"ચિરાયુ ની ચિર આયુ"
લીમડીના સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત પરિવારોમાં મોખરાનું સ્થાન ધરાવતા રાજુલબેન દીવાનના એકના એક દીકરા ચિરાયુની નવી નક્કોર બુલેટ બાઈક આજે શિવજીના મંદિરથી ચોરાઈ ગઈ. એટલે એણે પોતાનો બધો ઉશ્કેરાટ રાજુલબેન પર કાઢતા કહ્યું, "મમ્મી, એટલે જ હું તમને કહેતો હતો કે મારે કોઈ મંદિર-ફંદિરમાં નથી જવું, પણ તમે માન્યા નહીં અને મારી બાઈક ગઈ, હવે હું કોલેજમાં કેવી રીતે જઈશ?".
ચિરાયુ ની ચિર આયુ
રાજુલબેનને પણ ક્ષણિક દુઃખની લાગણી થઈ આવી પણ પોતાના મનોબળ પર કાબુ મેળવીને એ બોલ્યા, "બેટા જરા ધીરજ રાખ અને આજુબાજુ સરખું જોઈ આવ, કદાચ કોઈ સજ્જન વ્યક્તિએ તારી બાઇકને અહીંથી ઉઠાવીને કોઈ વ્યવસ્થિત જગ્યાએ મૂકી હશે.". ચિરાયુ રઘવાટમાં આજુબાજુ લગભગ અડધા કિલોમીટરના વિસ્તારમાં જોઈ આવ્યો પણ એની બાઈક ક્યાંય ન દેખાણી.
છેવટે તેઓ પોલીસમાં જઈને ફરિયાદ નોંધાવી આવ્યા અને ઘરે આવીને ચિરાયુને શાંતવન આપતા રાજુલબેન બોલ્યા, "બેટા ચિંતા નહીં કર, તારી બાઈક જરૂર મળી જશે અને નહીં મળે તો આપણે બીજી બાઈક લઈ લઈશું". "બીજી બાઈક?". ચિરાયુનો ગુસ્સો હજુ શાંત થયો ન હતો, "મમ્મી તમને ખબર છે આ બુલેટ બાઈક માટે આપણે છ મહિના રાહ જોઈ હતી, તો શું હવે બીજા છ મહિના રાહ જોવાની?".
"બેટા, ભગવાન પર ભરોસો રાખજે, મારો હરિ જે કરે એ સારા માટે જ કરે". રાજુલબેને ચિરાયુને શાંત કરવાની કોશિશ કરી, પણ ચિરાયુ બોલ્યો, "મમ્મી તમે પણ કેવી વાહિયાત વાતો કરો છો! અરે, મારી બ્રાન્ડ ન્યૂ બાઈક મંદિરમાં તમારા ભગવાનની દેખતા જ કોઈ ચોરી જાય અને તમે કહો છો કે એ જે કરે તે સારા માટે?". ચિરાયુના ગુસ્સાભરી નાસ્તિકતાની આગમાં વધુ દલીલનું ઘી ન ઉમેરવાના આશયથી રાજુલબેન ચુપ રહ્યા.
એમની એ રાત દીકરાના અજંપાની ચિંતામાં વીતી, પણ વહેલી સવારે ફોનના રણકાર સાથે અર્ધ નિંદ્રામાંથી આંખ ચોળતા ચોળતા એમણે ફોન ઉપાડ્યો. સામે છેડેથી પોલીસ ઇન્સ્પેકટર જાડેજા સાહેબના વાક્યે તેમને સંપૂર્ણપણે જાગ્રત કરી દીધા, "દિવાનબેન, તમારી બાઇક મળી ગઈ છે!". "ઓહ, અમે હમણાં જ આવીએ છીએ", આશ્ચર્યનો આંચકો પચાવવાની કોશિશમાં તેઓ માત્ર એટલું જ બોલી શક્યા.
"હા જરૂર આવો, પણ તમને ફક્ત એટલું જણાવી દઉં કે તમારી બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો છે, એટલે વ્યવસ્થિત રીતે એની ઓળખ આપવા માટેના બધા કાગળિયા લઈને આવજો". ઇન્સ્પેક્ટર જાડેજાના આ વાક્યે રાજુલબેનને ગંભીર વિમાસણમાં મૂકી દીધા, "એટલે તમે કહેવા શું માંગો છો સાહેબ?". "દિવાનબેન, તમારી બાઇકને ગંભીર અકસ્માત થયો છે", જાડેજાએ અર્ધ ખુલાસો કર્યો.
રાજુલબેનની મૂંઝવણમાં વધુ ગૂંચવણ ઊભી થઈ, પણ પોતાના મનોબળ પર કાબુ મેળવી એમણે પૂછ્યું, "કોણ હતો એના પર સવાર અને શું થયું એને?". "મેડમ, આપણા બાજુના ગામનો કોઈ જુવાન હતો અને એ તમારી બાઇક ચોરીને ભાગી રહ્યો હતો, પણ હાઇવે પાસે એક ટ્રક સાથે અકસ્માત થતાં એ પકડાઈ ગયો. અત્યારે અમારી કસ્ટડી હેઠળ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને કદાચ એ હોશમાં પણ આવી ગયો છે".
ઇન્સ્પેક્ટર જાડેજાના આ વાક્યોથી રાજુલબેન એકદમ સુન્ન થઈ ગયા, પણ જાડેજાની વાત સાંભળીને તેઓ પાછા સજાગ થઈ ગયા, "દિવાન બેન, આપ અહીં પોલીસ સ્ટેશન આવી જાવ, તમારી બાઈકની ઓળખાણ કરી લો અને પછી આપણે એ છોકરાં વિરુદ્ધ એફ.આઈ.આર. નોંધીને એની સામેની આગલી કાર્યવાહી શરૂ કરી શકીએ.".
"ના સાહેબ, થોભો. પહેલા મારે એ છોકરાને મળવા જવું છે જેણે મારા દીકરાની બાઈક ચોરી હતી". ખૂબ જ સહેજતાથી રાજુલબેને જવાબ આપ્યો અને તરત તૈયાર થઈને ચિરાયુ સાથે હોસ્પિટલ પહોંચી ગયા. ત્યાં હાજર પોલીસ હવાલદાર તરત એમને જનરલ વોર્ડમાં લઈ ગયા, જ્યાં અર્ધબેહોશીની હાલતમાં પલંગ પર પડેલા એ યુવાન પાસે પહોંચી રાજુલબેને ખૂબ જ પ્રેમાળ ભાવે પૂછ્યું, "શું નામ છે બેટા તારું?".
સહેજ આશ્ચર્ય ભાવે એ યુવાને જવાબ આપ્યો, "ગૌતમ જોશી. આપ કોણ છો મેડમ બા?". "હું રાજુલબેન દીવાન, અને આ મારો દીકરો ચિરાયુ છે જેની બાઈક પર તારો એક્સિડન્ટ થયો". રાજુલબેનનો આટલો સહજ જવાબ ગૌતમથી જીરવાયો નહીં અને મનમાં ઉદ્ભવેલી દોષિત લાગણી એના ઉપર હાવી થઈ ગઈ, એટલે એ પલંગ પર જ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો.
"અરે, અરે બેટા શું થયું? આમ અચાનક રડવાનું કારણ શું છે, મેં ક્યાં તને કાંઈ કીધું છે?". રાજુલબેન પણ ભાવુક થઈ ગયા, પણ ગૌતમે રડવાનું ચાલુ જ રાખ્યું અને હાથ જોડીને બોલ્યો, "મેડમ બા, મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પણ હું કોઈ રીઢો ચોર નથી".
"અરે, અમે ક્યાં કહીએ છીએ કે તું ચોર છે! તારો આ માસૂમ ચહેરો જોઈને જ હું જાણી ગઈ હતી કે તું કોઈ ગુનેગાર છે જ નહીં, અને આ તારા આંસુ છે ને બેટા, એ તો સ્વર્ગથી ઉતરેલું તારા પશ્ચાતાપનું એ પવિત્ર ઝરણું છે જેમાં તારો આ ગુન્હો ઓગળી ગયો છે. પણ બેટા, જો બહુ જ અંગત ન હોય તો પ્લીઝ મને જણાવ કે તે બાઈક શા માટે ચોરી?".
રાજુલબેનના ભાવભર્યા વર્તનથી ગૌતમને થોડી ધરપત વળી, "મેડમ બા, હું સુરેન્દ્રનગરમાં રહું છું અને છેલ્લા છ મહિનાથી નોકરી માટે અહીંયા ત્યાં ભટકું છું. મારી મમ્મી બીજાના ઘરે રસોઈ કરે છે અને મારી બેન ઘરેથી સીવણ કામ કરીને અમને ઘર ચલાવવામાં મદદ કરે છે. એનું સગપણ નક્કી થયું છે અને હવે લગ્નની તારીખ નક્કી કરવા માટે એના સાસરિયાવાળા કરિયાવરમાં જેટલું માંગે છે એટલું ભેગું કરવામાં અમને ખૂબ તકલીફ પડી રહી છે.
મારી પાસે કોઈ નોકરી નથી અને અમારા પરિવાર ઉપર પપ્પાના નામની છત પણ નથી. બેનના સાસરિયાવાળા ખૂબ જ અધીરા થઈ ગયા છે અને જો એમની માંગ પૂરી નહી કરી શકીએ તો એ લોકોએ સગપણ તોડી નાખવાની ધમકી આપી છે. કાલે સવારે શિવજીના મંદિરમાં તમે બાઈક ઉપરથી પડ્યા ત્યારે હું પણ ત્યાં હાજર હતો અને હું પણ બીજા લોકોની સાથે તમારી મદદે આવું ત્યાં સુધીમાં તમે મંદિરમાં જવા રવાના થઈ ચૂક્યા હતા.
ત્યાં જ મારી નજર અચાનક તમારા દીકરાની બાઈક ઉપર પડી. એકદમ નવી નક્કોર, હાર ચડાવેલી બાઇકને હું ટીકી ટીકીને જોઈ રહ્યો અને ત્યાં જ મારી નજર બાઈકમાં ભરાવેલી ચાવી પર પડી. બે ઘડી મને સમજાયું જ નહીં કે હું શું કરું? મેં તમને મંદિરમાં પ્રવેશતા જોયા એટલે મારા મનમાં એક દોષિત વિચાર સૂઝ્યો. મને એમ થયું કે શું શંકર ભગવાનનો આ સંકેત છે કે આ બાઈક હું લઈ જાઉં અને એને બજાર કરતા ઓછા ભાવે વેચીને એના પૈસામાંથી મારી બેનનો કરિયાવર પૂરો કરું?".
"ઓહ, તો એમ વાત છે!", રાજુલબેને ઊંડો નિઃસાસો નાખ્યો, પણ ચિરાયુ પોતાનો ગુસ્સો રોકી ન શક્યો, "પણ શું ફાયદો થયો તને? મારી બાઈકની તો સત્યાનાશી થઈ ગઈ, અને હવે તું તો જેલમાં જઈશ". ગૌતમ આ સાંભળીને એકદમ ચુપ થઈ ગયો.
"જો બેટા, તું શું નથી જાણતો કે કોઈપણ ખોટા કામનો પ્રારંભ એટલે આપણા અંતની શરૂઆત હોય છે? ચિરાયુએ કહ્યું એ પ્રમાણે આ પોલીસ તૈયાર જ ઊભી છે, તું જેવો સાજો થાય કે એ લોકો તને જેલ ભેગો કરી દેશે, પછી તું શું કરીશ? ક્યાંથી લાવીશ તારી બેન માટેનું કરિયાવર? હવે તો તારા ગામમાં પણ આ ખબર પહોંચી જશે કે તું એક ચોર છે.
આ વાત તારી બેનના સાસરિયાં સુધી પહોંચી જતા પણ વાર નહીં લાગે, તો શું આ વાત જાણીને હવે એ લોકો આ સગપણ તોડી નાખશે? અને એકવાર જે છોકરીનું સગપણ તૂટી જાય એનો હાથ કોઈ જલ્દીથી ઝાલે નહીં, તું તો જાણે જ છે ને, તો હવે તું શું કરીશ બેટા?". રાજુલબેનની આ વાત ગૌતમને સોંસરવી ઉતરી ગઈ અને ફરી એક મોટું ડૂસકું ભરીને એ એટલું જ બોલ્યો, "આપઘાત".
આ સાંભળીને રાજુલબેન સ્તબ્ધ થઈ ગયા, પણ તરત જ સ્વસ્થ થઈને જવાબ આપ્યો, "ઓહ, અચ્છા! એટલે ચોરી ઉપર સીનાજોરી? એક નાની ભૂલને ઢાંકવા બીજી મહાભૂલ કરીશ એમ જ ને?". ગૌતમે વિસ્મયતાભરી નજરે ફક્ત આંખના ઇશારે પૂછ્યું, "કઈ મહાભૂલ મેડમ બા?".
"તને શું લાગે છે, તારી મમ્મી બે બે આઘાત જીરવી શકશે? એક તારી બેનનું સગપણ તૂટવું અને બીજો તારો આપઘાત?". "તો હું હવે બીજું શું કરી શકીશ, હવે મારી આબરૂ બચાવવાનો કોઈ રસ્તો નથી બચ્યો મેડમ બા", ગૌતમ રડમસ અવાજે કરગર્યો.
"રસ્તાઓ તો અનેક હોય છે જો આપણા વિચારો નેક હોય તો". રાજુલબેને એને ટપાર્યો, "બેટા હું જાણું છું કે, તે જે કૃત્ય કર્યું એ તારી મજબૂરી હતી પણ હવે એ તારી આદત ન બની જાય એવું મને વચન આપીશ?". રાજુલબેનના આ વિધાનનો ભેદ ના તો ચિરાયુથી કળાયો કે ના તો ગૌતમથી.
"પણ મેડમ બા, આ પોલીસ તો મને જેલ ભેગો કરી દેશે ને હવે?". ગૌતમ ગળગળો થયો, ત્યારે રાજુલબેન પ્રેમથી બોલ્યા, "જ્યાં સુધી હું તારી અને આ પોલીસની વચ્ચે અડીખમ ઊભી છું ત્યાં સુધી તારો વાળ વાંકો થઈ શકે એમ નથી, પણ પહેલા તું મને વચન આપ".
"એ કઈ રીતે શક્ય છે દિવાન બેન?". અત્યાર સુધી મૂક પ્રેક્ષક બનીને ઉભેલા ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબથી હવે રહેવાયું નહીં, "એણે એનો ગુનો કબૂલી લીધો છે અને અમે એની ધરપકડ કરી છે, એટલે મોડામાં મોડું આવતીકાલે તો અમારે એને કોર્ટમાં રજૂ કરવો જ પડે".
"સાહેબ", રાજુલબેન મક્કમતાથી બોલ્યા, "એની મૌખિક કબુલાત તમારા માટે પૂરતી નથી એને કોર્ટ સુધી લઈ જવા માટે. એના માટે તમારી પાસે અમારી લખાણમાં ફરિયાદ હોવી જોઈએ, જે હું હવે આપવા નથી માંગતી". "પણ શા માટે દિવાનબેન?", જાડેજા સાહેબે આશ્ચર્યથી પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યો.
"એ પછી જણાવીશ, પહેલા મને મારી વાત પૂરી કરી લેવા દો આ ગૌતમ સાથે". રાજુલબેને ઉત્તર આપ્યો અને ગૌતમને સંબોધીને બોલ્યા, "જો બેટા, પહેલી વાત, અમે તારી વિરુદ્ધ કોઈ કાનૂની કાર્યવાહી કરવાના નથી જે તે સાંભળી લીધું. હવે બીજી વાત, તારી બેનના કરિયાવરનો સંપૂર્ણ ખર્ચો હું આપીશ, અને અમારી કંપનીમાં તને નોકરી પણ આપીશ, એટલે હવે કોઈ પણ પ્રકારની ચિંતા છોડીને તું જલ્દી સાજો થઈ જા".
રાજુલબેને ચોખવટ કરી અને જાડેજા સાહેબ તરફ ઈશારો કરીને એમને વોર્ડની બહાર લઈ ગયા. ઇન્સ્પેક્ટર સાહેબની આતુરતા પારખી ગયેલા રાજુલબેન ગંભીર થઈને બોલ્યા, "તો સાંભળો સાહેબ, હું શા માટે ગૌતમ વિરુદ્ધ કોઈ ફરિયાદ નથી કરવા માંગતી, ઊલટું એને આટલી મદદ શા માટે કરવા માંગું છું".
રાજુલબેને વાત આગળ ચલાવતા કહ્યું, "આજથી બાવીસ વર્ષ પહેલા વૈશાખી અમાસની કાળી રાત્રે આપણા ગામમાં ભયંકર વરસાદ પડ્યો હતો. નદીઓમાં પૂર આવી રહ્યા હતા અને આવી તોફાની અડધી રાત્રે મારા દીકરાએ જન્મ લીધો હતો...".
"હવે એ ચોઘડિયું પણ અશુભ હતું. અમારા રાજપુરોહિત પાસે જ્યારે એના જન્માક્ષર અમે બનાવ્યા ત્યારે તેઓ એવું બોલ્યા હતા, 'બેના, ભલે તમારો પુત્ર અશુભ ચોઘડિયામાં આવી તોફાની કાળી રાત્રે જન્મ્યો છે, પણ એના ભાગ્યમાં પૂનમના ચાંદ સમું ઉજળું ભવિષ્ય છે. કદાચ એને રાજયોગ પણ કહેવાય.'
'પણ જેમ પૂનમના ચાંદમાં પણ એક નાનો ડાઘ હોય છે, એવી એક નાની ઘાત છે તમારા પુત્રના જીવનમાં. જો એ ઘાતમાંથી એ ઉગરી જશે તો સમજજો કે એના જીવનના સો વર્ષ પૂરા કરશે, એ શતાયું થશે'. આ વાત સાંભળીને અમે બધા ચિંતામાં ડૂબી ગયા પણ મેં નક્કી કર્યું કે ભાવિના વિધાનના આ પડકારને હું મક્કમતાથી ઝીલી લઈશ.
એટલે જ એનું નામ મેં 'ચિરાયુ' રાખ્યું અને એના નામની એક ચિઠ્ઠી બનાવીને મારા ભોળાનાથના ચરણોમાં મૂકી દીધી. મેં એમને વિનંતી કરી કે, 'હે ભોળાનાથ, મારા દીકરાના નામના અર્થને સાર્થક કરવાની ચિંતા હવે તમને સોંપી છે'. અને ગઈ કાલે એ જ શિવજીના દરબારમાં એવું જ થયું.
ચિરાયુના ઘાતનો સંકેત એમણે અમને ત્યારે જ આપ્યો જ્યારે અમે મંદિરમાં પ્રવેશ કરવાના હતા. ત્યારે સામેથી દોડીને આવેલી ગાયને બચાવવામાં મારા ચિરાયુએ જોરથી બ્રેક મારી અને હું પડી ગઈ, પણ ચિરાયુને કાંઈ જ નહીં થયું. બાદમાં ગૌતમ આ બાઈકને લઈ ગયો અને એનો એક્સિડન્ટ થયો.
એટલે કદાચ જે મોટી ઘાત મારા ચિરાયુ ઉપર આવવાની હતી, એ આ યુવાને પોતાના પર લઈ લીધી અને સાચા અર્થમાં મારા ચિરાયુને 'ચિર આયુ' આપ્યું. તો સાહેબ, જે છોકરાએ મારા દીકરાનું મોત પોતાના માથા પર લઈ લીધું હોય, એના માટે આટલું કરવું તો યોગ્ય જ છે ને?" રાજુલબેનની આ વાત સાંભળીને જાડેજા સાહેબ અવાક બનીને એમને જોતા જ રહ્યા.
- લેખક - શરદ એસ. મણીયાર
૯૮૨૦૧૨૯૧૭૭ / ૮૮૩૦૩૪૧૩૮૩.
email - shharadmaniyar@gmail.com
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
