સ્વજનની શોધ (SvajanNi Shodh)

સ્વજનની શોધ .."
++++++++++++++++++  વર્ષા ભટ્ટ "વૃંદા"
જમનાદાસ એન્ડ સન્સ એક મોટી કંપની હતી. જમનાદાસ શેઠનાં મૃત્યુ પછી તેનાં બંને દીકરાઓએ સરસ રીતે કંપનીને સંભાળી લીધી હતી. મોટો દીકરો જયેશ બહારનાં કામકાજ સંભાળતો અને નાનો જતીન, કંપનીનો આર્થિક વહીવટ સંભાળતો હતો. બંને ભાઈઓ વચ્ચે રામ અને લક્ષ્મણ જેવો પ્રેમ હતો. બંને ભાઈઓ સાથે એક જ પરિવારમાં રહેતાં હતાં.

AVAKARNEWS
સ્વજનની શોધ

જ્યારથી જતીનના લગ્ન થયાં ત્યારથી તેની પત્ની જીયાને જતીન તેનાં ભાઈ નીચે રહી કામ કરે એ બિલકુલ પસંદ ન હતું. જીયાએ ધીમેધીમે જતીનની કાન ભંભેરણી ચાલું કરી. ઘરમાં પણ તે કોઈ કામકાજ કરતી નહીં, પણ જતીનના ભાભી અલકાબેન ક્યારેય કોઈ ફરિયાદ કરતાં નહીં. થોડું જતું કરીએ તો જ પરિવારમાં શાંતિ રહે એમ વિચારી તેઓ હંમેશા ચૂપ રહેતાં હતાં.

સતત ચડામણીને કારણે હવે તો જતીનને પણ એવું લાગતું કે તે ભાઈ કરતાં વધારે કામ કરે છે, છતાં ઘરમાં તેની કોઈ કિંમત નથી. એક દિવસ જતીને ઘરમાં તેનાં ભાઈ અને ભાભીને જણાવી દીધું કે હવે તે અને જીયા અલગ ઘરમાં રહેવા જઈએ છીએ. આ સાંભળી મોટાભાઈ તો દિગ્મૂઢ થઈ ગયાં. અલકાબેને પણ કહ્યું કે "અમારી કોઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરો." પણ જતીન અને જીયાએ તો અલગ રહેવાનું મન બનાવી લીધું હતું.

જતીન અને જીયા પોતાનો સામાન લઈને અલગ ઘરમાં રહેવા જતાં રહ્યાં. પોતાનાં કોઈપણ વાંક કે ગૂના વગર જતીન અલગ થયો, તેથી મોટાભાઈને કારમો આઘાત લાગ્યો હતો. તેઓ વિચારતાં કે પિતાજીનો વારસો સંભાળવામાં હું જ ક્યાંક કાચો પડ્યો.

જીયા તો અલગ રહેવાની વાતથી જ ખુશ હતી. સવારે જતીન નાસ્તાના ટેબલ પર આવ્યો તો નાસ્તો રેડી પણ ન હતો. જીયા પોતાનો ફોન લઈને સોફા પર બેઠી હતી.

જતીન:" જીયા, નાસ્તો અને ચા ક્યાં?"

જીયા:" અરે! આજે તો હું ખૂબ થાકી છું, પ્લીઝ બહાર નાસ્તો કરી લેજે. જતીન, તને ખબર આજે મે સોશિયલ મીડિયા પર આપણાં નવાં ઘરની પોસ્ટ મૂકી છે. તેને ઘણી બધી લાઈક, કમેન્ટ મળી છે."

જતીન તો કંઈ બોલ્યો નહીં. અલકાભાભી રોજ સવારે ગરમ નાસ્તો અને ચા આપતાં. જીયાને તેનાં ફોન અને સોશિયલ મીડિયાથી સમય મળતો નહીં. ઉદાસ હૈયે જતીન કંપની જવા નીકળી ગયો.

આમને આમ છ મહિના થયાં અલગ થયાંને, ત્યાં મોટાભાઈ અને અલકાભાભી દુઃખી હતાં, તો અહીં જતીનને જરાપણ ગમતું નહીં. બસ જીયા ખુશ હતી. ઘરનાં કામકાજ નોકરો કરતાં, ત્યાં સુધી કે રસોઈ માટે પણ જીયાએ મહારાજ રાખી લીધો હતો, તેને બસ તેનાં ફેશબુક ફ્રેન્ડસ અને ફોલોવર્શ પર ઘમંડ હતો.

એક દિવસ જતીન કંપનીનાં કોઈ કામથી વડોદરા ગયો હતો અને સતત વિચારોને કારણે જતીનની કારનો અકસ્માત થયો. કાર એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ અને જતીનને પણ માથામાં અને ઘણી જગ્યાએ ઈજા થઈ હતી. તાત્કાલિક તેને હોસ્પિટલમાં દાખલ કર્યો, જીયાને જ્યારે જતીનના અકસ્માતની જાણ થઈ તો તે શું કરવું સમજી જ ન શકી. રડતી રડતી તેણે અલકાભાભીને જતીનના અકસ્માતની જાણ કરી. જયેશભાઈ અને અલકાભાભી તરત જ જીયાને સાથે લઈને વડોદરા જવા નીકળી ગયાં. બધાં હોસ્પિટલમાં પહોંચી ગયા. જતીનને ઘણું વાગ્યું હતું. જયેશભાઈ અને અલકાભાભી તો જતીનની હાલત જોઈ રડવા લાગ્યા. જીયાને પણ અંદરથી પસ્તાવો થતો હતો, કે મુસીબતના સમયમાં તેનાં ફેશબુક ફ્રેન્ડસ નહીં પણ પરિવારનાં સભ્યો જ કામ આવ્યાં. જતીનને હોસ્પિટલમાંથી રજા આપી તો જતીને ચોખ્ખું કહ્યું.

જતીન:" ભાઈ, ભાભી મને માફ કરી દયો. હું હવે આપણાં ઘરે જ આવીશ, તમારી સાથે."

જતીનની વાત સાંભળી જીયાએ પણ બે હાથ જોડીને ભાઈ, ભાભીની માફી માગી. સાફ દિલનાં જયેશભાઈ અને અલકાભાભીએ બંનેને માફ કર્યા અને હસતાં હસતાં સૌ ઘરે ગયાં.મોટાભાગે આપણે “સ્વજનની શોધ” બહાર કરતાં હોઈએ છીએ અને આપણાં પોતાનાને નજર અંદાજ કરીને છીએ.. અલકાભાભીએ જતીનની ખૂબ સેવા કરી હવે જતીન બિલકુલ સ્વસ્થ હતો. જીયાને પણ હવે તેની ભૂલ સમજાતાં તે પણ હવે ઘરનાં બધાં જ કામકાજ કરતી હતી. દુનિયામાં બહારનાં લોકો તો ફક્ત વાતો જ કરશે, પણ ખરી લાગણી, હૂંફ તો પરિવાર થકી જ મળે છે, તે વાત હવે જીયા સમજી ગઈ હતી. હવે ચારેય જણાં ખુશીથી રહેતાં હતાં.
                                – વર્ષા ભટ્ટ (વૃંદા) અંજાર

"Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આયુર્વેદથી આરોગ્ય, પ્રકૃતિનું જતન જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺 —— "આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!!

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post