વિશ્વાસ (Confidence)

વિશ્વાસ .."
****************** ભારતી ત્રિવેદી દવે
આજ સવારથી મન બેચેન હતું. એક દિવસ અચાનક જ મને ચક્કર આવવા લાગ્યાં અને બ્લડ રિપોર્ટ જોઈને ડૉક્ટરે જણાવ્યું કે હિમોગ્લોબીન ઓછું થવાથી બે ચાર દિવસ માટે હોસ્પિટલમાં એડમીટ રહેવું પડશે.

AVAKARNEWS
વિશ્વાસ

સમયસર સારવાર મળી જવાથી હું આજે સાજી અને સ્વસ્થ થઈ ગઈ હતી અને મને હોસ્પિટલમાંથી રજા આપવાની હતી. છતાં પણ મારાં જીવને કોઈ ખુશી નહોતી. મન પર જાણે કે મણ મણની ગૂણો ન મૂકી હોય ! શ્રીમાનજી કૅશ કાઉન્ટર પર બેઠેલાં ભાઈ પાસે મારાં હોસ્પિટલમાંથી રજા આપવાનાં કાગળો તૈયાર કરાવી રહ્યાં હતાં. 

મને ઉદાસ જોઈને વારંવાર આવીને પૂછતાં હતાં કે, "તારી તબિયત તો સારી છે ને ? હજુ કંઈ પણ તકલીફ જણાય તો કહે કે જેથી અહીં છીએ ત્યાં ડોક્ટરને પૂછી શકાય." પણ હું એમને કેમ કરીને સમજાવું કે મારાં ચહેરા પર જે ઉદાસી હતી તે માનસિક હતી. મન વિચારે ચડ્યું હતું....

મેં જેને મારી નાની બહેન માનીને લાડ લડાવ્યા એને સાચવી એ નાનકી મને દવાખાનામાં દાખલ કર્યાનાં પાંચ દિવસમાં એક પણ વખત હોસ્પિટલ ન આવી કે ન એક પણ વાર મને ખબર અંતર પૂછવા ફોન કર્યો. આજે જ્યારે મને રજા અપાઈ રહી છે ત્યારે મારો પૂરો પરિવાર મારી પાસે આવીને ઊભો રહ્યો છે. નથી એક માત્ર નાનકી. મારી નાનકી એટલે મારી સૌથી નાની દેરાણી.

મારી નાનકી આટલી અમથી વાતમાં મારાંથી આટલું બધું રિસાઈ જશે ? માન્યામાં નથી આવતું ! મન એ વાતનો વિશ્વાસ કરવા તૈયાર નથી.

મારી આંખો સામે છેલ્લાં કેટલાંક દિવસોની ઘટમાળ ચલચિત્રની જેમ સરકી રહી છે. એક દિવસ નાનકી સાથે પોતે બજારમાં ગઈ હતી ત્યારે નાનકી કેટલીક બિનજરૂરી વસ્તુઓ ખરીદી રહી હતી. મેં તેને આમ કરતાં અટકાવીને ટકોર કરેલી કે "પહેલાં આપણે જે વસ્તુઓ લેવાં માટે આવ્યાં છીએ તે ખરીદી લઈએ. પછી જો સમય અને પૈસા વધે તો બાકીની ખરીદી કરીશું." કદાચ મારી આ વાત તેને ન ગમી. ઘરમાં પણ તે મારી સાથે મોઢું ચડાવીને રહેવા લાગી. મારી કોઈ પણ વાતમાં દલીલ કરે અને નાની નાની વાતમાં વાંધા. તેનું બદલાયેલું આ રૂપ મને અકળાવતું.

ઘરમાં વાર તહેવારે કંઈ પણ વસ્તુ આવે તો પહેલી પસંદગી તેની એવો મારો આગ્રહ રહેતો. હમણાં થોડાં દિવસ પહેલાની જ વાત કરું તો પપ્પાજી જામનગરથી બાંધણીઓ લાવેલા. ગુલાબી રંગની ખાસ મારાં માટે હતી. છતાં નાનકીને તે ગમી ગઈ એટલે મેં તેને આપી દીધી.

ઉત્સવો અને પ્રસંગોમાં નાનકી સરસ તૈયાર થઈને મ્હાલે તે મને ખૂબ જ ગમતું. હું તે સમયે હસતા મોઢે ઘરકામનો બોજ ઉપાડી લેતી. અને આજે...એ જ નાનકી એક વખત પણ મારી ખબર પૂછવા ન આવી એટલે મન ખૂબ દુઃખી થઈ રહ્યું હતું. 

એટલી વારમાં ડિસચાર્જ પેપર્સ પણ તૈયાર થઈ ગયાં અને હું મારાં સાસુ, સસરા, દિયર અને શ્રીમાનજી સાથે ઘરે પહોંચી. ત્યાંનું દ્ર્શ્ય જોઈને હું દંગ રહી ગઈ. મારાં ઘરે આવવાની ખુશીમાં મારાં ચાલવાના રસ્તામાં ફૂલો પાથરેલા હતાં. ત્યાં જ નાનકી પૂજાની થાળી લઈને આવી અને મારી આરતી ઉતારવા લાગી. ચાંદલો કર્યો અને મોં મીઠું કરાવીને મારો ગૃહ પ્રવેશ કરાવ્યો. 

મારાં રૂમને પણ સરસ રીતે ફૂલોથી શણગારેલો હતો. તેણે મને મારાં બેડ પર બેસાડી અને મને ચરણ સ્પર્શ કર્યાં. મેં તેને ઊભી કરી. તે મને ભેટી પડી અને રડવા લાગી. મારાંથી પણ રડી પડાયું. ત્યાં જ નાનકી બોલી કે, " ભાભી ! તમારાં વગર આ ઘર સૂનું સૂનું લાગતું હતું. જાણે કે તમારાં આવવાથી આ ઘરમાં પ્રાણ આવ્યો ! "

ત્યાં જ મારો ચૌદ વર્ષનો દીકરો રાજ આવ્યો. મને ભેટીને કહેવા લાગ્યો કે, " મમ્મી ! તમને દવાખાનામાં દાખલ કર્યા તે રાત્રે જ મને પણ ખૂબ તાવ આવ્યો હતો. આખી રાત કાકીએ મારાં માથે પોતાં મૂકયાં. મને સાજો કર્યો. મને કંઈ જમવાનું ભાવતું નહોતું તો કાકીએ મને પોતાનાં હાથે મોઢામાં કોળિયા મૂકીને જમાડ્યો હતો. તારી જેમ જ મને માથે હાથ મૂકીને પંપાળતાં અને સમયસર દવા આપતાં હતાં. એટલે તો તે તારી ખબર પૂછવા પણ આવી ન શક્યાં. ફોનમાં કદાચ તમને કહેવાઈ જાય તો કે મારી તબિયત નથી સારી. તમને ચિંતા ન થાય એટલે તમને એક ફોન પણ ન કર્યો."

આવું બધું સાંભળીને મને મારી જાત પર ઘૃણા ઉપજી. અરે..રે...! સંબંધોમાં મને એટલો પણ "વિશ્વાસ" નથી ? હું નાનકીનો આભાર અને માફી માંગવા ઈચ્છતી હતી ત્યાં તો તે મને ફરી ભેટી પડી. મારી આંખમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. મને આજે સમજાઈ ગયું કે સંબંધોમાં વિશ્વાસ અને લાગણીમાં ક્યારેય ઓટ ન આવવી જોઈએ કે શંકાને પણ સ્થાન ન આપવું જોઈએ.

           🖊️ભારતી ત્રિવેદી દવે (સુરેન્દ્રનગર)


"Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આયુર્વેદથી આરોગ્ય, પ્રકૃતિનું જતન જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺 —— "આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!! 

1 Comments

Thank you so much for your feedback 😊

Previous Post Next Post