સુનંદા નું સુખ!
~~~~~~~~~~~~~~~~~
સુનંદાની નજર વારે ઘડીએ ડેલી પર જતી હતી, અને તેને ભણકારો વાગતો હતો કે ડેલી ખખડી કે શું? આમ તો સુનંદા અને તેના પતિ સુધીરભાઈ છેલ્લા દસ વર્ષથી અહીં એકલા જ રહેતા હતાં. પરંતુ હમણાં હમણાંથી તેને આ એકલતા બહુ જ સતાવતી હતી, ઉપરથી તહેવારોના દિવસો આવતાં, ગામમાં બધાનાં ઘરે સ્વજનો તહેવાર ઉજવવા આવી ગયા હતાં, અને પોતાના ને જ આવડી મોટી હવેલીમાં કોઈ નથી, એ વાતે તેને અત્યંત દુઃખ થતું હતું, તેમજ તહેવાર ઉજવવાની પણ કોઈ ઈચ્છા થતી ન હતી.
સુનંદા નું સુખ!
સુધીરભાઈ તેને સમજાવતા હતાં, કે હવે આ જ આપણી જિંદગી છે, તેને જેટલી ઝડપથી સ્વીકારી લેશું, એટલી જ આપણને અનુકૂળતા રહેશે. તો ક્યારેક ક્યારેય પત્નીનું મન ડાયવર્ટ કરવાં માંટે અન્ય કોઇ કીમિયો પણ અજમાવતાં , જેમ કે આ વાનગી તો તે બનાવી જ નથી!
આ ઉપરાંત ક્યારેક પેલી સાડી પહેરે તો વર્ષ થઈ ગયું! એમાં તું બિલકુલ મધુબાલા જેવી લાગે છે, અને પહેલી લગ્નતિથિએ અપાવેલો હીરાનો સેટ પણ એમનો એમ જ પડ્યો છે, આ તહેવારના દિવસોમાં એક વાર એ જરૂર પહેરજે.
પણ સુનંદાબેન કંઈ જ ઉત્તર આપતા નહીં, અને ચૂપચાપ કામ કરતાં હતાં. ઘરની સફાઈ પણ ચંપા એ કરી નાખી હતી, આમ જુઓ તો ચંપા એ જ તેમના જીવનનો સહારો હતી, એટલે કે પચાસ ઉપર તો હવે ઉંમર ચાલી ગઈ હતી, એટલે ઘરકામ વગેરેમાં પણ થોડીક ક્યારેક આળસ થઈ જાય. બહારનું કામ પણ પોતે કરવાનું, અને ગામના વ્યવહારો પણ પોતે સાચવવાના.
કારણકે સુધીરભાઈ એ તો બે હાથ ઊંચા જ કરી દીધાં હતાં, અને કહી દે કે ના હો એ હિસાબ અને વ્યવહાર તો આપણને આવડે જ નહીં. પરંતુ સુનંદા જાણતી હતી કે એના મનમાં અંતે તો એમ છે કે જેટલી પ્રવૃત્તિમાં મારું મન રહે એટલું સારું!!એટલે હિસાબ પણ મારે માથે, અને વ્યવહાર પણ મારે માથે નાંખતા હતાં. પુરુષ માણસ હતાં એટલે એમ કંઇ બોલે નહીં, પણ એકલતા તો એને પણ સતાવે જ ને!!
અને એ પણ સંતાનનાં હોય તો એક વાત જુદી છે, આ તો ઈશ્વરે ચાર ચાર સંતાનો આપ્યાં પણ કોઈ કાયમ સાથે રહેવા વાળું નહીં! એ પણ સમજ્યાં, પરંતુ વાર-તહેવારે પણ કોઈ આવે નહીં, કારણ કે બધા જ પરદેશમાં હતાં, અને આટલી બધી જમીન, આટલો બધો રૂપિયો, એ બધું કોની માટે! દાન ધર્મ કરે, કથા સપ્તાહ કરાવે, બધું જ નીતિ નિયમ મુજબ ચાલુ,
અને ગામમાં નિશાળ ખોલાવવામાં, હોસ્પિટલ કરવામાં, કે અન્ય કોઈપણ સદ્કાર્ય થતું હોય ત્યાં, સુનંદાબેન અને સુધીરભાઈ નો ફાળો સૌથી વધુ હોય. એટલે એ રીતે પણ સારા કાર્યો કર્યા, છતાં ઇશ્વર ફળ શું કામ નથી આપતો? એ જ સુનંદાબેન ને સમજાતું ન હતું.
હમણાંથી તો મનમાં આવા જ વિચારો ચાલતા હોવાથી, રાત્રે નિંદરમાં પણ દીકરા વહુ અને પૌત્ર-પૌત્રીઓ આવતા હતાં. એમાં પણ સૌથી નાના શૌનક ને ઘરે તો હમણાં જ નાનકડો ટેણીયો માધવ આવ્યો હતો, બસ લગભગ વરસ દાડાનો થયો હશે, એટલે ક્યારેક ક્યારેક કંઈક બોલતું પણ હશે!!
અને ગઈકાલે તો એટલે સપનામાં પણ માધવ એટલે કે નાનકડો પૌત્ર આવ્યો હતો, અને દાદી! દાદી! એમ કાલું કાલું બોલતો હતો, બસ આ વહેલી સવારનું સ્વપ્ન હતું, એટલે એને શ્રદ્ધા બેસી ગઈ હતી કે ચોક્કસ એ લોકો આવશે, અને એટલે વારેઘડીએ ડેલી ખખડી કે શું? એવા ભણકારા વાગતા હતા. પરંતુ સવારની સાંજ થવા આવી પણ અંતે ડેલી ખખડી જ નહીં! અને સુનંદાબેન ઉદાસ થઈ ગયાં ઉદાસીમાં અને ઉદાસીમાં એ ક્યારે અતીતમાં સરી પડ્યાં એનું એને ભાન ન રહ્યું.
વાત જાણે એમ હતી કે ચીમનભાઈ વ્યાસ નું આ ગામમાં ખૂબ જ માન સન્માન અને હોય પણ ખરું, કારણ કે સરકારનો રુઆબદાર હોદ્દો ધરાવતા હતાં, અને રાજ્યસભાના શિક્ષણ વિભાગના મંત્રી હતાં. એમના એકના એક દીકરા સુધીર માટે યુવતિની શોધ ચાલી રહી હતી, અને સુનંદા ના મામા કે જે એક ધારાસભ્ય હતાં, તેમણે પોતાની ભાણેજ ની વાત મંત્રી સાહેબને કરી, અને પહેલી નજરે જ સુધીરભાઈ તથા ચીમનલાલ ભાઈને સુનંદા પસંદ આવી ગઈ, અને રંગેચંગે ધામધૂમથી લગ્ન થયાં, અને સુનંદા નો ગૃહ લક્ષ્મી તરીકે ચીમનભાઈ ના ઘરમાં પ્રવેશ થયો. ઘરમાં કોઈ સ્ત્રી સભ્ય હતું નહીં, એટલે સુનંદાએ જ ઘરનો તમાંમ કારોબાર અને વહેવાર સંભાળી લીધો.
જ્ઞાતિ અંતર્ગત વ્યવહાર હોય કે પછી સંબંધ અંતર્ગત કે આડોશ પાડોશના વ્યવહારો હોય એ બધું જ તે બખુબી નિભાવતી ગઈ, અને સુધીરભાઈ તો થોડા વખતમાં જ બહાર નોકરી અર્થે જતા રહ્યાં, અને સુનંદા ચાર સંતાનોને ઉછેરવામાં પડી ગઈ. ઘરમાં અને ઘર બહાર એ બંને જવાબદારીઓ તે એકલી જ નિભાવતી ગઈ. તો હવે તો અવસ્થાને કારણે ચીમનભાઈ નું પણ ધ્યાન રાખવું પડતું, અને દવા વગેરે સમયસર આપવું પડતું હતું.
થોડા વખતમાં જ એ તો લાંબી વાટ પકડી ને હરિ શરણ ચાલ્યા ગયાં, હવે શહેરમાં વસવાટ કરવો એવું નક્કી થયું, અને હવેલી બંધ કરી દઇએ એવા નિર્ણય પર આવી ગયાં. ત્યાં જ સુધીરભાઈ ની કંપની ખોટમાં ગઈ, અને બધા જ એમ્પ્લોયર ઘર ભેગા થઈ ગયાં. એટલે શહેર જવાનું મુલતવી અને અહીંની જમીન વગેરેની દેખરેખ કરી, આવકનું સાધન ઉભી કરવાનું નક્કી કર્યું. સુનંદા પણ ધ્યાન આપતી હતી, અને વાડી ખેતર વગેરેમાં પુષ્કળ પાક થતો હતો, એટલે એમ કંઈ આવકનો પ્રશ્ન ન્હતો. ઉપરાંત આ મોટું હવેલી જેવું ઘર પણ કાઢી નાંખતા કેટલા બધા રૂપિયા આપે તેમ હતું, અને દરદાગીના એ બધું તો જુદું જ. હવે પૈસા નો પ્રશ્ન ન હતો, એટલે દીકરાઓનું ભવિષ્ય સુધરી જાય,એમ વિચારી, વારાફરતી બધા જ દીકરાઓને વિલાયત ભણવા મોકલ્યાં, અને તેઓ પણ ત્યાં ભણી અને ત્યાં જ સેટ થઇ ગયાં.
બે પુત્રોએ તો ત્યાંની જ યુવતીઓ સાથે લગ્ન પણ કરી લીધાં, અને બાકી બે ના લગ્ન માતા-પિતાએ કરાવ્યા. આમ જુઓ તો એકંદરે બધા જ સુખી હતાં, પરંતુ દરેકે દરેક જણ અલગ હતું, કોઈ પોતાની સાથે રહેવા વાળું ન હતું.
એક માતાને અંતરથી એવી ઈચ્છા થાય કે હવે તેને પણ નિવૃત્તિ લેવી છે, અને ઘરનું કોઈ કામકાજ સંભાળી શકે, એવી પુત્રવધુ મળી જાય તો ગંગા ન્હાયા!! બસ સુનંદા બેનની પણ આવી એક ઇચ્છા હતી. દીકરાઓ વાર-તહેવારે આવે અને બધા સાથે હસી ખુશીથી સમય પસાર કરીએ, એવું એને એક નાનકડું એવું સ્વપ્ન જોયું હતું. કંઈ જીંદગી આગળથી વધુ ની અપેક્ષા રાખી ન હતી, એટલે કે કાયમ કોઈ સાથે રહે, અથવા તો પોતે કોઈની સાથે કાયમ રહે! એવું ક્યાં વિચાર્યું હતું, અને આ નાનકડી ભાવના તેની કોઇ સમજતું જ નથી, એવી તેને અત્યંત વેદના થતી હતી.
દીકરાઓ આજ્ઞાંકિત હતાં, દીકરાઓની વહુઓ પણ ખૂબ જ ડાહી હતી, અને નાનકડા ભૂલકાઓ તો અહીં આવવા ખૂબ જ તત્પર હતાં. પરંતુ અહીંયા ને ત્યાં ના વેકેશન માં ઘણો ફેર હોવાથી આ શક્ય નથી બનતું, એમ વારંવાર દીકરા વહુ કહેતાં હતાં,પણ મન છે કે માનતું જ નહતું, અને ઉદાસી વધુ ઘેરી બનતી જતી હતી. એકાએક અંધારું થઈ ગયું હોય, એવો અહેસાસ થતાં એણે લાઈટ કરી, આજે તો સુધીરભાઈ પણ કામ હોવાથી બહાર ગયા હતાં, એટલે પોતે એકલા જ હતાં, અને કંઈ બનાવવાની કે જમવાની રુચિ પણ નહતી, છતાં ઉભા થઇ રસોડામાં ગયાં.
કારણકે સુધીરભાઈ આવીને પુછપરછ કરે,અને જો ખબર પડે કે કંઈ જ ખાધું નથી તો તો આવી જ બને !! એટલે કંઈક એક વાનુ બનાવી લઉં, એમ કરી રોટલી વધારવાનું વિચારી ને લોયુ ગેસ પર મૂક્યું, ત્યાં ડેલી ખખડવાનો અવાજ આવ્યો,પણ પોતાને ભણકારો થયો એમ માની ને ખોલવા ગયા નહીં,
બીજી વાર ડેલી ખખડી પણ હજી એમ જ થયું, ઉપરથી એમ પણ વિચારવા લાગ્યાં કે હે ભગવાન આ એકલતા ક્યાંક ગાડી ન કરી મૂકે!! મનોમન ગાયત્રી મંત્ર બોલવા લાગ્યાં કે બુદ્ધિ સ્થિર થાય, પણ હવે તો આ જોર જોરથી ડેલી ખખડતી હતી.
તેણે પોતાના કાન પર બે હાથ જોરથી દાબી દીધાં અને નહીં.. એમ કરીને ચીસ પાડી, પણ એકાએક વિચાર આવ્યો કે એ કદાચ હોય, એટલે કે સુધીરભાઈ નું કામ કદાચ પૂરું થઈ ગયું હોય, તો પાછા પણ આવી ગયા હોય.
મનને થોડી શાંતિ થઈ, અને તે ઉતાવળા પગલે ચાલ્યાં. કારણ કે નહીં તો એને એમ થાય કે વળી શું થઈ ગયું? એણે ડેલી ખોલી તો સામે તેમનો આખો પરિવાર ઉભો હતો, આખો એટલે આખો, ચારે ચાર દીકરા, ચારે ચાર વહુઆરું અને બધા એટલે બધા જ પૌત્ર-પૌત્રી એની આંખમાંથી હરખના આંસુ ખરવા લાગ્યાં, અને સુધીરભાઈ બોલ્યા તું તો સાવ ગાંડી જ છે, નહોતા આવ્યા ત્યારે પણ રડતી હતી, અને આવ્યા ત્યારે પણ રડે છે.
સુનંદાબેન બોલ્યા એ તમને નહીં સમજાય, છોડો હવે મને મારા દીકરા વહુ અને પૌત્ર પૌત્રી ને મળવા તો દ્યો!! એમ કરી અને તરત જ નાનકડા એવા માધવ ને તેડી લીધો, અને માધવ પણ જાણે વર્ષોથી ઓળખતો હોય તેમ તેના હાથમાં આવ્યા પછી ખિલખિલાટ હસવા લાગ્યો, અને દાદી એમ બોલ્યો, અને સુનંદાબેનનો અત્યાર સુધીનો બધો જ રંજ છૂમંતર થઇ ને ક્યાં ચાલ્યો ગયો, એ ખબર જ ના પડી.
પછી તો આટલા મોટા પરિવારના જમવાની વ્યવસ્થા કરવા ચારેય વહુંને લઈને રસોડામાં પહોંચી ગયાં અને ફટાફટ, ઓરમુ, મસાલા વાળી પુરી, બટેટા નું તીખું શાક, દાળ ભાત બધું જ અડધી કલાકમાં તો બનાવી નાંખ્યું, અને સુધીરભાઈ જોઈ રહ્યા,કે આને દસ લાખનો સાચાં હીરાનો સેટ અપાવ્યો, ત્યારે પણ આટલી ખુશી નહતી થઈ, વાહ ઈશ્વર શું કરામત કરી છે તે સ્ત્રી બનાવી ને, અને એમાં પણ મા બનાવી ને તો પુરું જ કર્યું, ધન્ય છે હિન્દુ સંસ્કૃતિ કે જ્યાં ઘરે ઘરે સાક્ષાત ઈશ્વર વસે છે.
– ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories
