અભિષેક (Abhishek Novel Part-36)

Related

અભિષેક પ્રકરણ 36

દરેક સ્થળ સાથે વ્યક્તિનો ચોક્કસ સમય માટે ઋણાનુબંધ હોય છે. એ સમય પૂરો થાય એટલે દરેક વ્યક્તિએ સ્થળ છોડી દેવું જ પડે છે. અભિષેક માટે પણ રાજકોટ સાથેનો દોઢ વર્ષનો ઋણાનુબંધ પૂરો થઈ ગયો હતો.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

પોતાની પત્ની અંજલીને સાથે લઈને અભિષેકે રાજકોટની વિદાય લીધી. જતાં જતાં એણે પરિમલ હોસ્પિટલ પાસે ગાડી ઉભી રાખી અને એ હોસ્પિટલને પણ પ્રણામ કર્યા. એ પછી એણે ગ્રીનલેન્ડ ચોકડી થઈને અમદાવાદ હાઈવે પકડી લીધો.

બરાબર એની પાછળ ને પાછળ કાળા રંગની એક સ્કોર્પિયો પણ અભિષેકના ઘરથી એની ગાડીનો પીછો કરી રહી હતી. અભિષેક એનાથી સાવ અજાણ હતો !
*********************

અભિષેક અને અંજલી થોડા દિવસ પહેલાં દ્વારકા દર્શન કરવા માટે ગયાં હતાં અને ત્યાં ભગવાન શ્રીકૃષ્ણના મંદિરમાં અભિષેક અને અંજલીએ એકબીજાને હાર પહેરાવીને લગ્ન કરી લીધાં હતાં. એ પછી બંને જણાં એકબીજાનો હાથ પકડીને ગોમતીઘાટ ગયાં હતાં અને ત્યાં ગોમતીના કિનારે પગથિયાં ઉપર થોડી વાર માટે બેઠાં હતાં.

બરાબર એ જ વખતે દ્વારકા દર્શન કરવા આવેલા મુંબઈના એક શ્રીમંત કપોળ વાણીયા વલ્લભદાસ શેઠે દૂરથી અભિષેકને જોઈ લીધો. એમણે એમની પત્નીને બૂમ પાડી.

" અરે કામિની... આપણો અંકિત મળી ગયો !! દ્વારકાધીશે આપણી સામે જોયું ખરું !! " શેઠ ઊંચા અવાજે બોલ્યા જેથી દૂર ઊભેલી એમની પત્ની સાંભળી શકે !

કામિનીબેને પોતાના પતિનો અવાજ સાંભળ્યો અને એમણે એમની ચાલ ઝડપી કરી. વલ્લભદાસ શેઠ અભિષેક તરફ નજર રાખવાના બદલે પૂંઠ ફેરવીને પત્નીની રાહ જોતા ઉભા રહ્યા. કામિનીબેન પતિની પાસે પહોંચી ગયાં ત્યાં સુધી અભિષેક અને અંજલિ ત્યાંથી ઊભાં થઈને ગેટમાંથી બહાર નીકળી રહ્યાં હતાં.

શેઠે દૂરથી અભિષેકને બહાર નીકળતો જોયો. ભારે શરીર અને ઉંમરના કારણે એ પોતે તો દોડી શકતા ન હતા એટલે એમણે એમની પાછળ આવી રહેલા ડ્રાઇવર રતનને બૂમ પાડી.

" અરે રતન જલદી દોડ. આપણો અંકિત મળી ગયો છે. હમણાં જ બહાર નીકળતો અમે જોયો. ગ્રીન કલરનું ટીશર્ટ પહેરેલું છે. એને ઉભો રાખ. અમે આવીએ છીએ. " શેઠ બોલ્યા.

ગોમતી ઘાટથી બહાર નીકળીને અભિષેક અંજલીને લઈને ડાબી તરફ પ્રસાદની એક દુકાનમાં ગયો હતો અને ત્યાં ગોઠવેલા જુદા જુદા પ્રસાદ જોતો હતો.

બરાબર એ જ વખતે વલ્લભદાસનો ડ્રાઇવર રતન ગોમતી ઘાટમાંથી બહાર આવ્યો. એ વર્ષોથી શેઠનો ડ્રાઇવર હોવાથી નાના શેઠને બરાબર ઓળખતો હતો. એ જમણી તરફ દોડ્યો અને છેક પાર્કિંગ સુધી ચક્કર મારી આવ્યો. પરંતુ અંકિત ક્યાંય પણ ના દેખાયો. થોડીવારમાં હાંફળા ફાંફળા શેઠ અને શેઠાણી પણ ત્યાં આવી ગયાં.

" શેઠ... અંકિતભાઈ તો આ બાજુ ક્યાંય દેખાતા નથી. મને લાગે છે કે ફરી પાછા એ ૫૬ સીડી ચડીને મંદિરમાં જ ગયા હશે. તમે અહીં જ ઉભા રહો. હું દોડતો મંદિરમાં જઈને એમને શોધી કાઢું છું. " રતન બોલ્યો.

" અહીં તો ક્યાંય અંકિત દેખાતો નથી એટલે અમે પણ તારી સાથે મંદિરમાં જ આવીએ છીએ." વલ્લભદાસ બોલ્યા અને શેઠાણીને લઈને ૫૬ સીડી તરફ પાછા વળ્યા અને ધીમે ધીમે પગથિયાં ચડીને મંદિર તરફ જવા લાગ્યા.

" શેઠ એક કામ કરો તમે થોડીવાર ઉપર જ ઊભા રહેજો. ફરી હું નીચે એક ચક્કર મારીને આવું છું." જલ્દી ઉપર પહોંચી ગયેલા રતનને એક વિચાર આવ્યો અને એ એકલો નીચે ઉતરવા લાગ્યો.

એ લોકો પગથિયાં ચડી રહ્યા હતા ત્યારે જ અભિષેક ઠોરનો પ્રસાદ ખરીદીને અંજલી સાથે પાર્કિંગની જગ્યાએ આવી ગયો હતો. એ પોતાની ગાડીમાં બેઠો અને ગાડીને સ્ટાર્ટ કરી આગળ નીકળી ગયો અને ગાડીને શ્રીનાથ ડાઇનિંગ હોલ તરફ વાળી.

રતને અંકિતને ગાડીમાં બેસતો દૂરથી જોયો એટલે એણે મોટેથી " અંકિત શેઠ...." કહીને બૂમ પાડી અને પાછળ દોડ્યો પણ ખરો પરંતુ અભિષેકે તો ગાડી સ્ટાર્ટ કરી દીધી હતી ! રતને ગાડીનો નંબર યાદ કરી લીધો.

એ ફરી પાછો મંદિરમાં ગયો અને શેઠને જઈને સમાચાર આપ્યા. સાથે સાથે ગાડીના નંબરની વાત પણ કરી.

હવે દ્વારકામાં અંકિતને ક્યાં શોધવો ? એ લોકો જો શ્રીનાથ ડાઇનિંગ હોલમાં જમવા ગયા હોત તો અભિષેકનો ભેટો થઈ ગયો હોત પણ એ લોકો તો લેમન ટ્રી જેવી મોંઘી હોટલમાં ઉતર્યા હતા અને ત્યાં જ જમતા હતા.

સાંજે કદાચ અંકિત ફરી દર્શન કરવા આવશે એ હેતુથી સાંજે પણ એ લોકો મંદિરમાં જઈને ત્રણ કલાક બેસી રહ્યા પરંતુ અંકિત ક્યાંય દેખાયો નહીં.

છેવટે રાત્રે વલ્લભદાસ શેઠે પોતે હાયર કરેલી ભાંડુપમાં આવેલી મુંબઈની જાણીતી ડિટેક્ટિવ એજન્સીને ફોન કર્યો. છેલ્લા દોઢ વર્ષથી અંકિતને શોધવાનું કામ એમણે આ જ એજન્સીને સોંપેલું હતું.

"પ્રશાંતભાઈ, દ્વારકાથી વલ્લભદાસ શેઠ બોલું. અહીં દ્વારકામાં આજે જ અમે અંકિતને જોયો છે. એણે કોઈની સાથે લગ્ન કરી લીધાં હોય એવું પણ લાગે છે. હું કામિનીની રાહ જોતો ઊભો રહ્યો એમાં અંકિત જતો રહ્યો. દોઢ વર્ષ પછી પહેલીવાર મેં એને અહીં દ્વારકામાં જોયો." વલ્લભદાસ શેઠ બોલ્યા.

" તમારે એના ઉપર સતત નજર રાખવાની જરૂર હતી શેઠ. હવે અહીં બેઠાં બેઠાં તાત્કાલિક તો હું એને શોધી શકું નહીં. હું દ્વારકાના પોલીસ સ્ટેશને ફોન કરું તો પણ અત્યારે રાત્રે પોલીસ એને શોધી શકે નહીં. અને બની શકે કે સવારે એ ત્યાંથી નીકળી જાય ! " પ્રશાંત બોલ્યો.

" તમારી વાત હું સમજી શકું છું. મેં ભૂલ કરી જ છે. માંડ માંડ એનો પત્તો લાગ્યો ત્યાં એ ફરી પાછો ખોવાઈ ગયો. પરંતુ અમને એનો ગાડી નંબર મળ્યો છે. અચાનક અમારા રતનની નજર એના ઉપર પડી પણ એ તરત જ એની ગાડીમાં બેસીને નીકળી ગયો." શેઠ બોલ્યા.

" અરે તો પછી એ નંબર તાત્કાલિક મને મેસેજ કરી દો. આ તો બહુ સારું કામ કર્યું. હવે અંકિત તમને સો ટકા મળી જવાનો. પરંતુ જો એ ભાડાની ગાડી કરીને દ્વારકા આવ્યો હશે તો શોધવામાં થોડી તકલીફ થશે. પોતાની જ ગાડી હશે તો પાતાળમાંથી પણ એને શોધી કાઢીશું. " પ્રશાંત બોલ્યો.

વલ્લભદાસ શેઠે પ્રશાંતને અભિષેકની ગાડીનો નંબર લખાવી દીધો. નંબર જોઈને રાત્રે જ પ્રશાંતને ખ્યાલ આવી ગયો કે આ ગાડી તો રાજકોટ પાસિંગ ની છે. હવે કાલે રાજકોટ આરટીઓમાંથી અંકિતનું એડ્રેસ મળી જશે !

બીજા દિવસે સવારે ઓફિસ ટાઇમે પ્રશાંતે ગાડીના નંબર ઉપરથી એડ્રેસ મેળવી તો લીધું પણ રજીસ્ટરમાં નામ ડૉ. અભિષેક મુન્શી હતું. ચંદારાણા ટાવરનું એડ્રેસ હતું.

તો શું અંકિત ડૉ. અભિષેકની ગાડી લઈને દ્વારકા દર્શન કરવા માટે ગયો હશે ? જો એ ગાડી અભિષેકની હોય તો એનો મતલબ કે અંકિત કાં તો અભિષેકનો મિત્ર હોઈ શકે અથવા તો પછી અભિષેક ગાડી ભાડે આપતો હોય ! આ અભિષેકની જ હવે તો તપાસ કરવી પડશે !!

ડિટેક્ટિવ એજન્સીના માલિક પ્રશાંતે બીજા જ દિવસે પોતાના સ્ટાફના એક ઈન્ટેલિજન્ટ આસિસ્ટન્ટ મનીષ શિંદેને ફ્લાઈટમાં રાજકોટ મોકલવાનું નક્કી કર્યું.

" મનીષ મારી વાત ધ્યાનથી સાંભળ. તારે બપોરના ફ્લાઈટમાં રાજકોટ જવાનું છે. ત્યાં સારી હોટલમાં ત્રણ ચાર દિવસ રોકાવું પડે તો રોકાઈ જજે. ચંદારાણા ટાવરનું એડ્રેસ તને હું મેસેજ કરું છું . ત્યાં ડૉ. અભિષેક મુન્શી રહે છે. મારે એના વિશે સંપૂર્ણ માહિતી જોઈએ." પ્રશાંત સૂચના આપતો હતો.

" અભિષેકની ગાડીનો નંબર પણ તને મોકલું છું. આ ગાડી ત્યાં જ પડી હશે. તને આપણા ક્લાયન્ટ અંકિત શેઠનો ફોટો પણ મોકલું છું. અંકિત આ જ ગાડી લઈને દ્વારકા દર્શન કરવા ગયો હતો. મતલબ અંકિત કદાચ ત્યાં અભિષેકની સાથે પણ રહેતો હોવો જોઈએ. અથવા તેનો મિત્ર પણ હોઈ શકે. અથવા તો અભિષેક આ ગાડી ભાડે ફેરવતો હોય. હકીકત શું છે એ મારે જાણવું છે. " પ્રશાંત બોલ્યો અને એણે બધી જ વિગતો મનીષના મોબાઇલમાં મોકલી.

" જી સર. કામ થઈ જશે. હું અત્યારે જ ઘરે જવા નીકળી જાઉં છું અને બપોરે એરપોર્ટ પહોંચી જઈશ. " મનીષ શિંદે બોલ્યો.

પ્રશાંતે મનીષને પચાસ હજાર રોકડા આપ્યા એટલે સલામ કરીને મનીષ ત્યાંથી નીકળી ગયો.

ડિટેક્ટિવ એજન્સીઓનું કામ ખૂબ જ અદભુત હોય છે. ત્રણ દિવસ રોકાઈને મનીષે અભિષેકની આખી કુંડળી કાઢી લીધી. એ ક્યાં રહે છે શું કરે છે એ બધું જાણી લીધું. બીજા દિવસે એ અભિષેકની ગાડીની પાછળ પાછળ ગયો અને એ કઈ હોસ્પિટલમાં જાય છે એ પણ દૂરથી જોઈ લીધું. હોસ્પિટલ જવાનો સમય પણ એણે જાણી લીધો. ચંદારાણા ટાવરમાં અભિષેકના ઘર સુધી મનીષ આવી ગયો. એ દૂરથી જ અભિષેકને જોતો હતો એટલે નજીકથી એણે હજુ અભિષેકને જોયો જ ન હતો !

ચોથા દિવસે અભિષેક જ્યારે ઘરે ન હતો ત્યારે મનીષે અભિષેકના ઘરે આવીને એના દરવાજે બેલ માર્યો.

" મેમ... ડોક્ટર સાહેબ ઘરે છે ? " મનીષ બોલ્યો.

" ના અત્યારે તો એ હોસ્પિટલમાં હોય. શું કામ હતું ? " અંજલી બોલી.

" હું બાજુમાં રવિરત્ન સોસાયટીમાં રહું છું. ઘરે મમ્મીની તબિયત ખરાબ હતી એટલે મને એમ કે ડોક્ટર સાહેબ જો વિઝિટ કરતા હોય તો એમને ઘરે લઈ જાઉં. " મનીષ બોલ્યો અને એણે શર્ટના બટનમાં ગોઠવેલા નાનકડા સ્પાય કેમેરાથી અંજલીનો ફોટો લઈ લીધો.

" તમે એમને હોસ્પિટલમાં લઈ જઈ શકો છો. એ ઘરે વિઝીટ કરતા નથી." અંજલી બોલી અને એણે દરવાજો બંધ કર્યો.

એ પછી મનીષ નીચે ઉતર્યો અને રીક્ષા કરીને પરિમલ હોસ્પિટલે પહોંચ્યો. ત્યાં એક ડોક્ટરને એણે કોઈની સાથે વાત કરતો જોયો. એ ડોક્ટરને એણે ડૉ. અભિષેક વિશે પૂછ્યું.

" હું જ ડોક્ટર અભિષેક. બોલો. "

પરંતુ અભિષેકને નજીકથી જોઈને જ એ ચમકી ગયો. કારણ કે પ્રશાંત સરે અંકિતનો જે ફોટો એના મોબાઈલમાં મોકલ્યો હતો એ આ જ વ્યક્તિ હતો. મતલબ અંકિત એ જ ડૉ. અભિષેક હતો !! નખશીખ અંકિત ! કોઈ જ ફરક નહીં.

" અંકિત સર હું મુંબઈ રહું છું અને અત્યારે મારા સગાના ત્યાં રવિરત્ન સોસાયટીમાં મમ્મીને લઈને આવ્યો છું. તમારું નામ બહુ સાંભળ્યું છે. મારી મમ્મીને કેન્સર છે. મારે એમને રેડીએશન અને કીમો થેરપી અપાવવી છે તો આ હોસ્પિટલમાં એ સગવડ છે ? " મનીષે જાણીજોઈને અંકિતનું સંબોધન કર્યું.

" મારું નામ અંકિત નહીં અભિષેક છે. અને આ કેન્સર હોસ્પિટલ નથી એટલે એ સગવડ નથી. તમે સિવિલ હોસ્પિટલમાં જ એમને એડમિટ કરો. અને મુંબઈમાં સારી ટ્રીટમેન્ટ મળે છે તો પછી અહીં કેમ લઈ આવ્યા ! " અભિષેક બોલ્યો.

વાતચીત દરમિયાન મનીષે સાચવીને શર્ટના બટનમાં રાખેલા સ્પાય કેમેરાથી અભિષેકનો પણ ફોટો પાડી લીધો.

" તમારું નામ સાંભળ્યું છે એટલે મને એમ કે તમારી દેખરેખ નીચે ટ્રીટમેન્ટ થાય તો વધારે સારું. પરંતુ તમારી વાત સાચી છે. હું એમને સિવિલમાં જ એડમીટ કરી દઉં છું." મનીષ બોલ્યો.

" અને આમ પણ હું પોતે હવે ત્રણ ચાર દિવસ પછી કાયમ માટે મુંબઈ શિફ્ટ થઈ રહ્યો છું એટલે મારી આશા પણ નકામી છે. " અભિષેક હસીને બોલ્યો.

" ઓહ... તો તો મારે મુંબઈ રહેવાની જ જરૂર હતી ! નકામો હું રાજકોટ આવી ગયો. એનીવેઝ તમારી મુંબઈની યાત્રા શુભ રહે સર. સલાહ બદલ આભાર. " કહીને મનીષ શિંદે નીચે ઉતરી ગયો.

એ પછી નીચે ઉતરીને મનીષે બંને ફોટા બૉસને મુંબઈ મોકલી આપ્યા અને તરત જ પ્રશાંત સરને ફોન પણ કર્યો.

" સર મનીષ બોલું. ડૉ. અભિષેક અને અંકિત એક જ છે સર. દ્વારકામાં શેઠે જે ગાડી જોઈ એ અહીં રાજકોટમાં જ રહેતા ડૉ. અભિષેકની પોતાની છે. મેં એનું ઘર પણ જોઈ લીધું છે. એ હોસ્પિટલમાં જોબ કરે છે. અત્યારે મેં તમને બે ફોટા મોકલ્યા છે એ જોઈ લો. મેં એને અંકિત સર કહીને જ બોલાવ્યો પરંતુ એણે ચોખવટ કરી કે મારું નામ અભિષેક છે. અંકિત અહીં પોતાનું નામ બદલીને રહેતો લાગે છે. કંઇક તો ગરબડ છે સર." મનીષ બોલ્યો.

" વ્હોટ !!! તને પાક્કી ખાતરી છે કે એ અભિષેક જ અંકિત છે ? " પ્રશાંત પોતાની ખુરશી ઉપર લગભગ ઉછળી પડ્યો.

" જી સર. હું ખોટો પડ્યો તો હું મારી જોબ છોડવા તૈયાર છું. અંકિત અને અભિષેક એક જ વ્યક્તિ છે સર. અને નવાઈની વાત તો એ છે કે આ ડૉ. અભિષેક પણ દોઢ વર્ષથી જ આ ફ્લેટમાં રહેવા આવ્યો છે !" મનીષ બોલ્યો.

" વાઉ ! અને તેં એને અંકિત કહીને બોલાવ્યો તો એના ચહેરા ઉપર કોઈ ફરક દેખાયો ? એ ચમકી ગયો હોય કે એવું કંઈ ?" પ્રશાંતે પૂછ્યું.

" જરા પણ નહીં સર. હું સતત એના ચહેરા સામે તાકી રહ્યો હતો. કદાચ એવું પણ બને કે કોઈ ઘટનાથી એ એની યાદદાસ્ત ખોઈ બેઠો હોય. પણ છે તો એ અંકિત જ. " મનીષ બોલ્યો.

" હમ્... હું શેઠ સાથે થોડી ચર્ચા કરી લઉં. પછી તને ફોન કરું છું. " પ્રશાંત બોલ્યો.

" સર બીજી પણ એક વાત તમને જણાવી દઉં. ડૉ. અભિષેકે મને કહ્યું કે એ પોતે જ રાજકોટ છોડીને ત્રણ ચાર દિવસમાં કાયમ માટે મુંબઈ શિફ્ટ થઈ રહ્યો છે. એટલે તમારે અહીં કોઈને મોકલવાની જરૂર નથી લાગતી. એનો પીછો કરીને આપણે મુંબઈમાં જ એને પકડી શકીએ છીએ. " મનીષ બોલ્યો.

" અરે આ તો બગાસુ ખાતાં મ્હોંમાં પતાસું આવી ગયું. ગ્રેટ ન્યૂઝ ! તું હમણાં રાજકોટ છોડતો નહીં. હું કાલે ગણેશ અને વિશાલને આપણી સ્કોર્પિયોમાં કાલે જ રાજકોટ મોકલું છું. તું જે હોટલમાં રહે છે એ જ હોટલમાં એ લોકો તારી સાથે જોડાઈ જશે. સ્કોર્પિયોને અભિષેક જ્યાં રહે છે એ સોસાયટીની બહાર જ તૈયાર રાખવાની. અભિષેકનો મુંબઈ આવવાનો આખો પ્રોગ્રામ જાણી લે. તમારે લોકોએ એનો પીછો છેક મુંબઈ સુધી કરવાનો છે." પ્રશાંત બોલ્યો.

" જી સર. હું અપડેટ આપતો રહીશ." મનીષ બોલ્યો અને ફોન કટ કર્યો.
***********************

રાજકોટથી નીકળ્યા પછી અભિષેક શાંતિથી ગાડી ચલાવી રહ્યો હતો. એને રાજકોટ છોડવાનું ઘણું દુઃખ થતું હતું. રાજકોટમાં એને ખૂબ જ પ્રેમ મળ્યો હતો. આદર મળ્યો હતો. સારી કંપની પણ મળી હતી. છતાં સમય પાકે એટલે શહેર પણ છોડવું પડે છે અને દુનિયા પણ છોડવી પડે છે ! જગતનો આ નિયમ છે.

કુવાડવા પાસે બ્રીજ બનતો હોવાથી બે ત્રણ કિલોમીટરનો રસ્તો થોડો ખરાબ હતો પરંતુ એ પછી અભિષેકે ગાડીની સ્પીડ વધારી દીધી. સવારે ચા નાસ્તો કરીને જ મુસાફરી શરૂ કરી હતી એટલે રસ્તામાં અભિષેકે ક્યાંય પણ ગાડી ઊભી ના રાખી અને સાડા ત્રણ કલાકમાં તો અમદાવાદના રીંગ રોડ સુધી ગાડી પહોંચી ગઈ.

" અભિ હું વિચારું છું કે એકાદ દિવસ હું અમદાવાદ રોકાઈ જાઉં. રેખાને હું ઘણા સમયથી મળી નથી. એના થકી જ તમે મારા જીવનમાં આવ્યા છો તો મારે એનો આભાર પણ માનવાનો છે. મુંબઈ ગયા પછી તો અમદાવાદ વારંવાર અવાતું નથી. અને આપણે લગ્ન કરી લીધાં છે એ ખુશ ખબર પણ મારે એને આપવાની છે. " અંજલી બોલી.

" મને કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ તારું જમવાનું હજુ બાકી છે. મેં તારી સાથે એક્સપ્રેસ હાઈવે ઉપર વડોદરા નજીક એક સરસ હોટલમાં જમવાનું પણ નક્કી કર્યું હતું ! " અભિષેક બોલ્યો.

" અરે જાન મારા જમવાની ચિંતા છોડો. રેખાનું ઘર તો મારું જ ઘર કહેવાય. એની થાળી ઝૂંટવીને પણ હું જમી શકું. એને મળવાનો આનંદ જ કંઈ ઑર છે. પણ તમને જો ખોટું ના લાગે તો. તમારી ઈચ્છા મને સાથે લઈને મુંબઈ જવાની હોય તો મુંબઈ આવવા પણ હું તૈયાર છું. આઈ એમ યોર્સ ! " અંજલી હસીને બોલી.

" ના ના ડાર્લિંગ એવું કંઈ નથી. તું ચોક્કસ રેખાને મળી શકે છે. અને એકાદ વીકમાં આપણું રિસેપ્શન પણ ગોઠવવાનું છે. તું એક બે દિવસ બાદ મુંબઈ આવી જજે. કારણ કે તારે પણ તૈયારી ઘણી કરવાની હોય. હું તને આશ્રમ રોડ નેહરુ બ્રિજ પાસે ઉતારી દઉં છું. ત્યાંથી તને ખાડીયાની રીક્ષા મળી જશે. " અભિષેક બોલ્યો અને એણે ગૂગલ મેપ સેટ કર્યો.

નહેરુ બ્રિજના કોર્નર ઉપર અભિષેકે ગાડી સાઈડમાં લીધી અને ઉભી રાખી. અંજલીના જમણા હાથની મહેંદીવાળી હથેળી ઉપર એણે ચુંબન કર્યું. નીચે ઉતરીને પાછળની ડેકીમાંથી એની બેગ કાઢીને અંજલીને આપી. છૂટા પડવાનું હોવાથી નીચે ઉતરતી વખતે અંજલીની આંખો પણ ભીની થઈ ગઈ.

અંજલીને રીક્ષા મળી ત્યાં સુધી અભિષેકે ગાડી ઉભી રાખી. એની ગાડીની પાછળ થોડુંક અંતર રાખીને પેલી કાળી સ્કોર્પિયો પણ ઉભી હતી.

અંજલી ગયા પછી અભિષેકે ગાડી સ્ટાર્ટ કરી અને પાલડી સરદાર બ્રિજ થઈ જમાલપુર લીધી. ત્યાંથી જમણી બાજુ વાળી નારોલ તરફ લીધી અને ત્યાંથી આગળ ડાબી તરફ જઈને વડોદરા તરફનો એક્સપ્રેસ હાઈવે પકડી લીધો અને ત્યાંથી મુંબઈ તરફનો ૪૮ નંબરનો નેશનલ હાઈવે પકડી લીધો.

બપોરે એક વાગે વડોદરા ક્રોસ થયું એટલે અભિષેક ગયા વખતે જ્યાં જમ્યો હતો એ તરસાલીની હાઇફલાય હોટલમાં જમવા માટે ગાડીને જમણી તરફ લીધી અને હોટલ પહોંચીને ગાડીઓના પાર્કિંગમાં ગાડી પાર્ક કરી. પાછળ આવતી સ્કોર્પિયો પણ ત્યાં બાજુમાં આવીને ઊભી રહી.

અભિષેક નીચે ઉતરીને વોશરૂમ તરફ જઈ પહેલાં બાથરૂમ જઈ આવ્યો અને પછી જમવા માટે હોટલની અંદર ગયો અને ખૂણાનું એક ટેબલ પસંદ કરીને બેઠો. પેલા ત્રણેય જણા પણ એની પાછળ હોટલમાં જઈને જમવા માટે અભિષેકના ટેબલની પાછળના બીજા ટેબલ ઉપર ગોઠવાઈ ગયા.

હજુ સુધી અભિષેકને એમના વિશે કોઈ જ ગંધ આવી ના હતી ! એને અંજલીને ફોન કરવાનો વિચાર આવ્યો પણ હજુ તો છૂટા પડ્યે બે કલાક પણ થયા નથી એટલે પછી ફોન કરવાનું એણે માંડી વાળ્યું.

ટેબલ ઉપર જમવા બેઠા પછી મનીષે પોતાના બૉસ પ્રશાંત સરને ફોન લગાવ્યો.

" સર હું મનીષ બોલું. "

અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."