અભિષેક (Abhishek Novel Part-43)

Related

અભિષેક પ્રકરણ 43

અભિષેક અચાનક ગુમ થઈ ગયો હોવાથી અંજલી ખૂબ જ બેચેન બની ગઈ હતી. યોગીજીના ઘરે પણ જઈ આવી હતી અને ઋષિકેશ અંકલને પણ મળી આવી હતી. ઋષિકેશ અંકલ નવીનભાઈ શાહ પાસેથી અભિષેકનું એડ્રેસ લઈને અભિષેકના ઘરે પણ જઈ આવ્યા હતા પરંતુ ત્યાં પણ અભિષેકના કોઈ જ સમાચાર ન હતા.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

બીજા દિવસે અંજલી ઋષિકેશ અંકલને મળવા માટે આવી હતી ત્યારે અંકલે એની સાથે બધી વાત કરી હતી અને ધીરજ રાખવા સમજાવી હતી.

અંજલી ઘરે જવા નીકળી ગઈ પછી ઋષિકેશ અંકલે યોગીજીને ફોન લગાવ્યો હતો. આજે યોગીજીએ તરત જ ફોન ઉપાડી લીધો હતો.

" હું યોગેશ વ્યાસ. આપ કોણ ? " સામે છેડેથી યોગીજી બોલી રહ્યા હતા.

" યોગીજી પ્રણામ. હું બોરીવલીથી ઋષિકેશભાઈ બોલું છું. "

" હા પણ અત્યારે તો હું ચાર ધામ યાત્રાએ નીકળેલો છું." યોગીજી બોલ્યા.

" હા મને ખબર છે. ગઈકાલે અંજલી તમારા ઘરે સિક્કાનગર ગઈ હતી તો પાડોશીએ સમાચાર આપ્યા. " ઋષિકેશભાઈ બોલ્યા.

" હમ્ ... મેં જીતુભાઈનો મિસ કોલ આજે જ જોયો. " યોગીજી બોલ્યા.

" યોગીજી ચાર પાંચ દિવસથી ડૉ. અભિષેક ગુમ છે. રાજકોટથી નીકળ્યા પછી એ મુંબઈ પહોંચ્યો જ નથી અને ચાર દિવસથી એનો ફોન પણ સ્વીચ ઓફ આવે છે. અંજલી પણ રાજકોટ ગઈ હતી અને બંને સાથે જ નીકળ્યાં હતાં. પરંતુ અંજલી અમદાવાદ ઉતરી ગઈ હતી અને અભિષેક એકલો જ મુંબઈ આવી રહ્યો હતો." ઋષિકેશ ભાઈ બોલ્યા.

" અત્યારે તો હું દર્શનની લાઈનમાં ઉભો છું એટલે તાત્કાલિક તો જવાબ ન આપી શકું. કાલે વહેલી સવારે હું ચોક્કસ જોઈ લઈશ. છતાં એક વાત ખાત્રીપૂર્વક કહી દઉં છું કે અભિષેક એકદમ સલામત છે. " યોગીજી બોલ્યા.

" હા મેં પણ અંજલીને એ જ જવાબ આપ્યો છે કે અભિષેક જ્યાં પણ હશે અત્યારે એ સલામત દેખાય છે. " ઋષિકેશભાઇ બોલ્યા.

" તમારી પાસે પણ માં ગાયત્રીની શક્તિ છે જ એટલે તમારું વિઝન સાચું જ હોય ! " યોગીજી બોલ્યા.

" ભલે તો પછી કાલે સવારે તમારા ફોનની રાહ જોઈશ. હું તમને સામેથી ડિસ્ટર્બ નહીં કરું. " ઋષિકેશભાઇ બોલ્યા.

યોગીજી પોતે તો તપસ્વી જ હતા. ગઈ કાલથી બદ્રીનાથની એક ધર્મશાળામાં ઉતરેલા યોગીજી વહેલી સવારે ૩:૩૦ વાગે ઊભા થઈ ગયા અને એ જ વખતે સ્નાન કરીને ધ્યાનમાં બેસી ગયા. હનુમાનજીનું સ્મરણ કરીને સંપૂર્ણ ધ્યાન અભિષેક ઉપર ફોકસ કર્યું. ઊંડા ધ્યાનમાં ગયા પછી જ એમને ઘટના ચક્ર દેખાયું.

વડોદરામાં હોટલ પાસે જે થયું એ દ્રશ્યથી શરૂ કરીને અભિષેક ગુલમહોર રોડ ઉપર એક હોસ્પિટલમાં એડમિટ થયો અને પછી કોઈની મર્સિડીઝ ગાડીમાં બેસીને જૂહુ સ્કીમમાં કોઈ ફ્લેટમાં ગયો ત્યાં સુધી એમણે જોઈ લીધું. એ પછીનું વિઝન બંધ થઈ ગયું. એમણે ઘણી કોશિશ કરી પરંતુ ફ્લેટમાં પ્રવેશ કર્યા પછી આગળનું એ કંઈ પણ જોઈ ના શક્યા. ફ્લેટનું નામ જાણવા પણ એમણે કોશિશ કરી પરંતુ એ સ્પષ્ટ ના થઈ શક્યું.

અભિષેક પોતાની ગાડી હોવા છતાં પણ કોઈ ત્રણ વ્યક્તિઓ સાથે બીજી ગાડીમાં કેમ બેઠો અને સીધો જૂહુ સ્કીમ કેમ ગયો એ યોગીજીને સમજાયું નહીં. એ માત્ર દ્રશ્ય જોઈ શકતા હતા સંવાદો નહીં ! અભિષેક યાદદાસ્ત ગુમાવી બેઠો હતો એ પણ એમને ખ્યાલ નહોતો આવ્યો.

એમણે તરત જ અભિષેકના મહાન ગુરુ સ્વામી નિર્મલાનંદજીનું સ્મરણ કર્યું. વારંવાર પ્રાર્થના કરી. એ પછી સ્વામીજી ધ્યાન અવસ્થામાં દ્રશ્યમાન થયા.

" સ્વામીજી અભિષેક ગુમ થઈ ગયો છે. અમદાવાદથી મુંબઈ આવી રહ્યો હતો ત્યારે વડોદરા પાસે કોઈ હોટલ પાસે એણે ગાડી બદલી. એની સાથે બીજા ત્રણ વ્યક્તિઓ હતા. જૂહુ સ્કીમમાં કોઈ હોસ્પિટલમાં દાખલ થઈ છેવટે એને કોઈ ફ્લેટમાં જતો મેં જોયો. ચોક્કસ લોકેશન તો હું જોઈ શક્યો નથી. એનો પરિવાર અને અંજલી પણ ચિંતા કરે છે. અભિષેક વિશે આપની પાસેથી હું જાણવા માગું છું." યોગીજી બોલ્યા.

" નિયતિએ પહેલેથી જે નક્કી કર્યું હોય એમાં હું ફેરફાર કરી શકતો નથી. અભિષેકનું અપહરણ થઈ ગયું છે પરંતુ એ કોઈ તકલીફમાં નથી. આ અપહરણ પણ એના આગળના જીવનનો એક અધ્યાય છે. એ જ્યાં છે ત્યાં સુખી જ છે અને નવી જિંદગી જીવી રહ્યો છે. વધારે રહસ્ય હું કહી શકું એમ નથી. એની પાસે જે પણ સિદ્ધિઓ છે એ હજુ પણ અકબંધ છે પરંતુ અત્યારે અભિષેકને એ યાદ નથી. છતાં સમય પાકશે એટલે એની કોઈને કોઈ સિદ્ધિ કામ કરી જ જશે ! " સ્વામીજી બોલ્યા.

" પરંતુ સ્વામીજી અંજલી ખૂબ જ ચિંતાતુર છે એનો પરિવાર પણ એને શોધી રહ્યો છે. એ લોકો મારી પાસેથી જાણવા માગે છે તો મારે હવે એમને શું કહેવું ? " યોગીજી બોલ્યા.

" જેના પ્રારબ્ધમાં જે લખેલું હોય એમાંથી એણે પસાર થવું જ પડે છે. અંજલી માટે એક કસોટી કાળ શરૂ થઈ ગયો છે. એક નિર્ધારિત સમય સુધી અભિષેક એને પાછો નહીં મળી શકે. એ સમય કેટલો છે એ હું કહેવા માગતો નથી. મારી પણ કેટલીક મર્યાદાઓ છે. પરંતુ મારું સંપૂર્ણ ધ્યાન અભિષેક ઉપર છે જ. " સ્વામીજી બોલી રહ્યા હતા.

" હું એ પણ જાણું છું કે પોલીસ અને જાસુસી તંત્ર અભિષેકને શોધવા માટે કોશિશ કરી રહ્યું છે પરંતુ મારી ઈચ્છાથી અભિષેક વિશે સાચી માહિતી એમને નહીં મળે. પોલીસને મુંબઈનું એડ્રેસ મળ્યું પરંતુ એ આગળ વધી શકશે નહીં. જાસુસી તંત્ર વધારે સક્રિય છે અને એણે રાજકોટ સુધી તપાસ કરી પરંતુ મારી ઈચ્છાથી મુંબઈનું એડ્રેસ એમને મળી શક્યું નથી. એ લોકો ગુંચવાયા કરશે અને તપાસ હમણાં પડતી મૂકવામાં આવશે. " સ્વામીજી બોલ્યા.

"સ્વામીજી આ તપાસ અટકાવવાનું કારણ આપ મને જણાવી શકો ? " યોગીજી બોલ્યા.

" આ બધું અભિષેકના પ્રારબ્ધનો જ એક ભાગ છે. જે પણ એના પ્રારબ્ધમાં લખેલું છે એ ઘટના ચક્રમાંથી એણે પસાર થવું જ પડશે અને એમાં કોઈ વિઘ્નો ઊભાં થાય એવું હું ઇચ્છતો નથી. અભિષેક વિશે સાચી જાણ થાય તો ઘણી અવ્યવસ્થા સર્જાઈ જાય. જે થઈ રહ્યું છે એ બધું જ હું જોઈ રહ્યો છું. " સ્વામીજી બોલી રહ્યા હતા.

" અને એક વ્યક્તિ જન્મ લે પછી એના જીવનમાં જે પણ પાત્રો આવે એ પાત્રોનો સંબંધ પાછલા કોઈને કોઈ જન્મ સાથે જોડાયેલો હોય છે. દરેક ઋણાનુબંધ પૂરા કરવા પડે છે. કર્મોની ગતિ અને એની લીલા ખૂબ જ ગહન છે. ખુદ ઈશ્વર પણ એમાં ચંચુપાત કરી શકતો નથી. તમે પોતે પણ સાધક છો અને આ વાત તમે પણ સમજી શકો છો ! અભિષેક મળશે પરંતુ સમય પાકે ત્યાં સુધી રાહ જુઓ. " સ્વામીજી બોલ્યા અને અદ્રશ્ય થઈ ગયા.

યોગીજી ધીમે ધીમે ધ્યાનમાંથી બહાર આવ્યા. સ્વામીજીની વાતો ઉપરથી એ ઘણું બધું સમજી ગયા હતા. હવે જે હકીકત છે એ બધાએ સ્વીકારવી જ પડશે. અપહરણ થઈ ગયું છે એ વાત કોઈને પણ કહી શકાશે નહીં. અમુક રહસ્ય રહસ્ય જ રહેવા દેવું પડશે.

સવારે દસ વાગ્યે યોગીજીએ મુંબઈ ઋષિકેશભાઈને ફોન કર્યો.

" ઋષિકેશભાઇ તમે તો જ્ઞાની છો. ગાયત્રીના પરમ ઉપાસક પણ છો. નિયતિની રમત વિશે પણ જાણો છો. પ્રારબ્ધમાં જે લખેલું હોય એ મિથ્યા થઈ શકતું નથી. મારે અભિષેકના દિવ્ય ગુરુજી સાથે પણ વાત થઈ ગઈ છે. એ પણ બધું જ જાણે છે. ચિંતા કરવા જેવું નથી. અભિષેક એકદમ મજામાં છે. એ મુંબઈમાં જ કોઈ અજાણ્યા સુખી પરિવાર સાથે છે." યોગીજી બોલી રહ્યા હતા.

" તમને અંગત રીતે હું જણાવું છું કે મને જે લાગે છે અને સ્વામીજીની વાત ઉપરથી જે હું સમજ્યો છું એ પ્રમાણે કદાચ અભિષેકની યાદદાસ્ત ચાલી ગઈ છે. આ મારું અનુમાન છે. કારણ કે અભિષેકને હું જે રીતે ઓળખું છું એ પ્રમાણે જો એ પોતાને ઓળખતો હોય તો ગમે ત્યાં હોય તો પણ અંજલીનો સંપર્ક કરે જ. તમે આ વાત અંજલીને ના કહેશો. સ્વામીજી એ બધું ગુપ્ત રાખવાનું કહ્યું છે." યોગીજી બોલ્યા અને એમણે વાત પૂરી કરી.

વાત સાંભળ્યા પછી ઋષિકેશભાઇ થોડીવાર માટે મૌન થઈ ગયા. હવે અંજલીને શું જવાબ આપવો એની મથામણ એ કરવા લાગ્યા. સાચી વાત કહી શકાય એમ નથી.

અંજલી બિચારી ફરી અહીં ધક્કો ના ખાય એટલા માટે એમણે સામેથી જ એને ફોન કર્યો.

" અંજલી મારે યોગીજી સાથે વાત થઈ ગઈ છે. ડૉ. અભિષેક એકદમ મજામાં છે. એના મહાન ગુરુજીના આદેશના કારણે એ ઘરે આવવાને બદલે ગુરુજીએ બતાવેલી કોઈ ગુપ્ત જગ્યાએ થોડો સમય સાધના કરવા ચાલ્યો ગયો છે. ફોન એણે બંધ રાખ્યો છે. કેટલા દિવસ પછી એ પાછો ઘરે આવશે એ વિશે યોગીજીએ કંઈ કહ્યું નથી. તારા માટે તો એ મજામાં છે એ સમાચાર જ મહત્ત્વના છે. એમણે એમ પણ કહ્યું છે કે અભિષેક અંજલી પાસે પાછો ચોક્કસ આવશે. " ઋષિકેશભાઇ બોલ્યા. છેલ્લું વાક્ય એ જાણી જોઈને બોલ્યા.

" ભલે અંકલ. આપનો ખૂબ ખૂબ આભાર." બોલીને અંજલીએ ફોન કટ કર્યો.
**********************

" સર તરસાલી પાસેની હાઈફલાય હોટેલના પાર્કિંગ પ્લોટમાંથી અપહરણ થયેલા મુંબઈના ડૉ. અભિષેકની આ કેસ ફાઈલ છે. સંપૂર્ણ રિપોર્ટ મેં એમાં લખ્યો છે. એમની ગાડી હજુ પણ હોટલના કમ્પાઉન્ડમાં જ છે. ડોક્ટર પહેલાં રાજકોટ હોસ્પિટલમાં હતા એટલે ત્યાંની પોલીસને પણ આપણે જાણ કરી હતી. ત્યાંથી ડોક્ટરનું મુંબઈનું એડ્રેસ મળી ગયું છે. હવે આગળ આપણે શું કરવું ? "

મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સૂર્યવંશી વડોદરાના ઝોન ડીસીપી સામે બેસીને પોતાનો રિપોર્ટ આપી રહ્યા હતા.

" રાજકોટ પોલીસે એમનો રિપોર્ટ મોકલી આપ્યો છે જે આ ફાઇલમાં છે. ડૉ. અભિષેક મુંબઈના દહીસર એરિયામાં રહેતા હતા એટલે આસિસ્ટન્ટ કમિશનર મુંબઈ નોર્થ ઝોનને આપણે રિપોર્ટ મોકલી આપ્યો છે. અને એક કોપી દહીસર પોલીસ સ્ટેશને મોકલી આપી છે. " ઇન્સ્પેક્ટર બોલ્યા.

"હમ્ ... આ કેસ બાબતે કોઈના તરફથી અભિષેક ગુમ થઈ જવાની કોઈ ફરિયાદ આવેલી છે ? " ડીસીપી બોલ્યા.

" નો સર. કોઈના તરફથી કોઈ જ ફરિયાદ આવી નથી. હાઈફલાય હોટલના મેનેજરે તરસાલી પોલીસ ચોકીમાં જાણ કરી હતી કે ત્રણ અજાણ્યા શખ્સો એક યુવાનનું બીજી સ્કોર્પિયો ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા છે અને યુવાનની ગાડી ત્રણ દિવસથી અહીં પડી છે. તરસાલીના સબ ઇન્સ્પેક્ટર પરમારે હોટલ જઈને સીસીટીવીના ફૂટેજ પણ તપાસ્યા હતા. સ્કોર્પિયો ગાડીનો નંબર વાંચી શકાયો નહોતો." સૂર્યવંશી બોલ્યા.

" અપહરણને આજે ૧૨ દિવસ થઈ ગયા. ગાડી હજુ ત્યાં જ પડેલી છે ?" ડીસીપી બોલ્યા.

" જી સર. " સૂર્યવંશી બોલ્યા.

" ગાડી લોક ખોલીને તમે તમારા પોલીસ સ્ટેશને મંગાવી લો. પોલીસ કેસ થયો છે એટલે હવે ગાડી ત્યાં ના રાખી શકાય. ચોરી પણ થઈ શકે છે. અને હજુ સુધી કોઈ ફરિયાદ પણ નથી એટલે હમણાં બીજી કોઈ એક્શન લેવાની જરૂર નથી. ફાઈલ ઉપર ઓર્ડર આપીને હું તમને પાછી મોકલી આપું છું. " ડીસીપી બોલ્યા.

" સર. " કહીને ઇન્સ્પેક્ટર ઊભા થયા અને સલામ કરીને બહાર નીકળી ગયા.

અને એ જ દિવસે પોલીસ ઇન્સ્પેક્ટર સૂર્યવંશીએ તરસાલીના સબ ઇન્સ્પેક્ટર પરમારને ફોન કરીને ગાડી મકરપુરા પોલીસ સ્ટેશને મોકલી દેવાનો ઓર્ડર કર્યો.

સબ ઇન્સ્પેક્ટર પરમાર તરત જ હાઈફ્લાય હોટલે પહોંચી ગયા અને નજીકના ગેરેજમાંથી મિકેનિકને અને પંકચરવાળાને બોલાવીને ગાડીનું લોક ખોલી નાખ્યું તેમજ વ્હીલ પણ પંકચર કરી દીધું. એ પછી પરમારે પોતાના સ્ટાફના ડ્રાઇવરને ગાડી મકરપુરા પોલીસ સ્ટેશનને મૂકી આવવાનું કહ્યું.
 
**********************
સમય પસાર થતો ગયો. બીજા દસેક દિવસ પસાર થઈ ગયા. મકરપુરા પોલીસ સ્ટેશન તરફથી ડૉ. અભિષેકના અપહરણનો રિપોર્ટ દહીસર પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો પરંતુ કોઈ જ ફરિયાદ આવી ન હોવાથી દહીસર પોલીસ સ્ટેશને એ રિપોર્ટ હાલ પૂરતો ફાઈલ કરી દીધો હતો. આ બધી અભિષેકના મહાન ગુરુજીની માયા જ હતી !

અભિષેક સાથે વાત થયાને વીસેક દિવસ થઈ ગયા એટલે દોશી સાહેબે યોગીજીને ફોન કર્યો.

" અરે યોગીજી હું એડવોકેટ દોશી બોલું છું. હું છેલ્લા દસેક દિવસથી ડૉ. અભિષેકનો કોન્ટેક્ટ કરું છું પરંતુ એમનો ફોન સતત સ્વીચ ઓફ આવે છે ! તમારી પાસે એમનો બીજો નંબર છે ? " દોશી બોલ્યા.

"અભિષેકનું કંઈ કામ હતું દોશી સાહેબ ?" યોગીજી બોલ્યા. એ યાત્રા પૂરી કરીને મુંબઈ આવી ગયા હતા.

" કામમાં તો એવું હતું કે એમણે ખાર લિંકિંગ રોડ ઉપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે બિઝનેસ કોમ્પ્લેક્સમાં ફર્સ્ટ ફ્લોર બુક કરાવેલો છે. પેમેન્ટ પણ આપી દીધું છે. હવે કાબરા કન્સ્ટ્રક્શન કંપનીમાંથી મારા ઉપર ફોન આવે છે. ફ્લોર આખો તૈયાર થઈ ગયો છે એટલે હોસ્પિટલની ડિઝાઇન કઈ રીતની બનાવવાની છે એ નક્કી કરવા માટે અભિષેકે સાઈટ ઉપર એક વાર જવું પડશે. મારે ડોક્ટર સાથે વાત પણ થઈ હતી. પણ ત્યારે એમણે કહ્યું હતું કે એક અઠવાડિયામાં હું મુંબઈ આવવાનો જ છું. પણ એ વાતને પણ વીસેક દિવસ થઈ ગયા." દોશી સાહેબ બોલ્યા.

"હમ્ ... પરંતુ દોશી સાહેબ હમણાં એ કામ પેન્ડિંગ રાખવું પડશે. કદાચ ત્રણ ચાર મહિના પણ લાગી શકે. ચોક્કસ કહી શકતો નથી. એ પોતે આધ્યાત્મિક માર્ગે છે એટલે એક જગ્યાએ સાધના કરવા જતો રહ્યો છે. ફોન પણ બંધ રાખે છે. " યોગીજી બોલ્યા.

" સ્ટ્રેન્જ ! ડૉક્ટર આ ઉંમરે સાધનાના પંથે ! એક તરફ કરોડોની આવડી મોટી હોસ્પિટલ બની રહી છે અને પોતે એકાંતમાં સાધના કરવા નીકળી જાય ! મને તો થોડું વિચિત્ર લાગે છે. એનીવેઝ. આપણે શું કરી શકીએ ! થેન્ક્યુ યોગીજી. " દોશી સાહેબ બોલ્યા.

આ બાજુ પોતાનો દીકરો અંકિત પાછો આવી ગયો હતો અને હવે વલ્લભદાસ શેઠને ડિટેક્ટિવ એજન્સી ઉપર કોઈ જ ગુસ્સો ન હતો એટલે એમણે બાકીના અડધા પેમેન્ટનો ચેક પ્રશાંતને મોકલી આપ્યો હતો !

વલ્લભદાસ શેઠ તરફથી અંકિતને શોધવાનો કેસ ક્લોઝ થઈ ગયો હતો. વડોદરા પોલીસ સ્ટેશન તરફથી પણ આ કેસ હાલ પૂરતો ક્લોઝ થઈ ગયો હતો. પ્રશાંત વૈદ્ય તરફથી પણ આમ જોવા જઈએ તો કેસ ક્લોઝ થઈ ગયો હતો કારણકે પૂરું પેમેન્ટ મળી ગયું હતું અને શેઠને અંકિત પણ મળી ગયો હતો.

છતાં પૂરું પેમેન્ટ મળ્યા પછી પણ પ્રશાંતને સંતોષ ન હતો ! એને પૂરી ખાતરી થઈ ગઈ હતી કે મળી આવેલો અંકિત એ અંકિત નથી પણ ડૉ. અભિષેક જ છે. માત્ર દોઢ વર્ષના ગાળામાં મેડિકલનો અભ્યાસ કરીને કોઈ સીધો ડૉક્ટર ના બની જાય. પોતાની ટીમની ભૂલોથી જ અભિષેકની યાદદાસ્ત ચાલી ગઈ છે અને એ કોઈ બીજા જ પરિવારમાં પહોંચી ગયો છે. વલ્લભદાસની પુત્રવધુ સાથે એના શારીરિક સંબંધો પણ ચાલુ થઈ ગયા છે ! બહુ ખોટું થયું છે !

પોતે આમાં ક્યાંક ને ક્યાંક નિમિત્ત બન્યો હતો એટલે અભિષેક અને અંકિત વચ્ચે આટલું બધું સામ્ય શા માટે છે એનો ભેદ શોધી કાઢવાનું અને સાચા અંકિતને પણ શોધી કાઢવાનું ગુપ્ત મિશન એણે ચાલુ જ રાખ્યું !!

તો બીજી બાજુ ઋષિકેશભાઈનું મનોમંથન પણ ચાલુ હતું. અભિષેક જો બીજી ગાડીમાં ગયો હોય તો પછી એની પોતાની ગાડી ક્યાંક તો પડેલી જ હોય ! એ વડોદરા પાસે કોઈ હોટલમાં જમવા જવાનો હતો એવું અંજલીએ એમને કહ્યું હતું.

પરંતુ પછી બીજો વિચાર એ આવ્યો કે ગાડી કદાચ મળી જાય તો પણ હવે શું ? કારણ કે યોગીજીએ સ્પષ્ટ કહ્યું હતું કે અભિષેક મુંબઈમાં બીજા જ કોઈ પરિવારમાં છે અને ખુશ પણ છે. અને એની યાદદાસ્ત પણ ચાલી ગઈ છે. એટલે પછી ગાડી શોધવાનો વિચાર ઋષિકેશ અંકલે માંડી વાળ્યો.

અભિષેકનું અપહરણ થઈ ગયું એ ઘટનાને એક મહિનો થઈ ગયો. અંકિત પોતાના નવા જીવનમાં હવે સ્થિર થઈ ગયો હતો અને ખૂબ ખુશ પણ હતો. પરંતુ અભિષેકની જિંદગી સાથે જોડાયેલાં તમામ પાત્રો દુઃખી હતાં.

સૌથી વધારે દુઃખી અંજલી અને વીણામાસી હતાં. છેલ્લા એક મહિનામાં વીણામાસીએ બે વાર ઋષિકેશભાઈને પોતાના ઘરે બોલાવ્યા હતા. વીણામાસીએ પોલીસ ફરિયાદ કરવાની વાત પણ એમને કરી હતી પરંતુ અભિષેક વિશેનું સાચું રહસ્ય ઋષિકેશભાઇ જાણતા હતા એટલે એમણે એ વાત ઉપર બહુ ધ્યાન ના આપ્યું.

" વીણાબેન અભિષેક ગુમ થઈ ગયો એ વાતને ઘણો સમય નીકળી ગયો છે એટલે હવે પોલીસ ફરિયાદ કરવાનો કોઈ મતલબ જ નથી. આવડા મોટા મુંબઈમાં અભિષેકને શોધી શકાય નહીં. એ સાધના કરવા ક્યાંક ગયો હોય તો લાંબો સમય પણ લાગી શકે છે. અને બીજી એક વાત પણ મારે તમને કહેવાની છે. " ઋષિકેશભાઇ બોલ્યા.

" હમ્ ..." વીણાબેન બોલ્યાં.

" મને જાણવા મળ્યું છે કે અંજલી મુંબઈ આવી ગઈ છે. અભિષેક થોડા દિવસ માટે સાધના કરવા જવાનો હતો એટલે એણે અંજલીને મુંબઈ મોકલી દીધી હતી." ઋષિકેશભાઈ બોલ્યા.

" તો પછી અંજલીનું એડ્રેસ શોધી કાઢો ને ભાઈ ! અભિષેકે અંજલી સાથે લગ્ન કરી લીધાં છે એટલે હવે એ કાયદેસરની મારા ઘરની વહુ છે ! " વીણાબેન બોલ્યાં.

"હું એની કોશિશમાં જ છું બેન. વહેલી તકે અંજલીને ગમે ત્યાંથી શોધી કાઢું છું. " ઋષિકેશભાઇ બોલ્યા.

અંજલી અમદાવાદ ઉતરી ગઈ હતી અને અભિષેક એકલો જ મુંબઈ આવી રહ્યો હતો એ સાચી માહિતી એમણે વીણાબેનને હજુ સુધી આપી ન હતી. વીણાબેન એવા ભ્રમમાં જ હતાં કે અંજલી અને અભિષેક સાથે જ મુંબઈ આવી રહ્યાં હતાં !

પરંતુ બીજા પંદર દિવસ પછી એવી ઘટના બની કે અંજલીને વીણામાસીના ઘરે લઈ જવી જ પડી !!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."