અભિષેક પ્રકરણ 33
( આજના પ્રકરણનો બેટ દ્વારકા પછીનો ભાગ અને હવે પછીનું પ્રકરણ ઉંચી અવસ્થામાં લખાઈ ગયેલું છે એટલે શાંતિથી ધ્યાનથી વાંચવા વિનંતી. )*******************
ગોમતી ઘાટેથી અભિષેક અને અંજલી બહાર નીકળ્યાં અને કંઈક યાદ આવ્યું એટલે અભિષેકે ડાબી તરફ વળીને એક દુકાનમાંથી પ્રસાદ ખરીદી લીધો અને પછી બન્ને પાર્કિંગ પ્લોટમાં ગયાં.

અભિષેક નવલકથા
ગાડી સ્ટાર્ટ કરી ત્યારે બપોરના સાડા બાર વાગી ગયા હતા. હવે જમવાનો ટાઈમ થઈ ગયો હતો અને ભૂખ પણ લાગી હતી.
અભિષેકને હોસ્પિટલમાં દેસાઈ સાહેબે જ્યારે દ્વારકા જવાની વાત કરી હતી ત્યારે એમણે એમ પણ કહ્યું હતું કે જમવાનું તમે શ્રીનાથ ડાઇનિંગ હોલમાં રાખજો. એના જેવું જમવાનું તમને બીજે ક્યાંય નહીં મળે.
એટલે અભિષેકે મોબાઇલમાં શ્રીનાથ ડાઇનિંગ હોલનું લોકેશન મૂકીને ગાડીને તીન બત્તી ચોક તરફ લીધી. દ્વારકા આમ તો નાનકડું ટાઉન છે. માત્ર દસ જ મિનિટમાં ગાડી તીન બત્તી ચોક પહોંચી ગઈ. અભિષેકે ગાડીને એક બાજુ પાર્ક કરી અને શ્રીનાથ ડાઇનિંગ હોલ તરફ બન્ને આગળ વધ્યાં. અહીં તો જમવા માટે ઘણી ભીડ જોવા મળી. લગભગ પંદરથી વીસ મિનિટ રાહ જોયા પછી એમનો નંબર લાગ્યો.
દેસાઈ સરે શ્રીનાથ ડાઇનિંગ હોલની જે પ્રશંસા કરી હતી એ એકદમ યોગ્ય હતી. કોઈ માજી ત્યાં પ્રેમથી આગ્રહ કરી કરીને જમાડતાં હતાં અને જમવામાં વેરાઈટીઝ પણ ઘણી હતી.
જમ્યા પછી આરામ કરવો પણ જરૂરી હતો. એ ગાડીમાં બેસવા જતો હતો ત્યાં સામે જ એણે હોટલ લીલાઝ઼ નું બોર્ડ વાંચ્યું. દેખાવમાં હોટલ સારી લાગતી હતી એટલે એ અંજલીને લઈને રિસેપ્શન કાઉન્ટર પાસે ગયો. ત્યાં જઈને એણે રૂમ જોવાની ઈચ્છા વ્યક્ત કરી.
રૂમ પણ સરસ હતા અને હોટલ પણ સરસ હતી. ભાડું પણ માત્ર ૨૫૦૦ હતું. આ હોટલ શ્રીનાથ ડાઇનિંગ હોલની નજીક જ હતી એટલે અભિષેકે અહીં જ રહેવાનું નક્કી કર્યું. એ ગાડીમાંથી બે ટ્રાવેલ બેગ લઈ આવ્યો અને ૨૦૧ નંબરના રૂમની ચાવી લઈ લીધી.
" અહીં આવીને અચાનક આપણા લગ્નનો નિર્ણય લઈને તમે મને મોટું સરપ્રાઈઝ આપ્યું જાન. દ્વારકાધીશની એકદમ સામે આપણા ગાંધર્વ વિવાહ કદાચ સૌથી પહેલા જ હશે ! " રૂમ ખોલીને બેડ ઉપર બેઠા પછી અંજલી બોલી.
" તારી વાત સાચી છે. આપણાં લગ્ન અગ્નિની સાક્ષીએ નહીં પરંતુ સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણની સાક્ષીએ થયાં છે અંજલી." અભિષેક હસીને બોલ્યો અને એણે એસી ચાલુ કર્યું.
" હવે હું કાયદેસરની તમારી પત્ની બની ગઈ છું. હવે તમે મારાથી દૂર નહીં રહી શકો. " અંજલી હસીને બોલી.
" બિલકુલ સાચું. હવે તારો મારા ઉપર અને મારો તારા ઉપર પૂરેપૂરો અધિકાર છે. પરંતુ હજુ બે દિવસ આપણે સંયમ રાખવાનો છે ડાર્લિંગ. આ દ્વારકાનું પવિત્ર તીર્થધામ છે એટલે અહીંથી હનીમુનની શરૂઆત ના જ થવી જોઈએ. કાલે સવારે આપણે બેટ દ્વારકા જવાના છીએ. ત્યાં દર્શન કરી ઘરે જવા નીકળી જઈશું. એ પછી રાજકોટ પહોંચીને આપણો સંસાર શરૂ. " અભિષેક બોલ્યો.
" ઠીક છે જાન.. તમે કહો એમ." અંજલી બોલી.
" હવે આપણે ત્રણ ચાર કલાક આરામ કરી લઈએ. સાંજે આપણે દરિયાકિનારે ફરવા જઈશું. માર્કેટમાં પણ ફરીશું " અભિષેક બોલ્યો અને એ પલંગમાં આડો પડ્યો. અંજલી પણ થોડુંક અંતર રાખીને સૂઈ ગઈ.
અભિષેક સાડા ચાર વાગ્યે જાગી ગયો અને વોશરૂમમાં જઈ મ્હોં ધોઈ નાખ્યું અને અંજલીને જગાડી.
અંજલી પણ વોશરૂમમાં ગઈ એ દરમિયાન અભિષેકે નીચેથી ચા મંગાવી. અહીંની ચા ગાયના દૂધમાંથી બનેલી હતી એટલે એનો સ્વાદ જ અલગ હતો !
" અહીં ફરવા માટે આપણે ગાડી લઈને જવાની જરૂર નથી. આટલું તો આપણે ચાલી શકીએ. " અભિષેક બોલ્યો.
" હા અભિ. મને કંઈ જ વાંધો નથી અને ચાલતા ફરીએ તો આજુબાજુ જોવાની મજા પણ આવે ને ! " અંજલી બોલી.
અને અભિષેક અંજલિને લઈને નીચે ઊતર્યો અને અહીં જોવાલાયક જે પણ બે ત્રણ જગ્યાઓ હતી એની માહિતી મેળવી. ગોમતી ઘાટ, મંદિર, દરિયાનો બીચ અને બજાર સિવાય અહીં બીજું કંઈ ખાસ જોવા જેવું ન હતું.
સૌ પ્રથમ બન્ને ચાલતાં ચાલતાં બજાર થઈને દ્વારકાધીશના મંદિર સુધી ગયાં. મંદિર સુધી આવી ગયાં હતાં એટલે અંદર જઈને ફરી પાછાં દર્શન કર્યાં.
વળતી વખતે અંજલી દરેક દુકાન જોતી ગઈ પરંતુ કંઈ ખરીદવા જેવું લાગ્યું નહીં એટલે પછી એ લોકો હોળી ચોક થઈને બહાર આવી ગયાં અને બીચ તરફ જવાનો રસ્તો પકડ્યો. સાંજ પડી ગઈ હતી એટલે દરિયા કિનારે વાતાવરણ પણ બહુ જ સરસ હતું. પવન પણ ઘણો હતો !
ત્યાંથી એ લોકો ચાલતાં ચાલતાં પાછાં હોટલ સુધી આવ્યાં ત્યારે સાંજના સાત વાગ્યા હતા.
આજે ઘણું બધું ચાલવું પડ્યું હતું અને હમણાંથી ચાલવાનો અનુભવ પણ ન હતો એટલે બંનેને થોડો થાક લાગ્યો હતો. અભિષેકે એકાદ કલાક આરામ કરવાનું નક્કી કર્યું.
રાત્રે આઠ વાગે અભિષેક અને અંજલી બાજુમાં આવેલા શ્રીનાથ ડાઇનિંગ હોલમાં જમવા ગયાં. આ સમયે પણ ત્યાં એટલી જ ભીડ હતી.
જમીને બહાર આવ્યાં ત્યારે સાડા નવ વાગી ગયા હતા. અભિષેક અને અંજલીએ ફરી પાછું બ્રહ્મકુંડ સુધી એક ચક્કર લગાવ્યું. ત્યાં બાજુમાં *શ્રીરામ જય રામ જય જય રામ* ની અખંડ ધૂન વર્ષોથી ચાલતી હતી. ખૂબ જ શાંતિ હતી. અભિષેક અને અંજલીએ પાંચ મિનિટ ત્યાં બેસી રામધૂનમાં ભાગ લીધો.
" મને તો દ્વારકા બહુ જ ગમ્યું. એક તો અહીંનું હવામાન બહુ જ સરસ છે. જૂન મહિનો ચાલે છે છતાં પણ અહીં તમારા રાજકોટ જેવી ગરમી નથી. " રાત્રે સૂતી વખતે અંજલી બોલી.
" દરિયા કિનારાના કારણે અહીં ગરમી ઓછી પડે છે અને દરિયાના કારણે પવન પણ સતત આવતો હોય છે એટલે હવામાન આટલું સારું છે. બીજું અહીં આવનારા તમામ યાત્રાળુ ભક્તિભાવ અને શ્રદ્ધા લઈને આવે છે. એટલે ભક્તિનું એક અલગ જ વાતાવરણ અહીંની હવામાં સ્થિર થયેલું હોય છે એટલે મનને શાંતિ મળે જ. દરેક પવિત્ર તીર્થસ્થાનોમાં આવો અનુભવ થાય. હવે આપણે સૂઈ જઈએ. સવારે આઠ વાગે નીકળવાનું છે. " અભિષેક બોલ્યો.
એ પછી અંજલીએ એના મમ્મી પપ્પા સાથે ફોનમાં વાત કરી અને પોતે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશની સામે જ એક બીજાને ફૂલહાર પહેરાવીને લગ્ન કરી લીધાં એ પણ જણાવી દીધું.
અભિષેક રાબેતા મુજબ વહેલી સવારે ચાર વાગે જાગી ગયો અને નાહી ધોઈને પાંચ વાગે ગાયત્રીની માળા શરૂ કરી. એ પછી એ ધ્યાનમાં બેસી ગયો. દ્વારકાની દેવભૂમિ આમ પણ જાગૃત ભૂમિ હતી. અહીં ભક્તિનાં આંદોલનો વધારે સક્રિય હતાં. અભિષેક થોડી જ મિનિટોમાં ધ્યાનમાં ઊંડો ઉતરી ગયો.
ધ્યાનમાંથી એ બહાર આવ્યો ત્યારે સાડા છ વાગી ગયા હતા. ઉનાળાના દિવસો હોવાથી અજવાળું પણ ઘણું થઈ ગયું હતું. એણે જાનકીને પ્રેમથી જગાડી અને તૈયાર થઈ જવાનું કહ્યું.
ચા પાણી પીને અભિષેકે સવારે આઠ વાગે ઓખા જવા માટે ગાડી સ્ટાર્ટ કરી. પોણા કલાકમાં જ ઓખાની જેટી ઉપર એ પહોંચી ગયો.
અહીંથી બેટ દ્વારકા સુધી નૌકા વિહાર કરવાનો હતો એટલે કે બોટમાં બેસીને જવાનું હતું. અભિષેક અને અંજલી પહેલીવાર જ આ રીતે બોટમાં બેસવાનાં હતાં. યાત્રાળુઓથી બોટ ભરાતી હતી એટલે અભિષેક અને અંજલિ પણ એકબીજાનો હાથ પકડીને બોટ ઉપર ચડી ગયાં.
બોટ ભરાઈ ગઈ એટલે નાવિકે બોટ ચાલુ કરી. હાલક ડોલક થતી બોટમાં બેસવાનો આનંદ કંઈક અલગ જ હોય છે ! બોટ સહેજ નીચે નમે એટલે અંજલી પાણીમાં હાથ બોળતી હતી.
" આજે પહેલી વાર નૌકામાં બેઠી છું એટલે મને મારા સ્કૂલના દિવસો યાદ આવે છે અભિ. " અંજલી અભિષેક સામે જોઈને બોલી.
" કેમ સ્કૂલના દિવસો ? તું તો કહે છે કે હું તો પહેલીવાર બેઠી છું. " અભિષેક બોલ્યો.
" હું સ્કૂલમાં ભણતી હતી ત્યારે પરીક્ષામાં ચાંદની રાતે નૌકા વિહાર એ વિષય ઉપર નિબંધ પૂછાતો. અત્યારે અચાનક મને એ યાદ આવી ગયું. " અંજલી બોલી.
"અરે અંજલી તને એકલીને નહીં પણ ગુજરાતી ભાષાની પરીક્ષામાં દર વર્ષે આ નિબંધ તો હોય જ. અમારી પરીક્ષામાં પણ આ નિબંધ પુછાયેલો. તેં યાદ કરાવ્યું છે તો હું તને એક મજાની વાત કરું. " અભિષેક બોલ્યો.
" મારા ક્લાસમાં રવિ નામનો એક છોકરો ભણતો હતો. અત્યારે તો એ બહુ મોટો માણસ થઈ ગયો છે. પણ એ સમયે પરીક્ષામાં એણે એ જ નિબંધ લખેલો. સાહિત્યમાં એને કંઈ ખાસ ખબર ના પડે. એણે એવો નિબંધ લખ્યો કે રીઝલ્ટ આવ્યા પછી અમારા ગુજરાતીના ટીચરે આખા ક્લાસમાં આ નિબંધ મોટેથી વાંચી સંભળાવ્યો. આખો ક્લાસ એ સાંભળીને ખડખડાટ હસેલો. " અભિષેક બોલ્યો.
" હમ્.... મને પણ સંભળાવો ને " અંજલી બોલી.
અભિષેકે મનમાં એ દિવસો થોડાક યાદ કર્યા અને પછી બોલવાનું ચાલુ કર્યું.
" ચાંદની રાત હતી. આકાશમાં ચાંદો ઊગ્યો હતો. હું મારા ઘરે જતો હતો. રસ્તામાં નદી આવી. નદીમાં એક નૌકા પડેલી હતી. હું એમાં બેસી ગયો. નૌકા ચાલવા લાગી. કિનારો આવ્યો એટલે હું ઉતરી ગયો અને ઘરે ગયો. ચાંદની રાતે નૌકા વિહાર કરવાની મજા આવી. – બસ આ આઠ વાક્યોમાં એનો નિબંધ પૂરો ! " અભિષેક હસીને બોલ્યો અને અંજલી ખડખડાટ હસી પડી.
લગભગ ૨૦ ૨૫ મિનિટમાં એ લોકો બેટ દ્વારકા જેટી ઉપર ઉતરી ગયા અને ત્યાંથી ચાલતા જ દ્વારકાધીશના મંદિરમાં ગયા. બેટ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનો મહેલ હતો જ્યાં એ રુક્મિણી સાથે રહેતા હતા. જ્યારે દ્વારકામાં એમનો રાજદરબાર હતો અને ત્યાં બેસીને એ રાજ્ય કરતા હતા.
એ સમયે બેટ દ્વારકા અને દ્વારકા વચ્ચે દરિયો ન હતો પરંતુ જમીન હતી અને શ્રીકૃષ્ણ માટે એક ગુપ્ત માર્ગ પણ હતો. કાળક્રમે એ દ્વારકા તો ડૂબી ગયું. અત્યારે જે છે તે બંને સ્થળો પાછળથી વિકસાવવામાં આવ્યાં છે.
મુખ્ય મંદિરમાં નવદંપત્તિએ ભાવથી દર્શન કર્યાં અને આશીર્વાદ માગ્યા. એ પછી એ લોકો ચાલતા ચાલતા હનુમાનદાંડી સુધી ગયા અને ત્યાં મકરધ્વજ હનુમાનજીનાં પણ દર્શન કરી લીધાં.
બેટ દ્વારકાની દર્શન યાત્રા પૂરી કરવામાં લગભગ બે કલાક લાગ્યા. એ પછી એ લોકો ફરી જેટી ઉપર આવ્યાં અને બોટમાં બેસીને ઓખાની જેટી ઉપર પાછાં આવી ગયાં.
ઓખાની જેટી ઉપર પાછાં આવ્યાં ત્યારે બપોરના સવા બાર વાગી ગયા હતા. ભૂખ પણ લાગી હતી. ઓખામાં ક્યાંક ભોજનાલય તો હશે જ એવું અભિષેક વિચારતો હતો ત્યાં જ જેટી ની બહાર ૬૫ વર્ષની આસપાસના એક વડીલ એમને સામા મળ્યા.
" તમારું નામ અભિષેકભાઈ ? " વડીલ બોલ્યા.
" જી અંકલ હું અભિષેક. મેં તમને ઓળખ્યા નહીં." અભિષેક આશ્ચર્યથી બોલ્યો.
" હું પણ તમને ક્યાં ઓળખું છું સાહેબ ! બસ તમને દૂરથી જોઈને જ ઓળખી ગયો કે આ અભિષેકભાઈ જ લાગે છે. " વડીલ બોલ્યા.
" મને તમારી વાત કંઈ સમજાતી નથી અંકલ. " અભિષેક બોલ્યો.
" ઉપરવાળાની લીલા છે બાપા. એ બધો ખેલ કરે છે ! મને વહેલી સવારે સપનામાં આદેશ મળ્યો કે અભિષેક નામનો યુવાન એની પત્ની સાથે આજે બેટ દ્વારકા જવાનો છે અને એ લગભગ બાર વાગે પાછો ફરશે. તું એને તારા ઘરે લઈ જજે અને બંને જણને રસ પૂરી જમાડજે. એટલે અડધી કલાકથી તમારી રાહ જોઈને ઉભો છું. રસોઈ તૈયાર છે. " વડીલ બોલ્યા.
" તમારું નામ શું અંકલ અને તમે શું કરો છો ? " અભિષેકે પૂછ્યું. એને આ અંકલની વાતથી ખૂબ જ આશ્ચર્ય થયું હતું. આવો આદેશ ગુરુજીએ આપ્યો હશે ? પણ આ માણસના સપનામાં જ એ કેમ આવ્યા !
" મારું નામ ઈશ્વરલાલ ભટ્ટ. નવી બજારમાં રહું છું. કાર્બોરેન્ડમમાં નોકરી હતી પણ પંદર વર્ષ પહેલાં છોડી દીધી. હવે તો સવારે ત્રણ વાગે ઊઠીને બને એટલી ગાયત્રીની માળા કરું છું. એક દીકરો હતો વાસુદેવ. પણ એ પાછો થયો પછી સંસારમાંથી મન ઉઠી ગયું. પણ એ બધી અંગત વાતો સાહેબ ! " વડીલ બોલ્યા.
" હું પણ તમારા દીકરા જેવો જ છું અંકલ. તમે મને સાહેબ ના કહેશો માત્ર અભિષેક કહો. અને તમે આટલા વહેલા ત્રણ વાગે ઉઠી જાઓ છો ? રોજ કેટલી માળા કરો છો ?" અભિષેકને એમની વાતમાં રસ પડ્યો.
" બરાબર ત્રણ વાગે ગાયત્રી મને ઢંઢોળીને જગાડી દે. એના સિવાય બીજું કોણ હોય ! વર્ષોથી આ ક્રમ ચાલે છે. અને માળાની ગણતરી કોણ રાખે બાપુ. હાથ પગ ધોઈને ધાબા ઉપર આરામ ખુરશી નાખીને બેસી જવાનું. સૂરજ દેખાય એટલે માળા પૂરી. " અંકલ બોલ્યા.
" ખરેખર નસીબદાર છો વડીલ. પરંતુ અમને જમાડવાનું સપનું તમને જ કેમ આવ્યું ? " અભિષેક બોલ્યો.
" મને સપનું આપવા પાછળ પણ તમારું જ કોઈ હિત હશે ! સપનામાં આવીને મહાત્મા આદેશ કરે પછી ના થોડી પડાય ? સવારમાં જ ત્રણ કિલો કેસર કેરી મંગાવી લીધી. ઘરવાળીને રસ પૂરીની સૂચના પણ આપી દીધી." વડીલ બોલ્યા.
અભિષેકને લાગ્યું કે આ વડીલમાં કંઈક તો છે જ ! ગુરુજી એમનેમ કોઈને પસંદ ના કરે. વડીલ પોતે ગાયત્રી ઉપાસક છે અને રોજ આટલી બધી માળાઓ કરે છે એ એક કારણ હોઈ શકે. છતાં ગુરુજી એમના સપનામાં આવ્યા એમાં કંઇક તો રહસ્ય છે જ અને એ ગુરુજીને જ પૂછવું પડશે.
બાજુમાં ઊભેલી અંજલી તો આ બંનેની વાતો સાંભળીને સડક જ થઈ ગઈ હતી ! એને તો કંઈ સમજાતું જ ન હતું કે આવું કઈ રીતે બની શકે !! એને તો સ્વામી નિર્મલાનંદનો કોઈ પરિચય ન હતો એટલે એને કુતૂહલ વધારે થતું હતું.
" ઠીક છે વડીલ. ગુરુજીની ઈચ્છા છે તો અમે ચોક્કસ તમારા ઘરે આવીએ છીએ. તમે કેવી રીતે આવ્યા છો ? " અભિષેકે પૂછ્યું.
" સાયકલ લઈને આવ્યો છું સાહેબ. તમે કેવી રીતે આવ્યા છો ? " વડીલ બોલ્યા.
"હું ગાડી લઈને આવ્યો છું અંકલ. તમે એક કામ કરો. સાયકલને હમણાં બાજુમાં મૂકી દો. મારી ગાડીમાં બેસી જાવ. જમી લીધા પછી હું તમને પાછા અહીં મૂકી જઈશ એટલે તમે એ વખતે સાયકલ લઈ જજો." અભિષેક બોલ્યો.
" હા એમ જ કરીએ." અંકલ બોલ્યા અને એમના ચહેરા ઉપર સ્મિત આવી ગયું.
અભિષેક બહાર આવ્યો અને પોતે પાર્ક કરેલી ગાડી પાસે ગયો અને અંકલને પણ બેસાડી દીધા. માત્ર ૮ થી ૧૦ મિનિટમાં જ નવી બજાર આવી ગયું અને અંકલના ઘર પાસે ગાડી પાર્ક કરી.
ઘરે જઈને અભિષેકે જોયું તો એમના ઘરે બીજા બે સાધુઓ પણ જમી રહ્યા હતા. અભિષેકને આશ્ચર્ય થયું.
" પાછળ વરંડામાં ડંકી છે. ત્યાં જઈને બંને જણાં હાથ ધોઈ નાખો અને જમવા બેસી જાઓ. " કહીને વડીલ પાછળના દરવાજેથી એમને વરંડામાં આવેલ ડંકી પાસે લઈ ગયા. ત્યાં ચોકડી પણ બનાવેલી હતી. અભિષેક અને અંજલીએ હાથ ધોઈ નાખ્યા. વડીલે એમને નેપકીન આપ્યો.
અભિષેક અને અંજલી એક તરફ પાથરેલા આસન ઉપર જમવા બેસી ગયાં. સામે જ એક તપેલીમાં પૂરીઓ કપડાથી ઢાંકેલી હતી. રસની તપેલી ઉપર પણ છીબુ ઢાંકેલું હતું. અને શાકની તપેલી પણ તાસકથી ઢાંકેલી હતી.
જમવામાં કેરીનો રસ, પૂરી અને બટાકાનું રસાવાળુ શાક હતું. સાથે એક મોટા ગ્લાસમાં પાણીના બદલે છાશ હતી. બાજુમાં છાશનો એક દેગડો પણ ભરેલો હતો.
" રસ અને પૂરી ધરાઈને ખાઈ લેજો સાહેબ. શાક પણ ઘણું છે. ભાત અમે બનાવતા જ નથી. સાધુઓ અહીં રોજ જમતા હોય એટલે ઉનાળાના ચાર મહિના રોજ ખીચડી, બટાકાનું રસાવાળું શાક અને છાશનું જમણ હોય છે. બાકીના આઠ મહિના ખીચડીની જગ્યાએ બાજરાના રોટલા હોય છે. આજે તમારા કારણે બધા સાધુઓને રસ પૂરીનું જમણ જમવા મળશે ! " વડીલ ખડખડાટ હસીને બોલ્યા. એમનું એ હાસ્ય દૈવી હતું.
એમની વાત સાંભળીને અભિષેકને ખૂબ જ આશ્ચર્ય થયું. રોજ સાધુઓ અહીં જમે છે એ વાત એના માટે ખૂબ જ અચરજ પમાડે એવી હતી. અહીં રોજ સાધુઓ કેવી રીતે જમતા હશે ? મારે જમી લીધા પછી વડીલને જ પૂછવું પડશે.
માસીએ રસોઈ અદભુત બનાવી હતી. શાક એણે બે વાર લીધું. અને વડીલ આગ્રહ કરી કરીને રસ વાડકીમાં રેડતા હતા.
" જમો સાહેબ. શરમાશો નહીં. આ તો માં અન્નપૂર્ણાનો ભંડાર છે. અહીં ગમે એટલા સાધુ આવે જમવાનું કદી ખૂટતું નથી. આ મારું નાનકડું સદાવ્રત છે ! " વડીલ હસીને બોલ્યા.
હવે અભિષેકને બધું સમજાઈ ગયું કે પોતાના દિવ્ય ગુરુજીએ આ અંકલને કેમ સપનામાં આદેશ આપ્યો હશે ! જે પરદુઃખભંજન માણસ રોજ ભૂખ્યા સાધુઓને જમાડતો હોય એ ત્રિકાળ જ્ઞાની નિર્મલાનંદજીના ધ્યાનમાં તો હોય જ !!
અભિષેક અને અંજલી જમતા હતા એ દરમિયાન પેલા બે સાધુઓ જમી રહ્યા હતા એટલે થાળી વાડકી ગ્લાસ ઉપાડીને પાછળ વરંડામાં ગયા. ત્યાં ચોકડીમાં વાસણ ધોઈ નાખ્યાં અને પાણી પીને બહાર નીકળી ગયા.
એ સાધુઓ બહાર નીકળી ગયા પછી અભિષેકે અંકલને પ્રશ્ન પૂછ્યો.
" વડીલ... બહારથી ઓખા આવતા નવા સાધુઓને કેવી રીતે ખબર પડે કે તમારા ઘરે સદાવ્રત ચાલે છે ? આ બધા સાધુઓ અહીં કેવી રીતે આવે છે ? "
" બે છોકરાઓ સેવામાં રાખ્યા છે. એક છોકરો રેલવે સ્ટેશન બહાર ઉભો રહે છે અને બીજો છોકરો હું તમને જ્યાં મળ્યો હતો એ જેટી પાસે ઉભો રહે છે. કોઈપણ સાધુ આવતો દેખાય એટલે એને જમવાનું બાકી હોય તો આમંત્રણ આપીને ઘરે લઈ આવે છે. અને યાત્રાધામ હોવાથી રોજ સાધુઓ મળી જ આવે છે. સવાર સાંજ થઈને રોજ ૮ ૧૦ સાધુ તો અહીં જમે જ છે" અંકલ બોલી રહ્યા હતા.
"સંખ્યા ગમે એટલી હોય પણ રસોઈ એક સરખી જ બને છે. રોજ માત્ર એક કિલો બટાકાનું શાક બને છે. ગમે એટલા સાધુઓ જમે રસોઈ કદી ખૂટતી જ નથી. આજે એક કિલો લોટની પૂરીઓ બની છે. આખો દિવસ ચાલશે અને પાછી એકદમ ગરમ જ રહેશે. ત્રણ કિલો કેરીનો રસ કાઢ્યો છે એ પણ આખો દિવસ તાજો જ રહેશે. છાશનો દેગડો રોજ સવારે ઓટલા ઉપર કોઈ મૂકી જાય છે. છાશ કદી ખૂટતી જ નથી. માં ગાયત્રીની કૃપા છે સાહેબ !" વડીલ બોલ્યા.
" તમારું નામ ઈશ્વરલાલ છે અને તમે સાચા અર્થમાં ઈશ્વરના લાલ છો અંકલ ! " જમતાં જમતાં અભિષેકથી બે હાથ જોડાઈ ગયા.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
