મુંબઇથી ગાડી આવી રે (Mumbaithi Gadi aavi Re - Navlika))

Related

"મુંબઇથી ગાડી આવી રે."

વેદનાના વંટોળિયામાં ફંગોળાતી લીના ના અંતર મનના ઊડાણમાથી લાખ લાખ નિશ્વાસ સરી પડતા હતા. એકસો વીસ કી. મી. ની ઝડપે અમદાવાદ ભણી દોડી રહેલી ફાસ્ટ ટ્રેન ના જનરલ કોચમાં પથ્થરની પ્રતિમાની જેમ સ્થિર બેઠેલી લીનાનુ મન વિતેલી ખોફનાક પળોને ખોતરતુ હતું તેના સ્મૃતિપટ પર વીતેલો કારમો ભૂતકાળ ઊપસી આવ્યો.

મુંબઈથી ગાડી આવી નવલિકા
મુંબઈથી ગાડી આવી

લીના અમદાવાદના મધ્યમવર્ગીય પરિવારની લાડકી દીકરી હતી અમુલખરાય અને કાન્તાગૌરી દંપતિ ઘણા સમય સુધી સંતાન સુખથી વંચિત રહ્યા બાદ અનેક બાધા- માન્યતાઓ રાખ્યા પછી જપ, તપ, વ્રત, ઉપવાસ કર્યા ત્યારે કાન્તાગૌરીની કૂખે લીનાનો જન્મ થયો. પૃથ્વીપટ પર લીનાનુ અવતરણ આ પરિવાર માટે બેહદ ખુશીનો અવસર હતો લીનાના જન્મ વખતે જ સગા સંબંધીઓએ ભવિષ્ય ભાખેલુ કે, ખરેખર દીકરી સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે. આગળ જતાં એ મા- બાપનું નામ ઉજાળશે. બન્યુ પણ એમજ. લીના જેમ જેમ મોટી થતી ગઇ તેમ તેમ તેના સમવયસ્ક બાળકો કરતાં બુદ્ધિપ્રતિભામા ઘણી આગળ રહેવા લાગી.. અભ્યાસની સાથે સાથે સાસ્કૃતિક પ્રવૃત્તિઓ અને બુદધિવિષયક સ્પર્ધાઓમાં પ્રથમ નંબર મેળવતી ગઇ.
 
લીના ના પાવન પગલાં તેના કુટુંબ માટે પણ ખૂબ શુકનિયાળ સાબિત થયા. સામાન્ય વેપારીમાથી ઉતરોતર પ્રગતિ કરતાં કરતાં તેના પિતા અમુલખરાય એક મોટી પેઢીના માલિક બની ગયા. કુટુંબની સમૃદ્ધિમાં દિન- પ્રતિદિન વધારો થતો ગયો. નાના ઘરમાંથી નવા વાડજના પોશ એરિયામાં વિશાળ બંગલો ઊભો થઇ ગયો. પરિવારની આ ચડતી કળા એ લીનાના નસીબવંતા પગલાનું જ પરિણામ છે એમ બધાં નિર્વિવાદ માનતા હતા. આ કારણથી જ લીના પરિવારની લાડકી બની ગઇ હતી. કોઇપણ બાબતમાં લીનાનુ મન જરા પણ ના દુભાય એનું સૌ ખૂબ ધ્યાન રાખતાં હતાં.
 
બાળપણ વટાવી યુવાનીમાં પ્રવેશતા જ લીનાએ કળા કૌશલ્ય ક્ષેત્રે અજોડ સિદ્ધિઓ હાંસિલ કરવા માંડી. સોસાયટીમાં રચાયેલ સ્ત્રી જાગૃતિ મંડળની પ્રમુખ બનીને સ્ત્રીઓના ઉત્કર્ષ માટે સક્રિય થઈ. નવરાત્રિના દિવસોમાં મોડી રાત સુધી ગરબા ગવડાવવામા લીનાની બરાબરી કોઈ કરી શકતું નહિ. નવરાત્રિમાં ગવડાવવા માટે લીનાનો અતિ પ્રિય ગરબો હતો,
મુંબઇથી ગાડી આવીરે હો દરિયા લાલા
ગાડીમાં શું શું આવ્યુ રે ઓ દરિયા લાલા

આ ગરબો લીના વારંવાર ગવડાવતી. સોસાયટીની સ્ત્રીઓ તો મીઠી મજાક પણ કરતી કે,
" લીના બેન, તમને મુબઇની ગાડી ખૂબ ગમે છે તો ક્યારેક એ ગાડીમાં બેસીને મુબઇ ભાગી તો નહિ જાવને બેન બા? "
લીના જવાબમાં છણકો કરીને કહેતી કે,
" જાઓ જાઓ હવે, મુબઇ તો પહેલેથી જ માનવ જંતુઓથી ઊભરાઇ રહયું છે. ત્યાં જઈને મારે એ ભીડમાં વધારો કરવો નથી. "

પરંતુ સમયના ગર્ભમાં શું છુપાયું છે તે કોણ જાણી શકયુ છે? કયારેક વિધાતા પણ ગજબનો યોગાનુયોગ સર્જે છે. લીનાની બાબતમાં એવું જ બન્યું. લીના ઉમર લાયક થતાં તેના માતાપિતાએ યોગ્ય મુરતિયાની શોધ કરવા માડી. અંતે તેમની નજર મુંબઇના સંપત્તિવાન કુટુંબના ડોકટર થયેલ યુવાન પર પડી. લીના માટે આ દંપતિને બધી રીતે યોગ્ય લાગ્યો. છોકરાનું નામ હતું સમીર. સમીર અને લીનાની મુલાકાત ગોઠવાઇ. બંનેએ એકબીજાને પસંદ કરી લીધા. ત્યારે લીનાના ઘરમાં આનંદ છવાઈ ગયો. લીનાની માતાના હરખનો પાર ના રહ્યો. એક તો શ્રીમંત કુટુંબ, ડોકટર થયેલ પતિ અને મુંબઇ જેવી મહાનગરી લીનાને મળી તેથી બધાએ લીનાને ખૂબ જ નસીબદાર ગણાવી. કોઈને પણ ઇર્ષા આવે એવુ સૌભાગ્ય લીનાને મળ્યુ હતુ.
શુભસ્ય શીધ્રમને નાતે લીના અને સમીરના લગ્ન નકકી થયા. લીનાના ઘેર લગ્નની જોરદાર તૈયારીઓ થવા માડી. કરિયાવરથી માંડીને જાનની સરભરા, દર દાગીના, કપડાં લત્તા બધી બાબતમાં અમુલખરાયે પાણીની જેમ પૈસા વાપરવાનું નકકી કર્યું હતું. લગ્નની તારીખ નજીક આવતી હતી તેમ તેમ લીનાની બહેનપણીઓ લીના સાથે કલાકો ના કલાકો સુધી બેસીને વાર્તા વિનોદ અને મજાક મસ્તી કરતી લીનાનો પ્રિય ગરબો ઘડી ઘડી તેને યાદ કરાવતી અને કહેતી કે,
" લીના, હવે તો સાચે જ મુંબઇથી ગાડી આવશે અને અમારી વહાલી સખીને ભગાડીને લઇ જશે. અમે હાથ ઘસતા રહી જઇશું. હવે તો,
મુંબઇથી ગાડી આવી રે હો દરિયા લાલા
લીનાને લેવા આવી રે હો દરિયા લાલા.

આખરે રંગેચંગે ધામધૂમથી લીના અને સમીરે પ્રભુતામાં પગલાં માંડયા. દરિયામાં પણ ન સમાય એટલા આસુ વહાવીને સૌએ ભારે હૈયે લીનાને સાસરવાટે ભાવભરી વિદાય આપી. મુંબઇથી આવેલી ગાડીએ અમદાવાદની લીનાને લઇને મુંબઇ ભણી દોટ મૂકી. લાખ લાખ અરમાન સાથે લીનાએ સાસરવાટ પકડી.
પરંતુ કાળની ગતિ ન્યારી છે. થોડાક મહિનાઓ આનંદ પ્રમોદમા અને સુખ સાહ્યબીમા વિતાવ્યા પછી લીનાને સાસરિયામાં દુ:ખનો અણસાર આવવા માંડયો . અતિ શ્રીમંત હોવા છતાં લીનાના સાસરિયાં ધનદોલતના ખૂબ લાલચુ હતાં. તેના સાસુની સંપત્તિ ઉપાર્જનની ભૂખ ભયંકર હતી તે ચતુર લીનાએ થોડાક જ સમયમાં જાણી લીધું. તેના સાસુ સસરા લીનાને તેના પિયરમાંથી વધુને વધુ નાણાં લાવવા માટે દબાણ કરવા લાગ્યા. શરૂ શરૂ મા તો તેઓ સમીર દ્વારા પૈસાની માગણી મુકાવતા. તેમની નાણા ભૂખ વધતી ચાલી. લીનાએ કંટાળીને કહેવું પડેલું કે,
" આપણે અહીં પૈસાની કયાં ખોટ છે! જયારે મારા પપ્પા તો મધ્યમ વર્ગના વેપારી છે, તેથી વારંવાર મોટી રકમ કયાંથી આપી શકે! "
આ સાભળી લીનાની સાસુ નિર્લજ્જ બની કહેતા,
" તું તેમની એકની એક પુત્રી છે. તારે કોઈ બીજા ભાઇ કે બેન તો છે નહિ, તેથી તારા બાપની બધી મિલકત તારી જ કહેવાય ને? તેમને આગળ પાછળ કોઈ છે જ નહિ પછી કોના માટે ભેગું કરવું છે એમને? "
લીના આવા હદયવેધક મેણા ટોણા સાભળી સમસમી જતી પણ માબાપના સંસ્કારવશ તે ક્રોધને મહાપરાણે કાબુમાં રાખી વેદનાના ઘૂટ પી જતી સમય વીતતો ગયો તેમ તેમ તેના સાસરિયાંની સતામણી વધતી જ ગઇ લીનાને હવે જીવન કડવું ઝેર લાગવા માંડયું. સમીરે પણ લીનાની ઉપેક્ષા કરવા માંડી. દુ:ખોનો દાવાનળ ભભૂકતો હતો છતાં લીનાએ તેના પિયરિયાને પોતાની વેદનાનો સહેજ પણ અણસાર આવવા દીધો નહિ.
પરંતુ એક દિવસ તો લીનાના સાસરિયાંની શેતાનિયતે માઝા મૂકી. હેવાનિયતની હદ વટાવી. તે દિવસે સાંજના લીના અને તેની સાસુ બંને ઘરમાં એકલા હતાં. લીના ઘરકામથી પરવારીને બજારમાં શોપીંગ માટે નીકળી. થોડે દૂર ગયા પછી લીનાને ખ્યાલ આવ્યો કે તે મની પર્સ તો ઘેર ભૂલી ગઇ છે! પૈસા લેવા તે પાછી ફરી. ઘરના દરવાજાની સમીપ આવી ત્યાં જ તેના કાન સતેજ થયા. તેના સાસુ ફોન પર દવાખાને સમીર સાથે વાત કરતા હતા. લીના ગેટની આડશમાં ઊભી રહીને સાંભળવા લાગી.
 
તેના સાસુ સમીરને કહી રહ્યા હતા,
"જો બેટા, તને કહી દઉ છું, જેમ બને તેમ લીનાનુ ઢીમ ઢાળી દેવાનું છે. ભિખારીની છોકરી તેના બાપના ઘેરથી શું ધૂળ લાવી છે! તેનો કાંટો આ ઘરમાંથી દૂર થાય પછી તને શ્રીમંત ઘરની વહુ લાવી આપીશું. એક એકથી ચડિયાતી છોકરીઓ મળી રહે તેમ તેમ છે. તને સુંદર પત્ની મળશે અને અમને લખલૂટ ધન મળશે. આમેય તું જ કહેતો હતો ને કે લીના જૂનવાણી વિચારની છે , જે મુબઇમા સેટ થતી નથી. તે તને જરાય ગમતી નથી. બેટા, તુ જરાય ઢીલો પડતો નહિ. આ વાત આપણે બે જ જાણીએ. કોઈને પણ ખબર નહિ પડે અને ભિખારીઓથી આપણો છૂટકારો થશે. "

લીનાની પગ નીચેથી ધરતી સરકવા લાગી. ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પૈસા લીધા વિના તે ત્યાંથી છટકી ગઇ. તેણે મનોમન નિર્ણય કરી લીધો. તે વિચારવા લાગી,
 
" આ ઘરમાં હવે ના જ રહેવાય. આ ઘર ઘર નથી દોઝખખાનુ છે. મારું જીવન ફક્ત મારું જ છે. તેના પર અન્ય કોઇનો અધિકાર નથી. બીજાના હાથે કમોતે મરવા કરતાં સ્વમાનભેર, સ્વતંત્ર રીતે ખુમારી પૂર્વક જીવવું એ જ સાચી વીરતા છે. તેણે ત્વરિત નિર્ણય કરી લીધો કે હવે તેમ જલદીથી આ શહેર છોડીને અમદાવાદ પહોચી જવું. ટ્રેનની ટિકિટની વ્યવસ્થા કરવા માટે તેણે કાનના સોનાના એરિગ જવેલર્સની દુકાને વેચી દીધા. અમદાવાદ તેના પિતાને ફોન કર્યો,
 
" હેલો પપ્પા, મઝામાં છોને? . પપ્પા હું પણ મજામાં છું. એક આકસ્મિક કામ માટે હું અમદાવાદ આવી રહી છું. વિગતવાર વાતો રૂબરૂમાં નિરાતે જણાવીશ. તમે મારી કોઇ પણ જાતની ચિંતા કરશો નહિ. "

ફોનમાં તેણે પોતે કઇ ટ્રેનમાં આવી રહી છે તે પણ જણાવ્યું.. ટેકસી કરીને તે સેન્ટ્રલ રેલવે સ્ટેશને પહોંચી ગઇ. અમદાવાદ જતી ટ્રેન ઉપડવાની તૈયારી હતી. રિઝર્વેશન હતું નહિ તેથી જનરલ કોચની ટિકિટ લીધી. જનરલ ડબ્બામાં સદનસીબે બેસવાની જગ્યા મળી ગઈ.
 
ટ્રેનમાં બેઠા બેઠા તેને અનેક જાતના વિચાર આવવા માંડયા. તેના મને પ્રશ્ન કર્યો, " આમ એકાએક ઘર છોડવું એ ઉચિત ખરું? "
તેની બુદ્ધિએ જવાબ આપ્યો,
 
" બીલકુલ ઉચિત છે. જો આ ઘર છોડયું ન હોત તો થોડા દિવસમાં જ જિંદગી છોડવા વખત આવત એ નકકી હતું. "
તેણે હવામાં મુઠ્ઠી ઉગામી, મનોમન બોલી,
"ભલે ગમે તે થાય, પરંતુ હવે હું એ નરકમાં પાછી જવાની નથી." કસાઇખાનેથી છૂટેલી ગાય એ દિશામાં ફરીવાર એક નજર પણ નાખતી નથી તેમ હું પણ એ રાક્ષસોના હાથે મરવા જવાની નથી એવો મકકમ નિર્ધાર કર્યો.
 
આખી રાત બેઠાં બેઠાં ટ્રેનમાં પસાર કર્યા પછી વહેલી સવારે અમદાવાદ આવી ગયું. રેલવે સ્ટેશનથી ઓટો કરીને ઘેર પહોચી ત્યારે તેને આવકારવા તેના માત પિતા અને ખાસ બહેનપણી મયુરી વહેલા ઉઠીને આતુરતાથી તેની રાહ જોઇ રહયા હતા. તેને દૂરથી રિક્ષામાથી ઉતરતા જોઇ મયુરી દોડતો આવી તેને ભેટી પડીને હર્ષભેર બોલી, "મુંબઇથી ગાડી આવી રે હો દરિયા લાલા
લીનાને લઇને આવી રે હો દરિયા લાલા"
લીના બનાવટી સ્મિત કરતાં બોલી,
" હા, બેન મુબઇથી ગાડી આવી છે ખરી, પણ હવે એ ગાડી લીનાને લીધા વિના જ પાછી જશે. મુંબઇ શહેરને મુબઇગરા લોકોને અલવિદા કહીને આવી છું. હું આ ભવે તો ત્યાં પાછી જવાની નથી. "

આટલું બોલતા બોલતા તો તેને ડૂમો બંધાઇ ગયો. સામે ઊભેલી તેની મમ્મી ના ખભા પર માથું નાખીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ત્રુટક ત્રુટક શબ્દોમાં બોલી,
" મમ્મી, મારા સાસરી વાળા માણસો નથી, પણ રાક્ષસો છે. માનવભક્ષી રાક્ષસો મને કાચીને કાચી ખાઇ જવાની ખતરનાક યોજનાએ નરપિશાચોએ બનાવી હતી. ભગવાનની કૃપાએ મને કાનોકાન આ ષડયંત્ર ની જાણ થઇ તેથી ત્યાથી જીવ લઇને નાસી છૂટી છું. મમ્મી, પપ્પા, હવે હું એ હત્યારાઓ પાસે પાછી જવાની નથી. તમને હું વધારાની લાગતી હોઉં તો તમારા હાથે મારુ ગળું દબાવી દેજો. "
"ના ના બેટા એવું ના બોલ. તું અમારે મન દીકરી નહિ પણ સાત ખોટના દિકરાથી પણ અધિક છે. તુ તો અમારી જિંદગી છે. તને ભગવાને કસાઇઓના સકંજામાંથી છોડાવી એ અમારે મન તેમનો મોટો ઉપકાર છે.. પાડ માનો એ ભગવાનનો કે દુશ્મનો તારો વાળ પણ વાંકો કરી શકયા નથી
આ ઘર તારુ જ હતું, તારું જ છે અને તારુ જ રહેશે. દીકરી તારી મરજી પ્રમાણે જ બધું થશે. તારી ખુશી એ જ અમારી ખુશી છે. "
આટલું બોલતા બોલતા કાન્તાગૌરીનો શ્વાસ રુધાવા લાગ્યો. મયુરી અને લીનાએ તેમને સંભાળી લીધા.
લીનાએ આસુ લૂછી નાખ્યા. સ્વસ્થ થઇને બોલી ,
"મમ્મી- પપ્પા, તમારી સ્નેહાળ હૂફ મેળવીને હું ખૂબ શક્તિશાળી બની છું. જીવનમાં ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરીને આપનું નામ ઉજ્જવળ કરીશ એની ખાત્રી આપુ છું. "
લીનાની દર્દભરી દાસ્તાન સાભળવા મળસ્કે મંદ મંદ ગતિએ વહેતો શીતળ પવન પણ જાણે થંભી ગયો હતો.
***
લેખક : પ્રા દિનેશ ભારથી બી. ગોસ્વામી. (પાલનપુર)

___________
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."