પડછાયો (Padchhayo)

પડછાયો .."
*****************- અંકિતા સોની
ધોમ ધખતા તાપમાં પરસેવાથી રેબઝેબ સાવિત્રી લારી ખેંચી રહી હતી. રોજ કરતાં આજે સૂરજદાદા ઘણા ઉગ્ર બનીને વરસી રહ્યા હતા. એક તો ઉનાળો અને એમાંય બપોરનો વખત એટલે સડક આખી સુમસાન હતી. 

આવકાર વેબસાઈટ
પડછાયો

જોકે સાવિત્રી માટે આ બપોર કે સૂનકાર બેમાંથી કશું નવું નહોતું. વર્ષોથી એકધારું જીવન જીવતી હતી. દર અઠવાડિયે પ્લાસ્ટિકની ચીજવસ્તુઓના વેપારી સાથે રકઝક કરીને લારી ભરવી, આખું અઠવાડિયું લારી ખેંચીને જુદી જુદી જગ્યાએ ફરવું અને એમ કરતાં ચાર માણસનું પેટીયું રળવું. 

ધણી ધનો એક નંબરનો જુગારી. સાવિત્રીએ માંડ કમાયેલા રૂપિયા રોજ ધનાને ધરબવાના અને જો ન આપે તો ગડદાપાટુ માર ખાવા તૈયાર રહેવાનું. શેઠિયો ઉધાર માલ આપવામાં વાંધા કાઢતો. વળી, ધનો પણ માલ પર નજર રાખીને વેચાણનો અંદાજો લગાવી પૂરેપૂરા પૈસા વસૂલીને સાવિત્રીને કસ કાઢી લેતો. સાવિત્રી સાડીના છેડે પોતાના બાળકો કાજે બે પાંચ રૂપિયા બાંધતી એય તે ધનો પડાવી લેતો.

રોજબરોજની કચકચભરી જિંદગીથી સાવિત્રી ખૂબ કંટાળી ગયેલી. પીઠ પરના ઉઝરડા પર પરસેવાના રેલા ઊતરતા આગ લાગી જાય એટલી વેદના થતી. ધનાની જોહુકમીની એ પીડામાં મીઠી છાંયડી એટલે દસ વરસની પ્રભા અને ચૌદ વરસનો વિષ્ણુ. સાવિત્રીના કહ્યાગરા બેઉ બાળકો બાળપણથી શાળાનું મોં જોયા વગર મજૂરીએ લાગી ગયેલા. 

ગમે તેમ કરીને માને થોડોક ટેકો થાય એટલે વિષ્ણુ એક હોટલમાં કામ કરતો અને પ્રભા પણ ત્યાં વાસણ માંજતી. રાત પડ્યે બધા ભેગા થાય. દારૂના નશામાં ધનો રાક્ષસની જેમ આવતો. એને જોઈને બેઉ બાળકો ફફડી ઊઠતા. સાવિત્રીને માર ખાતાં બચાવવા માટે વિષ્ણુ પિતાની આગળ મુઠ્ઠીમાં રૂપિયા ધરતો. ધનો રૂપિયા છીનવીને લુચ્ચું હસતો.

"મા, આપણે ક્યાંક નાસી જઈએ તો..!" પ્રભા પૂછતી.

"ક્યાં જઈશું? " સાવિત્રી કહેતી.

"બીજા મોટા શહેરમાં.. આપણે ત્યાં મજૂરી કૂટીશું પણ આવા ત્રાસમાંથી તો છૂટાશે. " વિષ્ણુ ઉપાય બતાવતો.

બીજા શહેરમાં જઈને શું શું કરીશું એની વાતો કરતાં કરતાં બેઉ ભાઈ- બહેન નિંદ્રાધીન થઈ ગયા. કાલે સુખ આવશે એમ માનીને સાવિત્રીએ પણ આંખ મીચી દીધી.

રાત બરાબર જામી હતી. દીવાનું અજવાળું આજે વધુ તેજ લાગી રહ્યું હતું. ધનો હજુ સુધી ઘરે નહોતો આવ્યો. એ તકનો લાભ લઈને કપડાંનું પોટલું કેડમાં ઝાલીને સાવિત્રી, પ્રભા અને વિષ્ણુ ચોરપગલે નીકળી પડ્યા. કુતરુંય ન સૂંઘી શકે એમ દબાતા પગલે શેરીમાંથી પસાર થઈને મેઈન રોડ તરફ ઝડપભેર ભાગ્યાં. આટલી અંધારી રાતમાં ક્યાં જવું એની તેઓને ખબર નહોતી પણ ઉંબરો ઓરંડાઈ ગયા બાદ પાછા જવામાં જરા પણ ભલાઈ નહોતી.

મોડી રાતે એક ટ્રકમાં બેસીને તેઓ ઘરથી દૂર અજાણી જગ્યાએ ઉતરી ગયા. મોસુંઝણું થતાં ટ્રક ડ્રાઈવરે એમને જે જગ્યાએ ઉતાર્યા એ કોઈ શહેર નહોતું. અમુક કિલોમીટર સુધી પગપાળા ચાલ્યા બાદ તેઓ વિશાળ સરોવરને કાંઠે પહોંચ્યા. પ્રભાએ નાવમાં બેસવાની જીદ કરી. સામે પાર જવાથી કંઈક કામધંધો મળે એની અભિલાષામાં થોડા ઘણા રૂપિયા આપીને સાવિત્રીએ નાવિકને વિનંતી કરી. સૂર્યદેવ પોતાના કોમળ અજવાળા પાથરી રહ્યા હતા અને નાવમાં સવાર સાવિત્રીના મનમાં નવા સપના આકાર લઈ રહ્યા હતા.

એટલામાં પાણીમાં ડોકિયું કરવા જતાં વિષ્ણુએ સમતુલન ગુમાવ્યું અને..અને..સાવિત્રીને ઊંડો ધ્રાસ્કો પડ્યો. એ મોટેથી ચીસ પાડી ઊઠી. પડખે સુતેલા બાળકો જાગી ગયા. ધનાએ લાકડી લઈને સાવિત્રીના વાંસે ફટકારી. સાવિત્રી ફટ દઈને ઊઠીને આંખો ચોળવા લાગી. સપનું હતું એ દર્દ દઈને ઊડી ગયું.

"મા..જો, મેં બધી તપાસ કરી લીધી છે. મોટા શહેરની પાસે એક તળાવ છે. આપણે ત્યાં જઈશું અને કોઈ કામ.."

"નહીં..." કહીને સાવિત્રીએ વિષ્ણુને છાતીસરસો ચાંપી દીધો. રાત્રે જોયેલા સપનાનો પડછાયો હવે સાવિત્રીને ડરાવતો હતો.

"Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આયુર્વેદથી આરોગ્ય, પ્રકૃતિનું જતન જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺 —— "આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!!

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post