શામળાનું સરનામું - નવલિકા

Related

શામળાનું સરનામું 

પાંજરાપોળના દરવાજાની બહાર એક ફાટેલ લૂગડે ખેડુ કોઈ ગાડીની વાટય (રાહ) જુવે છે. પાંજરાપોળની બરાબર ધોરીમાર્ગને અડીને આવેલી. શહેરની બહાર બનાવેલી પણ શહેરોના આંધળા આધુનિકીકરણે એને ચારે તરફથી ઘેરી લીધેલ. પણ એ ભાઈનું મોઢું આજે દર્દ ભર્યું લાગતું હતું.

શામળાનું સરનામું - નવલિકા
શામળાનું સરનામું - નવલિકા

એવા માં એર કન્ડીશન ગાડી બાજુમાં આવી ઊભી રહી. અને ગાડીનો કાચ ખોલી ને સરનામું પૂછ્યું ખેડુ હાથ જોડીને બોલ્યો બાપા આય થી સીધા જાઓ આગળ એકાદ ગાઉં પછી ત્રણ રસ્તા આવશે ત્યાંથી જમણી બાજુ વળી જજો.

ગાડી થોડી આગળ નીકળી ગઈ પણ થોડી વાર માં ગાડી પાછી આવી ને પાછો કાચ ખોલી ને પૂછ્યું તમારે કઈ બાજુ જવું છે ? ખેડુ બોલ્યો બાપા મારે પણ જવું તો એ બાજુ છે પણ ... સામે વાળી વ્યક્તિ આદરથી પૂછ્યું પણ શું? હાલો હું પણ એજ બાજુ જાઉં છું તો તમને એટલા સુધી લેતો જાઉં. પણ આવી મોંઘીદાટ ગાડી માં બેસતા ખેડુ અચકાતો હોય એવું લાગ્યું. પણ ગાડીવાળા વ્યક્તિ ભલા માણસ દેખાતા હતા. એણે ખેડુ ને કીધું ભાઈ બેસી જાઓ મુજાવ નહિ. હું ભાડું નહિ માંગુ..અને ખેડૂત ને ગાડી માં બેસાડી ને ગાડી મારગે કરી. 

ખેડુ ગાડીમાં બેઠો પણ ઘડી ઘડી પોતાની ચિથરાવાળી પાઘડીનો છેડો લઈને મોઢા પર ફેરવે છે. અને ગુમસુમ બેઠો છે. ગાડીવાળા વ્યક્તિ પ્રશ્ન પૂછે છે. તમે અહીંયા સવારના પોર માં એટલા વેલા શું કામ આવ્યા હતા ?

ખેડુના મનમાં ધ્રાસકો પડ્યો. હવે મારે શું જવાબ આપવો ?. કઈ નહિ કામે આવ્યો હતો. એમ કહી ને ટૂંકમાં ઉતર વાળ્યો. પણ ગાડી વાળા સજ્જનને લાગ્યું કે થોડી વાતો કરતા કરતા મુસાફરી કરીયે તો પંથ તરત કપાઈ જાય એટલે બીજો પ્રશ્ન કર્યો તમે સાવ આમ ઉતરેલ મોઢે બેઠા છો કઈ તકલીફ છે. કોઈ અપ્રિય ઘટના ઘટી છે?

ખેડુતે પરાણે બોલવું પડતું હોય એમ પાછો પાઘડીનો છેડો મોઢા પર ફેરવતા બોલ્યો ના બાપ એવું કઈ નથી. પણ એ મુસાફર વ્યક્તિ સમયને પારખી ગયો અને આગળ આવતી હોટલ પર ગાડી રોડ પર રોકી. અને કીધું કે હાલો ચા પાણી કરી લઈએ . ખેડુ ના પાડતા માથું ધુણાવ્યું. પણ ગાડીવાળા ભાઈ માન્યા નહિ અને હોટલ પર ચા પાણી કરવા ઉતર્યા. 

ઉદાસ ચહેરો જાણે કંઇક વ્યથા ઠાલવવા માંગતો હોય એવું ગાડીવાળા ભાઈ ને જણાયું. એટલે પૂછ્યું કે ભાઈ આપ મને સાચે સાચું કહો કે આપ કઈ મુઝવણમાં છો ?! અને આટલા ઉદાસ શેના માટે છો? મને માંડી ને વાત કરો વાત કરવાથી હૈયું હલકું થઈ જાય છે. આટલી હૂફ ખેડુને મળતા તો ખેડુની આંખમાં જળજળીયા આવી ગયા ગળામાં ડૂમો ભરાઈ ગયો અને રડી પડ્યો. કે આજ મેં મારા ભાઈ સમાન ભાઈને તરછોડ્યા છે. મને કુદરત માફ નહિ કરે એમ કહીને રોવા માંડ્યો. ગાડીવાળા ભાઈ બોલ્યા કે મને માંડીને વાત કરો હું કઈ સમજ્યો નહિ. 

ખેડૂતે માંડી ને વાત શરું કરી..!!
આજ થી આઠેક વરસ પહેલાં મારી પાસે મૂડી નહોતી મારી પાસે નાણા ની બહુ તંગી ઘરને ગરીબાઈ આટો લઈ ગઈ હતી. અમે તો ખેડુ કેવાઈએ અને અમારી તો જનેતા એટલે ધરતી અમે ધરતી ના છોરું એ મહેર કરે તો લીલાલહેર થાય. અમારા ગામ માંથી બધાય ખેડુ મેળે જતા હતા (જે પશુઓનો સ્પેશ્યલ મેળો ભરાતો હોય જેમાં બળદ, ઘોડા, ઊંટ, ગદર્ભ જેવા પશુની લે-વેચ થતી હોય) અમારા ગામના એક ભાઈએ મને કીધું કે મારે મેળે જવું છે અને મારી પાસે બે જોડી બળદ છે તો હું તને મજૂરી પેટે રૂપિયા આપીશ તું હાલ મારી સાથે. અને હું ગયો મેળે. એ મેળામાં અલક મલકથી કાંકરેજી અસ્સલ ઓલાદના બળદો જોઈને મારી પણ બળદ લેવાની બહુ ઈચ્છા થઈ પણ મારી પુગત ન'તી કે હું બળદ લઈ શકું. મારી પરિસ્થિતિ અને ગરીબાઈ હું જાણતો હતો એટલે હું સાવ આમજ ઉદાસ બેઠો હતો. 

એવામાં એક ભાઈ આવ્યા અને મને પૂછ્યું ભાઈ મેળે શિદ આવ્યા હતા. મેં કહ્યું કે એક ભાઈ હાર્યે બળદ હાકી ને આવ્યો છું.

એ ભાઈ એ મને પૂછ્યું કે તમારે બળદ નથી લેવાના ?

મે ના પાડી કે નથી લેવા. અને એ ભાઈ મને સામેથી કીધું રૂપિયાની મૂંઝવણ હોય તો ફિકર ના કરતા તમને હું મદદ કરીશ. ત્યાં સુધી મારી નજર ધરતી માથે પડેલા ઓગઠ ઉપર હતી પણ ઉપર નજર કરીને સામે જોયું તો એક સફેદ શહેરી કપડામાં વ્યક્તિને સામે જોયા. હસમુખો ચહેરો કરીને ભાઈ બોલ્યા કે ભાઈ રૂપિયા થાય ત્યારે આપજો અને હું વ્યાજ પણ નહિ લઉં. અને ઉઘરાણી પણ નહિ કરું તમારે થાય ત્યારે આપજો.

મારા માટે જાણે એ સજ્જન માણસના રૂપમાં ભગવાન સાક્ષાત આવ્યા હતા. અને એમણે મારા હાથમાં બે નાના વણ પધોર્યા ઘાઘડિયા (નાની ઉંમર ના બળદ જેના પર હજી ધોસરું ના મુકાયું હોય) ની રાસ હાથમાં આપી ને કીધું કે લ્યો આ બળદ. મેં પૂછ્યું આપ તો ખેડૂત નથી લાગતા તો આ નાના ઘાઘડિયા તમારી પાસે કેવી રીતે આવ્યા..!!?

એ સજ્જન માણસ બોલ્યા કે અમારા વિસ્તારમાં એક ભાઈ આને વેચી રહ્યા હતા મને થયું કે ક્યાંક કતલખાને જાય એના કરતાં મેળામાં કઈક ખેડૂતો આવશે. ત્યારે કોઈને હું ભેટમાં આપી દઈશ તો આ પશુ સુખી થશે માટે મે ખરીદી લીધા.

પણ મને મનમાં ચિંતા થતી હતી કે હું હવે કોને આ જવાબદારી આપુ કે આ પશુડા ને સાચવે ક્યાર નો હુ જોયા કરું છું તમારા ચહેરાનો ભાવ જોઈને મને તમારા પર વિશ્વાસ આવ્યો એટલે તમારી પાસે આવ્યો છું. મને નિરાશ ના કરતા રૂપિયા થાય તો દેજો પણ આ મૂંગા જીવને તરછોડશો નહિ. એટલું કહીને એ સજ્જન માણસ મેળાની ભીડમાં અદ્રશ્ય થઈ ગયાં મારાથી નામ ઠામ કઈ જ પૂછાણું નહિ.

એ ઘાઘડિયા લઈ ને હું ઘરે આવ્યો પરમાત્માની કૃપાથી મેં આઠ આઠ વરસ એ મારા ભાઈ સમાન ભેરૂડા હારે ખેતી કરીને ગુજરાન ચલાવ્યું. પણ ઉપરા ઉપરી બે બે દુકાળ પડ્યા છે. ઘરે નીરણ ખૂટ્યા. બળદ ને ખવરાવવા માટે મારી પાસે કઈ નથી રોજ સવારે ઉઠું ને ભૂખ્યા બળદને જોઈ ને મારા આત્મા દુઃખી થતો હતો એટલે મેં વિચાર્યું કે પાંજરાપોળ માં થોડાક દી મૂકી આવું.

હૈયા માથે પથ્થર મૂકી ને હું બળદ ને માજન માં મુકવા આવ્યો હતો. પણ મને રડવું એ વાત નું આવે છે કે એ મૂંગા પશુડા જાણે મને સવાલ કરતા હોય કે તું તારો વાયદો ભૂલી ગયો ?! અમે ક્યાં તારું ઘર ખાઈ જાત, વગડા માં રખડી ને બાવળ ના કાતરા ખાઈ ને દુકાળ કાઢી નાખત. પણ તે અમને આજે પરાયા કરી નાખ્યાં..!

આઠ આઠ વરસ સુધી ધોસરું માથે લઈ ને તારા ભેગા જ ઊભા રહ્યા પણ આજે વહમી વેળાએ તે અમને નોધારા કરી નાખ્યા. અમે તારા માટે શું નથી કર્યું પણ તું આમ સાવ... એમ કહી ને ખેડૂત પોક મૂકી ને રુદન કરે છે.

મોટા ભાઈ હું જ્યારે મારા ભેરૂડા ને મૂકી ને વળતો થયો ને તોય જાણે મને આશીર્વાદ દેતા હોય કે બાપ સુખી થાજે.. આવા મૂંગા જીવ નો ઉપકાર હું કઈ રીતે ચૂકવીશ .. અને ખેડુ રડતો જાય છે..

પણ સામે ગાડીવાળા સજ્જન વ્યક્તિ ભાવવિભોર થઈ ગયો અને ખેડુ ને ખભે હાથ મૂકી ને કીધું હાલો પાછા પાંજરાપોળમાં જવું છે. ખેડુ નો હાથ પકડી ને ગાડી મે બેસાડી ગાડી વળતી થઈ સીધી પાંજરાપોળ ના દરવાજે ઉંભી રહી.

ખેડુ ને જોઈ ને બંને બળદો હડી કાઢીને ને સામે દોડ્યા અને ખેડુ પણ જાણે વરસો પહેલા વિખૂટા પડેલ ભાઈ હોય એમ મૂંગા જીવ ને ભેટી પડ્યો. ત્યાં કામ કરતા એક ભાઈ આવી ને કીધું કે સવારે મૂકેલા બળદે હજુ એક તણખલું મોઢા નથી નાખ્યું. બસ ભાભર્યા કરે છે.

આજ જાણે રામ અને ભરત નું મિલાપ થતો હોય એવું દ્રશ્ય નજરે આવ્યું. ગાડીવાળા ભાઈ ખેડુની બાજુમાં જઈ ને કીધું કે આ પાછળ ઊંભેલ ટ્રક પૂરી ભરેલ છે નિરણની એ તમારા સરનામે પહોંચી જશે એમ કહી ને એ વ્યક્તિ ગાડીમાં બેસીને ગાડી હંકારી મૂકી.

ખેડુ ગાડી પાછળ દોટ મૂકી પણ પલકારા માં ગાડી ઘણે લાંબે નીકળી ગઈ ખેડૂત પૂછતો રહ્યો કે તમારું નામ ઠામ કે સરનામું તો આપતા જાઓ પણ ખેડુ પાછો જોતો જ રહ્યો અને મનો મન કેવા માંડ્યો તું પણ ખરો છે "શામળા" મને કોઈ દી સરનામું દેવા નથી ઊંભો રહેતો. અને મને હર વખતે છેતરી જાય એવા રૂપે આવે છે. આમ કહી ને ખેડુ જ્યાં એ ગાડીવાળા સજ્જન ના પગલાં પાડયાં હતાં એ ધૂળ માથે ચડાવી ને નમન કર્યા.........!!

સાચે દલ સમરો તમે "શામળો" એતો નોધારા નો આધાર, ધારી લ્યો "દ્વારકાના નાથ" ને એ અટકવા નહિ દે વે'વાર.""

આ વાતની કલ્પના પાછળનો હેતુ આપણા "વારસાગત મૂલ્યો" ભૂલાય નહિ,..આપણા અંદર ની "માણસાઈ" જીવંત રહે,... પ્રકૃતિ ને માફક જીવન જીવીએ. અને આપણી દાતારીનો સાચા રસ્તે ઉપયોગ કરી ને મૂંગા જીવો બચાવીએ એના માટેનો પ્રયાસ છે. ..🍂

લેખક: નિલેશ ચૌધરી (નીલમ)
................રીરાઈટ: હરેકૃષ્ણ ..

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

2 Comments

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!"