અઢી તોલાનો ભાર
બેલ વાગ્યો. રીસેસ્પનીસ્ટ અલકા અરોરાએ ડૉ.તિતિક્ષા દેસાઇને સાયકોલોજીસ્ટ એન્ડ સેક્સોલોજીસ્ટ ડૉ. કુલકર્ણીનાં કેબીનમાં જવા જણાવ્યું.
અત્યંત જાજરમાન અને વેલમેનર્સ ડૉ. તિતિક્ષા ડૉ. સાહેબની પરનાવગી લઈ ડૉ. કુલકર્ણીની કેબીનમાં "હેલો ડૉકટર! ગુડ આફ્ટરનુન " કહેતાં પ્રવેશ્યા.
અઢી તોલાનો ભાર
ડૉ.તિતિક્ષા દેસાઈને ડૉકટર કુલકર્ણીએ પેશન્ટ ખુરશી પર બેસવા નિમંત્રણ આપ્યું. એક સુંદર સ્મીત સાથે ડૉ.તિતિક્ષા પેશન્ટ ખુરશી પર બેઠા.
ઔપચારિકતા સાથે ડૉકટરે પેશન્ટ સાથે વાત શરૂ કરી. ડૉ. કુલકર્ણીની પારખુ નજરથી તિતિક્ષા દેસાઇની બહુમુખી પ્રતિભા છૂપી રહી શકી નહીં.
યુનિર્વસીટીમાં સાયકોલોજી ડિપાર્ટમેન્ટના ડીન ડૉ. તિતિક્ષા દેસાઈ ભરપૂર આત્મવિશ્વાસ સાથે ડૉ.કુલકર્ણી સાથે વાતો કરી રહ્યાં હતાં. પોતે સાયકોલોજીસ્ટ હોવા છતાં આજે સાયકાટ્રીસ્ટ એવાં ડૉ. કુલકર્ણીની એક્સપર્ટ એડવાઇઝ માટે મદદ માંગી રહ્યાં હતાં.
ઔપચારિકતા પછી હવે ડૉ. કુલકર્ણીનું કામ ડૉ. તિતિક્ષાને મૂળ વાત પર લાવવાનું હતું. ડૉ. તિતિક્ષાનાં ગાત્રો થીજી રહ્યાં હતાં. એમનાં પગનું હલનચલન આકળવિકળ થઈ રહ્યું હતું. જે ડૉ. કુલકર્ણી નોંધી રહ્યાં હતાં. ડૉ.તિતિક્ષાની હથેળી પાણીપાણી થઈ રહી હતી. એની નજર નીચી થઈ રહી હતી. ભરપૂર આત્મવિશ્વાસ ધરાવનાર અને હજારોનું કાઉન્સલિંગ કરનાર ડૉ. તિતિક્ષા પોતે જ ઢીલાં પડી રહ્યાં હતાં. અનુભવી એવા ડૉક્ટર કુલકણીં સમજી ગયા. પેશન્ટ કમ્ફર્ટેબલ નથી. એમણે બેલ વગાડયો. પ્યુન આસીતને પાણી આપવા જણાવ્યું.
આસીતનાં હાથમાં રહેલ ટ્રે માંથી ઝડપભેર ડૉ. તિતિક્ષાએ પાણીનો ગ્લાસ ઉઠાવી લીધો અને ઘટાઘટ એક ઘૂંટડે પાણી પી ગયા. ચશ્મામાંથી નજર ઊંચી કરી ડૉ. તિતિશાએ એક વાર ડૉ.કુલકર્ણી તરફ નજર કરી. ડૉ. તિતિક્ષાએ બે હાથે ટેબલ પકડી લીધું અને બે-ત્રણ વાર આલોલમ વિલોલમ કર્યું.
ડૉ. કુલકર્ણી માટે પેશન્ટની આવી સ્થિતિ એ કંઈ નવી વાત નહીં હતી. આમપણ સાયકાટ્રીસ્ટ ડૉકટરનું કામ જ તો પેશન્ટને કમ્ફર્ટ ઝોનમાં લાવ્યા પછી એની વાત કઢાવવાનું હોય છે અને ડૉ .કુલકર્ણી એ માટે જ નિષ્ણાંત હતાં.
એમણે પેશન્ટને કહ્યું, " હલો મેમ! આર યુ ઓકે? કોફી પ્લીઝ "
તિતિક્ષાએ થેન્ક્યુ કહ્યું, " નો સર નો કોફી નાવ. "
પરંતુ તિતિક્ષા હજી વાત શરૂ કરવા અચકાતી હતી.
ડૉ. કુલકર્ણી પરિસ્થિતિ સમજી ગયા. એમણે વાતાવરણ હળવું કરવા માટે આસીસ્ટન્ટ ડૉકટરને પોતાનાં કોડ વર્ડમાં કેબીનમાંથી બહાર જવા જણાવ્યું.
આસીસટન્ટ ડૉ. મીરજ શાહ બહાર નીકળી ગયા.
ડૉ. કુલકર્ણીએ હળવી સ્મિત આપી અને કહ્યું, "મેમ! તમારી વાત આ કેબિનની બહાર નહીં જાય. તમે એડયુકેટેડ છો. ચોક્કસ કોઈ ગંભીર સમસ્યા હશે તો જ તમે અહીં સુધી આવ્યાં છો. નિશ્ચિંત થઈ અહીં આવવાનું કારણ જણાવો. હું વાત જાણી શકીશ તો જ ઈલાજ કરી શકીશ."
જી સર!" ડૉ. તિતિક્ષાએ હકારમાં માથું ધુણાવી રીપ્લાય આપ્યો. મારે મારા હસબન્ડ સાથે સેક્સુઅલ રીલેશન પંદર વર્ષથી નથી. " સડસડાટ બોલી ડૉ. તિતિક્ષાએ આંખો બંધ કરી ઊંડો શ્વાસ લીધો. એ પોતે કોઈ ગીલ્ટ અનુભવી રહી હોય એમ છોભીલી પડી ગયા એ ડૉ. કુલકણીએ નોંધ્યું
"નાવ. યુ આર ફોર્ટ ટુ ઈયર્સ ઓલ્ડ રાઈટ! ડૉ. કુલકર્ણીએ તિતિક્ષાને સામાન્ય પરિસ્થિતિમાં લાવવા વાત છેડી.
ડૉક હલાવી તિતિક્ષાએ હકારમાં ઉત્તર આપ્યો.
"લગ્ન કેટલાં વર્ષે થયા હતાં. "
"પચ્ચીસ " તિતિક્ષાએ ટૂંકમાં જવાબ આપ્યો.
"કોઈ દબાણ ? કોઈ મજબૂરી"
"ના સર! પપ્પાએ કહ્યું તારા અહીં લગ્ન નક્કી કર્યા છે. છોકરો ભણેલો છે. ઘર સામાન્ય છે. નાનું કુટુંબ છે. આથી જીવનમાં મોટા ધસરડાં નહીં કરવા પડે. મોટા ઘરની મોટી વાતો હોય. સામાન્ય ઘરનાં છોકરાં ઠરેલ અને ગંભીર છે. આ જ યોગ્ય રહેશે. "
“મેં પપ્પાની વાત માની લીધી અને લગ્ન કરી લીધા.”
“તમને લગ્નજીવન માટે ખાસ કોઈ સપનાં કે અપેક્ષા હતી? "
"ના સર આઈ વોઝ બુકવોર્મ. હું ભણવામાં ખૂબ જ બીઝી રહેતી. આથી, લગ્ન માટે સ્પેશ્યલ વિચાર્યું નહીં હતું. રીઝલ્ટ આવવા પહેલાં જ કોલેજમાંથી આસીસ્ટન્ટ લેક્ચરર માટે જોઈનિંગ લેટર મળી ગયો હતો અને જોબ ચાલુ થઈ ગઈ હતી."
"બાળક ? " ડૉ. કુલકર્ણીનાં પ્રશ્નથી ડૉ. તિતિક્ષાનાં ગાલ પર તમાચો પડ્યો હોય એમ એ લાલધૂમ થઈ ગયા.
“એણે ટૂંકમાં જવાબ આપ્યો, "એક દિકરો"
“તમને થતું હશે કે દિકરો કેવી રીતે? "
"ના.. ના.. એ સમજી શકાય. તમે તમારી આપવીતી આગળ ચાલુ રાખો. " ડૉ. કુલકણીએ કહ્યું.
"સર! દિકરો એ પ્રેમનું પ્રતિક નથી.
ક્યારેક ક્યારેક હોર્મોનલ ઉછાળો આવતો ત્યારે...”
ડૉ. તિતિક્ષા અટકી પછી ધીમા સ્વરે બોલી જસ્ટ લાઈક રેપ. એમણે મને
ક્યારેય મેન્ટલી કે ફિઝિકલી પ્રિપેર થવાનો મોકો આપ્યો જ નથી."
"હમ" માથુ ઘુણાવી ડૉ. કુલકર્ણીએ તિતિક્ષાનાં કેસ પેપરમાં નોટ કર્યું.
ડૉ. તિતિક્ષાએ આગળ વાત ધપાવતાં કહ્યું, " મેં પુત્રનું નામ પ્રિત રાખ્યું એ એક આશા સાથે કે બાળકનાં આગમનથી એનામાં કોઈ હૃદય પરિવર્તન થાય અને અમારી વચ્ચેનાં સંબંધોમાં સુધરો આવી શકે.
પરંતુ, એમનું અને એમની મા નું એક જ કામ દરેક બાબતે મારી ખામી શોધી કાઢવી અને ઝઘડા કરવા. મને ડિગ્રેડ કરવામાં કોઈ કસર છોડી નથી. એમને દરેક બાબતે ૧૦૦% સંપૂર્ણ પત્નિની અપેક્ષા હતી. એ ૧૦૦% એટલે શું જે મને આજ સુધી ખબર નથી પડી. મારો મારા પરથી ભરોસો તૂટી ગયો "
"જેમકે" ડૉ. કુલકર્ણીએ પ્રશ્ન પૂછ્યો.
" હું કાળી છું એ બાબતનો એમણે અને એમનાં પરીવારે ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. જેમકે મને કોઈ ડ્રેસ, સાડી કે કોઈપણ કલર સારાં નહિ લાગે. જમવાનાં ટેબલ પર ક્યારેય શાંતિ નહીં હોય. મા એ દાળ ખાઈ લીધી હોય તો દીકરાને દાળમાં રાઈનાં દાણાં વધારે દેખાય. દીકરાએ શાક ખાઈ લીધું હોય તો માને મીઠું વધારે ઓછું લાગ્યું હોય. જે દિવસે બધું ઠીકઠાક હોય તે દિવસે રોટલીમાં મોણ ઓછું લાગ્યું હોય. હું ટ્રોમામાં જીવતી થઈ ગઈ. છતાં મારી જોબ હોવાને કારણે હું મારી જાતને સાચવી લેતી હતી. પરંતુ ધીમે ધીમે મને પણ નફરત થવા લાગી હતી.
રાત્રે પતિનું સુખ નહીં અને સવારથી ઘર પરિવારનાં ઘસરડાં જોબ અને બાળક સાથે. હું પરિવારમાં શ્રધ્ધા રાખનારી છું આજે પણ મને ઘર એક મંદિરમાં માનનાર છું. પણ, વાતે વાતે વાયોલન્સ થઈ જવાની એમની આદતથી નિરાશા વચ્ચે ઘેરાતી ગઈ.આખી રાત રડી ને કાઢી હોય. અધખુલી બારીમાંથી ચાંદ, તારા સાથે મૈત્રીની વાતો કરી મનને મનાવ્યું હોય એ મારા જીવનનો મહદ ભાગ બની ગયો. સમયની સાથે
સર, મન મનાવવામાં હું પાવરધી બની ગઈ.પરંતુ, શારીરિક જરૂરિયાત સામે ઘણીવાર રીતસર ઘુંટણિયે પડવું પડે છે. પ્રકૃતિને પણ રતિ હોય તો શું મને જરૂર નહિં હોય ? હોર્મોનલ ઉમકળા સામે હું લાચાર થઇ જાઉં છું.
વાત પણ કેવી! નહીં સહી શકાય, નહીં રહી શકાય.
આ બધી પીડા પચાવ્યાં પછી પણ માનસિક ત્રાસ તો વેઠવાનો જ. "મને ખુદને ક્યારેક મારાં સંસ્કાર માટે પ્રશ્નાર્થ થાય છે. મને કેમ આવાં વિચારો આવે છે? હું આધ્યાત્મિક તરફ વળતી ગઈ. સર હું આપની પાસે આશા રાખું છું તમે મારી વાત સમજી ગયા છો. આનાથી વધુ વાત કરવા માટે હું અસમર્થ છું."
ડૉ. કુલકર્ણીએ કેસ પેપરમાં કંઈક નોટસ કરતાં કહ્યું, "નો મેડમ! યુ આર એબસ્યુલીટલી નોર્મલ પર્સન. જેવી રીતે જીવવા માટે કોઈપણ જીવને હવા, પાણી, ખોરાકની જરૂર હોય એમ શારીરિક ભૂખ અને તરસ પણ હોય જ. આ પ્રાકૃતિક નિયમ છે. દરેક જીવમાત્ર માટે. કુદરતી રીતે છ ઇન્દ્રિયો હોય અને એ દરેક સામાન્ય જીવમાં એકટીવ હોય. તમે પોતે વિદુષી છો એટલે મારે વધારે સમજાવવાની જરૂર નથી. પણ આ તમે ગિલ્ટ અનુભવો તે ખોટું છે. ઈટસ ઓકે ઘેટ્સ નોર્મલ અને ડૉ. કુલકર્ણીએ આગળ પૂંછ્યું
"તમારા હસબન્ડની બિઝનેઝમાં સફળતા કેવી? "
"ફિફ્ટી ફિફ્ટી " ડૉ. તિતિક્ષાએ જવાબ આપતાં કહ્યું, "એ માણસ ખૂબ મહત્વાકાંક્ષી અને એથી વધુ લોભી, કંજૂસ. દરિયાનું બધું પાણી એમને એકલાએ જ પીવું હોય.
સફળતા મળી હોય ત્યારે પોતાનાં જેવું કોઈ છે જ નહીં એવાં ભ્રમમાં મ્હાલે અને નિષ્ફળતા સમયે બધું ફ્રંશટેશન મારાં પર ઉતારે. અમારાં ગામડામાં કહેવત છે 'ભૂંડો વર બૈરી પર સૂરો' આક્રોશમાં બોલી ડૉ. તિતિક્ષાએ ભોઠપ અનુભવી.
"તમને ક્યારેક પરપુરુષ માટે વિચાર આવ્યો? "ડૉ. કુલકર્ણીનાં પ્રશ્ન ડૉ. તિતિક્ષાને અકળાવનારો લાગ્યો. એનાં મુખારવિંદ પર અણગમો ઝળકી ઉઠ્યો.
એણે પૂરાં આત્મવિશ્વાર અને આત્મસન્માનથી જવાબ આપ્યો, "ના. ક્યારેય નહીં. હું એક ભવમાં બે ભવ કરવામાં માનતી નથી. સપનામાં પણ આવો ખ્યાલ મને આવ્યો નથી.
પણ સર! કોલેજમાંથી વિદ્યાર્થીઓની ટૂર ખજૂરાહોની હતી.
ખજૂરાહોની મુલાકાત દરમ્યાન અને ત્યારપછી, ખજૂરાહોનો ઇતિહાસ જાણ્યા પછી મારી સેક્સ પ્રત્યેની ઉત્તેજના પ્રબળ બની. રાત દિવસ મનમાં ને મનમાં રતિક્રિડા તરફ મારું ધ્યાન રહેવા લાગ્યું. મારું રૂટિન ખોળવાયું. મને જીવન શુષ્ક લાગવા માંડ્યું. સ્વભાવ ચિડિયો અને નાની નાની બાબતોમાં ગુસ્સેલ બની ગયો. હું આ વાત કોઈને કરી શકું એટલી બોલ્ડ નથી અને આ પરિસ્થિતિ સહેવી મને દુષ્કર લાગવા માંડી.
આથી મેં વિચાર્યુ કોઈ પ્રોફેશનલ કાઉન્સલર પાસે મનનો ઉભરો એકવાર ઠાલવી દઉં અને હળવી થઈ જાઉં. જેથી સામાજીક બદનામી નહીં થાય. કે મારી કોઈક નબળી ક્ષણમાં હું કોઈ ખોટું પગલું ભરી નહીં લઉં જેને કારણે ભવિષ્યમાં હું પોતે મારી જાત સાથે નજર મેળવી પણ નહીં શકું. દીકરો પણ ટીનએજર છે જેથી ક્યારેક એનાં પર ખોટી અસર નહિં પડે. મારા ચિડચિડિયાપણાંથી ઘરનું વાતાવરણ અને દીકરાનાં અભ્યાસ પર અસર પડે છે. મારે મારા દિલ દિમાગમાંથી આ વિચારો જડમૂળમાંથી દૂર કરવા છે. એ કારણેથી હું તમારી પાસે ફક્ત દિલ ખાલી કરવા આવી છું. જો કોઈ મેડિસીનની જરૂર હોય તો આપ મને આપી શકો છો."
ડૉ. તિતિક્ષાની વાતોથી ડૉ. કુલકર્ણી અભિભૂત થઈ ગયાં.
ડૉ. કુલકર્ણીએ કહ્યું, "હું તમારા હસબન્ડનું કાઉન્સલિંગ કરવા માંગું છું."
"ના. ઈમ્પોશીબલ સર. એમને અહીં લાવવા શક્ય જ નથી. એ ખૂબ જડ છે અને એથી વધુ એ મને હલકાં શબ્દોમાં ઉતારી પાડશે. આવા ભૂતકાળમાં બનાવો બન્યાં છે. હું તો એમને સમજી જ નથી શકતી. કોઈ ભણેલો ગણેલો માણસ આ વાત કેવી રીતે સમજી નહિં શકે.! એને સમજણ નથી પડતી કે સમજવા નથી માંગતાં એ ભગવાનને ખબર. સર! જે કોઈ ટ્રીટમેન્ટની જરૂર હોય એ મને જ આપો. એમની આશા રાખવી ખોટી છે. મને એટલું સમજાયું કે જે ઉપાય કરવાનાં છે એ મારે જ કરવા પડશે." "પ્રાઉડ ઓફ યુ મેડમ. આ પરિસ્થિતિમાં ભલભલા શિસ્ત અને સંસ્કાર ભૂલી જતાં હોય છે. વિશ્વામિત્ર પણ બાકાત નથી રહ્યાં. આ સંજોગોમાં તમે જે મનોબળ જાળવી રાખ્યું છે. એ કાબિલેદાદ છે. ઉદાહરણરૂપ છે.
કોઈ બીજું પેશન્ટ હોત તો કદાચ લગ્નેતર સંબંધની જાળમાં ફસાયા હોત. તમારા જેવી સ્ત્રી જ્યાં સુધી સમાજમાં હશે ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિને કોઈ આંચ નહીં આવે એ વાત આજે મને સમજાય. ઘણીવાર કોઈ વિશ્વાસુ કે પ્રોફેશનલ વ્યક્તિ સામે દિલની વાત બોલી કાઢવાથી પણ સમસ્યા ઉકેલી શકાય છે. ઓલ ધ બેસ્ટ મેડમ. હેટસ ઓફ યુ ડૉ. તિતિક્ષા દેસાઈ "
"ઈટસ ઓકે સર .
બટ સોરી ટુ સે . ભારતીય સંસ્કૃતિને નામે આખો પુરુષવર્ગ સહિત સમાજ ,ઇન્ક્લ્યુડિંગ યુ સર, સ્ત્રીઓને ઈમોશનલી બ્લેકમેઈલ કરો છો. બંધનોમાં બાંધી દો છો. અમારે નથી જોઈતા મહાનતાનાં મોટા મોટા ટેગ. અમને ફક્ત અમારા હક્કની થોડી સુવિધા, anrhin,લાગણી અને અમારાં ભાગનાં પ્રાકૃતિક હક્કો જોઈએ છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુની પત્નિ તારાએ ચંદ્ન પુત્ર બુધને જન્મ આપ્યો હતો. પાંડુપુત્રોનાં પિતા વિશે આખો સમાજ જાણે છે. આવા તો સંખ્યાબંધ ઉદાહરણો છે. આથી, સંસ્કૃતિને નામે સ્ત્રીઓને ગૂંગળાવી નહિં નાંખો." સડસડાટ બોલ્યા પછી તિતિક્ષા પોતાની અંદર રહેલા જુસ્સાથી એ પોતે વાકેફ થઈ. એ મનમાં એ બોલી મારી લડત હું પોતેજ લડીશ.
થેન્ક્યુ ડૉક્ટર કહી ડૉ. તિતિક્ષા દેસાઈ પેશન્ટ ચેર પરથી ઉભા થયા. જતાં જતાં એકદમ અટકી ગયા પાછું ફરી ડૉક્ટરને સ્માઈલ આપી જણાવ્યું, "નાવ, આઈ. એમ. સ્ટોંગ. આઈ.કનો મારે શું કરવાનું છે? ડોક્ટર સાહેબ મને આ મંગળસૂત્રનો ભાર લાગે છે. મારો ભાર મારે જ ઉતારવો પડશે. આપ્પા દીપો ભવ:||" કહી ડૉ. તિતિક્ષા સડસડાટ નીકળી ગયાં.
સાસુ અને વર સોફા પર બેઠાં બેઠાં ડૉ. તિતિક્ષાની રાહ જોતાં હતાં. ડૉ. તિતિક્ષા ઘરમાં પ્રવેશ્યાં. સાસુ અને વર ડૉ. તિતિક્ષા પર તુટી પડ્યાં. પ્રશ્નોનો મારો ચલાવ્યો, કેટલાં વાગ્યાં? અત્યાર સુધી ક્યાં ભટકતી હતી? અમારે શું ભૂખ્યાં રહેવાનું? હવે તારા સમયે અમારે જમવાનું ?"વિગેરે વિગેરે.
સાસુ અને વરને અધવચ્ચે અટકાવતા ડૉ. તિતિક્ષા બોલ્યા, "ઈનફ ઈઝ ઈનફ "
લો તમારું મંગળસૂત્ર. મને તમારાં મંગળસૂત્રનો ભાર લાગે છે.
આહાહા!! મેડમને હવે મંગળસૂત્રનો ભાર લાગ્યો. તો નીકળ મારા ઘરમાંથી. આજનાં મોંધવારીના સમયમાં અઢી તોલા ક્યા સાસરેવાળા વહુને પહેરવા આપી દે!!. આ તો અમારી ભલમનસાઈનો દૂર૫યોગ તું કરી રહી છે. "મિસ્ટર દેસાઈએ બરાડો નાખ્યો. હું આજ ક્ષણે ધરમાંથી નીકળી જઈશ. મારે આવા નામર્દ સાથે રહેવું પણ નથી. જે પોતાની નિષ્ફળતાનો આક્રોશ પત્નિ પર ઉતારે."
ડૉ. તિતિક્ષાનો આક્રોશ જોઈ મા અને દિકરા બંને દંગ રહી ગયા.
મા અને દિકરાનાં પગ તળેથી જમીન ખસી ગઈ. એમનાં વર્તનમાં નરમાશ આવી ગઈ.
સાસુએ વાત વધુ કથળે નહીં એ રીતે કહ્યું, "વાસણ હોય તો ખખડે પણ ખરાં બેટા,ઘર હોય તો ચાલ્યાં કરે. બધું ભૂલી જા. "
ડૉ. તિતિક્ષાએ જવાબ વાળ્યો, ‘હું એક જ શરતે આ ઘરમાં રહીશ.’
સાસુ અને વરજી સાથે બોલ્યાં, "હા ... હા.. અમને તારી બધી શરત મંજૂર છે.”
હું આ મંગળસૂત્ર નહીં પહેરું. મારે તમારા અઢી તોલાનો ભાર હવે નથી વેઠવો. ડૉ. તિતિક્ષાએ પોતાનાં ડોકમાંથી મંગળસૂત્ર ઉતારી મંદિરમાં મૂક્યું.
ભારમુકત થઈ તે રાત્રે ડૉ.તિતિક્ષા નિરાંતથી ઘસઘસાટ ઊંઘી ગયાં. સવારે હળવા ફૂલ પ્રફફુલ્લિત થઈ ઉઠી ભારમુક્ત થઈ સ્ત્રી સ્વતંત્રતાનો ઉત્સવ ઉજવ્યો.
— હિના મોદી ©
Mo: +91 99256 60342
Email: heenamodi0806@gmail.com
___________
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
