અભિષેક પ્રકરણ 32
દ્વારકાનો પ્રોગ્રામ બનાવ્યો હોવાથી અભિષેકે અંજલીને રાજકોટ બોલાવી હતી. ગ્રાન્ડ ઠાકરમાં જમ્યા પછી એ અંજલીને લઈને પોતાની હોસ્પિટલ આવ્યો હતો અને એને આખી હોસ્પિટલ બતાવી હતી. અંજલીની સુંદરતા જોઈને તમામ સ્ટાફ આશ્ચર્ય પામ્યો હતો. અમુક ડૉક્ટરોને તો અભિષેકની ઈર્ષા પણ આવી હતી.
અભિષેક નવલકથા
અભિષેક દિપાલીની કેબિનમાં જઈ રહ્યો હતો ત્યારે જ દિપાલી એમને સામે મળી. એ તો અંજલીને બસ જોઈ જ રહી. એ પોતે સ્ત્રી હોવા છતાં પણ અંજલીથી અંજાઈ ગઈ હતી. અભિષેકે પત્ની તો સરસ પસંદ કરી હતી !
" દિપાલી આ અંજલી.. મારી ફિયાન્સી. " અભિષેકે ઓળખાણ કરાવી.
" એ તો મને ખ્યાલ આવી જ ગયો સર. તમે આજ સુધી મને એના વિશે ક્યારે પણ જણાવ્યું નથી કે તમારી સગાઈ થઈ ગઈ છે ! " દિપાલીએ મીઠી ફરિયાદ કરી.
" મારે તને સરપ્રાઈઝ આપવું હતું એટલે. " અભિષેક હસીને બોલ્યો.
" તમે બંને ક્લિનિકમાં આવો. આપણે ત્યાં જ વાતો કરીએ." દિપાલી બોલી અને દિપાલી સાથે અભિષેક અને અંજલી એના ક્લિનિકમાં ગયાં.
" અંજલી તમે ખૂબ જ નસીબદાર છો કે તમને અભિષેક સર મળ્યા છે. મારા આખા લાઈફમાં મેં એમના જેવી વ્યક્તિ જોઈ નથી. પારકાને પોતાના કરી લેવાની કળા એમનામાં છે. એ મુંબઈ જતા રહેશે પછી અમારી હોસ્પિટલનો આખો સ્ટાફ એમને મિસ કરશે. હોસ્પિટલની કેન્ટીનમાં એમણે દસ લાખનું દાન આપીને બધા સ્ટાફને મફત ચા અને નાસ્તો મળે એની વ્યવસ્થા પણ કરી આપી છે." દિપાલી બોલી.
" અરે અરે દિપાલી આ બધી દાનની વાતો અંજલીને કહેવાની કોઈ જરૂર નથી. ઈશ્વરે મને આપ્યું છે અને હું વહેંચું છું. " અભિષેક બોલ્યો.
" ના સર અંજલીને પણ ખબર તો પડવી જોઈએ ને ! તમે તો ક્યારેય પણ એને કહેવાના જ નથી ! " દિપાલી બોલી.
" અમે આવતીકાલે દ્વારકા જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે અને એટલા માટે જ મેં એને અહીં બોલાવી છે. મુંબઈ ગયા પછી દ્વારકા સુધી જવાનું શક્ય ના પણ બને. અને લગ્ન પહેલાં અમે બંને દ્વારકાધીશના આશીર્વાદ પણ લઈ લઈએ. તારે પણ આવવું હોય તો તું પણ આવી શકે છે. " અભિષેક બોલ્યો.
" ના બાબા... મારે તમારા બેની વચ્ચે કબાબમાં હડ્ડી બનવું નથી. એક તો ઘણા સમય પછી તમે બંને મળી રહ્યાં છો. અને લગ્નજીવન કરતાં પણ લગ્ન પહેલાંનો સમય બંને માટે વધારે રોમાન્ટિક હોય છે ! શું કહેવું છે અંજલી ? " દિપાલી બોલી.
અંજલી શરમાઈ ગઈ. એ કંઈ બોલી નહીં.
" તમે કંઈક તો બોલો અંજલી. તમારો અવાજ તો સાંભળવા મળે ! " દિપાલી બોલી.
" હું શું બોલું દિપાલીબેન ! મને તો બસ તમારા બંનેની વાતો સાંભળવાની જ મજા આવે છે. " અંજલી હસીને બોલી.
" બસ મારે તમારો અવાજ જ સાંભળવો હતો. એકદમ સ્વીટ વોઇસ છે. તમને બંનેને મારી શુભેચ્છાઓ ! તમે બંને એકબીજાને મેળવવા માટે લકી છો. કોન્ગ્રેચ્યુલેશન્સ ટુ બોથ ઓફ યુ. " દિપાલી બોલી અને કોણ જાણે કેમ એની આંખો ભીની થઈ ગઈ.
" થૅન્ક યુ." અભિષેક બોલ્યો અને તરત જ ઉભો થઈ ગયો.
એ પછી અભિષેક અંજલીને લઈને સીધો પોતાના ઘરે જવા માટે નીકળી ગયો.
ઘરે જતી વખતે અભિષેકે પોતાના મનમાં નક્કી કરી લીધું કે આડોશ પાડોશમાં કોઈ પૂછે તો અંજલીની ઓળખાણ પોતાની પત્ની તરીકે જ આપવી. અને એમ પણ કહેવું કે અંજલી છેલ્લા બે વર્ષથી કેનેડા હતી એટલા માટે પોતે એકલો જ રહેતો હતો. આ વાત એણે અંજલીને પણ સમજાવી દીધી.
" પરંતુ એવું શા માટે કહેવું અભિ ? " અંજલી બોલી.
" તું મારી પત્ની છે અને અત્યાર સુધી કેનેડા હતી એમ કહેવાથી લોકોના મનમાં કોઈ જ પ્રશ્નો ઊભા નહીં થાય. જો સગાઈ થઈ છે એમ કહીશું અથવા તો આપણે પ્રેમમાં છીએ એવું કહીશું તો પ્રશ્નો ઊભા થવાના જ છે !" અભિષેક બોલ્યો.
" ઠીક છે જાન. તમે જેમ કહો તેમ. " અંજલી બોલી.
અને ઘરે પહોંચ્યા પછી અંજલીને પણ લાગ્યું કે અભિષેકની વાત સાચી હતી. આટલી સુંદર છોકરી અભિષેકની સાથે જોઈને જેમને પણ ખબર પડી એ બધા પડોશીઓ અભિષેકના ઘરે મળવા આવ્યા. અભિષેકે અંજલીની ઓળખાણ પત્ની તરીકે જ આપી.
" ડોક્ટર સાહેબ તમારાં લગ્ન થઈ ગયાં છે છતાં પણ તમે આજ સુધી અમને જાણ પણ ના કરી ? " સ્વાતિબહેન બોલ્યાં. એકદમ પડોશમાં હોવાના કારણે સૌથી પહેલી નજર એમની પડી હતી.
" મને એવું કોઈએ પૂછ્યું ન હતું એટલે મેં પણ કોઈને જણાવ્યું નહીં. અને આમ પણ અંજલી કેનેડા હતી એટલે એ વાત કરવાનો કોઈ મતલબ પણ ન હતો. " અભિષેક બધાને લગભગ આ પ્રકારના જવાબો આપતો.
" ભાભી ખૂબ જ સુંદર છે અભિષેક ભાઈ ! " સોનિયા કેલકર અંજલીને જોઈને બોલી.
" મારી પસંદગી ગમે તેવી તો ના જ હોય એ તો તમે પણ જાણો છો. અને અંજલીને તમે ભાભી નહીં કહો તો પણ ચાલશે. તમે જોગેશ્વરીનાં છો તો એ તમારી પડોશમાં મલાડમાં જ રહે છે. " અભિષેક હસીને બોલ્યો.
" ઓહો તો તો બહુ જ સરસ . ભલે હું અંજલીબેન કહીશ. હવે અમારા ઘરે જમવાનું ક્યારે રાખો છો ? પહેલી વાર તમે એમને રાજકોટ બોલાવ્યાં છે ! " સોનિયા બોલી.
" જુઓ કાલે તો અમે દ્વારકા જવાનાં છીએ એટલે કદાચ બે કે ત્રણ દિવસ પ્રવાસમાં જશે. ત્યાંથી આવ્યા પછી ચોક્કસ તમારા ઘરે જમવાનું રાખીશું." અભિષેક બોલ્યો.
" અંજલી આ સોનિયાનું પિયર જોગેશ્વરીમાં જ છે. એ લોકોની ત્યાંની અટક વાડેકર છે. મહારાષ્ટ્રિયન બ્રાહ્મણ છે. " અભિષેક અંજલીની સામે જોઈને બોલ્યો.
સાંજે રસોઈ કરવાવાળાં ભાવનાબેન આવ્યાં. એ પણ અંજલીને જોઈને આશ્ચર્ય પામી ગયાં. અભિષેકે એમને પણ અંજલીની ઓળખાણ કરાવી.
" સાહેબ અંજલીબેન પહેલી વાર આવ્યાં છે તો અત્યારે કંઈ સ્પેશિયલ બનાવવું છે ? તમે કહેતા હો તો પૂરી બટેટાનું શાક અને થોડો સોજીના લોટનો શીરો બનાવી દઉં. " ભાવનાબેન બોલ્યાં.
" હા હા તમને જે ઈચ્છા હોય તે બનાવી દો માસી. અને સાંભળો કાલે સવારે અમે ત્રણ દિવસ માટે દ્વારકા ફરવા માટે જઈએ છીએ. એટલે તમારે ત્રણ દિવસ રજા રહેશે. તમને પગાર તો પૂરેપૂરો આપીશ માટે એ ચિંતા કરશો નહીં. " અભિષેક બોલ્યો.
" દ્વારકાધીશનાં દર્શન કરી આવો સાહેબ. મારા પગારની મને કોઈ ચિંતા નથી." ભાવનાબેન બોલ્યાં.
જમી પરવાર્યા પછી વાસણ માંજવા માટે કામવાળી બાઈ પણ આવી ગઈ. એને પણ અભિષેકે ત્રણ દિવસ માટે પોતે દ્વારકા જાય છે એ કહી દીધું.
આજે અભિષેક અને અંજલી માટે પહેલો એવો દિવસ હતો કે બંને રાત્રિના એકાંતમાં એક જ ફ્લેટમાં સાથે હતાં. અંજલી એકદમ ખુબસુરત હતી અને પાછી પોતાની ભાવિ પત્ની પણ હતી. ગમે તેમ તોયે અભિષેક એક યુવાન પુરુષ હતો.
અભિષેકની મૂંઝવણ એ હતી કે અંજલીની સાથે બેડરૂમમાં એક જ બેડ ઉપર સૂઈ જવું કે પછી પોતે બહાર સોફામાં સૂઈ જવું ! હજુ બંનેનાં લગ્ન થયાં ન હતાં.
રાત્રે દસ વાગે સૂવાનો ટાઈમ થયો એટલે અંજલી બેડરૂમમાં જઈને આછા પીળા રંગની નાઈટી પહેરી આવી. નાઇટી થોડી પારદર્શક જેવી હતી એટલે એને જોઈને અભિષેક થોડોક ઉત્તેજિત થઈ ગયો. અંજલી નાઈટીમાં વધારે ખૂબસૂરત લાગતી હતી ! એના મનમાં ઘણા વિચારો આવી ગયા. અંજલી સાથે પોતાનાં લગ્ન થવાનાં જ છે. અંજલી હવે વર્જિન પણ નથી રહી. તો પછી આજે જ હનીમૂન ઉજવી લેવામાં શું વાંધો ?
તો વળી બીજો વિચાર એવો પણ આવતો હતો કે અંજલી પોતાના માટે શું વિચારશે ? મારામાં અને પેલા નીરવમાં પછી ફરક શું ? મારે અત્યારે સંયમ રાખવો જ જોઈએ.
" અંજલી એક કામ કર. તું આજે બેડરૂમમાં સૂઈ જા. હું બહાર સોફામાં સૂઈ જઈશ. તને નાઈટીમાં જોયા પછી આજે હું મારી જાત ઉપર સંયમ નહીં રાખી શકું ડાર્લિંગ " અભિષેક બોલ્યો.
" અરે અભિ. તમે આવું કેમ વિચારો છો ? હું તમારી જ છું જાન. હું હવે તમારાથી દૂર રહેવા નથી માગતી. મને પ્લીઝ દૂર ન રાખો અભિ. આપણે બંને પતિ પત્ની જ છીએ." કહીને અંજલી બાજુમાં જ ઉભેલા અભિષેકને વેલની જેમ વીંટળાઈ ગઈ.
" ઓકે જાન." અભિષેક બોલ્યો અને એણે અંજલીનો ચહેરો ઊંચો કરીને એના કપાળ ઉપર વહાલથી એક ચુંબન કર્યું.
એ પછી અભિષેકે ડ્રોઈંગ રૂમની ટ્યુબલાઈટ બંધ કરી અને અંજલી સાથે બેડરૂમમાં ગયો અને એસી ચાલુ કરી દીધું. જૂન મહિનાની ગરમી પણ રાજકોટમાં ઘણી પડતી હતી !
બેડ ઉપર સૂતાંની સાથે જ અંજલી અભિષેક તરફ પડખું ફરીને એની એકદમ નજીક આવી ગઈ. અભિષેક વહાલથી એના માથા ઉપર હાથ ફેરવતો રહ્યો.
" આજે બસ મન ભરીને તને પ્રેમ કરવો છે અંજુ ! હનીમૂન લગ્ન પછી જ કરીશું ! આજે માત્ર સંવનન ! એની પણ એક આગવી મજા છે ડાર્લિંગ." બોલીને અભિષેક એની એકદમ નજીક આવીને અંજલીના માથા ઉપર હાથ ફેરવતો રહ્યો.
કેટલો બધો ફરક છે નીરવ અને મારા આ અભિમાં ! પેલો પશુની જેમ તૂટી પડ્યો હતો જ્યારે અભિ વહાલનો દરિયો વરસાવી રહ્યો હતો !!
પ્રેમના બાહુપાશમાં બંનેને ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર પણ ના પડી. અંજલીને આજે પહેલી વાર સાચા પ્રેમની અનુભૂતિ થઈ !
સવારે ચાર વાગ્યે જ અભિષેકની આંખ ખુલી ગઈ. બાજુમાં સૂતેલી અંજલીની નાઈટી ઊંચી ચડી ગઈ હતી. એણે અંજલીને વહાલથી અલગ કરી અને એના દેહસૌંદર્યનું આંખોથી પાન કરતો રહ્યો. ઈશ્વરે ફુરસદથી એની કાયા ઘડી હતી.
ધીમે ધીમે અભિષેકે અંજલી ઉપરથી નજર હટાવી લીધી. એસીના કારણે રૂમ આખો ઠરી ગયો હતો. એણે એના શરીર ઉપર ધીમેથી પાતળી શાલ ઓઢાડી દીધી અને પોતાની જાત ઉપર સંયમ મેળવીને એ ઉભો થયો.
નાહી ધોઈને એણે ગાયત્રીની પાંચ માળા કરી દીધી. એ પછી એણે રોજની જેમ ચા પણ બનાવી દીધી. ચા બની ગયા પછી એણે હળવેથી અંજલીના માથા ઉપર હાથ ફેરવીને એને જગાડી. દ્વારકા જવાનું હોવાથી વહેલા તૈયાર થઈ જવાનું હતું.
" અરે તમે તો તૈયાર પણ થઈ ગયા અને મને ઉઠાડી પણ નહીં ? " અંજલી મીઠો છણકો કરીને બોલી.
" મેડમ સપનાંની દુનિયામાં ખોવાઈ ગયાં હોય પછી એમને હું જાગૃત કેવી રીતે કરી શકું ? " અભિષેક હસીને બોલ્યો.
" આવું આવું બોલીને તમે મને તમારા પ્યારમાં પાગલ કરી દેશો જાન. " કહીને અંજલી એકદમ ઊભી થઈ ગઈ અને ફરી પાછી અભિષેકને વળગી પડી.
" અરે અરે... પ્યાર કરવા માટે તો આખી જિંદગી પડી છે જાનુ. હવે જલ્દી જલ્દી તૈયાર થઈ જાઓ તમારા માટે ચા પણ તૈયાર છે." અભિષેકે એને ધીમેથી અળગી કરી.
" તમે ચા પણ મૂકી દીધી ? એ કામ તો મારું છે. હું આવી ગઈ છું પછી તમારે તકલીફ લેવાની શું જરૂર અભિ? " અંજલી બોલી.
" આદત સે મજબૂર ! " અભિષેક હસીને બોલ્યો.
" ના હવે તમારે ચા નહીં મૂકવાની. અને દ્વારકાથી આવી જઈએ પછી રસોઈ કરવાવાળાં બહેનને પણ વિદાય આપી દો. હું તમારી સાથે જ મુંબઈ આવીશ. મારે તમારી સાથે અહીંથી જ મારો સંસાર શરૂ કરવો છે અને મારા હાથે જ તમને રસોઈ પણ જમાડવી છે. " અંજલી બોલી.
" સંસાર તો આપણો શરૂ થઈ જ ગયો છે ડાર્લિંગ. કાલે આપણે સાથે જ સૂતાં હતાં. " અભિષેક બોલ્યો.
" એને સંસાર શરૂ થઈ ગયેલો ના ગણાય સાહેબ. કાલે તો પહેલો દિવસ હતો એટલે તમને વળગીને હું સૂઈ ગઈ પણ દ્વારકાથી આવ્યા પછી હું તમને શાંતિથી સૂવા દઈશ નહીં. હું તો એમ જ માનું છું કે રાજકોટ હું હનીમૂન માટે જ આવી છું." અંજલી અભિષેક સામે આંખો લડાવીને બોલી અને પછી વોશરૂમમાં દોડી ગઈ.
બ્રશ વગેરે પતાવીને બહાર આવીને અંજલીએ બે કપમાં ચા કાઢી અને ડાઇનિંગ ટેબલ ઉપર લઈ આવી. એ વખતે સવારના સાડા છ વાગ્યા હતા.
" મને સવારમાં નાસ્તો કરવાની ટેવ નથી. તારે જો નાસ્તો કરવો હોય તો કિચનના કબાટમાં બ્રેડ પણ છે અને ફ્રીજમાં બટર પણ છે. " અભિષેક બોલ્યો.
" ખાલી પેટે ચા પીવી સારી નહીં. થોડોક તો નાસ્તો કરવો જોઈએ જાન." કહીને અંજલી કિચનમાં જઈને ચાર બ્રેડ લઈ આવી અને બટર લગાવીને બે બ્રેડ અભિષેકને આપી અને બે બ્રેડ પોતે લીધી.
" તું નાહી ધોઈને તૈયાર થઈ જા એટલે આપણે સાડા સાત વાગ્યા સુધીમાં દ્વારકા જવા નીકળી જઈએ. ચાર કલાકનો રસ્તો છે. ૧૨ પહેલાં પહોંચી જઈએ તો દર્શન પણ થઈ જાય." અભિષેક બોલ્યો.
" હા મને વાર નહીં લાગે. અડધી કલાકમાં તો હું તૈયાર થઈ જઈશ." અંજલી બોલી.
" દ્વારકાધીશનાં દર્શન કર્યા પછી જ આપણો સંસાર શરૂ કરવો એવું મેં નક્કી કર્યું હતું જાન. એમની પ્રત્યક્ષ હાજરીમાં માનસિક રીતે લગ્ન કરીને આપણે એકબીજાનાં બની જઈએ. નવા શરૂ થતા આપણા સંસારને ઈશ્વરના આશીર્વાદ મળે એ જ મારી ભાવના હતી અને એટલે જ મેં સંયમ રાખેલો છે અંજુ. બાકી કાલે તું મને વળગીને સૂઈ ગઈ પછી મેં મારા મન ઉપર કઈ રીતે સંયમ રાખ્યો છે એ હું જ જાણું છું ! " અભિષેક ચા પીતાં પીતાં બોલ્યો.
અભિષેકના આ શબ્દો અંજલીને ફરી વિહવળ અને ઉત્તેજિત કરી ગયા. અભિષેકને મળ્યા પછી અંજલી એના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. પોતે વર્જિન ન હતી અને ગર્ભપાત પણ કરાવ્યો હતો છતાં પણ અભિષેકે જે રીતે એને સ્વીકારી હતી એ જોઈને અભિષેક માટે એને ખૂબ જ માન ઉપજ્યું હતું !
અભિષેકે સાડા સાત વાગે ગાડી સ્ટાર્ટ કરી અને જામનગર તરફ લીધી. રોડ સરસ હતો એટલે ૧૦૦ થી ૧૨૦ ની ઝડપે એણે જામનગર પણ દોઢ કલાકમાં વટાવી દીધું.
જેમ જેમ દ્વારકા નજીક આવતું ગયું એમ એમ હવામાન બદલાતું ગયું. જૂન મહિનો હતો તેમ છતાં દરિયા તરફથી આવતા પવનોના કારણે વાતાવરણ એકદમ ખુશનુમા હતું. દૂરથી જ જગત મંદિર દેખાતું હતું !
જામનગર પછી સવા બે કલાકમાં લગભગ સાડા અગિયાર વાગે એણે દ્વારકામાં પ્રવેશ કર્યો. દ્વારકામાં એક બે જણને પૂછીને એણે ભથાણ ચોક તરફ ગાડી લીધી અને એક જગ્યાએ સાઈડમાં એણે ગાડી પાર્ક કરી.
અહીંથી મંદિર ખૂબ જ નજીક હતું. અભિષેકે ગાડીમાંથી ઉતરીને બાજુમાંથી ફૂલની બે માળાઓ લીધી અને મંદિરમાં પ્રવેશ કરીને એણે ત્યાં ફરતા એક ગૂગળી બ્રાહ્મણનો સંપર્ક કર્યો. દ્વારકાધીશનાં નજીકથી દર્શન કરીને બંને એકબીજાની સાથે ફૂલહાર કરવા માગે છે એવી વાત પણ કરી. મંદિર બંધ થવાને હજુ વીસ મિનિટની વાર હતી.
એ પૂજારી પંડિતે બંને માળાઓ પોતાના હાથમાં લઈ લીધી અને અભિષેક તથા અંજલિને ગર્ભગૃહની અંદર લઈ જઈને દ્વારકાધીશની સુંદર મૂર્તિનાં દર્શન કરાવ્યાં. એ પછી એ પૂજારી બંનેને ગર્ભગૃહની બહાર લઈ ગયો અને પાછળના ભાગમાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ દેખાય એ રીતે બંનેને ઊભાં રાખ્યાં. અગાઉથી નક્કી કર્યા પ્રમાણે ભગવાનની સામે જ અભિષેક અને અંજલીએ એક બીજાને હાર પહેરાવ્યા અને બન્નેએ એકબીજાનો પતિ પત્ની તરીકે સ્વીકાર કર્યો.
એ પછી બહાર જઈને દ્વારકાધીશની પોતાના તરફથી સ્પેશિયલ પૂજા કરાવવા માટે અભિષેકે એ પૂજારી બ્રાહ્મણને પોતાનું અને અંજલિનું નામ આપ્યું અને ૫૦૦૦ દક્ષિણા પણ આપી. પંડિતે એમને એક બાજુ લઈ જઈને મંત્રોચ્ચાર કરી સુખી લગ્ન જીવન માટે આશીર્વાદ પણ આપ્યા.
મંદિરનું સવારનું વાતાવરણ અદભુત હતું. પંડિતે એમને ત્યાં આવેલાં તમામ મંદિરોમાં દર્શન કરાવ્યાં અને પછી ગોમતીઘાટ તરફ જવાની સૂચના પણ આપી. પંડિતે તર્પણની પણ વાત કરી પરંતુ અભિષેકે ના પાડી.
અભિષેક અને અંજલીએ ગોમતી ઘાટ ઉપર જઈને ગળામાંથી વરમાળા કાઢી નાખી અને ગોમતીમાં પધરાવી દીધી. એ પછી બંને જણાં ત્યાં પગથિયા ઉપર બેઠાં.
" આજે તમને પામીને હું બહુ જ ખુશ છું અભિ. મને તો કલ્પના પણ ન હતી કે મારાં લગ્ન સાક્ષાત ભગવાન કૃષ્ણની સામે થશે ! આજનો દિવસ અને આજની એ ક્ષણ મને હંમેશા યાદ રહી જશે. બસ આપણો પ્રેમ રાધાકૃષ્ણ જેવો બની રહે એ જ ઈચ્છા છે ! " અંજલી અભિષેકનો હાથ હાથમાં લઈને લાગણીથી બોલી.
" એમાં કોઈ શંકા જ નથી અંજુ. આપણાં લગ્ન તો થવાનાં જ હતાં. વચ્ચે એક આંધી આવી ગઈ બસ. પણ એને આપણે ભૂલી જવાની. હવે મુંબઈ ગયા પછી એક શાનદાર રિસેપ્શન ગોઠવી દઈશું. " અભિષેક બોલ્યો.
બરાબર એ જ સમયે ગોમતીના દરિયામાં એક મોટું મોજુ આવ્યું અને એની સાથે પાણીમાં પધરાવેલી અને દૂર વહી ગયેલી બંને માળાઓ ફરી પાછી બંનેના ચરણોમાં આવીને પડી.
" જો ફૂલની આ માળાઓ પણ આપણાથી દૂર જવા માગતી નથી. " અભિષેક હસીને બોલ્યો.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
