આત્મા, ભ્રમણાં કે ભૂત..!

Related

આત્મા, ભ્રમણાં કે ભૂત..!

‘સાહબ આપકા ઠીકાના આ ગયા’
મેં જોયું તો સામે સામાન્ય ઘરને બદલે ભવ્ય બંગલો હતો. હું રિક્ષામાંથી નીચે તો ઉતર્યો પણ મને સમજાયું નહિ. આ બંગલો ધરમસિંહનો તો ના જ હોઈ શકે. રમાબાએ એડ્રેસ તો એ જ આપ્યું હતું.

૧૯૦૦ ડુમસ રોડ

‘યહી ઉન્નીસસૌ ડુમસ રોડ હૈ?’ મને શંકા હતી. મેં રિક્ષાવાળાને પુછ્યું.

‘હાં સાહબ યહી તો હૈ. દેખ લો સામને રોડ કા નામ હૈ ઔર યહી હૈ નંબર ઉન્નીસસૌ. અગર આપકો કહીં ઓર જાના હૈ તો મેં વહાં લે ચલું.’

આત્મા, ભ્રમણાં કે ભૂત! - નવલિકા
આત્મા, ભ્રમણાં કે ભૂત!

બહારના ગેઇટ પર ગુરખો ખુરશી પર બેસીને માવો ચાવતો હતો, ગેઇટની દિવાલ પર આરસની તક્તી પર નામ હતું ધરમસિંહ ગોહિલ. મેં રિક્ષા જવા દીધી.

ત્રીશ વર્ષ પહેલાં અમારી ઓફિસમાં ધરમસિંહ પટાવાળા તરીકે આવ્યો હતો. ખાખી યુનિફોર્મ પહેરતો પણ તહેવારને દિવસે કોઈકવાર રાજપુતી સાફો બાંઘીને આવતો. વળવાળી સોરઠી મુછો અને રંગીલા હસમુખા સ્વભાવે ઓફિસમાં એણે એની એક વિશિષ્ટ છાપ ઉભી કરી હતી. એના ઓફિસીયલ રેકોર્ડ પ્રમાણે એ માત્ર આઠ ધોરણ પાસ પણ સોરઠી લહેકા સાથે શુદ્ધ ગુજરાતી બોલતો. ખપ પુરતું અંગ્રેજી પણ બોલી શકતો. એની એક બીજી ખાસ વાત તો એ હતી કે એને કલાપીના બધા જ કાવ્યો કંઠસ્થ. વાત વાતમાં કલાપીના પંક્તિનો સંદર્ભ ટાંકે. અમારી ઓફિસની છોકરીઓ તો એને કલાપી જ કહે. એકવાર એક સિનિયર ક્લાર્ક છોકરીએ એને કહ્યું ‘કલાપી, ત્રણસો બે નંબરની ફાઈલ લાવ.’ એણે વિવેક પુર્વક કહ્યું. ‘ મેડમ, આપણે જ્યારે કાવ્યની વાતો કરીએ ત્યારે હસવામાં મને કલાપી કહો તેનો વાંધો નથી; પણ જ્યારે મારા પર હુકમ કરવાનો હોય ત્યારે મને કલાપી આમ લાવ, તેમ લાવ, એમ નહિ કહેવાનું. એ અમારા રાજવી કવિનું અપમાન કહેવાય.

આલ્તુ ફાલ્તુ સરકારી નોકર કવિવર સુરેન્દ્રસિંહને તુ-તાં કહે એ યોગ્ય ન કહેવાય. મિસીસ દેસાઈ તો એની વાત સાંભળીને આભા જ થઈ ગયા. ત્રીસ વર્ષનો તરવર્યો યુવાન ઘરમસિંહ મહેનતું, વિનમ્ર છતાં સ્વમાની.

છએક મહિના પછી ધરમસિંહે મને કહેલું, ‘સાહેબ, બે રૂમનું ઘર કે એપાર્ટમેન્ટ મેળવી આપોને. દેશમાંથી બૈરાં છોકરાં આવે છે.’

સદ્ભાગ્યે અમારા એપાર્ટમેંટ બિલ્ડિંગની સામેની ચાલીમાં જ એક જગ્યા ખાલી થઈ હતી. એનો માલિક મારી ઓળખાણ વાળો હતો. અમારે ત્યાંની કામવાળી બાઈ એમાં રહેતી હતી. એનો વર ગુજરી ગયો અને તે મહારાષ્ટમાં ચાલી ગઈ હતી. બે નાની ઓરડી અને રસોડું હતું. ચાલીના માલિકે રંગરોગાન કરાવીને એનું ભાડું ત્રણ ઘણું કરી નાંખ્યું હતું.

‘ધરમસિંહ, સરસ જગ્યા છે પણ ભાડું પોષાશે?’ સુરત આમ પણ એક મોંધું અને મોટું શહેર. મકાનભાડા પણ મોંઘા, મને એનો પગાર ખબર હતો અને પટાવાળા માટે એપાર્ટમેંટનું ભાડુ ઘણું વધારે કહેવાય.

‘સાહેબ કંઈક વ્યવસ્થા તો કરવી જ પડશેને? હેમાને કંઈ કામ મળી જાય તો તો વાંધો નહિ આવે.

હું પણ ઓફિસ અવર્સ પછી કંઈ કામ શોધી કાઢીશ.’ મેં ધરમસિહને મારો રેફરન્સ આપી બે ઓરડીવાળી જગ્યા અપાવી દીધી. એમાં થોડો અમારો પણ સ્વાર્થ હતો. અમને ઘરકામ કરવાવાળી બાઈની જરૂર હતી. બે ત્રણ મિત્રોને ત્યાં એની ઘરવાળી હેમાને કામ અપાવી દઈશું એવી મારી ગણત્રી હતી.

ધરમસિંહનો સામાન અને પરિવાર આવી ગયો. સામાન પણ ગોઠવાઈ ગયો.

બે દિવસ પછી ઓફિસમાં ધરમસિંહને મેં પુછ્યું, ‘બધું બરાબર સેટ થઈ ગયું ને?’

‘હા સાહેબ, થેંક્યુ.’

‘એક તારા લાભની વાત છે. તારા ફેમિલીને લઈને સાંજે મારે ત્યાં આવજે. આપણે વાતો કરીશું.’

અને એ સાંજે મારા એપાર્ટમેંટનો બેલ વાગ્યો.

બારણું ખોલ્યું. સામે ઘરમસિંહ, બે મહિલા અને એક છ-સાત વર્ષના બાળક સાથે ઉભો હતો. બન્ને મહિલાઓની સાડી અને દેખાવ ઉપરથી એઓ કામવાળી કક્ષાની મહિલાઓ તો ન જ હતી. અમે આવકાર આપ્યો. એક મહિલા સહેજ મોટી ઉમ્મરની અને બીજી મહિલા જરા યુવાન હતી. ઘરમસિંહે ઓળખાણ કરાવી.

‘સાહેબ આ મારા મોટા ઘરવાળા રમાબા અને આ મારા નાના ધરવાળા હેમા. આ અમારો પ્રિન્સ રાજસિંહ’

અમે એક માનસિક આંચકો અનુભવ્યો. ધરમસિંહને બે પત્ની? અમારી નજરનું આશ્ચર્ય અને ન પુછાયલો સવાલ ધરમસિંહ સમજી ગયો.

‘સાહેબ, ભલે જમાનો અને કાયદાઓ બદલાયા છે પણ અમારા કેટલાક ગોહિલ પરિવારમાં બે ત્રણ પત્નીઓ હોય એની નવાઈ નથી. રમાબા અને હેમા બન્ને સગ્ગી બહેનો છે. હું પાંચ વર્ષનો હતો ત્યારે જ અમારા લગ્ન થઈ ગયેલા. અમે નાના હતાં ત્યારે સાથે રમતાં પણ ખરા અને નિશાળે પણ સાથે જતાં. રમાબા મારા કરતાં ચાર વર્ષ મોટા છે હેમા અને હું સરખાં.
મારી પંદર વર્ષની ઉમ્મરે બન્નેનું આણું કરેલું. અમારા રજવાડા અને ગામ ગરાસ તો સરકારે લઈ લીધેલા. બાપા પોલિસની નોકરી કરતા. મારી સોળ વર્ષની ઉંમરે બાપા ગુજરી ગયા. જે થોડું ઘણું હતું તે પિત્રાઈ મોટાઠાકુર બાપાએ પડાવી લીધેલું. મેં ભણવાનું છોડી ઓટો ગરાજમાં કામ કરવા માંડ્યું. રમાબાએ સાત ધોરણ પછી ઘરે જ એમ્બ્રોઈડરી, આભલા ભરતકામ કરવા માંડ્યું હતું. હેમા ભણવામાં હોંશિયાર હતી. દરેક ધોરણમાં પહેલા નંબરે પાસ થતી હતી. અમારા ઠકરાણી રમાબા નવા જમાનાના. કહેતા કે જમાનો બદલાઈ ગયો છે.
ઘરમાં એક તો ભણેલું હોવું જ જોઈએ. ભલે મારાથી કે રમાબાથી ન ભણાયું પણ હેમાને બી.એ. સુધી ભણાવી. સાહેબ કંઈ ઓળખાણ લાગવગ હોય તો હેમાને કોઈ સ્કુલમાં નોકરી અપાવી દ્યોને.’

ભલે ધરમસિંહ ઓફિસમાં પિયુન કક્ષાનો નોકરીયાત હોય પણ ચોક્કસપણે રમાબા કે હેમાને અમારા ઘરમાં વાસણ લુઘડાં કે પોતા કરવા તો રખાય એવું કુટુંબ તો ન જ હતું. અસલની રાજપૂતી ખુમારી વાળા માણસો લાગ્યાં. હળવી વાતો શરૂ થઈ.

‘રમાબા, આપને ખબર નહીં હોય પણ ઓફિસમાં બધી છોકરીઓ ધરમસિંહજીને કલાપી કહે છે.

વાતવાતમાં કહે છે કલાપીજીએ કહ્યું છે કે….બસ એકાદ કવિતા ઠોકી દે છે. બિચારી છોકરીઓને ક્યાંથી ખબર હોય કે રેવેન્યુ ઓફિસના કલાપીજીના ઘરમાં બે ઠકરાણીઓ પણ છે. અને તેમાં ખરેખર એક તો રમાબા પણ છે.’

‘એ છોકરીઓમાં કોઈ મોંઘી કે શોભના નામની છોકરી હોય તો કહેજો. અમારા કલાપીજીનો આત્મા શોભના વગર તડપે છે.’

‘ધરમસિંહજી, તમે ઓફિસમાં આવ્યા તે પહેલાં એક શોભનાબેન હતાં. એ પણ કવયિત્રી હતાં. પણ એ સાંઠ વર્ષે રિટાયર્ડ થઈ ગયા. એ વાતને પણ આજે પાંચ વર્ષ થઈ ગયા. એ જો હોત તો તમને મજા આવી જાત’

‘સર! થેંક્સ ગોડ, એ બહેન નિવૃત્ત થઈ ગયા. અમારી વચ્ચે કોઈ શોભના કે મોંધી આવીને ભરાઈ નથી. અમે ભરાવા પણ ન દઈએ. સર આપને કદાચ ખબર ન હોય પણ કલાપીજીએ શોભના સાથેલગ્ન કર્યા પછી અઠવાડિયામાં ત્રણ દિવસ શોભના માટે ફાળવ્યા હતા અને બબ્બે દિવસ રમાબા અને આનંદીબા માટે ફાળવાયા હતા. અમે તો સાતે ય દિવસો ત્રણે જણા સાથે ને સાથે જ’ હેમાએ રોમેન્ટિક વાત કહી દીધી.

‘હવે અમારી વચ્ચે કોઈ શોભલીને મારાથી કેમ કેમ બરદાસ્ત થાય! રમાબા મર્માળુ હસ્યા.

અને ધરમસિંહ મૂડમાં આવી ગયો. અમારી શરમ રાખ્યા વગર કલાપીની પંક્તિઓ એક કવિની

અદાથી લલકારી.
“ન થા ન્યારીઃ ન થા ઘેલી, ન થા વ્હેમીઃ ન થા મેલી!
કરી મ્હારું હૃદય તારું, હવે શંકા પ્રિયે શાની?”


‘વાહ વાહ’ અમારે દાદ દેવી જ પડે.
એણે બન્નેનો હાથ હાથમાં લઈને એના દિલની વાત કહી

“તુંને ન ચાહુ, ન બન્યુ કદી એ તેને ન ચાહું, ન બને કદીએ;
ચાહું છું તો ચાહીશ બેયને હું. ચાહું નહીં તો નવ કોઈને હું.”


અમારી પહેલી જ મુલાકાતમાં એનો પરિવાર અમારો આત્મીય બની ગયો. ભાવનગરમાં ઓટો ગરાજવાળો ધરમસિંહનો સગો જ હતો. એણે આ ભલા માણસનું શોષણ કર્યું હતું. ખૂબ કામ કરાવતો પણ પૈસા ખાસ આપતો નહિ. રમાબા અને હેમાએ સમજાવીને સરકારી નોકરી શોધવાની પ્રેરણા આપી. એને અમારા ડિપાર્ટમેંટમાં પટાવાળાની નોકરી મળી. નોકરી સ્વીકારી લીધી અને ગોહિલ કુટુંબ સુરત આવી ગયું.

પછી તો, એકાદ મહિનામાં જ અમારો અમેરિકાનો વિઝા કોલ આવ્યો અને હું મારી પત્ની સાથે અમેરિકા ઉપડી ગયો. મારી પત્ની જે ઓફિસમાં કામ કરતી હતી ત્યાં એની જગ્યા પર હેમાને નોકરી અપાવી દીધી.

ત્રીશ વર્ષ પછી હું સુરત આવ્યો. મારું સુરત બદલાઈ ગયું હતું. ભાળ મેળવતાં મેળવતાં રમાબાનો ફોન મળ્યો. વાત થઈ. ભાવભીનું આમંત્રણ મળ્યું. અને હું ઓગણીશસો નંબરના ભવ્ય બંગલા સામે આવીને ઉભો રહ્યો.

ગુરખાને મેં મારું નામ કહ્યું. એને મારા આગમન સુચના મળી ગઈ હશે. સલામ કરીને એ મને બંગલાના પ્રવેશદ્વાર સુધી દોરી ગયો. હેમા અને રમાબાએ નમસ્કાર અને આલિંગન સાથે સ્વાગત કર્યું. બંગલાનો ઠાઠમાઠ રજવાડી હતો. ચોક્કસપણે અમેરિકામાં હું કમાયો હતો તેના કરતાં મારો એક સમયનો પટાવાળો ધરમસિંહ અનેક ઘણું કમાયો હોવો જોઇએ.

થોડી ઔપચારિક વાતો થઈ.

‘લાગે છે કે ભાવનગર કરતાં આપ સૌને સુરત વધુ સદી ગયું.’

‘હા સાહેબ, અમે સુરતમાં ઘણું પામ્યા અને ઘણું ગુમાવ્યું. હેમાએ જવાબ આપ્યો.’

સામેની દિવાલ પર ધરમસિંહનું રમાબા અને હેમા સાથેનું ફુલ સાઈઝનું રજવાડી ઓઈલ પેઈન્ટિંગ હતું.

“ધરમસિંહ?” મનમાં તો અનેક સવાલો હતા પણ માત્ર એક શબ્દે પૃચ્છા વ્યક્ત કરી.

“હા છે. હું આપને એની પાસે લઈ જઈશ પણ એઓ માનસિક રીતે સ્વસ્થ નથી, એ કોઈને મળતા નથી. ડિપ્રેશનમાં છે. કદાચ તમને ન પણ ઓળખે કે વિચિત્ર વાત કરે તો મુંઝાશો નહિ.”

હેમા મને ત્રીજે માળે લઈ ગઈ. એક સભાખંડ જેવો રૂમ હતો, નાનું સ્ટેજ અને માઈક હતું. એક દિવાલ પર કલાપીનું મોટું પોર્ટરેટ હતું. ઠેર ઠેર કલાપીજીના પુસ્તકો વેરાયલા પડ્યા હતા. અમે રૂમમાં પ્રવેશ્યા. ધરમસિંહનો દેખાવ કલાપીના જેવો જ હતો.

“અમેરિકાથી સાહેબ આવ્યા છે. તમે ઓળખ્યા?” હેમાએ ધરમસિંહને પુછ્યું.

“આનંદીબા, કોણ કાન્ત આવ્યા છે? પધારો મણિશંકરજી”

‘ના ના, આતો આપણા રેવેન્યુ ઓફિસવાળા રમેશભાઈ સાહેબ.’

‘હા હા, હવે યાદ આવ્યું. તમે તો મારા ગોવર્ધનરામ. આવો આવો. આપણે તો ઘણી વાતો કરવાની છે. સરસ્વતિચંદ્રના ચોથા ભાગનું પ્રકાશન કેટલેક આવ્યું?’

‘ના, ગોવર્ધનરામ નથી આપણી સામેના એપાર્ટ્મેન્ટ બિલ્ડિન્ગમાં રહેતા હતા એ રમેશભાઈ છે.’ હેમાએ મારી ઓળખાણ આપવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.

‘કોંણ? રામજી ખવાસ? રોહાથી શોભનાને મુકવા આવ્યો છે?’

ધરમસિંહે મને ન ઓળ્ખ્યો. એનું ખસી ગયું એવું લાગતું હતું. લમણાંઝિંક કરવાનો અર્થ ન હતો. વધુ સમય થોભવાનું યોગ્ય ન લાગ્યું. ત્રીશ વર્ષ પહેલાંનું કુટુંબ ન હતું. અમે દાદર તરફ વળ્યા.

અને મારી પીઠ પાછળ સંભળાયું

‘રમેશભાઈ, ભલે ઓળખું ના ઓળખું હું આપને પણ, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની.’

પછી એક અટ્ટહાસ્ય. ધરમસિંહ બરાડતો હતો ‘આનંદીબા, રમાબાને કહો કે જલ્દી ત્રણ પેંડા મોકલે.

મારાથી શોભના વગર ન જીવાય.’ અમે નીચે ઉતરી ગયા.

‘ધરમસિંહને એકદમ શું થયું?’

રમાબાએ વાત માંડી.

‘સાહેબ, તમારી વાત એક રીતે સાચી છે. અમને સુરત ફળ્યું. તમારા ગયા પછી ઠાકુરજીએ ઓફિસથી આવીને રિક્ષા ફેરવવા માંડી. એક રીક્ષા ખરીદી અને તે ભાડે આપી. પછી તો એકમાંથી અનેક રિક્ષા થઈ. મારો સોરઠી બુટિક બિઝનેશ પણ ખુબ ચાલ્યો. ઠાકુરજી એક ટ્રકિંગ કંપનીમાં ભાગીદાર થયા અને પછી આખી કંપની અમે લઈ લીધી. ઠાકુરજીનો પરિશ્રમ અને અમારી બન્નેની મેનેજમેન્ટમાં ઘણો આર્થિક વિકાસ થયો. આ કલાપી ભુવન એમનું સ્વપનું હતું. દર રવિવારે તમે જે રુમમાં તમારા મિત્રને મળ્યા તે રૂમમાં મુશાયરાઓ થતાં. કવિસંમ્મેલનો થતાં. ડાયરાઓ થતાં.

અમને એમાં રસ ન હતો. અમે અમારી સમૃધ્ધિ વધારવામાં પડ્યા હતાં.’

‘ચારેક વર્ષ પહેલાં એક વીશ-બાવીશ વર્ષની સુંદર છોકરી અમારી ટ્રકિંગ કંપનીની ઓફિસમાં ક્લાર્ક તરીકે આવી. એનું નામ શોભના. અને એને જોતાં જ તમારા મિત્ર ધરમસિંહના મગજ પર અસર થઈ ગઈ. એને વળગી પડ્યા. ઓહ મારી શોભના આવી ગઈ. બિચારી છોકરી ગભરાઈ ગઈ. હેમા ઓફિસમાં જ હતી. હેમાએ એમને છૂટા પાડ્યા. છોકરીને ધરમસિંહજીના કલાપી પ્રેમની વાતો સમજાવી. છોકરી ગરીબ ઘરની હતી. નોકરી કરતી હતી અને કોલેજમાં ભણતી પણ હતી. ઘરમસિંહે માફી પણ માંગી.’

‘પછી તો હેમાની ગેરહાજરીમાં શોભનાને પોતાની કેબીનમાં બોલાવીને કલાપીના કાવ્યો સમજાવવા માંડ્યા. કોલેજની છોકરી બિચારી સર, સર કરીને સાંભળે. પછીતો એને પણ મજા પડવા માંડી.

શોભનાએ પણ રવિવારના કાવ્ય સંમેલનમાં આવવા માંડ્યું. એક રવિવારે ખૂબ વરસાદ પડ્યો હતો.

ઠાકુરજી જાતે શોભનાને ઘરે મુકવા ગયા. અને રાત્રે એને ત્યાં જ રોકાઈ ગયા. બીજી સવારે આવ્યા ત્યારથી બે જ લાઈન ગણગણતા હતા’

“યારી ગુલામી શું કરું તારી? સનમ!
ઓફિસમાં પણ એ જ ચાલુ રહ્યું. હેમાને આ વાતની ખબર પડી. અમે શોભનાને અમારા બંગલે બોલાવી. ‘શોભના શું વાત છે?’

‘મેડમ, રાત્રે સર મને મુકવા આવ્યા હતા. બસ આખી રાત મને સામે બેસાડી કવિતાઓ જ ગાયા કરી. પછી મને કહે કે હું ધરમસિંહ નથી હું તારો કલાપી છું. હું ધરમસિંહ ગોહિલ નથી, હું સુરસિંહજી ગોહિલ છું. તું જ મારી શોભના છે. તું જ મારી કવિતા છે. મેડમ હવે હું એમને સમજી શકું છું.

એમની ભાવુકતા મને ગમે છે. એઓ જ્યારે મારો હાથ પકડી મારી આંખોમાં આંખ ઢાળીને જે રીતે એમની લાગણી વહેતી કરે છે તેમાં મને કલાપીના દર્શન થાય છે. હું ભૂલી જાઉં છું કે એઓ મારા બોસ ધરમસિંહજી છે. એમની વાતો અદ્ભૂત છે. એમની મૃદુતા વર્ણવી ન શકાય, માત્ર માણી જ શકાય. આઈ લવ હિમ.’

‘સાહેબ, અમારો દીકરો રાજસિંહ ડોક્ટર થયો છે. એણે સલાહ આપી વાત આગળ વધે તે પહેલાં ડેડીને એ છોકરીથી જૂદા પાડો. ડેડીને હેલ્યુસિનેશનનો પ્રોબલેમ છે. એમને સાઇકિયાટ્રિક ટ્રિટમેન્ટની જરૂર છે. હેમા તમારા મિત્રને મહાબળેશ્વર લઈ ગઈ. દરમ્યાન મેં શોભનાને સમજાવી પટાવીને થોડા પૈસા ઘરેણાં આપીને અમારા ઓળખીતા ટ્રક ડ્રાઈવર રામસિંહ સાથે પરણાવીને રાજકોટ રવાના કરી દીધી. જ્યારે મહાબળેશ્વરથી પાછા આવ્યા ત્યારે એને ખબર પડી કે શોભના કોઈક સાથે

નાસી ગઈ છે. ત્યાર પછી મારી સામે કાયમ રડતા રહ્યા. મને કહેતા, રમાબા તમે જ મારી શોભનાને રામજી ખવાસ સાથે નસાડી છે. પાછી બોલાવો એને. અગર વિષનો પ્યાલો દો મને. બસ આમને આમ ધરમસિંહ માનસિક સમતુલા ગુમાવતા ગયા. એઓ પોતાને કલાપી માનતા થઈ ગયા. ખરેખર એઓ ધરમસિંહજ છે. એ સુરસિંહજી ગોહિલ નથી. હું ધરમસિંહજીની રમા છું. કલાપીની રમા નથી. હેમા એ મારી બહેન હેમા જ છે કલાપીની બીજી પત્ની આનંદી નથી. અને બિચારી શોભના કલાપીની શોભના નથી. હવે એ સભાખંડમાં જ પડી રહે છે. ધમકાવીને ખવડાવીએ છીએ. દર અઠવાડિયે ડોક્ટર આવીને તપાસે છે. સિઝોફ્રેનિયાનું ઈંજેકશન આપી જાય છે. હેમા બિઝનેશ સંભાળે છે. ઘરમાં હું અમારા પતિદેવને સંભાળું છું.

એક ટૂંકા સમયમાં મિત્ર બની ગયેલા ધરમસિંહને ત્રીશ વર્ષ પછી મળવા આવ્યો હતો. મન ખિન્ન થઈ ગયું. મેં કહ્યું ‘રમાબા, હેમા, હું હવે વિદાય લઈશ’

‘રાજપૂતના ખોરડામાં આવેલો મહેમાન વાળુ કર્યા વગર પાછો જાય તો અમારી મહેમાનગતી લાજે.’

‘ના, આજે તો નહિ, સમય હશે તો અમેરિકા જતાં પહેલાં જરૂર આવીશ.’

હું બંગલાની બહાર નીકળ્યો. ગેઇટ બહાર રિક્ષાની રાહ જોતો ઊભો રહ્યો. વીશ પચ્ચીસ મિનિટ થઈ ગઈ પણ એકેય ખાલી રિક્ષા ન દેખાઈ. સામાન્ય રીતે હું મારા મિત્રની કારમાં જ ફરતો હોઉં પણ આજે એની કાર રિપેરમાં હતી. મેં બંગલાના ગરાજ પાસે બે મોટી કાર જોઈ હતી. વિચાર આવ્યો હેમાને કહીશ તો એ મને મૂકી જશે. મેં પીઠ ફેરવી.

બંગલો ન હતો. ગુરખો ન હતો. એક અવાવરું જગ્યા હતી. તેમાં એક બળેલું તૂટેલુ મકાન હતું. એના ભાંગેલા ઓટલા પરથી સફેદ લૂગડામાં હાડપિંજર જેવી બે મહિલાઓ હાથ હલાવીને મને વિદાય આપતી હતી. હું ધૂજી ઉઠ્યો. સદ્ભાગ્યે એક ખાલી રિક્ષા આવી અને હું બેસી ગયો. રિક્ષાવાળાએ પુછ્યું

‘સાહેબ આપ અહિ પહેલી વાર આવો છો?’ મેં કહ્યું ‘હા’.

‘તમે અહિ ક્યાં ભૂલા પડ્યા? આ જગ્યાએ, એક સમયે એક કાઠિયાવાડીનો આલીશાન બંગલો હતો.

એની બે પત્નીઓ હતી. તેમાંની મોટી પત્નીએ એના વરને ઝેરી પેંડા ખવડાવીને મારી નાંખ્યો હતો.

પછી એમાં આગ લાગી હતી. બન્ને સ્ત્રીઓ એમાં ભૂંજાઈ ગઈ હતી’

મારે કશું જ સાંભળવું ન હતું. હું હજુ પણ ધ્રૂજતો હતો. શું મારો ધરમસિંહ ગોહિલ કલાપીનો આત્મા હતો? મારી ભ્રમણાં હતી કે મેં ધરમસિંહનું ભૂત જોયું હતું?

~પ્રવીણ શાસ્ત્રી

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."