આશરો (Aashro)

Related

# આશરો .."

************* કૃતજ્ઞ પંડ્યા (આવાઝ)
મમ્મી, મમ્મી જો હું ગોલ્ડ મેડલ લઈ આવ્યો, અંશ એ સર્ટિફિકેટ અને ટ્રોફી છેક ઊંચો હાથ કરી બતાવતાં કહ્યું. અંશના પપ્પા અંદરના રૂમમાં બેઠાં બેઠાં છાપૂ વાંચતા હતાં તેમણે આ સાંભળ્યું અને પોતાના ધૂંધળા ચશ્માંથી દીકરાનું ચળકતું ભવિષ્ય જોઈ તેમની આંખો ભરાઈ આવી, આ આંસુઓમાં મિશ્ર ભાવ હતો, અંશને મેડલ મળ્યાનો હરખ અને રાજ તથા સ્નેહા ને ભણાવી ન શકવાનો વસવસો...."

AVAKARNEWS
આશરો - Aashro 

રોજ સવારે મહેશ ભાઈની મોટર બાઈક ચાલી પડે, અંશને શોર્ટ રાઇડ કરાવવા માટે, આમ તો; પેટ્રોલ ખર્ચ કરવા માટે, મહેશભાઈ મધ્યમવર્ગીય હોવા છતાં તેમની બચત અને ફાઇનાન્સીયલ પ્લાનિંગ ને લીધે તમામ નાની મોટી જરૂરિયાતો ને પહોંચી વળતાં. રોજ સવારે ઉપડતી આ સવારી એકજ જગ્યાએ જઈને ઉભી રહે રાજની સાયકલની રેકડીએ, કિતાબ લખવાની ઉંમરમાં એ છોકરો હિસાબ લખતો, મહેશભાઈ રોજ સવારે ખબર હોવા છતાં કે, બાઈક એકદમ વ્યવસ્થિત ચાલે છે; તે છોકરાં પાસે હવા ચેક કરાવે, બાઇકમાં થોડો ગાભો મરાવે અને તેને 50 રૂપિયા આપી દે, માથેના વધતાં પૈસા ક્યારેય પાછા ન લે! એકદિવસ રાજે હિંમત એકઠી કરીને પૂછી જ લીધું....

રાજ: અંકલ આ તમે કેમ રોજ હવા ચેક કરાવો છો, અને છુટ્ટા પૈસા પાછા પણ નથી લેતાં? હું કંઈ ભિખારી નથી, મને દાન ન આપો.

"રાજનું સ્વમાન ઘવાયું હોય તે રીતે તે બોલ્યો"

મહેશભાઈ: અરે ભઈલા, કોણે કીધું હું તને દાન આપું છું? અલ્યા એય, રોજનો આ હિસાબ તો લખે છે ને તું? આ જેટલાં પણ રૂપિયા વધે ને એ કંઈ ખોટા કામમાં વાપરવાના નથી! (કડક અવાજે તેમણે કહ્યું.) આજે તે પૂછ્યું જ છે તો કહી દઉં છું, આ વધતાં પૈસાથી તું તારા ચોપડાં લે, સરકારી શાળામાં એડમિશન તને હું લેવડાવી દઈશ; જો મારી પાસે એટલા તો પૈસા નથી કે તને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી શકું, પણ હજી તો તારી ભણવાની ઉંમર છે, તારા પેટ માટે અને તારી માતા માટે તારે કમાવું પડશે એ હું જાણું છું પણ મને વચન આપ કે તું આ જમાં થયેલાં પૈસાથી ભણીશ અને આગળ જઈને ખૂબ મોટો માણસ બનીશ.

રાજ મહેશભાઈને ભેટી પડ્યો અને 10 મિનિટ સુધી રડ્યાં કર્યો. છેવટે મહેશભાઈએ કહેવું પડ્યું કે ચાલ બેટા મને ઓફીસ માટે મોડું થાય છે, બનીશ ને મોટો માણસ?

રાજ: મોટો બનીશ કે નહીં, ખબર નહીં અંકલ, માણસ જરૂર બનીશ. તમારો ખુબ ખુબ આભાર આ મદદ બદલ, તમારો હું કાયમને માટે ઋણી રહીશ. બાને આ વાત ખબર પડશે ત્યારે ખબર નહીં તે શું કહેશે? એના માટે પૈસા કરતાં સ્વમાન વધારે મહત્વનું છે.

મહેશભાઈ: એને કહેજે કે આ એક ભાઈની, એક બહેનને આટલાં વર્ષોના રક્ષાબંધનની ભેટ છે. ભાણેજની બંધ આંખોએ જોયેલાં સપના, અમારી ખુલી આંખો સાકાર થતાં જોવે એવા આશીર્વાદ. અચ્છા, મને એ તો કહે કે તારું સપનું શું છે?

રાજ: કહીશ તો તમને કદાચ ગુસ્સો આવશે, એમ પણ થશે કે આ બધાં પૈસા જે તમે આપ્યાં છે તે નકામાં જશે.

મહેશભાઈ: હવે તો સાંભળવું છે!

રાજ: મારે ડ્રાઈવર બનવું છે. લોકોને એમનાં મુકામ સુધી પહોંચાડવા છે અને જેમનાં માટે બધાં હાઇવે બંધ છે, તેમનાં માટે કેડી સમાન બનવું છે.

મહેશભાઈને આજે ઓફિસ પહોંચવામાં અને અંશને સ્કૂલ પહોંચવામાં મોડું થઈ ગયું હતું એટલે વધારે કંઈ વાત કર્યા વગર તેઓએ મોટરબાઇક ભગાવી મૂકી.

રાજ મનોમન વિચારતો હતો, જોયું ને? સ્વાર્થી માણસો, મારી આખી વાત સાંભળ્યા વગર જ કેવા ચાલી નીકળ્યાં. આમની ડીક્ષનરીમાં તો ડ્રાઈવર નામનો શબ્દ જ નહીં હોયને? એમને તો એન્જિનિયર, પાઇલોટ, ડોકટર, CA, વકીલાત... આ બધાંજ વ્યવસાયો લાગે! અરે નથી જોતાં એમના પૈસા, કાલે આવે એટલે પાછા આપી દઈશ. (તે ગુસ્સામાં બોલતો જતો હતો અને રડતો હતો.)

તે દિવસે મંગળવાર હતો પણ રાજને માટે તે અમંગળ રહ્યો. એ પછી મહેશભાઈ ચાર દિવસ સુધી ન દેખાયાં.... પણ આ બાજુ તેમનાં મનમાં એકજ વિચાર ચાલતો હતો, આ છોકરાને હું શું ભણાવી શકીશ? 12 વર્ષની ઉંમરમાં આવી કસાયેલી વાતો, આવા સુદ્રઢ વિચાર! તેને નિરાંતે મળવું જોશે.

રવિવારે સવારે મહેશભાઈ પહોંચી જાય છે, લોંગ ડ્રાઇવ પર, આજે અંશ ભેગો નથી. રાજને ત્યાં પહોંચે છે.

રાજ તેમને જોઇને જ ગુસ્સાથી ભરાઈ જાય છે. તેમને પૈસા પાછાં આપતાં કહે છે, આ લો, તમારી ખોટી મહેરબાની નથી જોઇતી.

મહેશભાઈ: તે દિવસ માટે સોરી, મારે બહું મોડું થઈ ગયું હતું. તારી વાતો સાંભળીને તો તું ખૂબ ભણેલ લાગે છે, તો પછી આ બધું?

રાજ: ગીરીશ ગરાજનું નામ સાંભળ્યું છે? મારા પપ્પા આ ગરાજ ચલાવતાં, અમે ખૂબ પૈસા વાળા હતા. પરંતુ તેમના ગયા પછી લોન કંપનીઓ વાળા બધી મિલકત લઈ ગયા, પરિવારમાંથી પણ કોઈએ સાથ ન આપ્યો. એટલે મારે ડ્રાઈવર બનવું છે, શબવાહિની ચલાવનાર. અને મૃતકની અંતિમયાત્રા વખતે મળતાં તમામ પૈસા તેના પરિવારને આપી દઈશ, જો પરિવાર જરૂરિયાત વાળો ન હોય તો તમામ મૂડી એકત્રિત કરીને જ્યારે પણ કોઈ એવા પરિવારને જરૂર પડે ત્યારે તેમને આપી દઈશ અને હવે તો ભણી ગણીને ડિગ્રી લઉં એટલે ફૂલ ટાઇમ સોફ્ટવેર એન્જિનિયર તો બનીશ જ.

મહેશભાઈ: થોડી વાર માટે સ્તબ્ધ થઈ જાય છે! ચાલ હવે તું કહેતો હતો ને કે તારે મારું ઋણ ચૂકવવું છે, સામે પેલી ફુગ્ગાવાળી નાની બેબી દેખાય છે? તેનું નામ સ્નેહા છે, તેનું કોઈ નથી, તે પણ 10 વર્ષની જ છે. અનાથ બાળકોક સમજું જલ્દી થઇ જાય છે, તેને તારી બહેન બનાવી લે. હું તેને પણ ભણાવીશ.

20 વર્ષ પછી....

અંશ: લઈ આવ્યો, પહેલ વહેલાં જઈને આજે તો આ ડોસા ડોસી માટે કાયમી માટેની ટિકિટ લઈ આવ્યો, ટિકિટ ટુ વૃદ્ધાશ્રમ, અરે રોજ રોજની માથાકૂટ તો બંધ થાય યાર.... શું નાની નાની વાતમાં ઉછળી પડવાનું? આજે મારા સોંગના દર એક હજાર વ્યુઝ પર આમને ઢંઢેરો પિટવો હોય!

રમાબેન (અંશના મમ્મી): એટલે હવે શું તને અમે તારા કારણે ખુશ થઈએ એ પણ નથી ગમતું?

અંશ: બારે ટેક્સી ઊભી છે, જાવ એમાં બેસીને અત્યારે જ પહોંચી જાઓ વૃદ્ધાશ્રમ, તમારો સામાન પાછળથી પહોંચાડી દઈશ.

રડતાં રડતાં રમાબેન અને મહેશભાઈ બારે નીકળે છે ત્યાં તો ટેક્સીની પાછળ એક બીજી ગાડી આવીને ઊભી રહે છે. અને તેને ચલાવનાર હોય છે રાજ. તે ઉતરીને રમાબેન તથા મહેશભાઈને પગે લાગે છે અને અંશને કહે છે...

આજથી હવે મમ્મી પપ્પાને સાચવવાની જવાબદારી મારી નાના ભાઈ. લોકો અનાથ બાળકોને અડોપ્ટ કરે પણ આજે હું આ માં બાપને અડોપ્ટ કરવા આવ્યો છું.

મહેશભાઈના કાનમાં રાજના શબ્દો ગુંજી ઉઠે છે.... મોટો બનીશ કે નહીં, ખબર નહીં અંકલ, માણસ જરૂર બનીશ.

                     — કૃતજ્ઞ પંડ્યા (આવાઝ)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post