અભિષેક (Abhishek Novel Part-35)

Related

અભિષેક પ્રકરણ 35

અભિષેક અને અંજલીએ બીજા દિવસ સવારથી જ હનીમુનની તૈયારી શરૂ કરી દીધી. અભિષેકે આમ પણ બે ત્રણ દિવસ હોસ્પિટલમાં રજા રાખી હતી એટલે હોસ્પિટલ જવાનું કોઈ ટેન્શન ન હતું.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

અભિષેક અને અંજલિ જમ્યા પછી ઘરની બહાર નીકળી ગયાં. અભિષેક યાજ્ઞિક રોડ ઉપર આવેલા મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી શોરૂમમાં અંજલીને લઈ ગયો. સાથે ગોલ્ડનું એક બિસ્કીટ અને પાંચ લાખ રોકડા પણ લેતો ગયો.

શો રૂમમાં જઈને એણે પોતાની ઓળખાણ આપી અને સાથે લાવેલું સોનાનું બિસ્કીટ કાઉન્ટર ઉપર આપ્યું.

" આ બિસ્કીટ તમે જમા લઈ લો. એની કિંમત બાદ કરતાં બાકીની રકમ હું રોકડેથી ચૂકવીશ. મને ગોલ્ડ અને ડાયમંડના સારામાં સારા સેટ બતાવો. બ્રેસલેટ, ડાયમંડ બેંગલ્સ, સોનાની ચેઈન અને ડાયમંડ રીંગ પણ બતાવો" અભિષેક બોલ્યો .

" અંજલી તને જે પણ પસંદ આવે એ જ્વેલરી પસંદ કરી લે. કિંમત સામે તારે જોવાનું નથી. તારા અને મારા માટે ડાયમંડ રીંગની પણ પસંદગી કરવાની છે. " અભિષેક બોલ્યો.

એ પછી સેલ્સ ગર્લ એક પછી એક જ્વેલરી બતાવતી ગઈ. જે પણ પસંદ આવતી ગઈ એ અંજલી બાજુમાં મૂકતી ગઈ. એ પછી બંનેએ પોતાની ચોઈસ પ્રમાણે ડાયમંડની રીંગ પણ પસંદ કરી લીધી. અભિષેકે પોતાના માટે પણ એક ચેઈન પસંદ કરી.

એક નકશી કામ કરેલો નેકલેસ સેટ અને એક ડાયમંડ જડેલો નેકલેસ સેટ અંજલીએ પસંદ કર્યો. એ સિવાય પણ ત્રણ અલગ એરિંગ્સ લીધા. એક ડાયમંડ જડિત બ્રેસલેટ પણ પસંદ કર્યું. સોનાની બે ચેઈન પસંદ કરી. સોનાનાં સાંકળાં અને મોતીનો એક સેટ પણ લીધો.

"બસ અત્યારે આટલું બહુ છે અભિ. પછી ભવિષ્યમાં જોઈશું. " અંજલી બોલી.

અભિષેકે બધી જ્વેલરી પેક કરાવી અને બાકીની ખૂટતી રકમ રોકડેથી ચૂકવી દીધી.

એ પછી અભિષેક અંજલીને લઈને યુનિવર્સિટી રોડ ઉપર જાણીતા એક સાડી સ્ટોરમાં ગયો અને ત્યાંથી અંજલી માટે એક સરસ પાનેતર પણ ખરીદી લીધું.

બીજા એક સ્ટોરમાં જઈને અંજલી માટે બે ત્રણ મોંઘા ડ્રેસ પણ ખરીદી લીધા. બાજુની શોપમાંથી અંજલીએ બે ચણિયા પણ પસંદ કર્યા.

અંજલીનું શોપિંગ પતી ગયું પછી અભિષેક વેડિંગ ગારમેન્ટના શો રૂમમાં ગયો અને જરી ભરત ભરેલો પીચ કલરનો એક મોંઘો કુર્તો પાયજામા સાથે લઈ લીધો.

ત્યાંથી યુનિવર્સિટી રોડ ઉપર આવેલી એક પરફ્યુમા શોપમાંથી પોતાનું મનપસંદ પરફ્યુમ પણ ખરીદી લીધું.

અંજલીને બ્યુટી પાર્લરમાં જવાનું બાકી હતું. એણે અભિષેકને ગૂગલમાં જોઈ નજીકમાં કોઈ સારું બ્યુટી પાર્લર હોય તો એ જોવાનું કહ્યું.

અભિષેકે સર્ચ કર્યું અને અંજલીને કાલાવડ રોડ ઉપર એક બ્યુટી પાર્લરમાં લઈ ગયો.

" હવે તમે ઘરે જવા નીકળી જાઓ અભિ. મને અહીં ઓછામાં ઓછો દોઢ કલાક તો લાગશે જ. હું તમને ફોન કરું પછી તમે મને લેવા આવજો." અંજલી બોલી અને નીચે ઉતરી ગઈ.

એ પછી અભિષેક કંઈક વિચારીને ફૂલ માર્કેટમાં ગયો અને એક પ્લાસ્ટિક બેગ ભરીને ગુલાબનાં તાજાં ફૂલ અને પાંખડીઓ ખરીદી લીધી.

અભિષેક ઘરે પહોંચ્યો ત્યારે સાંજના સાડા પાંચ વાગી ગયા હતા.

ઘરે આવીને અભિષેકે પોતાના બેડરૂમને સજાવવાનું ચાલુ કર્યું. એણે બેડરૂમમાં નવી ચાદર બીછાવી દીધી. બેડની ચારેય તરફ ગુલાબનાં ફૂલો ગોઠવી દીધાં. બેડની બરાબર વચ્ચે ગુલાબનાં ફૂલો ગોઠવીને સાથીઓ પણ બનાવ્યો. આજુબાજુ ગુલાબની પાંખડીઓ પાથરી દીધી. સાંજે સાડા છ વાગ્યા સુધી અભિષેકનું આ કામ ચાલ્યું.

એ પછી અંજલીનો ફોન આવી ગયો એટલે એ એને લેવા માટે ગયો અને લઈને અડધા કલાકમાં પાછો પણ આવી ગયો. બ્યુટી પાર્લરમાં અંજલીએ જબરદસ્ત હેર સ્ટાઈલ બનાવી હતી ! હાથમાં મહેંદી પણ સરસ સજાવી હતી. એનું રૂપ આજે ખીલી ઉઠ્યું હતું !!

રસોઈ કરવાવાળા ભાવનાબેનનો ફોન આવ્યો હતો પરંતુ અભિષેકે આજે એમને ના પાડી હતી.

સાંજની રસોઈમાં અંજલીએ કંસાર દાળ ભાત અને શાક બનાવ્યાં. આજે એણે પોતાના પ્રિયતમને પોતાના હાથે જ કંસારનો પહેલો કોળિયો ભરાવ્યો. અભિષેકે પણ સામે અંજલીને પોતાના હાથે કંસાર જમાડ્યો.

અંજલીના હાથની રસોઈ ખરેખર ઘણી સરસ બની હતી. આજે પણ એણે અભિષેકનું ભાવતું બટાકાનું રસાવાળુ શાક બનાવ્યું હતું.

" અભિ તમે કાલથી ભાવનામાસીને રસોઈ કરવાની ના પાડી દેજો. બે ટાઈમ હું જ રસોઈ બનાવીશ. મારો પણ સમય પસાર થાય. હું ઘરે બેઠી બેઠી બીજું કરું પણ શું ? " અંજલી બોલી.

" એ વાત પણ તારી સાચી છે. હું ચોક્કસ એમને ના કહી દઈશ અને પૈસા પૂરેપૂરા આપી દઈશ જેથી એ બિચારાં નિરાશ ન થાય." અભિષેક બોલ્યો.

રાત્રે આઠ વાગે કામવાળાં બેન આવીને ગયાં એ પછી જ અંજલીએ તૈયાર થવાનું શરૂ કર્યું.

" જુઓ હું બેડરૂમમાં તૈયાર થવા જાઉં છું. હું ના કહું ત્યાં સુધી તમે પ્લીઝ અંદર ના આવશો. " અંજલી હસીને બોલી.

" ઠીક છે મેડમ જેવી તમારી ઈચ્છા. " અભિષેક બોલ્યો.

બેડરૂમમાં પગ મૂકતાં જ ફૂલોનો સુંદર શણગાર અને પર્ફ્યુમનો અનુભવ કરીને અંજલી અભિષેક ઉપર વારી ગઈ ! ઇવેન્ટ મેનેજમેન્ટવાળાની જેમ એમણે બેડરૂમ સજાવ્યો છે !

તરત જ એને નીરવની કડવી યાદ પણ આવી ગઈ. ના પ્રેમ, ના લાગણી, ના હનીમૂનની કોઈ ભાવના ! જંગલી પશુની જેમ એણે વર્તન કર્યું !! મનને પરાણે અભિષેક તરફ વાળીને એણે કપડાં બદલવાનું ચાલુ કર્યું !

રાત્રે બરાબર સાડા નવ વાગે અંજલિ એક નવોઢાની જેમ તૈયાર થઈ ગઈ. ડાયમંડના નેકલેસનો એક સેટ પણ પહેરી લીધો. પગમાં સોનાની સાંકળી પહેરી લીધી. હાથમાં બ્રેસલેટ અને હીરાજડિત ચાર બંગડીઓ પણ પહેરી લીધી. આંગળી ઉપર ડાયમંડની રીંગ પણ પહેરી લીધી.

મેકઅપ તો કરેલો જ હતો. વધારામાં એણે આંખોમાં કાજલ પણ લગાવ્યું અને પર્ફ્યુમ છાંટ્યું. એ પછી એ બેડ ઉપર એક નવોઢાની જેમ તકિયાને અઢેલીને બેસી ગઈ.

" હવે તમે અંદર આવી શકો છો જાન" અંજલી સહેજ મોટેથી બોલી.

અભિષેકે બેડરૂમમાં પ્રવેશ કર્યો અને બેડ ઉપર બેઠેલી રૂપસુંદરીને જોઈને અવાક થઈ ગયો ! અંજલી સુંદર તો જરૂર હતી પણ સ્ત્રીઓ વસ્ત્રો અને શણગારથી વધારે શોભે છે એવું એણે ક્યાંક વાંચ્યું હતું એ એને સાચું લાગ્યું. અંજલી ઘૂમટો તાણીને બેઠી હતી.

અભિષેકે તરત જ મોબાઈલમાંથી અલગ અલગ એંગલથી અંજલીના ફોટા પાડી લીધા.

અભિષેકે વોશરૂમમાં જઈને કપડાં બદલી નાખ્યાં અને સુંદર કુર્તો અને પાયજામો પણ પહેરી લીધો. માથાના વાળ સરખા કર્યા. શરીર ઉપર પર્ફ્યુમ પણ છાંટી દીધું.

કુર્તા પાયજામાની પ્લાસ્ટિકની થેલીમાં અલગ રાખેલી ડાયમંડની વીંટી અને ચેઈનનું બોક્સ બહાર કાઢ્યું અને એમાંથી ચેઇન તથા વીંટી પણ પહેરી લીધાં.

એ પછી બહાર આવીને અંજલીની બિલકુલ બાજુમાં તકિયાને અઢેલીને બેસી ગયો. અને અંજલિ સાથે બે ત્રણ સેલ્ફી પણ લઈ લીધી.

" આજે આપણું પ્રથમ મિલન છે ડાર્લિંગ. મન ભરીને તારું સૌંદર્ય જોવા માગું છું. લગભગ દોઢ વર્ષ સુધી તને જોવા માટે તડપી રહ્યો છું. આજે આપણો વિરહ પૂરો થાય છે. હવે તો ઘૂંઘટ હટાઓ દેવી !! " અભિષેક બોલ્યો.

અંજલી તો અભિષેકને પ્રેમ કરવા માટે અભિષેક કરતાં પણ વધારે બેચેન હતી. એણે એને સંપૂર્ણ માફ કરી હતી અને અઢળક પ્રેમ વરસાવ્યો હતો. અંજલી અભિષેક ઉપર ઓળઘોળ હતી.

એ સીધી અભિષેકના ખોળામાં જ બેસી ગઈ અને પોતાનો ઘૂંઘટ હટાવીને વહાલથી અભિષેકને ચુંબન કરી દીધું. એની ધડકતી છાતી અભિષેક સાથે ભીંસાઈ રહી હતી.

અભિષેક એકદમ જ આવેશમાં આવી ગયો. અંજલી પણ આજે એના હબીને ખુશ કરવા એકદમ આક્રમક બની ગઈ હતી. ધીમે ધીમે કામદેવ અને રતિએ પોતાની લીલા શરૂ કરી.

એ પછી અભિષેકે અંજલીનું જે સૌંદર્ય જોયું અને જે માણ્યું એનું વર્ણન શબ્દોમાં થઈ શકે એમ નથી. ક્યારેક શબ્દો પણ શરમાઈ જતા હોય છે !

એ મધુરજનીની રાત્રી અભિષેક માટે જિંદગીની જાણે કે શ્રેષ્ઠ રાત્રી બની ગઈ. પુરુષ અને સ્ત્રી વચ્ચેનો પ્રથમ શારીરિક સંબંધ એ મોહમાયાની ચરમસીમા ગણાય છે. દરેક મોહનું અંતિમ બિંદુ અહીં આવીને અટકી જાય છે ! એમાં પણ બંને પાત્રો જો એકબીજાને પ્રેમ કરતાં હોય ત્યારે તો એ આનંદનું વર્ણન પણ થઈ શકતું નથી !!

અભિષેક અને અંજલી એકબીજામાં એવાં તો ખોવાઈ ગયાં કે સવાર ક્યારે પડ્યું એની ખબર જ ના પડી. સાડી એકદમ ચોળાઈને એક બાજુ પડી હતી તો બાજુમાં રાખેલો કુર્તો આ દ્રશ્ય ના જોઈ શકતો હોય એમ નીચે સરકી ગયો હતો. ગુલાબનાં ફૂલોની ઉપર રતિ અને કામદેવનો ખેલ આખી રાત ચાલ્યો હતો !!

સૌથી પહેલાં અભિષેકની આંખ ખુલી ગઈ. રોજ વહેલી સવારે ચાર વાગે જાગી જવાની ટેવ હોવાથી એ થોડો વહેલો જાગી ગયો છતાં એ વખતે સાડા સાત વાગી ગયા હતા. આંખો ખોલીને એણે ભર ઊંઘમાં સૂતેલી અંજલીના નિર્વસ્ત્ર દેહને જોયો.

સવાર સવારમાં પણ એ ફરી ઉત્તેજિત થઈ ગયો છતાં એણે મન ઉપર સંયમ રાખ્યો અને ફુલ એસી ચાલતું હોવાથી અંજલીના શરીર ઉપર પાતળી રજાઈ ઓઢાડી દીધી. પોતાની અવસ્થા જોઈને પણ એને શરમ આવી. એ તરત જ વોશરૂમમાં દોડ્યો.

નાહી ધોઈને કપડાં પહેરીને લગભગ ચાલીસ મિનિટ પછી એ બહાર આવ્યો ત્યારે હજુ પણ અંજલી સૂતી હતી.

અભિષેક બહાર હોલમાં આવ્યો અને પછી ફ્રીઝમાં રાખેલું દૂધ કાઢી એણે બંને માટે ચા મૂકી. ચા થઈ ગઈ એટલે એ ફરી બેડરૂમમાં ગયો અને સૂતેલી અંજલીના ચહેરા ઉપર ઝળુંબી એક હાથે એના વાળની લટ સરખી કરવા લાગ્યો. અભિષેકના સ્પર્શથી અંજલી એકદમ જાગી ગઈ અને અભિષેકના ચહેરાને પોતાની નજીક જોયો. એને બધું યાદ આવી ગયું અને પોતાની હાલત જોઈને એ ફરીથી શરમાઈ ગઈ !

" ડાર્લિંગ મધુરજની પૂરી થઈ ગઈ અને હવે મધુર દિવસ શરૂ થઈ ગયો. ચા તૈયાર થઈ ગઈ છે. જાગો અને જલ્દી જલ્દી ચા પીવા માટે બહાર આવો. " અભિષેક એના માથા ઉપર હાથ ફેરવીને લાડથી બોલ્યો.

" ઉઠવાનું મન થતું નથી જાન. બસ આમ જ હું પડી રહું અને તમે મને વહાલ કરતા રહો. આવું અદભુત સુખ મેં મારી જિંદગીમાં માણ્યું નથી. " અંજલી બોલી.

" એ સુખ તો હવે કાયમ મળવાનું જ છે ડાર્લિંગ. પણ હવે ઊભા તો થવું જ પડશે ને ! હમણાં કામવાળી આવશે. તું બ્રશ વગેરે પતાવી કપડાં બદલીને બહાર આવી જા. ન્હાવાનું પછી રાખજે. ચા ઠરી જશે. " અભિષેક બોલ્યો.

કામવાળીનું નામ સાંભળીને અંજલી તરત ઊભી થઈ ગઈ. જોયું તો સવારના સાડા આઠ વાગ્યા હતા. અંજલી દોડીને એ જ હાલતમાં વોશરૂમમાં ભાગી ગઈ અને અભિષેક એના ગોરા દેહસૌંદર્યને જોતો રહ્યો.

અભિષેક બહાર આવ્યો અને દરવાજો ખોલી બહાર પડેલું ન્યુઝ પેપર એણે હાથમાં લીધું. ગઈકાલ રાતનો નશો એટલો બધો ચડેલો હતો કે એને સમાચાર વાંચવામાં પણ મન ન હતું.

થોડીવારમાં અંજલી કોટનનો એક ડ્રેસ પહેરીને બહાર આવી અને અભિષેક સાથે ચા પીવા બેસી ગઈ.

"અંજલી તારો નશો મને એટલો બધો ચડેલો છે કે હજુ એ ઉતર્યો જ નથી. આજે હોસ્પિટલ જવાનું વિચારતો હતો પણ તને જોઈને હોસ્પિટલ જવાનું મન જ થતું નથી." ચા પીતી વખતે અભિષેક બોલ્યો.

" તમારા કરતાં પણ હું વધારે પાગલ થઈ છું હબી. પણ હવે આપણે લગ્ન કરી લીધાં છે પછી સમયનો ક્યાં દુકાળ છે ? તમે જ્યારે ઈચ્છો ત્યારે હું તૈયાર જ છું. પરંતુ જગતના ટાઈમ ટેબલ પ્રમાણે આપણે ચાલવું જ પડે છે. આજે તો હવે હોસ્પિટલ જવું જ પડશે. ઘરે બેસી રહેશો તો બધા વહુઘેલા કહેશે. " અંજલી બોલી.

અને આમ રોમેન્ટિક વાતો કરતાં કરતાં ચા પીવાઈ ગઈ એટલે અંજલી તરત જ ઊભી થઈ અને બેડરૂમમાં જઈને સાડી, ચણીયો, બ્લાઉઝ વગેરે વાળીને કબાટમાં મૂકી દીધાં. એણે ઉતારેલા તમામ દાગીના પણ ભેગા કરી તિજોરીમાં મૂકી દીધા. આખા બેડ ઉપર ગુલાબનાં ચીમળાયેલાં ફૂલો પથરાયેલાં હતાં. એ પણ એણે ભેગાં કરી કચરાપેટીમાં નાખ્યાં. કામવાળી આવે તે પહેલાં સુહાગરાતનું એક પણ નિશાન એણે બેડરૂમમાં રહેવા દીધું નહીં. બસ પર્ફ્યુમની સુગંધ એ દૂર ના કરી શકી.

એ પછી એણે બે સોનાની બંગડીઓ અને ચાર કાચની બંગડીઓ પહેરી લીધી. ગળામાં માત્ર સોનાની ચેઈન રાખી. કાનનાં એરિંગ્સ પણ બદલી નાખ્યાં.

બરાબર એ જ વખતે કામવાળી બાઈ આવી અને એણે આખા ઘરમાં કચરો વાળીને પોતુ કરી દીધું.

લગભગ સવા નવ વાગે રસોઈ કરવાવાળાં ભાવનાબેન આવી ગયાં. એમને જોઈને જ અભિષેક બોલ્યો.

" માસી અમે હવે થોડા દિવસ માટે જ અહીંયાં છીએ. અને અંજલીની ઈચ્છા છે કે આજથી રસોઈ એ પોતે જ બનાવે જેથી એનો સમય પણ પસાર થાય. એને બીજું કંઈ કામ પણ અહીં નથી. તમારો આખા મહિનાનો પગાર તો મેં એડવાન્સમાં આપી દીધો છે એટલે એ તમે રાખી જ લો. જરૂર પડશે તો હું તમને ફોન કરી દઈશ. તમે હવે બીજી કોઈ પણ જગ્યાએ રસોઈનું કામ શોધી શકો છો. " કહીને અભિષેકે એમને બીજા દસ હજાર બક્ષિસ તરીકે આપ્યા.

" અરે સાહેબ હવે આ મને શું કામ આપો છો ? હું તો છૂટી થઈ ગઈ છું. " ભાવનાબેન ભારે હૃદયે બોલ્યાં.

" માસી તમારે કામ આવશે. જ્યાં સુધી તમને બીજું કામ ના મળે ત્યાં સુધી ઘર ચલાવવા પણ પૈસા તો જોઈશે ને ! " અભિષેક બોલ્યો.

માસીના ગયા પછી અંજલીએ રસોઈ ની તૈયારી કરવા માંડી. શાક સમારી દીધું અને કુકર ઉપર દાળ બાફવા પણ મૂકી દીધી.

અભિષેક તો સવારે સાડા નવ વાગે જ હોસ્પિટલ જવા નીકળી ગયો. એ જમવા માટે બપોરે એક વાગ્યે ઘરે આવતો હતો એટલે અંજલીને રસોઈની એવી કોઈ ઉતાવળ ન હતી.

અંજલીએ શાંતિથી બાર વાગ્યા સુધીમાં દાળ ભાત શાક અને સોજીના લોટનો થોડો શીરો બનાવી દીધો. રોટલીનો લોટ બાંધીને તૈયાર રાખ્યો જેથી અભિષેક આવે ત્યારે ગરમ ગરમ રોટલી જમી શકે !

એક વાગે અભિષેક ઘરે આવ્યો એટલે અંજલીએ ગરમ ફુલકા રોટલી ઉતારી અને અભિષેકને જમવા બેસાડી દીધો.

અને આ રીતે અભિષેક અને અંજલી નો સંસાર શરૂ થઈ ગયો. સમયને જતાં વાર નથી લાગતી. બીજા દસ દિવસ થઈ ગયા અને રાજકોટ છોડવાનો દિવસ પણ આવી ગયો.

રાજકોટ છોડવાના આગલા દિવસે સવારે અભિષેક મકાન માલિકને મળવા કાલાવડ રોડ ઉપર એના ફ્લેટ ઉપર ગયો.

" મહેશભાઈ, તમારો ફ્લેટ આવતી કાલે સવારે હું ખાલી કરી દઉં છું. તમે બપોરે જઈને એનો કબજો લઈ લેજો. ચાવી બાજુમાં હું સ્વાતિબેનના ઘરે આપી દઈશ. એ ફ્લેટમાં મેં એસી વગેરેનો જે ખર્ચો કર્યો છે એ મારે તમારી પાસેથી લેવો નથી અને તમને આપેલી ડિપોઝિટ પણ મારે પાછી જોઈતી નથી. મકાનનું ભાડું પણ મેં એડવાન્સ આપેલું છે એટલે એ પણ તમે રાખો. એ મકાનમાં મેં ઘણા મંત્રો અને અનુષ્ઠાન કરેલાં છે એટલે એ ફ્લેટ કોઈ સારી વ્યક્તિને જ આપજો જેથી એ સુખી થાય. " અભિષેક બોલ્યો અને તરત નીકળી ગયો. આવા ભાડુઆતને મહેશભાઈ જોતા જ રહી ગયા !

અભિષેક ત્યાંથી રઘુવીર પરામાં રસિકલાલના ઘરે ગયો અને એમણે શરૂઆતમાં જે મદદ કરી હતી એના માટે દિલથી આભાર માની આવ્યો.

એ પછી ઘરે આવીને મનોજ અને સોનિયાએ એમના ઘરે અભિષેકને જમવાનું આમંત્રણ આપ્યું હોવાથી બાર વાગે અભિષેક અંજલી સાથે ચોથા માળે જમવા ગયો.

જમ્યા પછી થોડો આરામ કરીને ચાર વાગે અભિષેક અંજલીને સાથે લઈને હોસ્પિટલમાં ગયો અને દેસાઈ સાહેબને મળ્યો.

" તમે અમારી હોસ્પિટલ છોડી રહ્યા છો એ અમારી કમનસીબી છે પરંતુ તમારી પ્રગતિ માટે મારી શુભેચ્છાઓ છે અભિષેક. " દેસાઈ સાહેબ બોલ્યા.

એ પછી અભિષેક હોસ્પિટલના તમામ ડોક્ટરોને મળી આવ્યો. તમામ વોર્ડમાં ચક્કર મારીને નર્સો અને સ્ટાફને પણ મળી લીધું. છેલ્લે એ ડેન્ટિસ્ટ દિપાલી ના ક્લિનિકમાં ગયો. એ વખતે એના ક્લિનિકમાં કોઈ પેશન્ટ ન હતું.

અભિષેક અને અંજલીને જોઈને દિપાલી તરત જ ઊભી થઈ ગઈ અને બન્નેનું પ્રેમથી અભિવાદન કર્યું. એને ખબર જ હતી કે કાલે રાજકોટ છોડવાનું છે એટલે અભિષેક સર આજે બપોરે હોસ્પિટલ બધાંને મળવા ચોક્કસ આવશે.

" મને ખબર હતી જ કે તમે અત્યારે આવવાના છો એટલા માટે મેં અડધી કલાક પહેલાં જ બજરંગના ગરમ ગાંઠિયા મંગાવ્યા છે. રાજકોટ છોડો અને રાજકોટના ગાંઠીયા ખાધા વગર જાઓ એ ના જ ચાલે ! " કહીને દિપાલીએ ગાંઠિયાનું બોક્સ બંનેની સામે ખુલ્લું મૂકી દીધું. સાથે એક પડીકામાં તળેલાં મરચાં પણ હતાં.

ત્રણેય સાથે મળીને થોડા થોડા ગાંઠીયાનો સ્વાદ માણ્યો. એ પછી દિપાલીએ બંનેને પીવા માટે પાણી આપ્યું.

"યુ આર વેરી લકી અંજલી" દિપાલી બોલી અને એના હાથમાં એક ગિફ્ટ પાર્સલ આપ્યું.

" તમને હું બહુ જ મિસ કરીશ સર. તમારા વિના આ હોસ્પિટલની હું કલ્પના જ કરી શકતી નથી. મુંબઈમાં તમારી હોસ્પિટલ તૈયાર થઈ જાય ત્યારે ડેન્ટિસ્ટની મારી જગ્યા ખાલી રાખજો. મારા નસીબમાં શું લખ્યું છે એ મને ખબર નથી. પણ મારી ઈચ્છા હવે કાયમ માટે મુંબઈ શિફ્ટ થઈ જવાની છે ! " દિપાલી બોલી અને એની આંખો ભીની થઈ ગઈ.

"હું પ્રોમિસ કરું છું દિપાલી. હોસ્પિટલ નું જ્યારે ઉદ્ઘાટન થશે ત્યારે હું તને ચોક્કસ આમંત્રણ આપીશ. અને તું જો ત્યાં જોઈન થવા માંગતી હો તો યુ આર ઓલવેઝ વેલકમ એન્ડ થેન્ક્સ ફોર એવરીથીંગ યુ હેવ ડન ફોર મી. " અભિષેક હાથ મિલાવીને બોલ્યો અને ઉભો થયો.

ઘરે ગયા પછી અંજલીએ દિપાલીએ આપેલું ગિફ્ટ પાર્સલ ખોલ્યું તો જરી ભરત અને ટીકી ચોંટાડેલું ખૂબ જ મોંઘુ ઘરચોળું એમાં હતું. સાથે એક ચિઠ્ઠી લખી હતી :

# અંજલી... તમારાં લગ્ન થાય ત્યારે લગ્નમાં પહેરવા માટે મારી આ નાનકડી ગિફ્ટ સ્વીકારશો.... દિપાલી.

અંજલીએ સાચવીને સાડી પોતાની બેગમાં મૂકી દીધી. વહેલી સવારે રાજકોટ છોડવાનું હતું છતાં ચા પાણી પીને નીકળતાં નીકળતાં સવારના આઠ વાગી ગયા. ફ્લેટ બંધ કરતાં પહેલાં અભિષેકે દરેક રૂમમાં ફરીને દોઢ વર્ષ પોતાને સુખી કરવા બદલ આ ફ્લેટની ભૂમિ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી.

સ્વાતિબેનના ઘરે ચાવી આપીને અભિષેક બહાર નીકળ્યો. સામાનમાં માત્ર ત્રણ બેગો હતી એ એણે ડેકીમાં પાછળ ગોઠવી દીધી. અંજલી ગાડીમાં બેઠી એટલે એણે ગાડી સ્ટાર્ટ કરી. થોડીવાર સુધી ચંદારાણા ટાવર તરફ એ જોઈ રહ્યો !

કોઈપણ જગ્યાએ લાંબો સમય રહ્યા પછી એ જગ્યા તરફ માનવીની લાગણીઓ જોડાઈ જતી હોય છે. એ જગ્યા તરફ એક મમતા બંધાઈ જાય છે. રાજકોટના રસ્તાઓ છૂટતા ગયા. દરેક સ્થળો સાથે એની કોઈને કોઈ સ્મૃતિ જોડાયેલી હતી.

હોસ્પિટલ પાસેથી ગાડી પસાર થઈ ત્યારે એણે બે મિનિટ ગાડી ઉભી રાખી અને હોસ્પિટલ તરફ જોઈને બે હાથ જોડી પ્રણામ કર્યા !

એ પછી એણે લાગણીઓ ઉપર કાબુ મેળવીને ગાડીને ગ્રીનલેન્ડ ચોકડી તરફ લીધી અને અમદાવાદ તરફનો હાઇવે પકડી લીધો.

બરાબર એની પાછળ કાળા રંગની એક સ્કોર્પિયો પણ એનો પીછો કરતી દોડી રહી હતી !! અભિષેક જ્યાં રહેતો હતો એ રવિરત્ન સોસાયટીથી જ આ ગાડી એનો પીછો કરી રહી હતી ! અભિષેક એનાથી સાવ અજાણ હતો !
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

"અભિષેક" નવલકથા - અનુક્રમણિકા પર જવા માટે :☞અહીં ક્લિક કરો
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."