અભિષેક પ્રકરણ 30
થોડાક દિવસો ગયા પછી અભિષેક રાત્રે પોતાના ઘરે હતો ત્યારે રવિરત્ન સોસાયટીના સેક્રેટરી ધવલભાઇ ભટ્ટ એના ઘરે મળવા માટે આવ્યા.
અભિષેક નવલકથા
" તમે જ ડૉ. અભિષેક ? " ધવલભાઇ બોલ્યા.
" હા સાહેબ આવો ને ! તમે જ બેસતા વર્ષના દિવસે મારા ઘરે આવ્યા હતા ?" ધવલભાઇ સોફા ઉપર બેઠા પછી અભિષેકે પૂછ્યું.
" હા હું જ આવ્યો હતો પરંતુ તમે મુંબઈ ગયેલા એટલે પછી હું નીકળી ગયેલો. અને છેલ્લા વીસ દિવસથી હું પોતે બહારગામ હતો એટલે પછી તમને મળવા આવી ના શક્યો. " ધવલભાઇ બોલ્યા.
" બોલો સાહેબ તમારી શું સેવા કરી શકું ? " અભિષેકે નમ્રતાથી પૂછ્યું.
" તમારા વિશે ઘણું બધું સાંભળ્યું છે ડૉક્ટર સાહેબ. હું પોતે ભટ્ટ મેવાડા બ્રાહ્મણ છું. અમારું મૂળ વતન હિંમતનગર છે પરંતુ મારા પિતાજીના વખતથી અમે લોકો રાજકોટ રહીએ છીએ. " ધવલભાઇ બોલી રહ્યા હતા.
" તમે પરિમલ હોસ્પિટલમાં જોબ કરો છો એ પણ હું જાણું છું. તમારા આ ટાવરમાં મનોજભાઈ કેલકરની પત્નીને તમે બચાવી લીધી એ પણ મને જાણ થઈ. મનોજભાઈને હું સારી રીતે ઓળખું છું. તમારી સાથે રહે છે એ તમારાં મમ્મી છે ? " ધવલભાઇએ પૂછ્યું.
"મારી સાથે જે રહે છે એમની ઓળખાણ તમને મનોજભાઈએ નથી આપી ? " અભિષેકે સામો સવાલ કર્યો. એને આ પ્રશ્ન ગમ્યો નહીં.
" ના મારે મનોજભાઈ સાથે એમના વિશે કોઈ ચર્ચા થઈ નથી." ધવલભાઇ બોલ્યા.
" એ મારાં માસી છે. મારાં મમ્મી પપ્પા નથી. મારુ વતન મુંબઈ છે અને મારું મકાન પણ મુંબઈમાં જ છે. આ તો ભાડાનું ઘર છે. " અભિષેક બોલ્યો.
" હવે હું મૂળ વાત ઉપર આવું છું. મારો સાળો મુંબઈમાં રહે છે. એ છ મહિનાથી ગુમ છે. ઘરેથી કહ્યા વગર જતો રહ્યો છે. અમે બહુ જ તપાસ કરી. ત્યાંના લોકલ છાપામાં પણ આપ્યું. જે પણ તપાસ કરી શકાય એ બધી જ કરી પરંતુ એની કોઈ જ ભાળ મળતી નથી. એ તો સારું છે કે એનાં લગ્ન હજુ થયાં નથી. તમે આમાં કોઈ મદદ કરી શકો ? " ધવલભાઇ મૂળ વાત ઉપર આવ્યા.
" હું કોશિશ કરી જોઉં વડીલ. મને જો ખ્યાલ આવી જશે તો હું તમને ચોક્કસ જણાવી દઈશ. મને એ ભાઈનો ફોટો જોઈશે. મોબાઈલમાં ફોરવર્ડ કરશો તો પણ ચાલશે. એમનું પૂરું નામ અને ફોટો મારા વ્હોટસએપ ઉપર મોકલો. " અભિષેક બોલ્યો.
ધવલભાઇએ તરત જ પોતાના સાળા મયુરનો ફોટો નામ સાથે અભિષેકના મોબાઇલમાં મોકલ્યો.
" ઠીક છે અંકલ. કાલે હું તમને ફોન કરીને જણાવી દઈશ. " અભિષેક બોલ્યો.
" ભલે ડોક્ટર સાહેબ. તમારો ખુબ ખુબ આભાર. " કહીને ધવલભાઇ તરત જ ઉભા થઈને બહાર નીકળી ગયા.
બીજા દિવસે વહેલી સવારે અભિષેકે ધવલભાઇના સાળા મયુરના ફોટા ઉપર થોડી વાર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું અને પછી એ આંખો બંધ કરીને ઊંડા ધ્યાનમાં ઉતરી ગયો. એણે જે જોયું એ દ્રશ્ય કરૂણ હતું.
સવારે આઠ વાગે એણે ધવલભાઈને ફોન કરીને પોતાના ઘરે બોલાવ્યા. ધવલભાઇ પોણા નવ વાગે મનોજ કેલકરને સાથે લઈને અભિષેકના ઘરે આવ્યા.
"આવો આવો. આજે તો મનોજભાઈ ને લઈને આવ્યા છો ! " ધવલભાઇ આવ્યા એટલે અભિષેકે એમનું સ્વાગત કર્યું.
" હા મેં મનોજને ફોન કર્યો હતો કે તને સમય હોય તો અત્યારે ડોક્ટર સાહેબના ઘરે જઈ આવીએ. એણે હા પાડી એટલે પછી એના ઘરે જઈને એને લઈને હું આવ્યો. " ધવલભાઇ બોલ્યા.
" વડીલ સમાચાર બહુ સારા નથી. તમારો સાળો મયુર અત્યારે આ દુનિયામાં નથી. પૈસાની મોટી લેવડદેવડમાં એને કિડનેપ કરી દેવામાં આવ્યો હતો અને જે દિવસે એ ગુમ થયો એ જ દિવસે એનું મર્ડર થઈ ગયું હતું. એનો આત્મા ભટકી રહ્યો છે માટે એની પાછળ જે પણ ક્રિયાકર્મ થતું હોય એ તમે વહેલી તકે કરાવી દેજો. બ્રાહ્મણ છો એટલે શ્રાદ્ધ અને પિંડદાન ખાસ કરાવવું જોઈએ." અભિષેક બોલ્યો.
"તમે શું કહી રહ્યા છો ડૉક્ટર સાહેબ ! અમે ઘણી બધી જગ્યાએ જોવડાવ્યું છે. કોઈએ કહ્યું છે કે એ હિમાલય બાજુ છે. કોઈએ કહ્યું કે એ કોઈ આશ્રમમાં જોડાઈ ગયો છે. અને એ હજુ તો ૩૦ વર્ષનો છે. એને કોઈની સાથે એવી દુશ્મનાવટ પણ નથી. " ધવલભાઇ બોલ્યા. એમને અભિષેકની વાત ઉપર વિશ્વાસ નહોતો આવતો.
" તમારી વાત હું સમજી શકું છું. તમે આવું ના વિચારી શકો એ પણ સાચું જ છે. છતાં હકીકત એ હકીકત છે. અને મારી વાત તમારે માનવી જ પડે એવો મારો કોઈ દુરાગ્રહ પણ નથી. મને જે દેખાયું એ મેં તમને કહ્યું. જે દિવસે એનું મર્ડર થયું એ દિવસે મયુરે જીન્સ અને લાલ ટીશર્ટ પહેર્યું હતું. કારમાં ગળુ દબાવીને એની હત્યા કરવામાં આવી હતી." અભિષેક બોલ્યો.
"અંકલ... ડૉક્ટર સાહેબ આટલી બધી ડિટેલ્સમાં વાત કરી રહ્યા છે એટલે એમની વાત મને સાચી જ લાગે છે. " મનોજ બોલ્યો.
ધવલભાઈ વિચારમાં પડી ગયા. જે રીતે આ ડૉક્ટર વાત કરી રહ્યા છે એ જોતાં શંકા કરવાનો કોઈ મતલબ નથી. એમણે તરત જ પોતાના મોટા સાળા નરેશને ફોન લગાવ્યો.
" અરે નરેશ હું ધવલ ભટ્ટ બોલું છું. હું એક જગ્યાએ બેઠો છું. જે દિવસે મયુર ગુમ થયો એ દિવસે એણે શું પહેર્યું હતું એ કંઈ યાદ છે ? " ધવલભાઇ બોલ્યા.
" હા હા બરાબર યાદ છે. સવારે અમે સાથે જ નાસ્તો કરવા માટે બેઠા હતા. એના ઉપર કોઈનો ફોન આવ્યો હતો. એ વખતે એણે જીન્સ અને લાલ ટીશર્ટ પહેર્યું હતું. " નરેશ બોલ્યો.
" ઓકે. ઠીક છે હું પછી વાત કરું છું." ધવલભાઇ બોલ્યા અને ફોન કટ કર્યો.
" તમારી વાત હવે મને સો ટકા સાચી લાગે છે ડોક્ટર સાહેબ. હવે મને એ કહો કે આ મર્ડર કોણે કર્યું ? કારણ કે આટલો મોટો ગુનો કર્યા પછી એ માણસને હું સજા ન અપાવું તો મને ચેન ના પડે. મારે મુંબઈ જઈને આ બાબતમાં એક્શન લેવી જ પડશે. " ધવલભાઇ બોલ્યા.
"વડીલ મારું કામ તમારા સાળા વિશે જણાવવાનું હતું કે એ અત્યારે ક્યાં છે અને એ મેં તમને જણાવી દીધું. અહીં મારું કાર્ય પૂરું થઈ જાય છે. ગુનેગારને પકડાવવાનું કામ મારું નથી. ઈશ્વરના દરબારમાં ન્યાય મળે જ છે. એનું કર્મ એને સજા કરશે. હું આમાં ક્યાંય પણ નિમિત્ત બનવા માગતો નથી. મારી ભૂમિકા ડિટેક્ટિવની નથી ! " અભિષેક બોલ્યો.
" અંકલ... અભિષેકભાઈ સાચું જ કહે છે. એમની કેટલીક મર્યાદાઓ હોઈ શકે છે. એ એક સાધક છે. એ આ બધી વાતોમાં ન પડે. ધ્યાનમાં બેસીને એ જાણી શક્યા હોય છતાં પણ એ ન જણાવે. આટલી બધી માહિતી મળી એ જ તમારા માટે અગત્યનું છે. તમે મુંબઈ જઈને એમનું શ્રાદ્ધ અને ક્રિયા કર્મ કરાવી દો. " મનોજ બોલ્યો.
" આવા સમાચાર જાણવા મળ્યા છે એટલે હું તમને ચા પાણીનો આગ્રહ કરતો નથી. " અભિષેક બોલ્યો.
" ના ના. આઘાતજનક સમાચાર છે એટલે એવો કોઈ મૂડ પણ નથી. ચાલો અમે રજા લઈએ. આપનો ખૂબ ખૂબ આભાર ડોક્ટર સાહેબ." ધવલભાઇ બોલ્યા અને બંને ઉભા થઈને બહાર નીકળ્યા.
આ બાજુ પાર્લામાં અચાનક અંજલીને જોયા પછી અને જીતુભાઈની વાત સાંભળ્યા પછી નીરવના પિતા જનકભાઈની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ હતી. અંજલી ખરેખર બહુ જ ખૂબસૂરત હતી. એમનો દીકરો નીરવ તો એની પાછળ પાગલ જ હતો. એની ઈચ્છાના કારણે જ એની સાથે અંજલીની સગાઈ કરી હતી. પરંતુ ગોવા ગયા પછી જે બન્યું એના કારણે જીતુભાઈ સાથે સંબંધો ખાટા થઈ ગયા હતા. એમણે તો સગાઈ ફોક કરી દીધી હતી.
સગાઈ ફોક થઈ જશે એવી તો જનકભાઈને કલ્પના જ ન હતી. જો કે એમને પોતાને લાગ્યું કે તે દિવસે જીતુભાઈને પોતે જે સંભળાવ્યું એ જરા વધારે પડતું બોલાઈ ગયું હતું. વાંક તો ખરેખર પોતાના દીકરાનો જ હતો. એ જ જીદ કરીને અંજલીને ગોવા લઈ ગયો હતો. પરંતુ અંજલી પ્રેગનેન્ટ થઈ ગઈ એટલે એમણે જીતુભાઈને આઘાત લાગે એવા શબ્દો વાપર્યા હતા !
પરંતુ ગઈકાલે જીતુભાઈએ પણ પોતાને કેવું સંભળાવી દીધું હતું !
" અમારા જમાઈએ સાડા છ કરોડનો અહીં ફ્લેટ લીધો છે. એ જોવા માટે અમે લોકો આવ્યા હતા. જમાઈ પોતે ડૉક્ટર છે અને કરોડોપતિ છે. ખારમાં એમની પોતાની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. સારું થયું તમારા પેલા નોકરિયાત નીરવ સાથે સંબંધ તોડી નાખ્યો. જય શ્રી કૃષ્ણ."
ખરેખર આ સાચું હશે !! આવું બની જ ના શકે. અને જો કદાચ અંજલીની સગાઈ આવા શ્રીમંત સાથે થઈ હોય તો નક્કી એમણે અંજલીની સગાઈની અને ગર્ભપાતની વાત છુપાઈ જ હશે. નહીં તો એબોર્શન જાણ્યા પછી એની સાથે કોઈ શ્રીમંત માણસ થોડાં લગ્ન કરે !! મારે જીતુભાઈને મળવું તો પડશે જ.
એમણે આ સમાચાર રાત્રે પોતાના દીકરા નીરવને આપ્યા કે અંજલી અને એના પપ્પા મને પાર્લામાં મળ્યા હતા અને જીતુભાઈએ કહ્યું કે અંજલીની સગાઈ કોઈ શ્રીમંત ડોક્ટર સાથે થઈ ગઈ છે અને એણે સાડા છ કરોડનો ફ્લેટ આપણા નહેરુ રોડ ઉપર લીધો છે.
" એ બની જ ના શકે પપ્પા. એ તો તમને ખાલી સંભળાવવા માટે કહ્યું હશે. પપ્પા એબોર્શન કરાવવું પડ્યું એ કોઈ ગંભીર વાત નથી. તમે એકવાર એના પપ્પાને મળો અને સમજાવો. તમે અંજલી વિશે જે બોલ્યા હતા એના માટે માફી માંગી લો. અંજલી મને બહુ જ ગમે છે. એના જેવી સુંદર કોઈ બીજી છોકરી મને નહીં જ મળે. ગોવામાં પણ બધા એને જોઈ રહેતા હતા. સગાઈ તૂટી ગઈ એનો મને બહુ મોટો આઘાત લાગ્યો છે." નીરવ બોલ્યો.
" હું પણ એ જ વિચારું છું કે એકવાર જીતુભાઈને મળી લઉં. મારા શબ્દો માટે એમની માફી પણ માગી લઉં. " જનકભાઈ બોલ્યા અને ફોન કટ કર્યો.
બીજા જ દિવસે થોડી હિંમત ભેગી કરીને જનકભાઈ સુંદરનગર મલાડ જીતુભાઈના ઘરે પહોંચી ગયા. એ તો સારું હતું કે અંજલી એ વખતે ઘરમાં હાજર ન હતી.
"અંદર આવું કે ? " જીતુભાઈએ જેવો દરવાજો ખોલ્યો કે તરત જ જનકભાઈ બોલ્યા.
" આવો જનકભાઈ. મહેમાનને ના તો પડાય નહીં ! " જીતુભાઈ બોલ્યા અને જનકભાઈ અંદર પ્રવેશીને સોફા ઉપર બેઠા.
" બોલો જનકભાઈ કેમ આવવું થયું ? આપણા સંબંધો તો પૂરા થઈ ગયા. " જીતુભાઈ બોલ્યા.
" આ તો તમને કાલે પાર્લામાં જોયા એટલે પછી મળવાની ઈચ્છા થઈ. ભલે સગાઈ અત્યારે તૂટી ગઈ હોય પરંતુ એક સમયે આપણે વેવાઈ પણ હતા ને ? " જનકભાઈ બોલ્યા.
" વેવાઈની વાત જવા દો જનકભાઈ. એ બધો ભૂતકાળ થઈ ગયો છે અને તમે જે શબ્દો મને મારી નિર્દોષ અને ભોળી દીકરી માટે સંભળાવ્યા છે એ તો મારા હૃદયમાં કોતરાઈ ગયા છે. જમાઈ નારાજ ના થાય એટલા માટે બિચારી મારા દબાણથી ગોવા ગઈ હતી. તમારા દીકરાએ આ પરાક્રમ કર્યું અને ઉપરથી તમે મને એમ કહો છો કે અમારે તો એબોર્શન કરાવેલી વહુ લાવવાની થઈને ! " જીતુભાઈ ગુસ્સાથી બોલ્યા.
" મારી એ ભૂલ હતી જીતુભાઈ હું કબુલ કરું છું. હજુ પણ મોડું થયું નથી.. સગાઈ ફોક થઈ એ બીજું કોઈ જાણતું નથી. ઘરની વાત ઘરમાં જ રહેશે. બધી કડવાશ ભૂલી જાઓ. મને ખબર જ છે કે હજુ અંજલીનું ક્યાંય નક્કી નથી થયું. અને તમે સાચી વાત રજૂ કરો તો કોઈ લગ્ન માટે જલ્દી તૈયાર પણ ના થાય. અને કદાચ કોઈ મુરતિયો મળી જાય તો કાં તો ડિવોર્સી મળે અથવા વિધુર મળે. એના કરતાં નીરવ એને સ્વીકારવા તૈયાર જ છે. " જનકભાઈ બોલ્યા.
" જનકભાઈ હવે તમે હદ વટાવો છો. તમારી જાણ માટે કહું છું કે મારી દીકરી અંજલીને નજર લાગે એવો જમાઈ મળ્યો છે અને એ પણ કાચો કુંવારો ! કરોડોપતિ ડૉક્ટર છે. એમણે અંજલી જેવી છે તેવી સ્વીકારી લીધી છે. એના વિશે જમાઈ બધું જ જાણે છે. અમે કે અંજલીએ કોઈ વાત છૂપાવી નથી. માટે હવે બીજી કોઈ વાત કરશો નહીં. આપણી વાતચીત અહીં જ પૂરી થાય છે. " જીતુભાઈ બોલ્યા અને એમણે જનકભાઈ સામે બે હાથ જોડ્યા.
જનકભાઈ સમજી ગયા કે હવે અહીં વધુ બેસવામાં કોઈ સાર નથી. એ ઊભા થયા અને ઝડપથી બહાર નીકળી ગયા. એ બહાર નીકળ્યા અને નીચે ઉતરી ગયા. એ જ વખતે નીચે અંજલી એમને સામે મળી. અંજલીનું ધ્યાન એના મોબાઈલમાં હતું. પરંતુ જનકભાઈએ હિરોઈન જેવી દેખાતી અંજલીને જોઈ લીધી અને એમનાથી એક નિઃસાસો નખાઈ ગયો !!
એ પછી બીજા ચાર મહિના પસાર થઈ ગયા અને મે મહિનો આવી ગયો. અભિષેક હોસ્પિટલમાં ખૂબ જ લોકપ્રિય બની ગયો હતો. કેન્ટીન પણ સરસ રીતે ચાલી રહી હતી. તમામ સ્ટાફ ચા અને ગરમ નાસ્તાનો રોજ આનંદ માણતો. અઠવાડિયામાં બે વાર દિપાલી તરફથી પણ કોઈને કોઈ વાનગી અભિષેકને ચાખવા મળતી.
વિલે પાર્લેના અથર્વ હાઇટ્સ ફ્લેટ ઉપર ઇન્ટિરિયર ડિઝાઇનનું કામ ૭૫ ટકા જેટલું પતી ગયું હતું. અંજલી અઠવાડિયામાં ત્રણ દિવસ ત્યાં સતત ચક્કર મારતી હતી અને બે કલાક જેવું રોકાઈને જરૂરી સૂચનાઓ આપતી હતી. ઉનાળો શરૂ થયો એ પહેલાં જ ફ્લેટમાં લાઈટ પંખા અને એસી ફીટ થઈ ગયાં હતાં. આ બધા કામકાજને કારણે અંજલી હજુ સુધી રાજકોટ જઈ શકી ન હતી.
જૂન મહિનો શરૂ થયો એ સાથે જ જાણે અભિષેકનાં રાજકોટ સાથેનાં અંજળપાણી ખૂટી ગયાં હોય એમ ૪ તારીખે વહેલી પરોઢે જ અચાનક ભારતી આન્ટીને માસીવ હાર્ટ અટેક આવ્યો અને માત્ર પાંચ મિનિટમાં હૃદય બંધ પડી ગયું.
અભિષેક એ વખતે નાહી ધોઈને પોતાના બેડરૂમમાં ગાયત્રીની માળા કરી રહ્યો હતો. માળા કરતાં કરતાં જ એણે પોતાની નજર સામે એક ઝબકારો જોયો અને એને આભાસ થઈ ગયો કે આન્ટીએ દેહ છોડી દીધો.
અભિષેક પોતે જ ડોક્ટર હતો. એ માળા મૂકીને દોડતો આન્ટીના બેડરૂમમાં ગયો. એણે નાડી ચેક કરી. આન્ટીના શ્વાસ બંધ હતા. એની અંદરની અંતઃપ્રેરણા પણ એને કહી રહી હતી કે હવે કોઈપણ હિસાબે શ્વાસ ચાલુ નહીં થાય. એટલે હવે હોસ્પિટલ લઈ જવાનો પણ કોઈ જ મતલબ નહોતો.
વર્ષો પહેલાં પોતાના પૂર્વ જન્મમાં અભિષેકે અકસ્માત કરીને જેમને નિરાધાર કરી દીધાં હતાં એ ભારતી માસી હવે આ દુનિયા છોડીને ચાલી નીકળ્યાં હતાં. અભિષેકે એમની બને એટલી સેવા ચાકરી કરી હતી અને એમના અભિશાપમાંથી મુક્ત થઈ ગયો હતો.
છતાં માસીની એને માયા લાગી હતી એટલે એમના મૃત્યુથી અભિષેકને પણ આઘાત લાગ્યો. એ રડી પડ્યો.
થોડીવાર પછી સ્વસ્થ થઈને એણે સવારે ૬ વાગે રઘુવીર પરામાં રસિક અંકલને ફોન ઉપર જાણ કરી. કારણ કે અભિષેક ભારતી આન્ટીનાં બીજાં કોઈ સગાંઓને ઓળખતો ન હતો. એણે ચંદારાણા ટાવરમાં પોતાના પડોશીઓ અને મનોજને પણ ફોન કરી દીધો. સાડા સાત વાગ્યા સુધીમાં પંદરેક લોકો ભેગા થઈ ગયા.
આઠ વાગે શબવાહિનીમાં ભારતી આન્ટીને સ્મશાને લઈ જવામાં આવ્યાં. બાકીના લોકો બાઈક અને ગાડીથી સ્મશાને આવી ગયા. એમનો દેહ પંચમહાભૂતમાં ભળી ગયો.
બધું પતી ગયા પછી એણે તમામ સ્વજનો અને પડોશીઓને બે હાથ જોડીને વિદાય આપી દીધી. એ પછી જ્યારે અભિષેક પોતાના ફ્લેટમાં પાછો ફર્યો ત્યારે હવે એ એકલો જ હતો. હંમેશા એને કંપની આપનાર એનાં ભારતી માસી રહ્યાં ન હતાં. એમનો બેડરૂમ હવે સૂનો થઈ ગયો હતો.
અભિષેકને એની મમ્મી બેટા કહીને બોલાવતી. આ જ શબ્દ પ્રયોગ એક બે વાર સૂક્ષ્મ જગતમાં રહેલાં વનિતા આન્ટીએ પણ કર્યો હતો. આ ભારતી આન્ટી પણ છેલ્લા એકાદ વર્ષથી એને બેટા કહીને જ બોલાવતાં. હવે એને બેટા કહેનાર આ દુનિયામાં કોઈ જ રહ્યું ન હતું ! મા દીકરા જેવો છેલ્લો ઋણાનુબંધ આજે પૂરો થઈ ગયો હતો !!
સંસારના બધા જ સંબંધો સમય સાથે બંધાયેલા હોય છે. સમય પૂરો થતાં જ સંબંધો પણ પૂરા થઈ જાય છે. રહી જાય છે માત્ર યાદો !!
અશ્વિન રાવલ (અમદાવાદ)
"અભિષેક" નવલકથા - અનુક્રમણિકા પર જવા માટે :☞અહીં ક્લિક કરો
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
