એક અદાકારની અસલ જિંદગી! – "નાના પાટેકર" (વિશ્વનાથ પાંડુરંગ પાટેકર)

Related

"નાના પાટેકર" (વિશ્વનાથ પાંડુરંગ પાટેકર)
જીવન સફર: ૧ જાન્યુઆરી ૧૯૫૧ થી ૮ ઓક્ટોબર ૨૦૨૬


"આપણે બધાએ એક દિવસ જવાનું જ છે, ખબર નથી હું કાલે અહીં હોઈશ કે નહીં."

નાના પાટેકર એક સારા અદાકાર તો હતા જ, પણ સાથે સાથે એક અત્યંત સંવેદનશીલ અને નિષ્ઠાવાન સમાજસેવી પણ હતા. આવા એક સાચા અને જમીન સાથે જોડાયેલા માણસના અચાનક ચાલ્યા જવાથી જે શૂન્યાવકાશ સર્જાયો છે, તેની ખોટ તો હંમેશાં રહેવાની જ.

નાના પાટેકર - જીવન
નાના પાટેકર 

છેલ્લા બે દિવસમાં મેં તેમના નિધનના સમાચારને લગતા ઘણાંય લેખ વાંચ્યા. દરેક જગ્યાએ તેમની ફિલ્મો, તેમના ડાયલોગ અને કલાકાર તરીકેની તેમની સિદ્ધિઓ વિશે ખૂબ લખાયું છે. પરંતુ, મને એ વાતનો ખેદ થયો કે નાના પાટેકરની સમાજ પ્રત્યેની જે અતૂટ નિષ્ઠા હતી અને તેમણે જે અવિરત સેવાઓ કરી, તેના વિશે જેટલું લખાવું જોઈતું હતું એટલું ક્યાંય જોવા મળ્યું નહીં! વાસ્તવમાં તેમની સાચી ઓળખ તો એક મહાન અભિનેતા કરતા પણ એક મહાન માણસ તરીકેની હતી.

ગરીબી અને પીડા શું હોય છે, તે નાના પાટેકરે બાળપણથી જ ખૂબ નજીકથી અનુભવ્યું હતું. જ્યારે તેઓ માત્ર ૧૩ વર્ષના હતા, ત્યારે પિતા સાથે થયેલી છેતરપિંડીને કારણે તેમનો આખો વ્યવસાય ડૂબી ગયો હતો. કમાવા માટે ૧૩ વર્ષની નાની વયે નાના પાટેકર રોજ ૧૬ કિલોમીટર ચાલીને ફિલ્મોના પોસ્ટર પેઇન્ટ કરવા જતા, જેના માટે તેમને મહિને માત્ર ૩૫ રૂપિયા મળતા. કેટલીય વાર છાપામાં વીંટેલી રોટલી અને કેળાં ખાઈને દિવસો વિતાવ્યા અને ભૂખ્યા પેટે પણ ઊંઘવું પડ્યું.

અંગત જીવનમાં પણ તેમણે મોટો આઘાત સહન કર્યો, જ્યારે તેમના મોટા દીકરાનું માત્ર અઢી વર્ષની ઉંમરે બીમારીના કારણે અવસાન થયું. આ જ કારમી ગરીબી અને અંગત દિલસોજીએ તેમને અન્યના દુઃખ પ્રત્યે અત્યંત સંવેદનશીલ બનાવ્યા હતા.

જ્યારે ફિલ્મી દુનિયાના ચમકારામાં લોકો પોતાની જાતને ભૂલી જતા હોય છે, ત્યારે કરોડોની સંપત્તિ હોવા છતાં નાના પાટેકરે અત્યંત સાદગીથી જીવન જીવ્યું. ગામડાના પોતાના ઘરમાં એસી પણ ન રખાવનાર નાના માનતા કે "જરૂરિયાતો જેટલી સીમિત હશે, જિંદગી એટલી જ આસાન હશે." તેમણે પોતાની પરસેવાની કમાણી ગરીબ ખેડૂતો પાછળ ખર્ચી નાખી.

એકવાર તેમણે પોતાના માટે નવી લક્ઝુરિયસ ગાડી ખરીદવા દોઢ કરોડ રૂપિયા અલગ કાઢીને રાખ્યા હતા. પરંતુ એક દિવસ ટીવી પર દેવાના ડુંગર નીચે દબાઈને આત્મહત્યા કરનાર ખેડૂતનો પરિવાર જોયો, અને એ જ ક્ષણે તેમણે એ દોઢ કરોડ રૂપિયા એવા પીડિત પરિવારોને આપવાનો નિર્ણય કરી લીધો.

વર્ષ ૨૦૧૫ માં તેમણે મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિદર્ભ, લાતુર અને ઉસ્માનાબાદના સેંકડો ખેડૂત પરિવારોની પડખે ઊભા રહીને મદદ કરી. બીડમાં ૨૦૦ થી વધુ ખેડૂત વિધવાઓની સ્થિતિ જોઈને તેમણે અભિનેતા મકરંદ અનાસપુરે સાથે મળીને *'નામ ફાઉન્ડેશન'* ની સ્થાપના કરી.

તેમણે અનેક નિરાધાર ઘરોમાં સિલાઈ મશીન, અનાજ દળવાની ઘંટીઓ અને પશુધન પહોંચાડી સ્વરોજગારી આપી, જેથી કોઈ પણ ઘરનો ચૂલો ક્યારેય ઠરે નહીં. ૨૦૧૬-૧૭ માં મરાઠવાડાની ૫૦૦ ખેડૂત વિધવા બહેનોને આર્થિક મદદ કરવાની સાથે સળંગ પાંચ વર્ષ સુધી મફત અનાજ પૂરું પાડ્યું. આટલું જ નહીં, ફાઉન્ડેશને બે ગામડાં દત્તક લીધાં અને મહારાષ્ટ્ર બહાર જઈને પણ જમ્મુ-કાશ્મીરમાં ગોળીબારથી પ્રભાવિત પરિવારોને ૪૨ લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડી હતી.

તેમની આ નિઃસ્વાર્થ સેવાનું વધુ એક ઉત્તમ ઉદાહરણ ત્યારે જોવા મળ્યું જ્યારે તેઓ 'કૌન બનેગા કરોડપતિ' (KBC) ના મરાઠી સંસ્કરણ 'કૌન હોનાર કરોડપતિ' ના કર્મવીર સ્પેશિયલ એપિસોડમાં ગયા હતા. રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને જીતેલા ૨૫ લાખ રૂપિયા તેમણે સહજતાથી 'નામ ફાઉન્ડેશન' માં ખેડૂતોના કલ્યાણ માટે સોંપી દીધા.

આ ઉપરાંત, મહારાષ્ટ્રના સૂકા વિસ્તારોમાં પાણીની સમસ્યા કાયમી ઉકેલવા તેમણે જળ સંરક્ષણનું ભગીરથ કાર્ય ઉપાડ્યું. બીડ જિલ્લાના આષ્ટી તાલુકામાં સુકાઈ ગયેલી 'સીના' નદીને પુનર્જીવિત કરવાનું કામ 'નામ ફાઉન્ડેશન' અને સરકારના સહયોગથી થયું.

મોટા મશીનોથી કાંપ કાઢીને તેના પર 'સંગમેશ્વર સાંગવી' અને 'ખડકત' જેવા ડેમ (બંધારા) બનાવવામાં આવ્યા. જે નદીના પટમાં પહેલા માત્ર ધૂળ ઉડતી હતી, ત્યાં વરસાદનું પુષ્કળ પાણી લહેરાવા લાગ્યું અને માઈલો લાંબી નહેરો દ્વારા અનેક ગામડાઓમાં ફરીથી હરિયાળી પાછી આવી.

નાના પાટેકરની દેશભક્તિ પણ માત્ર ફિલ્મો પૂરતી સીમિત નહોતી. પોતાની ફિલ્મ 'પ્રહાર' માટે તેમણે મરાઠા લાઈટ ઈન્ફન્ટ્રી સાથે પૂરા ૩ વર્ષ સુધી સખત મિલિટરી ટ્રેનિંગ લીધી હતી. ૧૯૯૯ ના કારગિલ યુદ્ધ સમયે દેશસેવા માટે બોર્ડર પર જવા તેમણે તત્કાલીન સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસ પાસે મંજૂરી મેળવી.

તેઓ લગભગ ૨ મહિના સુધી યુદ્ધના મેદાનમાં સેના સાથે દ્રાસ, લેહ, કુપવાડા અને સોપોર જેવા અતિ સંવેદનશીલ વિસ્તારોમાં રહ્યા હતા, જ્યાં તેમનું વજન ૭૬ કિલોથી ઘટીને ૫૬ કિલો થઈ ગયું હતું.

અસલ જિંદગીમાં નાનાએ એક ખૂબ જ વિશાળ હૃદયવાળા માણસનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મી દુનિયામાં પોતાના દમદાર અભિનયથી ત્રણ-ત્રણ 'નેશનલ એવોર્ડ' જીતનાર અને ચાની ટપરીથી લઈને કોમેડિયન્સની મિમિક્રી સુધી જેમના ડાયલોગ આજે પણ ગુંજે છે, તે રૂપેરી પડદાના આ 'ક્રાંતિવીરે' વાસ્તવિક જીવનમાં પણ ગરીબોના આંસુ લૂછીને માનવતાની સાચી ક્રાંતિ કરી છે.

સિનેમાઘરોમાં ભલે તેઓ પોતાના સંવાદોથી તાળીઓ મેળવતા રહ્યા, પણ હજારો ગરીબ પરિવારોના હૃદયમાં તો તેઓ એક ભગવાનનો દરજ્જો પામી ચૂક્યા છે. ઈશ્વર આવા દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે તેવી જ પ્રાર્થના.

■ હરેકૃષ્ણ જાની
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■