કર્મની ખેતી (Karm Ni Kheti)

કર્મની ખેતી
*************** પાર્થિવ નાણાવટી
મારા નાનકડા ગામડાની અંદર Audi ગાડીમાં બેસી મેં પ્રવેશ કર્યો. સાથે હું વિચારી રહ્યો હતો જીવન એ "કર્મની ખેતી છે જેવું વાવો તેવું લણો."

આવકાર વેબસાઇટ
કર્મની ખેતી - Karm Ni Kheti

ગામમાં એક ટેકરી હતી જ્યાં એક ઘટાદાર ઝાડ અને ઝાડ નીચે બેચાર બાંકડા અને તેની બાજુમાં એક ગોળ ઓટલા ઉપર ભગવાની નાની દેરી. ત્યાં એક ચા અને નાસ્તાની લારી ઉભી રહેતી.

હું કારમાંથી નીચે ઉતર્યો. ગામડાની માટીને માથે ચઢાવી.

અમારા તૂટેલા ઝૂંપડા જેવા મકાન સામે જોઈ ભીની આંખે મારા ભૂતકાળની દુઃખદ ક્ષણો હું યાદ કરી રહ્યો હતો. ...થોડી વાર પછી મેં અમારા ખેતર સામે જોયું.

ખેતરની વચ્ચે એક ઝાડ, અને એ ઝાડની નીચે મારા બાપ સાથે ગાળેલ આનંદની અનેક ક્ષણો પણ હું યાદ કરવા લાગ્યો. આ એ ઝાડ છે જ્યાં મારા બાપે ખેતીમાં દેવું વધી જવાથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

માઁ નો પ્રેમ તો મેં જોયો જ ન હતો મારા જન્મની સાથે તેની કાયમી વિદાય. મેં કોટના ખિસ્સામાંથી રૂમાલ કાઢી આંખ લૂછી...

મેં ટેકરી નીચે ઉભા રહી ઉપર નજર કરી.એજ બે ચાર બાંકડા, ચા નાસ્તાની લારી ઉભી હતી..

હું ધીરા પગલે ટેકરી ચઢવા લાગ્યો..એક એક ડગલે હું મારા ભૂતકાળમાં જઈ રહ્યો હતો..

પપ્પાની અચાનક વિદાયથી હું હિંમત હારી ગયો હતો.

ન આર્થિક કોઈ સપોર્ટ ન માનસિક, મારે જવું તો ક્યાં જવુ ? એ મારા માટે મોટો સવાલ હતો.

આ ટેકરી ઉપર આવનાર ઘણા લોકો મને કપડા અને મારા દેખાવ ઉપરથી પાગલ ગણતા હતા. લગભગ આ ટેકરી એ મારુ જીવન અને આશ્રયસ્થાન બની ગયું હતું. કોઈ વખત રાત્રે બાંકડા ઉપર જ સુઈ જતો. દુઃખે ધીરેધીરે આંસુ સાથે દોસ્તી કરી લીધી હતી. પેટને પણ ભુખ્યા રહેવાની આદત ધીરે ધીરે પડી ગઈ હતી.

ભગવાનની દેરી સામે જોઈ હું કહેતો, સજા કરવા પણ પ્રભુ તને હું જ મળ્યો. એટલી કસોટી પણ ન કરતો કે તારા અસ્તિત્વ ઉપર મને શંકા અને સવાલ થવા લાગે.

આવા વિપરીત સંજોગોમાં કોઈ આપણને સમજે કે લાગણી આપે એ વ્યક્તિ દેવદૂતથી કમ હોતા નથી.

આ ટેકરી ઉપર રોજ ગોપાલકાકા ચા પીવા આવતા હતા.

તેમણે ચા નાસ્તાની લારી વાળાને કીધું હતું, આ છોકરાને દિવસમાં બે વખત ચા અને બે વખત નાસ્તો આપવો અને રૂપિયાનો હિસાબ તારે મારી સાથે કરી લેવો.

આજે એ ગોપલકાકાનું ઋણ ઉતારવા હું 17 વર્ષ પછી મારા ગામમાં આવ્યો છું.

હું ધીરે પગલે ટેકરી ચઢી દેરીમાં બેઠેલા મહાદેવજીને બે હાથ જોડી માથું ટેકવી હસીને કહ્યુ, ભગવાન તારો જીગલો આવ્યો છે.

પછી હું બાંકડે બેઠો. ફરીથી દૂર દૂર નજર કરી પપ્પા અને મારા ખેતરને યાદ કરી રહ્યો હતો ત્યાં ચાની લારી ઉપરથી છોટુનો અવાજ આવ્યો સાહેબ ચા કે કોફી.

છોટુ પણ ઉંમરમાં મોટો થઈ ગયો હતો. એ મને ઓળખી ન શક્યો પણ હું તેને ઓળખતો હતો.

મેં કહ્યુ, છોટુ, એક ચા અને પ્લેટ નાસ્તો.

રૂપિયા ગોપલકાકાના હિસાબમાં લખી લેજે.

છોટુએ ઝીણી નજરથી મારી સામે જોયું તે વિચારવા લાગ્યો આ અજાણી વ્યક્તિ મારુ અને ગોપલકાકાનું નામ કેવી રીતે જાણે ?

એ દોડતો આવી મારા પગ પાસે બેસી ગયો અરે જીગાભાઈ તમે ? તમે તો ઓળખાતા નથી. બહુ મોટા સાહેબ બની ગયા છો ને.

મેં ભીની આંખે કીધું અરે છોટુ મારે ક્યાં સાહેબ બનવું હતું મારે તો મારા બાપનું ખેતર ખેડવું હતું પણ સંજોગોએ મને ખેડૂતમાંથી બિઝનેસમેન બનાવી દીધો.

છોટુની પણ આંખો ભીની થઇ ગઇ. તમારી તકલીફો, એકલતા અને આંસુઓનો હું સાક્ષી છું. બહુ કપરા દિવસો તમે પસાર કર્યા હતા.

છોટુ, ગોપલકાકા ગામમાં ક્યાંય દેખાતા નથી ઘરે તાળું છે. તેમનું ઋણ ઉતારવા અહીં હું આવ્યો છું. છોટુ બોલ્યો, ગોપલદાદા તો બહુ દુઃખી છે દીકરાને રૂપિયા ખર્ચી શહેરમાં ભણાવ્યો. ત્યાં નોકરી સારી મળી ગયા પછી નથી રૂપિયા મોકલતો નથી કદી બાપને મળવા એ આવતો. છેલ્લે તેની માં ગુજરી ગઈ ત્યારે ગામડે આવ્યો હતો. ભગવાને તમને યોગ્ય સમયે મોકલ્યા છે. આપણા ગામના મંદિરમાં એક ઓરડી ગામવાળા એ દયા રાખી તેમને આપી છે.

મેં ઉભા થતા છોટુના હાથમાં એક બંધ કવર મૂક્યું અને કહ્યુ, છોટુ, ઉપકાર કે પ્રેમની કીંમત આંકવા માટે નથી મારી

લાયકાત કે નથી મારી હેસિયત કે નથી મારી પાસે શબ્દો

તેં પણ મારા ખરાબ સમયમાં તારાથી થતી મદદ મને કરેલ છે. વિપરીત સંજોગોમાં પણ તું મને ઈજ્જત અને માન આપતો હતો જે ખરેખર માનવતાનું કામ છે.

એક વખત તો હું ઠંડીની સીઝનમાં બાંકડા ઉપર સૂતો હતો ત્યારે ગરમ ધાબળો તેં મને ઓઢાડ્યો હતો. એ હજુ ભુલ્યો નથી. દોસ્ત, આ મારું કાર્ડ તારી પાસે રાખ. મુસીબત સમયે વિના સંકોચે મને ફોન કરજે, અથવા મળવા ચાલ્યો આવજે. ચાલ ફરી મળશું જયશ્રી કૃષ્ણ.

ફરીથી દેરીના ભગવાનને પગે લાગી કહ્યું, હું તને ભુલ્યો નથી. હવે અહીં દેરી નહિ અહીં તમારું મોટું મંદિર બનશે.મારી શ્રદ્ધા ડગી જાય તે પહેલાં મહાદેવજી તમે મારા જીવનનું નાવડું સંભાળી લીધું હતું.

હું ગામના મંદિર તરફ આગળ વધ્યો મંદિરના ખૂણામાં ઓરડીની અંદર જ્યારે મેં પ્રેવેશ કર્યો ત્યારે ગોપાલકાકા ખાટલામાં બેઠા હતા .વર્ષો પહેલાની મારી એકાંતમાં દુર્દશા હતી તેવી તેમની હતી. ગોપલકાકાના ચ્હેરા ઉપર ઘડપણ દેખાતું હતું આંખે કાળા કુંડાળા, ગાલમાં ખાડા પડી ગયા હતા. મેં કહ્યું, જય શ્રી ક્રિષ્ન ગોપલકાકા

એ બોલ્યા આવ બેટા, મેં તને ઓળખ્યો નહિ. હું તેમને પગે લાગ્યો. મેં કહ્યુ, ઓળખીને શું કરશો કાકા ?

માણસને સમજવામાં મજા છે. એ ઓળખવામાં નથી.

વ્યક્તિને ઓળખી ગયા તો જીવવાની મજા નહિ આવે.

મેં કહ્યું, કાકા, હું તમારું ઋણ ઉતારવા આવ્યો છું.

હું જીગલો, જીગર.

અરે બેટા આવડો મોટો થઈ ગયો? અચાનક ગામ તરફ ભુલા પડવાનું કારણ.

કાકા ઋણાનુબંધ જે જગ્યા અને જે વ્યક્તિ સાથે લખ્યું હોય ત્યાં આપણે ખેંચાવું જ પડે. તમારા આ ઓરડીમાં રહેવાના દીવસો હવે પુરા થયા હવે તમારે મારી સાથે મારા ઘરે આવવાનું છે.

બેટા એવું કેવી રીતે બને...?

મેં ભીની આંખે કહ્યું. એક દીકરાએ હાથ અને સાથ છોડ્યો તો ઈશ્વરે બીજા દીકરાને મોકલ્યો એવું ઇશ્વરી સંકેત સમજી લ્યો. કરેલા સ્તકર્મ કદી નકામા જતા નથી કાકા, તમારા સ્તકર્મની યાદી ભલે તમે ન રાખો પણ પ્રભુ હંમેશા તેની નોંધ કરે છે. કાકા તમે મારા ભુખ્યા પેટમાં વગર કોઈ અપેક્ષાએ અન્ન નાખવાનું પુણ્યનું કાર્ય એ કપરા સમયે કર્યું હતું. સમય ઈશ્વરે સારો આપ્યો હોય ત્યારે સ્તકર્મ કરી લેવા.

કાકા બોલ્યા બેટા જે સંતાનો માટે જાત ઘસી નાખી તેને ભણાવવા રૂપિયા ખર્ચી નાખ્યા તે ઉપકાર ભૂલી ગયા અને મેં તારી મુસીબતના સમયે ફક્ત બે સમય તને ચા નાસ્તો કરાવ્યો એ ઉપકાર તેં આજના દિવસ સુધી યાદ રાખ્યો. ધન્ય છે બેટા.

મેં કહ્યું, ગોપલકાકા તમારો છોકરો શહેરમાં ક્યાં નોકરી કરે છે?

ગોપાલ કાકા એ ગાદલા નીચેથી વિઝીટીગ કાર્ડ કાઢી મને આપ્યું બેટા અહીં નોકરી કરે છે. એવું આપણા ગામના એક છોકરાએ મને કહ્યું હતું.

હું કાર્ડ જોઈ હસી પડ્યો, પણ હું કંઈ બોલ્યો નહિ..

હું અને ગોપાલકાકા કારમાં બેઠા. રસ્તામાં ગોપલકાકા કહે બેટા તું આવડો મોટો વ્યક્તિ કેવી રીતે બની ગયો..

કાકા એક રાત્રે આપણી ટેકરી ઉપર હું બાંકડે સૂતો હતો..

વહેલી સવારે ભગવાનની દેરીની અંદર પોટલું જોયું..મેં તે ખોલ્યું...તો અંદર પુષ્કળ સોનાના ઘરેણાં હતા.

મેં મહાદેવજી સામે જોયું. પોલીસને આપું કે હું રાખી લઉં એ ગડમથલમાં એક ઘરેણાંની ડબ્બીમાંથી ખરીદીનું બિલ નીકળ્યું તેમાં મોબાઈલ નંબર હતો અને ખરીદનારનું નામ પણ હતું. આ પોટલાંનો સાચો માલિક મને મળી ગયો.

ગરીબી હતી પણ ઈમાનદારી લોહીમાં વહેતી હતી.

મેં ફોન કરી વિગતે વાત કરી ત્યારે ખબર પડી. તેમના ઘરે ચોરી થઈ હતી. હું સમજી ગયો ચોરની પાછળ પોલીસ પડી હશે એટલે ચોર પોટલું ડેરીમાં મૂકી ભાગી ગયો હશે.

બીજે દિવસે જ્યારે પોટલીના માલિકના ઘરે હું ગયો ત્યારે તેમનું હવેલી જેવડુ ઘર જોઈ મને ચક્કર આવી ગયા. તેમણેે મને આવકાર્યો અને કહ્યું તમારા ચહેરા ઉપરથી તમે દુઃખી અને જરૂરિયાતવાળા લાગો છો. છતાં પણ તમારા ચહેરા ઉપર સ્વમાન અને ઈમાનદારીનું તેજ દેખાય છે.આ ઘરેણાંની કિંમત કરોડ રૂપિયા ઉપર થાય છે..

બેટા...તારું નામ

જીગર...

મારી કંપની માં તારા જેવા યુવાનની જરૂર છે નોકરી કરીશ.?

મેં હા પાડી...

મારા ઋણાનુબંધ એ પરિવાર સાથે જોડાયા હશે. તેમને કોઈ સંતાન ન હતું. તેથી ધીરે ધીરે તેમની કંપનીમાં મને મેનેજર, પછી પાર્ટનર બનાવ્યો. આજે મેં મહેનત ઈમાનદારી ઉપર કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઉભું કર્યું છે. અને ગોપાલકાકા મહાદેવજીની કમાલ તો જુઓ,

આ પરિવાર નિઃસંતાન હોવાથી તેમની ગેરહાજરીમાં તેમની તમામ મિલ્કતોનો હકદાર તેમણે મને બનાવ્યો હતો

આજે તો તે લોકો હયાત નથી. તેથી તેમની તમામ સંપત્તિનો એક માત્ર હું વારસદાર છુ.

ગોપલકાકા બોલ્યા, બેટા જન્મ આપે જનેતા અને ભાગ્ય લખે કોઈ. ભગવાને તારી જીંદગીમાં ટર્નીગપોઇન્ટ લાવવા ચોરને તો માત્ર નિમિત બનાવ્યો.

વાત સાચી કાકા. પણ તમે જે કાર્ડ મને બતાવ્યું એ મારી કંપનીનું છે. મતલબ તમારો છોકરો મારી કંપનીમાં નોકરી કરે છે..

ગોપલદાદા બોલ્યા બેટા તેને નોકરીમાં તકલીફ તો હવે નહીં પડે ને?

માં બાપ કોને ક્રિધા.. જે વિપરીત સંજોગોમાં પણ પોતાના બાળકનું અહિત ન ઈચ્છે.

ના, કોઈ તકલીફ નહિ પડે પણ ઠપકો તો મળશે જ.

બીજે દિવસે ગોપલકાકાને બરાબર તૈયાર કરી મારી ફેકટરી જોવા હું લઈ ગયો, અને ચેમ્બરમાં તેના દીકરા દીપેનને બોલાવ્યો. ત્યારે એ ગોપલકાકાને સોફામાં બેઠેલ જોઈ ભડક્યો, અને કહે તમે અહીં પણ મારો પીછો નથી છોડ્યો.

દીપેન કહે તમે આમની કોઈ વાત માનતા નહિ.

મેં કહ્યું, કોણ છે એ વ્યક્તિ?

મારા ફાધર છે, દીપેન બોલ્યો.

મેં કહ્યું, મારા બાપતુલ્ય છે. એટલે પ્રથમ બોલવામાં સભ્યતા રાખજે. એ હવેથી તારા ઘરે નહીં, મારા ઘરે રહેવાના છે.

હવે દીપેન નીચું માથું કરી શરમાઈ ગયો.

મેં કહ્યું, ઘણી વખત સંતાનો માં બાપને ઓળખવાની ભૂલ કરે છે ભૂલ જ્યારે સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.. હું મા બાપ વગરનો છું. શ્વાસે શ્વાસે મારા માં બાપને યાદ કરતો હોઉં છું..જેને માં બાપ છે તેને કિંમત નથી. તારા બાપાએ પારકાને પોતાના બનાવ્યા, અને તેં પોતાનાને પારકા ગણ્યા? હું તો ખેડુતનો છોકરો છું. એટલું જાણું, કર્મની ખેતી કરતી વખતે ધ્યાન રાખજો જેવું બિયારણ વાવશો તેવો જ ફાલ ઉતરશે..

તારે સંતાન છે ?

હા છે, નીચી મૂંડી કરી દીપેન બોલ્યો..

તો તું પણ તૈયારી કરજે..સમય દરેક વ્યક્તિને તેના કર્મનો યોગ્ય સમયે જવાબ આપે જ છે.

મેં કાર મા મારુ અધૂરું છોડેલ રફીનું ગીત ફરી ચાલુ કર્યું

मायूस ना हो हार के तकदीर की बाज़ी, 
प्यारा है वो गम जिस मे हो भगवान् भी राज़ी |

दुःख दरद मिले वोही प्यार अमर है, 
यह सोच ले हर बात की दाता को खबर है ||

दुःख दे के जो दुखिया से ना इन्साफ करेगा, 
भगवान् भी उसको ना कभी माफ़ करेगा,

यह सोच ले हर बात की, दाता को खबर है, 
हिम्मत है तो आजा यह भलाई की डगर है ||

इन्साफ का मन्दिर है यह, भगवान् का घर है |

મિત્રો
બાવળ વાવી કેરીની પ્રતીક્ષા કરવી મૂર્ખામી છે.

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા.
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ.

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ.
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.

Think Twice Act Wise

©પાર્થિવ
(ઈમેઇલ: parthivnanavati081266@gmail.com)
_________________________
"Conclusion:
નવી અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, ...પ્રેરણાદાયી વાંચન, પ્રકૃતિને અનુરૂપ જીવન વગેરે લોકોપયોગી આર્ટિકલ અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺  ____"આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!!

3 Comments

Thank you so much for your feedback 😊

  1. Wonderful Story. Touched my heart. Thank you Avakar news for keep posting such nice stories 😊

    ReplyDelete
  2. વાવો તેવું લણો કહેવતને સાર્થક કરે તેવી આ વાર્તા ખૂબ જ ગમી. ધન્યવાદ છે લેખક ને વર્ણન ખૂબ જ સરસ રીતે કર્યું છે. શીરાની જેમ ગળે ઉતરી જાય એવું વણૅન છે. લેખકની વણૅનશૈલી ને દાદ આપવી જોઈએ. એક બેઠકે આખી વાર્તા પૂરી કરી.. 👑⛑👒🎩👑⛑👒🎩 Hat's off Parthivbhai.

    ReplyDelete
Previous Post Next Post