ખાધોડકો (Khadhokdo)

# ખાધોડકો ..."
------------------------------
વરસાદ સારો થયો.. નદીમાં વહેણ ચાલુ થઈ ગયું.. એટલે સવિતાબાએ નદીએ નહાવા જવાનું ચાલુ કર્યું.. વહેલા ઉઠીને નહાઈ આવે , અને લાલાની સેવા માટે જલ ભરી આવે.. નદી ઘરથી સાવ નજીક હતી..

આજે પાછાં વળતાં.. આછા અંધારામાં , રસ્તા પરથી એને અછોડો મળ્યો.. લઈ લીધો.. બબડ્યા.. " સાચો હશે કે ખોટો.. ભગવાન જાણે..”

AVAKARNEWS
ખાધોડકો

સવિતાબાની ઉમર તો ઘણી હતી, પણ શરીરે સારા હતા.. પણ ઉમરની અસરથી એકલાં એકલાં બોલવાની ટેવ પડી ગઈ હતી.. લાલાની સેવા પધરાવી હતી.. પૂજા કરતાં કરતાં ય એ લાલા સાથે વાતો કરતા જાય.."

પોતે એકલા હતા.. સ્વભાવે સરળ હતા.. પાડોશીઓની સલાહથી પોતાનું મકાન એક પાડોશીને જ વેંચી દીધું હતું.. પણ જીવે ત્યાં સુધી રસ્તા પરના બારણાવાળો એક ઓરડો અને રસોડું, વાપરવાની બોલી રાખી હતી.. આવેલ પૈસા બેંકમાં મુકી દર મહિને આવતા વ્યાજમાંથી ચલાવી લેતા..

જલની ગાગર અને મળેલ અછોડો પાણીઆરે મુકી, એ લાલાની સેવા કરવા બેઠા.. કલાકેક ચાલતી સેવામાં, લાલાના ભોગ માટે મીસ્રી મુકી.. લાલા સાથે વાતે વળગ્યા..

"લે, આજ મીસ્રીથી ચલાવી લે.. ઘી નથી.. મોહનથાળ શેનો કરું.. આ મહિને દવામાં પૈસા વાપરવા પડ્યા.. એટલે વહેલા ખુટી ગયા.. હજી ચાર દિવસની વાર છે.. પછી વ્યાજ આવશે.. ત્યાં સુધી રોજ મીસ્રી..”

રોજ સેવા પુરી થાય એટલે પાડોશના છોકરાં પ્રસાદ લેવા આવે.. આજે એક નાના છોકરાએ કહ્યું.. "બા, મને મોહનથાળ ભાવે.. આવી મીસ્રી બહુ ના ભાવે..” એ ભાવુક થઈ ગયા.. વિચાર્યું.. " મારા લાલાએ તો છોકરાના મોંમાં વાણી નહીં મુકી હોય ને..”

એ ઘરમાં આવ્યા.. પાણીઆરેથી અછોડો લઈ, ખાટલે બેઠા.. બરાબર તપાસ્યો.. "છે તો સાચો.. સવા દોઢ તોલા જેટલો લાગે છે.. ઘણા પૈસા આવશે.. પછી મોહનથાળ માટે ઘી નહીં ઘટે..”

ખાટલામાં આડા પડ્યા.. ને વિચારે ચડ્યા.." કાનુડો હતો જ તોફાની.. એને તોફાન સુઝ્યું હશે.. કોકનો લઈને મને આપવા મારા આડે રસ્તા પર નાખી ગયો હશે..”

પાછો બીજો વિચાર આવ્યો.. " હા, એ તોફાની તો હતો.. ગોપીના ઘરમાંથી માખણ ચોરી ખાતો.. રસ્તે આંતરીને લુટી ખાતો.. પણ એ તો પ્રેમનું ચોરતો.. પ્રેમનું લુટતો.. ગોપીઓ જાણીજોઈને છીકાં રેઢા મેલી દેતી.. જાણીજોઈને, એ ગાયો ચારતો હોય એ રસ્તે મહી વેંચવા નિકળતી.. અને લુટાતી..

મારો લાલો અણહકના અછોડાના પૈસાનો મોહનથાળ ના ખાય..”

એ ઉભા થયા.. લાલા પાસે જઈને બોલ્યા.." તને ભાવે કે ના ભાવે.. હમણાં તો હું મીસ્રી જ ધરીશ..”

એણે બહાર આવીને પાડોશી સ્ત્રીઓને અછોડો બતાવ્યો.. તપાસ કરતાં.. એ અછોડો ત્રીજી શેરીમાં રહેતા ધોબીના દિકરાની વહુનો હતો.. છતાં પાડોશણોએ ધોબીને ઘરે જઈ.. વિગતવાર પુછપરછ કરીને, આપી દીધો..

અછોડાવાળી વાત પુરી થઈ.. એટલે એ ઘરમાં કામે વળગ્યા.. વાળચોળ, સાફસુફી કરી લીધી.. એટલામાં ધોબીના દિકરાની વહુ આવી.. બોલી.. "બા, મને કેટલું પેટમાં બળતું હતું.. તમને મળ્યો તે સારું થયું.. બીજાને હાથ પડ્યો હોત, તો પાછો ના આવત..”

એ વધુ બોલી.. "મારા સસરાએ કહ્યું કે.. બા સેવા પૂજા કરે છે, એટલે આપણા ઘરનું પાણી પણ નહીં લે.. એટલે બજારમાંથી સીધું લઈ આવી છું.. પ્રસાદ રાંધવા ઘી, લોટ ને ખાંડ.. બધું કિલો કિલો છે..”

સવિતાબાએ સીધું સામાન ઠેકાણે મુક્યાં.. લાલાની તરફ જોયું.. બોલ્યા.. "મારો રોયો ખાધોડકો.. મોહનથાળનું ગોઠવી લીધું..” – અજ્ઞાત" (આ વાર્તાના લેખકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)

"Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આયુર્વેદથી આરોગ્ય, પ્રકૃતિનું જતન જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺 —— "આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!! 

2 Comments

Thank you so much for your feedback 😊

  1. 100 % right ane jem rakhva hoy amj rehvay

    ReplyDelete
  2. આ છોડો ન વેચ્યો તે ખૂબ સારું કાર્ય કર્યું. તેણે કરીને ભગવાન રાજી થયા અને બીજી બધી જ વ્યવસ્થા કરી આપી

    ReplyDelete
Previous Post Next Post