અભિષેક પ્રકરણ 29
મુંબઈથી પાછા આવતી વખતે અભિષેકની ગાડીને અકસ્માત નડ્યો હતો. જો કે એને કોઈ ખરોચ પણ આવી ન હતી અને ગાડી પણ સલામત હતી. છતાં અકસ્માતને લઈ એના મનમાં કેટલાક સવાલો ઊભા થયા હતા. એણે બીજા દિવસે વહેલી સવારે ધ્યાનમાં એના મહાન ગુરુજીને પ્રશ્ન કર્યો હતો !
અભિષેક નવલકથા
" ગુરુજી સંજોગો જ એવા બને છે કે મારે આપને યાદ કરવા પડે છે. ગઈ કાલે શું બન્યું એ તો આપને બધો ખ્યાલ જ છે. મારા મનના સવાલો પણ આપ વાંચી શકો છો તો મારા મનનું સમાધાન કરો. મુખ્ય સવાલ તો એક જ છે કે કોણે મને સૂચનાઓ આપી અને રોડ બદલ્યો હોવા છતાં પણ અકસ્માત કેમ થયો ? " અભિષેક બોલ્યો.
" તું આજના તારા ન્યૂઝપેપરમાં વાંચી લેજે એટલે તને તારો જવાબ મળી જશે. ગઈ કાલે બપોરે વડોદરાથી અમદાવાદ વચ્ચે એક્સપ્રેસ હાઈવે ઉપર સાઈડમાં ઉભેલા એક ટ્રકની પાછળ ફુલ સ્પીડમાં આવતી એક ગાડી ઘૂસી ગઈ હતી અને એની પાછળ બીજી બે ગાડીઓ પણ ભટકાઈ ગઈ હતી. " ગુરુજી બોલી રહ્યા હતા.
" ટ્રકની પાછળ જે ગાડી ઘૂસી ગઈ એ તો કાટમાળ જ બની ગઈ. એમાં ફસાઈ ગયેલી લાશને પતરું કાપીને બહાર કાઢવી પડી હતી. જો તું આઠ નંબરના હાઇવે ઉપર ના ગયો હોત તો એ કાટમાળ બની ગયેલી ગાડી તારી જ હોત ! તારો અકસ્માત તો નિશ્ચિત જ હતો. તને બચાવી લેવામાં આવ્યો છે." ગુરુજી બોલી રહ્યા હતા.
" અકસ્માત લખ્યો હોય તો એને ટાળી શકાતો નથી. બનવા કાળ તો બનીને જ રહે છે. જે સમયે એક્સપ્રેસ હાઈવે ઉપર અકસ્માત થયો બરાબર એ જ મિનિટે તને પણ અકસ્માત નડ્યો. સમયને બદલી શકાતો નથી. શૂળીનો ઘા સોયથી સરી ગયો છે અને તું સંપૂર્ણપણે બચી ગયો છે ! " ગુરુજી બોલ્યા.
" મને બચાવનાર આપના સિવાય બીજું કોણ હોય ગુરુજી ! પરંતુ મારી ગાડીમાં બે વાર મને જે અવાજ સંભળાયો એ અવાજ આપનો તો નહોતો જ. " અભિષેક બોલ્યો.
આ બધા સંવાદો માનસિક ભૂમિકા ઉપર સૂક્ષ્મ તરંગોથી થઈ રહ્યા હતા. અભિષેક ઊંડા ધ્યાનમાં જ ગુરુજી સાથે વાતચીત કરી રહ્યો હતો.
" એ અવાજ મારો પોતાનો જ હતો. અહીં હિમાલયમાં બેઠા બેઠા મેં તને સૂચનાઓ આપી હતી. અવાજના એ તરંગો હિમાલયથી તારા કાન સુધી પહોંચતાં પહોંચતાં એના મૂળ સ્વરૂપમાં ના રહે પણ થોડા બદલાઈ જાય એટલે તને મારો અવાજ ના ઓળખી શકાયો. " ગુરુજી બોલ્યા અને અદ્રશ્ય થઈ ગયા.
સવારે એણે ન્યુઝ પેપર જોયું તો ગુરુજીએ જે કહ્યું હતું તે જ સમાચાર અક્ષરશઃ છેલ્લા પાને ફોટા સાથે છપાયેલા હતા. જે સમયે પોતાને અકસ્માત થયો હતો બરાબર એ જ સમયે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર અકસ્માત થયો હતો.
અભિષેકે પોતાના મહાન ગુરુજીનો દિલથી આભાર માન્યો અને પોતાના રૂટિન કામ ઉપર ચઢી ગયો.
સવારે સાડા નવ વાગે હોસ્પિટલ જોઈન કરી દીધી. તાજી જ દિવાળી ગઈ હોવાથી અને અભિષેક દિવાળી પછી આજે જ હાજર થયો હોવાથી એણે ધીરુ અને હરીશને મોકલીને હોસ્પિટલના ત્રીસેક જેટલા સ્ટાફ માટે ૫૦૦ ગ્રામ કાજુ કતરીનાં પેકેટ મંગાવ્યાં અને સ્ટાફની દરેક વ્યક્તિને દિવાળી ગિફ્ટ આપી.
હોસ્પિટલમાં આવું પહેલી વાર બન્યું હતું. આજ સુધી હોસ્પિટલમાં ક્યારેય પણ મીઠાઈનાં પેકેટ વહેંચાયાં ન હતાં. તમામ સ્ટાફ ખુશ પણ હતો અને આશ્ચર્યચકિત પણ હતો. હોસ્પિટલમાં જોબ કરતો કોઈ ડોક્ટર સ્ટાફ માટે દસ હજાર જેવી રકમ ખર્ચી નાખે એ જલ્દી માની શકાય એવું ન હતું.
હોસ્પિટલના તમામ ડૉક્ટરોએ પણ આશ્ચર્ય અનુભવ્યું અને બધા ભેગા થઈને અભિષેકને મળવા માટે એની ચેમ્બરમાં આવ્યા. એ બધાની સાથે દિપાલી પણ હતી.
" શું વાત છે અભિષેકભાઈ ! કોઈ નવાજૂની હોય તો અમને પણ શેર કરો. " ડૉ. મિતુલ શાહ બોલ્યો.
" અત્યારે તો કોઈ જ નવાજૂની નથી મિતુલભાઈ. દિવાળી ગઈ છે એટલે એમ જ મીઠાઈ વહેંચી. નવાજૂની હશે તો હોસ્પિટલમાં બધાને જાણ કરીશ. તમે બધા આવ્યા છો તો પછી ચા પણ પીતા જાઓ. " અભિષેક બોલ્યો અને એણે કેન્ટીનમાં ફોન કરીને બધા માટે ચા મંગાવી.
ચા પીધા પછી બીજા બધા ડોક્ટરો નીકળી ગયા પણ દિપાલી બેસી રહી.
" ખરેખર કોઈ નવા જૂની નથી સર ? તમે આખા સ્ટાફને મીઠાઈ વહેંચી એનું મને પણ આશ્ચર્ય થાય છે. " દિપાલી બોલી.
" ખરેખર અત્યારે કોઈ જ નવાજૂની નથી. દિવાળી જેવો તહેવાર છે એટલે આનંદને વહેંચું છું. મીઠાઈનું પેકેટ મળે એનાથી તને અને મને બહુ ફરક નથી પડતો પરંતુ જે નાના માણસો છે એ લોકોની આંખમાં જે ખુશી જોઈ એ જોઈને સંતોષની લાગણી થાય છે. " અભિષેક બોલ્યો.
" સર તમે ખરેખર એક અલગ જ વ્યક્તિ છો. તમારી અંદરનો આત્મા બહુ જ ઉચ્ચ છે. બાકી આજના જમાનામાં આવું કોણ વિચારે છે ! " દિપાલી બોલી.
" વિચારવું જોઈએ દિપાલી. મેં તો એવું પણ વિચાર્યું છે કે હોસ્પિટલની જે કેન્ટીન છે એમાં હું દસ લાખનું દાન આપી દઉં જેથી કરીને તમામ પેશન્ટોને બે ટાઇમ જમવાનું ફ્રી મળે અને આપણા સ્ટાફને ચા નાસ્તો પણ ફ્રી મળે." અભિષેક બોલ્યો.
" વાહ સર ! વિચાર તો ઉત્તમ છે પણ હું માનું છું ત્યાં સુધી કાયમી વ્યવસ્થા કરવા દસ લાખ ઓછા પડે. આપણી હોસ્પિટલ ૪૦ બેડની છે. જો તમે ૪૦ પેશન્ટને બે ટાઈમ જમવાનું આપો તો ચા પાણી નાસ્તા સાથે રોજનો ખર્ચ ૫૦૦૦ થાય. એટલે મહિનાના દોઢ લાખ થાય. તમારા દસ લાખ ૭ મહિના ચાલે. પછી શું ? " દિપાલી બોલી.
" અરે વાહ. બે મિનિટમાં ગણતરી પણ કરી દીધી ! આ બાબતમાં તારું નોલેજ ઘણું સારું કહેવાય. તારી વાત સાચી છે દિપાલી. હું કદાચ વધુ પડતા ઉત્સાહમાં આવી જાઉં છું. આ હિસાબે પેશન્ટોને જમાડવાનું તો શક્ય નથી લાગતું. પરંતુ સ્ટાફ માટે ચા નાસ્તો ફ્રી મળે એટલું તો જરૂર કરીશ." અભિષેક બોલ્યો.
" હા સર એમાં તો વાંધો નહીં આવે. ચાલો રજા લઉં. તમે આવી ગયા એટલે હવે હોસ્પિટલ એકદમ લાઈવ લાગશે. " દિપાલી બોલી અને ચેમ્બરની બહાર નીકળી ગઈ.
અને બે દિવસ પછી અભિષેક દેસાઈ સાહેબની ચેમ્બરમાં ગયો અને દસ લાખ રૂપિયાનો ચેક કેન્ટીન માટે દાન તરીકે આપ્યો.
" સર આ દસ લાખ રૂપિયા આપણી કેન્ટીનમાં દાન તરીકે આપું છું એનો સ્વીકાર કરો. હોસ્પિટલના તમામ સ્ટાફને ચા અને નાસ્તો ફ્રી મળે એ જ મારી ભાવના છે. ભવિષ્યમાં આ રકમ વપરાઈ જાય તો મને જાણ કરી દેજો એટલે બીજા દસ લાખ આપી દઈશ." અભિષેક બોલ્યો.
દેસાઈ સાહેબ તો અભિષેક સામે જોઈ જ રહ્યા. પોતાની હોસ્પિટલમાં જોબ કરતો એક ડોક્ટર હોસ્પિટલને દસ લાખ રૂપિયાનું દાન આપે એ વાત એમના મગજમાં બેસતી જ ન હતી.
" અભિષેક મને તમારી હોસ્પિટલને દાન આપવાની આ વાત સમજાતી નથી. તમે પોતે જ હોસ્પિટલમાં જોબ કરી રહ્યા છો અને આટલી મોટી રકમનું દાન પણ આપી રહ્યા છો. " દેસાઈ સાહેબ બોલ્યા.
" સર નોકરી તો હું માત્ર શોખથી કરું છું. અને મને ટ્રેનીંગ પણ મળે છે. મારી પોતાની મુંબઈમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અત્યારે બની રહી છે. " અભિષેક બોલ્યો.
દેસાઈ સાહેબ અભિષેકની વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા. મુંબઈ જેવા મોંઘા શહેરમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટે કરોડો રૂપિયા જોઈએ. અને આ અભિષેક મુંબઈમાં પોતાની હોસ્પિટલ બનાવી રહ્યો છે. મતલબ કે એ અતિ શ્રીમંત છે !!
" અભિષેક તમે બહુ જ રહસ્યમય છો. હોસ્પિટલમાં પહેલીવાર આવ્યા ત્યારે જ તમે હોસ્પિટલમાં કોઈએ આત્મહત્યા કરી છે એવું કહીને મને ઈમ્પ્રેસ કરી દીધો હતો. ચિંતન શાહને બે મિનિટમાં ઓળખી ગયા હતા. એક વર્ષમાં આખી હોસ્પિટલમાં તમે આટલા બધા લોકપ્રિય થઈ ગયા છો. આજે તમે હોસ્પિટલને દાન આપી રહ્યા છો. એક જ વ્યક્તિનાં જુદાં જુદાં સ્વરૂપ આજે હું જોઈ રહ્યો છું." દેસાઈ સાહેબ બોલ્યા.
" એ બધી મારા દિવ્ય ગુરુજીની કૃપા છે સર. એમની કૃપાથી બધું મને અનાયાસ અને અચાનક મળ્યું છે. મારા પોતાના જીવનમાં પણ ઘણા ચમત્કારો થયા છે અને એટલે જ ખુશીઓને વહેંચવામાં મને આનંદ આવે છે." અભિષેક બોલ્યો.
એ સાથે જ દેસાઈ સાહેબે હરીશને અંદર બોલાવીને કેન્ટીનના મેનેજર કમ કોન્ટ્રાક્ટરને નીચે બોલાવવાનું કહ્યું.
આઠ દસ મિનિટમાં જ કોન્ટ્રાક્ટર ભાનુભાઈ જોષી દેસાઈ સાહેબની ચેમ્બરમાં આવી ગયા.
"ભાનુભાઈ આપણા આ ડૉ. અભિષેક કેન્ટીનને દસ લાખ રૂપિયાનું દાન આપી રહ્યા છે અને આજથી જ આપણી હોસ્પિટલના તમામ સ્ટાફને ચા કોફી અને નાસ્તો તમારે ફ્રી આપવાનો રહેશે. પેશન્ટના બે ટાઈમના ભોજન સિવાય બાકીનું બધું ફ્રી આપજો અને રોજે રોજ તમે ચા કોફી નાસ્તાનો અલગ હિસાબ રાખવાનું ચાલુ કરી દેજો. દર મહિને એ રકમ દસ લાખમાંથી બાદ થતી જશે. " દેસાઈ સાહેબ બોલ્યા.
" જી સાહેબ. આજે જ કેન્ટીનમાં એ પ્રકારનું બોર્ડ મૂકી દઉં છું અને જાહેરાત પણ કરી દઉં છું. આ નવા ડોક્ટર સાહેબ બધાથી અલગ છે. " ભાનુભાઈ બોલ્યા અને બહાર નીકળી ગયા.
અને એ પછીના બે દિવસમાં તો આખી હોસ્પિટલમાં ખબર પડી ગઈ કે અભિષેક સર તરફથી કેન્ટીનને મોટું દાન આપવામાં આવ્યું છે અને હવે કેન્ટીનમાં કાયમ માટે ચા કોફી નાસ્તો ફ્રી મળશે.
એ પછી તો હોસ્પિટલમાં અભિષેકનું માન અનેક ઘણું વધી ગયું. તમામ નર્સો અને બધા વૉર્ડબોય પણ અભિષેકનું ખૂબ જ રિસ્પેક્ટ કરવા લાગ્યા. અભિષેક જ જાણે હોસ્પિટલ નો માલિક હોય એ રીતે બધા એની ઈજ્જત કરતા.
થોડા દિવસ પછી હોસ્પિટલના એક કામ માટે અભિષેકને રાજકોટની પદ્માકુંવરબા હોસ્પિટલ જવાનું થયું. ત્યાં ગયા પછી એણે ત્યાં ડૉ. ચિંતન શાહને એક વોર્ડમાં ફરતો જોયો.
અભિષેકને દયા આવી અને એણે એક નર્સને ચિંતન શાહની ચેમ્બર વિશે પૂછ્યું. નર્સે પહેલા માળે એની ચેમ્બર વિશે માહિતી આપી એટલે અભિષેક પોતાનું કામ પતાવી ચિંતનની ચેમ્બરમાં જઈને બેઠો. ચિંતન હજુ વોર્ડમાંથી આવ્યો ન હતો.
પાંચેક મિનિટ પછી ચિંતન પોતાની ચેમ્બરમાં આવ્યો અને ત્યાં એ ડૉ. અભિષેકને જોઈને ચમકી ગયો. થોડો ડરી પણ ગયો. એ આવીને પોતાની રિવોલ્વિંગ ચેર ઉપર બેઠો.
" તમે અહીં ક્યાંથી ? " મૂંઝાયેલા ચિંતને સવાલ કર્યો.
" ચિંતનભાઈ રીલેક્સ. મને તમારી સાથે કોઈ દુશ્મનાવટ નથી. તમારે મારું કોઈ ટેન્શન કરવાની પણ જરૂર નથી. જે થઈ ગયું એ ભૂલી જાઓ. તમે નાની નાની વાતોમાં બધા સ્ટાફ ઉપર ગુસ્સે થતા હતા એટલે ના છૂટકે મારાથી એ બોલાઈ ગયેલું. એના માટે તમારી માફી પણ માગું છું. " અભિષેક બોલ્યો.
અભિષેકની વાત સાંભળીને ચિંતનને થોડીક રાહત થઈ.
" ચા પીશો ? ચા મંગાવું ? " ચિંતને વિવેક કર્યો.
" ના એવી ફોર્માલિટીની કોઈ જરૂર નથી. હું તો જાઉં છું. આ તો તમને મેં વોર્ડમાં ફરતા જોયા એટલે જસ્ટ મળવાની ઈચ્છા થઈ. હવે જતાં પહેલાં હું તમને એક વાત કહેવા માગું છું. તમારો જે પ્રોબ્લેમ છે એ હું કાયમ માટે દૂર કરી શકું છું. મને માત્ર ૧૫ દિવસનો ટાઈમ આપો. આજથી ૧૫ દિવસ સુધી તમે તમારાં પત્નીથી બને ત્યાં સુધી દૂર રહેજો. મિલનની કોઈ જ કોશિશ કરતા નહીં. આજે પાંચ તારીખ થઈ. આવતી એકવીસમી તારીખે તમે એકદમ નોર્મલ પુરુષ હશો. તમે એ દિવસે કોશિશ કરજો તમારી જિંદગી બદલાઈ ગઈ હશે. " અભિષેક બોલ્યો.
" અભિષેકભાઈ મારી પત્ની મારાથી એટલી બધી નારાજ છે કે અમે એક બેડરૂમમાં સૂતાં જ નથી. નોર્મલ થવાની કોઈ શક્યતા મને દેખાતી નથી. વાઈફ છુટાછેડા માંગે છે અને હું હવે એને રાજીખુશીથી છૂટાછેડા આપી રહ્યો છું. એ કોર્ટમાં જાય એવું હું ઇચ્છતો નથી. " ચિંતન બોલ્યો.
" તમારે માત્ર પંદર દિવસ રાહ જોવાની છે ચિંતનભાઈ. ખાતરીપૂર્વક હું તમને વચન આપું છું. એકવીસ તારીખે તમે જાતે જ અનુભવ કરજો. છૂટાછેડાની વાત ભૂતકાળ બની જશે. મારા ઉપર ભરોસો રાખો. તમારો મોબાઈલ નંબર મને આપો. હું તમને બાવીસ તારીખે ફોન કરીશ." અભિષેક બોલ્યો.
ડૉ. ચિંતને પોતાનો મોબાઈલ નંબર અભિષેકને આપ્યો. એ સેવ કરીને અભિષેક બહાર નીકળી ગયો. ઘરે જઈને રોજ વહેલી સવારે ધ્યાનમાં બેસીને પોતાના દિવ્ય ગુરુજીને પ્રાર્થના કરીને પોતાને મળેલી ગુપ્ત સિદ્ધિનો એણે ચિંતન ઉપર ઉપયોગ ચાલુ કર્યો.
રોજ એ પોતાના ધ્યાનમાં ચિંતન શાહને પોતાના માનસપટલ ઉપર લાવતો અને એના ઉપર ફોકસ કરી એના પ્રજનન તંત્રને એક્ટિવ કરતો. એના શરીરના હોર્મોન્સને બેલેન્સ કરતો. એન્ડોક્રાઇન સિસ્ટમને સક્રિય કરતો અને ટેસ્ટોસ્ટેરોનની વૃદ્ધિ કરતો. છેવટે એને બે અઠવાડિયામાં ધાર્યું પરિણામ મળી ગયું.
૨૨ ડિસેમ્બરે એણે સવારે અગિયાર વાગે ચિંતનને ફોન કર્યો.
" ચિંતનભાઈ ગઈકાલે ૨૧ તારીખ હતી. શું સમાચાર છે ? " અભિષેક બોલ્યો.
" અભિષેકભાઈ તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. મારી વાઇફને તો મારી કોઈ વાતમાં વિશ્વાસ જ ન હતો એટલે પહેલાં તો એ મને સપોર્ટ આપવા તૈયાર જ ન હતી. મેં એને રિક્વેસ્ટ કરી કે આપણે છૂટા પડવાનું જ છે તો માત્ર એકવાર તું મને સપોર્ટ આપ. છેવટે માંડ માંડ એ તૈયાર થઈ. મને તો સાંજે જ ખ્યાલ આવી ગયો હતો કે હું નોર્મલ થઈ ગયો છું. લગ્ન પછી પ્રથમ વાર ગઈકાલે રાત્રે મેં હનીમૂનનો અનુભવ કર્યો. મારી વાઇફને હજુ પણ વિશ્વાસ નથી આવતો કે આવું બન્યું જ કઈ રીતે !!" ચિંતન એકદમ ઉત્સાહથી વાત કરતો હતો.
" બસ તો હવે લાઇફને એન્જોય કરો. તમે હવે કાયમ માટે નોર્મલ જ રહેવાના છો. તમે હવે પછી તમારા શરીરમાં એક નવી ઊર્જાનો અનુભવ કરશો. ઑલ ધ બેસ્ટ " કહીને અભિષેકે ફોન કટ કર્યો.
વિલે પાર્લેમાં અથર્વ હાઈટ્સનો અભિષેકનો ચાર બેડરૂમનો વિશાળ ફ્લેટ જોઈને અંજલી તો ગાંડી જ થઈ ગઈ હતી. એ બોરીવલી ઋષિકેશ અંકલના ઘરે જઈને ફ્લેટની ડુપ્લીકેટ ચાવી લઈ આવી હતી. એ એના પપ્પા જીતુભાઈને સાથે લઈને આવી હતી. અત્યારે ફ્લેટ ખાલી હતો અને હજુ ફર્નિચરનું કોઈ કામ ચાલુ થયું ન હતું.
" અભિષેકકુમારે લોકેશન તો બહુ સરસ પસંદ કર્યું છે. વિલે પાર્લેમાં મોટાભાગે ગુજરાતીઓની જ વસ્તી છે. અહીંથી સ્ટેશન પણ નજીક છે અને એરપોર્ટ પણ નજીક છે. " જીતુભાઈ ગેલેરીમાં જઈને બોલ્યા.
" હા પપ્પા. અભિષેકે ઇન્ટિરિયરની તમામ જવાબદારી મને સોંપી છે. મારી સલાહ અને સૂચના પ્રમાણે તમામ ફર્નિચર બનશે. જો કે ઇન્ટિરિયર ડિઝાઇનર પોતે જ ફર્નિચરની લેટેસ્ટ ડિઝાઇન નક્કી કરશે. મારે તો માત્ર જરૂરી સૂચનાઓ જ આપવાની છે. " અંજલી બોલી.
" આવડા મોટા ફ્લેટનું ઇન્ટિરિયર બનાવતાં ઓછામાં ઓછા સાત થી આઠ મહિના લાગી શકે છે." પપ્પા જીતુભાઈ બોલ્યા.
" આપણે ક્યાં ઉતાવળ છે પપ્પા ! અને અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ અહીં આવવાથી મારો પણ સમય પસાર થતો રહેશે. આમ પણ મને અભિષેકે જોબ કરવાની ચોખ્ખી ના પાડી છે. અને અહીં પણ મારે એક બે કલાક માટે જ આવવાનું છે." અંજલી બોલી.
" પાર્લા મલાડથી બહુ દૂર નથી અને સ્ટેશનથી પણ વોકિંગ ડિસ્ટન્સ છે એટલે તને કોઈ તકલીફ નહીં પડે. " જીતુભાઈ બોલ્યા.
" અને દૂર હોય તો પણ શું પપ્પા ! આ તો મારું પોતાનું ઘર છે. એને સજાવવાનો આનંદ જ કંઈક ઑર હોય છે. " અંજલી ગર્વથી બોલી.
પંદર મિનિટ જેવું રોકાયા પછી અંજલી અને જીતુભાઈ ફ્લેટને લૉક મારીને બહાર નીકળી ગયા.
નીચે આવીને પિતા પુત્રી ચાલતાં ચાલતાં સ્ટેશન તરફ જઈ રહ્યાં હતાં ત્યારે અચાનક એમને નીરવના પપ્પા જનકભાઈ સામે મળ્યા. એ વિલે પાર્લેમાં હનુમાન રોડ ઉપર રહેતા હતા !
જીતુભાઈને તરત જ એમણે કહેલા કડવા શબ્દો યાદ આવી ગયા. અંજલી પણ એમનો જવાબ ભૂલી ન હતી. પોતાને આઝાદ અને સ્વચ્છંદી કહેનાર આ માણસ ઉપર અંજલીને ગુસ્સો તો એટલો બધો હતો કે જાહેરમાં જ એને બે તમાચા ઠોકી દેવા પરંતુ એની ઉંમર જોઈને અંજલી ગમ ખાઈ ગઈ. એને પોતાના દીકરાનો કોઈ વાંક દેખાયો ન હતો. ઉલ્ટાનું પોતે જ મોજ મજા કરવા ગઈ હતી એવો આક્ષેપ કર્યો હતો !
"કેમ છો જીતુભાઈ ? અહીં ક્યાંથી?" જનકભાઈ નફફટ થઈને બોલ્યા.
" અમારા જમાઈએ સાડા છ કરોડનો અહીં ફ્લેટ લીધો છે. એ જોવા માટે અમે લોકો આવ્યા હતા. જમાઈ પોતે ડૉક્ટર છે અને કરોડોપતિ છે. ખારમાં એમની પોતાની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. સારું થયું તમારા પેલા નોકરિયાત નીરવ સાથે સંબંધ તોડી નાખ્યો. જય શ્રી કૃષ્ણ." જીતુભાઈ બોલ્યા અને અંજલીને લઈને આગળ ચાલ્યા.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
