અભિષેક (Abhishek Novel Part-37)

Related

અભિષેક પ્રકરણ 37

રાજકોટ સાથેનો ઋણાનુબંધ પૂરો થઈ ગયો એટલે અભિષેક પોતાની ગાડી લઈને અંજલી સાથે મુંબઈ જવા માટે નીકળી ગયો. અમદાવાદ નહેરુ બ્રિજ પાસે અંજલીને ઉતારી દીધી અને ગાડી ફરી પાછી હાઇવે ઉપર લઈ લીધી.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

બરાબર એની પાછળને પાછળ મનીષ શિંદે પણ મુંબઈથી આવેલા બે બાઉન્સરો સાથે કાળા રંગની સ્કોર્પિયો લઈને મુંબઈ આવી રહ્યો હતો !

મનીષ ત્રીસેક વર્ષનો એક કસાયેલો મહારાષ્ટ્રીયન યુવાન હતો. શરૂઆતમાં એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતો પરંતુ પછી એ નોકરી છોડીને એણે પ્રશાંત સરની જાણીતી ડિટેક્ટિવ એજન્સી જોઈન કરી હતી. મનીષ પોતે ખૂબ જ સ્માર્ટ અને બાહોશ હતો. ભૂતકાળમાં એણે ઘણા ભેદ ઉકેલ્યા હતા એટલે પ્રશાંત સરના જમણા હાથ જેવો એ હતો. લાયસન્સ વાળી પિસ્તોલ હંમેશા એની સાથે રહેતી અને એ પોતે શાર્પ શૂટર પણ હતો !

વડોદરા પાસે હાઇફ્લાય હોટલમાં અભિષેક જમવા બેઠો ત્યારે મનીષ પણ એના બે માણસો સાથે એ જ હોટલમાં જમવા માટે બેઠો. આગળ શું કરવાનું છે એ પૂછવા માટે એણે પોતાના બૉસને ફોન કર્યો.

" સર મનીષ બોલું. "

"હા મનીષ. કેટલે પહોંચ્યા તમે લોકો ?" પ્રશાંતે પૂછ્યું.

" સર અમે લોકો બરોડા તરસાલી પાસે હાઇફ્લાય નામની એક હોટલમાં લંચ માટે બેઠા છીએ. અંકિત એટલે કે અભિષેક પણ અમારી સામે જ છે. હવે આગળ શું કરવું એના માટે ફોન કર્યો છે. એના ઘર સુધી એને ફોલો કરવો છે કે પછી રસ્તામાં જ એને કીડનેપ કરીને આપણી ગાડીમાં બેસાડી દેવો છે ? " મનીષ બોલ્યો.

" તને પોતાને શું લાગે છે ? તું શું વિચારે છે ? " પ્રશાંતે મનીષનો જ અભિપ્રાય માગ્યો.

" સર જો એને એના ઘરે જવા દઈએ તો આપણો પ્રોબ્લેમ કંઈ સોલ્વ થતો નથી. બહુ બહુ તો એનું ઘર જોઈ લેવાય. પણ પછી શું ? વલ્લભદાસ શેઠને એનું એડ્રેસ આપી દેવું ? એવું કરવું આપણી એજન્સી માટે યોગ્ય લાગતું નથી. આપણું મિશન અધૂરું કહેવાય. આપણે એને શેઠના ઘરે લઈ જઈએ અને એમને સોંપી દઈએ એટલે આપણું કામ પૂરું. અને તો જ આપણને યશ મળે ! " મનીષે પોતાનો વિચાર વ્યક્ત કર્યો.

" તારી પાસેથી આ જ જવાબની અપેક્ષા હતી. તું સાચી દિશામાં વિચારે છે. એ મોટા ઘરનો દીકરો છે એટલે એનું ધ્યાન પણ રાખવાનું છે. ખોટી રીત અપનાવવાની નથી. કીડનેપ વખતે બૂમાબૂમ ન થવી જોઈએ. એને ખબર પણ ના પડવી જોઈએ કે એ કીડનેપ થઈ ચૂક્યો છે." પ્રશાંત બોલ્યો.

" જી સર. એ ચિંતા તમે મારી ઉપર છોડી દો. અહીંથી જ અમે એને અમારી ગાડીમાં ઉઠાવી લઈશું. કારણ કે પછી મુંબઈ સુધી અમને કોઈ તક નહીં મળે. " મનીષ બોલ્યો અને એણે વાત પૂરી કરી.

મનીષે થોડીવાર વિચારી લીધું. એક વિચાર એના મનમાં આવ્યો અને એના ચહેરા ઉપર સ્મિત આવી ગયું.

" અરે વિશાલ તું જરા બહાર જઈ કોઈને પણ ખબર ના પડે એ રીતે અંકિતની ગાડીના પાછલા ટાયરમાં પંકચર કરી દે. આપણી ગાડીમાં આગળના ખાનામાં અણીદાર પોકર પડેલું છે." મનીષ બોલ્યો.

વિશાલ નામનો પહેલવાન તરત જ ઉભો થયો અને ઝડપથી સ્કોર્પિયો નો આગળનો દરવાજો ખોલીને ખાનામાંથી અણીવાળું પોકર બહાર કાઢ્યું. બપોરના ટાઈમે કોઈનું ધ્યાન ત્યાં ન હતું. ક્રેટા ગાડીમાં ટ્યુબલેસ ટાયર હોય છે. સૌથી પહેલાં એણે બધી હવા કાઢી નાખી અને છેલ્લે પોકર ઘુસાડીને એણે ટાયર પંકચર પણ કરી દીધું.

એ પછી સ્કોર્પિયોમાં પોકરને પાછું મૂકીને વિશાલ પોતાના ટેબલ ઉપર પાછો આવી ગયો. મનીષને જમણા હાથનો અંગુઠો બતાવીને કામ થઈ ગયાનો ઈશારો પણ કરી દીધો.

"અરે તમે ડૉ. અભિષેક તો નહીં ? " થોડીવાર પછી અચાનક મનીષ અભિષેકની સામે જોઈને બોલ્યો.

" હા હું અભિષેક. પણ મને તમારી ઓળખાણ ના પડી. " અભિષેક આશ્ચર્યથી બોલ્યો.

" મારું નામ મનીષ. તમે તો મને ના ઓળખો સાહેબ પણ હું તમને સારી રીતે ઓળખું છું. આપણે પરિમલ હોસ્પિટલમાં બે મિનિટ માટે ભેગા થયેલા. હું મારી મમ્મીની ટ્રીટમેન્ટ વિશે પૂછવા આવ્યો હતો. તમે સિવિલ લઈ જવાની વાત કરી હતી. તમે એ પણ કહ્યું હતું કે ત્રણ ચાર દિવસમાં તમે મુંબઈ શિફ્ટ થઈ રહ્યા છો ! યાદ આવ્યું ? " મનીષે પોતાની એક્શન ચાલુ કરી દીધી.

" અરે હા. તમે બરાબર યાદ રાખ્યું છે મનીષભાઈ. અત્યારે હું મુંબઈ જ જઈ રહ્યો છું. પણ તમે અહીં ક્યાંથી ? " અભિષેક નિર્દોષતાથી બોલ્યો.

" હું તો મુંબઈનો જ છું. થોડું કામ હતું એટલે બે દિવસ માટે મુંબઈ જઈ રહ્યો છું. તમને અહીં જોયા એટલે જરા વાત કરવાનું મન થયું. " મનીષ બોલ્યો અને ફરી પાછું જમવામાં ધ્યાન પરોવ્યું.

આ વાતચીત થયા પછી પંદરેક મિનિટમાં અભિષેક જમીને ઉભો થઈ ગયો અને કાઉન્ટર ઉપર બિલ ચૂકવીને ઠંડા પાણીની એક બોટલ ખરીદી પોતાની ગાડી તરફ આગળ વધ્યો.

મનીષને પૂરી ખાતરી હતી કે ટાયરમાં હવા જ નથી એટલે ગાડી તો ચાલી શકવાની છે જ નહીં. એ લોકોએ આરામથી જમી લીધું. એ પછી બિલ ચૂકવીને ત્રણેય જણા બહાર આવ્યા.

એ વખતે અભિષેક નીચે નમીને ક્રેટા ગાડીનું ટાયર ચેક કરી રહ્યો હતો.

" અરે શું થયું ડોક્ટર સાહેબ ? હવા ઓછી છે કે શું ? " મનીષ નજીક જઈને બોલ્યો.

"અરે ગાડીમાં પંકચર પડી ગયું છે. બિલકુલ હવા નથી. ગાડી પાર્ક કરી ત્યાં સુધી તો બધું બરાબર હતું ! " અભિષેક બોલ્યો.

" અહીંથી એકાદ કિલોમીટર દૂર એક ગેરેજ છે અને ત્યાં પંકચરની પણ સગવડ છે. તમે અમારી ગાડીમાં બેસી જાઓ. ત્યાંથી મિકેનિકને આપણે લઈ આવીએ. એ વ્હીલ ખોલીને લઈ જશે. થોડો સમય બગડશે પણ તમારું કામ થઈ જશે." મનીષ બોલ્યો.

" અરે પણ એમાં તમારો સમય પણ બગડશે ને ? " અભિષેક બોલ્યો.

" અરે ડોક્ટર સાહેબ સમયની ક્યાં ચિંતા છે ! એટલી માનવતા તો અમારે રાખવી પડે ને ! અને બીજો કોઈ રસ્તો પણ નથી. અત્યારે પંકચર ના કરાવો તો ટાયર બદલી નાખીશું પણ એ કામ માટે પણ મિકેનિક હોય તો વધારે સારું. એ લોકોને આ રાત દિવસનું કામ છે. " મનીષ ઠાવકાઈથી બોલ્યો.

" હમ્ ...તમારી વાત સાચી છે. એમ જ કરીએ. " અભિષેક બોલ્યો અને પોતાની ગાડીને લૉક કરીને મનીષની સ્કોર્પિયોમાં પાછળના ભાગે વિશાલની બાજુમાં બેસી ગયો.

ગણેશ નામના બીજા બાઉન્સરે ગાડી સ્ટાર્ટ કરી અને ફુલ સ્પીડમાં આગળ જઈને મુંબઈ એક્સપ્રેસ હાઈવે તરફ લઈ લીધી.

" અરે ગેરેજ કેટલે દૂર છે ? આપણે લોકો તો ઘણા આગળ નીકળી ગયા." અભિષેક બોલ્યો. એને સમજાતું ન હતું કે ગાડી એક્સપ્રેસ હાઈવે તરફ કેમ આગળ વધી રહી છે !

" ટેન્શન ના લેશો ડોક્ટર સાહેબ. બસ તૈયારી જ છે. " મનીષ ઠંડા કલેજે બોલ્યો.

પરંતુ ગાડી એક્સપ્રેસ હાઈવે ઉપર ચઢી ગઈ ત્યાં સુધી વચ્ચે કોઈ જ ગેરેજ આવ્યું નહીં. અભિષેક હવે બેચેન બની ગયો. કારણ કે એક્સપ્રેસ હાઈવે ઉપર તો કોઈ ગેરેજ વચ્ચે આવે જ નહીં !

" મનીષભાઈ ગાડીને પાછી વાળી લો. હું મારી મેળે રસ્તો કાઢી લઈશ. હવે એક્સપ્રેસ હાઈવે ઉપર કોઈ ગેરેજ નહીં આવે. " અભિષેક બોલ્યો. એને હવે ખાતરી થઈ ગઈ કે કંઈક ગરબડ છે.

" ડોક્ટર સાહેબ ચૂપચાપ બેસી રહો. તમે કીડનેપ થઈ ચૂક્યા છો. અમારે તમને કોઈ નુકસાન પહોંચાડવું નથી. તમને તમારી મૂળ જગ્યાએ લઈ જવા છે. શાંતિથી સહકાર આપો તો ઠીક છે. તમે નામ બદલીને લોકોને છેતરી શકો પણ અમને નહીં. અમે તમને ઓળખી ગયા છીએ અંકિતભાઈ ! " મનીષ બોલ્યો.

"તમે મને કીડનેપ કર્યો છે ? અને વળી આ અંકિતભાઈ કોણ ! મારું નામ અભિષેક જ છે. તમારી કંઈક ભૂલ થાય છે મનીષભાઈ. મને હોટલ ઉપર પાછો મૂકી જાઓ અથવા તો અહીં ઉતારી દો પ્લીઝ " અભિષેક બોલ્યો.

હવે મનીષને લાગ્યું કે આ ડોક્ટરને ચૂપ તો કરવો જ પડશે. નહીં તો આગળ ટોલ નાકા પાસે ગાડી ઊભી રહેશે ત્યારે જો એ બૂમાબૂમ કરશે તો મોટો પ્રોબ્લેમ થઈ જશે.

" વિશાલ મને તારી પેન આપ તો.. " મનીષ વિશાલ સામે જોઈને બોલ્યો.

વિશાલ સમજી ગયો. આ એક કોડ વર્ડ હતો. એણે તરત જ પોતાના ખિસ્સામાંથી પિસ્તોલ કાઢી અને અભિષેકના ડાબા પડખામાં દબાવી.

" જો હવે એક પણ શબ્દ બોલ્યો છે તો ગોળી છૂટી જશે. ચૂપચાપ બેસી રહે. અમારામાં જરા પણ દયા નથી હોતી. " વિશાલ કડકાઈથી બોલ્યો.

એણે પિસ્તોલ પડખામાં એટલા જોરથી દબાવી રાખી હતી કે અભિષેકને પડખામાં ખૂંચી રહી હતી.

પાંચ જ મિનિટમાં ટોલનાકુ આવ્યું. ટોલટેક્સ આપીને ગાડી આગળ વધી.

અભિષેક પોતે પણ કસાયેલો હતો. આવી દાદાગીરી સહન કરવાનું એના લોહીમાં ન હતું. એ સાહસિક પણ હતો. ગોળીથી ડરતો ન હતો.પોતાના જીવની પણ પરવા કર્યા વગર એ સીટમાં આગળ ખસ્યો અને ઊંચા થઈને ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલા ગણેશનું આગળથી ગળું પકડીને પોતાના બંને હાથે જોરથી દબાવ્યું.

ઓચિંતી ગળા ઉપર જોરદાર ભીંસ આવતાં ડ્રાઇવિંગ કરતો ગણેશ બેબાકળો બની ગયો. એના શ્વાસ રૂંધાવા લાગ્યા. એણે ગાડી સાઈડમાં લીધી અને જોરથી બ્રેક મારી. એ સાથે જ અભિષેકે બૂમાબૂમ ચાલુ કરી. જો કે ગાડીના કાચ બંધ હતા.

પરંતુ આ બધું એટલું બધું અચાનક બની ગયું કે મનીષ પણ બે ક્ષણ માટે મૂંઝાઈ ગયો. અભિષેક આ રીતે હુમલો કરશે એવી એને કલ્પના પણ ન હતી. પરંતુ ત્યાં સુધીમાં અભિષેકની બાજુમાં બેઠેલો વિશાલ એક્શનમાં આવી ગયો હતો. એ કસાયેલો અને ગુસ્સાવાળો બાઉન્સર હતો.

એણે પોતાની બધી તાકાત ભેગી કરીને પોતાના હાથમાં રહેલી પિસ્તોલના પાછળના ભાગથી આગળ નમેલા અભિષેકના માથામાં જોરથી ફટકો માર્યો. ફટકો એટલો બધો જોરદાર હતો કે અભિષેકને તમ્મર આવી ગયા. માથામાંથી થોડું લોહી નીકળ્યું અને એ બેહોશ થઈ ગયો.

ગાડી તો ઉભી રહી હતી. અચાનક જ આ બધું બની ગયું હતું. અભિષેક બેહોશ હાલતમાં આગળની બે સીટ વચ્ચે નમી ગયો હતો.

મનીષ નીચે ઉતરી ગયો અને ત્રણેય જણાએ ભેગા થઈને અભિષેકને પાછળની સીટ ઉપર વચ્ચે બેસાડી દીધો. એની બંને બાજુ મનીષ અને વિશાલ ગોઠવાઈ ગયા. લોહી તો બંધ થઈ ગયું હતું પણ બેહોશી ચાલુ રહી હતી.

ગાડી ૧૨૦ ની સ્પીડથી આગળ વધી રહી હતી અને ભરૂચ હવે નજીકમાં જ હતું. અભિષેકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવો જરૂરી હતો. માથામાં ઇજા થઈ હતી એટલે સારવાર પણ ખૂબ જરૂરી હતી.

મનીષે ગણેશને ગાડી આગળ ભરૂચ લઈ લેવાનું કહ્યું. ગણેશે સ્કોર્પિયોને એક્સપ્રેસ હાઈવે ઉપર ફુલ સ્પીડમાં ભગાવી.

એ દરમિયાન મનીષે મુંબઈ પોતાના બૉસને ફોન લગાવ્યો અને જે બન્યું હતું એની વિસ્તારથી ચર્ચા કરી.

" અરે વિશાલે આ શું કર્યું ! આ સારું નથી થયું. હવે તમે લોકો ભરૂચ પહોંચીને તાત્કાલિક અંકિતને કોઈ સારી હોસ્પિટલમાં એડમિટ કરી દો અને હોસ્પિટલનો જે ડોક્ટર હોય એને મારી સાથે વાત કરાવો. " પ્રશાંત સહેજ ગુસ્સાથી બોલ્યો.

" જી સર." મનીષ બોલ્યો.

ગૂગલ મેપ મૂકીને જીએનએફસી ક્રોસ કરીને જમણી બાજુ દહેજ બાયપાસ રોડ ઉપર આવેલી જલારામ હોસ્પિટલે ગાડી લઈ લેવાનું મનીષે ગણેશને સૂચન કર્યું.

તાત્કાલિક અભિષેકને ઇમરજન્સી ટ્રોમા સેન્ટરમાં લઈ લેવામાં આવ્યો. મનીષે ત્યાં હાજર ઇન્ચાર્જ ડોક્ટરને પોતાનું ડિટેક્ટિવ તરીકેનું આઈકાર્ડ બતાવ્યું અને ડોક્ટરની સાથે પ્રશાંતની વાત પણ કરાવી.

આમ તો આ પ્રકારનો કેસ હોસ્પિટલ જલ્દી હાથમાં લેતી નથી અને પોલીસ કેસ પણ થતો હોય છે પરંતુ પ્રશાંતે વાત જ એવી રીતે કરી હશે કે ડોક્ટરે કોઈ ફોર્માલિટી કરી નહીં. એક્સ રે કરાવ્યો પરંતુ ખોપરીમાં કોઈ તિરાડ ન હતી.

" તમારી ઈચ્છા અહીં હોસ્પિટલમાં જો એમને રાખવાની હોય તો ૭૨ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવા પડશે. અંદર કોઈ ઈજા નથી એટલે બીજો કોઈ પ્રોબ્લેમ તો નહીં આવે. બસ ભાનમાં આવે ત્યાં સુધી રાહ જોવી પડશે." ન્યૂરો સર્જન બોલ્યા.

" અહીંથી મુંબઈ બહુ દૂર નથી સર. જો એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપવામાં આવે તો એમને મુંબઈ કોઈ સારી હોસ્પિટલમાં એડમિટ કરી દઈએ. ત્યાં એમનું ફેમિલી પણ છે જે સંભાળ લઈ શકે. એમ્બ્યુલન્સનો જે પણ ખર્ચ હશે તે હું આપી દઈશ. " મનીષ બોલ્યો.

" ઠીક છે. ત્રીસેક મિનિટમાં તમારા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા થઈ જશે." ડોક્ટર બોલ્યા.

એ પછી મનીષે ફરીથી પ્રશાંત સર સાથે વાત કરી.

" સર અમે ત્રીસેક મિનિટમાં અહીંથી નીકળીશું. અંકિતને એમ્બ્યુલન્સમાં જ મુંબઈ લાવીએ છીએ. અત્યારે બપોરના પોણા ચાર વાગ્યા છે. રાત્રે ૧૧ વાગ્યા પહેલાં મુંબઈ પહોંચી જઈશું. હવે તમે શેઠ સાથે વાત કરી લો કે અંકિતને ઘરે લાવીએ કે પછી શેઠની જાણીતી કોઈ હોસ્પિટલમાં લઈ આવીએ ? " મનીષ બોલ્યો.

એ પછી બીજી જ મિનિટે પ્રશાંતે એના ક્લાયન્ટ વલ્લભદાસ શેઠને ફોન કર્યો.

" સર હું ભાંડુપથી પ્રશાંત બોલું. મારા માણસો અંકિતભાઈને લઈને મુંબઈ આવી રહ્યા છે. પરંતુ એક નાનકડો પ્રોબ્લેમ થયો છે. રસ્તામાં અંકિતભાઈ વોશરૂમમાં બાથરૂમ જવા ગયા ત્યાં એમનો પગ લપસી ગયો અને માથું દિવાલના કોર્નર સાથે અથડાયું. મોટી ઈજા થઈ નથી પરંતુ માથામાં વાગ્યુ હોવાથી અત્યારે બેહોશ છે. મારા માણસો એમને હોસ્પિટલમાં લઈ ગયા છે. " પ્રશાંત બોલ્યો.

પ્રશાંતની વાત સાંભળીને વલ્લભદાસ એકદમ ટેન્શનમાં આવી ગયા. પોતાનો દીકરો બેહોશ થઈ ગયો છે એ સમાચાર એમના માટે આઘાત જનક હતા.

" તમારા માણસો સાથે હતા તો પછી આવું બને જ કેવી રીતે ? મારા દીકરાને સહી સલામત લાવવાની તમારી જવાબદારી નથી ? અને બાથરૂમમાં સહેજ પગ લપસે એમાં કોઈ કેવી રીતે બેભાન થઈ જાય ? " વલ્લભદાસ શેઠ ગુસ્સે થઈ ગયા.

" સર રિલેક્સ. આમાં કોઈનો વાંક નથી. ભરૂચ પાસે પબ્લિક શૌચાલય ખૂબ ગંદુ હતું. ત્યાં નીચે પાણી ઢોળાયેલું હતું અને ફરસ ચીકણી હતી. અને અંકિતભાઈ લપસી પડશે અને માથામાં વાગશે એવી તો કોઈને કલ્પના પણ ન હોય ને ! ડોક્ટરે કહ્યું છે કોઈ ચિંતા કરવા જેવું નથી પરંતુ હમણાં એક બે દિવસ હોસ્પિટલમાં રાખવા પડશે." પ્રશાંત બોલ્યો.

"તમે સંભાળીને લાવો એને. હું થોડી વારમાં ફરી પાછો ફોન કરું છું. તમે લોકોએ મને ટેન્શનમાં મૂકી દીધો. " શેઠ બોલ્યા.

હવે પ્રશાંત પોતે પણ ટેન્શનમાં આવી ગયો હતો. કારણ કે અંકિતને શોધીને મુંબઈ લાવવાનો એણે તગડો ચાર્જ લીધો હતો. એણે વિશાલને મનોમન ગાળ દીધી.

એણે શેઠ આગળ વાર્તા તો કરી દીધી પણ પછી બીજો વિચાર એ પણ આવ્યો કે અંકિત મુંબઈ આવ્યા પછી ભાનમાં આવશે એટલે એને બધું યાદ આવશે:

પોતાને સ્કોર્પિયો ગાડીમાં કીડનેપ કર્યો હતો અને રસ્તામાં કોઈએ એના માથામાં પિસ્તોલનો ફટકો માર્યો હતો એટલે પોતે બેભાન થઈ ગયો હતો એવી સાચી વાત એ શેઠને કહી દેશે ત્યારે શું જવાબ આપવો ? પોતાના લાડકા દીકરાને પિસ્તોલનો ફટકો માર્યો એ વાત શેઠ સહન નહીં કરી શકે !

એવું થશે ત્યારે જોયું જશે. કોઈ નવી વાર્તા પાછી બનાવવી પડશે. એ શેઠના ફોનની રાહ જોતો બેસી રહ્યો.

દસેક મિનિટ પછી શેઠનો ફોન આવી ગયો.

" તમે અહીં જૂહુ સ્કીમમાં ગુલમહોર રોડ ઉપર સુજય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે ત્યાં એમ્બ્યુલન્સ લઈને આવવાનું કહી દો. ડોક્ટર સાથે વાત કરી લીધી છે એટલે સીધા આઈસીયુ માં જ લઈ લેશે. " શેઠ બોલ્યા.

" ઓકે સર.".પ્રશાંત બોલ્યો.

ફોન મૂકીને પ્રશાંતે તરત જ મનીષ સાથે વાત કરી લીધી અને અંકિતને લઈને સીધા સુજય હોસ્પિટલ આવી જવાની સૂચના આપી દીધી. એણે મનમાં કંઈક વિચારીને અભિષેકના મોબાઈલમાંથી સીમકાર્ડ કાઢી ફેંકી દેવાની પણ સૂચના મનીષને આપી.

ભરૂચની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ તૈયાર થઈ ગઈ હતી. અભિષેકની સાથે એક નર્સની વ્યવસ્થા પણ ડોક્ટરે કરી હતી. હાથમાં ચડાવેલી બોટલ સાથે જ અભિષેકને સ્ટ્રેચર દ્વારા એમ્બ્યુલન્સમાં ગોઠવવામાં આવ્યો.

મનીષે હોસ્પિટલનું પૂરું બિલ ચૂકવીને ડ્રાઇવરને જૂહુનું એડ્રેસ સમજાવી દીધું એટલે એમ્બ્યુલન્સ સાયરન વગાડતી મુંબઈ તરફ આગળ વધી.

ગણેશે પણ એમ્બ્યુલન્સની બિલકુલ પાછળ પોતાની ગાડીને ભગાવી. એમ્બ્યુલન્સના કારણે રસ્તાના ટ્રાફિકમાં પણ માર્ગ મળતો રહ્યો.

ગાડી જેવી એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગઈ કે તરત જ બેહોશ અભિષેકના માનસપટલ ઉપર એના દિવ્ય ગુરુજીનો અવાજ સંભળાયો.

"તારા જીવનનો એક નવો જ અધ્યાય હવે શરૂ થઈ રહ્યો છે અને એ પણ તારા પ્રારબ્ધમાં લખાયેલો છે એટલે હું એમાં કંઈ કરી શકતો નથી. આ નવી અવસ્થામાંથી પણ તારે પસાર થવું જ પડશે અને પાછલા જન્મોના કેટલાક હિસાબો ચૂકવવા પડશે. મારી નજર તારી ઉપર રહેવાની જ છે ! "

અભિષેકે આ બધું જ સાંભળ્યું પણ ત્યારે એ બેહોશ હતો એટલે જાગૃત થયા પછી ગુરુજીનો એક પણ શબ્દ એને યાદ રહેવાનો ન હતો !!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."