અભિષેક (Abhishek Novel Part-40)

Related

અભિષેક પ્રકરણ 40

અભિષેકના અપહરણ પછી પોલીસ દોડતી થઈ ગઈ હતી. વડોદરા પોલીસે રાજકોટ પોલીસનો સંપર્ક કર્યો હતો અને રાજકોટના સેન્ટ્રલ પોલીસ સ્ટેશનનો સબ ઇન્સ્પેક્ટર હોસ્પિટલમાં ડૉ. અભિષેક વિશે ઇન્કવાયરી કરવા માટે આવ્યો હતો.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

દેસાઈ સાહેબે દિપાલીને પોતાની ચેમ્બરમાં બોલાવી હતી અને એની પાસે અંજલીનો નંબર હોય તો જાણ કરવા વિનંતી કરી હતી.

" ના સર અંજલીનો તો નંબર મારી પાસે નથી. પરંતુ અભિષેક સરના ફ્લેટમાં જ વીણામાસી રહે છે. મારી પાસે એમનો નંબર છે. " દિપાલી બોલી.

" સારું. તું અભિષેકની માસી સાથે ફોન ઉપર વાત કરી લે કે અભિષેક ત્યાં પહોંચ્યો છે કે નહીં. અને સાંભળ એના અપહરણ વિશે માસી સાથે કોઈ ચર્ચા કરીશ નહીં. નહીં તો એ બિચારાં એકદમ ટેન્શનમાં આવી જશે. " દેસાઈ સાહેબ બોલ્યા.

દિપાલીએ તરત જ વીણામાસીને ફોન લગાવ્યો.

" માસી હું રાજકોટથી દિપાલી બોલું. અભિષેક સર મુંબઈ પહોંચી ગયા ? " દિપાલી બોલી.

" ના બેટા હજુ અભિષેક આવ્યો નથી. એનો ફોન પણ બંધ આવે છે. હું તને ફોન કરવાની જ હતી. ચાર દિવસ પહેલાં એ નીકળ્યો ત્યારે સવારે રસ્તામાંથી ફોન કર્યો હતો કે રાત સુધીમાં પહોંચી જઈશ. પણ પછી એ આવ્યો જ નથી. " વીણામાસી બોલ્યાં.

" તમે ચિંતા ના કરશો માસી. અંજલી એમની સાથે જ છે. અને એ નીકળ્યા ત્યારે મારી સાથે વાત થઈ હતી. મને કહેતા હતા કે અંજલી મારી સાથે છે તો કદાચ અમે બે ચાર દિવસ માટે ક્યાંક ફરવા પણ જઈએ. મુંબઈ પહોંચવાની કોઈ ઉતાવળ નથી. મેં તો તમને ખાલી અમસ્તો જ ફોન કર્યો માસી." દિપાલી બોલી.

" હા તો તો ઠીક. સારું થયું તેં મને ફોન કર્યો. હવે મોડો આવે તો પણ મને ચિંતા નહીં થાય." વીણામાસી બોલ્યાં એટલે દિપાલીએ ફોન કટ કર્યો. એણે પરાણે હસતું મોં રાખીને માસી સાથે વાત કરી હતી.

" સર અભિષેક સર મુંબઈ પહોંચ્યા નથી. અપહરણની વાત સાચી હોઈ શકે છે. મને તો અંજલીની પણ ચિંતા થાય છે. એ કેમ અભિષેકની સાથે નહીં હોય ! " દિપાલી બોલી.

" અમારું કામ આ બધા જવાબો શોધવાનું જ છે. અમારી ટીમ કામે લાગી ગઈ છે એટલે અમે ગમે ત્યાંથી ડૉ. અભિષેકને શોધી કાઢીશું. તમે ખાલી મને મુંબઈનું એડ્રેસ લખાવી દો." સબ ઇન્સ્પેક્ટર બોલ્યો.

" હા એ હું લખાવી દઉં છું. અભિષેક જ્યારે જોબ માટે અહીં હાજર થયો ત્યારે એની જે ફાઈલ બનાવી એમાં એનું મુંબઈનું એડ્રેસ છે અને એના આધારકાર્ડની ઝેરોક્ષ પણ છે. એટલે એમાં પણ એડ્રેસ છે. " દેસાઈ સાહેબ બોલ્યા અને કબાટમાંથી ફાઈલ કાઢીને અભિષેકનું એડ્રેસ લખાવી દીધું.

" હવે મારી વાત ધ્યાનથી સાંભળો. આ કેસ ઘણો ગંભીર છે. જે લોકોએ પણ અપહરણ કર્યું છે એ લોકો મુંબઈનું એડ્રેસ મેળવવા માટે કદાચ અહીં સુધી પણ આવી શકે છે. એના વિશે અહીં પણ પૂછપરછ કરી શકે છે. માટે પોલીસ ડિપાર્ટમેન્ટ સિવાય કોઈપણ વ્યક્તિ અભિષેકની પૂછપરછ માટે આવે તો કોઈ માહિતી આપવી નહીં. તમે કહી દેજો કે અભિષેક નામના કોઈ ડોક્ટર અમારે ત્યાં હતા જ નહીં. " સબ ઇન્સ્પેક્ટર બોલ્યો.

" ભલે ઇન્સ્પેક્ટર. અમે એ વાતનું ધ્યાન રાખીશું. " દેસાઈ સાહેબ બોલ્યા.

" તમારા સ્ટાફને પણ જરા સૂચના આપી દેજો. ક્યાંયથી પણ એ લોકોને કોઈ માહિતી ના મળે. " ઇન્સ્પેક્ટર બોલ્યો અને ઉભો થઈને નીકળી ગયો.

" દિપાલી ઘણી ગંભીર ઘટના બની ગઈ છે. અભિષેક જેવા સીધા અને સેવાભાવી માણસનું અપહરણ કોઈ કઈ રીતે કરી શકે ? મને એક જ શંકા આવે છે. મુંબઈમાં અભિષેકની મોટી હોસ્પિટલ બની રહી છે અને એની પાસે પુષ્કળ પૈસા પણ છે. મુંબઈમાં આ વાતની કોઈને ગંધ આવી હોય તો પૈસા માટે અપહરણ થઈ શકે છે. અને ગાડી પણ મુંબઈની જ છે એટલે મને આ વિચાર આવે છે. " ડૉ. દેસાઈ બોલ્યા.

" હા સર. તમારી વાત સાચી છે. માત્ર એ જ કારણ હોઈ શકે. મને પણ યાદ આવ્યું કે એમની મોટી હોસ્પિટલ બની રહી છે અને વિલે પાર્લેમાં છ સાત કરોડનો મોટો ફ્લેટ પણ એમણે ખરીદ્યો છે. અને આજકાલ પૈસા માટે જ અપહરણ થતું હોય છે. " દિપાલી બોલી. હવે એને કારણ સમજાઈ ગયું.

એ ઊભી થઈને બહાર નીકળી ગઈ. એ પછી દેસાઈ સાહેબે અભિષેકના અપહરણની વાત કરવા માટે અને પોલીસે આપેલી સૂચના બધાને આપવા માટે હૉલમાં એક અર્જન્ટ મીટીંગ બોલાવી.

" જુઓ આપણા ડૉ. અભિષેકનું મુંબઈ જતી વખતે રસ્તામાં અપહરણ થઈ ગયું છે. પોલીસ એમને શોધવા માટે કોશિશ કરી રહી છે પરંતુ જેમણે પણ અપહરણ કર્યું છે એમાંનો કોઈ માણસ અભિષેકનું મુંબઈનું એડ્રેસ જાણવા માટે અહીં આવી શકે છે. એટલે પોલીસે સૂચના આપી છે કે કોઈપણ માણસ અભિષેક વિશે કંઈ પૂછવા માટે આવે તો એક જ જવાબ આપવાનો કે ડૉ. અભિષેક નામની કોઈ વ્યક્તિ આ હોસ્પિટલમાં જોબ કરતી ન હતી. સમજાઈ ગયું ?" દેસાઈ સાહેબ બોલ્યા.

" જી સર. " બધા એકી અવાજે બોલ્યા અને પછી હૉલમાં ગણગણાટ ચાલુ થયો. અભિષેક સરનું અપહરણ કોઈ શા માટે કરે !!

પરંતુ સૌથી વધારે દુઃખી તો અંજલી હતી. ચાર દિવસ સુધી અમદાવાદમાં અંજલી એની ફ્રેન્ડ રેખાના ઘરે જ રોકાઈ હતી. બાજુમાં એના મામાનું ઘર પણ હતું એટલે ત્યાં પણ જતી આવતી હતી. મામાના ઘરે એણે હજુ લગ્નની કોઈ વાત કરી ન હતી. એ તો એટલું જ જાણતા હતા કે અંજલીની સગાઈ થઈ હતી અને એ તૂટી ગઈ છે.

અમદાવાદ આવી એ દિવસે તો અંજલી ખૂબ જ ખુશ હતી. એણે રેખા સાથે બધી જ વાતો શેર કરી હતી. અભિષેક સાથે એ દ્વારકા ગઈ હતી અને ત્યાં દ્વારકાધીશની સામે જ ફૂલહાર કરી ગાંધર્વ લગ્ન કર્યાં હતાં એ બધી જ વાતો એણે રેખાને કરી હતી. રાજકોટ આવ્યા પછી અભિષેકે હનીમૂન માટે કેટલી તૈયારીઓ કરી હતી, કેટલું બધું શોપિંગ કર્યું હતું એ બધી જ વાતો હરખથી એણે રેખાને કરી હતી.

પરંતુ સાંજ પછી એ થોડી ટેન્શનમાં આવી ગઈ હતી. કારણ કે એના અભિષેકનો સાંજ સુધી એક પણ ફોન આવ્યો ન હતો અને એણે સામેથી ફોન કર્યો તો ફોન સ્વીચ ઓફ આવતો હતો. છતાં કદાચ રસ્તામાં નેટવર્કનો પ્રોબ્લેમ હશે એમ માની એણે એ દિવસે તો મન મનાવી લીધું પરંતુ બીજા દિવસે પણ આખો દિવસ ફોન બંધ રહ્યો.

અભિષેકનો ફોન બંધ હોય એવું તો ક્યારેય પણ બન્યું ન હતું. અને માનો કે કોઈ કારણસર ફોન ખોવાઈ ગયો તો પણ મુંબઈ પહોંચીને બીજા દિવસે નવો ફોન લઈને પણ અભિષેક ચાલુ તો કરી જ દે.

રેખાના આગ્રહથી અંજલી એના ઘરે ચાર દિવસ રોકાઈ પરંતુ ચારે ચાર દિવસ ફોન બંધ જ આવતો હતો.

" રેખા મને ખૂબ જ ચિંતા થાય છે. મારો જીવ ચૂંથાય છે. કંઈક અજુગતું બની ગયું હોય એવો અંદરથી ભાસ થાય છે. અભિષેક મને એટલો બધો પ્રેમ કરે છે કે હું તને કહી શકતી નથી. એ મને ફોન કર્યા વગર રહે જ નહીં. મારી પાસે એમનાં વીણામાસીનો પણ ફોન નથી નહીં તો હું એમને પણ ફોન કરીને પૂછી લેત. " અંજલી બોલી.

" અંજુ તું આટલી બધી ચિંતા ના કરીશ. એ એક નખશીખ સજ્જન માણસ છે. એમનો વાળ પણ વાંકો ના થાય. અને ફોન સ્વીચ ઓફ રહેવાનાં ઘણાં કારણો હોઈ શકે છે. " રેખા બોલી તો ખરી પરંતુ એને પણ ચિંતા તો થઈ જ રહી હતી.

" મારે તત્કાલની ટિકિટ લઈને આવતી કાલે જ મુંબઈ જવા નીકળી જવું પડશે. ત્યાં જઈને જ બધી ખબર પડે. સૌથી મોટી તકલીફ એ છે કે એમનું એડ્રેસ પણ મારી પાસે નથી. દહીસર એમનો ફ્લેટ છે એટલી ખબર છે પરંતુ હું ક્યારે પણ ગઈ નથી અને એડ્રેસ પૂછ્યું પણ નથી. " અંજલી બોલી.

તત્કાલની ટિકિટ કઢાવીને બીજા દિવસે અમદાવાદથી બપોરે અઢી વાગે ઉપડતી શતાબ્દી એક્સપ્રેસમાં એ બેસી ગઈ.

છેલ્લા ચાર દિવસથી અભિષેકનો કોઈ સંપર્ક નહીં થવાથી અંજલી ખૂબ જ વ્યથિત થઈ ગઈ હતી. એની રાત દિવસની ઊંઘ પણ ઉડી ગઈ હતી. અભિષેકને શું થયું હશે ? રસ્તામાં કોઈ અકસ્માત તો નહીં થયો હોય ! એ કોઈ હોસ્પિટલમાં એડમિટ તો નહીં થયા હોય ! ટ્રેઈનની ગતિ સાથે એના વિચારો પણ ચાલુ જ હતા !

રાત્રે સાડા આઠ વાગે એ બોરીવલી ઉતરી અને ત્યાંથી લોકલ પકડીને મલાડ સુંદરનગર એના ઘરે પહોંચી ગઈ.

અંજલીને આમ અચાનક આવેલી જોઈને પહેલાં તો જીતુભાઈ ખૂબ જ ખુશ થઈ ગયા. અંજલીએ અભિષેક સાથે લગ્ન કરી લીધાં છે એવો ફોન પણ એણે પપ્પાને કરેલો એટલે અચાનક અંજલીને જોઈને એ ખુશ થઈ ગયા. પરંતુ અંજલીનો વિલાયેલો ચહેરો જોઈને એ ચિંતામાં પડી ગયા.

" બેટા તારો ચહેરો કેમ આમ લેવાઈ ગયો છે ? અભિષેકકુમાર સાથે બધું બરાબર તો છે ને ? " પપ્પા બોલ્યા. એટલામાં મમ્મી પણ રસોડામાંથી બહાર આવી.

" કશું જ બરાબર નથી પપ્પા ! " અંજલી બોલી અને એ રડી પડી. મા બાપની સામે હૈયાનો ભાર આંસુથી ઠાલવી દીધો.

પપ્પાએ એને રડવા દીધી. મમ્મી પાણી લઈ આવી. થોડીવાર પછી અંજલી શાંત થઈ.

" પપ્પા રાજકોટથી મુંબઈ આવવા માટે ગાડીમાં અમે સાથે જ નીકળ્યાં હતાં. વચ્ચે અમદાવાદ આવતું હતું એટલે મને રેખાને મળવાની ઈચ્છા થઈ અને હું અમદાવાદ ઉતરી ગઈ. એ એકલા જ મુંબઈ આવવા રવાના થયા પરંતુ એ નીકળ્યા પછી અમારી વચ્ચે કોઈ વાત જ થઈ નથી. ચાર દિવસથી એમને ફોન જ બંધ છે. મને એમને એકલાને મુંબઈ મોકલવાની દુર્બુદ્ધિ શું કામ સૂઝી ! " અંજલી બોલી.

" અરે પગલી. ફોન સ્વીચ ઓફ આવે છે એમાં આટલું બધું રડવાનું હોય ? આપણે કાલે બધી તપાસ કરીશું. તું અત્યારે જમી લે અને શાંતિથી સુઈ જા. " જીતુભાઈએ એને સમજાવી.

બીજા દિવસે સવારે ચા પીતી વખતે જીતુભાઈને યોગીજી યાદ આવ્યા.

" અંજુ યોગીજી પાસે અભિષેક કુમારનો નંબર હોવો જ જોઈએ. એ અવારનવાર યોગીજી પાસે જતા હતા. હું એમની સાથે જ વાત કરી લઉં. " જીતુભાઈ બોલ્યા.

" હા પપ્પા એ તો મને યાદ જ ના આવ્યું. ગુરુજી પાસે ચોક્કસ એમનો નંબર હોવો જ જોઈએ. તમે અત્યારે જ ફોન કરો. " અંજલી ખુશ થઈને બોલી.

જીતુભાઈએ યોગીજીને ફોન લગાવ્યો પરંતુ ફોન સ્વીચ ઓફ આવ્યો.

" યોગીજીનો ફોન સ્વીચ ઓફ આવે છે. કદાચ સવારમાં એ બંધ રાખતા હશે. આપણે દસ વાગ્યા પછી કોશિશ કરીએ. " જીતુભાઈ બોલ્યા.

" પપ્પા એના કરતાં આપણે અત્યારે યોગીજીને જ મળી લઈએ તો ! એ ઘરે તો હશે જ. અને એ બધું જાણી પણ શકે છે. " અંજલી બોલી.

" ઠીક છે. અત્યારે તો એ પૂજામાં હશે. આપણે નાહી ધોઈને દસ વાગ્યે અહીંથી નીકળીએ." જીતુભાઈ બોલ્યા.

અને અંજલીને લઈને જીતુભાઈ અગિયાર વાગ્યાની આસપાસ સિક્કા નગર ઉત્કર્ષ બિલ્ડીંગમાં પહોંચી ગયા. પરંતુ કિસ્મત બે ડગલાં આગળ ને આગળ દોડતું હતું. બીજા માળે પહોંચ્યા તો યોગીજીના ઘરે તાળું લટકતું હતું !

અંજલી એકદમ નિરાશ થઈ ગઈ. આ શું થઈ રહ્યું છે એ એને સમજાતું નહોતું. એને પોતાની જાત ઉપર જ ગુસ્સો આવતો હતો કે એ અમદાવાદ શા માટે ઉતરી ગઈ !!

જીતુભાઈએ બાજુના ઘરે બેલ મારીને યોગીજી વિશે પૂછ્યું તો એમણે કહ્યું કે યોગીજી તો ચારધામ યાત્રાએ નીકળી ગયા છે. આજે આઠેક દિવસ થઈ ગયા.

" બેટા હવે અહીં ઊભા રહેવાનો કોઈ મતલબ નથી. યોગીજી કોઈ એવી જગ્યાએ હશે કે જ્યાં નેટવર્ક નહીં પકડાતું હોય. હવે રાહ જોયા સિવાય છૂટકો જ નથી. અભિષેકકુમારનું ઘર પણ આપણે જોયું નથી." જીતુભાઈ પોતાની નિરાશ દીકરી સામે જોઈને બોલ્યા અને બંને નીચે ઉતરી ગયાં.

મલાડ સ્ટેશને ઉતર્યા પછી અચાનક અંજલીને યાદ આવ્યું કે અભિષેકે એને વિલે પાર્લે ના ફ્લેટની ચાવી લેવા માટે ઋષિકેશ અંકલનો ફોન નંબર આપ્યો હતો અને ચાવી લેવા માટે એ પોતે એમના ઘરે ગઈ પણ હતી એટલે અંકલનું ઘર પણ જોયેલું હતું.

ઋષિકેશ અંકલ પાસે અભિષેકના ફ્લેટનું એડ્રેસ હોવું જોઈએ. અંકલ અને અભિષેક વચ્ચે ખૂબ નજીકના સંબંધો હતા. અંજલીએ તરત જ બોરીવલી જવાનો નિર્ણય લીધો.

" પપ્પા તમે ઘરે જવા નીકળી જાઓ હું બીજી ટ્રેન પકડીને અત્યારે જ બોરીવલી એક અંકલના ઘરે જાઉં છું. એમને અભિષેકના એડ્રેસની ખબર હોવી જ જોઈએ અથવા તો એમની પાસે અભિષેક વિશેના કોઈ સમાચાર પણ હોવા જોઈએ. " અંજલી બોલી.

" ઠીક છે બેટા. ભગવાન કરે અને તને કુમારનું એડ્રેસ મળી જાય !" પપ્પા બોલ્યા અને એ સ્ટેશનની બહાર જવા નીકળી ગયા.

પપ્પા નીકળી ગયા પછી એણે પાછળ આવતી બીજી લોકલ પકડી અને બોરીવલી ઉતરી ગઈ. સાંઈબાબા નગર ઋષિકેશ અંકલના ઘરે એકવાર એ ચાવી લેવા માટે ગઈ હતી એટલે એમનો ફ્લેટ જોયેલો હતો.

" અંકલ ઘરે છે ? " શિવાનીએ દરવાજો ખોલ્યો એટલે અંજલી બોલી.

" હા આવો ને ! " શિવાની બોલી.

જો કે તેને આ ખૂબસૂરત છોકરીની ઓળખાણ ના પડી. તે દિવસે જ્યારે અંજલી ચાવી લેવા માટે આવી હતી ત્યારે શિવાની ઘરે ન હતી.

અંજલી ડ્રોઈંગ રૂમમાં સોફા ઉપર બેઠી. શિવાની પપ્પાના બેડરૂમમાં જઈને પપ્પાને બોલાવી લાવી.

" નમસ્તે અંકલ. હું અંજલી. તે દિવસે અભિષેકના ફ્લેટની ચાવી લેવા માટે હું આવી હતી. યાદ છે ? " અંકલ આવ્યા એટલે અંજલી ઊભી થઈને બે હાથ જોડીને બોલી.

" અરે હા હા યાદ કેમ ના હોય ! હું તો તને જોઈને જ ઓળખી ગયો. ફ્લેટનું કામ તો હવે પતવા આવ્યું છે. ફ્લેટ લગભગ તૈયાર જ થઈ ગયો છે એમ ઇન્ટિરિયર ડિઝાઇનર જૈમિન શાહનો ફોન હતો ! " ઋષિકેશ અંકલ બોલ્યા.

" અંકલ હું બીજા જ કામથી આવી છું. પાંચ દિવસથી અભિષેક ખોવાઈ ગયા છે. હું ખૂબ જ ટેન્શનમાં છું અંકલ ! " અંજલી બોલી.

એ દરમિયાન શિવાની પાણીનો ગ્લાસ લઈને આવી એટલે એણે પાણી પી લીધું અને ગ્લાસ પાછો આપ્યો.

" મને તારી વાત ના સમજાઈ બેટા." અંકલ બોલ્યા.

" અંકલ હું તમને બધી જ વાત કરું છું. અભિષેક રાજકોટ છોડવાના હતા એટલે એમણે મને એક અઠવાડિયા માટે રાજકોટ બોલાવી હતી. હું ત્યાં ગઈ હતી. રાજકોટથી અમે દ્વારકા દર્શન કરવા માટે ગયાં હતાં અને ત્યાં જ દ્વારકાધીશની સામે ફૂલહાર કરીને અમે લગ્ન પણ કરી લીધાં. " અંજલી બોલી.

આ વાત ચાલુ હતી ત્યાં શિવાની પણ બહાર આવી અને સોફા ઉપર બેઠી.

" અંકલ લગ્ન કર્યા પછી અમે બેટ દ્વારકા પણ ફરી આવ્યાં અને ત્યાંથી રાજકોટ પાછાં પણ આવી ગયાં. અમારો સંસાર પણ શરૂ થઈ ગયો. એ પછી દસ દિવસ પછી અમે એમની ગાડીમાં મુંબઈ આવવા માટે નીકળી ગયાં. મારી ઈચ્છા મારી ફ્રેન્ડ રેખાને મળવાની હતી એટલે હું અમદાવાદ ઉતરી ગઈ અને એ એકલા જ મુંબઈ આવવા માટે નીકળ્યા. મેં એમને એકલા મોકલ્યા એ મારી સૌથી મોટી ભૂલ હતી અંકલ. " કહેતાં કહેતાં અંજલીના ગળે ડૂમો ભરાઈ આવ્યો. એનું હૈયુ ભરાઈ આવ્યું હતું.

" રડીશ નહિ બેટા. હું જ્યાં સુધી અભિષેકને ઓળખું છું ત્યાં સુધી એમનો કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ નથી. " અંકલ બોલ્યા.

" હા અંકલ પરંતુ એ નીકળી ગયા પછી સાંજે એમનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો અને હજુ સુધી સ્વીચ ઓફ છે. મારી પાસે એમનાં વીણામાસીનો નંબર પણ નથી. દહીસરમાં રહે છે એટલી ખબર છે પણ મારી પાસે એમનું એડ્રેસ નથી. મને બહુ જ ચિંતા થાય છે. એ મને ફોન કર્યા વગર રહે જ નહીં. મારે એમને શોધવા કઈ રીતે ? " અંજલી બોલી.

" તારી વાત સાંભળીને મને પણ હવે ચિંતા થાય છે. અભિષેકનો ફોન ક્યારે પણ બંધ ના રહે. રસ્તામાં કોઈ ઘટના તો બની હોવી જ જોઈએ. " અંકલ બોલ્યા.

" હા અંકલ મને પણ એ જ ડર છે. કોઈ અકસ્માત થયો હોય અને એ ક્યાંક હોસ્પિટલમાં એડમીટ હોય. હું અને મારા પપ્પા સિક્કાનગર યોગીજી પાસે ગયા હતા. પરંતુ એ ચારધામ યાત્રાએ નીકળી ગયા છે એટલે ત્યાં પણ ધક્કો પડ્યો. છેવટે મને તમારી યાદ આવી એટલે હું અહીં આવી. " અંજલી બોલી.

" હમ્ ... તું એક કામ કર. મને આજનો દિવસ આપ. તું કાલે ફરી આ સમયે મારા ઘરે આવજે. " ઋષિકેશ અંકલ બોલ્યા.

" ઠીક છે અંકલ. પરંતુ આવતી કાલ સુધીમાં તમારા થકી જે પણ તપાસ થઈ શકે એ કરજો ને પ્લીઝ !!" અંજલી વિનંતી કરતી હોય એ રીતે બે હાથ જોડીને બોલી અને પછી બહાર નીકળી ગઈ.

અંજલીને આશ્વાસન તો આપ્યું પરંતુ દહીસરનું એડ્રેસ તો મારી પાસે પણ નથી. અભિષેકની તપાસ ક્યાં કરવી ? – ઋષિકેશ અંકલ વિચારી રહ્યા.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

"અભિષેક" નવલકથા - અનુક્રમણિકા પર જવા માટે :☞અહીં ક્લિક કરો
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."