જક્કી (Jakki)

Related

“જક્કી” 

------------------------હેમલ વૈષ્ણવ
આટલા ઓછા પગારની નોકરી કરવા માટે છેક ચંદીગઢ સુધી જવાની શું જરૂર છે? મેં અહીંયાં બે-ત્રણ જણને વાત કરી જ છે, વહેલો મોડો ક્યાંક મેળ પડી જ જશે.' સુકુમારભાઈએ એકની એક વાત આજે ચોથી વાર કરી હતી.

આવકાર વેબસાઇટ
જક્કી

‘ડેડ, છેલ્લા છ મહિનાથી ટ્રાય કરું છું, અહીંયાં જોબનો મેળ નથી જ પડતોને. એટલિસ્ટ હાલ પૂરતી આ જોબથી ક્યાંક અનુભવ તો મળશે જ ને?' બીજા દિવસે ચંદીગઢ જવા માટેનો સામાન બાંધી રહેલો વરુણ અકળાઈ ઊઠ્યો હતો.

‘સીધેસીધું કેમ નથી બોલતો કે હવે આઝાદ પંખી થઈને ઊડવું છે. બાપ શહેરમાં જ નોકરી શોધી આપશે એવો વિશ્વાસ જ નથી.' સુકુમારભાઈ ઊકળી ઊઠ્યા હતા.

‘ડેડ, તમને પણ ઘરના બીજા લોકો પર વિશ્વાસ જ ક્યાં છે? મને નોકરી માટે બહાર જવાની વાત તો રહેવા દો, આપણી નવી કાર પણ મમ્મીને તમે ચલાવવા નથી આપતા. જાણે કેમ મમ્મી નાની કીકલી હોય. દરેક વાત તમારા પ્લાનિંગ મુજબ જ થવી જોઈએ.' વરુણથી થોડા અવિવેકી થઈ જવાયું હતું.

‘નીલા, તારા દીકરાને શું બોલવું એનું ભાન નથી. જક્કી છે.' ગુસ્સામાં સુકુમારભાઈ રૂમ છોડીને જતા રહ્યા હતા.

બાપ દીકરામાંથી કોણ વધારે જક્કી હતું એ નીલા સમજી શકી ન હતી.

બીજે દિવસે વરુણને સ્ટેશન મૂકવા જતી વખતે કારમાં ગમગીનીભર્યું મૌન હતું. ટ્રેન આવી ત્યાં સુધી નીલા પહેલી વાર ઘર છોડીને જઈ રહેલા વરુણને નાની નાની સૂચના આપતી રહી હતી. ટ્રેન ઊપડવાની થઈ ત્યારે મા દીકરો સજળ આંખે ભેટી પડ્યાં હતાં અને સુકુમારભાઈએ ભીડેલા હોઠે વરુણ સાથે હાથ મેળવ્યો હતો. મૌનના ભાર તળે લાગણીઓ રુંધાઈ રહી હતી.

કાર સુધી પહોંચેલા સુકુમારભાઈના ફોન પર મેસેજ ઝબક્યો હતો. નીલાથી છુપાવીને એમણે મેસેજ વાંચ્યો હતો

‘મિસિંગ યુ ડેડ.’

નીલાના આશ્ચર્ય વચ્ચે સુકુમારભાઈ કારની ચાવી નીલાને આપી દઈને ચૂપચાપ પેસેન્જર સીટ પર બેસી ગયા હતા.

કારને ગિયરમાં નાખતાં નીલા સુકુમારભાઈના મ્લાન ચહેરા તરફ જોઈને બોલી હતી, 'ડોન્ટ વરી કુમાર, દિવાળીના વેકેશનમાં એ પાછો આવશે, પણ અત્યારે તો એટલિસ્ટ ટેક્સ્ટ કરી દો કે મિસ યુ ટુ બેટા.'

‘મા અને દીકરો, યુ બોથ આર ઇમ્પોસિબલ’ બોલતાં બોલતાં ચોરી પકડાઈ ગઈ હોય એમ સુકુમારભાઈ હસી પડ્યા હતા અને ટ્રાફિકમાંથી સિફતથી કાર કાઢતી નીલાને એ અહોભાવથી જોઈ રહ્યા હતા.
_____________
"Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post