"ઋણાનુબંધ"
હું મોટે ભાગે સાંજની શિફ્ટ પૂરી કરીને મોડો ઘરે પરત ફરતો હોઉં છું. તે દિવસે રાત્રે લગભગ નવ વાગ્યે બહુ ભૂખ લાગી હતી, એટલે મેં એક રેસ્ટોરન્ટમાંથી સાદી કઢી-ખીચડી અને થોડું દહીં પાર્સલ કરાવ્યું. વિચાર હતો કે ઘરે જઈને શાંતિથી ખાઈશ.
ઋણાનુબંધ - નવલિકા
પરંતુ રસ્તામાં અચાનક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો! બચવા માટે મેં મારી બાઈક શહેરના એક જૂના વિસ્તારમાં આવેલી જર્જરિત જેવી બિલ્ડિંગના ઓટલે ઊભી રાખી દીધી. વરસાદ બહુ જ તેજ હતો અને હું આખો પલળી રહ્યો હતો.
હું ત્યાં ઓટલે ઊભો ઊભો વરસાદથી બચવા મથતો હતો, ત્યાં જ પહેલા માળે રહેતા એક વૃદ્ધ અમ્માની નજર મારા પર પડી. મને આવી રીતે પલળતો જોઈને તેમણે ઉપરથી જ પ્રેમથી બૂમ પાડી અને મને પોતાની પાસે ત્યાં ઉપર બોલાવી લીધો!
હું દાદરા ચડીને પહેલા માળે પહોંચ્યો. તેમણે બહુ વહાલથી કહ્યું કે, "બેટા, બહાર શું કામ પલળે છે? ચાલ, અંદર આવી જા!" હું રૂમમાં ગયો અને સોફા પર બેઠો. રૂમમાં સાવ સન્નાટો હતો, બસ દીવાલ પર લાગેલી જૂની ઘડિયાળ ટક-ટક કરતી હતી અને દીવાલ પર ડઝનબંધ જૂના ફોટાઓ લટકતા હતા!
અમ્માની નજર મારા હાથમાં રહેલા ખાવાના પેકેટ પર પડી. તેમણે બહુ આગ્રહથી કહ્યું કે, "બેટા, તેં હજુ ખાધું નથી ને? ચાલ, આજે ખીચડી બનેલી છે, આપણે બંને સાથે મળીને જમીએ! મને એકલા ખાવાનું બિલકુલ ગમતું નથી."
હું થોડો અચકાયો, પણ તેમનો પ્રેમ જોઈને ના પાડી ન શક્યો. અમે બંનેએ ટેબલ પર થાળી ગોઠવી. તેઓ ધીરે-ધીરે ખીચડી ખાવા લાગ્યાં અને દર બે કોળિયા પછી મારી તરફ જોઈને હસી દેતાં હતાં! એવું લાગતું હતું કે તેમને વર્ષો પછી કોઈ સાથ મળ્યો હોય.
તેઓ ધીમેથી બોલ્યાં કે, "ખબર છે બેટા, આજે બસ એમ જ મન થયું હતું કે ભગવાન કોઈકને મોકલે અને હું કોઈ માણસનો અવાજ સાંભળવા મળે! અને જો, તું અચાનક આવી ગયો!" હું તેમની આ ભાવુક વાત સાંભળીને તદ્દન ચૂપ રહ્યો.
તેમણે સામે દીવાલ પર લાગેલી એક તસવીર તરફ ઈશારો કરીને કહ્યું કે, "આ મારા પતિ છે જે રેલવેમાં હતા, તેઓ પાંચ વર્ષ પહેલાં જ ચાલ્યા ગયા છે." પછી તેમણે બીજી તસવીર બતાવીને કહ્યું કે, "આ મારો દીકરો છે જે કેનેડામાં રહે છે. તે ઘણો સારો છે અને દર મહિને મને પૈસા મોકલે છે."
આટલું કહીને તેઓ થોડી વાર માટે સાવ ચૂપ થઈ ગયાં. તેમના ચહેરા પર હાસ્ય હતું, પણ આ વખતે તેમની આંખો ભીની થઈ ગઈ હતી! તેમણે ભારે હૈયે ઉમેર્યું કે, "બસ... તે બધું જ મોકલે છે, પણ પોતાનો સમય મોકલી શકતો નથી!"
તેમણે ત્રીજી તસવીર બતાવીને કહ્યું કે, "આ મારી દીકરી છે જે બેંગલુરુમાં રહે છે. તે પોતાની દુનિયામાં બહુ ખુશ છે અને હોવી પણ જોઈએ! બાળકો જો મુક્ત આકાશમાં ઉડે નહીં, તો પછી મા-બાપે તેમને ઉછેર્યા જ શું કામ?" તેમના અવાજમાં ફરિયાદ નહોતી, બસ એક અસીમ ખાલીપો હતો!
અમ્માએ અચાનક મને પૂછ્યું કે, "તારી મા જીવે છે?" મેં હકારમાં જવાબ આપ્યો કે, "હા." તેમણે તરત બીજો સવાલ કર્યો કે, "શું તે તને રોજ ફોન કરે છે?" આ સાંભળીને હું સાવ સ્તબ્ધ થઈ ગયો! સાચું એ હતું કે હું પણ કેટલાય દિવસો સુધી ઘરમાં ફોન કરતો નહોતો.
તેમણે મારી આ ક્ષણિક ચૂપ્પીને બહુ સહજતાથી વાંચી લીધી. તેઓ હળવેથી બોલ્યાં કે, "મા-બાપ ક્યારેય પૈસા નથી ગણતા બેટા... તેઓ તો બસ તમારા અવાજ ગણતા હોય છે!" આ સાંભળીને મારી અંદર કંઈક ચૂપચાપ તૂટી ગયું!
જમવાનું પૂરું થયું એટલે મેં વિદાય લીધી. જતી વખતે તેમણે મારા માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે, "અને હા... આજે ઘરે જઈને તારી માને ફોન જરૂર કરજે!" તે રાત્રે મેં નીચે આવીને સૌથી પહેલાં મારી માને ફોન લગાવ્યો.
સામેથી માનો અવાજ આવ્યો કે, "આજે અચાનક ફોન કર્યો? બધું ઠીક છે ને બેટા?!" બસ આટલું સાંભળતાં જ મારું ગળું ભરાઈ આવ્યું! મેં કહ્યું કે, "હા મા... બસ આજે તમારો અવાજ સાંભળવો હતો." સામેથી મા બહુ વહાલથી બોલી કે, "તેં જમી લીધું?" અને હું રડી પડ્યો!
તે રાત પછી મારું જીવન બદલાઈ ગયું. હું રોજ મારી માને ફોન કરવા લાગ્યો. એટલું જ નહીં, અમ્મા સાથેની એ અચાનક મુલાકાત હવે એક સુંદર વળાંક લઈ ચૂકી હતી. હવે અવારનવાર અમારી આવી મુલાકાતો ગોઠવાતી રહેતી હતી!
હું અઠવાડિયામાં બે-ત્રણ વાર સાંજની શિફ્ટ પછી જાણીજોઈને એ જૂના વિસ્તાર તરફ નીકળી જતો. ક્યારેક અમ્મા માટે ફળો લઈ જતો, તો ક્યારેક ગરમ નાસ્તો. દરવાજો ખુલતા જ અમ્માના ચહેરા પર જે ખુશી આવતી, તે જોઈને મારો આખા દિવસનો થાક ઉતરી જતો!
અમે કલાકો સુધી વાતો કરતા. તેઓ મને તેમની યુવાનીના કિસ્સાઓ સંભળાવતા અને હું તેમને મારી દુનિયાની વાતો કરતો. હવે મને સમજાઈ ગયું હતું કે દુનિયામાં માત્ર પૈસાની કે વસ્તુઓની જ ભૂખ નથી હોતી, ક્યારેક માણસને બસ કોઈકની નિખાલસ હાજરી અને સાથ જોઈતો હોય છે.
પરંતુ સમય હંમેશાં એકસરખો નથી રહેતો. બે મહિના પછી એક સાંજે હું બહુ ઉત્સાહથી અમ્માના ઘરે ગયો. મેં દરવાજાની બેલ મારી, પણ ઘણી વાર સુધી કોઈએ દરવાજો ન ખોલ્યો. થોડી વાર પછી પાડોશમાં રહેતાં એક આંટી બહાર આવ્યા.
તેમણે બહુ ધીમેથી મને કહ્યું કે, "બેટા, અમ્મા ગયા અઠવાડિયે જ ઊંઘમાં ને ઊંઘમાં આ દુનિયા છોડીને ચાલી ગયાં છે!" થોડી સેકન્ડ સુધી હું તે બંધ દરવાજે સ્તબ્ધ થઈને ઊભો રહ્યો. મારું હૃદય બહુ ભારે થઈ ચૂક્યું હતું!
તેમણે અંદરથી એક નાનું કવર લાવીને મારા હાથમાં આપ્યું અને કહ્યું કે, "અમ્મા જતા પહેલાં તારા માટે આ મૂકી ગયાં હતાં અને કહેતાં હતાં કે પેલો દીકરો આવે ત્યારે તેને આપી દેજો." મેં કાંપતા હાથે એ કવર ખોલ્યું તો અંદર પાંચસો રૂપિયા હતા અને સાથે એક નાની ચિઠ્ઠી પણ હતી!
એ ચિઠ્ઠી પર લખ્યું હતું કે, "બેટા, જો તું આ વાંચી રહ્યો છે તો હું જતી રહી છું. આભાર તે રાત્રે અચાનક આવીને મારી એકલતા દૂર કરવા બદલ અને પછીની બધી મુલાકાતો માટે! તેં મને માત્ર સાથ નહીં પણ સન્માન આપ્યું હતું. અને હા—તારી માને હંમેશાં ફોન કરતો રહેજે! અમ્મા."
આજે પણ એ પાંચસો રૂપિયા મેં મારી બેગના અંદરના ખાનામાં સાચવીને રાખ્યા છે, ક્યારેય ખર્ચ્યા નથી! —કારણ કે "મા" તો "મા" હોય છે અને ક્યારેક કોઈના સાથે કેટલાક "ઋણાનુબંધ" લખાયેલા હોય છે.!!
માણસને હંમેશાં માત્ર પૈસાની કે વસ્તુઓની જ જરૂર નથી હોતી, ક્યારેક તેને જીવનમાં બસ નિખાલસ હાજરી જોઈતી હોય છે! આથી મા-બાપને ફોન કરી તેમના માટે થોડો સમય જરૂર ફાળવજો! કારણ કે, "મા-બાપ ક્યારેય પૈસાની રાહ નથી જોતા... તેઓ તો બસ તમારા અવાજની રાહ જોતા હોય છે!"
...✍️ ✨હરેકૃષ્ણ"
વોટસઅપ નંબર: +91 7878222218
___________
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
