અભિષેક પ્રકરણ 28
અભિષેકે દિવાળીના આઠ દિવસ મુંબઈમાં વિતાવ્યા હતા અને એ દરમિયાન વિલે પાર્લે ઈસ્ટમાં નહેરુ રોડ એક ફ્લેટ પણ ખરીદ્યો હતો.
અભિષેક નવલકથા
એ જ્યારે મુંબઈ થી રાજકોટ જઈ રહ્યો હતો ત્યારે એક વિચિત્ર ઘટના બની હતી. વડોદરા પાંચેક કિ.મી. દૂર હતું ત્યારે એણે ગાડીને સાઈડમાં લીધી હતી અને જમવાનું ચાલુ કર્યું હતું. મુસાફરી દરમિયાન મેથીનાં ઠંડા થેપલાં સૂકી ભાજી અને દહીં ખાવાની મજા જ કંઈક ઓર હોય છે ! એમાં પણ સમૂહમાં હોઈએ ત્યારે તો ખાસ !
જમી લીધા પછી લગભગ પોણા બે વાગે અભિષેકે જેવી ગાડી સ્ટાર્ટ કરી કે તરત જ પાછળથી એક અવાજ આવ્યો.
" હવે એક્સપ્રેસ હાઈવે છોડી દે અને છાણી થઈને નડિયાદ ખેડા વાળો આઠ નંબરનો હાઇવે પકડી લે."
આવો અનુભવ એને પહેલી વાર થયો હતો. કોણ બોલ્યું હશે અને શા માટે બોલ્યું હશે એ એને સમજાતું ન હતું. છતાં આદેશનું પાલન કરવું જરૂરી હતું એ એના અનુભવો ઉપરથી સમજી ગયો હતો.
એણે આજવા ચોકડીથી ગાડી સીટી ની અંદર લીધી અને છાણી જકાત નાકા થઈને આઠ નંબરનો હાઇવે પકડી દીધો.
નડિયાદ વટાવી દીધા પછી ખેડા તરફ એ પોતાની ક્રેટા ગાડી ૧૨૦ ની સ્પીડે ચલાવી રહ્યો હતો ત્યારે ફરી પાછો અચાનક પાછળથી અવાજ આવ્યો.
"ગાડી એકદમ ધીમે ૨૦ ૩૦ ની સ્પીડે ચલાવ. "
ફરી પાછું અભિષેકે પાછળ જોયું. ના તો કોઈ દેખાતું હતું કે ના કોઈ સુગંધ પણ આવતી હતી !
અભિષેકે ગાડી લગભગ ૨૦ ૨૫ ની સ્પીડ ઉપર મૂકી દીધી. સિંગલ રોડ હતો. એની જમણી બાજુનો રસ્તો ખુલ્લો હતો અને ત્યાં સામેથી એક બસ આવી રહી હતી. બરાબર એ જ વખતે દૂરથી ફૂલ સ્પીડમાં એક ડમ્પર પણ ફુલ સ્પીડે રોંગ સાઈડમાં બસને ઓવરટેક કરવા એની તરફ ધસમસતું આવી રહ્યું હતું.
અભિષેક માટે આગળ વધવાનો કોઈ માર્ગ જ ન હતો. જમણી તરફ સામેથી બસ આવી રહી તો પોતાની સામે ડમ્પર ફુલ સ્પીડમાં આવી રહ્યું હતું. આગળનો રસ્તો આખો બ્લોક હતો. અભિષેકે ઝડપથી નિર્ણય લઈને પોતાને ગાડીને રોડની નીચે ઉતારી પણ સાઈડનો રોડ ખાડા ટેકરા વાળો હોવાથી ક્રેટા એક ઝાડ સાથે અથડાઈ. અભિષેકને આંચકો લાગ્યો પણ સ્પીડ ઘણી ઓછી હોવાથી કોઈ ઈજા ના થઈ.
એ જ વખતે એક જોરદાર અવાજ એને સંભળાયો. એણે પાછળ જોયું તો બેકાબુ ડમ્પર રોંગ સાઈડે પોતાની પાછળ ખાડામાં ઉથલી પડ્યું હતું. ટ્રક ડ્રાઇવર ટ્રકની નીચે આવી ગયો હતો.
જો એણે ગાડી ફૂલ સ્પીડમાં ભગાવી હોત તો આ જ ડમ્પર સાથે એ અથડાઈ જવાનો હતો. અને જો એણે ગાડીને સાઈડમાં નીચે ઉતારી ના હોત તો એની જ ગાડી સાથે એ ડમ્પર અથડાઈ ગયું હોત ! પોતે આબાદ બચી ગયો હતો. એણે નીચે ઉતરીને જોઈ તો ગાડીને કોઈ ખરોચ પણ આવી ન હતી. કોઈ અદ્રશ્ય શક્તિએ એની સ્પીડ ઓછી કરાવીને બચાવી લીધો હતો.
એને એક વાત સમજાતી ન હતી કે જો આ રોડ ઉપર અકસ્માત થવાનો હતો તો પછી કોઈ અદ્રશ્ય શક્તિએ એને આ જ રોડ ઉપર ગાડી ચલાવવાની સૂચના કેમ આપી હશે ! એક્સપ્રેસ હાઈવે ઉપર કેમ જવા ના દીધો !!
સવાલો એના મનમાં ઘણા હતા પરંતુ કોઈ જવાબ મળતો ન હતો. પોતે એકદમ સુરક્ષિત હતો એટલે પછી એણે ગાડી પાછી ફૂલ સ્પીડમાં રાજકોટ તરફ ભગાવી અને ચાર કલાકમાં રાજકોટ પહોંચી ગયો.
" આવી ગયો બેટા !" અભિષેકે ઘરમાં પગ મૂક્યો કે તરત જ આન્ટીએ પૂછ્યું .
" હા માસી તમારે અહીં દિવાળી કેવી રહી ? " અભિષેક બોલ્યો.
" અમારે આ ઉંમરે હવે દિવાળી શું કે હોળી શું ! બધા દિવસો સરખા. મને કોઈ તકલીફ પડી નથી. બેસતા વર્ષના દિવસે રસિકભાઈ અને સુશીલાબેન મળવા માટે આવ્યાં હતાં. ઉપરવાળો મનોજ અને સોનિયા પણ તને મળવા માટે આવ્યાં હતાં પણ તું નહોતો એટલે એ લોકો તો મીઠું મોઢું કરીને તરત જ નીકળી ગયાં હતાં. " આન્ટી બોલ્યાં.
" હમ્ ... બેસતા વર્ષે લગભગ બધા જ એકબીજાના ઘરે જતા હોય છે. કંઈ વાંધો નહીં હું પણ એ લોકોના ઘરે જઈ આવીશ. " અભિષેક બોલ્યો.
" ભાઈ રવિરત્ન સોસાયટીમાંથી એક ભાઈ પણ બેસતા વર્ષના દિવસે તને મળવા માટે આવ્યા હતા. મેં એમને કહ્યું કે અભિષેક તો અઠવાડિયા માટે મુંબઈ ગયો છે એટલે પછી એ બેઠા નહીં. મેં એમનું નામ પૂછ્યું પણ એમણે જણાવ્યું નહીં. " આન્ટી બોલ્યાં.
" રવિરત્ન સોસાયટીમાંથી ? પણ ત્યાં તો હું કોઈને ઓળખતો નથી. કેટલી ઉંમરના હશે ? " અભિષેકે પૂછ્યું.
" ઉંમર તો પચાસથી સાઠની વચ્ચે હશે. દેખાવ અને કપડાં ઉપરથી તો પૈસાદાર લાગતા હતા." આન્ટી બોલ્યાં.
" ચાલો જે હોય તે. મારું કામ હશે તો ફરી આવશે." અભિષેક બોલ્યો અને એણે ફ્રેશ થવા માટે બે કપ ચા મૂકી દીધી.
સતત ગાડી ચલાવવાનો થાક હોવાથી ચા પીધા પછી એણે ગરમ પાણીથી બરાબર નાહી લીધું.
એ પછી અભિષેક રાત્રે ચોથા માળે મનોજ અને સોનિયાના ઘરે બેસવા માટે ગયો.
" આવો આવો ડોક્ટર સાહેબ. અમે લોકો તમારા ઘરે ગયા હતા પણ તમે તો મુંબઈ ગયા હતા. " મનોજ બોલ્યો.
" હા મારુ વતન મુંબઈ છે અને દિવાળી જેવો તહેવાર તો વતનમાં જ ઉજવવાની મજા આવે એટલે પછી અઠવાડિયા માટે મુંબઈ ગયો હતો." અભિષેક બોલ્યો.
" સોનિયા પણ મુંબઈની છે. એનુ પિયર જોગેશ્વરીમાં છે. એ લોકોની ત્યાંની સરનેમ વાડેકર છે." મનોજ બોલ્યો.
" મારે હવે છ આઠ મહિનામાં કાયમ માટે મુંબઈ શિફ્ટ થવાનું આવશે. ત્યાં વિલે પાર્લે ઈસ્ટમાં મારો ફ્લેટ છે. " અભિષેકે હવે નવા ફ્લેટની જ વાત કરી.
એટલામાં સોનિયા અંદરથી એક ડીશમાં મીઠાઈ અને સેવ લઈને આવી. અને સાથે ચાનો કપ પણ લેતી આવી.
" અરે અરે તમે આટલું બધું મને ના મૂકશો. અઠવાડિયાથી મીઠાઈ જ ચાલે છે. " કહીને અભિષેકે એક ટૂકડો કાજુ કતરીનો ચાખી લીધો. થોડી સેવ ખાઈ લીધી અને ચાનો કપ હાથમાં લીધો.
" તો પછી ગરમાગરમ કંઇક નાસ્તો બનાવી દઈએ. તમે આમ પણ અમારા ઘરે કોઈ દિવસ આવતા નથી. આ જ એક અવસર છે અભિષેક ભાઈ !.... સોનિયા તું ગરમાગરમ ગોટા બનાવી દે." મનોજ સોનિયા સામે જોઈને બોલ્યો.
" મારા ઘરે રસોઈ તૈયાર થઈ રહી છે. હું તો માત્ર દસ મિનિટ માટે મળવા જ આવ્યો છું. પ્લીઝ અત્યારે કંઈ જ ના બનાવશો. મારે મુંબઈ જવાનું થાય એટલે મને તમે જમવાનું કહેજો." અભિષેક હસીને બોલ્યો.
" તમે સામેથી આટલું કહ્યું તો અમને આનંદ થયો છે. મારે તમને બીજી પણ એક વાત કરવાની છે. તમને જોઈને મને અત્યારે જ યાદ આવ્યું. આપણી આ રવિરત્ન સોસાયટીના સેક્રેટરી ધવલભાઇ ભટ્ટ તમારા વિશે પૂછતા હતા. મને પંદર દિવસ પહેલાં મળેલા. મારી પાસે તમારી બીજી કોઈ માહિતી તો હતી નહીં એટલે પછી મેં એટલું જ કહ્યું કે અભિષેક ભાઈ અહીંની પરિમલ હોસ્પિટલમાં ડોક્ટર છે અને બહુ સજ્જન માણસ છે ! " મનોજ બોલ્યો.
અભિષેકને હવે ખ્યાલ આવી ગયો કે બેસતા વર્ષના દિવસે પોતાના ઘરે આવેલી વ્યક્તિ બીજી કોઈ નહીં પણ આ ધવલ ભટ્ટ જ હશે. પરંતુ એ કેમ મળવા માગતા હશે એ અભિષેકને સમજાયું નહીં.
" ઠીક છે ચાલો. એ મળવા આવશે તો વાત કરી લઈશ." અભિષેક હસીને બોલ્યો અને ઉભો થયો.
ઘરે પહોંચીને તરત જ એણે જમી લીધું. દિવાળી પછી અભિષેક પહેલી વાર જ પોતાના ઘરે જમી રહ્યો હતો એટલે રસોઈવાળાં બેને દાળ ભાત શાકની સાથે ખાસ બરફી ચુરમું બનાવ્યું હતું.
જમ્યા પછી રાત્રે લગભગ દસ વાગે અભિષેકે અંજલીને ફોન લગાડ્યો.
" અંજલી હું અભિષેક. રાજકોટ પહોંચી ગયો છું. " અભિષેક બોલ્યો.
" તમારો આ ફોન આવ્યો તો મને કેટલું બધું સારું લાગ્યું એ હું તમને કહી શકતી નથી જાન. મને ગઈકાલે રાત્રે બહુ જ ખરાબ સપનું આવ્યું હતું. હું તો ગભરાઈ જ ગઈ હતી. તમારો ફોન આવ્યો એટલે મને હવે શાંતિ થઈ. " અંજલી બોલી.
"તને સપનાં પણ આવે છે ? " અભિષેક મજાકના મૂડમાં બોલ્યો.
" શું તમે પણ અભિ ! સપનાં તો આવે જ ને ! " અંજલી બોલી.
" અરે હું તો મજાક કરું છું. એવું તે વળી કેવું સપનું આવ્યું મારી અંજલી ને ! " અભિષેક લાડમાં બોલ્યો.
" મને એવું સપનું આવ્યું કે તમારી કાર ને બહુ મોટો અકસ્માત થયો. તમે લોહીલુહાણ હાલતમાં બેહોશ થઈ ગયા હતા અને લોકો તમને હોસ્પિટલ લઈ ગયા હતા. તમે જો કે બચી ગયા હતા. " અંજલી બોલી.
" અરે વાહ ! અંજલી તો હવે ત્રિકાળ જ્ઞાની બનવા લાગી ! " અભિષેક બોલ્યો.
" તમને મજાક સૂઝે છે અભિ પરંતુ હું તો રાત્રે ખરેખર ડરી ગઈ હતી. " અંજલી બોલી.
" તારું સપનું ખરેખર સાચું જ હતું. એક ડમ્પર મારી સામે રોંગ સાઈડમાં આવી રહ્યું હતું એટલે મેં ગાડીને ડાબી બાજુ રોડ ઉપરથી ઉતારી દીધી હતી અને તેથી મારી ગાડી એક ઝાડ સાથે અથડાઈ હતી. પણ મને સહેજ પણ ઇજા થઈ નથી. ગાડીની સ્પીડ એકદમ ધીમી હતી. " અભિષેક બોલ્યો.
" તો તો ચોક્કસ તમારા ઉપર મારા શિવજીના આશીર્વાદ છે અભિ. હું રોજ એમની પૂજા કરું છું. કાલે સવારે જ હું મંદિરે જઈને શિવલિંગ ઉપર દૂધ ચડાવી આવીશ " અંજલી બોલી.
" અચ્છા સાંભળ. મેં તને ફોન અત્યારે એટલા માટે કર્યો છે કે બે દિવસ પછી તને જ્યારે સમય મળે ત્યારે ફોન કરીને સાંઈબાબાનગર ઋષિકેશ અંકલને મળી આવજે. એ તને મારા એટલે કે આપણા નવા ફ્લેટની ચાવી આપશે. એમનો નંબર હું તને મેસેજ કરું છું. " અભિષેક બોલ્યો.
" વાઉ ! તમે આપણો ફ્લેટ શબ્દ વાપર્યો. મને કેટલું બધું સારું લાગ્યું ! ક્યાં લીધો નવો ફ્લેટ જાન ? " અંજલી બોલી.
" વિલે પાર્લે ઈસ્ટમાં નહેરુ રોડ ઉપર અથર્વ હાઈટ્સમાં સાડા છ કરોડમાં ખરીદ્યો ! ફૂલ પેમેન્ટ પણ કરી દીધું. પૂરું એડ્રેસ હું તને મેસેજ કરું છું. તું એકવાર જાતે જઈને ફ્લેટ બરાબર જોઈ લે. આપણે લેટેસ્ટ ફર્નિચર વગેરે કરાવવા માટે એ ફ્લેટ ઇન્ટિરિયર ડિઝાઇનરને સોંપી દીધો છે. આઠ દસ દિવસમાં કદાચ કામ પણ ચાલુ થશે. એ કામ ચાલુ થાય એટલે તારે વચ્ચે વચ્ચે ત્યાં જઈને સુપરવિઝન કરતા રહેવાનું અને જરૂરી સલાહ સૂચન પણ આપવાનાં. લગ્ન પછી તારે ત્યાં જ રહેવાનું છે ને ! " અભિષેક બોલ્યો.
" ઓ વાઉ ! તમે તો આજે જબરદસ્ત વાત કરી અભિ. આપણા માટે સાડા છ કરોડનો નવો ફ્લેટ !! આઈ એમ સો એક્સાઇટેડ !! હું ચોક્કસ ત્યાં જઈને સુપરવિઝન કરતી રહીશ." અંજલી બોલી. એ ખૂબ જ ઉત્તેજિત થઈ ગઈ હતી.
" હા જરૂર પડે તો પપ્પાને પણ લેતા જવાનું. ત્યાં આખો દિવસ બેસી રહેવાની જરૂર નથી. કામકાજનો પ્રોગ્રેસ જોઈને એકાદ કલાકમાં નીકળી જવાનું. " અભિષેક બોલ્યો અને એણે ફ્લેટનું એડ્રેસ તેમજ ઋષિકેશ અંકલનો કોન્ટેક નંબર મેસેજ કરી દીધાં.
એ પછી અભિષેકે ઋષિકેશ અંકલ સાથે પણ વાત કરી લીધી કે બે દિવસ પછી અંજલી ફોન કરીને તમને મળશે. એને ડુપ્લીકેટ ચાવી તમે આપી દેજો. કામકાજ ચાલુ થશે ત્યારે એ ત્યાં જાતે જઈને દેખરેખ પણ રાખશે.
એ પછી આખા દિવસનો થાકેલો હોવાથી અભિષેક સૂઈ ગયો.
અભિષેક તો સૂઈ ગયો પરંતુ એની સાથે વાત કરીને અંજલી ખૂબ જ ઉત્તેજિત થઈ ગઈ હતી. પાર્લે જેવા એરિયામાં સાડા છ કરોડનો ફ્લેટ અને ખારના પોશ એરિયામાં પોતાની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ !! અભિષેકને ઓળખવામાં પપ્પા જબરી થાપ ખાઈ ગયા.
હજુ તો રાતના દસ વાગ્યા હતા અને એના પપ્પા ડ્રોઈંગ રૂમમાં બેસીને ટીવી જોઈ રહ્યા હતા. ઉત્તેજના એટલી બધી હતી કે લગભગ દોડતી જ એ પપ્પા પાસે ગઈ.
" પપ્પા તમને ખબર છે ? અભિષેકે પાર્લે જેવા એરિયામાં નહેરુ રોડ ઉપર સાડા છ કરોડનો ફ્લેટ લીધો. એનું ફર્નિચર બનાવવાનું છે અને મને ત્યાં અઠવાડિયામાં બે ત્રણ દિવસ એકાદ કલાક માટે જઈને સુપરવિઝન કરવાનું કહ્યું છે. " અંજલી બોલી.
" સાડા છ કરોડનો ફ્લેટ !! અને એ પણ પાર્લે જેવા પૉશ એરિયામાં ? " પપ્પા આશ્ચર્યથી બોલ્યા.
" હા પપ્પા એટલું જ નહીં ખારમાં લિંકિંગ રોડ ઉપર જ એમની પોતાની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ બની રહી છે. " અંજલી બોલી.
" શું વાત કરે છે તું અંજલી !! ખાર જેવા પૉશ એરિયામાં આટલી મોટી હોસ્પિટલ બનાવવા માટે કરોડો રૂપિયા જોઈએ." જીતુભાઈ બોલ્યા.
" હું પણ એ જ કહું છું તમને. તમે એમને સમજવામાં બહુ મોટી ભૂલ કરી અને જબરદસ્તી પેલા સાથે ગોવા મોકલી. એમના વિશે તપાસ તો કરવી હતી !! એ મને આટલો બધો પ્રેમ કરે છે છતાં પણ હું એમને બિલકુલ લાયક નથી. મારા જાણે કે ડિવોર્સ થઈ ગયા હોય અને હું એમની સાથે લગ્ન કરી રહી છું એવું મને તો લાગે છે. એમનો બિચારાનો શું વાંક !! આટલું બધું થયું હોવા છતાં પણ એ લગ્ન કરવા તૈયાર થયા છે નહીં તો એમને તો મારા કરતાં પણ સુંદર કન્યા મળી આવે ! " ફરી અંજલી આવેશમાં આવી ગઈ.
" મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે અંજલી. હું પોતે પણ અત્યારે પસ્તાઈ રહ્યો છું. તારી સાથે મેં અન્યાય કર્યો છે એમ અભિષેક કુમાર સાથે પણ અન્યાય કર્યો છે. એટલા માટે તો હું યોગીજી પાસે પણ જઈ શકતો નથી. એમની આજ્ઞાનો મેં અનાદર કર્યો છે." જીતુભાઈ બોલ્યા. એ ખરેખર ખૂબ જ પસ્તાઈ રહ્યા હતા.
અભિષેક પોતાની ટેવ પ્રમાણે સવારે ચાર વાગે જાગી ગયો અને બ્રશ વગેરે પતાવી ધ્યાનમાં બેસી ગયો. એના મનમાં ગઈકાલે બનેલી ઘટના અંગે ઘણા પ્રશ્નો હતા.
વડોદરા પોતાની ગાડીમાં એણે લંચ લઈ લીધું અને ગાડી સ્ટાર્ટ કરી ત્યારે એક્સપ્રેસ હાઈવે છોડીને આઠ નંબરના હાઇવે ઉપર ગાડી લઈ લેવાની સૂચના કોણે આપી ? પોતે આઠ નંબરના હાઇવે ઉપર ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે ગાડીની સ્પીડ ધીમી કરવાની સૂચના કોણે આપી ? એ કોનો અવાજ હતો ? એણે સૂચના પ્રમાણે આઠ નંબરના હાઇવે ઉપર ગાડી લીધી હતી તો પછી અકસ્માત કેમ થયો ?
આ બધા સવાલોના જવાબો એને પોતાના દિવ્ય ગુરુજી પાસેથી જાણવા હતા અને એટલા માટે આજે ધ્યાનમાં એણે સતત ગુરુજીને પ્રાર્થના કરી. અભિષેકની પ્રાર્થનાનાં આંદોલનો એટલાં બધાં તીવ્ર હતાં કે સ્વામી નિર્મલાનંદજીને હાજર થવું જ પડ્યું.
" મને ખ્યાલ જ હતો કે તું આજે મને યાદ કરવાનો જ છે ! કેમ આટલા બધા પ્રશ્નો તારા મનમાં ઊભા થાય છે ? "
" ગુરુજી સંજોગો જ એવા બને છે કે મારે આપને યાદ કરવા જ પડે છે. ગઈકાલે શું બન્યું એ તો આપને બધો ખ્યાલ જ છે. મારા મનના સવાલો પણ આપ વાંચી શકો છો તો મારા મનનું સમાધાન કરો. મુખ્ય સવાલ તો એક જ છે કે કોણે મને સૂચનાઓ આપી અને રોડ બદલ્યો હોવા છતાં પણ અકસ્માત કેમ થયો ? " અભિષેક બોલ્યો.
ગુરુજીએ અભિષેકને જે જવાબો આપ્યા એ સાંભળીને અભિષેક એના મહાન ગુરુજી સામે નતમસ્તક થઈ ગયો !!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
