ભવાન ભીંડી - નવલિકા

Related

'વાત ભવાન "ભીંડી" ની'

એક શેવરોલે ક્રૂઝ કાર ગામને પાદર આવીને ઊભી રહી, પાછળ બીજી ત્રણ ગાડીઓ પણ આવી. ધૂળની ડમરી ઊડી. ડમરી શમી એટલે ગાડીમાંથી એક ગોગલ્સ અને લીનનનો શર્ટ પહેરેલો એક આધેડ ઉંમરનો માણસ ઊતર્યો. 

ભવાન ભીંડી - નવલિકા
ભવાન ભીંડી - નવલિકા

એના હાથમાં મોબાઈલ હતો. કવરેજ નહોતું તોય ફોન લગાડ્યો, મોઢું કટાણું કરીને ફોન ખિસ્સામાં નાંખ્યો. પછી સામે આવેલા પાનના ગલ્લા પાસે જઈને પૂછ્યું કે, "ભવાન કરમશીનું ઘર ક્યાં આવ્યું?"

"ત્રણ ભવાન કરમશી છે આ ગામમાં. તમારે કોનું કામ છે?" માવો ચોળતાં ચોળતાં એક યુવાન બોલ્યો.

"એ જ ભવાનભાઈ કે જેનો છોકરો કિશોર ડૉક્ટર છે." પેલાએ ખુલાસો કર્યો, અને પેલો તરત જ બોલ્યો, "એમ કહોને તમારે ભવાન 'ભીંડી'ને ત્યાં જવાનું છે. એક કામ કરો અહીંથી સીધા જાવ, ડાબી બાજુ એક રસ્તો આવશે, એની સામે એક મંદિર છે, ત્યાંથી ઊગમણા વળી જાવ એટલે મઢવાળી શેરી આવશે.

એ શેરીમાં છેલ્લે એક મકાન આવશે, કલર કર્યા વગરનો એક ખખડધજ ડેલો આવશે... એ જ ભવાન ભીંડીનું ઘર છે. ના જડે તો મંદિરે કોઈને પૂછી લેજો, પણ ભવાન કરમશીનું કોઈને ના પૂછતા પણ ભવાન 'ભીંડી' કહેજો તો તરત જ ઘર બતાવી દેશે." પેલાએ માવો મોઢામાં નાંખ્યો અને કહ્યું.

પેલી ચાર ગાડીઓ આગળ ગઈ. જેવી ગાડીઓ આગળ ગઈ કે તરત જ ગલ્લાવાળો બોલ્યો, "આટલી બધી ગાડીઓ અને એ પણ ભવાન 'ભીંડી'ને ત્યાં? કોઈ ખાસ પ્રસંગ લાગે છે ત્યાં, બાકી એને ઘરે ભિખારી પણ ના જાય કોઈ દિવસ. ભિખારી તો શું, કૂતરું પણ એના ઘર આગળ ના નીકળે." બીજો એક બેઠો બેઠો અઠવાડિયા અગાઉની પૂર્તિ વાંચતો હતો, એ બોલ્યો.

"એના છોકરા કિશોરને આજ રૂપિયો-નાળિયેર દેવા આવ્યાં છે, બહુ મોટી પાર્ટી છે સુરતની, છોકરીય ડૉક્ટર છે. ભવાનભાઈને હવે તો બખ્ખા છે, ઘરે બબ્બે ડૉક્ટર. અને ભવાન ભીંડીની કાપવાવાળા હજુ પણ એક સોડાના બે ભાગ કરીને પીએ છે." પેલો બોલ્યો કે તરત પાનના ગલ્લાવાળો બોલ્યો.

"ઈ બધુંય આ છોકરો ડૉક્ટર થયોને એના પરતાપે, બાકી ભવાન 'ભીંડી'ને ત્યાં કોઈ દીકરી દે એ વાતમાં માલ નહિ, ગામમાં એની વેલ્યુ જ નથી. કોઈને કોઈ દી ચાની રકાબી પાઈ છે?? કોઈ દી સત્યનારાયણની કથા કરી છે? કોઈ દી દસ રૂપરડીય ફાળામાં લખાવી છે? આ તો સારા પરતાપ એના દીકરાના કે એ ડૉક્ટર થઈ ગયો ને સંબંધ થઈ જાશે, બાકી વાતમાં માલ નહિ!!"

અને પેલાએ પાછો તરત જ જવાબ આપ્યો. "છોકરો તો વરસ દિવસ પહેલાં ડૉક્ટર થયો, એની પહેલાં એણે ત્રણ દીકરીયું પરણાવી, એ કોની શાખથી?? અરે ભાઈ, એની રહેણીકરણી એવી હોય એમાં ગામ શું કામ બળતરા કરે છે?? એ કોઈને ચા પાતો નથી એમ કોઈની પીતો પણ નથી ને? એણે કોઈના પૈસા ખોટા કર્યા? એણે કોઈને બૂચ માર્યું ક્યારેય? બાકી આપણા ગામમાં એક આખી શેરી 'બૂચ' શેરી છે, ઈ બધાય જેની જેટલી કૅપેસિટી એટલું બૂચ મારી-મારીને સુરતથી આવતા રહ્યા છે અને આંહી આવીને જલસા કરે છે અને બધાને ચા પાય... એને તમે વેલ્યુ કહો છો? મને એ નથી સમજાતું કે ગામને ભવાન 'ભીંડી' પર આટલી દાઝ શું કામ છે?"

"ઈ તો અત્યારે છોકરીઓની તાણ ને એટલે એના સંબંધ તો થઈ જાય, બાપ ગમે એવો ચીકણો હોય તોય દીકરીયુંના સંબંધ તો થઈ જાય. બાકી, છોકરો પરણાવવો હોય ને તો ગામમાં આબરૂ જોઈએ, બાકી સીતારામની આરતી મારા ભાઈ. પણ હશે ભાગ્ય ભવાન ભીંડીના કે હવે 'થોરે કેળાં લાગ્યાં છે થોરે કેળાં'..." પાનના ગલ્લાવાળો પણ ગાંજ્યો જાય તેમ નહોતો!

આ પાનનો ગલ્લો એટલે એક જાતની વિશ્વવિદ્યાલય જોઈ લો! અહીં આખા ગામની વાતું અને અલકમલકના વાવડ તમને સાંભળવા મળે. અને કાઠિયાવાડમાં જેટલા પાનના ગલ્લા હશે એટલા બીજે ક્યાંય નહિ હોય.

'ભવાન કરમશી' આ ગામનું એક અફલાતૂન પાત્ર!! જીવન જીવવામાં એટલો ચીકણો કે લોકો એને "ભીંડી" જ કહેતા, અને ભીંડી હોય પણ ચીકણી જ ને! એકદમ કટ ગુંદીના ઠળિયા જેવો ચીકણો! નાનપણમાં ગરીબી બહુ જોયેલી અને બાપા મર્યા ત્યારે પાંચ વીઘા જમીન જ મૂકી ગયા હતા. અને પછી તો એ પોતાની રીતે જ પરણ્યો. મોટી ત્રણ દીકરીઓ અને ચોથા ખોળાનો દીકરો કિશોર, અને એ પણ હવે ડૉક્ટર હતો. કિશોરનો સ્વભાવ અને ભવાનનો સ્વભાવ એટલે ઓતર-દખણનો ફેર! છોકરો હવે તો મોજ-શોખથી રહે અને ભવાન "ભીંડી" એની રીતે જ રહે.

દીકરીઓ પણ એવી જ હતી. સાત-સાત ધોરણ ભણીને બધી દીકરીયું ઊઠી ગયેલ અને પછી હીરા ઘસવા બેસી ગયેલ. એ વખતે બહેનો હીરા ઘસે એ નવાઈની વાત હતી. ભવાન પાછો હીરાનો કારીગર પણ ખરો. વીસ વરસની ઉંમરે સુરત ગયેલો. બે વરસ રોકાયેલો. ઘાટ, તળિયા, મથાળા, પેલ વગેરે શીખી ગયેલો, પણ એને સુરતની મોંઘવારી નડી ગયેલ. પહેલેથી જ કરકસરવાળું જીવન જીવેલો એટલે સુરત ના ફાવ્યું અને આવ્યો પાછો અને સંભાળી ખેતી.

વરસ દિવસમાં મા અને બાપ બેય ગુજરી ગયેલા અને ઘરમાં એ સાવ એકલો! બંને ફઈને સારું હતું પણ એના બાપાનો સ્વભાવ પણ ચીકણો જ હતો એટલે એ દાઝ બને ફઈએ રાખી અને કાંઈ મદદ ના કરી. ભવાને ક્યારેય સગાસંબંધીને કાંઈ કીધેલું પણ નહિ કે મને મદદ કરો. બધા વાટ જોઈને જ બેઠેલા કે સગપણ વખતે તો ભવાન ક્યાં જાવાનો!? અમારી પાસે તો આવવું જ પડશે ને? ત્યારે બધું સંભળાવવું છે! પગે લાગે પછી જ એના સગપણની વાત આગળ વધારવાની છે.

અમારા કાઠિયાવાડની એક ખાસિયત છે કે જેમ લોકો ધન સંઘરે એમ પેઢી દર પેઢી દાઝ પણ સંઘરી રાખવાની, અને પછી જ્યારે મોકો આવે ને ત્યારે એક પેઢીથી સાચવી રાખેલી દાઝ બીજી પેઢી પર ઉતારવાની અને એ પણ આ રીતે!

"તારો બાપ પરણ્યો ને ત્યારે એણે અમારું નામ કંકોતરીમાં નહોતું લખ્યું એટલે હવે અમારે તમારા છોકરાના લગ્નમાં કેમ આવવું, અમને સોખમણ ના થાય?" અથવા તો, "તારી ફઈ પરણી ને ત્યારે હું બે બળદગાડા લઈને સરંભડાથી આવ્યો હતો અને ત્રણ દિવસ રોકાયો હતો. અને તારો બાપ અમારી હંસાના લગ્નમાં સવારે જ આવ્યો અને બપોરે ખાઈને સીધો વેતો પડી ગયો. આમ વેવાર હાલે? જાવ અમે તમારા સીમંતમાં નથી આવવાના, અમારે પણ આબરૂ હોય કે નહિ?"

પણ ભવાન કરમશીએ જાતે જ લગ્ન કરી નાંખેલા. પોતે જ સંબંધ જોઈ આવ્યો અને પોતે જ પરણી ગયો. ગામમાં જ્યારે કંકોતરી વહેંચાઈ ત્યારે જ ખબર પડી કે લે, ભવાનની જાન તો અઠવાડિયા પછી જવાની છે! આમ તો એ આખા ગામના પ્રસંગમાં જતો, તનતોડ કામ કરતો એટલે લોકો તો એના પ્રસંગમાં આવેલા! કોઈક સંબંધી આવેલ કોઈક ના આવેલ. આવ્યાં એનું સ્વાગત, ના આવ્યાં એને બીજી વાર કીધેલું પણ નહિ કે કેમ ના આવ્યાં!?

અને વહુ પણ એને એના સ્વભાવ જેવી જ મળેલી. એ પણ ગણી-ગણીને જ ડગલાં ભરે! કોઈ જાતનું વેરેનટાઈઝ જ નહિ! કોઈ વધારાનો ખર્ચ જ નહિ! જીવન જ સાદું અને ખેતી કરવાની! ઘરે એક ઘંટી રાખેલી હીરાની, તે ખેતીમાંથી નવરા પડે એટલે હીરા ઘસે! એની વહુ વસનને પણ હીરા શીખવાડી દીધેલા! અને પોતે ઑલરાઉન્ડર ખરો ને, એટલે ભાવનગર જઈ આવે, કાચી રફ લઈ આવે ને પછી પોતે જ ઘાટ કરે, મથાળા મારે, પેલ કાપે, તરખુણિયા કાપે, તળિયા મારે અને એ માલ વેચી આવે!

ગામની બધી બાયું નવરાત્રીમાં રાસ લે, માતાજીના ગરબા લે ત્યારે વસન અને ભવાન રાતે હીરાની ઘંટી પર પેલ કાપતા હોય! ગામમાં કોઈની પાસે ક્યારેય એક રૂપિયો ઉછીનો લીધેલો નહિ કે ક્યારેય કોઈને રૂપિયો દીધેલો નહિ. ત્રણ છોકરીઓનો જન્મ થયો, ત્રણેય મોટી થઈ. કિશોરનો જન્મ થયો, એ મોટો થયો અને પછી કિશોર આગળ ભણતો ગયો. છોકરીઓ સાત પાસ કરીને હીરામાં, ઘરે બીજી ઘંટી મૂકી દીધેલી અને આવક વધતી ગયેલી પણ શરીર પર સારું લૂગડું ના પહેરે! કથામાં જાય પણ ઘરે કથા નહિ!! છોકરીઓ પરણાવી!! સારો એવો કરિયાવર કર્યો!!

બીજી છોકરીનાં લગ્ન થયા ત્યારે આખા ગામે નક્કી કર્યું કે આપણે કામ કરવા નથી જાવું! બધાયે બહાના કાઢવા કે અમારે અમુક જગ્યાએ જાવાનું છે. આ વખતે ગમે એ થાય પણ ભવાનને પછાડી તો દેવાનો છે! એ આપણે પગે પડવો જોઈએ અને એની પાસેથી વચન લેવાનું કે ગામને પાદર શિવમંદિર છે ત્યાં શિવમહાપુરાણ થવાનું છે તે એક દિવસની રસોઈ આપ, તો જ અમે કામ કરીશું.

આમ ગામલોકોએ એની પાસે પરાણે દાન કરાવવાનું નક્કી કરેલ. પણ કોણ જાણે ભવાનને એની ખબર પડી ગયેલી એટલે આખું રસોડું એણે એક રાંધવાવાળી ગેંગને આપી દીધેલું! આ 'કેટરર્સ' શબ્દ તો ગામડામાં પછી આવેલો. શરૂઆતમાં સુરતથી ગેંગ આવતી, ઈ બધું જ કરે! તે ગામ જોઈ જ રહેલું! જાન આવી, વરઘોડો ચડ્યો, જાન જમી ગઈ પછી ગામ જમવા આવ્યું. એને એમ કે ભવાન આવીને બધાને વિનવણી કરશે. બપોરના બે થવા આવ્યા પણ તોય ભવાન ના આવ્યો કે ના સમાચાર આવ્યા. અને બધાને લાગી હતી ભૂખ એટલે પછી ગામ જાય ક્યાં?? દિવેલ પીધેલ મોઢે જમવા આવ્યા. ભૂખ થોડી સગી થાય! બધા મને-કમને જમ્યા પણ ખરા, પણ મનની મનમાં રહી ગઈ!!

ત્રીજી છોકરી પણ પરણાવી. એમાં વળી ભવાને ચાંદલો લેવાનું જ બંધ કરી દીધું! કંકોતરીમાં લખ્યું કે "ચાંદલાપ્રથા બંધ છે!"... ગામ પાછું સમસમીને જોઈ રહ્યું અને પછી બધાએ નક્કી કર્યું કે છોકરીઓ તો પરણી ગઈ, પણ આવા ચીકણા ભીંડાને ત્યાં કોણ દીકરી દેશે!? ગમે એમ થાય પણ સંબંધ થવા દેવો જ નથી!!

કાઠિયાવાડની બીજી ખાસિયત કે કોઈ છોકરાનો સંબંધ થાય ને તોય અમુકને પેટમાં દુખે. ગામને પાદર કોઈ પરગામના માણસો હોય એટલે અમુક તો તરત જ એને પૂછી લે! "કયું ગામ?? ઓહ માલપરા? એમને? 

તે, મગન આતાને ત્યાં આવ્યા હતા એમને? સાચું ભાઈ સાચું. એના દીકરાના દીકરાનો સંબંધ જોવા આવ્યા હતા નહિ?... કરો કરો સંબંધ. માણસ અને ખોરડું સારું જ છે. એનો દીકરો લગભગ વરસ દિવસ પહેલા સુરત-ઉધનામાંથી પકડાયો હતો. કંઈક લફરું હતું પણ પછી તો બે મહિના જેલમાં રહીને છૂટી ગયો. પૈસા ખરાને? એટલે ઘર અને છોકરો વરી જાય! આમ માણસ અને ખોરડું સારું! તમતમારે વેવિશાળ કરો?"...

આવું કહીને થયેલા સંબંધ તોડાવી નાંખનાર સ્પેશ્યલ માણસો ગામેગામ હોય છે!

કિશોર ભણવામાં હોંશિયાર. દસ ભણીને એણે સાયન્સ રાખ્યું અને વલ્લભવિદ્યાનગર મૂક્યો. સાયન્સમાં પણ એ પાસ થયો. પણ સરકારી મેડિકલ કૉલેજમાં ચાર ગુણ ઘટ્યા અને હવે ખાનગી મેડિકલમાં તો ઘણાં બધાં ડોનેશન દેવા પડે. અને એ પણ મહારાષ્ટ્ર કે કર્ણાટકમાં જાવું પડે. ભવાને હિસાબ માંડ્યો, વરસોની બચત કાઢી પણ તોય ચારેક લાખ ઘટતા હતા. ક્યાંથી લાવવા? જીવનભર કોઈની પાસે હાથ લંબાવ્યો નહોતો કે નહોતી કરી કોઈને મદદ! હવે શું કરવું??

સાંજે બેઠા બેઠા કિશોરે વાત કરી. "બાપા એમ કરોને, જમીન વેચી નાંખો. અને આમેય હું ડૉક્ટર થયા પછી તમારે તો જલસા જ છે ને?"

"શું બોલ્યો? જમીન વેચવી એમ? પછી મારે ખાવું શું?? કાલ ઊઠીને તું તારું કરી ખા તો મારે ને તારી બાને જવું ક્યાં?? એટલે એ વાત તો કરતો જ નહિ. તું આયુર્વેદિકમાં જતો રહે. એમાં તો તને મળી જ જાય છે. ને, ખર્ચો પણ ઓછો." ભવાને વાત કરી, અને કિશોર ઉકળી ગયો.

"થાવું તો એમ.બી.બી.એસ. જ, બાકી તમે કહો તો હીરા ઘસવા છે. મારે ભણવું જ નથી. ચાલો વાત પૂરી." કિશોરે મોઢું બગાડીને કહ્યું.

"આટલું બધું ભણાવ્યો અને હવે કહે નથી ભણવું.. તો અત્યાર સુધી ખર્ચો કરાવ્યો શું કામ?? પૈસા ઝાડ પર ઊગે છે? હજુ તો કમાતા નથી શીખ્યા અને સામું બોલો છો? પૈસા કેમ પેદા થાય એ બેટા માર્કેટમાં આવોને તો ખબર પડે, ખબર?" ભવાન પણ ધગી ગયો અને પછી કિશોર બોલ્યો!! ઈ જે બોલ્યો એનાથી ભવાન સ્તબ્ધ થઈ ગયો..

"અત્યાર સુધી ગામને હું ગાંડું ગણતો હતો પણ આજે ગામ સાચું છે અને ગાંડા તો તમે છો. તમને બધા ભવાન ભીંડી કહે એ બરાબર છે. એકદમ ચીકણી ભીંડી જેવા છો. પોતાના સગા દીકરા માટે પણ જમીન વેચી શકતા નથી. મરોને ત્યારે બધું સાથે લેતા જજો..."

બોલી તો ગયો કિશોર પણ પછી પસ્તાણો.. એના બાપની આંખમાં આંસુ હતાં, જીવનમાં પહેલી વાર આંસુ હતાં. વસન પણ સાંભળતી હતી, એ કશું બોલી નહિ. એ બધું જ દુઃખ પી ગઈ. થોડીવાર પછી ભવાન બોલ્યો.

"જીવનભર કરેલી કમાણી મેં તારી માટે જ બચાવી છે, હું ક્યાંય જાત્રાએ પણ નથી ગયો, કોઈ દિવસ સારું લૂગડું પણ નથી પહેર્યું અને બધું છોકરા માટે જ કર્યું છે... તોય કદાચ ગામ સાચું હોય પણ ખરું, કારણ કે આજ મારું લોહી જ બોલે છે અને પોતાનું લોહી ખોટું તો બોલે જ નહિ." સૌ સ્તબ્ધ થઈ ગયાં.

સવારે ભવાન ઊભો થયો. કિશોરને કીધું કે, "એક જગ્યાએ જાવ છું. તું ચિંતા કરતો નહિ. તને મેડિકલમાં ઍડમિશન મળી જાશે એ પાકું, જા. પૈસા લઈને જ આવીશ, જા. બસ હવે ખુશ? ને કદાચ ચાર-પાંચ દિવસ પછી પણ આવું, પણ પૈસા લઈને જ આવીશ." કિશોરે માફી માંગી અને કીધું કે મારે આવું ના બોલવું જોઈએ પણ બોલાઈ ગયું. શું થાય.

ભવાન ગયો. ચાર દિવસ પછી આવ્યો. સાથે ઘટતા ચાર લાખ રૂપિયા હતા. ઍડમિશન મળી ગયું. કિશોર ખુશ! ગામમાંથી પહેલો ડૉક્ટર બની રહ્યો હતો! ગામ પહેલેથી આભું જ હતું! આજ વધારે આભું બની ગયું!! આટલા બધા રૂપિયા કાઢ્યા ક્યાંથી ભવાન 'ભીંડી'એ? પાછી વાતો થઈ.

"જીવન આખું ગરીબની જેમ જીવ્યા પછી તો ભેગું થાય જ ને?" ....# "આખી જિંદગી બળતરા કરીને પૈસો ભેગો કર્યો છે, આવા પૈસાને શું ધોઈ પીવો?"

"પણ જોજો, છોકરો ઉડાડી દેવાનો, ડૉક્ટર થાશે એટલી વાર છે. ઈ ભવાનને ભેગા ના રાખે, અને આ ક્યાંય ટકે એવો નથી. એકદમ ફેવિકોલ! ફેવિકોલ તો ઓછો ચીકણો હોય, આ તો ફેવીક્વિક છે, ફેવીક્વિક!!"

વસને પણ એક વાર પૂછેલું કે, "આટલા બધા પૈસા તમે કોની પાસેથી લાવ્યા છો, મને તો કહો." અને ભવાને જવાબ આપેલો, "હવે બેહ છાનીમાની. તને ના ખબર પડે આમાં"... અને પછી વસને કોઈ દિવસ પૂછેલું પણ નહિ. ઈ વખતમાં બાયું પણ એવી કે તમે એક વખત ના પાડો એટલે લગભગ ના પૂછે..! આજના જેવી બાયું તો નહિ જ એ વખતે હો!

કિશોર ડૉક્ટર બની ગયો. સાથે ભણતી સંગીતા સાથે પ્રેમ પણ થઈ ગયો. અને તમે ભણવા જાવ મેડિકલમાં એટલે તમને પ્રેમ પહેલાં થાય અને પછી ડૉક્ટર થવાય! એક કારણ એ પણ ખરું કે ધોરણ બાર સાયન્સમાં ખૂબ ઊંચી ટકાવારી લાવવી પડે. એટલે લગભગ બાર ધોરણ સુધી આ વિદ્યાર્થીઓ બધી જ ઇચ્છા દબાવીને બેઠા હોય. તનતોડ મહેનત કરીને જ્યારે મેડિકલમાં જાય એટલે વરસોથી દબાવેલી પ્રેમઝંખના તરત જ જાગી ઊઠે ને પછી એ લોકો સીધા જ પ્રેમમાં ઝંપલાવે! ઊંધે કાંધ ઝંપલાવે!!!

સંગીતાના પિતા સુરતમાં મોટા વેપારી, એને પણ કિશોર ગમી ગયો. ભવાન પાસે વાત આવી. એ પણ રાજી થઈ ગયો. એ સુરત જઈને નક્કી કરી આવ્યો.

તે... આજ ચાર ગાડીઓ આવી હતી રૂપિયો-નાળિયેર દેવા! આમ તો એની કાંઈ જરૂર જ નહોતી ને, કારણ કે વરસ દિવસથી કિશોર અને સંગીતા સાથે દવાખાનું ચલાવતા'તા. સંગીતાના પપ્પાએ સરસ મજાનું દવાખાનું કરી દીધેલું. એક સરસ મજાનો બંગલો લઈ દીધેલો અને એ પણ વેડરોડ પર. કિશોરકુમાર માથે સસરાજી ધનપતરાયના ચારેય હાથ હતા. એકની એક દીકરી હતી. દીકરો હતો નહિ, એને જે જોઈતો હતો એ જમાઈ મળી ગયો હતો!

પછી તો સુરત લગ્ન ગોઠવાણાં ફાર્મ હાઉસમાં. બધો જ ખર્ચ ધનપતરાય કરવાના હતા! ભવાને આખા ગામમાં કંકોતરી વહેંચી હતી અને એ પણ સાગમટે!! ભવાન પણ લાગ જોઈને સોગઠી મારતો હતો, ને અમુકને કહેતો હતો, "જો સુરત લગ્ન છે. ફાર્મ હાઉસમાં છે. બધાએ આવવાનું છે. સાગમટે આવવાનું છે. ઈ એટલા માટે કે તમને બધાને આવા લગ્ન જોવા મળે ને કે ના મળે!!

"જુઓ આ ૫૦૦ રૂપિયાની કંકોતરી છે! વેવાઈનો જ ખરચો છે અને વેવાઈએ કીધું છે કે આખું ગામ આવવું જોઈએ. ટિકિટ-ભાડાના પૈસા પણ વેવાઈ આપવાના છે, જો કોઈને વેત નો હોય તો કે'જો, એમ વેવાઈ કહેતા હતા. આવજો જરૂર, ત્રણ દિવસનો જલસો છે જલસો. અને મારે આ છેલ્લો પ્રસંગ, અને હા, ચાંદલા પ્રથા તો બંધ છે."

ગામ વળી પાછું આભું બની ગયું! ભવાન ભીંડી એક પછી એક કૂકરી એવી જ રીતે ચાલતો કે ગામને આભું બનવું જ પડતું. હવે, ઘણાએ સંબંધ સુધારવા માંડ્યા કારણ કે ડૉક્ટરનું કામ પડે ને? એટલે અમુક તો 'કેમ છો ભવાનકાકા' એમ પણ કહેવા માંડ્યા!!

પ્રસંગ પતાવ્યો. ધામધૂમથી પતાવ્યો. અઠવાડિયું ભવાન અને વસન રહ્યા વહુ પાસે! સંગીતા એકદમ મૉડર્ન અને વસન સાવ દેશી, તોય એને તકલીફ ના પડી, પણ ભવાનને એનો સ્વભાવ નડ્યો.

બહાર હોટેલમાં જમવા જાય અને બિલ આવે એટલે ભવાન બોલે, "આ ચાર હજારનું બિલ આ ચાર જણાનું? આ ના પોસાય, આની કરતાં ઘરે બનાવીને ખવાય. તમે તો બંને ડૉક્ટર. બહારનું ખાવાની દર્દીને ના પાડો છો અને તમે બહારનું ખાવ એ કેવું ખરાબ!"

"ઘરમાં એક ટીવી તો છે, પછી રૂમે રૂમે શું કામ ટીવી?"

"આ પિઝા અને ઢોસા કરતાં બાજરાના રોટલા સારા. દેશી ખોરાક ઈ દેશી ખોરાક... સારો."

શરૂઆતમાં કોઈએ ધ્યાનમાં ના લીધું, પછી એક દિવસ કિશોરે કીધું કે, "બાપુજી તમારે મૂંગા રહેવાનું. જે થાય ઈ જોવાનું, હવે ઈ જમાના ગયા, તમે જે રીતે જીવતા એ રીતે હવે કોઈ ના જીવી શકે."

"પણ હું એમ કહું છું પૈસા બગાડો નહિ, ભેગા કરો. જરૂર હોય ત્યાં વાપરો એની ના નહિ, પણ વેડફો નહિ. આ તો પૈસા પણ બગડે અને શરીર પણ બગડે." ભવાને કીધું પણ કિશોર તો મોબાઈલ પર વાતોમાં હતો.

પછી તો ભવાન એકાદ મહિનો સુરત હોય અને એકાદ મહિનો ગામડામાં. પણ પછી તો ગામડામાં જ રહી ગયા. ખેતી આપી દીધી હતી ભાગિયાને અને હવે કર રહ્યા નહોતા. વસન અને ભવાન ઘરે જ હોય. કિશોરે ઘરે એસી મુકાવેલું, એક ગાડી લઈ દીધેલી પણ વાપરે કોણ? પેટ્રોલ બળે ને!!? ઉનાળામાં ઘડીક એસી શરૂ કરે ને પછી બંધ. તે આખો દિવસ અને રાત ઠંડક રહે એવું ગણિત હતું ભવાનનું! એક મોટું ટીવી અને ડિશ પણ ગોઠવી દીધેલ! પણ તોય એ શરૂ ના કરે કારણ કે પાવર બળે ને!?

આમને આમ જીવન પસાર થાય છે અને એમાં ભવાન પડ્યો બીમાર! તાવ આવ્યો ને ચાર દિવસ સુધી દવાખાને ના ગયો અને આ વખતે તાવ ઘરી ગયો મગજ સુધી. તે રાતોરાત છોકરો આવ્યો. લઈ ગયા સુરત અને વસનને ખીજાણો પણ ખરો.

"બા તમે અમને શું કામ ભૂંડા લગાડો છો? મને પહેલાં વાત કરી હોત તો, હું તરત આવી જાત ને? હું કાંઈ પારકો છું? અને અહીં રહો એ તમને નથી ગમતું અને મારા બાપાને બોલ્યા સિવાય ચાલે નહિ. અને છેક રામાવતારનું કાઢે કે આમ હતું ને તેમ હતું, આમ હોય ને તેમ હોય."

કિશોરે ભવાનને પોતાની હોસ્પિટલમાં દાખલ કર્યો. તાવ મગજમાં ઘૂસી ગયો હતો. રિપોર્ટ કરાવ્યા, આખા શરીરનું ચેક-અપ કરી નાખ્યું. સાંજે રિપોર્ટ આવવાના હતા. પાંચ વાગ્યા ને ભવાનભાઈએ આંખો ખોલી.

દીકરો બોલ્યો, "જુઓ પપ્પા, હવે હું હાથ જોડું છું. કાંઈ બોલવાનું નથી અને આંહી જ રહેવાનું છે, નહિતર હું અને સંગીતા ત્યાં આવી જઈએ. બાકી હવે ખોરાક લેવાનો છે, આખી જિંદગી સારી વસ્તુ નથી ખાધી અને હવે શરીર સાવ ટળી ગયું છે. એ જમીન છે ને ત્યાં ભાગિયો વાવશે, બાકી તમારે ક્યાંય જવાનું નથી."

ભવાન બોલ્યો... "ઠીક છે, પણ હવે મને નથી લાગતું કે હું વધારે જીવું. અને આમેય મારું બોર્ડ હવે પૂરું થાવામાં છે."

આવી વાત થતી હતી ત્યાં જ રિપોર્ટ લઈને નર્સ આવી. આખા શરીરના ફોટા અને તમામ રિપોર્ટ્સ હતા. એક ફોટો જોઈને સંગીતા ચોંકી ગઈ. એ રાડ પાડીને બોલી, "કિશોર આ જુઓ તો..."

કિશોરે ઍક્સરે જોયો અને બોલ્યો, "બાપુજી તમારે એક જ કિડની છે?? એક કિડની તો અગાઉ કાઢી લીધેલ છે. કોણે કાઢી લીધી, તમને ખબર છે???" આમ કેમ?

"હા બેટા, તારે પૈસા ઘટતા'તા ને, ઈ વખતે મેં છાપામાં વાંચેલ કે કિડની જોઈએ છે અને હું અમદાવાદ ગયો. કિડની વેચીને ચાર લાખ લાવેલ. તારી માને મેં વાત નથી કરી, અને વાત શું કામ કરવાની? દીકરા માટે મા-બાપ કિડની તો શું આખેઆખા વેચાઈ જાય! તું બાપ થઈશ ને એટલે ખબર પડશે બેટા! ઈ વખતે મેં બધું જ ભેગું કર્યું હતું એ કાઢ્યું તોય ઘટતા હતા પૈસા! પછી તો આ જ ઉપાય હતો! આ તો વળી ફોટા પાડ્યા ને તને ખબર પડી, બાકી હું નો'તો કહેવાનો! એટલે જ હું કહું છું કે પૈસા ભેગા કરજો. ક્યારેક કામ લાગે."

ભવાન કરમશી બોલતો હતો. અને વસન, કિશોર અને સંગીતા સાંભળતા હતા. કિશોરના હાથમાંથી રિપોર્ટ્સ પડી ગયા હતા. આજ બાપને એણે એક વખત "ભીંડી" કહ્યો હતો.

અને એ સાંજે ભવાન અવસાન પામ્યો. કોઈ પણ કષ્ટ કે સેવા-ચાકરી કરાવ્યા વગર અવસાન પામ્યો. ભીની આંખે સહુ એની સ્મશાનયાત્રામાં જોડાયા.

અને આ બાજુ ગામમાં ખબર પડી કે ભવાન ભીંડી સુરત ગુજરી ગયો છે. ગામે જ્યારે એ જાણ્યું કે છોકરાને ભણાવવા માટે ભડના દીકરાએ કિડની વેચી હતી, પણ કોઈની પાસે માંગ્યું નહોતું અને કોઈને કીધું પણ નહિ, ત્યારે ગામ છેલ્લી વાર આભું બની ગયું હતું!!!

આ વખતે ગામ આભું તો હતું જ, પણ આખા ગામની આંખમાં આંસુ પણ હતાં. અને વગર કીધે આખા ગામે સ્નાન કર્યું હતું.

ઘણી વખત મા-બાપની મહાનતા આપણને ત્યારે ખબર પડે છે કે જ્યારે બહુ જ મોડું થઈ ગયું હોય છે.

■ મુકેશ સોજીત્રા 
તા ૨૪/૦૩/૨૦૧૭ શુક્રવાર
મુ. ઢસા ગામ તા. ગઢડા જિ.બોટાદ ૩૬૪૭૩૦

રિરાઈટ: હરેકૃષ્ણ જાની - 10 ઓકટોબર 2026

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts

1 Comments

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■