સંબંધ…."

Related

સંબંધ….

ખ્યાતિ લગ્ન થયા પછી પ્રથમ આણે સાસરે આવી. એનો પતિ ધૃવિલ તો નોકરિયાત એટલે આખો દિવસ ઘરની બહાર હોય.ઘરમાં એ અને એનાં સાસુ માલતીબેન એમ બે જ જણ. આળસુ સ્વાભાવની ખ્યાતિ તો મનોમન ખુશ થઈ ગઈ.
રસોઈ સિવાય ઘરનું બીજું કોઈ કામકાજ નહીં, એમાં માલતીબેનની અડધોઅડધ ભાગીદારી તો ખરી જ. વળી સાસુ માલતીબેનનું વર્તન તો સગી મા જેવું.

સંબંધ… - નવલિકા
સંબંધ

ઘરમાં કચરો,પોતું,વાસણ માટે તો કામવાળી બહેન મધુબેન આવે. વોશિંગ મશીનમાં નાખેલાં કપડાં પણ મધુબેન જ સુકવી દે.તો કપડાંને ઇસ્ત્રી કરવાનો ઈજારો તો માલતીબેને કાયમ પોતાની પાસે જ રાખેલો.

માલતીબેન બહુ ભલાં ભોળાં.એમના પતિ વર્ગ બેના અધિકારી હતા.પાંચ વર્ષ પહેલાં એ હ્રદયરોગના હૂમલામાં મૃત્યુ પામેલા.એમનું મસમોટું પેન્શન આવે.દીકરો પણ મલ્ટીનેશન કંપનીમાં મેનેજરના હોદ્દા પર. એની કમાણી પણ મોટી. માલતીબેનની દીકરી પણ એમ ડી હાર્ટ સ્પેશ્યાલિટ છે જે એના પતિ સાથે દક્ષિણ આફ્રિકામાં રહે છે. વિશાળ મકાન અને સુખ સાહ્યબી હોવા છતાંય માલતીબેનની સાદગી અને મળતાવડો સ્વાભાવ આશ્ચર્ય ઉપજાવે એવાં.

સવારે નવેક વાગ્યા પછી માલતીબેન ખ્યાતિને લઈને શાકભાજી, ફળફળાદીની કે કરિયાણાની ખરીદી માટે બજારમાં નિકળે ત્યારે ઘેરથી નિકળતાંની સાથે જ મોટીબેન,માલતીબેન, કાકી,બા- વગેરેનાં મીઠાશભર્યાં સંબોધનો ખ્યાતિને દંગ કરી દે. એ મનોમન વિચારી ઉઠે,'સાસુમાના કેટલા વિશાળ સંબંધો છે?'
સોસાયટીની બહાર પાથરણાં પર બેસીને શાકભાજી કે આચર કૂચર વસ્તુ વેચનાર પણ માલતીબેનને જોતાં જ ભાવવિભોર થઈ જાય.માલતીબેન 'કેવો ધંધો ચાલે છે છગનભાઇ? હવે શાકભાજીમાં સારી બરકત રહે છે ને સવિતાબેન? હવે તારા દીકરાને કેમ છે લલીતા?'-જેવી પ્રશ્નોત્તરી ખ્યાતિને અકળાવી મૂકે.એ વખતે એ મનોમન બબડી ઉઠે,'આ ડોશીને તો સાવ ગમાર લોકો સાથે વાત કરવામાંય શરમ નથી આવતી.'

ખ્યાતિના અનુભવો વધતા રહ્યા.ક્યારેક કોઈ શાકભાજી વેચનાર ઘેર આવીને બેઠકખંડના સોફા પર બેસીને કહેતો હોય,' લો બા!આ તમારી પાસેથી લીધેલા પાંચ હજાર રૂપિયા પરત આપવા આવ્યો છું.હવે ધંધો સારો ચાલે છે.' ક્યારેક વળી કોઈ બાળકને તેડીને આવેલી મેલીઘેલી સ્ત્રી કહેતી હોય,'લ્યો માલતી બા! એ દીવસે તમે અમને કાળી રાતે આ મારા દીકરાના દવાખાના માટે દશ હજાર રૂપિયાનો ટેકો કર્યો હતો.' બે ત્રણ દિવસે એકાદ જણ તો આ રીતે ઘેર આવે જ.

શહેરની માલેતુજાર લોકોની સોસાયટીમાં મકાન ધરાવતાં માલતીબેના દીકરાની વહુ ખ્યાતિને આ ગરીબ લોકોનો આવરો જાવરો મનોમન ખટકવા લાગ્યો.આવા લોકોના આગમનથી ખ્યાતિ રીતસરનો ક્ષોભ અનુભવવા લાગી. જોકે આ વાત તો સોસાયટીમાં રહેતી ઘણી ગૃહિણીઓને પણ ખટકતી હતી પરંતુ પરમાર્થનો વિરોધ કોણ કરી શકે? માલતીબેનને તો એ લોકોય છુટકે ના છુટકે મીઠો આવકાર જ આપતાં હતાં.

લગભગ સરખી ઉંમરનાં માલતીબેન અને મધુબેન તો જાણે સગી બહેનપણીઓ જ જોઈ લ્યો.મધુબેન કામ માટે ઘેર આવે ત્યારે વ્હાલી બહેનપણીની જેમ જ વર્તન કરે. બે ત્રણ દિવસે માલતીબેન પોતાના હાથે જ ચા મુકીને મધુબેનને પીવડાવે. ઘરમાં કોઈ વિશિષ્ટ વાનગી બની હોય તોય એમાં મધુબેનનો ભાગ ખરો જ.તો મધુબેન કામ પુરુ કરી લે એ સાથે જ દ્વીચક્રી વાહન પર માલતીબેન મધુબેનને એમના ઘેર મુકી આવે.
પંદર દિવસમાં તો માલતીબેનની આ હરકતથી ખ્યાતિની ચીડ વધતી જ ગઈ.નોકર માલિકનો કોઈ ભેદ નહીં? આવું તો વળી શોભે ખરું? કાલ‌ ઉઠીને મારા પિયરથી કોઈ આવીને ઉભું રહેશે ને મારાં સાસુનું આવું વર્તન જોશે તો શું કહેશે? અને કેટલો વધારે પડતો વિશ્વાસ મારાં સાસુને આ કામવાળી પર? એના હવાલે ઘર કરીને બજારમાં ખરીદી માટે ઉપડી જાય!''

સમાજ જીવનના બધા જ અનુભવો આ મનોવિજ્ઞાન વિષયમાં ગોલ્ડ મેડલ મેળવેલ પ્રૌઢાએ કરી લીધેલ છે. એમને તો પુત્રવધુના ચહેરા પરથી જ ખ્યાલ આવી ગયો.જોકે તેઓ કંઈ બોલ્યાં તો નહીં પરંતુ મનોમન કંઈક વિચારી લીધું.
આજે રવિવાર છે. મધુબેન રોજની જેમ આજે પણ સવારના સાડા આઠ વાગ્યાના સુમારે આવી પહોંચ્યાં. બધું કામકાજ પુરું થયું એ સાથે જ માલતીબેન બોલ્યાં,"બેટા ખ્યાતિ!આજે તો તું મધુને એના ઘેર મુકી આવ. અને ચા પાણી કરીને આવજે."
મધુબેન તો મનોમન ખુશ થઈ ગયાં. અત્યારે પોતાના ઘેર ખ્યાતિનું આગમન તો સરપ્રાઈઝ જેવું હતું. આજે સાંજે ખુદ મધુબેન જ ખ્યાતિ,ધૃવિલ અને માલતીબેનને પોતાને ઘેર જમવા બોલાવવાનાં હતાં. મધુબેન ખુશ થતાં મનોમન વિચારી રહ્યાં હતાં,' સાંજે તો જમવા બોલાવીશ જ, પરંતુ સરપ્રાઈઝ તો અત્યારે જ ઠીક રહેશે.

સવારના સાડાદશ થયા હતા પરંતુ ચૈત્ર મહિનાની ગરમી પાંત્રીસનો પારો વટાવી ચૂકી હતી. સાસુના આદેશથી ખ્યાતિના મગજનો પારો તો પીસ્તાળીસે પહોંચ્યો હતો. એણે મનોમન નક્કી કર્યું કે,'આ નોકરાણીના ઘેર જઈને જ એને એની હૈસિયત બતાવી દેવી છે.'

એક્ટીવા પર મધુબેનને બેસાડીને નિકળેલી ખ્યાતિ મનોમન રીતસરનો ક્ષોભ અનુભવી રહી હતી. કદાચ એટલે જ તો એણે મોં,માથા પર દુપટ્ટો એવી રીતે વિંટાળ્યો હતો કે,કોઈ ઓળખી જ ના શકે.

મધુબેન રસ્તો બતાવતાં રહ્યાં.ખ્યાતિ એક્ટીવા ચલાવતી રહી.એક બહુમાળી ફ્લેટના પરિસરમાં એક્ટીવા પાર્ક થયું.
ખ્યાતિને કંઈ સમજણ ના પડી.સાસુએ મધુબેનને "માસી" સંબોધનથી બોલાવવાનું ખ્યાતિને શીખવેલું.ખ્યાતિ ઝડપભેર બોલી,"મધુમાસી! આપણે કોના ઘેર જઈ રહ્યાં છીએ?"

મધુબેન મનોમન હસીને બોલ્યાં,"આપણા ઘેર ખ્યાતિ બેટા." 'બેટા' શબ્દે તો ખ્યાતિ સાવ અકળાઈ ગઈ પરંતુ એ ચૂપ રહીને મધુબેન પાછળ પાછળ ચાલવા લાગી. લીફ્ટમાં ચડીને મધુબેને પાંચમા માળનું બટન દબાવ્યું.
પાંચમા માળે આવેલ વીસમા નંબરના મકાનની મધુબેને ડોરબેલ વગાડી.બારણું ખુલ્યું એ સાથે જ ખ્યાતિએ મધુબેનની સાથે મકાનમાં પ્રવેશ કર્યો.
"અંદરથી એક સ્ત્રીએ ઘડીભર ખ્યાતિ સામે જોઈને પછી મધમીઠા સ્વરે આવકારતાં કહ્યું,"તમે ખ્યાતિભાભી છો ને? વેલ કમ ખ્યાતિભાભી વેલ કમ.... હું ઓળખી ગઈને તમને? લગ્ન વખતે તમને જોયાં હતાં ને!" કહીને એ સ્ત્રી ખ્યાતિને સોફા પર બેસાડીને પાણી ભરવા ગઈ.

વળી પાછા બેડરૂમમાંથી નિકળેલ યુવાને ખ્યાતિને આવકારતાં કહ્યું,"વેલ કમ ખ્યાતિ ભાભી! મમ્મી તમને અઠવાડિયાથી ઘેર બોલાવવાનું કહેતી હતી. ધૃવિલભાઈ અને માલતીમાસી કેમ ના આવ્યાં?"
" ખ્યાતિ તો અત્યારે ફક્ત મને મુકવા જ આવી છે, જમણવારનો કાર્યક્રમ તો સાંજે જ છે. હજી મેં માલતીબેનને જણાવ્યું પણ નથી."- દીકરાના પ્રશ્નનો જવાબ મધુબેને જ આપી દીધો.
ખ્યાતિને કંઈ સમજાયું નહીં.એ તો ચકળવકળ આંખે મકાન અને યુવાન સ્ત્રી પુરુષને જ જોઈ રહીં હતી. ત્રણ મોટા બેડરૂમ,મોટું રસોડું અને અને ખાસ્સો મોટો બેઠકખંડ ધરાવતું મકાન અને અને સુંદર રાચરચીલું જોઈને ખ્યાતિ અચંબામાં પડી ગઈ.

યુવાન સ્ત્રીએ ખ્યાતિને પાણી આપીને પછી એની જોડે બેઠક લીધી.ખ્યાતિએ પાણી પી લીધું એ સાથે જ યુવાન સ્ત્રી બોલી, "મારું નામ જાગૃતિ અને આ મારા પતિદેવ પંકજ. આ મારાં વ્હાલાં વ્હાલાં સાસુમા.એમને તો તમે ઓળખો જ છો. મારા સસરાજી અત્યારે ગામડે ગયેલ છે. તમે સાંજે જમવા આવશો એના પહેલાં એ આવી ગયા હશે.આમ તો લગ્ન વખતે મેં અને પંકજે તમને જોયાં હતાં અને તમારું પણ થોડુંઘણું ધ્યાન એ વખતે અમારા ઉપર પડ્યું જ હશે.
એ વખતે અમારે બન્નેને એક પ્રોજેકટ માટે બેંગ્લોર જવાનું હતું એટલે ધૃવિલભાઈને પરણાવીને ઘેર લાવ્યા એ વખતે જ હું અને પંકજ બેંગલોર જવા નિકળી ગયાં હતાં. એ વખતે અમારી ગેરહાજરી હોવાથી મમ્મીએ તમને અહીં ચા પાણી માટે નહોતાં બોલાવ્યાં."
સાવ મુંગી મંતર બની ગયેલી ખ્યાતિએ મોંમાં ભરાઈ ગયેલું થૂક ગળે ઉતારતાં કહ્યું," જાગૃતિબેન! તમે બન્ને જણ જોબ કરો છો?"

"જાગૃતિબેન નહીં પરંતુ જાગૃતિભાભી કહો."- કહીને હસી લેતાં જાગૃતિએ આગળ ચલાવ્યું,"હું એમસીએ થયેલી છું, જ્યારે પંકજ આઈટી એન્જિનિયર. અમે બન્ને એક જ કંપનીમાં છીએ અત્યારે." બહુ બોલકી જાગૃતિએ આગળ ચલાવ્યું," હું પરણીને સાસરીમાં આવી ત્યારે મેં બીસીએ સુધી જ અભ્યાસ કરેલ હતો.અહીં મારાં સાસુમાના આગ્રહથી પંકજે મને એમસીએ કરાવ્યું. એના પછી તો પંકજ જે કંપનીમાં નોકરી કરતા હતા તેમાં જ હું સિલેક્ટ થઈ ગઈ. એક વાત તો કહેવાની રહી ગઈ ભાભી. મારા અને પંકજનાં લગ્ન વખતે પુરા બે હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો.અમે મંત્રવિધિ સાથે ફેરા ફરીને એકબીજાના ગળામાં વરમાળા પહેરાવી હતી એટલે પાંચસો રૂપિયા મહારાજની દક્ષિણા ને દોઢ હજાર રૂપિયા બીજો ખર્ચ."

અનાયાસેય હસી પડી ખ્યાતિ. થોડીવાર રહીને ભાભી સંબોધન સાથે ખ્યાતિએ પ્રશ્ન કર્યા, "પગાર તો ખાસ્સો હશે જાગૃતિ ભાભી!"
બોલકી જાગૃતિએ પ્રત્યુતર વાળ્યો,"હા ભાભી,પંકજને નોકરીનાં છ વર્ષ થયાં. એનો વાર્ષિક પગાર સત્તર લાખ રૂપિયા છે, જ્યારે મને નોકરીનાં ત્રણ વર્ષ થયાં અને મારો વાર્ષિક પગાર અગિયાર લાખ રૂપિયા છે."
હજી ખ્યાતિનો મૂળ પ્રશ્ન તો યથાસ્થાને જ હતો.એણે પહેલી વખત થોઠી નર્વસતા સાથે મધુબેન તરફ નજર કરી. જાગૃતિ તો એની વાત પુરી કરીને ચા બનાવવા રસોડામાં ગઈ હતી.થોડે દૂર બેઠેલાં મધુબેનને ખ્યાતિની નર્વસતાનો અંદાજ આવી ગયો. તેઓ ઉઠીને ખ્યાતિ પાસે આવીને બેઠાં એ સાથે જ તૂટક તૂટક શબ્દોમાં ખ્યાતિએ વાક્ય અધુરું છોડ્યું,"માસી તમે ઘરકામ....."

મધુબેને થોડું હસી લીધું અને પછી બોલ્યાં,"સાંભળ ખ્યાતિ બેટા! હું, પંકજના બાપુ અને પંકજ ત્રેવીસ વરસ પહેલાં આ શહેરમાં આવ્યાં હતાં.પંકજ એ વખતે પાંચ વર્ષનો હતો. અમે હાથલારી પર ફળફળાદી વેચવાનો ધંધો શરૂ કર્યો.તમારાં સાસુ માલતીબેને એ વખતે અમને હાથલારી લાવવા માટે છ હજાર રૂપિયાનો ટેકો કરેલો. પછી તો મેં તમારાં સાસુને ઘેર ઘરકામ ઉપાડી લીધેલું.પંકજની કોલેજ વખતે પણ તમારા સસરા બેંક લોન માટે જામીન થયેલા ને પચાસ હજાર રૂપિયાનો ટેકો પણ કરેલો. આ મકાન બે વરસ પહેલાં જ લીધેલ છે. બેંક લોન છે પરંતુ આવતા સાત આઠ વર્ષમાં પુરી પણ થઈ જશે."

ચા લઈને આવેલી જાગૃતિએ મધુબેનની અધુરી વાત પોતાને હસ્તક લેતાં કહ્યું," માલતીમાસી છેલ્લા છ વર્ષથી બૂમો પાડે છે કે,'અલી મધુ! તારો છોકરો કમાતો થયો છે માટે આ ઘરકામ હવે છોડી દે, હું કોઈક બીજી કામવાળી બેનને શોધી લઈશ.' પરંતુ સાચું કહું ખ્યાતિ ભાભી! માસીએ મમ્મીને ક્યારેય 'કામવાળી' ગણ્યાં જ નથી. મમ્મી એમનો ઉપકાર ક્યારેય ભૂલી શકે એમ નથી.સાચું કહું તો માલતીમાસી મારાં સાસુમાને સગી મોટી બહેન માને છે. અમારુ ઘર આજે એમના લીધે જ ઉજળું છે. મમ્મીએ માસીને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધેલ છે કે,'માલતીબેન ! તને બીજી કોઈપણ કામવાળીનું કામ પસંદ નહીં જ પડે. તારા ઘેર વહુ આવે અને એ ઘરની બધી જવાબદારી ઉપાડી લે ત્યાં સુધી ઘરકામ તો હું જ કરીશ.' હા,ખ્યાતિ ભાભી,અને એટલે તો હું અને પંકજ પણ મમ્મીની વાતને અનુમોદન આપી રહ્યાં છીએ. બાકી દીકરો અને દીકરાની વહુ વરસે અઠ્ઠાવીસ લાખ રૂપિયા કમાતાં હોય એ એમને ઘરકામ માટે મોકલે ખરાં! અરે ભગવાન! હું ચિબાવલી વાતોમાં જ પડી ગઈ!"- - કહીને જાગૃતિ મધુબેનને એક બેડરૂમમાં ખેંચી ગઈ.

મનને હળવું કરવાનો ખ્યાતિને થોડો મોકો તો મળ્યો પરંતુ એ દરમિયાન મનના આવેગો એની આંખોને ભીની કરવા સતત મથી રહ્યા હતા.
પાંચેક મિનિટ પછી સાસુ વહુ બહાર નિકળ્યાં.મધુબેનના હાથમાં મોટું પાકીટ દેખાયું. એ પાકીટને ખોલીને તેઓએ ખ્યાતિને બતાવ્યું.વિચારશુન્ય ખ્યાતિને શું અંદાજ આવે? એ એટલું જ બોલી,"સરસ ડોકીયું છે માસી."
"ગમે છે ને ખ્યાતિ ભાભી? આજે સાંજે સહપરિવાર તમને અહીં જમવા બોલાવવાનાં છે એ વખતે તમને ભેટમાં આપવાનું છે.ઘાટ ગમે છે ને? ના ગમતો હોય તો બદલાવી દઈએ."- જાગૃતિ ખ્યાતિનો ખભો પકડીને બોલી.

બસ, પુરું થયું. ખ્યાતિના મનના આવેગો કાબુમાં ના રહ્યા.મધુબેનને પ્રથમ પગે પડીને અને પછી બાથમાં લઈને ખ્યાતિ સગી માને ભેટી રહી હોય તેમ આક્રંદ કરતાં કરતાં બોલી,"મને માફ કરો માસી. મેં તમને મનોમન કેટલાંય ધુત્કાર્યાં છે. મારાં સાસુમા પર પણ મેં અણગમો દર્શાવ્યો છે. આવા અણમોલ સંબંધો અને પરોપકારની ભાવનાને હું બીલકુલ ના સમજી શકી.મને માફ કરો માસીમા."
"અરે! રડે છે શું ખ્યાતિ બેટા!હજી તું ક્યાં એટલી મોટી થઈ ગઈ છે કે સંબંધોની લાંબી ગતાગમ પડે તને? છાની રહે હવે, નહીંતર બરડામાં એક ઝાપટ મારીશ."-મધુબેનનાં માનવીય લાગણીથી તરબોળ વાક્યોએ ખ્યાતિને ચૂપ કરી દીધી. આંસુ ભરેલી આંખોએ પણ હસી પડી ખ્યાતિ.
"જોયું ને ખ્યાતિ ભાભી? આ જ તો હોય છે વડીલોની પ્રાણવાયુ જેવી સમજ."- કહીને જાગૃતિએ ખ્યાતિને બાથમાં લીધી.

મધુબેનને એમના ઘેર મુકીને હવે પોતાના મૂકામ તરફ પરત ફરી રહેલ ખ્યાતિએ અત્યારે પણ એના મોં પર દુપટ્ટો લપેટી લીધો હતો.અત્યારે ફરક એટલો હતો કે, આંખોમાં ઉભરાયેલ પસ્તાવાનાં આંસુ કોઈની નજરે ના ચડી જાય.
એક્ટીવા પાર્ક કરીને દુપટ્ટો છોડતીક ને ખ્યાતિ ધૃવિલ સાથે વાતે વળગેલ માલતીબેનના પગ પકડીને રડવા લાગી."મને માફ કરો મમ્મી.તમારા અને મધુમાસી વિશે મેં કેવું કેવું ધારી લીધું?"
ધૃવિલ ફાંફે ચડી ગયો.તેં કંઈ કહેવા જાય એના પહેલાં તો માલતીબેને હોઠ પર આંગળી મૂકીને એને ચૂપ રહેવાનો ઈશારો કરી દીધો.ખ્યાતિની કાકલૂદી સાંભળીને માલતીબેને ટુંકમાં જ પતાવ્યું,"લે હવે,છાનીમાની ઉભી થઇ જા. મારે તને શીખામણ આપવાની જરૂર ઉભી થઈ હતી પરંતુ તને તો આપોઆપ બધું સમજાઈ ગયું! હવે ઉભી થાય છે કે પછી બરડામાં ઝાપટ મારું?"કહીને માલતીબેને ખ્યાતિને છાતી સરસી ચાંપી દીધી.

ધૃવિલ તો આ દ્રશ્યને જોઈ જ રહ્યો.એના હોઠ ખુલબંધ થઈ રહ્યા હતા પણ એ કંઈ કહી ના શક્યો. આખરે માલતીબેન જ બોલ્યાં,"આ અમારો સાસુ વહુનો મામલો છે. એમાં વધારે જાણવાની તારે કોઈ જરૂર નથી."
પછી તો ખ્યાતિએ પણ સાસુમાની છાતી પરથી માથું હટાવીને ધૃવિલને કહી જ દીધું," કંઈ નહી એ તો. હું મોટા ઢાંઢા જેવડી થઈ તોય હજી ઘરકામમાં આળસ કરું છું. હવેથી ઘરનું બધું જ કામ હું જ કરીશ. આજથી મધુમાસીની પણ છુટ્ટી."

ખ્યાતિનો અર્ધસત્ય જેવો પરંતુ પાપ છુટ્યો જવાબ સાંભળીને લાગણીમય બની ગયેલ માલતીબેન પણ બોલ્યા વગર કેમ રહી શકે?" હા,ખ્યાતિવહુ! આજથી બધું જ ઘરકામ તમારા માથે પણ એમાં એક શરત છે."
ખ્યાતિથી બોલી જવાયું,"કઈ શરત મમ્મી?"
"બીજી શરત તો શું હોય? પણ....."-કહીને માલતીબેન અટકી ગયાં. ધૃવિલ અને ખ્યાતિની ઈન્તેજારી વધતી ગઈ. બન્ને આતુરતાથી માલતીબેનને જોઈ જ રહ્યાં.
આખરે મૌન તોડતાં માલતીબેન બોલ્યાં," શરત એ છે ખ્યાતિવહુ કે, હું દાદી બનું ત્યાં સુધી જ તમારે બધું ઘરકામ કરવાનુ."
માલતીબેનું વાક્ય સાંભળીને ખ્યાતિ અને ધુવિલ ઘડીભર એકબીજાને જોઈ જ રહ્યાં....

લેખક -નટવરભાઈ રાવળદેવ (થરા)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."