વીઘા માણેક અને રૂડા રબારી - Dharti No Dhabkar

Related

વીઘા માણેક અને રૂડા રબારી
******************************
ભરતીએ ચઢેલો દ્વારકાનો દરિયો ભેખડો માથે માથા પછાડી રહ્યો છે. ધોમ તાપે સાગરનો ઉભો કાંઠો સળગી રહ્યો છે. સૂરજદેવની સોસો સલામુ ઝીલતી રાજા રણછોડના શિખર બંધ મંદિર સાથે ધજા ફડાકા દઇ રહી છે. ગોમતી સાગરમા સમાઇ રહી છે.


#આવકાર
માણેક અને રૂડા રબારી

એવે ટાણે ગાયકવાડી કચેરીમાં વીઘા નામનો વાધેર કારભારી સામે કરડી આંખ કરીને જીભા જોડી કરી રહ્યો છે.

'કાંઇ વાક ગના વગર મારી જીવાઇ દેવામાં ધાંધિયા કરો ઇ ઠીક નથી થાતું.'

વીઘા માણેક ! તો ઠીક થાતું હોય એવા રાજમાં રેણાક કરો. તમને કોણે રોક્યા છે ? જીવાઇ તો રાજની મરજી મુજબ મળશે.

કારભારીનો આવો ઉડાવ જવાબ સાંભળી વીઘો માણેક મનમાં ઉઠતી વરાળુને પાછી વાળતો ખામોંશી ધરને વાઘેર વદ્યો :

'કારભારી એક તો ગોરાઓની ઘીસતુ ઉતારી ગાયકવાડે અમારા ઓખાના રાજપાટ પડાવી લીધા અને જીવાઇની ચૂકવણીમાં કાપ મૂકો ઇ રાજની રીત નો કેવાય'

તો શું કે'વાય ?

સત્તામાં ચકચુર થયેલા કારભારીએ ઊંધુ ઘાલીને કાગળીઆ ઉપર મત્તા મારતા મારતા સામું પૂછ્યું.

'પડયા માથએ પાટું કે'વાય'

એમ! એવો વળ ભરેલો શબ્દ છેડીને કારભારીએ આખ્યું તાણીને તોછડાઇ કરી.

'તો જા વડોદરે રાવ ખાવા.

'અમારાથી વડોદરે તો પુગાય એમ નથી પણ ઓખાના ચારેય સીમાડે આ વીધા માણેકના ઘોડા ફરશે એટલું જાણજો.'

એટલું બોલીને ધોળા બાસ્તા જેવા પખતાં ચોરણાં, આંગડી અને પાઘડીમાં ઠબુરાયેલ પડછંડ દેહધારી વીધો માણેક કચેરીના પગથિયાં ઉતરી ગયો. તપીને ત્રાબા જેવા થઇ ગયેલા વાઘેરના રોમેરોમમાં જયોત્યું સળગી ગઇ હતી.

ઓખા ઉપરથી વાઘેરોની અણનમ આણ આથમી ગઇ છે. સત્તાનો સુરજ છુપાઇ ગયો છે. દરિયામાં મનવારૃ ઉતારીને પોતાની કાયાના કટકા કરીને ઓખા પરગણાનું સુવાંગ ધણીપણું ગાયકવાડને સોંપી અંગ્રેજો કાઠીઆવાડના કલેવર જેવા રાજકોટમાં કોઠી નાખીને રખોપું રાખી રહ્યાં છે. વાઘેરો ઠરાવેલી જીવાઇના આધારે જીવી રહ્યાં છે.

આવા વહમાં વખતની આ વાત છે. ખાલી હોથે વીધો વાઘેર પોતાને ખોરડે ગયો પડાળીમાં ભરત ભરેલી ગાદલી નાખી વાઘેરાણીએ ભાણું પીરસ્યું. વાઘેરને આજ રોટલાના બટકામાંથી સવાદ ઉડી ગયો હતો. અન્નદેવનો અનાદર કરવો નહિ એવા નીતિ નિયમવાળો વાઘેર ભાણે બેઠો કોળીને કોળીએ કારભારીના કવેણ કરવત મૂકતા હતા. મનમાં કંઇક મનસુબા ઘડાતા હતા. વાળુ કરીને માણેક મુખનો માણેક બેઠો થયો, ખંભે બંદૂક ભેરવી, બીજે ખંભે દારૃના કૂંપા ટાંગ્યા, સીસાની ગોળીયુંનો ખડીઓ ભર્યો, આગણામાં બાંધેલી બોદલી જાતની ઘોડી માથે દળી નાખી નીકળી ગયો.

રુમઝુમ રૃમઝુમ ડાબા દેતી બોદલી અસવારને લઇને આડબીડ મારગ કાપવા માંડી. સાગરનો કાંઠો અને ગામની સીમ છેટી પડતી ગઇ, એમ વાઘેરના અંતરનો વેગ વધતો ગયો. ખારોપાટ વળોટીને ઘોડીએ લીલુડી ધરતી માથે પગ પડયાં, સામે એક નેસડો પડેલો જોયો, પાંચ પંદર ભેંશુ ને પાંચ પંદર ગાયુને ચારતો ગોવાળ સામો આવીને બોલ્યો.

'અરે, ભા ! આમ આડેધડ મારગ કાં લીધો ?' મારગ આંતરીને ઉભેલા માલધારીને માણેકે ઓળખ્યો.

'રૃડા રાજની સામે વાંધો પડયો છે. ઓખાને ઉજ્જડ કરવાના ઓરતા થઇને નીકળ્યો છું.' ' રાજની સામુ બહારવટું ખેડશો.!'

વાઘેરના બોલમાંથી રબારીએ અગનજવાળાઓ ઉઠતી જોઇ. પળવાર રૃડો મૂંગો રહ્યો.

એના રૃદિયામાં વિચારો ધોળાવા લાગ્યો. ક્યાં જાતું વિલાત ક્યાં વડોદરુ, અને ક્યાં ઓખા એની માથે બીજા મલકના માનવીના રાજ તે કાંઇ હોય ? પળમાં પેટનું પાણી ઊકળી ઉઠયું.

' વીધાભા હુંય ભેળો હાલું.'

'ઇથી રૃડું શું ? પણ આતો મોતનો માંડવો છે.' વાઘેરે રૃડા રબારીને ટપાર્યો. બસ ભા મારા મૂલ આટલાં જ કરશો ?

આ રૃડા તમારી પેલા છાતીએ ગોળી ઝીલે તે. દિ' રંગ કહેજો. હથિયાર હાથ કરીને રબારીએ બહારવટીઆ બનવા ઘોડે રાંગવાળી ધરતીને મંડયા વીંધવા.

આભમાંથી સંધ્યાની ચૂંદડીના છેડા છુટી ગયા. અંધારાનો તોર બંધાઇ ગયો.

ખોરડે ખોરડે દિવાની જયોત્યું બુઝાઇ ગઇ, કિલ્લોલ કરતા ગાગુ રામ માથે સૂનકાર છવાઇ ગયો. બંને જણા પાદરમાં પુગ્યા, બંદૂકના ભડાકા કર્યા, સાવજ જેવા ગળાં એ ગરજ્યો. 

છે કોઇ મરદ ? મોતના બિહામણા રૃપે ગામ આખુ મુંગુ થઇ ગયું.

કાંબીને કડલા, દાણીઓને ટૂપીઆ, કંદોરાને કડાના ખડીઆ ભરી બહારવટું, જગ જાહેર કરી વેરાન વગડો ધુ્રજાવતા વળી નીકળ્યાં.

વડોદરાની ગાયકવાડી કચેરી ગર્જી. વાઘેર બહારવટીઆનું જડામુળ કાઢી નાખવા ગીસત છૂટી. રૃડાએ પોતાના વળતા જુવાનિયાને ભેળા ભેળવ્યાં.

ગાયકવાડી ફોજના ફરતા ઘોડાઓ માથે મડયા ત્રાપટ બોલાવવા, ઘીસંતના માણસોને ભગાડી ઘોડાઓ હાથ કરવા લાગ્યા. બહારવટીઆના હાથે લૂંટાઇને ફોજના માણસો પાછા ફરવા રાવપુગી રાજકોટની કોઠીયમાં.

અંગ્રેજ અમલદારે ફરિયાદ કાને ધરી રાતો-પીળા થયેલા પોલીટીકલ એજન્ટે ગોરી ફોજના હાકેમ માથે હુકમ છોડયો,

'બહારવટીઆ ટોળીને ખતમ કરો.'

અંગ્રેજ સેનાપતિ લેક કટક લઇને પોરબંદર ઉતર્યો.

રાણાના માણસોની મદદ લઇ ગોરો વીઘા માણેકની ટોળીને પરાસ્ત કરવા પગેરું દબાવતો દોટુ દઇ રહ્યો છે.

બહારવટીઆ રાજની સેના સામે સાવધ થઇ ઠેકાણા બદલતા થાપ આપી ગયા છે. કાઠીયાવાડમાં પકાયેલો બહાદુર સેનાપતિ લેક મોતને મૂઠીમાં લઇને પોરબંદર અને ઓખાને સાંધતા સીમાડા ઉપર ફોજને ફેરવતો આશરા સ્થાનો ફંફોળી રહ્યો છે. સામ સામા મુકાબલાના મોકા શોધાઇ રહ્યા છે.

બહારવટીઆ માથે લેકની ભીંસ વધી છે. શીંગડાની સીમના વાડી ખેતરો વળોટી રાણાવાવમાં ઉતરી જવાની વેતરણ કરી રહ્યાં છે. લેક ઉઘાડી આંખે પવનની પાંખે વગડામાં વિહરી રહ્યો છે.

ઉભા મોલમાંથી વીઘા વાઘેરને લેકે આવતો ભાળ્યો, બહારવટીઆને જોતાજ પાછળ આવતી પોરબંદરની ફોજને અહીં લાવવા માણસને ફરમાન કરી લેકે ઘોડાને એડી મારી ચારેય પગ સકેલતો અરબી જાણે આભમાં ઊડયો, વાઘેરની સામે ડાબા પછાડયા. વાઘાની ભૂજાઓ થરકી, દાઢી મૂછના કાતરા ફરકમાં. આંખમાં જાણે દેવતાનાં ડુંભાણા જગ્યા, લેકની સામે મુકાબલો માંડયો, રૃડાએ આવતી ફોજને આંતરી, વીઘાભાના ખંભેથી બંદૂક ઉતારવાનું વેળુ રહ્યું નહિ. હાથની કડીઆળી ડાંગ તોળી ડાબા દેતા લેકના ઘોડાના ગુડામાં એવા તે વળની દીધી કે ઘોડો બે પગ ઉછાળીને હેઠો પડયો,

એ સાથે અંગ્રેજ સેનાપતિ કુદીને વાઘેર માથે આવ્યો, બહારવટીયો અને લેક બથોબથ આવી ગયા. વાઘેરની જોરાવર ભુજાની ભીંસમા લેક ભીંસાયો, રૃડો અને ટોળીના બીજા બરકંજદારો ફોજની સામે બધડાટી બોલાવવા લાગ્યા, વાઘેરે વરું રૃપ ધારણ કરી લેકને પછાડીને ગોરાના પ્રાણ કાઢી નાખ્યાં. જયોર્જ લેકના મોતનો બદલો લેવા ફોજનો જવા મર્દ જમાદારે લેકની જગ્યા લીધી વીઘાને સાંકડમાં લીધો, વીઘાને જીવતો જાલી રાજકોટની તુરંગમાં ઠાંસી દીધો.

રાજકોટની અદાલતમાં વાઘેર સામે મુકદમો મંડાણો, ખૂન-લૂંટના ગુના માટે બહારવટીઓને બાન ઠરાવી કાળાપાણીની કેદની સજા કરવામાં આવી. ફેંસલો આવતા જ વીઘાભાને ઓખામાંથી ઉપાડીને આદામાનની તુરંગમાં ઠઆંસી દીધો, પાંજરે પુરાયેલા સિંહની જેમ વાઘેરે ઘણીય ડણકું દીધી પણ જ્યાં અઝાઝુડ ઝાડી અને કાળા સમુદ્રથી ઘેરાઇને ઉભેલી તોતિંગ દીવાલોની કિલ્લેબંધીમાં તેની બુલંદી વેરણ છેરણ થવા લાગી.

જેના કાડામાં કૌવત ભર્યું હતું. જેના હૈયામાં હામ ભરી હતી એવા આ કેદીને કેદખાનું જાણે ખાવા ધાતું હતું. અંતરમાં ઓખાની ધરતી આળોટાતી હતી.

એક મધરાતે વાઘેરે મરણીયો જંગ માંડયો, કાળજ કોટડીના સળીઆ સેરવ્યાં, જેલના દરવાજાના ભોગળ ભાગી દરવાનો આંખ્યું ચોળતાં ઉઠે એ પહેલાં તો જંગલમાં સમાઇ ગયો.

બુદ્ધિ અને બહાદુરી જેને વરી ચુકી હતી. એવા વાઘેરે વેશપલટાનો આશરો લીધો. કાળા પાણીને પાર કરવા મછવામાં ચઢી બેઠો દરિયો ઉતરી મંડયો પંથ કાપવા. પાંચમે વરસે ધરતીને પગને તળીએ કાઢી ઓખામાં ઊતર્યો ત્યારે સૌ તાજુબ થઇ ગયા હતા.

નોંધ : વીઘા માણેકની રાજકોટની અદાલતે ઇ.સ.૧૮૪૮મા કાળા પાણીની કેદની સજા કરી હતી.

ધરતીનો ધબકાર - દોલત ભટ્ટ

___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post