ઋણ (Mata-Pita Nu Run)

# ઋણ"
******************
કાલે રાત્રે પથારીમાં હું પડખા ઘસી રહ્યો હતો. શરીરમાં થોડો તાવ હતો. સાથે ઉધરસ પણ હતી. ઊંઘ ન આવવાનું કારણ ઉધરસ કે તાવ ન હતું. એ હું જાણતો હતો. આજની રાત મારા મમ્મી પપ્પા સાથેની અને આ ઘર સાથે જોડાયેલી મારી યાદો માટેની છેલ્લી રાત હતી. આવતી કાલે અમે મમ્મી પપ્પાથી જુદા થઈ રહ્યા હતા.

#આવકાર
માં બાપનું ઋણ 

વૃદ્ધત્વ તરફ આગળ વધતા માઁ બાપે તેમની સમગ્ર જીંદગી તોફાની દરિયામાં હલેસાઓ મારી મારીને મારી કરિયર બનાવી મને કિનારે સલામત ઉતારી તો દીધો પણ હું કેવો સ્વાર્થી સંતાન છું કે મમ્મી પપ્પાને સંઘર્ષ દરમિયાન તોફાની દરિયામાં નુકશાન થયેલ નાવ સાથે એકલા મૂકી હું આગળ વધી રહ્યો છું.

મારો પણ વાંક એ હતો મેં પ્રેમ લગ્ન કરતી વખતે ફક્ત મારી પત્ની ડિમ્પલનુ રૂપ જ જોયું હતુ તેના સંસ્કાર કે ગુણ જોયા ન હતા.

રૂપ અને રૂપિયાનો નશો દારૂ જેવો છે એ ઉતરે ત્યારે જ ખબર પડે આપણે એકલા પડી ગયા. લગ્નના બે ત્રણ વર્ષ દરમ્યાન હું પણ ડિમ્પલના ઉદ્ધત અને સ્વચ્છંદી સ્વભાવથી કંટાળી ગયો હતો. હું તેને પ્રેમ કરતો હતો તેનો મતલબ એ તો નથી કે જેઓ મને ભૂતકાળમાં પ્રેમ કરતા હતા તેના ઉપર હું પૂર્ણવિરામ મૂકી દઉં.

મેં ઘણી વખત ડિમ્પલને સમજાવવા પ્રયત્ન કર્યો હતો મેં તેને કહ્યું હતું સોનાની તલવાર મ્યાનમાં જ શોભે, તેમ તું ગમે તેટલી સ્વરૂપવાન હો, તારી જીભડી મોઢાની અંદર જ શોભે છે. તલવાર, જીભ અને નદી તેની મર્યાદા ચુકે તો કેટલાયના ઘર બરબાદ કરી નાખે છે.

મારી પત્ની અને સાસરી પક્ષના આગ્રહને અને ચંચુપાતને કારણે મારે મારી ઈચ્છા વિરુદ્ધ જુદા થવાનો નિર્ણય લેવો પડ્યો.

પપ્પા મમ્મીએ પણ કહ્યું, બેટા તું સુખી રહે તેનાથી વધારે ખુશી અમારી શું હોય ? તારી લાગણી અને પ્રેમ માટે અમને જરા પણ શંકા નથી. ઘડપણમાં અમારે શાંતિ જોઈએ છે.

એ તેમની મોટાઈ ગણો કે સેક્રિફાઈસ, એક માઁ બાપનું સર્જન ઈશ્વરે એવું કર્યું છે કોઈ પણ પ્રકારની આશા કે અપેક્ષા વગર પોતાની જાત અને રૂપિયા બાળકો માટે ઘસી નાખી તેઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે છે છતાં પણ જ્યારે તેમનાથી જુદા થઈએ છીએ, ત્યારે નહિ કોઈ કોર્ટ કચેરી કે નહીં કોઈ ભરણ પોષણ માટેનો દાવો. ખાલી ખીસ્સા અને ખાલી હદયે હસતા ચહેરે તમારા જીવનમાંથી બહાર નીકળી જાય છે. ખરેખર આવા સમયે જ માઁ બાપને ફિલ થાય છે "શું લઈને આવ્યા હતા અને શું લઈને ગયા" .

અચાનક મને ઉધરસ ચડી મેં જોર જોસથી ઉધરસ ખાધી. ઉધરસ બંધ થવાનું નામ લેતી ન હતી. થોડી વાર પછી મેં જોયું બેઠક રૂમની લાઈટ ચાલુ થઈ

મેં મારા બેડરૂમનું બારણું ધીરેથી ખોલીને જોયું તો માઁ સોફામાં બેઠી હતી. હાથમાં હળદર મીઠા વાળું ગરમ પાણી ભરેલા ગ્લાસ સાથે તે ઉભી થઈ મારા માથે હાથ ફેરવી બોલી, બેટા લે પાણી પી લે. ઉધરસમાં રાહત રહેશે. મારી આખોમાંથી આંસુ નીકળવા લાગ્યા.

હું વિચારતો હતો મારી બાજુમાં સૂતેલ મારી પત્ની ડિમ્પલને મારી ઉધરસનો અવાજ આવતો નથી અને આ અમારા બાજુના રૂમમાં સૂતી મારી માઁ ને ઉધરસનો અવાજ આવી ગયો પ્રેમની તાકાત તો જુઓ.

કોની વધારે ગણવી.? 
નવ મહિના જેણે પેટમાં મને રાખ્યો, મારી લાતો પેટની અંદર ખાધી, છતાં હસતા મોઢે સહન કરતી આજે એ જ માઁ ને હું છોડી રહ્યો છું.

જન્મનું રજીસ્ટ્રેશન અને લગ્નનું રજીસ્ટ્રેશન બંને વચ્ચેનો તફાવત સમજો. જન્મના રજીસ્ટ્રેશન ઉપર માઁ બાપ તેના બાળક ઉપર ભરણપોષણનો કેસ કદી દાખલ નથી કરતા જ્યારે પત્ની ...

ઈશ્વર પ્રત્યક્ષ પ્રેમ આપવા કે દેખરેખ રાખવા આવતો નથી તેટલે જ તેઓએ માઁ બાપનું સર્જન કર્યું. હું ક્યા મોઢે મંદિરમાં ઈશ્વર સામે ઉભો રહીશ ?

ત્યાં માઁ બોલી, અરે બેટા મારો હાથ છોડ. ...ના માઁ તારો હાથ અને સાથ તો મારા માટે સ્વર્ગ છે. મારે તારો હાથ કે સાથ છોડી ક્યાંય નથી જવું. એક કામ કર. મને ઊંઘ નથી આવતી થોડી વાર મને તારા રૂમમાં મારા માથે હાથ ફેરવી આપ. હું ખૂબ થાકી ગયો છું. મેં ફક્ત રડવાનું જ બાકી રાખ્યું હતું. હું સંપૂર્ણ તૂટી ગયો હતો.

થાકેલું તન અને મન માઁ ના ખોળા માં માથું મુકતાંજ હળવું ફૂલ બની ગયું. માથે માઁ નો હાથ ફરતો રહ્યો .મારો થાક ઉતરતો ગયો. સવારે અચાનક જ્યારે હું ઉઠ્યો ત્યારે મેં જોયું, માઁ આખી રાત મારૂ માથું ખોળામાં રાખી બેસી રહી. અને પપ્પા પણ સાથે બેસી મને જોતા રહ્યા હતા.

જે બાપે હું જ્યારે જ્યારે માનસિક તૂટી જતો ત્યારે મને માથે હાથ ફેરવી હિંમત આપી હતી એજ બાપ આજે હિંમત હારી મારી સામે જોઈ બેઠા હતા.

મેં કહ્યું, અરે માઁ તું હજુ સુતી નથી? પપ્પા તમે પણ ?

બેટા, તું એટલો મસ્તીથી ઊંઘતો હતો કે મને થયું તારી ઊંઘ બગાડવી નથી.

એક પંખીનો માળો વીંખાઈ રહ્યો હતો.. તેને વીંખાતો બચાવવો તેની જવાબદારી અને નૈતિક ફરજ મારી હતી. અત્યાર સુધી હું મૌન રહ્યો પણ હવે મૌન નહિ રહું.

એક રાત્રીના અનુભવ માત્રથી મેં મારા નિર્ણયને બદલી નાખ્યો. સવારે મેં ડિમ્પલને ફક્ત એટલું જ કહ્યું, હું મમ્મી પપ્પાથી જુદો થવા નથી માંગતો. 

ડિમ્પલ બોલી, કેમ ?

મેં કહ્યું ડિમ્પલ લોકોની સવારે આંખ ખુલ્લે છે મારી આંખ રાત્રે ખુલ્લી ગઈ.

પણ હું આ ઘરમાં નહીં રહી શકું..ડિમ્પલ બોલી..

એ તારી માનસીકતા અને તારો નિર્ણય છે મારો નહીં. તું સ્વતંત્ર અને મુક્ત છે તારા નિર્ણય માટે.

મતલબ તમે મને પ્રેમ નથી કરતા. ડિમ્પલ બોલી.

ડિમ્પલ...સંભાળ ...પ્રેમનો મતલબ એક પથારીમાં સાથે સુવાનો નથી, બેચાર રૂપકડા શબ્દો બોલી એકબીજાને પ્રભાવિત કરવા, તેને પ્રેમ નહીં ભવાઈ કહેવાય. લગ્ન ફક્ત હાડ ચામડા ચુંથવા બે વ્યક્તિને ભેગા નથી કરતા. પરિવાર અને સમાજ પ્રત્યે પણ આપણી અનેક જવાબદારી અને ફરજ હોય છે. ત્યાગ ,સમર્પણ, અને જતું કરવાની ભાવના જ્યાં હોય ત્યાં જ પ્રેમ પાંગરે છે.

ડિમ્પલ હું આજે જે છું ,જ્યાં છું એ મારા માઁ બાપની ત્રીસ વર્ષની તપસ્યાનું પરિણામ છે. તેમાં તારું યોગદાન કેટલું ? પહેલા ચંદનની જેમ ઘસાતા શીખવું પડે પછી હક્કની વાતો થાય.

મારા ઉછેર સમયે તેઓ ATM કાર્ડ બની ઉભા રહ્યા હતા અને જ્યારે ઘડપણમાં તેઓને મારી જરૂર છે ત્યારે હું આધાર કાર્ડ ન બની શકું તો ધિક્કાર છે મારા જેવા સંતાનને. જો હું તેમના હસતા ચહેરા પાછળનું દર્દ ન સમજી શકું તો મારા જેવો નીચ, નાલાયક અને સ્વાર્થી આ સંસારમાં બીજું કોણ હોઇ શકે ?

ડિમ્પલ તારો વાંક નથી. તારો ઉછેર એવા વાતવરણ માં થયો છે. તારે તારી બહેનપણીઓને બોલાવી કીટી પાર્ટીઓ કરવી છે.

તારા સમયે ઉંઘવું છે તારા સમયે હરવું ફરવું છે. એટલે તને મારા માઁ બાપ બોજ રૂપ લાગે છે તેઓની હાજરી ખૂંચે છે. આજે હું તને સ્પષ્ટ શબ્દમાં કહું છું હું તને પ્રેમ કરું છું પણ તારે મારા દિલમાં સ્થાન બનાવવા તારો સ્વભાવ, વર્તન વ્યવહાર સુધારવા જ પડશે.

ડિમ્પલ, ઇતિહાસ બીજાના સુખ માટે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરનાર વ્યક્તિની જ નોંધ લે છે, નહિ કે ભોગ વિલાસ માટે.... આવી વ્યક્તિ તો સ્વાર્થી હોય છે તેનો ભરોસો ન કરાય.

ડિમ્પલ સામો જવાબ આપ્યા વગર અમારા રૂમની અંદર જતી રહી.

થોડી વાર પછી હું ઉભો થયો મેં જોયું તો ડિમ્પલ બાંધેલો સામાન ખોલતી હતી મને જોઈ ઉભી થઇ દોડીને ભેટી પડી. બોલી, સોરી ડાર્લિંગ.. મને એક મોટી ભૂલ કરતા આજે તેં રોકી છે.

મને પણ વિચાર આવ્યો ભવિષ્યમાં આપણું સંતાન પણ અચાનક ઘડપણમાં આવી રીતે આપણને મૂકીને જતું રહે તો આપણું શું થાય ? મારા નાના ભાઈના લગ્ન પણ હજુ નથી થયા.. એ લગ્ન પછી આવું કરે તો મારા મમ્મી પપ્પાનું કોણ ?

ડિમ્પલ, તારામાં રૂપની સાથે ગુણ ભળી જાયને તો તારી બરોબરી કોઈ નહિ કરી શકે. થોડો સ્વભાવ અને આદત સુધાર, મેં ડિમ્પલને માથે હાથ ફેરવી કીધું ... વેચી નાખે એવા તો ઘણાય છે આ સંસાર માં પણ... કોઈ આપણા માટે ખર્ચાઇ જાય તેનું ઋણ અદા કરતા શીખવુ જોઈએ. – અજ્ઞાત" (આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)

✍️આ વાતની શીખ માત્ર સંતાનો માટે જ નથી મા-બાપ માટે પણ છે, પોતાના બાળકોને સારા સંસ્કાર અને વાણી વર્તન શીખવવા એ દરેક માં બાપની ફરજ છે અને લગ્ન પછી દીકરી ને વધુ પડતું પિયર તરફથી ચુંગ્લી અને વહુને સાસરી તરફથી ખોટું દબાણ રાખવું પણ યોગ્ય નથી., ઘણા પરિવારોમાં સિરિયલ આધારિત કુટુંબો ચાલતા હોય એ અયોગ્ય છે., રિયલ જિંદગી અલગ હોય છે." 🌺
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post