અભિષેક (Abhishek Novel Part-42)

Related

અભિષેક પ્રકરણ 42

દિવસો જતાં અંકિત અને શાલ્વીનો સંસાર ખૂબ જ રંગીન બની ગયો હતો. લગ્ન પછીના છ મહિનામાં અસલી અંકિત પાસેથી જે સુખ મળ્યું ન હતું એનાથી અનેક ઘણું વધારે સુખ શાલ્વીને દોઢ વર્ષ પછી પાછા આવી ગયેલા આ અંકિત પાસેથી મળ્યું હતું. શાલ્વી નવી નવી પરણેલી હોય એમ એના અંકિતને છોડતી જ નહોતી.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

અંકિત પોતાની હોટલમાં પણ બરાબર સેટ થઈ ગયો હતો. હોટલના ધંધાને એણે બરાબર સમજી લીધો હતો. અંકિત ઉર્ફે અભિષેક હોશિયાર તો હતો જ. એનામાં વ્યવસ્થા શક્તિ પણ ઘણી સારી હતી. સ્વભાવ પણ સારો હતો. ભલે એ યાદશક્તિ ગુમાવી બેઠો હતો પણ એની અંદર જે ગુણો હતા એ તો કાયમ રહેવાના જ હતા. એણે સ્ટાફને પણ પોતાનો કરી લીધો હતો. જરૂરિયાતવાળાને મદદ પણ કરતો હતો. સુરતની હોટલમાં પણ એ પપ્પા સાથે ગયો હતો અને બે દિવસ રોકાયો હતો.

હોટલમાં આમ તો એણે કંઈ કરવાનું હતું જ નહીં. એ પોતે માલિક હતો. હોટલનું મેનેજમેન્ટ તો સ્ટાફ જ સંભાળતો હતો. આખી ઈકો સિસ્ટમ સેટ થયેલી હતી. એણે તો એકાઉન્ટન્ટ જે બતાવે તે આવક જાવકના હિસાબ જ જોવાના હતા.

સવાલ હવે ચેક ઉપર સાઈન કરવાનો હતો. અંકિત હતો ત્યારે એ ચેક ઉપર સાઇન કરતો હતો. એના ગયા પછી છેલ્લા દોઢ વર્ષથી વલ્લભદાસ પોતે સાઇન કરતા હતા. હવે અંકિત પાછો આવી ગયો હતો એટલે એની સાઈન જ બધે ચલાવવાની હતી. પ્રશ્ન એ હતો કે યાદદાસ્ત સંપૂર્ણ જતી રહી હોવાથી અંકિત સાઈન જ ભૂલી ગયો હતો !

વલ્લભદાસે અંકિતને ભૂતકાળમાં એણે સાઇન કરેલી જૂની ચેકબુકો બતાવી અને પ્રેક્ટિસ કરીને એ સાઇન શીખી લેવાની વાત કરી. માત્ર બે જ દિવસમાં સતત પ્રેક્ટિસ કરીને અંકિત ઓરીજનલ સાઇન કરતો થઈ ગયો. વલ્લભદાસને હવે કોઈ જ ચિંતા ન રહી.
 
**********************
આ બાજુ અભિષેકનો પત્તો લાગતો ન હોવાથી અમદાવાદથી આવીને અંજલી યોગીજીના ઘરે ગઈ હતી પરંતુ યોગીજી ચારધામ યાત્રાએ ગયા હોવાથી એ ઋષિકેશ અંકલ પાસે આવી હતી. અંકલને બધી જ વાત કરી હતી.

અંજલીની વાત સાંભળ્યા પછી ઋષિકેશભાઇ પોતે પણ ટેન્શનમાં આવી ગયા હતા. છેવટે એમણે અંજલીને આશ્વાસન આપ્યું હતું.

" તું એક કામ કર. મને આજનો દિવસ આપ. તું કાલે ફરી આ સમયે મારા ઘરે આવજે. " ઋષિકેશ અંકલ બોલ્યા.

અંજલી તો ઘરે ચાલી ગઈ પરંતુ ડૉ.અભિષેકને શોધવો કઈ રીતે એ એમના માટે સૌથી મોટો પ્રશ્ન હતો.

એ દિવસે સાંજે ચાર વાગે જ ઋષિકેશભાઇ અભિષેક જ્યાં નોકરી કરતો હતો એ હોસ્પિટલ ગયા અને ત્યાં એક ડોક્ટર સાથે એમણે વાત કરી.

" અહીંયા દોઢેક વર્ષ પહેલાં અભિષેક મુન્શી ડોક્ટર તરીકે સેવાઓ આપતા હતા. એમના ઘરનું એડ્રેસ મળી શકે ?" ઋષિકેશભાઇ બોલ્યા.

" એ તો અત્યારે રાજકોટ છે. એ દહીસરથી આવતા હતા એટલી મને ખબર છે. બાકી ઘરનું એડ્રેસ મારી પાસે નથી. " ડોક્ટર બોલ્યો.

કદાચ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ રામાણી સાહેબ પાસે અભિષેકનું એડ્રેસ ચોક્કસ હશે એમ વિચારી એ મોટા સાહેબની ચેમ્બરમાં ગયા પરંતુ રામાણી સાહેબ ત્રણ દિવસની રજા ઉપર હતા.

ઋષિકેશ અંકલને ખબર ન હતી કે અભિષેકની માસીની દીકરી આરતી આ જ હોસ્પિટલમાં નોકરી કરે છે નહીં તો સીધા એ આરતીને જ મળી લેત અને એડ્રેસ પણ મળી જાત.

ઋષિકેશભાઇ હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા કે તરત જ એમને બોરીવલી બાભાઈ નાકા પાસે રહેતા નવીનભાઈ શાહની અચાનક યાદ આવી ગઈ. એમની પાસે અભિષેકનો બધો રેકોર્ડ હોવો જ જોઈએ.

અત્યારે તો નવીનભાઈ ઘરે ના હોય એટલે સાંજે સાત વાગ્યા પછી જ એમને પકડવા પડશે. ઋષિકેશભાઇ ઘરે ગયા અને ફરી પોતાની ગાડી લઈને સાંજે ૭ વાગે નવીનભાઈના ઘરે પહોંચી ગયા.

" અરે ઋષિકેશભાઇ ઘણા સમય પછી આવ્યા શેઠ ! " નવીનભાઈ પોતાની સ્ટાઈલમાં બોલ્યા.

" કામ વગર તો તમને ડિસ્ટર્બ કરાય જ નહીં ને ! મારે થોડું કામ હતું એટલે ડૉ.અભિષેક મુન્શીના ઘરે જવું હતું. એમનો નંબર બંધ આવે છે એટલે કદાચ નંબર બદલાઈ પણ ગયો હોય. તો તમારી પાસે એમનો રેકોર્ડ છે તો જરા મને એડ્રેસ શોધી આપો ને ! " ઋષિકેશભાઈ બોલ્યા.

નવીનભાઈએ ઉભા થઈને પોતાની પાછળનું કબાટ ખોલીને માત્ર બે જ મિનિટમાં અભિષેક મુન્શીની ફાઈલ બહાર કાઢી અને એમાં જોઈને અભિષેકનું એડ્રેસ એમણે ટેબલ ઉપર રાખેલા ચીટપેડ ઉપર લખીને ચિટ્ઠી એમણે ઋષિકેશ ભાઈને આપી .

અભિષેક રજનીકાન્ત મુન્શી
ફ્લેટ નં ૫૦૧ નક્ષત્ર ટાવર્સ, શૈલેન્દ્ર વિદ્યાલય રોડ
દહીસર વેસ્ટ, મુંબઈ.


" ખૂબ ખૂબ આભાર નવીનભાઈ. હવે હું રજા લઉં. થોડોક ઉતાવળમાં છું. " ઋષિકેશભાઇ બોલ્યા અને તરત બહાર નીકળી ગયા.

ગાડી એમણે એસવી રોડ થઈને સીધી દહીસર વેસ્ટ લઈ લીધી.

નક્ષત્ર ટાવર્સ પહોંચીને લિફ્ટમાં એ પાંચમા માળે પહોંચી ગયા અને ૫૦૧ નંબરનું બટન દબાવ્યું. ફ્લેટનો દરવાજો આરતીએ ખોલ્યો.

" ડૉ. અભિષેક મુન્શી અહીં જ રહે છે ? " ઋષિકેશભાઈએ સવાલ કર્યો.

" હા. તમારી ઓળખાણ ના પડી અંકલ. " આરતી બોલી.

" વીણાબેન છે ઘરમાં ? " ઋષિકેશ ભાઇ બોલ્યા.

" આરતી કોણ આવ્યું છે ? " વીણા માસીએ અંદરથી પૂછ્યું.

" મમ્મા કોઈ અંકલ આવ્યા છે અને તમારા વિશે પૂછે છે. " આરતી બોલી.

" તો આવવા દે ને એમને અંદર ! બહાર કેમ ઊભા રાખ્યા છે એમને !" વીણામાસી બોલ્યાં.

આરતીએ ઋષિકેશભાઇને અંદર આવવા ઇશારો કર્યો. ઋષિકેશભાઈ ડ્રોઈંગ રૂમમાં સોફા ઉપર જઈને બેઠા. વીણામાસી કિચનમાં હતાં એ પણ બહાર આવ્યાં.

" તમારી ઓળખાણ ના પડી ભાઈ. " વીણામાસીએ સોફામાં બેસીને પૂછ્યું.

" હું પણ તમને પહેલીવાર જ મળી રહ્યો છું બેન. મારું નામ ઋષિકેશ છે અને હું બોરીવલીમાં રહું છું. પાંચ છ દિવસ પહેલાં ડૉ. અભિષેકનો મારી ઉપર ફોન હતો કે એ મુંબઈ આવી રહ્યો છે. બે દિવસથી હું એને ફોન કરું છું પણ એનો ફોન સ્વીચ ઓફ આવે છે એટલે જસ્ટ એને મળવા માટે ઘરે આવ્યો. હું અભિષેકને બહુ સારી રીતે ઓળખું છું અને એ મારા ઘરે પણ બે ત્રણ વાર આવી ગયેલા છે." ઋષિકેશ ભાઇ બોલ્યા.

" હા ભાઈ. મારી ઉપર પણ છ દિવસ પહેલાં ફોન હતો. પણ એ હજુ ઘરે આવ્યો નથી. રાજકોટમાં એની સાથે દિપાલી કરીને એક ડોક્ટર છોકરી છે જેને હું ઓળખું છું. એનો પણ મારી ઉપર ફોન હતો. એણે કહ્યું કે – અભિષેક સર અહીંથી નીકળ્યા ત્યારે મને એવું કહેતા હતા કે અંજલી સાથે છે તો થોડા દિવસ ક્યાંક બહાર ફરી આવીએ પણ ખરા. મુંબઈ જવાની કોઈ ઉતાવળ નથી. અંજલી એમની ફિયાન્સી છે ! – એટલે ભાઈ એ કદાચ ફરવા ગયો હશે" વીણામાસી બોલ્યાં.

" હા દિપાલીની એ વાત સાચી હોઈ શકે. મુંબઈ આવ્યા પછી તો વ્યસ્ત થઈ જવાય એટલે રસ્તામાં જ પછી કોઈ પ્લાન કર્યો હોય." ઋષિકેશભાઇ પણ એ જ વાતને વળગી રહ્યા. વીણાબેન ટેન્શનમાં આવી જાય એવું કંઈ પણ કહેવાની એમની ઇચ્છા ન હતી.

" હા પણ એ ગમે ત્યાં ગયો હોય તો પણ મને ફોન તો કરે ને ! પાંચ પાંચ દિવસ સુધી ફોન બંધ જ આવે છે એટલે મને પણ ચિંતા થાય છે." વીણામાસી બોલ્યાં.

" ચિંતા ના કરશો બેન. હું મારી રીતે તપાસ કરું છું. કંઈ પણ કામકાજ હોય તો હું મારો નંબર તમને આપતો જાઉં છું. " કહીને ઋષિકેશભાઈ પોતાનો નંબર આરતી સામે બોલી ગયા એટલે એણે સેવ કરી લીધો.

" ચાલો હવે હું નીકળું બેન. તમારું એડ્રેસ પણ મારી પાસે ન હતું. છેલ્લા બે અઢી કલાક કોશિશ કરી ત્યારે માંડ મળ્યું. અભિષેક બોરીવલીમાં જ્યાં નોકરી કરતા હતા એ હોસ્પિટલમાં પણ હું જઈ આવ્યો. પણ કોઈની પાસે પૂરું એડ્રેસ ન હતું. આજે રામાણી સાહેબ પણ રજા ઉપર છે." ઋષિકે ભાઇ બોલ્યા.

" તમે હોસ્પિટલ ગયા હતા ? મારી આ આરતી પણ ત્યાં જ નોકરી કરે છે. અભિષેકે જ એને ગોઠવી છે. એ ત્યાં નર્સ છે. હજુ હમણાં એક કલાક પહેલાં જ એ ઘરે આવી." વીણામાસી બોલ્યાં.

" અરે બેન મને આ બધી ક્યાંથી ખબર ? નહીં તો ત્યાં હું સીધો આરતીને જ મળી લેત ને ! " ઋષિકેશભાઇ હસીને બોલ્યા.

" કંઈ વાંધો નહીં. એ બહાને તમે ઘરે તો આવ્યા. મને પણ સારું લાગ્યું. હવે તમને શું ફાવશે ભાઈ ? ચા કે કોલ્ડ્રિંક્સ ? " વીણામાસી બોલ્યાં.

" એવી કંઈ જરૂર નથી બેન. બહુ મોડું થઈ ગયું છે. " ઋષિકેશભાઇ બોલ્યા. એ હવે ચિંતામાં પડી ગયા હતા.

"આરતી જલ્દીથી એમના માટે દૂધ કોલ્ડ્રિંક બનાવી દે." માસી બોલ્યાં.

" ના. મારા માટે ખાલી લીંબુ શરબત બનાવી દો. ઠંડાં પીણાં મને ઓછાં ફાવે છે. " ઋષિકેશભાઇ બોલ્યા.

" વીણાબેન તમને ખબર છે કે નહીં એ મને ખ્યાલ નથી. પરંતુ અભિષેકે અંજલી સાથે દ્વારકાધીશના મંદિરમાં ફૂલહાર કરી લીધા છે. એટલે એ ફિયાન્સી નહીં પણ તમારી વહુ છે ! " ઋષિકેશભાઇ બોલ્યા.

"તમે શું વાત કરો છો ભાઇ !! ભાણાએ તો મને આવી કોઈ વાત કરી જ નથી. લગ્ન પણ કરી લીધાં અને મને જાણ પણ ના કરી ? " વીણામાસી બોલ્યાં.

" અભિષેકને સરપ્રાઈઝ આપવાનો બહુ શોખ છે બેન. એણે મને જ કહેલું કે માસીને સરપ્રાઈઝ આપવાનો છું અને મુંબઈ પહોંચીને તરત રિસેપ્શન ગોઠવવાનો છું !!" ઋષિકેશભાઈએ થોડી વાર્તા કરી લીધી.

અંજલીએ એમને આ વાત કરી હતી એટલે આ વાત વીણાબેનને જણાવવી એમને જરૂરી લાગી. સંબંધ એ સંબંધ છે !

" હવે તો તમારે મીઠું મોઢું કરીને જવું પડશે ભાઈ. હવે તો ચોક્કસ એ લોકો ફરવા જ ગયા હશે. મને હવે કોઈ જ ચિંતા નથી. " કહીને વીણામાસી ઊભાં થયાં અને ગઈકાલે રાત્રે જ થોડી સુખડી બનાવી હતી એ એમને ચાખવા માટે આપી.

સુખડી ચાખીને ઉપર લીંબુ શરબત પીને ઋષિકેશભાઈ બહાર નીકળી ગયા અને સીધા ઘરે ગયા. રાજકોટની દિપાલી અને આ વીણાબેન પણ એમ જ માને છે કે અભિષેક અંજલીની સાથે છે જ્યારે સાચી હકીકત કોઈને ખબર નથી ! હવે કાલે અંજલીને પણ શું કહેવું !!

ઋષિકેશભાઈ ખરેખર ચિંતામાં પડી ગયા હતા. એ પાછા ગાયત્રી ઉપાસક હતા એટલે એમને પણ અંદરથી નેગેટિવ ફીલિંગ આવી રહી હતી. સવારે ધ્યાનમાં બેસીને અભિષેક ઉપર ફોકસ કરવાનું એમણે નક્કી કર્યું.

બીજા દિવસે ઋષિકેશભાઇ વહેલા ઉઠી ગયા અને હાથ પગ ધોઈને ધ્યાનમાં બેસી ગયા. માનસિક રીતે થોડાક ગાયત્રી મંત્રો કરીને એમણે આલ્ફા લેવલમાં જઈને અભિષેક ઉપર ફોકસ કર્યું. અડધા કલાક સુધી તો એમને કોઈ જ સંકેત ના મળ્યો. એ ધ્યાનમાં ઊંડા ઉતરતા ગયા.

થોડી વાર પછી એમને એક હોટલ દેખાઈ. એના કમ્પાઉન્ડમાં અભિષેક અને બીજા ત્રણ વ્યક્તિ પણ ઊભેલા દેખાયા. થોડીવાર પછી અભિષેક પેલા ત્રણ જણા સાથે એમની ગાડીમાં બેઠો એવું દ્રશ્ય ઝાંખું ઝાંખું દેખાયું. એ પછી એમણે ઘણી કોશિશ કરી પરંતુ આગળ બીજું કોઈ દ્રશ્ય દેખાયું નહીં.

ધ્યાનમાંથી બહાર આવ્યા પછી ઋષિકેશભાઈએ આ દ્રશ્યનો તાળો મેળવવા માટે કોશિશ કરી.

દિપાલીના કહેવા પ્રમાણે તો અભિષેક અંજલીને લઈને રાજકોટથી નીકળ્યો હતો. અંજલી અમદાવાદ ઉતરી ગઈ હતી એવું અંજલીએ કહ્યું. તો પછી આ હોટલ પાસે અભિષેક સાથે બીજા ત્રણ જણા કોણ હશે ? અને જે ગાડી ધ્યાનમાં જોઈ એ અભિષેકની જ ગાડી હતી કે બીજા કોઈની ?

જો એ ગાડી બીજી હોય તો એનો મતલબ કે કોઈએ એનું અપહરણ કર્યું હોય ! અને પોતાની જ ગાડી હોય તો પછી હજુ સુધી એ મુંબઈ કેમ ના પહોંચ્યો !! અભિષેક પાસે કઈ ગાડી હતી એનો જવાબ તો કાલે અંજલી પાસેથી મળી જશે.

ધ્યાનમાં હોટલ પાસેનું આ દ્રશ્ય જોઈને ઋષિકેશભાઈ ચિંતામાં પડી ગયા હતા. ચિંતાનું બીજું કારણ એ પણ હતું કે અભિષેક વિશે જ્યારે પણ એ વિચારતા હતા ત્યારે એમની અંદરથી નેગેટિવ ફીલિંગ આવતી હતી. અભિષેક સાથે કંઈક તો થયું જ છે !

અગાઉ વાત થયા મુજબ સવારે લગભગ અગિયાર વાગે અંજલી એમના ઘરે આવી ગઈ.

" નમસ્તે અંકલ. " અંજલી આવી અને એણે ઋષિકેશભાઈના ચરણ સ્પર્શ કર્યા.

" અભિષેકનું એડ્રેસ મળી ગયું છે બેટા અને હું એમના ઘરે પણ જઈ આવ્યો છું. અભિષેક હજુ સુધી ઘરે પહોંચ્યા નથી. એમનાં વીણામાસી પણ ચિંતા કરે છે. " ઋષિકેશભાઈ બોલી રહ્યા હતા.

" પરંતુ રાજકોટમાં કોઈ દિપાલી છે એણે એમને એવું કહ્યું છે કે અભિષેક સર એમની ફિયાન્સી અંજલીને લઈને નીકળ્યા છે. અને સાથે અંજલી છે એટલે મુંબઈ આવવાના બદલે એ ક્યાંક ફરવા પણ નીકળી ગયા હોય. એટલે વીણામાસી એવા જ ભ્રમમાં છે. " અંકલ બોલ્યા.

" ઓહ્ શીટ... દિપાલીબેનનો પણ કોઈ દોષ નથી. એ આવું અનુમાન કરી પણ શકે છે. સાચી વાતની એમને ક્યાં ખબર છે ! " અંજલી બોલી.

" હવે શું કરવું અંકલ ? પોલીસ કેસ કરવો જોઈએ ? " અંજલી વ્યથિત હૃદયથી બોલી.

" ના. પોલીસ કેસ કરવાની હજુ મને જરૂર નથી લાગતી. અને પોલીસ કંઈ જાદુગરની જેમ રાતોરાત અભિષેકને શોધી કાઢવાની નથી. મને એક સવાલનો જવાબ જોઈએ છે બેટા. " ઋષિકેશ અંકલને અચાનક ધ્યાનમાં આવેલું દ્રશ્ય યાદ આવી ગયું.

" તમે લોકો નીકળ્યાં ત્યારે અભિષેક પાસે કઈ ગાડી હતી ? મતલબ કે એ કઈ ગાડી વાપરતા હતા ? " અંકલ બોલ્યા.

" એમની પાસે ક્રેટા ગાડી છે અંકલ." અંજલી બોલી.

પોતે ધ્યાનમાં જે ગાડી જોઈ હતી એ ગાડી મોટી હતી અને એનો દેખાવ લગભગ સ્કોર્પિયો જેવો હતો ! એનો અર્થ સ્પષ્ટ હતો કે હોટલે જમ્યા પછી અભિષેક બીજી જ ગાડીમાં બેઠો હતો અને કેસ તો હવે અપહરણનો જ લાગતો હતો !

" અચ્છા... આટલા દિવસમાં તું એમની સાથે રહી તો એ દરમિયાન ક્યારેય પણ કોઈની ધમકીનો એમના ઉપર ફોન આવ્યો હોય અથવા તો એમને કોઈ ટેન્શન હોય એવું તને ક્યારેય પણ લાગ્યું છે ? " અંકલ બોલ્યા.

" અરે ના રે ના અંકલ. અભિષેક તો એકદમ મસ્તરામ છે. સદાય હસતા અને પ્રેમાળ. કોઈ દિવસ એમના ચહેરા ઉપર મેં ટેન્શન કે ઉદાસી જોઈ જ નથી. અને તમે કહો છો એવો કોઈ ફોન આવ્યો હોય એ શક્ય જ નથી." અંજલી બોલી.

" ના હું તો અમસ્તો જ પૂછું છું. કારણ કે અભિષેક પાસે અઢળક પૈસો છે એ તો તને પણ ખબર હશે જ. એટલે એમના છૂપા દુશ્મનો પણ હોઈ શકે છે. આપણે બધા પાસા વિચારવા જોઈએ." અંકલ બોલ્યા.

" અંકલ અભિષેક પાછા તો આવી જશે ને ! એ સલામત તો હશે ને ! " અંજલી ચિંતાથી બોલી.

" એક વાતની હું તને ગેરંટી આપું છું બેટા કે જ્યાં પણ હશે ત્યાં અભિષેક સલામત હશે. ઈશ્વરની દિવ્ય શક્તિ એની સાથે છે. એનો કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ નથી. આપણે ધીરજપૂર્વક એના આવવાની રાહ જોવી જોઈએ. હું પણ મારાથી બનતા બધા જ પ્રયત્નો કરું છું. " અંકલ બોલ્યા.

" ઠીક છે અંકલ. હું હવે રજા લઉં. " અંજલી બોલી અને ભગ્ન હૃદયે બહાર નીકળી ગઈ.

અંજલી જેવી બહાર નીકળી કે તરત જ ઋષિકેશભાઈએ યોગીજીને ફોન લગાવ્યો.

ત્રીજી ઘંટડીએ જ યોગીજીએ આજે ફોન ઉપાડી લીધો.

" હું યોગેશ વ્યાસ. આપ કોણ ? "

અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."