અભિષેક પ્રકરણ 41
પ્રશાંત વૈદ્ય ખૂબ જ બાહોશ અને ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હતો. અંકિતને તો એણે એના ઘરે પહોંચાડી દીધો હતો પરંતુ એને પાક્કી ખાતરી હતી કે મનીષ દ્વારા કોઈ મોટો લોચો વાગી ગયો છે. એણે પોતાની કારકિર્દીમાં ઘણા બધા અઘરા કેસ પણ સોલ્વ કર્યા હતા. એની એજન્સીની પ્રતિષ્ઠા પણ મોટી હતી.
અભિષેક નવલકથા
અંકિતના કેસમાં એ નિરાશ એટલા માટે હતો કે અંકિતને શોધવા માટે બહુ મોટી રકમ એણે નક્કી કરી હતી અને અડધી રકમ એડવાન્સમાં લઈ લીધી હતી. છતાં અંકિત એ ખરેખર અંકિત છે કે પછી ડૉ. અભિષેક છે એ વિશે એ પોતે જ મોટી વિમાસણમાં હતો. આ બાબતની ખાતરી કરવી ખૂબ જ જરૂરી હતી નહીં તો પોતાના કારણે શાલ્વી સાથે અન્યાય થઈ રહ્યો હતો. આજે રવિવાર હતો છતાં પણ એ ઓફિસે આવ્યો હતો.
એણે પોતાના ડ્રોવરમાંથી અંકિતના ત્રણ ચાર ફોટા બહાર કાઢ્યા અને ટેબલ ઉપર ગોઠવીને મોબાઇલમાં એ ફોટા લઈ લીધા. એ પછી એણે વલ્લભદાસ શેઠને ફોન કર્યો.
" શેઠ પ્રશાંત બોલું. અંકિત જો ઘરે હોય તો મારી અત્યારે તમારા ઘરે આવવાની ઈચ્છા હતી. મને અહીંથી આવતાં દોઢેક કલાક તો થશે જ." પ્રશાંત બોલ્યો.
" હા હા આવો ને પ્રશાંતભાઈ. આજે તો સન્ડે છે એટલે અંકિત ઘરે જ છે. તમે ગમે ત્યારે આવો." શેઠ બોલ્યા.
પ્રશાંત ભાંડુપથી પોતાની ગાડી લઈને નીકળ્યો અને બપોરે સાડા ત્રણ વાગ્યે જૂહુ વલ્લભદાસ શેઠના ફ્લેટ ઉપર પહોંચી ગયો. શેઠ અને અંકિત બંને ડ્રોઈંગ રૂમમાં સોફા ઉપર જ બેઠેલા હતા.
" આવો આવો પ્રશાંતભાઈ. " શેઠ બોલ્યા.
" અને અંકિત આ પ્રશાંત અંકલ છે. આપણા સગા થાય છે. નાનપણથી તને રમાડેલો છે. એ પણ બિચારા બહુ ચિંતા કરતા હતા. તું ઘરે પાછો આવી ગયો એટલે ખાસ તને મળવા માટે જ આવ્યા છે. " વલ્લભદાસ શેઠ બોલ્યા.
પ્રશાંત સમજી ગયો કે વલ્લભદાસ શેઠે બુદ્ધિ વાપરીને પોતાની ઓળખાણ ડિટેક્ટિવ તરીકે નહોતી આપી.
" કેમ છે અંકિત ? તેં તો અમને બધાને બહુ ચિંતામાં નાખી દીધા હતા. અહીં આવ્યા પછી કંઈ યાદ આવે છે ? " પ્રશાંત બોલ્યો.
" ના અંકલ. હું બધું જ ભૂલી ગયો છું પણ આ જ મારું ઘર હશે એમ મેં સ્વીકારી લીધું છે. " અંકિત બોલ્યો.
" શેઠ મને દસેક મિનિટ આપો. મારે અંકિત સાથે થોડી વાતચીત કરવી છે. પ્લીઝ. " પ્રશાંત બોલ્યો.
" ઠીક છે. " વલ્લભદાસ બોલ્યા. જો કે એમને આ ગમ્યું નહીં પરંતુ એ પોતાના બેડરૂમમાં જતા રહ્યા.
" અંકિત તું રાજકોટથી મળી આવ્યો હતો એવું અંકલે મને કહ્યું. તો શું તને રાજકોટ યાદ આવે છે ? " પ્રશાંતે પહેલો પ્રશ્ન પૂછ્યો. વલ્લભદાસ શેઠ માટે એને જાણી જોઈને અંકલ શબ્દ વાપર્યો.
" ના. રાજકોટ વિશે મને કંઈ જ ખબર નથી. રાજકોટ નામનું કોઈ શહેર છે એ પણ મને કંઈ ખ્યાલ નથી. એ નામ અહીં ઘરે આવ્યા પછી જ સાંભળ્યું." અંકિત બોલ્યો.
" ઓકે. દોઢ વર્ષ પહેલાં તું જ્યારે અહીં હતો ત્યારે તને મેડિકલ લાઈનનું પણ સારું એવું જ્ઞાન હતું. એકવાર તેં મને પણ એક દવા લખી આપી હતી. ચાલો તારી એ મેમરીનો ટેસ્ટ કરીએ. તારી પાસે અત્યારે પણ એ નોલેજ છે કે નહીં એ પણ જોઈ લઈએ ! " પ્રશાંત બોલ્યો.
અંકિતે કોઈ જવાબ આપ્યો નહીં.
" માનો કે કોઈને ડાયાબિટીસની શરૂઆત થઈ છે અને એ ડોક્ટર પાસે જાય તો ડોક્ટર શરૂઆતમાં એને કઈ દવા લખી આપે ? " પ્રશાંત અંકિતની સામે જોઈને બોલ્યો.
" મેટફોરમીન. " ક્ષણના પણ વિલંબ વિના અંકિત બોલી ગયો.
" વેરી ગુડ. હવે તું અંકિત સાચો. હજુ પણ તને દવાઓનું જ્ઞાન છે !" પ્રશાંત ખુશ થઈને બોલ્યો.
" હવે છેલ્લો પ્રશ્ન. તારા પપ્પાએ તને થોડા દિવસ પહેલાં દ્વારકામાં જોયેલો અને ત્યાં જ તને ઓળખી કાઢેલો. એ વખતે તું દ્વારકાના ગોમતીઘાટ ઉપર કોઈ યુવાન છોકરી સાથે બેઠેલો. એને યાદ કરવા પ્રયત્ન કર. એ કોણ હતું ? ગોમતી ઘાટને યાદ કર. સામે ગોમતી નદી ઉછાળા મારી રહી છે. તમે બન્ને પગથીયા પાસે બેસી રહ્યાં છો... એ દ્રશ્ય યાદ કર.... દ્વારકા... ગોમતીઘાટ... એક યુવતી. કંઈ યાદ આવે છે ? શાંતિથી વિચાર." પ્રશાંત મનોચિકિત્સકની જેમ સવાલો પૂછી રહ્યો હતો.
અંકિત વિચારોમાં ખોવાઈ ગયો. સતત એ વિચારતો રહ્યો.
" વિચાર.. વિચારવાનું ચાલુ રાખ અંકિત... કોઈ ઉતાવળ નથી... એ ગોમતીઘાટ... દ્વારકાનું મંદિર... તારી સાથે એક યુવતી.... કદાચ તારી પ્રેમિકા." પ્રશાંત ધીમે ધીમે અંકિતના મનને ફંફોળી અભિષેકને જાગૃત કરી રહ્યો હતો. એનો ભૂતકાળ જાણવા પ્રયત્ન કરી રહ્યો હતો. એની યાદદાસ્ત પાછી લાવવા કોશિશ કરી રહ્યો હતો.
" હા... દ્વારકાના મંદિરમાં મેં દર્શન કર્યાં હતાં... ગોમતીઘાટ ઉપર હું બેઠો હતો... મારી સાથે કોઈ હતું પણ મને એનું નામ યાદ નથી આવતું." છેવટે અંકિત બોલ્યો.
" થેન્ક્યુ અંકિત. મને વિશ્વાસ છે કે ધીમે ધીમે તને તારો ભૂતકાળ યાદ આવી જશે અને તારા પરિવારની ચિંતા દૂર થઈ જશે. " પ્રશાંત બોલ્યો.
" સર હવે તમે બહાર આવી શકો છો. અમારી વાતચીત પૂરી થઈ ગઈ છે. " પ્રશાંત મોટેથી બોલ્યો એટલે શેઠ વલ્લભદાસ બહાર આવ્યા.
"હું હવે રજા લઉં સર. અંકિતને એનો ભૂતકાળ યાદ કરાવવા બને એટલી કોશિશ મેં કરી છે અને ધીમે ધીમે એને બધું યાદ આવી જશે." પ્રશાંત બોલ્યો.
" હવે મારે પણ તમારી સાથે થોડી ચર્ચા એકાંતમાં કરવી છે. આવો આપણે મારા બેડરૂમમાં બેસીએ. " વલ્લભદાસ બોલ્યા એટલે પ્રશાંત એમની સાથે એમના બેડરૂમમાં ગયો.
" માફ કરજો પ્રશાંતભાઈ પણ તમારા મનીષે વોશરૂમમાં અંકિત સ્લીપ થઈ ગયો અને બેહોશ થઈ ગયો એવી જે વાત કરી એ મારે ગળે ઉતરતી નથી. મેં હોસ્પિટલના ન્યુરોસર્જન સાથે પણ આ ચર્ચા કરી છે. દિવાલ ભટકાય કે દીવાલનો ખૂણો વાગે એમાં કદાચ તમ્મર આવી જાય પણ માણસ બેહોશ ના થઈ જાય. અને ચીકણી ફરસ ઉપર એ લપસી પડે તો એનાં કપડાં પણ ગંદાં થઈ જાય ! " વલ્લભદાસ બોલ્યા.
પ્રશાંતને ખબર જ હતી કે આ સવાલ આવવાનો જ છે એટલે એ તૈયારી કરીને જ આવ્યો હતો.
" જુઓ શેઠ. અંકિતને હોસ્પિટલમાં બેહોશ અવસ્થામાં લાવ્યા ત્યારે એ વખતે તત્કાલ ટ્રીટમેન્ટની જરૂર હતી. અને એ વખતે આખી વાત કહી શકાય એમ ન હતી. મનીષે રસ્તામાં શું થયું એની બધી જ વાત મને ફોન ઉપર કરી હતી. પરંતુ મેં જ એને સૂચના આપી હતી કે અત્યારે તું માત્ર સ્લીપ થઈ જવાની વાત જ કરજે. " પ્રશાંત શબ્દો ગોઠવી ગોઠવીને બોલી રહ્યો હતો.
" મેં તમને કહ્યું જ હતું કે જે ગાડી તમે દ્વારકામાં જોઈ હતી એ રાજકોટની હતી. એ ગાડી અંકિતના મિત્ર ડૉ. અભિષેકની હતી. નંબર ઉપરથી અભિષેકનું એડ્રેસ અમે શોધી કાઢ્યું. અભિષેક પાસેથી અંકિતનું એડ્રેસ પણ મળી ગયું. હવે અંકિતને મુંબઈ કઈ રીતે લઈ આવવો એ અમારા માટે મોટો પ્રશ્ન હતો. " પ્રશાંત બોલી રહ્યો હતો.
" એના માટે મેં મારા આસિસ્ટન્ટ મનીષને રાજકોટ મોકલવાનું નક્કી કર્યું. મનીષ બાહોશ ડિટેક્ટિવ છે. એ પહેલાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પણ રહી ચૂક્યો છે. મનીષ રાજકોટ પહોંચીને સવારે સીધો અંકિતના ઘરે પહોંચી ગયો."
" ઘરે જઈને અંકિતને એણે એવું કહ્યું કે – અંકિતભાઈ છેક દ્વારકાથી તમારો પીછો કરું છું. તમે અહીં રાજકોટમાં ક્યાંથી ? તમે તો મુંબઈના છો. તમે મુંબઈ છોડી અહીં રાજકોટ કેમ આવી ગયા ? હું દ્વારકા દર્શન માટે ગયો હતો ત્યારે મેં તમને ત્યાં જોયા એટલે તમારી પાછળ પાછળ આવ્યો અને અહીં હોટલમાં ઉતર્યો. તમારો આખો પરિવાર દોઢ વર્ષથી તમને શોધી રહ્યો છે ! મુંબઈમાં તમારી ફોર સ્ટાર હોટલ છે. તમારા પપ્પાના તમે એકના એક દીકરા છો – પરંતુ અંકિતને મુંબઈનું કંઈ જ યાદ ન હતું. મનીષને ખૂબ જ આશ્ચર્ય થયું." પ્રશાંત વાર્તા કરી રહ્યો હતો.
" છેવટે મનીષે એને સમજાવ્યો કે તમે એકવાર મારી સાથે મુંબઈ આવો. તમારું પોતાનું ઘર જોઈ લો. તમારા પરિવારને મળો. તમને ઓળખાણ પડે તો ઠીક છે અને ન પડે તો રાજકોટ પાછા આવી જજો. જેથી તમારા ફેમિલીને તો શાંતિ થાય. છેવટે એ મુંબઈ આવવા તૈયાર થયો. " પ્રશાંત બોલ્યો.
" એટલે રાજકોટમાં અંકિત ભાનમાં હતો ત્યારે પણ અમને ઓળખતો ન હતો ? " વલ્લભદાસે વચ્ચે જ સવાલ કર્યો.
" હા શેઠ. એ જ મોટો પ્રોબ્લેમ થયો છે. અંકિત મુંબઈ આવવા તૈયાર થયો એટલે મેં મુંબઈથી મારી સ્કોર્પિયો ગાડી રાજકોટ મોકલી અને મારા બે માણસોને પણ મનીષ પાસે મોકલ્યા. એ લોકો બરોડા હાઇવે પાસે એક હોટલમાં જમવા ગયા ત્યાં સુધી બધું બરાબર હતું. પરંતુ બધા જમીને બહાર નીકળ્યા ત્યાં અચાનક અંકિતને શું થયું કે એ ત્યાંથી ભાગ્યો. મારા બે પહેલવાનો એને પકડવા માટે પાછળ દોડ્યા. " પ્રશાંત વિચારી વિચારીને બોલી રહ્યો હતો.
" દોડતો દોડતો અંકિત એકદમ રોડ ઉપર આવી ગયો તો ત્યાં અચાનક એક કાર ત્યાંથી પસાર થઈ. અંકિતને અચાનક રોડ વચ્ચે દોડતો જોયો એટલે ડ્રાઇવરે એકદમ બ્રેક મારી. છતાં ગાડી સ્પીડમાં હતી એટલે અંકિતને ટક્કર વાગી અને એ નીચે પડી ગયો. કાર ડ્રાઇવરનો કોઈ વાંક ન હતો એટલે અમે એને જવા દીધો. પરંતુ કારની ટક્કરથી અને રોડ ઉપર પડી જવાથી માથામાં ઇજા થઈ અને એ બેહોશ થઈ ગયો. " પ્રશાંત બોલ્યો.
" મનીષ એને ગાડીમાં બેસાડીને નજીકની ભરૂચની હોસ્પિટલમાં લઈ ગયો. પરંતુ ઇજા બહુ સિરિયસ ન હતી એટલે ત્યાંના ડોક્ટરે પેશન્ટને મુંબઈ લઈ જવા માટે રજા આપી. બસ આ સાચી હકીકત છે. હવે એ વખતે એવી ઈમરજન્સી હતી કે આ લાંબી ઘટના કહી શકાય એમ ન હતી." પ્રશાંતે પોતાની વાર્તા પૂરી કરી.
" હમ્ ... હવે તમારી વાત મગજમાં ઉતરે છે. પરંતુ અંકિત રાજકોટમાં કેમ હતો અને એ ભાનમાં હતો ત્યારે પણ અમને કેમ ઓળખતો ન હતો એ વાત સમજાતી નથી " વલ્લભદાસ બોલ્યા.
" સર મારું એવું માનવું છે કે અત્યારે અકસ્માતના કારણે એ યાદદાસ્ત ભલે ગુમાવી બેઠો હોય પણ અગાઉ પણ કોઈ દુર્ઘટનામાં એ બધું ભૂલી ગયો હોય એવું લાગે છે. હવે તો એની બધી મેમરી પાછી આવે તો જ જાણવા મળે કે શું થયું હતું ! હવે હું રજા લઉં. " પ્રશાંત બોલ્યો.
" ગરમીની સીઝન છે તો આઇસ્ક્રીમ લેશો ?" વલ્લભદાસ બોલ્યા.
" ના શેઠ અત્યારે કંઈ જ નહીં. જ્યારે અંકિત સંપૂર્ણ નોર્મલ થઈ જાય એ પછી ફરી ક્યારેક શાંતિથી આવીશ. " પ્રશાંત બોલ્યો અને બહાર નીકળી ગયો. એણે અત્યારે પેમેન્ટની કોઈ વાત ના કરી.
પ્રશાંત સીધો ઘરે ગયો અને અંકિત સાથે જે પણ ચર્ચા થઈ એમાંથી એક વાત એના મનમાં નક્કી થઈ ગઈ કે આ અંકિત અસલી અંકિત નથી. એ ડૉ. અભિષેક મુન્શી છે. અને એટલે જ ડાયાબિટીસની દવાનું નામ એક સેકન્ડમાં કહી દીધું. અંકિતને તો કોઈ મેડિકલ જ્ઞાન હતું જ નહીં !
પણ બંને ચહેરામાં આટલું બધું સામ્ય કઈ રીતે હોઈ શકે ? એણે ધારી ધારીને એના ચહેરા સામે જોયું હતું પરંતુ ફોટામાં અંકિતનો જે ચહેરો છે એ જ ચહેરો આ અંકિતનો હતો ! ફોટા કરતાં આ યુવાન થોડો વધારે તંદુરસ્ત લાગતો હતો. અવાજ પણ બંનેના એક જ હતા અને એટલે વલ્લભદાસ એને અંકિત જ માનતા હતા ! અરે એની પત્ની પણ એના પતિને ઓળખી ગઈ હતી. તો પછી એ અસલી અંકિત જ હશે ? જો એ અસલી અંકિત જ હોય તો છેલ્લા દોઢ વર્ષમાં એણે મેડિકલ લાઈનનો કોઈ અભ્યાસ કર્યો હશે ?
પ્રશાંતના મનમાં ઘણા તર્ક વિતર્ક ચાલી રહ્યા હતા. હવે રાજકોટ હોસ્પિટલમાં જઈને જ તપાસ કરવી પડશે !
બીજા જ દિવસે પ્રશાંત ફ્લાઈટમાં રાજકોટ પહોંચી ગયો. એણે નીકળતી વખતે મનીષને પણ જાણ કરી દીધી હતી. હોટલમાં ઉતરીને લગભગ ત્રણેક વાગે એ પરિમલ હોસ્પિટલ પહોંચી ગયો.
" સર હું પ્રશાંત વૈદ્ય. મુંબઈથી આવું છું. મારી પોતાની ડિટેક્ટિવ એજન્સી છે. તમને ખ્યાલ છે કે નહીં એ મને ખબર નથી પરંતુ તમારે ત્યાં નોકરી કરતા ડૉ. અભિષેકનું અપહરણ થઈ ગયું છે. મારે એમનું મુંબઈનું એડ્રેસ જોઈએ છે. " પ્રશાંત હોસ્પિટલ સુપ્રીનટેન્ડેન્ટ દેસાઈ સાહેબની ચેમ્બરમાં જઈને બોલ્યો.
દેસાઈ સાહેબને પોલીસ ઇન્સ્પેક્ટરના શબ્દો યાદ આવી ગયા. – અભિષેકના અપહરણનો મામલો ઘણો ગંભીર છે. એનું એડ્રેસ મેળવવા માટે કોઈપણ વ્યક્તિ કોઈ પણ સ્વાંગ ધરીને અહીં આવી શકે છે એટલે પોલીસ સિવાય કોઈને પણ એનું એડ્રેસ ના આપશો. તમે કહેજો કે અભિષેક નામનો કોઈ ડોક્ટર અહીં જોબ કરતો જ ન હતો.
" સોરી પ્રશાંતભાઈ. પરંતુ અમારી આ હોસ્પિટલમાં તો અભિષેક નામનો કોઈ ડોક્ટર જોબ કરતો જ ન હતો ! " દેસાઈ સાહેબ બોલ્યા.
" વ્હોટ !!! ડૉ. અભિષેક નામનો કોઈ ડોક્ટર આ હોસ્પિટલમાં હતો જ નહીં ? " પ્રશાંત આવો જવાબ સાંભળીને આશ્ચર્ય પામ્યો. મનીષે તો આ જ હોસ્પિટલનું નામ આપ્યું હતું અને એ આ હોસ્પિટલમાં અભિષેકને મળ્યો પણ હતો !
" ના સર. અભિષેક નામની કોઈ વ્યક્તિ આ હોસ્પિટલમાં જોબ કરતી ન હતી. " ફરી દેસાઈ સાહેબે જવાબ રિપીટ કર્યો.
પ્રશાંતે તરત જ મુંબઈ મનીષને ફોન લગાવ્યો.
" અરે મનીષ.. હું રાજકોટ પરિમલ હોસ્પિટલમાં આવ્યો છું અને અહીં ડૉ. દેસાઈની સામે બેઠો છું. દેસાઈ સાહેબ તો કહે છે કે અભિષેક નામનો કોઈ જ ડોક્ટર અહીં હતો જ નહીં. જ્યારે તું કહે છે કે તું એને અહીં આ જ હોસ્પિટલમાં મળ્યો હતો ! " પ્રશાંત બોલ્યો.
" વ્હોટ ! પરંતુ હું તો ખરેખર એને પરિમલ હોસ્પિટલમાં જ મળ્યો હતો અને રેડીએશનની એની સાથે વાત પણ કરી હતી. મેં જેને અંકિત તરીકે હોસ્પિટલમાં એડમિટ કર્યો હતો એ જ વ્યક્તિ એ હતો ! દેસાઈ સાહેબ ખોટું બોલી રહ્યા છે. " મનીષ બોલ્યો.
હવે ખરેખર પ્રશાંત મુંઝાઈ ગયો. હવે આગળ કેવી રીતે વધવું. કંઇક તો ગરબડ લાગે છે. મનીષ ખોટું ના બોલે.
" દેસાઈ સાહેબ. ખોટું ના લગાડશો પરંતુ મારી પોતાની ડિટેક્ટિવ એજન્સી છે. મારાથી તમે કંઈ પણ છુપાવશો તો એ અભિષેક માટે સારું નથી. તમે અમને અભિષેકને શોધવામાં સહકાર આપો. મને સાચું ન કહેવામાં તમારી કઈ મજબૂરી છે એ હું સમજી શકતો નથી. જે હોય તે. મારું આ કાર્ડ તમને આપી જાઉં છું. મને એના એડ્રેસની જરૂર છે. તમે અમને સહકાર આપો. હું તો અત્યારે નીકળી જાઉં છું. પરંતુ આશા રાખું છું કે મારા આ ફોન ઉપર તમે મને સાચી માહિતી આપશો. " કહીને ટેબલ ઉપર કાર્ડ મૂકીને પ્રશાંત ચેમ્બરની બહાર આવ્યો.
બહાર આવીને એણે એક બે ડોક્ટર અને એક નર્સ સાથે પણ વાત કરી પરંતુ બધાએ એ જ જવાબ આપ્યો જે દેસાઈ સાહેબે આપ્યો હતો. એને ખરેખર આશ્ચર્ય થયું. જો આખી હોસ્પિટલ એમ કહેતી હોય કે અહીં અભિષેક હતો જ નહીં તો પછી એ વાત સાચી હોઈ પણ શકે છે. તો પછી મનીષ અભિષેકને અહીં કઈ રીતે મળ્યો ?
એવું પણ બની શકે કે અભિષેક કોઈ બીજી જ હોસ્પિટલમાં જોબ કરતો હોય અને અહીં કોઈ કામથી આવ્યો હોય અને એ જ વખતે મનીષ એને અહીં મળી ગયો હોય !
હવે આગળ શું કરવું ? એની પાસે ડોક્ટર અભિષેકનું ચંદારાણા ટાવરનું એડ્રેસ પણ હતું જે મનીષે એને આપ્યું હતું. એણે ત્યાં જવાનું નક્કી કર્યું અને અડધી કલાકમાં ત્યાં પણ પહોંચી ગયો.
અભિષેક જ્યાં રહેતો હતો એ ફ્લેટને તો તાળું મારેલું હતું. બાજુમાં જ્યાં સ્વાતિબેન રહેતાં હતાં એ ફ્લેટ પણ અત્યારે બહારથી બંધ હતો. સામેનો ફ્લેટ તો પહેલેથી ખાલી જ હતો. ત્યાં કોઈ રહેતું ન હતું એટલે લોક મારેલો જ રહેતો હતો.
હવે માત્ર એક જ ફ્લેટ ખુલ્લો હતો જ્યાં પૂછી શકાય. પ્રશાંતે બેલ મારી એટલે એક ઉંમરલાયક ૭૫ ૮૦ આસપાસના વડીલે દરવાજો ખોલ્યો. એમનું શરીર પણ ધ્રુજતું હતું !
" અંકલ ડૉ. અભિષેક અહીંયાં રહેતા હતા ? " પ્રશાંત બોલ્યો.
પરંતુ અંકલ બહેરા હોય એમ એમણે પોતાના કાન પાસે હાથ ધર્યો.
" હેં.. મોટેથી બોલો " અંકલ બોલ્યા.
" અંકલ ડૉ. અભિષેક અહીં રહેતા હતા ? " પ્રશાંત મોટેથી બોલ્યો.
" અભિષેક ? તમે અભિષેક કરાવો છો ભાઈ ? " અંકલ ધીમેથી બોલ્યા. એમને માત્ર એક જ શબ્દ સંભળાયો.
હે ભગવાન. શુકન જોયા વગર જ હું રાજકોટ આવ્યો છું. ક્યાંયથી સરખો જવાબ જ નથી મળતો. હવે દરેક ફ્લોર ઉપર જઈને પૂછવાનો કોઈ મતલબ પણ નથી. શહેરમાં બાજુમાં કોણ રહે છે એની ક્યાં કોઈને ખબર પણ હોય છે !
પ્રશાંત નીચે ઉતરી ગયો. બહાર એણે ટૅક્સી ઉભી રખાવી હતી. એણે ટેક્સીને ફરી પોતાની હોટલ લેવડાવી.
" અરે મનીષ રાજકોટનો મારો ફેરો ફોગટ ગયો છે. હોસ્પિટલવાળાએ તો ચોખ્ખી ના પાડી દીધી. સ્ટાફને પણ પૂછ્યું. બધાએ કહ્યું કે અભિષેક નામનો કોઈ ડોક્ટર અહીં હતો જ નહીં. મને લાગે છે કે કદાચ એ કોઈ બીજી હોસ્પિટલમાં જોબ કરતો હોય અને તું જ્યારે પરિમલ હોસ્પિટલમાં ગયો ત્યારે એ જ વખતે એ ત્યાં કોઈ કારણથી આવ્યો હોય એવું બની શકે ? " પ્રશાંત બોલ્યો.
" હા સર. એ શક્ય છે. કારણ કે હું હોસ્પિટલ ગયો ત્યારે અભિષેક જ ત્યાં ઉભો હતો એટલે મેં એની સાથે જ વાત કરી હતી. એ બીજી કોઈ હોસ્પિટલમાં હોય અને હું ત્યાં પહોંચ્યો ત્યારે કોઈ કામે ત્યાં આવ્યો હોય એ પણ પોસિબલ છે. " મનીષ બોલ્યો.
"અરે પણ પહેલીવાર તેં જ્યારે એનો પીછો કર્યો ત્યારે પણ એ પરિમલ હોસ્પિટલમાં જ ગયો હતો ? " પ્રશાંત બોલ્યો.
" હા સર પહેલી વાર પીછો કર્યો ત્યારે મેં એને પરિમલ હોસ્પિટલમાં જ જતો જોયો હતો. પરંતુ બની શકે કે એનો કોઈ પેશન્ટ ત્યાં એડમિટ થયો હોય એટલે એની તપાસ કરવા ત્યાં ગયો હોય ! " મનીષ બોલ્યો.
" હે ભગવાન ! મનીષ શું કહું તને ? તું આટલો બધો બાહોશ એજન્ટ હોવા છતાં તારું કામ આટલું કાચું કેમ ? પરિમલમાં હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે એ તે કંઈ જવાબ છે ?" પ્રશાંતે પોતાનો બળાપો કાઢ્યો.
" સોરી સર. વધુ પડતા ઉત્સાહમાં મારાથી થોડી ઉતાવળ થઈ ગઈ છે. " મનીષ બોલ્યો.
" મુંબઈનું એડ્રેસ મળ્યું નથી એટલે સાંજે તો હું મુંબઈ આવવા નીકળી જાઉં છું. અભિષેકની તપાસ પછીથી કરીશું. અભિષેક અને શાલ્વીનો સંસાર શરૂ પણ થઈ ગયો છે ! જે નહોતું થવું જોઈએ એ થઈ ગયું છે. હવે ઉતાવળ કરવાની કોઈ જરૂર પણ નથી ! " પ્રશાંત નિઃસાસો નાખીને બોલ્યો.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
