અઢાર અક્ષૌહિણી સેના - મહાભારત
પ્રાચીન ભારતમાં 'અક્ષૌહિણી' એક વિશાળ સૈન્ય તરીકે ગણાય છે. મહાભારતના એ ધર્મયુદ્ધમાં અઢાર અક્ષૌહિણી સેનાનો નાશ થયો હતો!
અક્ષૌહિણી સેના
મહાભારતના યુદ્ધમાં સૈન્યમાં મનુષ્યોની સંખ્યા ઓછામાં ઓછી છેંતાળીસ લાખ એક્યાસી હજાર નવસો વીસ હતી. તેમજ ઘોડાઓની સંખ્યા સત્તાવીસ લાખ પંદર હજાર છસો વીસ હતી, અને આટલી જ સંખ્યામાં હાથીઓ હતાં.
આ સંખ્યાથી તો એ ખ્યાલ આવી જ ગયો હશે કે મહાભારતનું કુરુક્ષેત્રનું યુદ્ધ કેટલું ભયંકર અને વિનાશકારી હતું!
મહાભારત મુજબ કુરુક્ષેત્રના યુદ્ધમાં કુલ અઢાર અક્ષૌહિણી સેનાઓએ યુદ્ધમાં ભાગ લીધો હતો. આ પૈકી અગિયાર અક્ષૌહિણી સેના કૌરવોના પક્ષમાં હતી, જ્યારે સાત અક્ષૌહિણી સેના પાંડવોની તરફેણમાં લડી હતી.
અક્ષૌહિણી સેનામાં કેટલા રથ, હાથી, પાયદળ અને ઘોડા હોય છે, આના સંબંધમાં મહાભારતના 'પર્વસંગ્રાહ'ના પર્વનાં દ્વિતીય અધ્યાયમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે.
કોઈપણ અક્ષૌહિણી સેનામાં ગજ એટલે કે હાથી સવાર, રથ, ઘોડા અને સૈનિક એમ ચાર વિભાગ હોય છે. તેના દરેક વિભાગના સંખ્યાનાં અંકોનો કુલ સરવાળો અઢાર થાય છે.
એક ઘોડા પર એક સવાર બેઠેલો હોય છે. હાથીઓ પર ઓછામાં ઓછા બે વ્યક્તિ બેઠેલાં હોવા જોઈએ, એક મહાવત અને બીજો લડાયક યોદ્ધો. એ જ રીતે રથમાં બે માણસો સવાર હોવાં જોઈએ અને એ રથને ચાર ઘોડા રહ્યાં હશે!
એક અક્ષૌહિણી સેના અનેક ભાગોમાં વહેંચાયેલી હતી. એક ગજ, એક રથ, ત્રણ ઘોડા અને પાંચ પાયદળ મળીને એક 'પત્તિ' બને છે.
ત્રણ પત્તિ ભેગી થઈને એક 'સેનામુખ' બને છે જેમાં ત્રણ ગજ, ત્રણ રથ, નવ ઘોડા અને પંદર પાયદળ હોય છે. ત્રણ સેનામુખ મળીને એક 'ગુલ્મ' બને છે જેમાં નવ ગજ, નવ રથ, સત્તાવીસ ઘોડાઓ અને પિસ્તાલીસ પાયદળ હોય છે.
ત્રણ ગુલ્મનો એક 'ગણ' બને છે જેમાં સત્તાવીસ ગજ, સત્તાવીસ રથ, એક્યાસી ઘોડાઓ અને એકસો પાંત્રીસ પાયદળ હોય છે. ત્રણ ગણ મળીને એક 'વાહિની' બને છે જેમાં એક્યાસી ગજ, એક્યાસી રથ, બસો તેંતાલીસ ઘોડાઓ અને ચારસો પાંચ પાયદળ હોય છે.
તેવી જ રીતે ત્રણ વાહિનીની એક 'પૂતના' બને છે જેમાં બસો તેંતાલીસ ગજ, બસો તેંતાલીસ રથ, સાતસો ઓગણત્રીસ ઘોડાઓ અને એક હજાર બસો પંદર પાયદળ હોય છે.
ત્રણ પૂતના મળીને એક 'ચમૂ' બને છે જેમાં સાતસો ઓગણત્રીસ ગજ, સાતસો ઓગણત્રીસ રથ, બે હજાર એકસો સત્યાસી ઘોડાઓ અને ત્રણ હજાર છસો પિસ્તાલીસ પાયદળ હોય છે.
ત્રણ ચમૂની એક 'અનીકિની' બને છે જેમાં બે હજાર એકસો સત્યાસી ગજ, બે હજાર એકસો સત્યાસી રથ, છ હજાર પાંચસો એકસઠ ઘોડાઓ અને દસ હજાર નવસો પાંત્રીસ પાયદળ હોય છે. છેવટે ત્રણ અનીકિની મળીને એક 'અક્ષૌહિણી' સેના બને છે!
આ પ્રકારે એક અક્ષૌહિણી સેનામાં એકવીસ હજાર આઠસો સિત્તેર ગજ, એકવીસ હજાર આઠસો સિત્તેર રથ, પાંસઠ હજાર છસો દસ ઘોડેસવાર અને એક લાખ નવ હજાર ત્રણસો પચાસ પાયદળ હોય છે.
આમાં ચારેય અંગોમાં બે લાખ અઢાર હજાર સાતસો સૈનિકો બરાબર સંખ્યામાં વહેંચાયેલા હતાં અને પ્રત્યેક અંગનો એક પ્રમુખ પણ હોતો હતો.
પત્તિ, સેનામુખ, ગુલ્મ તથા ગણના નાયક 'અધિરથી' હોતાં હતાં. વાહિની, પૂતના, ચમૂ, અને અનીકિનીનાં નાયકો 'રથી' હોતાં હતાં.
એક અક્ષૌહિણી સેનાનો નાયક 'અતિરથી' હોતો હતો, જ્યારે એકથી વધારે અક્ષૌહિણી સેનાનો નાયક સામાન્યતઃ 'મહારથી' હોતો હતો.
પાંડવો પાસે સાત અક્ષૌહિણી સેના હતી જેમાં એક લાખ ત્રેપન હજાર નેવું રથ, એક લાખ ત્રેપન હજાર નેવું ગજ, ચાર લાખ ઓગણસાઠ હજાર બસો સિત્તેર અશ્વ અને સાત લાખ પાંસઠ હજાર બસો સિત્તેર પાયદળ હતા.
કૌરવો પાસે અગિયાર અક્ષૌહિણી સેના હતી જેમાં બે લાખ ચાલીસ હજાર પાંચસો સિત્તેર રથ, બે લાખ ચાલીસ હજાર પાંચસો સિત્તેર ગજ, સાત લાખ એકવીસ હજાર સાતસો દસ અશ્વ અને બાર લાખ બે હજાર આઠસો પચાસ પાયદળ હતા.
પ્રાચીન ભારતમાં સેનાના મુખ્ય ચાર અંગો હોતાં હતાં જેમાં હાથી, ઘોડા, રથ, અને પાયદળનો સમાવેશ થતો. જે સેનામાં આ ચાર અંગો હોય એને 'ચતુરંગીણી' સેના કહેવામાં આવતી હતી.
મહાભારતના આદિપર્વ અને સભાપર્વમાં ઉપશ્રવાજીએ સેનાનું યથાર્થ વર્ણન કરતાં કહ્યું છે કે, "એક રથ, એક હાથી, પાંચ પાયદળ અને ત્રણ ઘોડા મળીને પત્તિ બને છે. તેની ત્રણ ગણી સંખ્યા સેનામુખ કહેવાય છે."
તેમણે વધુમાં કહ્યું, "ત્રણ સેનામુખોને એક ગુલ્મ, ત્રણ ગુલ્મનો એક ગણ, ત્રણ ગણની એક વાહિની, ત્રણ વાહિનીઓની પૂતના, ત્રણ પૂતનાની એક ચમૂ, ત્રણ ચમૂની એક અનીકિની અને દસ અનીકિનીની એક અક્ષૌહિણી બને છે." એવું વિદ્વાનોનું કથન છે.
શ્રેષ્ઠ બ્રાહ્મણો અને ગાણિતિક તત્વચિંતકોના મતે એક અક્ષૌહિણી સેનામાં રથો અને હાથીઓની સંખ્યા એકવીસ હજાર આઠસો સિત્તેર, ચાલતા માનવોની સંખ્યા એક લાખ નવ હજાર ત્રણસો પચાસ અને ઘોડાની સંખ્યા પાંસઠ હજાર છસો દસ હોવી જોઈએ.
આ ગણતરી મુજબ કૌરવો અને પાંડવોની બંને સેનાઓની સંખ્યા કુલ મળીને અઢાર અક્ષૌહિણી હતી જે કાળની પ્રેરણાથી સમન્તપંચક ક્ષેત્રમાં એકત્ર થઈ અને નાશ પામી!
અલબેરુનીના અનુસાર અક્ષૌહિણીની વ્યાખ્યા થોડી અલગ છે. તેના મતે એક અક્ષૌહિણીમાં દસ અંતકિનીઓ, એક અંતકિનીમાં ત્રણ ચમૂ, એક ચમૂમાં ત્રણ પૂતના, એક પૂતનામાં ત્રણ વાહિનીઓ, એક વાહિનીમાં ત્રણ ગણ, એક ગણમાં ત્રણ ગુલ્મ, એક ગુલ્મમાં ત્રણ સેનામુખ, એક સેનામુખમાં ત્રણ પંક્તિ અને એક પંક્તિમાં એક રથ હોય છે.
તેના વર્ણન મુજબ શતરંજના હાથીને 'રુખ' કહેવાય છે જ્યારે યુનાની તેને 'યુદ્ધ રથ' કહે છે. રથનો આવિષ્કાર એફ્રોડિસિયાસ નામના હિન્દુએ કર્યો હતો.
રથમાં એક હાથી, ત્રણ સવારો અને પાંચ પ્યાદાઓનો સમાવેશ થતો હતો. દરેક રથમાં ચાર ઘોડા અને એક સારથી બેસતાં જે બાણોથી સુસજ્જિત રહેતો.
દરેક હાથી પર મહાવત અને તેનો સહાયક બેસતા તથા હાથી પરનું સિંહાસન ધનુષ બાણથી સજાવાયેલું રહેતું.
અલબેરુનીની ગણતરી મુજબ એક અક્ષૌહિણીમાં રથો અને હાથીઓ પર સવાર લોકોની સંખ્યા બે લાખ ચોર્યાસી હજાર ત્રણસો ત્રેવીસ, ઘોડેસવારોની સંખ્યા સિત્યાસી હજાર ચારસો એંસી અને પાયદળની સંખ્યા એક લાખ નવ હજાર ત્રણસો પચાસ હોય છે.
એક અક્ષૌહિણી સેનામાં સમસ્ત જીવધારકો એટલે કે હાથીઓ, ઘોડા અને મનુષ્યોની કુલ સંખ્યા છ લાખ ચોત્રીસ હજાર બસો તેંતાલીસ હોય છે.
અઢાર અક્ષૌહિણી સેનામાં આ સંખ્યા વધીને એક કરોડ ચૌદ લાખ સોળ હજાર ત્રણસો ચુમોતેર થઈ જાય છે!
જેમાં ત્રણ લાખ તાણું હજાર છસો સાઠ હાથીઓ, સત્તાવીસ લાખ પંચાવન હજાર છસો વીસ ઘોડા અને બ્યાસી લાખ સડસઠ હજાર ચોરાણું મનુષ્યોનો સમાવેશ થાય છે.
■ હરેકૃષ્ણ જાની
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
Tags:
Mahabharat
