મિલનની છેલ્લી પળ (MilanNi Chhelli Pal)

Related

મિલનની છેલ્લી પળ
~~~~~~~~~~~~~~~~~~~~~
"બે મહિનાની રજા?" એવો પ્રશ્ન થતાં જ એણે જવાબ આપ્યો, "હા, સર." કહી એણે છાપાની જાહેરાતનું પાનું એમની આગળ ધર્યું.

#આવકાર
મિલનની છેલ્લી પળ

"આમાં શું છે?" પૂછતાં, છાપાની વચ્ચોવચ વાદળી પેનથી વર્તુળ દોરી એણે જાહેરાત પ્રત્યે એમનું ધ્યાન દોર્યું. "સર, કિડની દાતાની જાહેરાત. સર બ્લડ ગ્રુપ વગેરે મળતું આવશે તો મારી કિડની દાન કરીશ. ડૉક્ટરના અભિપ્રાય પછી ખબર પડે."

"તારા કોઈ સગા છે?" એ સવાલનો જવાબ એણે શાંતિથી આપ્યો, "ના, સર. સહાનુભૂતિની સગાઈ."

"ઠીક. તને ઠીક લાગે તે," કહી એની રજાઓ મંજૂર કરી. તેની સાથે નોકરી કરતા એકે કોમેન્ટ કરી, "સાલ્લો લુખ્ખો, બે ચાર લાખ પડાવશે, કિડની દાન કરીને." બીજાએ ટાપસી પૂરી, "આમે ફક્કડ ગીરધારી છે. આગળ પાછળ તો કોઈ છે નહીં."

એક ભલા સહકર્મીએ સહાનુભૂતિથી કહ્યું, "જો કે કોઈનું જીવન બચાવવાનો વિચાર ખોટો નથી." આમ જાતજાતની ટીકાઓ પણ તેણે સાંભળી ન સાંભળી કરી નાખી.

મોબાઇલની રિંગ વાગતાં ઈશાન વખારિયાએ ફોન ઉપાડ્યો. સામેથી અવાજ આવ્યો, "અભિનંદન, સર, કિડની હૉસ્પિટલમાંથી બોલું છું. કિડનીદાતા મળી ગયા છે. બધું જ મૅચ થાય છે. અઢારમીએ ઑપરેશન." ઈશાને હર્ષભેર કહ્યું, "ઓહ, થેન્કયુ સર."

મિત્તાલી, ઈશાન વખારીયાની પત્નીનું ઑપરેશન સફળ રહ્યું. પણ કંઈ પણ વળતર ન લેવાની શરતે અને દાતાનું નામ ગુપ્ત રાખવાની શરતે આ કિડની દાનમાં મળી.

મિત્તાલીનું જીવનચક્ર ઠીકઠીક પ્રમાણમાં ગોઠવાતું ગયું. પાંચ વર્ષના ઈશીત અને આઠ વર્ષના આદિત્યની મમ્મી મિત્તાલી હવે નૉર્મલ જીવન ભલે જીવતી હોય પણ પોતાના માટે ગુપ્તદાન કરનાર દાતા માટે મનોમન અટકળો અવશ્ય કરતી તો.

નાના બાળકો સામે ઈશ્વરે જ કોઈ ચમત્કાર કર્યાનું અનુમાન ઘરના સર્વ સભ્યો કરતા. એ ગમે તે હોય પણ મિત્તાલીને મન આ ગુપ્તદાતા રહસ્ય જ રહ્યો.

સમય જતાં મિત્તાલીના બાળકો મોટાં થતાં ગયાં. "આ વૅકેશનમાં તો ગીરના સિંહ દર્શનનો પ્રવાસ ગોઠવીએ," એવી ચર્ચા બાળકોએ શરૂ કરી.

મિત્તાલીના બંને પુત્રોને કૉલેજમાં વૅકેશન હતું. "હવે જંગલોમાં શું જોવાનું...? અને પ્રાણીસંગ્રહાલયમાં સિંહ જોયા નથી...? ક્યાંક દરિયા કિનારે જઈએ..."

એવી ચર્ચા બાદ છેલ્લે થોડો સમય ગીરમાં સિંહદર્શન અને પછી સોમનાથના દરિયા કાંઠે મજા કરવાનું નક્કી પણ કરી નાખ્યું અને ઉપડી પણ ગયા પોતાની કારમાં ચારેય જણ વેકેશન માણવા.

"હવે રાત પડવા આવી." રાત્રી રોકાણ ઈશાનના મિત્ર વિશ્વાસ વેકરિયાના ફાર્મ હાઉસ પર કરવાનું નક્કી હતું. ઈશાને બતાવેલ રસ્તા મુજબ તેના પુત્ર આદિત્યએ કાર ફાર્મ હાઉસના ઝાંપા આગળ લાવી ઊભી કરી દીધી.

ઝાંપા પાસે ખભે બંદૂક ભરાવી ચોકીદાર ઊભો હતો. ઊંચા ઓટલાવાળા શાનદાર મકાનની ઓસરીમાં સફેદ મોટી દાઢી-મૂછવાળો એક સૌમ્ય પ્રભાવશાળી સજ્જન ધીમે ધીમે હિંચકા પર હિંચતો ઝાંપા તરફ આવતા આગંતુકને ઓળખવા પ્રયત્ન કરતો હતો.

"સા'બ કો બોલો, વખારિયા સા'બ આયે હૈ," કહી ગુરખો રજા લેવા ગયો. સજ્જને કહ્યું, "અચ્છા, સાબકો આને દો."

આદિત્યએ એક બાજુ ગાડી પાર્ક કરી. મિત્તાલી અને ઈશીત, ઈશાનની પાછળ પાછળ ચાલ્યા. રાત ઠીકઠીક જામતી હતી. જંગલી પ્રાણીઓના અવાજો ફાર્મ હાઉસ સુધી સંભળાતા હતાં. ઈશાને ઓળખાણ આપતાં કહ્યું, "વિશ્વાસ... આ મારા પત્ની મિત્તાલી... આ... આદિત્ય... ઈશાન...

મિત્તાલી, ત્રણેક વર્ષની મારી નોકરી વેળા આ ફક્કડ... વિશ્વાસ સાથે દોસ્તી થઈ," કહેતો તે ખડખડાટ હસી પડ્યો.

વિશ્વાસના ચહેરા પર માત્ર સ્મિત ફરક્યું. "પપ્પા ચાલો આપણે ફાર્મ જોઈએ," કહેતા ગુરખાને સાથે રાખી ઈશાન, ઈશીત અને આદિત્ય, જમ્યા પછી, લટાર મારવા નીકળી પડ્યા.

મિત્તાલી આખા દિવસની રખડપટ્ટીથી થાકેલી હોઈ તે આરામ કરવા રોકાઈ. વિશ્વાસના હિંચકા સામેની ઢળતી આરામ ખુરશીમાં ગોઠવાઈ.

મિત્તાલીના પ્રશ્નના જવાબ આપવામાં વિશ્વાસ થોડોક થોથવાયો. "તમે અહીં એકલા જ રહો છો? ભાભી, બાળકો?"

"એકલો જ. આજીવન. એકલો."

"આ ફાર્મ તમારું?"

"હું નોકરી કરતો. નોકરી છોડી બે મિત્રોએ ભાગમાં જમીન રાખી. બંને ફક્કડ ગીરધારી. અકસ્માતમાં મિત્ર..." કહેતા તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

"અહીં એકાંત નથી લાગતું?" "એકલા રહેવાની ટેવ પાડી." "ટેવ પાડી એટલે...?" "હું કૉલેજમાં ભણતો હોસ્ટેલમાં રહેતો. ઓછાબોલો અને શરમાળની છાપ. છોકરી જેવો સ્વભાવ એટલે કૉલેજ કેન્ટીનમાં છોકરીઓ મને છેડતી."

"તમને છેડતી? શું કરે છેડે એટલે?" કહી મિત્તાલી ખડખડાટ હસી પડી. વિશ્વાસ તેને ખડખડાટ હસતી તાકતો રહ્યો.

"હું કેન્ટીનમાં હોઉં, એમની વાતો સાંભળું. મોટા ભાગે કૉલેજમાં પહેરી લાવવાના ડ્રેસની જ હોય.

એક છોકરી જાણી જોઈને મને સંભળાવવા જ પોતાની પસંદગીના ડ્રેસની વાત કરે પછી મારી સામે જોઈને ખી... ખી... કરતી હસી પડે. એ જે રંગનો ડ્રેસ પહેરવાનું નક્કી કરે એ રંગનું શર્ટ હું પણ પહેરી જાઉં." મિત્તાલી તેની વાત એક ધ્યાને સાંભળી રહી.

"મને એના તરફ અજબની લાગણી થવા લાગી. ઉતારો કરવાને બહાને મારી નોટ લઈ જાય. પાછી આપે ત્યારે હું એક એક પાનું ફેદી વળતો એ આશાએ કે એણે મને કોઈ સંદેશો લખ્યો હોય.

આમ બધું એકતરફી." મિત્તાલી ગંભીરતાથી તેની લાગણીસભર વાત એક ધ્યાને સાંભળી રહી. "કોઈ કોઈ વખત તો એને મળવાનું અને મારી લાગણીનો એકરાર કરવાનું મન થઈ જાય, પણ મારો શરમાળ સ્વભાવ સાથે અપમાનિત થવાની બીક."

"તમે એનું મન જાણવા પ્રયત્ન પણ ના કર્યો...?" મિત્તાલીએ પૂછ્યું. વિશ્વાસે કહ્યું, "હા, એક વખત એણે પુસ્તક પરત કરવાને બહાને મારા આંગળીના ટેરવાને સ્પર્શ કર્યો.

હું તેની આંખ વાંચી રહ્યો. એ મને વાંચી રહી. અમારા ધ્રૂજતા અંગો અને સ્નેહભીની આંખો... આજીવન... એકલા રહેવાનું જાણે કે ઈજન દેતી ગઈ." મિત્તાલીને એક ઊંડા નિ:શ્વાસ સાથેનું દબાયેલું ડૂસકું સંભળાયું તો વિશ્વાસનો ધોધમાર થતો અશ્રુપ્રવાહ.

મિત્તાલીએ રહસ્ય ખોલ્યું, "અને... એટલે જ તમે ગુપ્તરીતે કિડની દાન કરી... સંતોષ માન્યો... ગુપ્ત એકરાર કરવા, ખરું ને?"

ફાર્મની લટાર મારી પરત ફરી રહેલા ઈશાનના મોબાઇલ પર ગીત વાગી રહ્યું હતું: "તન સે તન કા મિલન હો શકા ના તો ક્યા... મન સે મન કા મિલન કોઈ કમ તો નહીં."

બીજા દિવસે સવારે વિદાય આપતા વિશ્વાસના છેલ્લા શબ્દો, જાણી જોઈને બૅગ લેવા રોકાયેલી મિત્તાલીના કાળજાને જાણે હૂંફ આપી રહ્યા હતા. વિશ્વાસે કહ્યું, "મિત્તાલી, કિડની સ્વરૂપે તો હું તારામાં તારો થઈને રહી તો શકીશ ને...? એ આશાએ મેં તને કિડની..."

અને આ મિલનની છેલ્લી પળ હૃદય દ્રાવક રીતે ભીંજાયેલી હતી.

------ ચન્દ્રકાન્ત જે સોની, મોડાસા
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post