અભિષેક (Abhishek Novel Part-31)

Related

અભિષેક પ્રકરણ 31

ભારતી આન્ટીની વિદાયથી અભિષેક ઉદાસ થઈ ગયો હતો. દિવાળી ઉપર એના ગુરુજીએ એને ધ્યાનમાં કહ્યું જ હતું કે ભારતીબેનનું આયુષ્ય હવે છ મહિનાથી વધારે નથી. ઋષિકેશ અંકલે પણ એવું જ કહ્યું હતું. છતાં જ્યારે ખરેખર એમણે વિદાય લીધી ત્યારે એ ગમગીન થઈ ગયો.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

ભારતી આન્ટીની વિદાયના સમાચાર હોસ્પિટલમાં પણ પહોંચી ગયા હતા. તમામ ડૉક્ટરો અને સ્ટાફે અભિષેક સામે દુઃખ વ્યક્ત કર્યું હતું અને એને આશ્વાસન આપ્યું હતું. અભિષેક અને આન્ટી વચ્ચેના સાચા સંબંધની કોઈને પણ જાણ ન હતી. હોસ્પિટલમાં બધા એમ જ માનતા હતા કે અભિષેક સર એમની માસીના ત્યાં રહે છે.

દિપાલી પોતે પણ લગભગ એવું જ સમજતી હતી. જો કે ભારતી આન્ટી અભિષેક સરનાં સગાં માસી છે એવું તો એ પોતે માનતી જ ન હતી કારણ કે એને ખબર હતી કે અભિષેક સરનાં સગાં માસી તો વીણામાસી છે. પણ એમનાં કોઈ નજીકનાં સંબંધી ચોક્કસ હશે એવું એ સમજતી હતી.

" કેમ સર તમે આટલા બધા ઉદાસ થઈ ગયા છો ? મેં આજ સુધી તમારા અને આન્ટીના સંબંધો વિશે પૂછ્યું નથી. પણ તમને આટલા બધા ઉદાસ ક્યારે પણ જોયા નથી એટલે પૂછવાનું મન થાય છે." દિપાલી બોલી.

" દિપાલી કેટલાક સંબંધો માત્ર દિલના હોય છે. મારા અને આન્ટી વચ્ચે કોઈ જ લોહીનો સંબંધ નથી. દોઢ વર્ષ પહેલાં તો હું એમને ઓળખતો પણ ન હતો. એમની સાથે રહેતો હતો એટલે માયા બંધાઈ ગઈ. રાજકોટ આવ્યો ત્યારે ક્યાં રોકાવું એ પ્રશ્ન હતો. મારા એક મિત્રએ ભારતી આન્ટીની મને ભલામણ કરી હતી. હું એમના ઘરે ગયો પરંતુ એમની સ્થિતિ બહુ જ દયા આવે એવી હતી. વૃદ્ધાવસ્થા હતી અને એમની સંભાળ રાખનાર કોઈ જ ન હતું એટલે પછી ફ્લેટ ભાડે રાખીને હું એમને મારી સાથે જ લઈ આવ્યો. એમની બને એટલી સેવા કરી. બસ આ જ અમારો સંબંધ. " અભિષેક બોલ્યો.

" વાહ સર. પારકાંને પોતાનાં કરવાની તમારી આ કળા બહુ ઓછા લોકોમાં મેં જોઈ છે. એમની વિદાયથી તમે આટલા બધા દુઃખી થઈ ગયા છો એ જ બતાવે છે કે એમના તરફ તમારી કેટલી લાગણી હતી ! " દિપાલી બોલી.

" હા દિપાલી. ફ્લેટમાં અમારી બંનેની એકબીજાની કંપની હતી. એમનો સ્વભાવ બહુ જ સારો હતો દિપાલી. એમના વિના હવે ફ્લેટ પણ સૂનો થઈ ગયો છે. લાગે છે કે ફરી મારે મુંબઈ શિફ્ટ થવાનો સમય પાકી ગયો છે. " અભિષેક બોલ્યો.

અગિયારમા દિવસે અભિષેક પ્રભાસ પાટણ ગયો અને ત્યાં જઈને એણે ભારતીબેન દાવડાનું પિંડદાન અને શ્રાદ્ધ કર્યું. એમના આત્માને ગતિ આપવા માટે એણે પોતાના મહાન ગુરુજીને પણ પ્રાર્થના કરી.

અભિષેક પ્રભાસ પાટણમાં રાત રોકાયો હતો અને સૂવાની તૈયારી કરતો હતો ત્યાં જ રાત્રે લગભગ ૧૦ વાગે મુંબઈથી દોશી સાહેબનો એના ઉપર ફોન આવ્યો.

" અભિષેકભાઈ ક્યાં છો તમે ? " દોશી સાહેબ બોલ્યા.

" જી અંકલ છેલ્લા દોઢેક વર્ષથી હું રાજકોટમાં જ છું. આજ ઘણા સમય પછી તમારો ફોન આવ્યો ! " અભિષેક બોલ્યો.

" હા ગઈકાલે કાબરા કંપનીમાંથી ફોન આવ્યો હતો. ખારમાં લિન્કિંગ રોડ ઉપર બિઝનેસ કોમ્પ્લેક્સનું કામ અત્યારે ધમધોકાર ચાલી રહ્યું છે. પાંચ માળનું આખું માળખું તૈયાર થઈ ગયું છે. હવે ઓફિસોનું અને શો રૂમ્સનું અંદરનું કામ ચાલુ થશે. અગ્રવાલ પૂછતા હતા કે પહેલા માળની તમારી હોસ્પિટલની ડિઝાઇન અમને આપો તો એ પ્રમાણે અમે અંદરની દીવાલો બનાવીએ. ક્યાં શું શું કરવાનું છે એ જણાવો તો એ પ્રમાણે કન્સ્ટ્રક્શન ચાલુ કરાય અને પ્લમ્બિંગની લાઈન અપાય. " દોશી સાહેબ બોલ્યા.

" ભલે અંકલ. તો પછી હું ત્યાં આવીને આટો મારી જાઉં. એના માટે આર્કિટેક્ટ પણ આપણે શોધવો પડશે ને ! " અભિષેક બોલ્યો.

" તમારે તાત્કાલિક આવવાની જરૂર નથી. આ તો એમણે આપણને જાણ કરી છે. એકાદ મહિનામાં તમે આવી જશો તો પણ ચાલશે. અને આવડી મોટી કંપની છે તો એ લોકોના પોતાના જ આર્કિટેક્ટ હોય ! આપણે અલગ રોકવાનો ના હોય. આપણે ખાલી એમને દિશા સૂચન જ કરવાનું હોય કે કઈ દિશામાં શું કરવાનું છે. કેટલા હૉલ અને કેટલા રૂમ બનાવવાના છે વગેરે માહિતી આપણે આપવાની હોય. " દોશી અંકલ બોલ્યા.

" ઠીક છે અંકલ એકાદ મહિનામાં તો હું કાયમ માટે ત્યાં આવું જ છું. અંકલ મેં વિલે પાર્લે ઇસ્ટમાં નહેરુ રોડ ઉપર ચાર બેડરૂમનો એક ફ્લેટ પણ લઈ લીધો છે અને અત્યારે ત્યાં ઇન્ટિરિયર નું કામ ચાલે છે." અભિષેક બોલ્યો.

" અરે વાહ ! મને બહુ જ આનંદ થયો. ખૂબ જ સરસ એરિયા પસંદ કર્યો. તમારે હોસ્પિટલ નજીક પણ પડશે. વાડી અને ગાડી તો આવી ગઈ હવે લાડી પણ લઈ આવો ! " દોશી અંકલ બોલ્યા.

" લાડી પણ તૈયાર જ છે અંકલ. યોગીજી પણ એને ઓળખે છે અને એમના આશીર્વાદ પણ મળી ગયા છે." અભિષેક બોલ્યો.

" તમારી પ્રગતિ જોઈને મને ખૂબ જ આનંદ થયો છે અભિષેક. મને ખુશી છે કે તમારી પ્રગતિમાં હું નિમિત્ત બન્યો છું. " દોશી અંકલ બોલ્યા.

" આપણા પણ કોઈ ઋણાનુબંધ હશે અંકલ. તમારા થકી જ આ બધું પ્રાપ્ત થયું છે. " અભિષેક બોલ્યો.

" ઋણાનુબંધની વાત હું માનું છું. ચાલો હવે મૂકું છું. મુંબઈ આવો એટલે મને મળજો. " કહીને દોશી અંકલે ફોન કટ કર્યો.

હવે એકાદ મહિનામાં તો કોઈ પણ હિસાબે મુંબઈ જવું જ પડશે. મારી હોસ્પિટલ બની રહી છે એટલે મારે પણ થોડું ધ્યાન રાખવું જ પડશે – હોસ્પિટલના આવા વિચારોમાં જ અભિષેકને ઊંઘ આવી ગઈ.

બીજા દિવસે સવારે અભિષેકે દ્વાદશ જ્યોતિર્લિંગમાં જે પ્રથમ ક્રમે છે એવા ભગવાન સોમનાથનાં દર્શન કર્યાં અને એક પંડિતજી દ્વારા રુદ્રાભિષેક પણ કરાવ્યો. ભગવાન મહાદેવની ચેતના અહીં એને જીવંત લાગી.

સોમનાથથી પાછા આવીને ફરી એ હોસ્પિટલમાં હાજર થયો ત્યારે દેસાઈ સાહેબે એને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો.

" અભિષેક હોસ્પિટલમાં એવી ચર્ચા ચાલે છે કે તમે હવે રાજકોટ છોડી રહ્યા છો અને કાયમ માટે મુંબઈ જઈ રહ્યા છો ! " ડૉ. દેસાઈ બોલ્યા.

"હા સર કેટલાંક અંગત કારણોસર હું રાજકોટ આવ્યો હતો. મારું એ મિશન પૂરું થઈ ગયું છે. મારી પોતાની હોસ્પિટલ પણ ત્યાં બની રહી છે તો આર્કિટેકટને મારે એની ડિઝાઇન પણ સમજાવવી પડશે. બહારની દીવાલો બધી બની ગઈ છે. પરમ દિવસે જ મુંબઈથી ફોન આવ્યો હતો. " અભિષેક બોલ્યો.

" હા એ તમારી વાત સાથે હું સહમત છું. તમારી હોસ્પિટલનું કામ તમારી પોતાની દેખરેખ નીચે જ થવું જોઈએ. એક સવાલ પૂછું ? " દેસાઈ સાહેબ બોલ્યા.

" અરે સર ચોક્કસ પૂછી શકો છો. તમારાથી ખાનગી કંઈ છે જ નહીં. " અભિષેક બોલ્યો.

" ના ના એવી કોઈ અંગત વાત નથી. તમે ક્યારેય પણ દ્વારકા ગયા છો ? " ડૉ. દેસાઈ બોલ્યા.

" ના સર. ત્યાં જવાનો મને કોઈ વિચાર જ આવ્યો નથી. " અભિષેકે કબુલ કર્યું.

" તમે છેક રાજકોટ સુધી આવ્યા છો. દોઢ વર્ષ અહીં રહ્યા અને તમે જો દ્વારકા ન જાઓ તો એ બરાબર નથી. આખા સૌરાષ્ટ્રમાં દ્વારકાધીશની ચેતના વ્યાપેલી છે. ચારધામની યાત્રામાં દ્વારકા એક મહત્વનું તીર્થ છે. દેશ અને દુનિયામાંથી લાખો લોકો એમનાં દર્શને આવે છે. મુંબઈ જતાં પહેલાં દ્વારકાધીશનાં એક વાર તો તમારે દ્દર્શન કરવાં જ જોઈએ. ચાર સાડા ચાર કલાકનો રસ્તો છે. " ડૉ. દેસાઈ બોલ્યા.

" અરે સર. તમારું આ સૂચન હું તો દ્વારકાધીશનું જ નિમંત્રણ માનું છું. એકાદ અઠવાડિયામાં જ હું દર્શન કરી આવીશ. " અભિષેક બોલ્યો.

" તમે આધ્યાત્મિક માર્ગે છો. તમે યોગીજીને પણ માનો છો એટલા માટે મેં તમને આ સૂચન કર્યું છે. " દેસાઈ બોલ્યા.

" સ્યોર સર. ખૂબ ખૂબ આભાર. " કહીને અભિષેક ચેમ્બરમાંથી બહાર નીકળી ગયો.

દેસાઈ સાહેબની વાત સાચી હતી. છેક રાજકોટ સુધી પોતે આવેલો છે અને આધ્યાત્મિક માર્ગે આટલો બધો આગળ વધેલો છે છતાં દ્વારકાધીશનાં દર્શન કરવાની ઈચ્છા કેમ ના થઈ એનું પોતાને જ આશ્ચર્ય થયું.

રાજકોટ રહેવાનું પોતાનું કાર્ય તો પૂરું થઈ જ ગયું હતું. હવે ૧૫ ૨૦ દિવસ પછી જ્યારે મુંબઈ શિફ્ટ થઈ જવાનું હું વિચારી રહ્યો છું ત્યારે મારે એકવાર અંજલીને પણ અહીં બોલાવી લેવી જોઈએ અને એની સાથે જ દ્વારકાની યાત્રા કરવી જોઈએ. મુંબઈ પહોંચી ગયા પછી દ્વારકા આવવાનું કદાચ શક્ય ના પણ બને. – રાત્રે સૂતાં સૂતાં અભિષેક વિચારી રહ્યો હતો.

" અંજલી અભિષેક બોલું છું. ચાર પાંચ દિવસ પછીની તારી રાજકોટની ફ્લાઇટની ટિકિટ હું બુક કરાવું છું. હું અત્યારે રાજકોટ છું તો દ્વારકા દર્શન કરવા જવાનું વિચારું છું. તું આવતી હોય તો આપણે બંને સાથે જઈએ. ચાર પાંચ દિવસ પછીનો સમય તો અનુકૂળ છે ને ? આઈ મીન પિરિયડ આવવાનો હોય એવું તો કંઈ નથી ને ? યાત્રામાં જઈએ છીએ એટલે આ બધું વિચારવું પડે. " બીજા દિવસે સવારે અભિષેકે અંજલીને ફોન કર્યો.

" વાઉ ! આઈ એમ એક્સાઇટેડ અભિ. કોઈ પ્રોબ્લેમ નથી તમે ચોક્કસ ટિકિટ બુક કરાવી શકો છો. તમારી સાથે તો હું ગમે ત્યાં આવવા તૈયાર છું જાન." અંજલી બોલી.

અને અભિષેકે ચાર દિવસ પછીની મુંબઈથી રાજકોટની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી દીધી અને અંજલીને ફોરવર્ડ કરી.

અંજલી એકવાર ફ્લાઈટમાં મુંબઈથી અમદાવાદ સુધી આવેલી હતી એટલે એરપોર્ટ વિશે થોડી ઘણી માહિતગાર હતી. મુંબઈથી ૧૦:૪૫ નું ઈન્ડિગોનું ફ્લાઇટ હતું. અંજલી ફ્લાઇટની તારીખ પ્રમાણે સવારે સાડા નવ વાગે સાન્તાક્રુઝ એરપોર્ટ પહોંચી ગઈ.

બપોરે ૧૨ વાગે અંજલીનું ફ્લાઇટ રાજકોટના હીરાસર એરપોર્ટ ઉપર લેન્ડ થયું. કન્વેયર બેલ્ટમાંથી પોતાની નાની ટ્રાવેલ બેગ કલેક્ટ કરીને એ બહાર નીકળી તો એનો અભિષેક ગેટ ઉપર જ ઊભો હતો.

અભિષેક ખૂબ જ ઉમળકાથી માથે કેપ પહેરીને બહાર નીકળતી અંજલીને જાહેરમાં જ ભેટી પડ્યો અને અંજલીની બેગ એણે ઊંચકી લીધી. એ પછી એને લઈને પાર્કિંગમાં ગયો અને ગાડીમાં પોતાની બાજુમાં જ બેસાડી.

" તારામાં એવું કંઈક છે અંજલી કે તને જોઈને જ મન બેકાબુ બની જાય છે. યુ આર મોસ્ટ બ્યુટીફૂલ અંજુ ! હું નસીબદાર છું કે તું મારી પત્ની છે !!" અભિષેક ગાડી સ્ટાર્ટ કરીને બોલ્યો.

" અભિ તમારા મોઢે મારી આટલી બધી પ્રશંસા સાંભળીને મને શરમ આવે છે. હું તમારી જ છું અભિ. તમને આજે મળીને મને એટલો બધો આનંદ થયો છે કે હું એને શબ્દોમાં વર્ણવી શકતી નથી. મારી હકીકત જાણ્યા પછી પણ તમે મારો સ્વીકાર કર્યો છે એ જ તમારી મહાનતા છે. " બોલતાં બોલતાં અંજલીની આંખો ભીની થઈ ગઈ.

"એ વાતને ફરી યાદ ના કરીશ ડાર્લિંગ. હું ખરેખર એને ભૂલી ગયો છું અને ભૂલી જવા માગું છું. મારા માટે તો આજે પણ તું વર્જીન જ છે. આઈ લવ યુ અંજલી. " અભિષેક બોલ્યો અને એણે પોતાનો ડાબો હાથ એના જમણા હાથ ઉપર મૂક્યો.

અંજલીએ નીચા નમીને અભિષેકના હાથને ચૂમી લીધો. અભિષેકના આટલા બધા પ્રેમાળ શબ્દો અંજલીના હૃદયને એટલા બધા સ્પર્શી ગયા કે અભિષેકને શું જવાબ આપવો એ જ એને સમજાતું ન હતું ! પોતે ખૂબ જ નસીબદાર હતી કે એને આટલાં બધાં લાડ કરનારો પતિ મળ્યો.

હીરાસર એરપોર્ટ રાજકોટથી થોડું દૂર હતું. અભિષેક અંજલીને લઈને સીધો ગ્રાન્ડ ઠાકર ડાઇનિંગ હોલમાં ગયો. આ ડાઇનિંગ હોલ રાજકોટનું ગૌરવ હતો. અને અંજલીને પણ જમતી વખતે એનો અનુભવ થયો. ગુજરાતી થાળીના ડાઇનિંગ હોલ મુંબઈમાં બહુ ઓછા છે.

" ખરેખર અહીંની ગુજરાતી થાળી ખૂબ જ ડીલીસીયસ છે અભિ. " જમતી વખતે અંજલી બોલી.

" એટલા માટે જ સૌથી પહેલાં તને અહીં લઈ આવ્યો. ઘરે રસોઈ કરવાવાળાં બહેનને આજે સવારે રજા આપી છે. સાંજે તને એમના હાથની રસોઈ જમવા મળશે. એ બહેન પણ સારી રસોઈ બનાવે છે. " અભિષેક બોલ્યો.

" તમે અત્યારે ઘરે એકલા જ રહો છો ? " અંજલી બોલી. એને ભારતી આન્ટી વિશે કોઈ જ ખબર ન હતી અને અભિષેકે આજ સુધી એવી કોઈ ચર્ચા કરી પણ ન હતી.

" થોડા દિવસથી તો એકલો જ રહું છું. એક આન્ટીના ફ્લેટમાં ભાડે રહું છું. થોડા દિવસ પહેલાં જ આન્ટીનું અવસાન થઈ ગયું છે. અને મારે પણ હવે પંદરેક દિવસમાં કાયમ માટે મુંબઈ શિફ્ટ થવાનું છે એટલે ફ્લેટ ખાલી કરવો પડશે. " અભિષેકે જવાબ આપ્યો.

ગ્રાન્ડ ઠાકરથી અભિષેકે ગાડીને પોતાની હોસ્પિટલ તરફ લીધી. કાલે સવારે તો દ્વારકા જવા માટે નીકળી જવાનું હતું એટલે અત્યારે જ અંજલીને હોસ્પિટલ બતાવવાનું એણે વિચાર્યું. અંજલીની બેગને ગાડીમાં જ રહેવા દઈ અભિષેક એને ઉપર લઈ ગયો.

અભિષેકની સાથે આટલી ખૂબસૂરત છોકરીને જોઈને હોસ્પિટલનો સ્ટાફ અને ડોક્ટરો પણ આશ્ચર્ય પામી ગયા. અભિષેક સૌથી પહેલાં દેસાઈ સાહેબની ચેમ્બરમાં ગયો અને ત્યાં જઈને એણે અંજલીને દેસાઈ સાહેબના ચરણસ્પર્શ કરવાનું કહ્યું. અંજલીએ બાજુએ જઈને નીચા નમીને દેસાઈ સાહેબના ચરણ સ્પર્શ કર્યા. એમણે આશીર્વાદ તો આપ્યા પણ કંઈ સમજી શક્યા નહીં.

" સર આ મારી ફિયાન્સી એટલે કે ભાવિ પત્ની અંજલી છે. દ્વારકા જવાનું તમે સૂચન કર્યું એટલે પછી મેં એને અહીં બોલાવી લીધી જેથી અમે સજોડે દર્શન કરી શકીએ. " અભિષેક બોલ્યો.

" અરે છૂપા રુસ્તમ તમે આજ સુધી હોસ્પિટલમાં કોઈને જાણ પણ નથી કરી કે તમારી સગાઈ થઈ ગઈ છે. આ ન ચાલે. આખી હોસ્પિટલમાં પેંડા વહેંચવા પડશે.... બેટા તું ખૂબ જ નસીબદાર છે કે તને અભિષેક જેવો પતિ મળ્યો છે. આખી હોસ્પિટલ એ જ ચલાવે છે. બસ તમારા બંનેની જોડી સુખી રહે. " દેસાઈ સાહેબ બોલ્યા અને એમણે હરીશને અંદર બોલાવ્યો.

" હરીશ તું તાત્કાલિક 'જય સીયારામ' ના ત્રણ કિલો પેંડા લઈ આવ અને આખી હોસ્પિટલમાં વહેંચી દે. આ ડોક્ટર સાહેબની સગાઈ થઈ ગઈ છે તો પણ આજ સુધી આપણને જાણ નથી કરી." દેસાઈ બોલ્યા.

અભિષેકે ખિસ્સામાં હાથ નાખ્યો પણ એને રોકીને દેસાઈ સાહેબે પોતે જ હરીશને પૈસા આપ્યા.

" આજે મારા તરફથી સ્ટાફને પેંડા ખવડાવવાના છે. મને તો થોડો લ્હાવો લેવા દો. " દેસાઈ સાહેબ બોલ્યા.

અંજલી તો અભિષેક વિશે દેસાઈ સાહેબની આ બધી વાતો સાંભળીને આશ્ચર્ય પામી ગઈ હતી.

એ પછી દેસાઈ સાહેબે અંજલી સાથે થોડી વાતચીત કરી. અભ્યાસ શું કર્યો છે અને હાલમાં શું કરે છે વગેરે વગેરે. એણે એ પણ કહ્યું કે એ પોતે પણ યોગીજીને ગુરુ માને છે. એ સાંભળીને દેસાઈ સાહેબને ખૂબ જ આનંદ થયો.

૧૫ થી ૨૦ મિનિટમાં હરીશ આવી ગયો એટલે દેસાઈ સાહેબે એક પેકેટ ખોલીને અભિષેક અને અંજલીને પોતાના હાથે જ પેંડો ખવડાવ્યો.

"હરીશ આ પેંડા હોસ્પિટલના તમામ સ્ટાફમાં વહેંચી દે. દરેકને આખો પેંડો આપજે. બધાને કહી દેજે કે અભિષેક સર એમની ફિયાન્સીને લઈને આવ્યા છે એના માનમાં આ પેંડા દેસાઈ સાહેબ તરફથી છે. " દેસાઈ સાહેબ બોલ્યા.

એ પછી પાંચેક મિનિટમાં જ અભિષેક અંજલીને આખી હોસ્પિટલ બતાવવા માટે ચેમ્બરમાંથી બહાર નીકળ્યો તો સામેથી જ એક પછી એક બધા ડોક્ટરો એને સામે મળ્યા. એ બધા જ અભિષેકને અભિનંદન આપવા માટે જ આવતા હતા. અંજલીને જોઈને બધા જ જાણે કે અવાક થઈ ગયા.

" ભાભી તમે ખરેખર બહુ જ સુંદર લાગો છો. કોન્ગ્રેચ્યુલેશન અભિષેક." છેવટે એક સિનિયર ડોક્ટર મિતેશથી બોલાઈ જ ગયું. અંજલી શરમાઈ ગઈ.

અભિષેક અંજલીને લઈને આખી હોસ્પિટલમાં બધા વોર્ડ બતાવતો ગયો અને આખો સ્ટાફ અંજલીને જોતો જ રહ્યો. નર્સો પણ અંજલીને જોઈને અંજાઈ ગઈ હતી.

દિપાલી એક પેશન્ટનું રૂટ કેનાલ કરી રહી હતી એટલે એ એના ક્લિનિકમાં બીઝી હોવાથી બહાર આવી ન હતી. અભિષેક બધા વોર્ડમાં ફરીને જ્યારે નીચે પહેલા માળે આવ્યો ત્યારે દિપાલી ફ્રી થઈ ગઈ હતી.

એ અભિષેકને મળવા માટે બહાર આવી રહી હતી ત્યાં જ એને અભિષેક અને અંજલીનાં દર્શન થયાં. દિપાલી તો અંજલીને જોઈ જ રહી. આટલું બધું અદભુત સૌંદર્ય ! પોતે સુંદર સ્ત્રી હોવા છતાં અંજલીના સૌંદર્યથી એ અભિભૂત થઈ ગઈ !

આને રામસીતાની જોડી કહેવી કે રાધાકૃષ્ણની !!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."