અભિષેક (Abhishek Novel Part-34)

Related

અભિષેક પ્રકરણ 34

અભિષેક રાજકોટ છોડીને કાયમ માટે મુંબઈ જવાનો હોવાથી એણે અંજલીને રાજકોટ બોલાવી હતી અને દેસાઈ સાહેબના કહેવાથી અંજલીને લઈને એ દ્વારકા દર્શન કરવા માટે ગયો હતો. ત્યાં એણે દ્વારકાધીશની સામે જ અંજલી સાથે ફુલહાર કરીને લગ્ન કરી લીધાં હતાં.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

દ્વારકાથી એ બીજા દિવસે સવારે બેટ દ્વારકા ગયો હતો. પરંતુ બેટ દ્વારકાથી પાછા વળતી વખતે એને એક અદભુત અનુભવ થયો હતો. ગાયત્રીના પ્રખર ઉપાસક એક વ્યક્તિનો પરિચય થયો હતો.

ઓખાની જેટી ઉપર જ એક વડીલ એને લેવા આવ્યા હતા અને કહ્યું હતું કે મને એક મહાત્માએ સપનામાં તમારું નામ આપ્યું હતું અને તમને રસ પૂરી જમાડવાનું કહ્યું હતું એટલા માટે હું તમને મારા ઘરે લેવા આવ્યો છું.

વડીલ સાથે થોડીક ચર્ચાઓ કરીને અભિષેક અને અંજલી વડીલના ઘરે જમવા માટે ગયાં હતાં. પણ અહીં જે એણે જોયું તે વર્ણન કરી શકાય એવું ન હતું. આવો ચમત્કાર એણે પહેલીવાર પોતાની નજરે જોયો હતો.

આ વડીલ રોજ સવારે ત્રણ વાગે ઊઠીને અસંખ્ય ગાયત્રી મંત્રની માળાઓ કરતા હતા અને પછી આખો દિવસ સાધુઓને જમાડતા હતા. એમના ઘરે મર્યાદિત રસોઈ બનતી હતી છતાં પણ ગમે એટલા સાધુઓ એમના ઘરે જમી શકતા હતા અને રસોઈ કદી ખૂટતી ન હતી. અક્ષયપાત્ર નું વરદાન એમને ગાયત્રી સાધનાથી મળ્યું હતું.

ઓખા અને દ્વારકાની ભૂમિની આ કમાલ હતી. ઈશ્વરીય ચેતના અહીં હાજરા હજૂર છે. છતાં બધાને એનો અનુભવ થતો નથી. જે આત્માઓ આધ્યાત્મિક રીતે આગળ વધ્યા હોય એમને જ આ ચેતના મદદ કરે છે. એમાં પણ ઓખા તો ત્રણેય બાજુથી દરિયાથી ઘેરાયેલું હોવાથી આ ભૂમિ ખૂબ જ જાગૃત છે. જળ તત્ત્વ સાથે આધ્યાત્મિકતાને ઊંડો સંબંધ છે.

અભિષેક અને અંજલી જમી રહ્યા પછી એમણે છાશ પી લીધી. ગાયના દૂધમાંથી બનેલી આ છાશનો સ્વાદ એટલો બધો અદભુત હતો કે જેનું વર્ણન ના થઈ શકે ! છાશમાં જ એટલી તૃપ્તિ હતી કે પાણી પીવાની કોઈ જરૂર જ ના પડી !

જમ્યા પછી પાછળ વરંડામાં જઈને બંનેએ હાથ ધોઈ નાખ્યા અને પછી અંજલીએ ડંકી ચલાવીને થાળી વાડકા અને ગ્લાસ પણ ધોઈ નાખ્યા. અહીંની આ એક વણકહી સિસ્ટમ હતી ! અભિષેકને અહીંથી જવું જ ગમતું ન હતું. કંઈક ગજબનું આકર્ષણ એને આ વડીલ તરફ થઈ રહ્યું હતું. સાવ સાદો સીધો લાગતો આ માણસ જાણે કે કોઈ દૈવી પુરુષ હતો !!

" વડીલ તમારે અને માસીએ જમવાનું નથી ? એક વાગવા આવ્યો છે. અને હમણાં બીજા સાધુઓ પણ આવશે." અભિષેક બોલ્યો.

" રસોઈ સવારે દસ વાગ્યા પહેલાં થઈ જાય એટલે એ વખતે જ માતાજીને ભોગ ધરાવીને અમે જમી લઈએ. પછી સાડા અગિયાર વાગ્યાથી આખો દિવસ સાધુઓને ગરમાગરમ રસોઈ જમાડવાનું જ અમારું કામ. " અંકલ બોલ્યા.

અભિષેકને અનુભવ તો થઈ જ ગયો હતો કે સાડા બાર વાગે પણ શાક અને પૂરીઓ એકદમ ગરમ જ હતાં ! અદભુત !!

" તમે તો આખો દિવસ જમાડવામાં ઉભા અને ઉભા જ રહો છો પરંતુ મારે માસીને પણ ધન્યવાદ કહેવા પડે. તમારી સાથે ને સાથે એ પણ જરાય આરામ કરતાં નથી." અભિષેક માસી ની સામે જોઈને બોલ્યો.

" જશુ જ મારી શક્તિ છે સાહેબ. જશુ વિના મારું આ સદાવ્રત ચાલી જ ના શકે. એ હવે બિલકુલ બહેરી થઈ ગઈ છે પણ થાક્યા વિના આખો દિવસ સેવા કરે છે. મારી વાતને ઈશારાથી જ સમજી જાય છે. મને આજે ૭૦ થયાં પણ છેલ્લા ૨૫ વર્ષથી અમે બ્રહ્મચર્ય પાળીએ છીએ." વડીલ બોલ્યા.

અભિષેકે એમની ઉંમર ૬૫ આસપાસ ધારી હતી પરંતુ ૭૦ વર્ષ સાંભળીને અભિષેકને આશ્ચર્ય થયું !

" વડીલ તમને મળીને અમને પણ ઘણી પ્રેરણા મળી છે. આજના યુગમાં તમારા જેવા સેવાના ભેખધારી ઓખા જેવી છેવાડાની ભૂમિમાં રહે છે એ વાત જ અમારા માટે આશ્ચર્યની છે. જો અમે બેટ દ્વારકા ના ગયા હોત તો તમારો પરિચય કેવી રીતે થાત !! " અભિષેક બોલ્યો અને મનોમન એણે પોતાના ગુરુજીનો આભાર માન્યો.

" આપણે ઉપરવાળાની લીલા કદી સમજી શકતા જ નથી. દરેક ઘટનાઓ પાછળ એનો કંઈ ને કંઈ સંકેત હોય છે જ. આપણને એ જ્યાં જ્યાં મોકલે છે ત્યાં કંઈક નવું શીખવા કે નવી ઓળખાણો કરવા જ મોકલે છે. અને આ નવી ઓળખાણો પણ આપણા જીવનના ઘડતર માટે જ હોય છે. આત્માએ અનેક જન્મો લઈને ઘણું બધું શીખવાનું હોય છે અને પરિપક્વ થવાનું હોય છે. મોક્ષ જેવું કંઈ હોતું નથી. મોક્ષ પ્રાપ્ત કર્યા પછી પણ ઈશ્વરની ઈચ્છાથી ફરી જનમ થતો જ હોય છે પરંતુ એ લોક કલ્યાણ માટે ! બ્રહ્માંડની આ યાત્રા ચાલ્યા જ કરે છે સાહેબ." વડીલ હસીને બોલ્યા.

" અરે અંકલ તમે તો ઘણી બધી જ્ઞાનની વાતો કરો છો ! ગાયત્રી મંત્રની સાધના થકી તમે અંદરથી ઘણું બધું મેળવ્યું છે. " અભિષેક બોલ્યો.

" જીવનનું બધું જ રહસ્ય સમજાઈ ગયું છે સાહેબ. ભર્તૃહરિએ સાચું જ કહ્યું છે કે આપણે ભોગ ભોગવતા નથી પણ ભોગો જ આપણને ભોગવી લે છે, નીચોવી લે છે. સમય પસાર થતો નથી આપણે જ સમયમાંથી પસાર થઈ જઈએ છીએ. ઈચ્છાઓ અને તૃષ્ણાઓનો કદી અંત આવતો નથી. એની પાછળ આપણો જ અંત આવી જાય છે. " અંકલ બોલ્યા.

" આજે તો તમારી સાથે બહુ જ મજા આવી ગઈ વડીલ. મારા ગુરુજીએ મને તમારી પાસે મોકલ્યો એ માટે હું એમનો પણ ખૂબ આભાર માનું છું. ચાલો હવે હું તમને જેટી ઉપર લઈ જાઉં એટલે તમને તમારી સાયકલ મળી જાય." અભિષેક બોલ્યો.

" તમે તમારે દ્વારકા જવા માટે નીકળી જાઓ સાહેબ. મારી સાયકલ તો આ બહાર ઓટલા પાસે પડી." વડીલ બોલ્યા.

અભિષેક અને અંજલી બહાર આવ્યાં તો ખરેખર સાયકલ ત્યાં પડી હતી. અભિષેકને ખૂબ જ આશ્ચર્ય થયું.

" અરે પણ વડીલ આ સાયકલ અહીં કેવી રીતે આવી ? " અભિષેક બોલ્યો.

" મેં તમને કહ્યું ને કે મારો એક છોકરો જેટી પાસે ઉભો રહે છે. એને મેં અહીંથી કહી દીધું કે સાયકલ એકવાર ઘરે મૂકી જા. પછી સાધુઓને લેવા ફરી જેટી ઉપર જજે. એટલે એ સાયકલ ઘરે મૂકી ગયો અને પાછો જેટી ઉપર જતો રહ્યો." વડીલ બોલ્યા.

" પરંતુ અહીં આવ્યા પછી મેં તો તમને ફોન ઉપર કોઈની સાથે વાત કરતા જોયા જ નથી તો પછી એની સાથે કેવી રીતે વાત કરી ? " અભિષેક આશ્ચર્યથી બોલ્યો.

" મારી પાસે ફોન જ ક્યાં છે સાહેબ !! બસ એક દ્રઢ સંકલ્પ મનમાં કરી લીધો કે છોકરો સાયકલ ઘરે મૂકી જાય છે. સંદેશ છોકરા સુધી પહોંચી ગયો અને સાયકલ આવી ગઈ. ફોન કરવાની મારે કોઈ જરૂર પડતી નથી. મારે બંને છોકરાઓને કોઈ સૂચના આપવી હોય તો પણ આ રીતે જ આપું છું. એમને પણ હવે ખ્યાલ આવી ગયો છે. સવારે મારા ઘરે ત્રણ કિલો કેસર કેરી આવે છે એવો સંકલ્પ કર્યો અને ત્રણ કિલો પાકી કેરી ઓટલા ઉપર આવી ગઈ. ક્યાંથી આવી કોણે મોકલી એ બધું ઉપરવાળો જાણે. " વડીલ હસીને બોલ્યા.

" ઉપરવાળો કે મા ગાયત્રી ?" અભિષેકે હસીને પૂછ્યું.

" જે નામ આપો તે. શિવ અને શક્તિ એક જ છે. જે નામથી બોલાવો તે હાજર થાય. એક લેવલ આવે પછી કોઈ ભેદ રહેતો નથી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ ! તમારી શ્રદ્ધા જ કામ કરે છે સાહેબ." વડીલ બોલ્યા.

" અંકલ આ ત્રણ કિલો કેરી તમારા ઘરે આવી ગઈ તો એ કોઈ દુકાનમાંથી જ આવતી હશે ને ! " અભિષેકે પૂછ્યું.

" તમારા કહેવાનો અર્થ હું સમજી ગયો. આ કેરી સૂર્યની ઉર્જાના કારણે પંચમહાભૂત દ્વારા નિર્માણ પામે છે. અણુ પરમાણુના સંયોગીકરણ અને વિઘટનની આ પ્રક્રિયા છે. તમે કોઈપણ વસ્તુનું નિર્માણ હવામાંથી પણ કરી શકો છો. એટલે કોઈની કેરી ચોરી કરવાનો કોઈ સવાલ જ નથી. "

અને એ સાથે જ અભિષેકે નીચા નમીને ઈશ્વરના સાચા ભક્ત અને આવી સિદ્ધિઓના માલિક એવા ઈશ્વરલાલ ભટ્ટના ચરણ સ્પર્શ કર્યા.

"અંકલ મને આશીર્વાદ આપો. તમારી પાસે અદભુત શક્તિઓ છે. તમે ખરેખર સિદ્ધ પુરુષ છો. પહેલીવાર તમારા જેવી વ્યક્તિને મળીને હું ધન્ય થઈ ગયો છું. મારા ગુરુજી કદાચ તમારાં દર્શન કરાવવા માટે જ મને અહીં સુધી લઈ આવ્યા. તમે સામે ચાલીને અમને જેટી ઉપર લેવા માટે આવ્યા એ માટે હું તમારો ખૂબ જ આભારી છું " બોલતાં બોલતાં અભિષેકની આંખોમાં આંસુ આવી ગયાં.

" મારો આભાર માનવાની જરૂર નથી. તમારા ગુરુએ જ તમને એક ચોક્કસ હેતુથી મારી પાસે મોકલ્યા છે. મારે તમને એ વાત કહેવાની બાકી છે. રસ પૂરીના પ્રસાદ સાથે તમારી પત્નીને એક વિશેષ આશીર્વાદ મળી ગયા છે. એમના રસમાં એક દિવ્ય ઔષધિ મેં ભેળવી દીધી છે. અને આ વનસ્પતિ આજે સવારે જ હિમાલયથી આવી છે." વડીલ બોલ્યા.

" તમારી વાતો મને સમજાતી નથી વડીલ. તમે તો મને ઓળખતા પણ નથી. મારા ગુરુજી તમારા સપનામાં આવ્યા એટલે તમે અમને ઘરે લાવીને જમાડ્યા ત્યાં સુધી તો બધું બરાબર છે. પણ તો પછી ખાસ અમારા માટે જ આ ઔષધિ છેક હિમાલયથી કેવી રીતે આવી ? " અભિષેકે આશ્ચર્યથી પૂછ્યું.

અભિષેકનો સવાલ સાંભળીને ઈશ્વરલાલ ખડખડાટ હસી પડ્યા.

" તમારા ગુરુ સ્વામી નિર્મલાનંદજીએ મને મોકલી. એ મને ઓળખે છે અને હું એમને ઓળખું છું. આજે સવારે ૩ વાગ્યે ઉઠ્યો ત્યારે બહાર ઓટલા ઉપર આ દિવ્ય વનસ્પતિ પડી હતી. સ્વામીજીએ મને સપનામાં કહી દીધું હતું એટલે હું સમજી ગયો." વડીલ બોલી રહ્યા હતા.

" હવે પૂરી વાત સાંભળો. તમારી આ પત્ની અંજલીએ ગર્ભપાત કરાવેલો છે. આ ઔષધિ આજે કેરીના રસ સાથે એના લોહીમાં ગઈ એટલે હવે એના શરીરમાં એના પહેલા પતિના વીર્યનો થોડો ઘણો અંશ પણ રહી ગયો હશે તો એ દૂર થઈ જશે. લોહી એકદમ શુદ્ધ થઈ જશે " વડીલ બોલી રહ્યા હતા.

" બે શરીર વચ્ચે શારીરિક મિલન થાય એટલે બંનેના શરીરના થોડા સૂક્ષ્મ પરમાણુ એકબીજાના શરીરમાં પ્રવેશ કરી જતા હોય છે અને પછી લોહીમાં ભળી જતા હોય છે. આ દૈવી ઔષધી એ તમામ સૂક્ષ્મ પરમાણુઓને દૂર કરી દેશે. હવે અંજલી સંપૂર્ણ વર્જિન છે. એનું ગર્ભાશય પણ આજ સાંજ સુધીમાં એકદમ શુદ્ધ થઈ જશે. એના લગ્ન પહેલાં એ જેવી હતી એવી જ અખંડ કૌમાર્યવાળી એ બની જશે. તમને બંનેને એટલા માટે જ તમારા ગુરુજીએ મારા ઘરે મોકલ્યા છે." વડીલ હસીને બોલ્યા.

આ વાત સાંભળીને અંજલી તો સ્તબ્ધ થઈ ગઈ. આ અંકલ તો પોતાનું નામ પણ જાણે છે અને પોતે ગર્ભપાત કરાવ્યો હતો એ પણ જાણે છે અને પાછી મને વર્જિન પણ કરી દીધી ! એણે તો પોતાના જીવનમાં આવો કોઈ ચમત્કાર જોયો જ ન હતો !

" વડીલ તમારી વાતો સાંભળીને ઘણી નવાઈ લાગી છે. તમે ઘણું બધું જ્ઞાન ધરાવો છો. હવે હું તમને વધારે હેરાન નહીં કરું. મારા મનનું સમાધાન થઈ ગયું છે. તમારો ફરી ફરી આભાર માનું છું. જતા પહેલાં તમારા સદાવ્રતમાં મારા તરફથી થોડુંક દાન આપવા માગું છું. અત્યારે તો મારી પાસે નથી પરંતુ રાજકોટ પહોંચ્યા પછી હું મોકલી આપું અથવા જાતે આવીને આપી જાઉં." અભિષેક બે હાથ જોડીને બોલ્યો.

ફરી ઈશ્વરલાલ ખડખડાટ હસી પડ્યા.

" તમારી પાસે રાજકોટમાં પાંચ લાખ રોકડા પડ્યા છે એ મને ખબર છે પણ મને એની કે બિસ્કીટની પણ જરૂર નથી. મારો ભંડાર તો અખંડ ભરેલો છે સાહેબ. એ કદી ખૂટતો જ નથી. ઉપરવાળો સપ્લાય કરતો જ રહે છે. જરૂર પડે એટલે એને સાદ દઈ દેવાનો." વડીલ બોલ્યા.

ઈશ્વરલાલની વાત સાંભળીને અભિષેક અવાક થઈ ગયો. પોતાની પાસે પાંચ લાખ પડ્યા હતા એ પણ વડીલને ખબર છે અને મુંબઈમાં બિસ્કીટ છે એ પણ ઓખામાં રહેતા આ વડીલને ખબર છે. આ તો ગજબની સિદ્ધિ છે એમની પાસે. હું તો એમની આગળ કંઈ જ નથી.

" હવે મારી વાત સાંભળો. " વડીલ બોલ્યા. "અંજલીના રસમાં જે દિવ્ય ઔષધિનો રસ ભેળવ્યો છે એના કારણે હવે ત્રણ દિવસ સુધી એને ભૂખ કે તરસ નહીં લાગે. પાણી પીવાની ઈચ્છા પણ નહીં થાય ! "

અભિષેક અને અંજલીને અંકલની આ વાત સાંભળીને ફરી પાછી નવાઈ લાગી પરંતુ એ અનુભવ હજુ કરવાનો બાકી હતો.

" અંકલ તમે એક સિદ્ધ પુરુષ છો. અમને બંનેને સુખી લગ્નજીવન માટે આશીર્વાદ આપો. " અભિષેક બોલ્યો.

" તમને તમારા ગુરુજીના આશીર્વાદ મળેલા જ છે અને એમની આગળ તો હું બહુ નાનો માણસ છું. આ સંસારમાં હોઈહી સોઈ જો રામ રચી રાખા. " ઈશ્વરલાલ આકાશ તરફ હાથ ઊંચો કરીને બોલ્યા.

અભિષેકે ફરી એમના ચરણસ્પર્શ કર્યા અને પછી આગળ વધીને ગાડી પાસે ગયો. અંજલી પણ સાથે જ ગઈ. બંનેએ ફરીથી અંકલને દૂરથી પ્રણામ કર્યા અને ગાડીમાં ગોઠવાઈ ગયાં. બરાબર એ જ વખતે એમણે સામેથી વીસેક વર્ષના એક છોકરાને ત્રણ સાધુઓ સાથે આ તરફ આવતો જોયો. અભિષેક બધું સમજી ગયો. ઈશ્વરલાલનો ભંડારો આખો દિવસ ચાલુ જ રહેવાનો છે !

ઈશ્વરલાલને અને ઓખાની આ પવિત્ર ભૂમિને મનોમન પ્રણામ કરી અભિષેકે ગાડી સ્ટાર્ટ કરી દીધી.

મારા ગુરુજી મારું આટલી હદે ધ્યાન રાખતા હશે ? – ગાડી ચલાવતી વખતે અભિષેક વિચારે ચડી ગયો. અંજલીને હિમાલયની ઔષધિ આપવા માટે મુંબઈથી એને રાજકોટ મોકલી. મને દેસાઈ સાહેબ દ્વારા દ્વારકા જવાનું સૂચન કર્યું. ત્યાંથી સવારે બેટ દ્વારકા જવાની પ્રેરણા આપી. ઓખા પાછા આવ્યા પછી જેટી ઉપર જ વડીલને મોકલી આપ્યા ! રસ પૂરીના જમણનો એમને આદેશ આપ્યો અને રસમાં ભેળવવા માટે હિમાલયથી દિવ્ય ઔષધિ પણ મોકલી દીધી !!

" અરે તમે ક્યાં ખોવાઈ ગયા છો અભિ ? રોડ આટલો ખુલ્લો છે છતાં ગાડી કેમ આટલી ધીમી ચાલે છે ? " અંજલીએ ટકોર કરી એ સાથે જ અભિષેક વિચારોમાંથી બહાર આવ્યો.

ઓખાથી ગાડી સ્ટાર્ટ કરી ત્યારે પોણા બે વાગી ગયા હતા. જૂન મહિનો ચાલતો હોવાથી બહાર આમ તો ગરમી ઘણી હતી પરંતુ દરિયા કિનારો હોવાથી ગરમીની અસર અહીં ઓછી દેખાતી હતી.

સાંજે સવા છ વાગે અભિષેકની ગાડી રાજકોટમાં પ્રવેશી ગઈ અને સાડા છ વાગે તો ઘરે પણ પહોંચી ગઈ.

ઈશ્વરલાલે કહ્યું હતું એ પ્રમાણે અંજલીને રસ્તામાં બિલકુલ તરસ લાગી ન હતી જ્યારે અભિષેકે બે વાર પાણી પીધું હતું. સાંજે ઘરે આવ્યા પછી ભૂખનો પણ કોઈ અનુભવ થતો ન હતો.

કામવાળી આમ તો રાત્રે આઠ વાગે આવતી હતી છતાં અભિષેકે ફોન કરીને એને અત્યારે જ બોલાવી લીધી કારણ કે બે દિવસમાં ઘરમાં ધૂળ ઘણી જામી હતી. અડધા કલાકમાં કામવાળી આવી ગઈ અને એણે આખા ઘરને ઝાપટીને પછી કચરા પોતુ કરી દીધું.

" જાન હવે શું કરીશું ? મારું તો પેટ એકદમ ભરાયેલું છે અને તરસ પણ નથી લાગતી તો તમારા માટે શું બનાવું ? " અંજલી બોલી.

" ત્રણ દિવસ સુધી તારે તો જમવાનું છે જ નહીં. મારા એકલાને માટે તારે જે બનાવવું હોય તે બનાવી દેજે. અને ન બનાવવું હોય તો હું બહાર હોટલમાં જમી લઈશ ! " અભિષેક હસીને બોલ્યો.

" એવું થોડું ચાલે જાન ! વઘારેલી ખીચડી બનાવી દઉં છું. ફટાફટ થઈ જશે. " અંજલી બોલી.

અને અંજલીએ અભિષેક માટે વઘારેલી ખીચડી બનાવી લીધી. છાસ તો ઘરમાં પડી જ હતી.

રાત્રે સાડા આઠ વાગ્યા સુધીમાં અભિષેકનું જમવાનું પણ પતી ગયું.

"આજે તો સાડા આઠ વાગ્યા સુધીમાં આપણે એકદમ ફ્રી થઈ ગયાં જાન. હવે આગળ શું વિચાર્યું છે ? " અંજલી બોલી.

" આવતી કાલ માટે ઘણી તૈયારી કરવાની છે ડાર્લિંગ. આપણે લગ્ન કરી લીધાં છે. કાલે તારા માટે જ્વેલરી ખરીદવી પડશે. લગ્નના દિવસે જેવી સાડી તમે લોકો પહેરો છો એવી એક બે ભારે સાડી અને ડ્રેસ પણ લેવા પડશે. બ્યુટી પાર્લરમાં જવું પડશે. હાથમાં મહેંદી પણ મૂકાવવી પડશે. સારું પર્ફ્યુમ પણ લેવું પડશે. સ્ટુડિયોમાં જઈને સજોડે એક બે સારા ફોટા પણ પડાવવા પડશે." અભિષેક બોલી રહ્યો હતો.

" અને હનીમુનની તૈયારી પણ કરવી પડશે ને ! બેડરૂમ સજાવવો પડશે. ગુલાબનાં ફૂલ લઈ આવવાં પડશે. તારે પણ નવોઢાની જેમ સોળ શણગાર સજીને તૈયાર થવું પડશે અને હવે તો તું વર્જિન પણ છે !!" અભિષેક હસીને બોલ્યો અને અંજલી શરમાઈને ફરીથી એને વીંટળાઈ ગઈ.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."