કુછ તો લોગ કહેંગે (Kuchh To log Kahenge)

Related

કુછ તો લોગ કહેંગે ......."
++++++++++++++++++ વર્ષા ભટ્ટ "વૃંદા"
બહાર ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. મેઘના બાલ્કનીમાં વાંસની ખુરશી પર બેઠી અને હાથમાં ચાનો કપ લઈને વરસતાં વરસાદને નિહાળતી હતી. જ્યારે પણ ચોમાસું આવે એટલે મેઘનાને તેનાં ભૂતકાળની યાદો, તેનાં દિલને ઝંઝોડી નાંખતી હતી.


AVAKARNEWS
Kuchh To log Kahenge

આજે સરસ મજાનું ઘર હતું,સારી નોકરી હતી, પણ આવડાં મોટાં ઘરમાં મેઘનાને એકલતા કોરી ખાતી હતી. ઉદાસ થયેલી મેઘના કોઈ નિર્ણય લઈ શકતી ન હતી. આજે પણ વરસાદ આવતાં મેઘના તેનાં ભૂતકાળની યાદોમાં સરી પડી....

+++++-----++++++++++

નટખટ, હંમેશા હસતી રહેતી મેઘના કોલેજમાં આવી. કોલેજ એટલે મોજ મજાનાં દિવસો, મસ્તી કરવાનાં દિવસો, એવાં અરમાનો સાથે કોલેજ જોઈન કરી. ઘરની પરિસ્થિતિ એટલી સારી નહીં. પિતા સુમનભાઈ એક મિલમાં નોકરી કરે, તેનાં ટૂંકા પગારમાંથી પાંચ જણાનું ભરણ પોષણ ખૂબ અઘરૂ થઈ પડતું, પણ મેઘનાં કોલેજની સાથે સાથે સાંજે ટ્યુશન ક્લાસ‌ કરાવવાં પણ જતી, જેથી થોડી મદદ મળી રહેતી. મેઘનાથી નાની નેહા અને તેનાથી નાનો મંત્ર, આમ પાંચ જણાનો પરિવાર હતો.

કોલેજ જવા માટે સુમનભાઈએ એક જૂની એક્ટિવા મેઘનાં માટે લીધી હતી. જે ગમે ત્યારે બંધ પડી જતી, તો કયારેક કીક મારી ચાલું કરવી પડતી. સમય રેતીની જેમ સરકતો રહ્યો. મેઘનાએ કોલેજ પૂરી કરી. નાની બહેન નેહાને એમ.બી.બી એસ માં એડમિશન કરાવ્યું. મંત્રને તો સ્પોર્ટ્સમાં આગળ વધવું હતું. મેઘનાં હવે નોકરી કરવાં લાગી.

એક દિવસ મેઘનાં નોકરી પર હતી ત્યારે તેને તેનાં પિતાની મિલમાંથી કોલ આવ્યો કે, તેનાં પિતાને હાર્ટએટેક આવ્યો છે. આ સાંભળી મેઘનાનાં પગ નીચેથી જમીન સરકી ગઈ. પોતે હિંમત રાખી, તેનાં મમ્મીને સંભાળ્યાં અને તેનાં પિતાની અંતિમ વિધિઓ પૂરી કરી. હવે ઘરની બધી જવાબદારીઓ ઘરમાં મોટી હોવાથી મેઘનાં પર આવી ગઈ. અત્યાર સુધી પિતાની છત્રછાયા હોય મેઘનાને હિંમત હતી, પણ હવે પિતા જવાથી ઘરની જવાબદારી, ભાઈ, બહેનનાં અભ્યાસની જવાબદારી પણ મેઘનાને માથે આવી પડી.

થોડાં જ સમયમાં મેઘનાએ નોકરીની સાથે સાંજે ઘરે આવી ટ્યુશન ક્લાસ પણ ચાલું કરી દીધાં. તેનાં મમ્મી સરીતાબહેન ઘરનાં કામકાજ સંભાળતાં અને મેઘના તેનાં ભાઈ, બહેનની ઈચ્છાઓ પૂરી કરવા સખત મહેનત કરતી. એક દિવસ મેઘના નોકરી પર જતી હતી અને રસ્તામાં તેની એક્ટિવા બંધ પડી ગઈ. મેઘનાએ ઘણી કીક મારી પણ એક્ટિવા ચાલું જ ન થઈ. એક તો વરસાદ પણ ચાલું હતો. એટલામાં રસ્તા પરથી એક હેન્ડસમ તેની બુલેટ લઈને નીકળ્યો. રસ્તામાં એક છોકરીને એકલી જોઈ તે નીચે ઉતરીને મેઘનાને મદદ કરી અને તેની એક્ટિવા ચાલું કરી દીધી. મેઘનાએ તેનો આભાર માન્યો.

બીજા દિવસે મેઘના જોબ પર ગઈ અને તેની એક્ટિવા પાર્ક કરતી હતી એજ સમયે તે હેન્ડસમ પણ તેની બુલેટ પાર્ક કરતો હતો.

મેઘના:" ઓહ! મિસ્ટર...આપ અહીં?"

હેન્ડસમ:" ઓહ! આપ?"

મેઘના:" હા, હું અહીં જ જોબ કરું છું. હું મેઘના શાહ."

હેન્ડસમ:" ગુડ, હું પણ સામેની બિલ્ડીંગમાં જ જોબ કરું છું. હું વેદ ત્રિવેદી."

બંનેએ એકબીજાને સેકહેન્ડ કર્યું અને એકબીજાનાં મોબાઈલ નંબરની આપ લે કરી. બસ, હવે તો બંનેનો આવવાં જવાનો સમય પણ સરખો હતો. તો રોજ મળતાં, મોબાઈલમાં પણ હાય, હેલ્લોના મેસેજો શરું થયાં. વેદ મેઘનાથી સાત વર્ષ નાનો હતો, પણ ખબર નહીં કેમ મેઘના પ્રત્યે એક લોહચુંબકની જેમ આકર્ષાતો હતો. હવે તો કોફી ડેટથી લઈને, રવિવારના હોટલમાં ડિનર માટે પણ વેદ અને મેઘના સાથે જતાં. હજુ તો મેઘનાનાં જીવનમાં ખુશી આવી ત્યાં મેઘનાની મમ્મી સરલાબેનને બે દિવસ તાવ આવ્યો અને ટૂંકી બિમારીમાં સરલાબેનનુ મૃત્યુ થયું. વેદે મેઘનાને હિંમત આપી. હજુ મેઘનાએ વેદ વિશે કોઈને ઘરમાં વાત કરી નહોતી.

આમને આમ એક વર્ષ વિતી ગયું અને વેદે મેઘનાને લગ્ન માટે પ્રપોઝ કર્યું, પણ મેઘનાએ લગ્ન માટે ના પાડી અને પોતાની જવાબદારી વિશે વેદને વાત કરી વળી વેદ મેઘના કરતાં ઉંમરમાં પણ નાનો હતો. લોકો શું કહેશે? એ વાતથી મેઘના ડરતી હતી. વેદે મેઘનાને ઘણી સમજાવી કે આપણે જવાબદારીઓ વહેંચી લેશું અને પ્રેમ ઉંમર નથી જોતો, પણ મેઘના લગ્ન માટે રાજી ન થઈ. બે વર્ષ સુધી બંને મળતાં રહ્યાં પછી વેદની ટ્રાન્સફર બેંગલોર થઈ અને વેદ બેંગલોર જતો રહ્યો. શરૂઆતમાં ફોનથી વાતચીત થતી પણ સમય જતાં બંને વચ્ચે વાતચીત પણ બંધ થઈ ગઈ.

મેઘનાને હવે કંપનીમાં પ્રમોશન મળ્યું હતું. તેની બેન નેહાએ સાથે ભણતાં નક્ષ સાથે લવ મેરેજ કર્યા અને તેઓ બંને ખુશીથી રહેતાં હતાં. નાનો ભાઈ મંત્ર પણ હવે અભ્યાસ પૂરો થતાં સારી જોબ કરતો હતો. મેઘના સોમથી શનિવાર જોબ કરતી અને રજા મળતાં જ આસપાસનાં વિસ્તારોમાં ફરવા જતી રહેતી. કયારેક વેદની યાદ આવી જતી, પણ મનને મનાવી લેતી કે હવે તો વેદ લગ્ન કરી સેટ પણ થઈ ગયો હશે.

આજે રવિવારની રજા હતી, પણ મેઘના ઘરે જ હતી. મંત્ર તેની સાથે એક છોકરીને લાવ્યો અને મેઘના સાથે મુલાકાત કરાવી.

મંત્ર :" દીદી, આ માહી છે. મારી સાથે જ ઓફિસમાં જોબ કરે છે, અને અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ."

માહી:" ગુડ મોર્નિંગ દીદી."

મેઘના:" ગુડ મોર્નિંગ...

" આ ઘરમાં બધાં સ્વતંત્ર હતાં. નેહાએ પણ તેની પસંદના છોકરાં સાથે લગ્ન કર્યા હતાં અને તું પણ તારી પસંદની છોકરી સાથે લગ્ન કરી શકે છે."

મેઘનાની વાત સાંભળી મંત્ર ખુશ થયો. ધામધુમથી લગ્ન કરી પૈસાનો વેડફાટ કરવો તેનાં કરતાં વિદેશમાં હનીમૂન કરવું, એવું માનતો મંત્ર અને માહીએ સાદાઈથી કોર્ટ મેરેજ કર્યા.

મેઘના તો તેનાં રોજનાં ક્રમ પ્રમાણે ઓફિસ જતી અને આવતી. રજામાં ફરવા જતી તે કયારેય મંત્ર અને માહીને રોકટોક કરતી નહીં. એક દિવસ મેઘનાની તબિયત સારી ન હતી અને તે મંત્રના રૂમમાં દવાઓ લેવા જતી હતી, ત્યાં માહીનો અવાજ મેઘનાને કાને પડ્યો.

માહી:" મંત્ર, શું દીદી હંમેશા આપણી સાથે જ રહેશે. આપણી પણ કોઈ પ્રાયવસી હોય ને!"

મંત્ર:" માહી, દીદી અહીં જ રહે ને, બીજે ક્યાં જાય! તેમણે લગ્ન પણ નથી કર્યા તો તેઓ સાથે જ રહેશે."

માહી:" ના, મંત્ર દીદી ન જાય તો આપણે આપણું અલગ ઘર ખરીદી જતાં રહીએ."   — મંત્રએ જોઈએ ચલો કહી વાત પૂરી કરી.

બંનેની વાતો સાંભળી મેઘના દરવાજા પાસેથી જ તેનાં રૂમમાં આવી. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. પૂરી રાત મેઘનાએ જાગીને વિતાવી. જે ભાઈ, બહેન માટે મેઘનાએ પોતાનાં સપનાંઓ, પોતાનો પ્રેમ કુરબાન કર્યો હતો તેઓ આમ બદલાઈ જશે એણે વિચાર્યું પણ નહોતું, આજે મેઘના પોતાની જાતને એકલી મહેસૂસ કરતી હતી.

સવારે સૌ ડાઈનિંગ ટેબલ પર નાસ્તો કરતાં હતાં, અને માહીએ અલગ ઘરમાં જવાની વાત કરી. મંત્ર તો કશું બોલ્યો નહીં બસ માહીની હા માં હા કરી. મેઘનાએ કોઈપણ દલીલ વગર અલગ ઘરમાં રહેવા જવાની પરમિશન આપી.

મંત્ર અને માહી નવું ઘર ખરીદી ત્યાં રહેવા જતાં રહ્યાં. નેહા અને નક્ષ પણ તેઓનાં બાળકો અમેરીકા ભણવા જતાં, ત્યાં રહેવા જતાં રહ્યાં. બસ, હવે મેઘના અને તેની એકલતા સાથે હતી. દિલ પર પથ્થર રાખી મેઘનાએ બધું સહન કર્યું. હવે તે એકલી રહેવા ટેવાઈ ગઈ હતી.

રોજનાં ક્રમ પ્રમાણે સવારે વહેલાં ઊઠી, વોક કરી, બ્રેકફાસ્ટ કરી, ફ્રેશ થઈ મેઘના ઓફિસ પહોંચી. ઓફિસમાં નવાં બોસ આવેલ તો સૌ તેઓને અભિનંદન આપવા એકઠાં થયાં હતાં. મેઘના પણ ગઈ. આ શું? મેઘનાના આશ્ચર્યનો પાર ન રહ્યો!

મેઘના:" ઓહ! વેદ તું?"

વેદ:" હા.. પણ તું અહી જ છે.!!"

મેઘના આટલાં વર્ષો પછી વેદને જોઈ ખુશીથી ઉછળી પડી. ઉદાસ મેઘનાના હૈયામાં વસંત મહેંકી ઊઠી. બંને હાફ લીવ લઈને નજીકની હોટલમાં લંચ પર ગયાં.

મેઘના:" વેદ તું કહે, શું ચાલે છે? શું કરે તારી પત્ની, બાળકો."

વેદ:" બસ, બંદાને તો જલ્સા છે. અરે! લગ્ન જ નથી કર્યા તો પત્ની અને બાળકો ક્યાંથી હોય!"

મેઘના:" કેમ, લગ્ન નથી કર્યા?"

વેદ :" મેઘના, તેનું કારણ તું સારી રીતે જાણે છે. મેં જીવનમાં એકવાર અને તે પણ તને જ દિલથી પ્રેમ કર્યો હતો. તું નહીં ઔર કોઈ નહીં."

વેદ ખડખડાટ હસવા લાગ્યો.

વેદ:" તું કહે તે લગ્ન કર્યા?"

મેઘના:" વેદ, જો લગ્ન કરવાં જ હોત તો તારી સાથે જ કરત, પણ..."

મેઘનાએ વાત અધૂરી છોડી...

મેઘનાએ બંને ભાઈ, બહેન પોતાનાં જીવનમાં સેટ થઈ ગયાં તે વાત કરી.

વેદ :" એમ, સરસ તો હવે તો જવાબદારીઓ પૂરી થઈ ને? તો મહોતરમાં શું વિચાર છે, લગ્ન કરી લઈએ?"

આમ અચાનક વેદ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો તો મેઘના મૂંઝાઈ ગઈ.

વેદ :" ઓહ! નિરાતે ઉતાવળ નથી."

બંને છૂટાં પડ્યાં અને હજુ મેઘના લગ્ન વિશે કોઈ નિર્ણય લઈ શકી ન હતી. મેઘનાના મોબાઈલમાં કોલ આવ્યો. રીંગટોનમા જે ગીત હતું તે વાગતું હતું.

" કુછ તો લોગ કહેગે, લોગો કા કામ હૈ કહેના, 
   છોડો ઈન બાતો કો કહી બીત ન જાયે રૈના..."

મેઘનાએ કોલ ઉપાડ્યો તો વેદનો ફોન હતો.

વેદ:" મેઘના, તો શું વિચાર કર્યો?"

મેઘનાને તેનો જવાબ મળી ગયો અને તરત જ મેઘનાએ વેદને વળતો જવાબ આપ્યો.

મેઘના:" હા "

વેદ:" તો હું હમણાં જ આવું છું, તને મળવા..."

વરસોથી તરસી રહેલી નદી જેમ સાગરને મળવાં બેકરાર હોય તેમ વેદ આવતાં જ મેઘના વેદને ભેટી પડી. બહાર જોરદાર વરસાદ હતો. વાદળોનો ગડગડાટ થતાં ડરી ગયેલી મેઘના વેદને બાઝી પડી. બહાર મેઘોનુ તોફાન હતું, તો અંદર વરસોથી રાહ જોનારા બે હૈયાઓ લાગણીઓથી પલળવા મથતાં હતાં. બંને એકબીજાની ભીની લાગણીમાં ભીંજાઈ ગયાં.

થોડીવાર થતાં બંને એકબીજાનો હાથ પકડીને વરસાદી મોસમનો આનંદ માણવા લોંગ ડ્રાઈવ પર નીકળી ગયાં. કારમાં પણ તે જ ગીત વાગતું હતું.

" કુછ તો લોગ કહેગે, લોગો કા કામ હે કહેના.... 
   છોડો ઈન બાતો કો કહી બીત ન જાયે રૈના...."

મેઘના અને વેદ એકબીજા સામે જોઈ હસી પડ્યાં. મેઘનાના મોબાઈલમાં મંત્રનો ફોન આવતો હતો, મેઘનાએ ફોન સ્વીચ ઓફ કરી, પોતાનું માથું વેદનાં ખભા પર ઢાળી દીધું....

                   — વર્ષા ભટ્ટ "વૃંદા" (અંજાર)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post