અભિષેક પ્રકરણ 38
રાત્રે સવા અગિયાર વાગે સાયરન વગાડતી ભરૂચની એમ્બ્યુલન્સ જૂહુના ગુલમહોર રોડ ઉપર આવેલી સુજય હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પ્રવેશી. બરાબર એની પાછળ ને પાછળ મનીષની સ્કોર્પિયો પણ આવી ગઈ.
અભિષેક નવલકથા
જેવી એમ્બ્યુલન્સ આવી કે તરત જ બે વોર્ડ બોય સ્ટ્રેચર લઈને નીચે આવી ગયા અને અભિષેકને એમાં સૂવાડી આઈસીયુમાં લઈ ગયા.
ત્યાંના ફરજ પરના હાજર ડોક્ટરે ફટાફટ નર્સને સૂચનાઓ આપી. ભરૂચથી બોટલ તો ચડાવેલી જ હતી એટલે ત્યાં નવો પાઇન બદલવામાં આવ્યો અને જરૂરી ઇન્જેક્શન એમાં નાખવામાં આવ્યાં. મોનિટર પણ અભિષેક સાથે જોડવામાં આવ્યું.
બીપી પલ્સ અને ટેમ્પરેચર એકદમ નોર્મલ હતું. ઓક્સિજન લેવલ પણ બરાબર હતું. એટલે પછી ડોક્ટરને ઓક્સિજન ચઢાવવાની કોઈ જરૂર ના લાગી. એણે સંપૂર્ણ બ્લડ રિપોર્ટ અને સવારે એમઆરઆઈ કઢાવવાની સૂચના ફાઈલમાં લખી નાખી.
અંકિતનો આખો પરિવાર હોસ્પિટલ આવેલો હતો. એમ્બ્યુલન્સમાંથી અભિષેકને સ્ટ્રેચરમાં લીધો ત્યારે આખા પરિવારે એને જોઈ લીધો હતો. અંકિત દોઢ વર્ષ પછી મળી ગયો એનો બધાને આનંદ હતો તો એ બેહોશ અવસ્થામાં મળ્યો એનું દુઃખ પણ હતું.
અંકિતના પરિવારમાં એના ૬૦ વર્ષના પપ્પા વલ્લભદાસ શેઠ, ૫૬ વર્ષનાં મમ્મી કામિનીબેન, ૨૬ વર્ષની યુવાન પત્ની શાલ્વી હતાં. બે વર્ષ પહેલાં એનાં લગ્ન થયેલાં હતાં.
આઈસીયુ માં બધું સેટ થઈ ગયું એ પછી ડોક્ટર મોહિત શર્મા બહાર આવ્યો.
" પેશન્ટને સારું છે. અત્યારે તો બધું નોર્મલ જ લાગે છે. બ્રેઈન ઉપર કોઈ અસર થઈ છે કે નહીં એ જોવા માટે સવારે એમઆરઆઈ કરાવવો પડશે. હવે તમે એક પછી એક અંદર જઈને પેશન્ટને જોઈ શકો છો." શર્મા બોલ્યો.
સૌથી પહેલાં શાલ્વી જ અંદર ગઈ અને એના અંકિતના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો. દોઢ વર્ષ પછી એમની મુલાકાત થઈ રહી હતી એટલે શાલ્વીનું હૃદય ભરાઈ આવ્યું હતું.
" અંકિત તમે કેમ કંઈ બોલતા નથી ? તમને શું થઈ ગયું છે ? આટલા સમય પછી મળ્યા અને એ પણ આવી અવસ્થામાં !! " શાલ્વી લગભગ રડમસ અવાજે બોલી. એ એકદમ ઈમોશનલ થઈ ગઈ હતી.
ત્યાં ઉભેલી નર્સે શાલ્વીને સમજાવીને બહાર મોકલી. એ પછી અંકિતના પપ્પા અને મમ્મી પણ અંદર આવીને એમના દીકરાને જોઈ ગયાં.
" રતન આ લોકોને તું ઘરે લઈ જા. હું અહી રોકાઉં છું. બધાએ રોકાવાની જરૂર નથી. " શેઠ બોલ્યા અને સમજાવીને બધાને ઘરે મોકલ્યા. એમણે અહીં સ્પેશિયલ રૂમ રાખેલો હતો.
" કાલ સુધીમાં તો અંકિત ભાનમાં આવી જ જશે. હું પ્રશાંતભાઈ સાથે વાત કરી લઈશ. તમે લોકો પણ હવે જઈ શકો છો." વલ્લભદાસ શેઠ મનીષ સામે જોઈને બોલ્યા.
" સોરી સર. જે પણ ઘટના રસ્તામાં બની એનું અમને પણ ઘણું દુઃખ છે. " મનીષ બોલ્યો.
" એ બધી ચર્ચા આપણે પછી કરીશું. બાથરૂમમાં પગ સ્લીપ થઈ જવાથી કોઈ આ રીતે બેહોશ થઈ જાય એ વાત જ માનવામાં નથી આવતી. અને એની ગાડી ક્યાં છે ? " વલ્લભદાસ સહેજ નારાજ થઈને બોલ્યા.
" સર બરોડા પાસે ગાડીમાં પંકચર પડેલું છે. અને એટલે જ અમે એમને લઈને અમારી ગાડીમાં આવતા હતા પરંતુ રસ્તામાં આ ઘટના બની. " મનીષ બોલ્યો.
મનીષે એ વાત અત્યારે છૂપાવી કે અંકિત રાજકોટમાં અભિષેક તરીકે રહેતો હતો અને એક હોસ્પિટલમાં એ ડોક્ટર હતો ! અને અભિષેક તો કોઈ અંકિતને ઓળખતો જ નથી ! એના પોતાના માટે પણ આ એક કોયડો હતો કે શેઠના અંકિતને તો મેડિકલ લાઈનનું કોઈ જ્ઞાન નહોતું તો પછી એ ડોક્ટર તરીકે કેવી રીતે હતો !!
અહીં હવે વધારે રોકાવું યોગ્ય નથી એવું સમજીને મનીષ હોસ્પિટલમાંથી બહાર આવી ગયો અને ગણેશે ગાડી મનીષના ઘર તરફ લઈ લીધી.
સવારે આઠ વાગે જ શાલ્વી થર્મોસમાં પપ્પા માટે ચા લઈને આવી. એ વખતે એ ફરી આઈસીયુમાં જઈને અંકિતને જોઈ આવી પરંતુ અંકિત અત્યારે પણ એ જ હાલતમાં હતો ! આંખો બંધ હતી અને શ્વાસ ચાલુ હતા ! એ નિઃસાસો નાખીને બહાર નીકળી ગઈ.
શાલ્વી આજે સવારે વહેલી ઉઠી ગઈ હતી અને નાહીને શ્રીજી બાવાની પૂજા કરીને આવી હતી.
" પપ્પાજી હવે તમે ઘરે જાઓ. હું અહીં બેઠી છું. તમે નાહી ધોઈને પછી આવી જજો. " શાલ્વી બોલી.
" હું અહીં જ બેઠો છું બેટા. હમણાં ડોક્ટર પણ આવશે. એની સાથે પણ મારે વાત કરવી પડશે." શેઠ બોલ્યા.
" પપ્પાજી ડોક્ટરનો રાઉન્ડ દસ વાગે હોય છે. હજુ નવ વાગે તો એમને એમઆરઆઇ માટે લઈ જશે. અને બે કલાકમાં તો તમે આવી જ જવાના છો. નાહી લીધું હશે તો આખો દિવસ હોસ્પિટલમાં રહેવામાં તમને પણ સ્ફૂર્તિ રહેશે. " શાલ્વી બોલી.
"ઠીક છે તો પછી હું ઘરે જઈને ફટાફટ આવું છું. " વલ્લભદાસ બોલ્યા અને બહાર ઉભેલા ડ્રાઇવર રતન સાથે નીચે ઉતર્યા.
શાલ્વી સાચું જ કહેતી હતી. શેઠ અને શેઠાણી હોસ્પિટલ આવ્યાં ત્યાં સુધી હજુ ન્યુરોસર્જન આવ્યા ન હતા. જો કે એમઆરઆઇ ટેસ્ટ થઈ ગયો હતો.
લગભગ સવા દસ વાગે ન્યુરોસર્જન આવ્યા અને સીધા આઈસીયુ વોર્ડમાં ગયા. ત્યાંના ડોક્ટર પાસેથી બધી હિસ્ટ્રી લીધી અને કેસ પેપર જોઈ લીધા.
" એમઆરઆઇ રિપોર્ટ સાથે આ ફાઈલ મારી ચેમ્બરમાં મોકલો. " એમણે નર્સને સૂચના આપી અને બીજા વોર્ડમાં રાઉન્ડમાં ગયા. વીસેક મિનિટ પછી એ પોતાની ચેમ્બરમાં ગયા.
ન્યુરોસર્જન પોતાની ચેમ્બરમાં દાખલ થયા એ પછી ત્યાં રાહ જોતા શેઠ વલ્લભદાસ પણ અંદર ગયા.
એમઆરઆઈ રિપોર્ટ અને ફાઈલ જોઈ લીધા પછી ન્યુરોસર્જન બોલ્યા.
" જુઓ બધા જ રિપોર્ટ નોર્મલ છે. બ્રેઇનમાં પણ કોઈ ઈજા થઈ હોય એવું દેખાતું નથી. માથાના પાછળના ભાગમાં ઈજા થયેલી છે એટલા માટે બેહોશી આવી છે. હવે મેમરી ઉપર કોઈ અસર થઈ છે કે નહીં એ તો પેશન્ટ ભાનમાં આવે પછી જ ખબર પડે. " ડૉક્ટર બોલ્યા.
" મેમરી ઉપર અસર એટલે ? હું સમજ્યો નહીં ડોક્ટર " શેઠ બોલ્યા.
" ચિંતા ના કરો. આ તો બધી શક્યતાઓ છે. ઘણીવાર વધારે જોરથી માથામાં વાગ્યું હોય તો મેમરી સાથે જોડાયેલી લીમ્બિક સિસ્ટમ ડિસ્ટર્બ થઈ જાય છે. બ્રેઇનમાં રહેલું ચેતાતંત્ર અસ્તવ્યસ્ત થઈ જાય છે. એવું થાય તો વ્યક્તિ ઘણીવાર પોતાનો ભૂતકાળ ભૂલી જાય છે. પોતાના સગાંઓને પણ ઓળખી શકતો નથી. પણ આવું લાખોમાં એક કેસમાં બને છે. " ડૉક્ટર બોલ્યા.
" તમને શું લાગે છે ડોક્ટર ? " શેઠ થોડા ટેન્શનમાં આવી ગયા.
" અત્યારે તો આપણે આવું કંઈ વિચારવાની જરૂર નથી. પેશન્ટ ભાનમાં આવે પછી જ બધી ખબર પડે. રિપોર્ટ નોર્મલ છે એટલે આજે એ ભાનમાં આવી જાય એવી પૂરી શક્યતા છે. " ડૉક્ટર બોલ્યા.
અને આ વાર્તાલાપ પછી લગભગ એક કલાકમાં જ અભિષેકને હોશ આવી ગયા. એણે પોતાની જાતને આઈસીયુ વોર્ડમાં જોયો. હાથમાં બોટલ ચડી રહી હતી અને મોનિટર પણ જોડેલું હતું.
અભિષેકને સમજાતું ન હતું કે પોતે અહીં હોસ્પિટલમાં કેવી રીતે આવી ગયો. એને એ પણ ખ્યાલ નહોતો આવતો કે પોતે કોણ છે અને અહીં શા માટે છે !
બાજુમાં બેઠેલી નર્સે પેશન્ટનું હલન ચલન જોયું કે તરત જ એ દોડીને ન્યુરોસર્જનની ચેમ્બરમાં ગઈ અને પેશન્ટને હોશ આવ્યા છે એવી વાત કરી.
ડોક્ટર તરત જ આઈસીયુમાં ગયા અને પેશન્ટને તપાસ્યો. અભિષેક ડોક્ટર સામે આશ્ચર્યથી જોઈ રહ્યો હતો.
" શું નામ તમારું ? " ડોક્ટરે પહેલો પ્રશ્ન પૂછ્યો.
અભિષેક સાંભળતો હતો પરંતુ એને પોતાનું નામ યાદ આવતું ન હતું. એ યાદ કરવા મથામણ કરી રહ્યો હતો.
" તમે ટેન્શન ના લો. તમે યાદ કરવા માટે કોશિશ કરો. તમે કોણ છો. ક્યાં રહો છો. ગઈ કાલે ક્યાં હતા. ધીમે ધીમે યાદ કરો. " ડોક્ટર બોલ્યા.
" હું ક્યાં છું અત્યારે ? " અભિષેક બોલ્યો.
" તમે મુંબઈમાં છો. જૂહુ સ્કીમની એક હોસ્પિટલમાં છો . તમને કંઈ યાદ નથી આવતું ? " ડોક્ટરે પૂછ્યું.
અભિષેક ચૂપ જ રહ્યો. એને કંઈ જ યાદ આવતું ન હતું.
" સારું. " ડોક્ટર બોલ્યા અને એમણે નર્સને પેશન્ટના મમ્મી પપ્પાને અંદર મોકલવાનું કહ્યું.
બીજી જ મિનિટે વલ્લભદાસ અને કામિનીબેન અંદર આવ્યાં. સાથે અંકિતની યુવાન પત્ની શાલ્વી પણ આવી.
" જુઓ તમે આ લોકોને ઓળખો છો ? આ તમારું ફેમિલી છે. " ડોક્ટર બોલ્યા.
અભિષેક બધાની સામે વારાફરતી જોઈ રહ્યો પરંતુ કોઈનો પણ ચહેરો ઓળખાતો ન હતો. બધાના ચહેરા એને અજાણ્યા લાગતા હતા.
" બેટા તું મને નથી ઓળખતો ? આ તારી મમ્મીને પણ નથી ઓળખતો ? આ તારી પત્ની શાલ્વી. તું બધું જ ભૂલી ગયો છે ? " વલ્લભદાસ બોલ્યા. એ ખૂબ જ ટેન્શનમાં આવી ગયા હતા. શાલ્વી પણ રડવા જેવી થઈ ગઈ હતી.
"તમે ચિંતા નહીં કરો. પેશન્ટને આપણે આરામ કરવા દઈએ. ઘણીવાર મેમરી પાછી આવતાં સમય પણ લાગતો હોય છે. બે દિવસ હજુ એમને અહીં હોસ્પિટલમાં રાખીએ. આઈસીયુ માં રાખવાની કોઈ જરૂર નથી. એમને સ્પેશિયલ રૂમમાં લઈ જઈએ છીએ." ડોક્ટર બોલ્યા અને પેશન્ટને ટ્રાન્સફર કરવાની નર્સને જરૂરી સૂચના આપી.
" સર અંકિતને ઘરનું જમવાનું આપી શકીએ ? " શાલ્વી બોલી.
" હા હા એમને બીજો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. તમે ઘરેથી મંગાવીને એમને તમારા સ્પેશિયલ રૂમમાં જમાડી શકો છો." ડોક્ટર બોલ્યા અને પછી બહાર નીકળી ગયા.
એ પછી થોડીવારમાં અભિષેકને આઈસીયુમાંથી સ્પેશિયલ વૉર્ડમાં ખસેડવામાં આવ્યો. અહીં એની સાથે બે વ્યક્તિઓ રહી શકે એમ હતી.
" શાલ્વી બેટા તું હવે ઘરે જતી રહે. હું અને તારી મમ્મી અહીં રોકાઈએ છીએ. તું જમીને અંકિતનું ટિફિન અહીં લઈ આવ. અમે બંને તો બહારથી મંગાવી લઈશું. " શેઠ બોલ્યા.
" એવું કરવાની કોઈ જરૂર નથી પપ્પાજી. મહારાજ બધાની રસોઈ બનાવવાના છે. બે ટિફિન ભરીને લઈ આવીશ. પહેલાં અંકિતને જમાડી દઈશું. એ પછી તમે અને મમ્મી આરામથી જમી લેજો. આજે તો અંકિતને ભાવતું લસણથી વઘારેલું ગુવાર બટાકાનું શાક બનાવવાનું મહારાજને કહી દીધું છે. " શાલ્વી બોલી.
દોઢ વર્ષ પછી પતિને પાછી મેળવીને એ ઘેલી ઘેલી બની ગઈ હતી પરંતુ અંકિત કોઈને ઓળખી શકતો જ ન હતો એ જોઈને એને બહુ આઘાત લાગ્યો હતો ! શાલ્વીનું પિયર બોરીવલીમાં હતું અને એના પિતા જાણીતા આર્કિટેક્ટ હતા. એણે પોતે એમબીએ ફાઇનાન્સ કરેલું હતું.
શાલ્વી ઘરે જઈને જમીને ટિફિન લેતી આવી ત્યારે બપોરના બે વાગી ગયા હતા. જમવાનું ઘણું મોડું થઈ ગયું હતું પરંતુ અંકિતની ચિંતામાં કોઈને જાણે કે ભૂખ જ નહોતી લાગી.
શાલ્વીએ ટિફિન ખોલીને સાથે લાવેલી થાળીમાં જમવાનું પીરસ્યું. એ પછી એણે અંકિતને બેડ ઉપર બેઠો કર્યો. પોતે પણ એની સામે બેસી ગઈ અને પોતાના હાથેથી કોળીયા જમાડવાનું શરૂ કર્યું.
" અરે હું જાતે જમી લઈશ. તમે તકલીફ ના લેશો." અભિષેક બોલ્યો. એને સંકોચ થતો હતો.
" તમે મને તમે તમે કેમ કહો છો ? હું તમારી શાલ્વી ! શાલુ !! " શાલ્વી પ્રેમથી બોલી.
પરંતુ અભિષેક એને ઓળખતો જ ન હતો. એ પોતાનો ભૂતકાળ પણ ભૂલી ગયો હતો. પોતાનું સાચું નામ અભિષેક પણ ભૂલી ગયો હતો. એ ડોક્ટર હતો એ પણ એને કંઈ યાદ ન હતું. યાદ કરવા ઘણા પ્રયત્ન કરતો હતો પરંતુ એમ કરવાથી માથું દુઃખી જતું હતું.
અભિષેકે શાલ્વીને હાથ પકડીને રોકી અને પોતે પોતાના હાથે જ જમવાનું ચાલુ કર્યું. યાદદાસ્ત ભલે ચાલી ગઈ હતી પરંતુ બીજી બધી રીતે તો એ નોર્મલ જ હતો !
" શાલુ બેટા એને જાતે જ જમવા દે. અત્યારે એ કોઈને ઓળખતો જ નથી પછી તારી લાગણી ક્યાંથી સમજી શકે ? " શેઠ બોલ્યા.
શાલ્વી અભિષેકના બેડ ઉપરથી નીચે ઉતરી ગઈ અને સોફામાં મમ્મીની જોડે બેસી ગઈ.
ડોક્ટરે હજુ બે દિવસ હોસ્પિટલમાં રોકાવાનું કહ્યું હતું અને અંકિત એકદમ નોર્મલ થાય ત્યાં સુધી રાહ જોવાનું કહ્યું હતું. એટલે હવે બધાએ અહીં રોકાવાનો કોઈ મતલબ પણ ન હતો. શાલ્વીએ મમ્મી પપ્પાને ઘરે મોકલ્યા અને પોતે જ હોસ્પિટલમાં રોકાઈ ગઈ.
રાત્રે આઠ વાગે રતન હોસ્પિટલમાં શાલ્વીનું ટિફિન આપવા આવ્યો. જમવામાં ખીચડી દૂધ ભાખરી અને પરવળનું શાક હતું. શાલ્વીએ પહેલાં અંકિતને જમાડી દીધો અને પછી પોતે પણ જમી લીધું. એ પછી વોશરૂમના વોશબેસિનમાં બંને થાળી વાડકી અને ટિફિન ધોઈને બહાર બેઠેલા રતનને બોલાવ્યો અને ટિફિન પાછુ આપ્યુ.
આ રીતે બીજા બે દિવસ પસાર થઈ ગયા. પરંતુ વલ્લભદાસના અંકિતની હાલતમાં કોઈ ફરક પડતો ન હતો. હવે અંકિતને હોસ્પિટલમાં રાખવો કે ઘરે લઈ જવો એની વિમાસણમાં એ લોકો હતા.
વલ્લભદાસનો પરિવાર જેને અંકિત માનતો હતો એ અસલી અભિષેક બીજી બધી રીતે એકદમ નોર્મલ હતો પરંતુ પોતાનો બધો જ ભૂતકાળ ભૂલી ગયો હતો. – એ મુંબઈ દહીસરનો રહેવાસી હતો. દોઢ વર્ષથી એ પોતાના પૂર્વજન્મનું પ્રાયશ્ચિત કરવા રાજકોટ ગયો હતો અને ત્યાં હોસ્પિટલમાં સેવા આપતો હતો.
દોઢ વર્ષ પૂરું થઈ ગયું અને ભારતી આન્ટીએ દેહ છોડી દીધો એ પછી એણે રાજકોટ છોડવાનું નક્કી કર્યું. છેલ્લે એણે અંજલીને પણ બોલાવી લીધી. દ્વારકા જઈને અંજલી સાથે ગાંધર્વ લગ્ન કરી લીધાં. ઓખામાં એને ઈશ્વરલાલનો અદભુત અનુભવ પણ થયો. લગ્ન કરીને રાજકોટ આવ્યા પછી એની ખૂબસૂરત પત્ની અંજલી સાથે દસ દિવસ સુધી હનીમૂનનો અનુભવ પણ કર્યો. આ બધું જ એ ભૂલી ગયો હતો !
રાજકોટથી મુંબઈ જતી વખતે એણે અંજલીને અમદાવાદ ઉતારી દીધી અને વડોદરા પાસે હાઇફ્લાય હોટલ પાસે એ કિડનેપ થઈ ગયો. મનીષની ગાડીમાં એ પોતાનો બચાવ કરવા ગયો ત્યાં વિશાલ નામના બાઉન્સરે એના માથાના પાછળના ભાગમાં પિસ્તોલથી બહુ જોરથી ફટકો માર્યો અને એની યાદદાસ્ત જતી રહી. અભિષેક હવે સંપૂર્ણ વિસ્મૃતિમાં ચાલ્યો ગયો હતો !
" હવે તમે અંકિતને ઘરે લઈ જઈ શકો છો કારણ કે ટ્રીટમેન્ટ કરવાની હવે રહેતી નથી. હવે જે થશે તે કુદરતી જ થશે. બે ગોળી લખી આપું છું જે એણે સવાર સાંજ લેવી પડશે. ધીરજ રાખીને એને બધું યાદ આવે ત્યાં સુધી રાહ જોજો. એના મગજ ઉપર કોઈ દબાણ ન થાય એનું ધ્યાન રાખજો." ડિસ્ચાર્જ આપતી વખતે ન્યુરોસર્જન બોલ્યા.
સાંજે અંકિતને રજા આપવામાં આવી એટલે વલ્લભદાસ એને પોતાની મર્સિડીઝ ગાડીમાં જૂહુ સ્કીમ લઈ ગયા. હોસ્પિટલથી એમનું ઘર નજીક જ હતું.
જૂહુ સ્કીમના ગુલમહોર ૧૦મા ક્રોસ રોડ ઉપર આવેલા લક્ષ્મી વિલા એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે એમનો ચાર બેડરૂમનો વિશાળ ફ્લેટ હતો !
અભિષેકને મુંબઈની હોસ્પિટલમાં એડમિટ કરી દીધો એ પછીના બીજા દિવસે ભાંડુપની ડિટેક્ટીવ એજન્સીના માલિક પ્રશાંત વૈદ્યે મનીષને ફોન કરીને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો હતો.
"જી સર. " સલામ કરીને મનીષ બૉસની ચેમ્બરમાં પ્રવેશ્યો અને પ્રશાંત સરની સામે એણે બેઠક લીધી.
" મનીષ બહુ મોટી ગરબડ થઈ ગઈ છે. વિશાલે જે કર્યું એ તારી જાણ બહાર કર્યું એ હું સમજી શકું છું. બધું અચાનક બની ગયું હશે. પરંતુ આવડા મોટા ક્લાયન્ટના દીકરાને માથામાં પિસ્તોલનો ફટકો મારવો એ એક્શન જરા પણ ચલાવી લેવાય એવી નથી. એ કોઈ ગુંડો ન હતો કે આવી ટ્રીટમેન્ટ કરાય ! " પ્રશાંત બોલ્યો.
" હું સમજી શકું છું સર અને મને એનો બહુ જ અફસોસ છે." મનીષ નીચું જોઈને બોલ્યો.
" આપણી કંપનીની પ્રતિષ્ઠાનો સવાલ છે. એ અભિષેક હોય કે અંકિત પણ જો એ ભાનમાં આવે અને બધી સાચી વાત કહી દે કે તમે લોકોએ રસ્તામાં એના માથામાં ફટકો માર્યો છે તો મારે બાકીના પૈસાથી હાથ ધોઈ નાખવા પડે. અડધી કિંમત લીધી છે અને અડધી કિંમત હજુ બાકી છે. આવી રીતે કેસ સોલ્વ ના થાય. " પ્રશાંત બોલ્યો.
" સર રીયલી આઈ એમ સોરી." મનીષ બોલ્યો.
" વિશાલને તો આજે હું છૂટો કરી દેવાનો છું. આવા જડભરત લોકો મારી એજન્સીમાં ના ચાલે. હવે તારી પાસેથી મારે બીજું એ જાણવું છે કે તને પાક્કી ખાતરી છે કે અભિષેક એ જ અંકિત છે ? તું તો એમ કહે છે કે અભિષેક હોસ્પિટલમાં ડોક્ટર છે. જ્યારે અંકિતની મારી પાસે જે માહિતી છે એમાં તો એણે એમબીએ કરેલું છે અને એના પપ્પા વલ્લભદાસ હોટલના બિઝનેસમાં હોવાથી એણે હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે. " પ્રશાંત બોલ્યો.
" આ જ પ્રશ્ન મને પણ મૂંઝવી રહ્યો છે સર. બંને વ્યક્તિ એક જ લાગે છે. કોઈપણ ફરક નથી. તમે જાતે જઈને એકવાર અંકિતને મળી લો. ફોટામાં જે છે અને આ જે વ્યક્તિ છે બંનેમાં કોઈ જ ફરક નથી. " મનીષ બોલ્યો.
" હોસ્પિટલમાં જઈને તેં બરાબર તપાસ કરી છે કે એ ખરેખર ડોક્ટર જ છે ? " ફરી પાછો પ્રશાંતે સવાલ કર્યો.
" હા સર. હોસ્પિટલમાં જઈને મેં એની સાથે વાત પણ કરી છે. હું એના ફ્લેટ ઉપર પણ જઈ આવ્યો છું. એની પત્નીએ પણ કહ્યું કે સાહેબ ઘરે નથી અત્યારે હોસ્પિટલમાં છે. " મનીષ બોલ્યો.
" મારે જાતે હવે આ કેસમાં ઊંડો રસ લેવો પડશે. હું પોતે ડિટેક્ટીવ છું. અંકિતને સોંપીને મારું કામ પૂરું થઈ જતું નથી. એ અંકિત જ છે કે પછી ડૉ. અભિષેક એ મારે જાણવું જ પડશે. " પ્રશાંત દ્રઢ નિશ્ચય સાથે બોલ્યો.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
