો છે એટલા માટે જ હું આજે આટલો બધો દુઃખી છું. ગોવા જઈને હનીમૂન ઉજવવાનો તારો નિર્ણય ખૂબ જ ખરાબ હતો. તારા માટે મને કેટલું બધું આકર્ષણ હતું !! હવે કોઈ બીજાની પત્ની સાથે લગ્ન કરવાનો છું એવી લાગણી થાય છે ! એની વેઝ.. તું ચિંતા ના કરીશ હું હસતો ચહેરો જ રાખીશ." કહીને અભિષેક બેડરૂમમાંથી બહાર નીકળી ગયો અને સોફા ઉપર જઈને બેઠો.

સોફા ઉપર બેઠા પછી અભિષેકને સ્વામી નિર્મલાનંદજીના શબ્દો યાદ આવ્યા.

"તારી અંજલીના જીવનમાં એક મોટી દુર્ઘટના બની ગઈ છે. તું કદાચ એને છોડી દે એ ડરથી એણે તને કશું કહ્યું નથી પરંતુ એની સાથે બહુ જ ખરાબ થયું છે. એ છોકરી પોતે નિર્દોષ છે પણ ભાવિ મિથ્યા થતું નથી. એને એક અભિશાપ નડી ગયો અને એ એના પિતાના કારણે ફસાઈ ગઈ. એ તને આજે પણ એટલો જ પ્રેમ કરે છે. કદાચ તારા કરતાં પણ વધારે. માટે તું એને માફ કરી દેજે. "

અભિષેકને લાગ્યું કે ગુરુજીએ એને સ્પષ્ટ શબ્દોમાં માફ કરી દેવાનું કહ્યું હતું છતાં પણ આજે એણે અંજલીને ખૂબ જ નિરાશ કરી અને ઘણું બધું સંભળાવી પણ દીધું. હવે અંજલીને નારાજ કરીને હું અહીંથી જઈ શકું નહીં.

બહાર ડ્રોઇંગ રૂમમાં અંજલીના પિતા જીતુભાઈ બેઠેલા જ હતા. અભિષેકને કહેવાનું મન તો થયું કે તમે મારી અંજલી સાથે આવી જબરદસ્તી કેમ કરી પરંતુ હવે આવું સંભળાવવાનો કોઈ મતલબ જ ન હતો.

" થઈ ગઈ અંજલી સાથે મીટીંગ ?" જીતુભાઈ બોલ્યા. બેડરૂમમાં શું ચર્ચા થઈ એ જાણવાની એમને બહુ જ ઇંતેજારી હતી.

" હા પપ્પા. અંજલી મને પસંદ છે અને એની સાથે લગ્નની મારી તૈયારી છે. અત્યારે તો હું રાજકોટ છું. હું મુંબઈ આવી જાઉં પછી લગ્ન વિશે હું તમને જણાવી દઈશ. " અભિષેક બોલ્યો. એણે પપ્પા કહીને જીતુભાઈ સાથે વાત કરી.

અભિષેકની વાત સાંભળીને જીતુભાઈ એટલા બધા ખુશ થઈ ગયા કે જેનું વર્ણન ના થઈ શકે. આટલી ખુશીનો અનુભવ એમના સમગ્ર જીવન દરમિયાન એમને ક્યારેય પણ થયો ન હતો. એમની તમામ માનસિક અશાંતિ ટેન્શન અને ચિંતા એક ક્ષણમાં જ દૂર થઈ ગયાં હતાં !

પૂછવાનું તો મન થયું કે અંજલીના જીવનમાં જે કંઈ બન્યું છે એનાથી તમે વાકેફ છો ? પરંતુ એ કંઈ બોલ્યા નહીં. અંજલીએ અભિષેક સાથે શું વાત કરી હશે એની એમને કોઈ જ કલ્પના ન હતી. પરંતુ જે પણ હોય અભિષેક લગ્ન માટે તૈયાર હતા એ જ સમાચાર એમના માટે મોટા હતા.

" અરે અંજલી બેટા રસોઈ ગરમ કરીને અભિષેક કુમારને જમાડી દો. સવા બાર વાગી ગયા છે." જીતુભાઈ એ મોટેથી કહ્યું.

અંજલી બેડરૂમમાંથી નીકળીને સીધી કિચનમાં જ ગઈ હતી પરંતુ અંદરથી ભાગી પડી હતી. અંજલીની ઈચ્છા અભિષેકને પોતાના હાથે જમાડવાની હતી એટલે એણે મમ્મી પપ્પાને કહી રાખ્યું હતું કે ડાઇનિંગ રૂમમાં કોઈએ આવવું નહીં.

જીતુભાઈએ બૂમ પાડી એટલે અંજલીનાં મમ્મી જયશ્રીબેને દાળ શાક ગરમ કરી દીધાં. અને પૂરીઓ તળવાની ચાલુ કરી દીધી. એ પછી એમણે અભિષેકની થાળી પીરસી દીધી અને અલગ રૂમમાં ગોઠવેલા ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી આવ્યાં. પાણીનો ગ્લાસ પણ મૂકી દીધો.

" હવે તું કુમારને જમાડી દેજે. હું બહાર બેસું છું. " કહીને જયશ્રીબેન ડ્રોઈંગ રૂમમાં ગયાં અને સોફા ઉપર બેસી ગયાં.

" અભિષેકકુમાર તમે વોશબેસિનમાં હાથ ધોઈને પેલા ડાઇનિંગ રૂમમાં જાઓ. થાળી પીરસી દીધી છે." જયશ્રીબેન બોલ્યાં.

" અભિષેક કુમાર અંજલી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. એમણે મને હમણાં જ કહ્યું. " અભિષેકની હાજરીમાં જ જીતુભાઈએ એમની પત્નીને ખુશ ખબર આપ્યા.

" તમારો કયા શબ્દોમાં આભાર માનવો એ જ સૂઝ મને પડતી નથી. તમે તો અમારી ઘણી ચિંતા ઓછી કરી નાખી. " બોલતાં બોલતાં જયશ્રીબેનની આંખો ભીની થઈ ગઈ.

" એમાં આભાર માનવાનો ના હોય મમ્મી. અંજલીને કોઈપણ સંજોગોમાં હું દુઃખી કરી શકું એમ નથી. બધું જાણતો હોવા છતાં પણ મેં એને માફ કરી દીધી છે. હું લગ્ન એની સાથે જ કરીશ. " અભિષેક જરાક મોટેથી બોલ્યો.

આ છેલ્લો સંવાદ કિચનમાં ઊભેલી અંજલીએ પણ સાંભળી લીધો. એને પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો આવતો. અભિષેક આ શું બોલી ગયા ! શું એમણે મને માફ કરી દીધી !!

અભિષેક ઉભો થઈને વોશબેસિન પાસે ગયો અને હાથ ધોઈ નાખ્યા. એની પાછળ જ હાથમાં નેપકીન લઈને અંજલી ઉભી હતી. અભિષેકે હાથ અને ચહેરો લૂછી નાખ્યા અને નેપકીન અંજલીના હાથમાં પાછો આપીને ડાઇનિંગ ટેબલ ઉપર જઈને બેઠો.

અંજલી એની બાજુમાં જઈને ઉભી રહી. અભિષેક પોતાની પીરસાયેલી થાળી સામે જોઈ રહ્યો. શિખંડ, પૂરી, લચકો મોહનથાળ, બટેટાની સૂકી ભાજી, કઢી ભાત અને ખમણ હતાં.

" આ લચકો મોહનથાળ બહારથી લાવી છું. બાકીનું બધું જ મેં બનાવ્યું છે. જોઈ શું રહ્યા છો ? જમવાનું ચાલુ કરો ને ! " અંજલી બોલી.

" હું તો તારી રાહ જોઈ રહ્યો છું કે તું ક્યારે મને ખવડાવે ! તેં જ તો મને કહ્યું હતું કે મારા હાથેથી તમને કોળિયો જમાડીશ ! " અભિષેકે અંજલીની સામે જોઈને કહ્યું.

"તે તમે એ બધું યાદ રાખ્યું છે ? મને એમ કે હવે તમે મારા હાથનો કોળિયો પસંદ નહીં કરો ! " અંજલી મલકાઈને બોલી.

" ગુસ્સો તો આવે પણ ગુસ્સાને કાયમ માટે ગાંઠે બાંધી રાખવાનો થોડો હોય ! અને આવી રૂપસુંદરી મને બીજે ક્યાં મળવાની હતી ? " અભિષેક બોલ્યો.

" તો પછી લો આ શિખંડથી શરૂઆત કરો અભિ. શુકન હંમેશા દહીંથી જ થાય અને શિખંડ દહીંમાંથી જ બને " કહીને અંજલીએ એક ચમચી શિખંડ અભિષેકના મોઢામાં મુક્યો અને બીજા કોળિયામાં ગરમ પૂરીના ટૂકડા સાથે શિખંડ ખવડાવ્યો. એ સાથે જ અભિષેકે પણ એક ચમચી શિખંડ અંજલીના મોઢામાં મૂક્યો.

" સૂકી ભાજી બહુ સરસ બની છે અને પૂરી સાથે તો એ વધારે સ્વાદિષ્ટ લાગે છે. " અભિષેક બોલ્યો.

" તમને બટાકાનું શાક બહુ ભાવે છે એવું એક વાર તમે મને ફોન ઉપર કહ્યું હતું. તમને યાદ નહીં હોય પરંતુ હું ભૂલી નથી. અને આમ પણ પૂરી સાથે બટાકાનું કોમ્બિનેશન હંમેશાં સરસ જ લાગે છે !" અંજલી બોલી.

" ગ્રેટ !! બન્યું છે પણ બહુ સરસ. અને આ શિખંડ પણ તેં જાતે બનાવ્યો છે ? " અભિષેક બોલ્યો.

" હા પણ મારી મમ્મીની મદદથી. ગઈકાલે સવારે તમારી સાથે વાત થઈ કે તરત જ દહીં જમાવી દીધું હતું. રાત્રે શિખંડ બનાવીને ફ્રિજમાં મૂકી દીધો હતો. " અંજલી બોલી.

" અદભુત ટેસ્ટ છે શિખંડનો પણ. " અભિષેક બોલ્યો.

" થૅન્ક યુ અભિ. બસ આ બધું માત્ર તમારા માટે જ કર્યું છે ! " અંજલી બોલી.

અંજલી અત્યારે એટલી બધી ખુશ હતી કે જેનું વર્ણન થઈ શકે એમ નથી.

" હવે તું પણ ફટાફટ તારી થાળી લઈ આવ અને મારી સામે બેસી જા. આપણે સાથે જ જમીએ. હું તારી રાહ જોઉં છું. " અભિષેક બોલ્યો.

અંજલી દોડતી કિચનમાં ગઈ અને માત્ર બે જ મિનિટમાં પોતાની થાળી પીરસીને લઈ આવી. અભિષેકની નારાજગી પછી અંજલીની ભૂખ જ મરી ગઈ હતી પરંતુ હવે અભિષેકનો પ્રેમ જોઈને એની ભૂખ ઊઘડી અને એણે પણ જમવાનું ચાલુ કર્યું.

" મમ્મી થોડી ગરમ પૂરી અને સૂકી ભાજી લાવજે ને ! " અંજલીએ ડાઇનિંગ ટેબલ ઉપર બેઠાં બેઠાં જ હવે એની મમ્મીને બૂમ પાડી.

પછી તો જયશ્રીબેન દીકરી અને જમાઈને આગ્રહ કરી કરીને જમાડતાં ગયાં. આજે તેમનું માતૃહૃદય હીલોળે ચડ્યું હતું. પોતાની વ્હાલી દીકરીને મનગમતો વર મળી ગયો હતો.

" જો ચિંતા કરીશ નહીં. હું બધું જ ભૂલી ગયો છું. બે દિવસ પછી દિવાળી છે. ઘરે શાંતિથી ઉજવજે. ચાર પાંચ દિવસ પછી હું રાજકોટ જવા નીકળી જઈશ. ઈચ્છા થાય તો તું પણ રાજકોટ આવી શકે છે. હજુ મારે ત્યાં આઠ દસ મહિના રહેવું પડશે. એ પછી જ લગ્નનું વિચારીશું. પૈસાની તમને લોકોને કોઈ તકલીફ હોય તો પણ જણાવજે. હું અને તું હવે અલગ નથી." અભિષેક લાગણીથી બોલ્યો.

" મારી જોબ ચાલુ છે એટલે મને તો પૈસાની કોઈ તકલીફ નથી. લગ્ન થશે ત્યારે પપ્પાને લોન લેવી પડશે એવું લાગે છે. એમને પ્રાઇવેટ જોબ છે એટલે બહુ મોટું સેવિંગ નથી." અંજલી બોલી.

" લગ્નના ખર્ચાની ચિંતા તું છોડી જ દેજે અને પપ્પાને પણ કહી દેજે કે કોઈ લોન બોન ના લે. આપણા લગ્નનો બધો જ ખર્ચો હું ઉપાડી લઈશ. તારી જાણ માટે હવે તને જણાવી દઉં કે મારી પોતાની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખારમાં લિંકિંગ રોડ ઉપર બની રહી છે. " અભિષેક થાળીમાં હાથ ધોઈને બોલ્યો.

" તમારી પોતાની હોસ્પિટલ ? પણ તમે તો રાજકોટમાં જોબ કરો છો !" અંજલી બોલી. એને અભિષેકની વાત કંઈ સમજાઈ નહીં.

" હોસ્પિટલ તો હજુ બની રહી છે ડાર્લિંગ. તૈયાર થતાં દોઢ બે વર્ષ તો લાગે ને ! અને હું ઘરે બેસીને શું કરું ? એટલે ટાઇમ પાસ કરવા માટે જોબ કરી રહ્યો છું. મારી સાચી ઓળખાણ તો તને લગ્ન પછી થશે કે તેં કોની સાથે લગ્ન કર્યાં છે !! " અભિષેક હસીને બોલ્યો અને ઉભો થયો.

પેન્ટના ખિસ્સામાંથી પચાસ હજારનું બંડલ કાઢીને એણે અંજલીના હાથમાં આપ્યું.

" આ આપણી સગાઈના શુકનના ! એમાંથી મમ્મીને સાથે રાખીને જે લેવું હોય તે લઈ લેજે. આજે ધનતેરસ છે એટલે ખાલી હાથે ના જવાય ! " અભિષેક હસીને બોલ્યો અને બહાર જઈ મમ્મી પપ્પાની રજા લઈ ફ્લેટની બહાર નીકળી ગયો.

અંજલી તો એને બહાર જતો જોઈ જ રહી. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને તે પણ ખાર જેવા પૉશ એરિયામાં ! આવા વિશાળ હૃદયના શ્રીમંત અને હેન્ડસમ યુવાનને દગો દઈને હું પેલા નીરવના ખોળામાં જઈ બેઠી ! અભિષેકની અમાનત પેલા હરામીને સોંપી દીધી ! શીટ...!!

અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."