અભિષેક (Abhishek Novel Part-27)

Related

અભિષેક પ્રકરણ 27

અભિષેક અંજલીના ઘરેથી નીકળીને સીધો દહીસર આવી ગયો. આજે ધનતેરશ હતી અને આજથી દિવાળી ચાલુ થતી હતી એટલે દહીસરમાં એની જાણીતી મીઠાઈની દુકાનમાંથી ઘણી બધી મીઠાઈ ખરીદી. દીવા કરવા માટે એક જગ્યાએથી થોડાં કોડિયાં અને મીણબત્તી પણ લઈ લીધી. ફટાકડાનો એને કોઈ શોખ ન હતો.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

" માસી દિવાળી માટે આ મીઠાઈ લાવ્યો છું. રાત્રે દીવા કરવા માટે આ કોડિયાં અને મીણબત્તી પણ લીધી છે." કહીને એણે ખરીદ કરેલી બધી વસ્તુઓ વીણા માસીને આપી દીધી.

" અરે પણ બેટા આટલી બધી મીઠાઈ કોણ ખાશે? આપણે ત્રણ જણાં તો છીએ. " માસી હસીને બોલ્યાં.

" દિવાળી છે એટલે દિલથી મીઠાઈ ખરીદી છે. ત્રણ ચાર પેકેટ ઘરમાં રાખો અને બાકીની મીઠાઈ આ રસોઈવાળાં બેનને અને કામવાળી બાઈને પણ આપી દેજો. " અભિષેક બોલ્યો.

આજે ધનતેરશ હતી એટલે અભિષેક માસી અને આરતીને લોકલ ટ્રેનની ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈને સાંજે મહાલક્ષ્મી મંદિરે દર્શન કરાવી આવ્યો. આજે ત્યાં ભીડ બહુ હતી.

ધનતેરશ હતી એટલે રાત્રે એણે અને માસીએ ભેગા થઈને લક્ષ્મીપૂજન પણ કર્યું. પોતાના જીવનમાં અચાનક લક્ષ્મીનો જે વરસાદ થયો હતો એના માટે મહાલક્ષ્મીનો આભાર પણ માન્યો.

રાત્રે અભિષેકે વિચાર્યું કે જો દોઢ બે વર્ષમાં પોતાની હોસ્પિટલ ખારમાં શરૂ થશે તો પછી દહીસર રહીને અપડાઉન કરવાનું ફાવશે નહીં એટલે ખાર કે પછી નજીક પાર્લામાં કોઈ મોટો ફ્લેટ લેવો પડશે.

બીજા દિવસે સવારે એ ઋષિકેશ અંકલના ઘરે ગયો. પોતે રાજકોટ રહેતો હતો એટલે ફ્લેટ માટે એમને જ કહી રાખવું પડશે.

અચાનક અભિષેકને જોઈને ઋષિકેશ અંકલ તથા શિવાની બંને ચમકી ગયાં. દિવાળી હોવાથી શિવાનીએ ચાર દિવસની રજા લીધી હતી.

"વ્હોટ એ સરપ્રાઈઝ !! આવો આવો" શિવાનીએ ઉમળકાભેર એનું સ્વાગત કર્યું. અભિષેક ઋષિકેશ અંકલના ચરણસ્પર્શ કરીને સોફા ઉપર બેઠો એટલે એ પાણીનો ગ્લાસ પણ લઈ આવી.

" ક્યારે આવ્યા રાજકોટથી ? " અંકલ બોલ્યા.

" બસ બે જ દિવસ થયા અંકલ" અભિષેક બોલ્યો.

" તમારી પેલાં બેનની સેવા કેવીક ચાલે છે ? તમે તો ત્યાં જઈને ફોન પણ નથી કરતા. બે ત્રણ મહિને એકાદ વાર તો વાત કરવી જોઈએ ને " ઋષિકેશ અંકલે મીઠી ફરિયાદ કરી.

" કબુલ કરું છું અંકલ મારી ભૂલ છે. હવેથી ચોક્કસ ક્યારેક ક્યારેક ફોન કરતો રહીશ. રાજકોટ સારું ફાવી ગયું છે અને આન્ટીએ મને માફ પણ કરી દીધો છે. એમને સાથે લઈને તમારી સલાહ મુજબ નવા જ ફ્લેટમાં રહેવા ગયો છું. " અભિષેક બોલ્યો.

" આ તો તમે સારા સમાચાર આપ્યા. હવે તો તમે લગ્ન પણ કરી શકશો. " અંકલ બોલ્યા.

" હા અંકલ પરંતુ આન્ટી હયાત છે ત્યાં સુધી હું ત્યાં જ રહેવાનો છું. એમના છેલ્લા શ્વાસ સુધી સેવા કરવાની મારી ફરજ છે. એમના ગયા પછી જ હું મુંબઈ આવીશ અને અંજલી સાથે લગ્ન કરીશ." અભિષેક બોલ્યો.

" મને એવું લાગે છે કે તમારા એ આન્ટીનું આયુષ્ય છ મહિનાથી વધારે નથી. " અંકલ બોલ્યા.

" તમે ગાયત્રીના મહાન ઉપાસક છો એટલે તમારી વાણી તો બ્રહ્મવાક્ય જેવી હોય. બાકી અત્યારે તો એમની તબિયત ઘણી સારી છે. " અભિષેક બોલ્યો.

" હા. આયુષ્યનું તો કંઈ નક્કી જ ના હોય ને ! ગમે ત્યારે જીવનલીલા સમાપ્ત થઈ જાય. તમે અંજલીને મળ્યા કે નહીં ? હવે તો મળી શકો છો ને ! " અંકલ બોલ્યા.

" હા અંકલ ગઈકાલે જ એના ઘરે મલાડ ગયો હતો. એણે જમવાનું આમંત્રણ આપ્યું હતું. પહેલીવાર જ અંજલીને મેં જોઈ. ખૂબ જ પ્રેમાળ છે. " અભિષેક બોલ્યો.

" તમારું લગ્નજીવન ખૂબ જ સુખી છે અભિષેક. હું તો અંજલી વિશે કંઈ જાણતો નથી પરંતુ જોઈ શકું છું કે એ છોકરી ખૂબ જ ડાહી છે. સંસ્કારી અને સેવાભાવી પણ છે. " ઋષિકેશ અંકલ બોલ્યા.

" જી અંકલ એને મળ્યા પછી મને પણ એવું જ લાગે છે. એના પપ્પા જીતુભાઈ યોગીજીને ખૂબ જ માને છે અને એમણે જીતુભાઈને ખાસ કહ્યું હતું કે અંજલીનાં લગ્ન અભિષેક સાથે જ થશે પરંતુ તમારે કદાચ દોઢ બે વર્ષ રાહ જોવી પડશે. છતાં પણ એમણે અંજલીની સગાઈ બીજે કરી નાખી અને છેવટે તોડવી પડી. " અભિષેક બોલ્યો. એણે બીજી કોઈ વાત કરી નહીં.

" ગુરુનાં વચનોમાં અટલ વિશ્વાસ બહુ ઓછા લોકોમાં હોય છે. બધાની એ કક્ષા હોતી નથી. યોગીજીના કારણે જીતુભાઈને હું ઓળખું છું. હા એમની દીકરી અંજલી વિશે બહુ જાણતો નથી. " અંકલ બોલ્યા.

" અંકલ હું એક બીજા કામ માટે તમારી પાસે આવ્યો છું. તમે જાણો છો કે મારી હોસ્પિટલ ખારમાં લિન્કિંગ રોડ ઉપર બની રહી છે. હવે એક દોઢ વર્ષમાં એ તૈયાર પણ થઈ જશે. મારે હવે હોસ્પિટલની નજીક કોઈ ફ્લેટ ખરીદવો પડશે. છેક દહીસર રહીને આવ જા કરવી મુશ્કેલ ગણાય. હું તો હવે બે ત્રણ દિવસમાં રાજકોટ જતો રહીશ. તો તમે એની આજુબાજુના કોઈ સારા લોકેશનમાં ફ્લેટ શોધી આપશો ? " અભિષેક બોલ્યો.

" જુઓ ખાર અને જુહુ સ્કીમ વિસ્તાર ખૂબ જ મોંઘો અને પૉશ વિસ્તાર છે. બાંદ્રામાં તમને મજા નહીં આવે. મારી દ્રષ્ટિએ વિલે પાર્લે ઈસ્ટ તમારા માટે બેસ્ટ વિસ્તાર છે. એક તો આપણો ગુજરાતી એરીયા છે અને તમને રહેવાની પણ મજા આવશે. " ઋષિકેશ અંકલે પોતાનો અભિપ્રાય આપ્યો.

" તમે જે પસંદ કરો તે અંકલ. હું એક સવાલ તમને નહિ પૂછું. તમે અનુભવી છો અને તમારી પાસે ગાયત્રી ઉપાસના ના કારણે એક વિઝન પણ છે. " અભિષેક બોલ્યો.

" ઠીક છે. આમ તો મારો એક મિત્ર ઇન્વેસ્ટર છે અને મને યાદ છે ત્યાં સુધી પાર્લેમાં પણ એણે કોઈ સ્કીમમાં રોકાણ કરેલું છે. ઉભા રહો હું એને ફોન કરીને અત્યારે જ પૂછી લઉં. " અંકલ બોલ્યા અને એમણે એનો નંબર સર્ચ કરીને તરત જ કોલ લગાવ્યો.

" અરે ડેવિડભાઈ ઋષિકેશ બોલું છું. પાર્લે બાજુ કોઈ સ્કીમમાં તમારું રોકાણ ખરું ? મારા એક અંગત ડોક્ટર મિત્ર માટે કોઈ સારો ફ્લેટ હું સર્ચ કરી રહ્યો છું. " ઋષિકેશભાઇ બોલ્યા.

" હા છે ને ! ચાર બેડરૂમ કિચનનો ૨૮૦૦ ચોરસ ફુટનો એક લક્ઝુરિયસ ફ્લેટ મારે કાઢી નાખવાનો જ છે. સ્કીમ બનતી હતી ત્યારે જ મેં એમાં રોકાણ કરેલું. પરંતુ અત્યારે ભાવ ત્યાં બહુ જ ચાલે છે સાહેબ. એક ચો. ફૂટ નો ૨૫૦૦૦ નો ભાવ ચાલે છે. એટલે બીજા ખર્ચા ના ગણું તો પણ તમને સાત કરોડમાં પડે." ડેવિડ બોલ્યો.

" સારુ પાંચ મિનિટમાં તમને ફોન કરું છું. તમે સ્કીમનું નામ મને કહી શકો ?" ઋષિકેશભાઇ બોલ્યા.

" હા હા તમારાથી ક્યાં છૂપાવવાનું છે ? વિલે પાર્લે ઇસ્ટમાં નહેરુ રોડ ઉપર અથર્વ હાઇટ્સ ટાવર છે એમાં પાંચમા માળે ૫૦૧ નંબરનો મારો ફ્લેટ છે. રેલ્વે સ્ટેશનથી ચાલીને જઈ શકાય સાહેબ. " ડેવિડ બોલ્યો.

" ઠીક છે હું તમને થોડીવારમાં ફોન કરું છું. " ઋષિકેશભાઇ બોલ્યા.

" જુઓ અભિષેક. નસીબ તમારાં ખરેખર સારાં છે. ચાર બેડરૂમનો ફ્લેટ એ પણ પારલા જેવા એરિયામાં સ્ટેશનથી નજીક મળી રહ્યો છે. મેં એ લોકેશન જોયેલું છે. બધો ગુજરાતી એરીયા છે. સાત કરોડ કહે છે પરંતુ સાડા છ સુધી પતી જશે. " અંકલ બોલ્યા.

" મને મંજૂર છે અંકલ. તમે આ સોદો પતાવી દો. કાલે તો દિવાળી છે એટલે બે દિવસ જવા દઈએ. ફુલ પેમેન્ટ એક સાથે જ આપી દઈશ. એ જે કહે એ રકમનો ચેક અને બાકીની રકમ માટે મારી પાસે બિસ્કીટ પડ્યાં છે એ એને આપી દઈશ. " અભિષેક બોલ્યો.

" હા બિસ્કીટ પણ ચાલશે. હું રકમ ફાઈનલ કરી દઉં છું. તમને ફોન કરું એટલે જ્યાં બોલાવું ત્યાં આવી જજો." અંકલ બોલ્યા.

એટલામાં શિવાની અંદરથી ગરમ બટેટાપૌંઆની બે ડીશ લઈને આવી.

" અરે આ બધી ધમાલ મારા માટે શા માટે કરી ? " અભિષેક શિવાની સામે જોઈને બોલ્યો.

" ખાઓ ને ભલા માણસ ! તમારા લીધે મને પણ ગરમ નાસ્તો મળે છે ને ? " અંકલ બોલ્યા.

" પપ્પા....! તમે પણ શું !! અભિષેક સર ના હોય ત્યારે તમને ગરમ નાસ્તો નથી મળતો ? " શિવાની મીઠો છણકો કરીને બોલી.

" અરે બેટા હું તો ખાલી મજાક કરું છું. " અંકલ બોલ્યા.

નાસ્તો પતી ગયો એટલે શિવાની ચાના બે કપ લઈને આવી.

" અભિષેક આજે કાળી ચૌદસ છે. આજની રાત કાલરાત્રિ ગણાય છે. જગદંબાની કૃપા મેળવવી હોય તો આજે રાત્રે બેસી જજો. સાધના માટે આજની રાત બહુ જ મહત્વની છે. ચંડીપાઠ ફાવતો હોય તો આજે રાત્રે ખાસ કરજો. આજે આખી રાત જગદંબાની ચેતના પૃથ્વીની ખૂબ જ નજીક હશે. સૂક્ષ્મ જગત પણ આજે ખૂબ જ સક્રિય રહેશે. " ઋષિકેશ અંકલ બોલ્યા.

" જી અંકલ. ચંડીપાઠ ચોક્કસ કરીશ. નવરાત્રીમાં નવ દિવસ સુધી મેં પાઠ કરેલા છે અને મને ફાવે પણ છે. ચાલો હવે હું રજા લઉં. " અભિષેક બોલ્યો અને અંકલ તેમ જ શિવાનીની રજા લઈને બહાર નીકળી ગયો. અંકલની નાની દીકરી અત્યારે ઘરે દેખાતી ન હતી.

અને એ દિવસે અભિષેકે રાત્રે સાડા અગિયાર થી દોઢ વાગ્યા સુધી શુદ્ધ ઉચ્ચારથી ચંડીપાઠ કર્યો. એ પછી મહાકાલીને પ્રાર્થના પણ કરી. પાઠ કર્યા પછી એને પોતાને જગદંબાની હાજરી જણાઈ. ઝાંઝરનો ઝણકાર પણ સાંભળ્યો.

દિવાળીના દિવસે અભિષેક ખાસ યોગીજીને ફોન કરીને એમને મળવા માટે ગયો.

" નમસ્કાર ગુરુજી. અઠવાડિયા માટે મુંબઈ આવ્યો છું. આજે ખાસ તમારાં દર્શન કરવા માટે જ આવ્યો છું. રાજકોટમાં સરસ ફાવી ગયું છે અને તમારા આશીર્વાદથી દેસાઈ સાહેબની હોસ્પિટલમાં સેટ પણ થઈ ગયો છું. " અભિષેક બોલ્યો.

" હા એ તો મને ખ્યાલ આવી ગયો છે અને થોડા દિવસ પહેલાં ડૉ. દેસાઈનો ફોન પણ મારી ઉપર હતો. ભારતીબેન ની સેવા તો બરાબર ચાલે છે ને ! " યોગીજી બોલ્યા.

" જી ગુરુજી. આન્ટીની તબિયત પણ હવે તો સારી છે. દેસાઈ સાહેબે તમને યાદ આપી છે. મારે લાયક કોઈ સેવા હોય તો જણાવો. " અભિષેક બોલ્યો.

" ના બસ અત્યારે તો કોઈ સેવા નથી. સ્વામી નિર્મલાનંદજી દ્વારા તમારી પ્રગતિની મને બધી જ જાણ થાય છે. મુંબઈ આવી જાઓ પછી મને મળજો. " યોગીજી બોલ્યા. એમણે આજે અંજલી વિશે કોઈ ચર્ચા ન કરી.

એ પછી યોગીજીને પ્રણામ કરીને અભિષેક નીકળી ગયો.

દિવાળી અને બેસતા વર્ષનો દિવસ સરસ રીતે પસાર થઈ ગયો. ઋષિકેશ અંકલનો ફોન આવી ગયો હતો. ભાઈ બીજના દિવસે સવારે અગિયાર વાગે વિલે પાર્લેના ફ્લેટ માટે ડેવિડ સાથે મીટીંગ હતી. નહેરુ રોડ ઉપર જ શિવ સાગર રેસ્ટોરન્ટમાં મીટીંગ રાખી હતી. ઋષિકેશ અંકલ ત્યાં સીધા પહોંચી જવાના હતા.

અભિષેક સમયસર પાર્લે પહોંચી ગયો. દૂર જવાનું હોવાથી એણે ટ્રેઈન જ પસંદ કરી હતી. સ્ટેશને ઉતરીને પંદર મિનિટમાં ચાલતાં ચાલતાં જ શિવસાગર પહોંચી ગયો.

ડેવિડ લગભગ ૩૪ ૩૫ ની ઉમરનો બેઠી દડીનો યુવાન હતો. રંગે થોડો શ્યામ કહી શકાય. ઋષિકેશ અંકલ આવી ગયા હતા અને એની બાજુમાં જ બેઠા હતા.

" જુઓ ડેવિડ આ મારા ડૉક્ટર મિત્ર રાજકોટ રહે છે એટલે અમારે આજે સોદો ફાઇનલ કરી દેવો છે. તમે છેલ્લો ભાવ બોલી દો એટલે ટોકન ચેક આપી દઈએ." ઋષિકેશભાઇ બોલ્યા.

છેવટે રકઝક કરતાં સાડા છ કરોડમાં વાત ફાઇનલ થઈ ગઈ. સાડા પાંચ કરોડનો ચેક અને એક કરોડ રોકડાની વાત થઈ.

" આટલી બધી કેશની વ્યવસ્થા કરવી એ અઘરું કામ છે એટલે અભિષેક તમને એક કરોડની કિંમતનાં સો સો ગ્રામનાં દસ બિસ્કીટ આપી દેશે તો ચાલશે ? " અંકલ બોલ્યા.

"હા એ પણ ચાલશે મને કોઈ વાંધો નથી. તમને ડાયરેક્ટ બિલ્ડર્સ તરફથી જ ફ્લેટ મળી જશે. મેં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે પણ ફ્લેટ હજુ બિલ્ડરના નામે જ છે એટલે આપણે ટ્રાન્સફર કરવાની કોઈ વિધિ કરવી નહીં પડે. લાભ પાંચમના દિવસે તમે અહીં જ આવી જજો. હું બિલ્ડરની ઓફિસે લઈ જઈશ. એ ગઈ કાલે જ ત્રણ દિવસ માટે મહાબળેશ્વર ગયા છે. તમે પાનકાર્ડ અને આધાર કાર્ડ લેતા આવજો. ટોકનની કોઈ જરૂર નથી. " ડેવિડ બોલ્યો.

" ચાલો તો પછી હવે આપણે ફ્લેટ પણ જોઈ લઈએ. " ઋષિકેશભાઇ બોલ્યા.

" આપણે જઈએ જ છીએ. પહેલાં મને એ કહો કે તમને શું ફાવશે ચા કોફી કે પછી જ્યુસ ? " ડેવિડ બોલ્યો.

" જ્યુસ વધારે અનુકૂળ આવશે." અભિષેક બોલ્યો.

અને ડેવિડે ત્રણ પાઈનેપલ જ્યુસનો ઓર્ડર આપ્યો. એ પીધા પછી ત્રણેય જણા અથર્વ હાઈટ્સ પહોંચી ગયા. શિવસાગરથી ચાલતા જઈ શકાય એટલું નજીક હતું. સ્કીમ એકદમ સરસ હતી. પાંચમાં માળે ગયા પછી ફ્લેટ પણ ખોલીને જોઈ લીધો . આ ફ્લેટની ગેલેરી નહેરુ રોડ તરફ પડતી હતી એટલે ગેલેરીમાં બેઠા પછી આખો નહેરુ રોડ જોઈ શકાતો હતો.

" ફ્લેટમાં કંઈ જ જોવા જેવું નથી ડેવિડભાઈ. આપણો આ સોદો ફાઇનલ છે. તમે બધા પેપર્સ તૈયાર રાખજો. હું લાભ પાંચમના દિવસે અગિયાર વાગે ચેક અને બિસ્કીટ સાથે શિવસાગર પહોંચી જઈશ." અભિષેક બોલ્યો.

અને એ પછી લાભપાંચમના દિવસે અથર્વ હાઈટ્સનો ૫૦૧ નંબરનો ફ્લેટ અભિષેકના નામે થઈ ગયો. ફ્લેટની ચાવી પણ મળી ગઈ. ઋષિકેશ અંકલ પણ અભિષેકની સાથે બિલ્ડર ની ઓફિસમાં આવ્યા હતા.

"અંકલ કોઈ ઇન્ટિરિયર ડિઝાઇનર તમારા ધ્યાનમાં છે ? " બહાર નીકળીને ગાડીમાં ઘરે જતી વખતે અભિષેક બોલ્યો.

" ઈશ્વરકૃપાથી મારા કોન્ટેક્ટ ઘણા સારા છે. કાંદીવલીમાં મહાવીર નગરમાં જ જૈમિન શાહની ઓફિસ છે. આર્કિટેક્ટ પણ છે અને સારા ઇન્ટિરિયર ડિઝાઇનર પણ છે." અંકલ બોલ્યા.

" બસ તો પછી આ ચાવી તમે જ રાખો. હું તો કાલે વહેલી સવારે જ રાજકોટ જવા નીકળી જવાનો છું. તમને બ્લેન્ક ચેક જ આપી દઉં છું. લેટેસ્ટ ડિઝાઇન નું ફર્નિચર બનાવીને મારે ફ્લેટ તૈયાર કરાવવો છે. કોઈ વાસ્તુ કન્સલ્ટન્ટને પણ સાથે રાખજો." અભિષેક બોલ્યો.

" બ્લેન્ક ચેક આપવાની કોઈ જરૂર નથી. અને વાસ્તુનું જ્ઞાન તો મને પોતાને પણ છે જ એટલે ફર્નિચર પણ એ રીતે જ બનાવીશ. જે પણ બિલ થશે એ હું તમને ફોન કરી દઈશ એટલે જૈમિન શાહના નામનો ચેક કુરિયર કરી દેજો." અંકલ બોલ્યા.

" હા પણ મારાથી પૈસા એમ બાકી ના રખાય. તમે એક કામ કરો. હું બાર બિસ્કિટ લઈને ઘરેથી નીકળ્યો હતો. એક બિસ્કીટ તમે રાખો એટલે દસ લાખ એડવાન્સ થઈ જશે. બાકી જે રકમ થાય તે ચેકથી આપી દઈશ. " અભિષેક બોલ્યો.

" ચાલો ઠીક છે એ પણ સારો આઈડિયા છે. આ લોકોને તો બે નંબરના પૈસા પણ ચાલતા હોય છે. " અંકલ બોલ્યા એટલે અભિષેકે એક બિસ્કીટ કાઢીને એમને આપી દીધું અને ચાવી પણ આપી દીધી.

" અંકલ બીજી પણ એક સેવા તમારે કરવી પડશે. તમે આ ચાવીની એક ડુપ્લીકેટ ચાવી બનાવી દેજો ને. હું અંજલી ને ફોન કરી દઈશ એટલે એ તમારી પાસે આવીને ચાવી લઈ જશે. એ મારી ભાવિ પત્ની છે એટલે તમે એને આશીર્વાદ પણ આપી દેજો. એને પણ ફ્લેટમાં કંઈ સજેશન આપવું હોય તો એ પણ આપી શકે છે કારણ કે આખરે રહેવાનું તો એને જ છે ! " અભિષેક બોલ્યો.

" ઑફ કોર્સ ! તમારી આ વાત મને ગમી. અંજલી તમારી ભાવિ અર્ધાંગિની છે એટલે એનો પણ તમારા જેટલો જ હક બને છે. હું કાલે જ ડુપ્લીકેટ ચાવી બનાવી દઈશ. " અંકલ બોલ્યા.

એ પછી ઋષિકેશ અંકલને સાંઈબાબા નગર એમના ઘર પાસે ઉતારીને અભિષેકે ગાડી દહીસર લઈ લીધી. ઘરે પહોંચીને વધેલું એક બિસ્કીટ એણે કંઈક વિચારીને પોતાની ટ્રાવેલિંગ બેગમાં મૂકી દીધું. ગયા વખતે લીધેલા રોકડા પાંચ લાખ તો હજુ રાજકોટમાં પડેલા જ હતા !

બીજા દિવસે વહેલી સવારે અભિષેક રાજકોટ જવા નીકળી જવાનો હતો એટલે એ રાત્રે જ એણે અંજલીને ફોન કર્યો.

" અંજલી કાલે સવારે હું રાજકોટ જવા માટે નીકળી જવાનો છું. હવે હમણાં છ મહિના તો મળવાનું નહીં જ થાય. રાજકોટ જોવાની ઈચ્છા હોય તો ગમે ત્યારે તું રાજકોટ રોકાવા માટે આવી શકે છે. મારું દિલ જેમ વિશાળ છે એમ મારો રાજકોટનો ફ્લેટ પણ વિશાળ છે. " અભિષેક હસીને બોલ્યો.

" દિલ વિશાળ છે એનો તો મને અનુભવ થઈ ગયો અભિ. તમને મળ્યા પછી ખરેખર મારું હૃદય હળવુંફૂલ થઈ ગયું છે. મમ્મી પપ્પા પણ બહુ જ ખુશ છે તમારાથી. તમારા ગયા પછી તમારી એટલી બધી પ્રશંસા કરતા હતા કે હું તમને કંઈ કહી શકતી નથી. તમે લાખોમાં એક છો. " અંજલી બોલી.

બીજા દિવસે અભિષેક રાબેતા મુજબ સવારે ચાર વાગે ઉઠી ગયો અને તૈયાર થઈને માસીને ઉઠાડી દીધાં. માસીએ ગઈકાલે રાત્રે જ અભિષેક માટે મેથીનાં થેપલાં બનાવી દીધાં હતાં. અત્યારે એમણે બટેટાની ગરમાગરમ સૂકી ભાજી બનાવી દીધી. થેપલાંની સાથે સુકી ભાજી અને દહીંની ડબ્બી પેક કરી અને અભિષેકની ટ્રાવેલિંગ બેગમાં મૂકી દીધી. સાથે બે પેપર ડીશ પણ મૂકી. એ પછી એમણે ગૅસ ઉપર ચા મૂકી.

ચા પીને માસી અને આરતીની રજા લઈને સવારે છ વાગે જ એણે ગાડી સ્ટાર્ટ કરી અને રાજકોટ જવા માટે વેસ્ટર્ન એક્સપ્રેસ તરફ લીધી.

બપોરે એક વાગે વડોદરા આવ્યું ત્યારે એણે ગાડીમાં પેટ્રોલ ભરાવી દીધું અને એ પછી સહેજ આગળ જઈને ગાડીને સાઈડમાં પાર્ક કરીને જમવાનું ચાલુ કર્યું !

જમી લીધા પછી એ ગાડી ફરી સ્ટાર્ટ કરવા ગયો ત્યારે એને પાછળથી એક અવાજ સંભળાયો.

" હવે એક્સપ્રેસ હાઈવે છોડી દે અને છાણી થઈને નડિયાદ ખેડા વાળો આઠ નંબરનો હાઇવે પકડી લે."

અભિષેકે પાછળ જોયું પણ ગાડીમાં કોઈ જ ન હતું. ગાડીની આજુબાજુ જોયું પણ વાહનોની અવરજવર સિવાય ત્યાં પણ કોઈ ન હતું. અવાજ એકદમ સ્પષ્ટ હતો !
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."