સમય બદલાયો છે (Time has Changed)

# સમય બદલાયો છે ..."
************************** નીલમ દોશી
જયેશભાઈ અને ગોપીબહેનને બે દીકરા હતા. તેઓ હંમેશાં ગૌરવથી કહેતાં,અમારે તો રામ, લક્ષ્મણ જેવા બે કંધોતર દીકરા છે. સાધન સંપન્ન અને સુખી ઘર હતું. જીવન સરળતાથી વહેતું હતું.."

AVAKARNEWS
સમય બદલાયો છે - Time has Changed

પણ માનવીના સંજોગો ક્યારે, કેમ બદલાય છે એ કદી કોઈ ક્યાં જાણી શકતું હોય છે? કાળની એક જોરદાર ફૂંક અને જીવનનાં સઘળાં સમીકરણો બદલાઈ જતાં હોય છે. કાળ સામે ભલભલા લાચાર બની રહેતાં હોય છે.

જયેશભાઈના જીવનમાં પણ કંઈક એવું જ બન્યું. સમયનું વાવાઝોડું ફૂંકાયું અને સંજોગો બદલાયા. જયેશભાઈનો નાનો દીકરો પાંચ વર્ષનો થયો ત્યાં તેમને વેપારમાં ખોટ ગઈ અને આર્થિક સ્થિતિ બગડી. અચાનક મધ્યમવર્ગની સ્થિતિમાં આવી જવાયું.

જોકે, જયેશભાઈ કે તેમની પત્ની ગોપીબહેન એમ જલદી હિંમત હારે એમ નહોતાં. તેઓ વિચારતાં કે પોતે બે દીકરાના બાપ છે અને એ દૃીકરાઓ જ એમની સાચી મૂડી છે. કાલે સવારે દીકરાઓ મોટા થઈ જશે અને બાપની પાસે ઊભા રહેશે. પછી સમયને પણ બદલાવું પડશે.

મનોમન વિચારો ચાલતા રહેતા અને જયેશભાઈ થાક્યા સિવાય ચોવીસ કલાક કામમાં જોતરાઈ રહેતા. ગોપીબહેન પણ ઘરકામ અને દીકરાઓના ઉછેરમાં,તેમના અભ્યાસમાં વ્યસ્ત બની રહ્યાં. દરેક માતા-પિતાની જેમ જીવનની એક-એક ક્ષણ સંતાનો પાછળ વપરાતી રહી. પોતાની જાત સુધ્ધાંને ભૂલી ગયાં હતાં. દીકરાઓને કોઈ વાતે ઓછું ન આવે, તેમની જરૂરિયાતોમાં કાપ ન મૂકવો પડે માટે પતિ-પત્ની બંને સતર્ક રહેતાં. આ કારમી મોંઘવારીમાં ચાર વ્યક્તિના કુટુંબને સારી રીતે નિભાવવું એ કંઈ ખાવાના ખેલ નથી હોતા. એમાં પહેલેથી સારી રીતે રહ્યાં હોય ત્યારે અનેક નાની-નાની વાતમાં પણ સમાધાન કરવું પડતું હોય છે. જયેશભાઈ અને ગોપીબહેન પોતાની દરેક જરૂરિયાતમાં કાપ મૂકતાં રહ્યાં, પણ દીકરાઓની સગવડ સાચવતાં રહ્યાં. અને એમાં પોતે કશું નવું કરે છે કે કંઈ વધારે કરે છે એવો ખ્યાલ તો કયાં માતા-પિતાને હોય છે? તેમને માટે તો આ બધું સહજ અને સ્વાભાવિક હોય છે.

સમય પસાર થતો રહ્યો. દીકરાઓ મોટા થયા. સારું ભણ્યા. યોગ્ય સમય થતાં નોકરી અને છોકરી બંને મળ્યાં. ગોપીબહેને પોતાનાં બધાં ઘરેણાં વહુને આપી બધી જવાબદારી પૂરી કરી અને હાશકારો અનુભવ્યો.

બંને દીકરાઓની નોકરી બહારગામ હતી, તેથી બંને અલગ-અલગ જગ્યાએ સેટલ થયા હતા.

એવામાં ફરી એક વાર નસીબનું પાંદડું ફર્યું. જયેશભાઈને અચાનક હમણાં શેરબજારમાં બહુ મોટો ફાયદો થયો. લક્ષ્મીદેવીની ફરી એક વાર કૃપા થઈ. ગુમાવ્યું હતું એ બધું પાછું આવ્યું. જયેશભાઈ અને ગોપીબહેન નસીબનો આ ખેલ પણ જોઈ રહ્યાં. તેમણે હસીને પત્નીને કહ્યું, "ગોપી, આ ભગવાન પણ ખરો છે નહીં? હવે તો આપણા રામ, લક્ષ્મણ કમાતા થઈ ગયા છે. હવે આપણે ક્યાં પૈસાની કમી પડવાની હતી? ઠીક છે. આવતી લક્ષ્મીને થોડી જ ઠુકરાવાય છે? એને તો હંમેશાં આવકારો જ હોયને? આ તો નસીબની બલિહારીની વાત કરતો હતો."

પતિ-પત્ની સુખ અને શાંતિથી રહેતાં હતાં. કદીક બંને દીકરા આંટો મારી જતાં, તો કદીક તેઓ પણ દીકરાના ઘેર આંટો મારી આવતાં.

પણ હમણાં થોડા સમયથી ગોપીબહેનનું શરીર કથળ્યું હતું. ઉંમર તો એનું કામ કરવાની જ ને? એમાં એક અકસ્માતમાં ગોપીબહેનને મલ્ટિપલ ફ્રેક્ચર થયાં. હાથ-પગ અને પાંસળીઓમાં ફ્રેક્ચર થયાં હતાં. નાનાં-મોટાં કંઈ કેટલાંય ઓપરેશન કરાવવાં પડે તેમ હતાં. ઓછામાં ઓછો ચાર-છ મહિનાનો ખાટલો તો સાચો જ હતો, પણ આશ્વાસન એક જ હતું કે ગોપીબહેન બચી ગયાં એ જ ઈશ્વરની મહેરબાની. 'જાન બચી તો લાખો પાયે' એના જેવી પરિસ્થિતિ હતી. પૈસાનો કોઈ સવાલ નહોતો, પણ હોસ્પિટલમાં લાંબો વખત રહેવું પડશે એ નક્કી હતું. આવે સમયે માણસની પણ ખોટ પડતી હોય છે. બંને જરૂરી હોય છે. જયેશભાઈ હિંમત હાર્યા નહીં. પોતાને પૈસાની કમી નથી અને માણસોની કમી પણ ક્યાં હતી? આજ સુધી કદી દીકરાઓની મદદની જરૂર નહોતી પડી, પણ આજે જીવનમાં પહેલી વાર દીકરાઓની મદદની જરૂર પડી હતી.

જયેશભાઈએ બંને દીકરાઓને ફોન કર્યા.

બંને દીકરાઓ તો આવ્યા પણ એકલા, વહુઓ સાથે નહોતી. જયેશભાઈને નવાઈ લાગી. આવે સમયે વહુની ખાસ જરૂર હતી જેથી ઘર સચવાય અને દીકરાઓ નચિંત બની બહારનું અને હોસ્પિટલનું કામ સંભાળી શકે.

"બેટા, વહુ નથી આવી?"

જવાબમાં બંનેએ પોતપોતાની મજબૂરી રજૂ કરી અને તે આવી શકે તેમ નથી એમ જણાવ્યું.

"હા પપ્પા, પૈસાની કોઈ જરૂર હોય તો અમે ચારે હાજર જ છીએ. ગમે તેટલો ખર્ચો થાય એની ચિંતા ન કરતા. મમ્મીની સારવારમાં કોઈ કસર ન રહેવી જોઈએ."

બંનેને જાણ હતી કે પપ્પાને પૈસાની જરૂર તો હવે રહી નથી.

"ના બેટા, પૈસાની તો ક્યાં જરૂર છે? અત્યારે તો જરૂર છે કોઈ ઘરના માણસોની. બંને વહુ વારાફરતી થોડો સમય આવે તોપણ સમય નીકળી જશે. હું એકલો બધે કેવી રીતે પહોંચી શકવાનો? આવા સમયે હોસ્પિટલમાં કોઈની સતત જરૂર પડે. હું ઘર સંભાળું, બહારના ધક્કા ખાઉં કે તારી મમ્મીની પાસે રહું? બધું કેમ પહોંચાય? એ તો તમે પણ સમજી શકો છો."

"પપ્પા, તમારી વાત ખોટી નથી, પણ એમાં અમે પણ શું કરી શકીએ? અમારા સંજોગો એવા છે કે ત્યાંથી કોઈ આવી શકે એમ નથી. શહેરમાં કેટલા પ્રોબ્લેમ હોય છે. અમે અમારામાં પણ પૂરા નથી પહોંચી વળતાં... બીજું શું કરી શકીએ? હા, બીજી કોઈ જરૂર હોય તો ચોક્કસ કરીએ અને પપ્પા, આપણી પાસે પૈસા હોય ત્યારે જોઈતા હોય એટલા માણસો મળી જાય. માટે વધારે ચિંતા કર્યા સિવાય બે માણસો રાખી લો. એ રસોઈ પણ બનાવી આપશે અને બહારના ધક્કા પણ ખાશે. બસ, તમે મમ્મી પાસે રહીને એનું ધ્યાન રાખો. આમાં કોઈ પ્રશ્ન જ ક્યાં છે?"

અમે અનુકૂળતાએ આવતાં જતાં રહીશું. આમ, આવી બધી વાતો કરી ધ્યાન રાખવાનું કહી બંને દીકરાઓ એક જ દિવસમાં પાછા ઊપડી ગયા.

તેમને તો મનમાં હતું કે પોતાને બે-બે જુવાન કંધોતર દીકરાઓ અને એમની વહુઓ છે, પછી મારે શી ચિંતા છે? હોસ્પિટલમાં રહેવું, આંટાફેરા, ડોક્ટરને મળવું, દવા લાવવી, ઘર સાચવવું, રસોઈ બનાવવી, હોસ્પિટલમાં ટિફિન પહોંચાડવું બધું છોકરાઓ અને વહુઓ મળીને વારાફરથી ઉપાડી લેશે, પણ દીકરાઓ તો માત્ર મોં બતાવવા આવ્યા હતા.

જ્યારે જયેશભાઈથી બોલાઈ ગયું કે બેટા, "મેં ને તારી મમ્મીએ આજ સુધી તમારું જ હિત જોયું છે. તમને ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા, અમારી જરૂરિયાતોમાં કાપ મૂકીને."

જયેશભાઈ આગળ બોલી ન શક્યા. તેમનું ગળું ભરાઈ આવ્યું હતું. બે દીકરાઓનો બાપ આજે લાચાર બની ગયો હતો. જીવનનો સૌથી મોટો સધિયારો આજે પડી ભાંગ્યો હતો. જેની ઉપર બધો મદાર રાખ્યો હતો એ તૂટી ગયો.

દીકરાઓએ તો નફટાઈથી જવાબ આપી દીધો હતો.

"પપ્પા, ભણાવ્યા ગણાવ્યા એમાં તમે નવાઈ નથી કરી. બધાં મા-બાપ પોતાનાં સંતાનોને ભણાવે જ છે. છતાં તમે એની કિંમત ઇચ્છતાં હો તો બોલો,કિંમત આપી દઈએ. કેટલા આપવાના છે અમારે? તમે અમારી પાછળ ખર્ચ્યા હોય એના કરતાં વધારે આપીશું." બેઉં દીકરાઓની આવી વાત સાંભળીને જયેશભાઈનું ચેતન જ હણાઈ ગયું. શું જવાબ આપે દીકરાઓની આવી વાતનો? તેમને થયું આવી ખબર હોત તો દીકરાઓને ખબર આપીને બોલાવત જ નહીં. તેમનું મન ભરાઈ આવ્યું."

દીકરાઓ ફક્ત પોતાની હાજરી પુરાવીને ચાલ્યા ગયા. ગોપીબહેનને જયેશભાઈએ કોઈ વાત જાણવા ન દીધી. બહાનું બતાવી દીધું, પણ ગોપીબહેનન મનમાં સમજી ગયાં હતાં. દીકરાઓ ફક્ત એક દિવસ માને મોઢું બતાવીને ચાલ્યા ગયા હતા. તેમનો જીવ કકળી ઊઠયો હતો, પણ ચૂપ રહ્યાં. બોલીને પતિના દુઃખમાં વધારો કરવા નહોતાં ઇચ્છતાં.

છોકરાઓ તો ચાલ્યા ગયા. એકાદ દિવસ જયેશભાઈ મનોમન અફસોસ કરતા રહ્યાં, દુઃખી થતા રહ્યા, પણ પછી મન મક્કમ કરીને બધો અફસોસ ખંખેરી પત્નીની સારવારમાં લાગી ગયા.

સદ્નસીબે જયેશભાઈના અનેક મિત્રો ખડે પગે હાજર રહ્યા. મિત્રોની મદદથી બધું ગોઠવાઈ ગયું. પત્નીની સારવારમાં કોઈ કચાશ જયેશભાઈએ ન છોડી, પણ કમનસીબે ગોપીબહેનને બચાવી ન શકાયાં. દીકરાઓના વર્તને તેમને ખૂબ આઘાત આપ્યો હતો. ઉત્તમ સારવાર છતાં કોઈ પરિણામ ન મળ્યું અને એક મહિના પછી ગોપીબહેન અલવિદા કરી ગયાં.

જયેશભાઈને દીકરાઓને સમાચાર આપવાનું મન નહોતું, પણ મિત્રોએ પોતાની ફરજ સમજીને સમાચાર આપ્યા હતા. માના મરણના સમાચાર મળતાં જ બંને દીકરાઓ તેમની વહુઓ સાથે આવી પહોંચ્યાં.

જયેશભાઈ દીકરાઓને જોઈ એક શબ્દ ન બોલ્યા. દીકરાઓ તેમને આશ્વાસન આપવા ગયા તો કશું બોલ્યા સિવાય વેધક નજરે તેમની તરફ તાકી રહ્યા.

ગોપીબહેનની નનામીને જયેશભાઈએ હાથ સુધ્ધાં ન અડાડવા દીધો. "કોઈ જરૂર નથી, હું મારી પત્નીની સેવા કરી શકું છું તો તેને આખરી વિદાય પણ જાતે જ આપીશ."

"બેટા, મારી પાસે પૈસા પણ છે જ અને પૈસાથી માણસો મળી જ રહેશે."

જીદે ભરાયેલા જયેશભાઈએ દીકરાઓને ગોપીબહેનની કોઈ અંતિમ વિધિમાં ભાગ ન જ લેવા દીધો. જીવતી માને એક મહિનામાં જેમણે એક ફોન કરીને ખબર સુધ્ધાં નહોતા પૂછયા એ દીકરાઓને તે માફ કરી શકે એમ નહોતા.

આ વાતને પાંચ વર્ષ વીતી ગયાં. જયેશભાઈએ દીકરાઓ સાથે કોઈ સંબંધ ન રાખ્યો. જીવનભર એકલા જ રહ્યા.

અને આખરે એક દિવસ જીવનના શાશ્વત ક્રમ મુજબ દુનિયા છોડી ગયા. દીકરાઓને જાણ હતી કે પિતા પાસે ઘણો પૈસો છે. બધા દોડી આવ્યા, પરંતુ દીકરાઓને જાણ થઈ કે પિતાએ તેમની બધી મિલ્કતનું ટ્રસ્ટ બનાવી બાળકો માટે કામ કરતી એક સારી સંસ્થાને આપતા ગયા છે ને તેના ટ્રસ્ટી તરીકે બધી જવાબદારી મિત્રોને સોંપતા ગયા છે. ત્યારે બંને દીકરાને શું બોલવું તે પણ ન સૂઝ્યું. તેમને તો હતું કે પિતાની મિલ્કત બીજા કોને મળવાની છે? પિતા તેમના વહાલા દીકરાઓનો મોહ આમ સાવ છોડી દેશે એવી તો કદી કલ્પના પણ ક્યાં આવી હતી? પણ તેઓ ભૂલી ગયા હતા કે "સમય" બદલાઈ રહ્યો છે. હવે આજનાં માતા-પિતા સંતાનોના મોહમાં અંધ નથી રહ્યાં. એ સત્ય સંતાનો જેટલાં જલદી સમજી લે એ તેમનાં જ હિતમાં છે.

"આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અથવા અમને વોટ્સએપ No - 7878222218 પર પણ મોકલી શકો છો..!!🌺 __🖊️©આવકાર™

Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આરોગ્ય અને પ્રકૃતિ વિશેની માહિતી, સરકારી યોજના જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺

Post a Comment

Previous Post Next Post