અભિષેક પ્રકરણ 44
અભિષેક સાથે દ્વારકામાં ગાંધર્વ લગ્ન કર્યા પછી અંજલી દસ દિવસ સુધી રાજકોટ રોકાઈ હતી અને હનીમૂનના એ દિવસો હોવાથી બન્ને વચ્ચે અનેકવાર સતત શારીરિક સંબંધો થયા હતા. પરિણામ જે આવવાનું હતું એ આવી જ ગયું.અભિષેક નવલકથા
અંજલીને પ્રેગ્નન્સીનાં લક્ષણો દેખાવા લાગ્યાં. આ એની બીજી પ્રેગ્નન્સી હતી. પહેલી પ્રેગ્નન્સીથી એ બહુ જ નાખુશ હતી જ્યારે આ પ્રેગ્નન્સીમાં તો એ જેને ખૂબ જ પ્રેમ કરતી હતી એ એના પતિ અભિષેકનું બાળક એના ઉદરમાં ઉછરી રહ્યું હતું ! અફસોસ એટલો જ હતો કે આ અત્યંત ખુશીના સમાચાર સાંભળવા માટે સામે અભિષેક હાજર ન હતો !
અંજલીની હાલત જોઈને એની મમ્મી જયશ્રીબેનને તો ખ્યાલ આવી જ ગયો કે દીકરી પ્રેગ્નેન્ટ થઈ ગઈ છે. પણ જમાઈ એવા ખોવાઈ ગયા હતા કે એમનો કોઈ પત્તો જ ન હતો. બીજું મોટું ટેન્શન એમને એ પણ હતું કે અંજલીએ દ્વારકામાં ફૂલહાર કરીને અભિષેકકુમાર સાથે લગ્ન કર્યાં હતાં. દુનિયા તો આ લગ્ન વિશે જાણતી જ ન હતી ને !
અંજલીને દિવસો ચડે તો પડોશીઓ અને સગાં વહાલાંને પણ ખબર પડ્યા વગર ના રહે ! એ બધાંને શું જવાબ આપવો ? અંજલી સમાજમાં બદનામ થઈ જાય. એક વાર તો ગર્ભપાત કરાવ્યો હતો હવે બીજી વાર એવું વિચારી પણ ના શકાય અને અંજલી કોઈપણ સંજોગોમાં એ થવા ના દે !
" અંજલી બેટા તને દિવસો રહ્યા છે એ મને ખબર પડી ગઈ છે પરંતુ હવે જો અભિષેકકુમાર ના આવે તો આ ઘરમાં રહેવું તારા માટે સલામત નથી. હું શું કહેવા માગું છું એ તું સમજી શકે છે. તેં લગ્ન કર્યાં છે પરંતુ દુનિયાને એ વાતની ખબર નથી. અરે લોકો તો અભિષેકકુમાર વિશે પણ કંઈ જાણતા નથી. ગામના મોઢે ગળણું બાંધી શકાતું નથી. તારા માટે કંઈક રસ્તો વિચારવો જ પડશે બેટા. અમને તારી પ્રેગ્નન્સી વિશે કોઈ ચિંતા નથી. પરંતુ તારી ઈજ્જતની અમને ખૂબ જ ચિંતા છે. " જયશ્રીબેન બોલ્યાં.
" તમારી વાત હું સમજી શકું છું મમ્મી. દરેક વખતે મારી સાથે જ આવું કેમ થાય છે ? પ્રેગ્નન્સીનો આનંદ જ હું લઈ શકતી નથી ! આજે દોઢ મહિનો થઈ ગયો છતાં પણ એમના કોઈ સમાચાર જ નથી આવતા. અને હું કોઈ પણ સંજોગોમાં આ વખતે એબોર્શન કરાવવા માગતી નથી. " અંજલી બોલી.
" આપણે એબોર્શન કરાવવું પણ નથી બેટા. અમને બસ તારી ઈજ્જતની ચિંતા છે અને એટલા માટે તારા માટે બીજે ક્યાંય રહેવાની વ્યવસ્થા કરવી પડશે. એવું હશે તો આપણે એક ફ્લેટ ભાડે લઈ લઈશું અને બઘાં સાથે જ ત્યાં રહેવા જઈશું. આવી હાલતમાં તને એકલીને ક્યાંય ન મોકલાય." મમ્મી બોલી.
" હું એક કામ કરું છું. આ વાતની જાણ મારે ઋષિકેશ અંકલને કરવી જ પડશે. અભિષેકનો ચાર બેડરૂમનો વિશાળ ફ્લેટ વિલે પાર્લેમાં એકદમ તૈયાર છે. ચાવી પણ મારી પાસે છે. આપણે આરામથી ત્યાં રહેવા જઈ શકીએ છીએ. ત્યાં કોઈને કંઈ ખબર નહીં પડે. ત્યાં અભિષેક વિદેશ ગયા છે કે એવું કંઈ પણ આપણે કહી શકીશું." અંજલી બોલી.
" આ તેં બહુ સરસ રસ્તો કાઢ્યો બેટા. તું અંકલ સાથે વાત કરી લે." મમ્મી બોલી.
અને બીજા દિવસે સવારે અંજલીએ ઋષિકેશ અંકલને ફોન કર્યો.
" અંકલ મારે તમને અર્જન્ટ મળવું પડે એમ છે. હું ક્યારે આવી શકું ? " અંજલી બોલી.
" અરે બેટા મારા ઘરે આવવા માટે તારે રજા લેવાની ના હોય. આ તારું જ ઘર છે. ગમે ત્યારે આવી શકે છે." ઋષિકેશ અંકલ બોલ્યા.
અંજલી બીજા દિવસે સવારે દસ વાગ્યે જ ઋષિકેશ અંકલના ઘરે પહોંચી ગઈ.
" અંકલ મને પ્રેગ્નન્સી ચાલુ થઈ ગઈ છે. અને અભિષેકનો પત્તો નથી એટલે હવે હું મારા ઘરે રહી શકું એમ નથી. કારણ કે મારા લગ્ન વિશે મારાં મમ્મી પપ્પા સિવાય બીજું કોઈ જાણતું પણ નથી એટલે સામાજીક બદનામી થઈ શકે છે. મારી ઈચ્છા છે કે વિલે પાર્લેના ફ્લેટમાં મારા મમ્મી પપ્પા સાથે હું શિફ્ટ થઈ જાઉં. " અંજલી બોલી
" અરે બેટા એ ફ્લેટ તારો જ છે અને એની એક ચાવી તારી પાસે પણ છે. તારે ત્યાં ના જવું હોય તો તું એકલી મારા ઘરે પણ રહી શકે છે. તું પણ મારી દીકરી જ છે. અભિષેક ના આવે ત્યાં સુધી જ રહેવાનું છે. અહીં તને કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે." ઋષિકેશ અંકલ બોલ્યા.
" થેન્ક્યુ અંકલ. તમારી આ વાત ઉપર પણ હું વિચાર કરીશ અને મારા મમ્મી પપ્પા સાથે પણ ચર્ચા કરી લઉં છું. " અંજલી બોલી.
" તું મને એક દિવસ આપ. તારી આ પ્રેગ્નન્સીની વાત મારે વીણાબેનને કરવી જ પડશે. અભિષેકે તારી સાથે લગ્ન કર્યાં છે એ વાત મેં એમને કરેલી જ છે અને અભિષેકનું દહીસરનું ઘર એ તારું પોતાનું અસલી સાસરું છે. એટલે હું એકવાર વીણાબેનને મળી લઉં અને તારી પ્રેગનેન્સીની વાત કરું." અંકલ બોલી રહ્યા હતા.
" હું જ્યાં સુધી વીણાબેનને ઓળખું છું ત્યાં સુધી આ સમાચારથી એ ખૂબ જ ખુશ થશે અને તું તારા કાયદેસરના સાસરે રહી શકીશ. અભિષેક એમને સગી મા જેવો આદર આપે છે અને આખો ફ્લેટ એમને રહેવા માટે પણ આપી દીધો છે. અને એ ફ્લેટ ઉપર કાયદેસરનો તારો અધિકાર પણ છે ! " ઋષિકેશ અંકલ બોલ્યા.
" ઠીક છે અંકલ. જે હોય તે તમે મને ફોન કરી દેજો. " અંજલી બોલી.
" તેં અભિષેક સાથે દ્વારકામાં લગ્ન કર્યાં એના કોઈ ફોટોગ્રાફ્સ તારી પાસે છે ? જસ્ટ એક વિચાર આવ્યો એટલે પૂછું છું. " ઋષિકેશ અંકલ બોલ્યા.
" ફુલહાર તો મંદિરમાં દ્વારકાધીશની સામે કર્યા હતા એટલે એ સમયના તો કોઈ ફોટોઝ નથી પરંતુ મંદિરમાંથી બહાર આવ્યા પછી ૫૬ સીડી ઉપર ફૂલહાર પહેરી રાખીને જ એક ફોટો બીજા એક ભાઈને મોબાઈલ આપીને પડાવ્યો હતો. અને એ પછી ગોમતીઘાટે પણ અમે બે ત્રણ સેલ્ફી લીધી હતી. દ્વારકા આવ્યા પછી હનીમૂન વખતે હું જે તૈયાર થઈ હતી એના પણ એમણે બે ત્રણ ફોટોઝ લીધા હતા." અંજલી બોલી.
" બહુ સરસ. લગ્ન પછીના આ બધા જે પણ ફોટોગ્રાફ્સ હોય એમાંથી તને જે પણ મને મોકલવા યોગ્ય લાગે તે તું મને આજે ફોરવર્ડ કરી દેજે. સંકોચ થતો હોય એવા ફોટો મને મોકલવાની કોઈ જરૂર નથી. " ઋષિકેશ અંકલ બોલ્યા.
" ઠીક છે અંકલ. હું થોડી વારમાં જ તમને મોકલી આપું છું ." અંજલી બોલી અને એ ઘરે જવા માટે નીકળી ગઈ.
અને એ જ દિવસે બપોરે ઋષિકેશ ભાઈ વીણાબેનના ઘરે દહીસર પહોંચી ગયા. ત્યાં સુધીમાં અંજલીએ એમને સાતેક ફોટા મોકલી આપ્યા હતા અને ઋષિકેશભાઈએ જોઈ પણ લીધા હતા.
" આવો આવો ઋષિકેશભાઈ. તમે જ્યારે જ્યારે પણ આવો છો ત્યારે મને ઘણું સારું લાગે છે. મારે તો મારા મનની વાત કરવા માટે પણ અહીં કોઈ નથી. અભિષેકના કોઈ જ સમાચાર આવતા નથી એટલે એ પણ એક ચિંતા ચાલુ જ રહે છે." વીણાબેન બોલ્યાં.
" તમારે મનની વાત કરવા માટે એક પાત્ર મારા ધ્યાનમાં છે." ઋષિકેશભાઇ હસીને બોલ્યા.
" હું સમજી નહીં ભાઈ. " વીણાબેન બોલ્યાં.
અને ઋષિકેશભાઈએ મોબાઇલની ગેલેરી ઓપન કરીને અભિષેક અને અંજલીના ફોટોગ્રાફ્સ જોવા માટે પોતાનો મોબાઈલ વીણાબેનના હાથમાં આપ્યો.
દ્વારકાધીશ મંદિરની બહાર નીકળીને ૫૬ સીડીનાં પગથિયાં ઉતરતી વખતે કોઈ યાત્રાળુને કહીને અભિષેકે પોતાનો સજોડે ફોટો પડાવ્યો હતો. બંનેએ ફૂલોનો હાર પહેરેલો હતો. વીણામાસી તો આ રૂપસુંદરીને જોઈ જ રહ્યાં.
એ પછી ગોમતીઘાટની સેલ્ફીના ત્રણ ફોટા પણ એમણે જોયા. સુહાગરાતે પાનેતર પહેરીને નવોઢાની જેમ તૈયાર થઈને અંજલી માથે ઘૂમટો તાણીને બેડ ઉપર બેઠી હતી એના પણ બે અલગ અલગ એંગલથી લીધેલા ફોટા વીણાબેને જોયા. એક ફોટામાં તો અભિષેક અને અંજલીએ એકબીજાને ભેટીને જે સેલ્ફી લીધી હતી એનો પણ ફોટો હતો.
વીણાબેન અભિષેકની વહુનું સૌંદર્ય જોઈને ખૂબ જ પ્રભાવિત થઈ ગયાં. અભિષેક ચાંદનો ટૂકડો લઈને આવ્યો હતો.
" વીણાબેન આ ફોટા હું તમારા મોબાઇલમાં પણ ટ્રાન્સફર કરું છું. અંજલી અભિષેકની કાયદેસરની પત્ની છે એનું આ પ્રૂફ છે. તમારે પ્રૂફની કોઈ જરૂર નથી છતાં તમારી પાસે પ્રૂફ હોવું જોઈએ એમ હું માનું છું. તમે દુનિયાને પણ જરૂર પડે બતાવી શકો." ઋષિકેશભાઈ બોલ્યા.
" મને તો ભાઈ આ ફોટા જોઈને એટલી બધી ખુશી થઈ છે કે હું તમને કહી શકતી નથી. " વીણાબેન બોલ્યાં.
" હવે હું મૂળ વાત ઉપર આવું છું વીણાબેન. લગ્ન પછી અભિષેક અને અંજલી દસ દિવસ સાથે રહ્યાં હતાં. હવે અંજલી પ્રેગ્નેન્ટ બની ચૂકી છે. એના ઉદરમાં તમારા અભિષેકનું બાળક ઉછરી રહ્યું છે. કાલે જ મને અંજલી મળવા માટે આવી હતી અને ખૂબ જ ટેન્શનમાં આવી ગઈ હતી કારણ કે અભિષેકનો પત્તો નથી અને આ લગ્ન વિશે કોઈ જાણતું પણ નથી." ઋષિકેશભાઈ બોલી રહ્યા હતા.
" હું શું કહેવા માગું છું એ તમે સમજી શકો છો વીણાબેન. જો અંજલી એના ઘરે એની આ પ્રેગ્નન્સી ચાલુ રાખે તો ઘણા સવાલો ઊભા થઈ શકે એમ છે. એની બદનામી પણ થઈ શકે છે. એણે ઘર તો બદલવું જ પડશે. કારણ કે કોઈપણ સંજોગોમાં અભિષેકના બાળકને એ જન્મ આપવા માંગે છે." ઋષિકેશભાઈ બોલ્યા.
" જન્મ આપવો જ જોઈએ. એણે મારા અભિષેક સાથે લગ્ન કરેલાં છે. અભિષેકે પહેલાં પણ મને કહેલું છે કે એ કોઈ છોકરીને ખૂબ જ પસંદ કરે છે અને એની સાથે લગ્ન કરવા માંગે છે. એબોર્શન તો ના જ કરાવાય. " વીણાબેન બોલ્યાં.
" એટલા માટે જ હું આજે તમારી પાસે આવ્યો છું. કાયદેસરની એ તમારા અભિષેકની પત્ની છે. અને અભિષેકના આ ફ્લેટ ઉપર એનો પણ હક છે. એણે બીજે ક્યાંય ફ્લેટ શોધવા કરતાં આ ફ્લેટમાં જ આવી જવું જોઈએ. અને તમે વહુની સંભાળ પણ રાખી શકશો. " ઋષિકેશ ભાઈ બોલ્યા.
" ઋષિકેશભાઇ ખોટું ના લગાડશો પણ તમે આ ફ્લેટ ઉપર અંજલીના હકની જે વાત કરી તે બરાબર નથી. હકીકતમાં આ ફ્લેટ અંજલીનો જ છે. અભિષેકનો ખૂબ જ આગ્રહ હતો એટલા માટે જ અમે લોકો અહીં રહીએ છીએ. બાકી આ ફ્લેટ ઉપર મારો કોઈ જ અધિકાર નથી. અંજલી ખુશીથી અહીં આવી શકે છે. એની સંભાળ રાખવાની મારી ફરજ બને છે. ગમે તેમ તોયે એ મારા અભિષેકની પત્ની છે. " વીણામાસી બોલ્યાં અને એમની આંખો ભીની થઈ ગઈ.
" તમારો આ જવાબ સાંભળીને મને ખૂબ જ આનંદ થયો છે વીણાબેન. બિચારી બે દિવસથી બહુ જ મૂંઝાય છે કે મારે જવું ક્યાં ! પતિનો કોઈ પત્તો નથી. લગ્ન વિશે કોઈ જાણતું નથી અને હવે આ પ્રેગનેન્સી ! બહુ જ ભોળી અને પ્રેમાળ છોકરી છે. મને તો ખરેખર એની દયા આવે છે. !" ઋષિકેશભાઇ બોલ્યા.
" હવે એની દયા ખાવાની કોઈએ જરૂર નથી ભાઈ. હું બેઠી છું અહીંયાં. એ નોંધારી નથી. મારા દીકરાની વહુ છે. ભડને પણ હું જવાબ આપીશ. ત્રણ ચાર દિવસમાં કોઈ સારો દિવસ જોઈને મારા ઘરે એને લઈ આવો. એના મમ્મી પપ્પાને પણ સાથે લેતા આવજો. વેવાઈ વેવાણની ઓળખાણ તો થાય ! " વીણામાસી બોલ્યાં.
" તમારી પાસેથી આ જ જવાબની મને આશા હતી બેન. અંજલી એના સાસરે હોય એટલે પછી કોઈ સવાલ ઉભો જ ના થાય. કહી દેવાનું કે અભિષેકે રાજકોટમાં લગ્ન કરી લીધાં હતાં અને પછી એ વિદેશ ગયો છે. " અભિષેકભાઈ જતાં જતાં બોલ્યા.
" ભાઈ તમે એ બધી ચિંતા કરશો જ નહીં. મને કોઈ પૂછવાનું જ નથી. તમે બસ મારી વહુને જલ્દી લઈ આવો. મારે પણ આખો દિવસ કંપની રહેશે." વીણાબેન બોલ્યાં.
ઋષિકેશભાઇ હસતા હસતા બહાર નીકળી ગયા અને ઘરે પહોંચીને બે દિવસ પછીનું સારું મુહૂર્ત જોઈ લીધું અને પછી સીધો અંજલીને ફોન કર્યો.
" અંજલી બેટા તું હવે સાસરે જવાની તૈયારી કર. દહીસરમાં તારાં વીણા માસી તારા સ્વાગતની તૈયારીમાં લાગી ગયાં છે. હું અત્યારે એમના ઘરેથી જ આવ્યો છું. એ તો બિચારાં એટલાં બધાં રાજીનાં રેડ થઈ ગયાં છે કે હું વર્ણન કરી શકતો નથી. મને કહે કે દીકરી સાસરે જ શોભે અને આ એનું જ ઘર છે. અભિષેક ના હોય તો શું થયું ! હું જ એની સંભાળ રાખીશ. " ઋષિકેશભાઈ બોલ્યા.
" સાચે જ અંકલ !!! " અંજલી ખુશીથી જાણે કે ઉછળી પડી.
" હા બેટા. તું પહેલી વાર સાસરે જતી હોય એમ પાનેતર પહેરીને ત્યાં જવાનું છે. અને એમણે એમ પણ કહ્યું છે કે વેવાઈ વેવાણને પણ સાથે લેતી આવે. બે દિવસ પછી ગુરુવારે સવારે સાડા દસ વાગે તમે લોકો મારા ઘરે આવી જજો. મારી ગાડીમાં આપણે સાથે જ જઈશું. તમે લોકોએ ઘર જોયું નથી એટલે હું પણ સાથે આવું છું." ઋષિકેશભાઈ બોલ્યા.
" હું આજે કેટલી બધી ખુશ છું અંકલ હું તમને કહી શકતી નથી. તમારો ખુબ ખુબ આભાર અંકલ. તમારા થકી જ આ બધું શક્ય બન્યું છે. હું હમણાં જ મારા મમ્મી પપ્પાને પણ વાત કરું છું." અંજલી બોલી.
ઋષિકેશભાઈએ વીણાબેનને પણ ફોન કરીને કહી દીધું કે બે દિવસ પછી ગુરુવારે સવારે અગિયાર વાગ્યે સારુ ચોઘડિયું શરૂ થાય છે. એ સમયે હું અંજલીને લઈને આવી જઈશ. સાથે એના મમ્મી પપ્પા પણ છે.
અંજલીને આ નવા ઘરમાં પગલાં કરવામાં વચ્ચે માત્ર બે જ દિવસ બાકી હતા એટલે આરતીએ હોસ્પિટલમાં રજા લઈ લીધી. એણે એની એક ફ્રેન્ડને પણ ઘરે બોલાવી લીધી. બંને છોકરીઓએ ભાભીના સ્વાગતની ભવ્ય તૈયારી ચાલુ કરી દીધી.
જરૂરી તમામ સામાન બહારથી ખરીદી લીધો અને ઘરને અંદરથી સજાવી દીધું. જે દિવસે અંજલી આવવાની હતી એ દિવસે સવારે દરવાજા ઉપર આસોપાલવનું તોરણ પણ બાંધી દીધું. ફૂલના હાર પણ લટકાવી દીધા. ઘરમાં પણ દોરી બાંધીને રંગબેરંગી ફુગ્ગા લટકાવી દીધા. દિવાળીની જેમ ઘરના દરવાજાની બહાર બંને બાજુ નાની નાની રંગોળીઓ પુરી.
અંજલીભાભી અને અભિષેકભાઈનો ફૂલહાર વાળો જે ફોટો હતો એ આરતીએ સ્ટુડિયોમાં જઈને એન્લાર્જ કરાવી દીધો અને મઢાવીને ડ્રોઈંગ રૂમમાં એવી રીતે લટકાવ્યો કે સોફામાં બેઠા બેઠા જ અંજલીભાભી અભિષેકભાઈને રોજ જોઈ શકે !
ભાઈ અને ભાભીનો એકબીજાને આલિંગનમાં લેતો જે સેલ્ફી ફોટો હતો એને પણ મઢાવીને ભાઈના બેડરૂમમાં લટકાવી દીધો જ્યાં ભાભી કાયમ માટે રહેવાનાં હતાં. બેડરૂમ પણ એકદમ સરસ રીતે તૈયાર કરી દીધો અને ત્યાં સ્પ્રે પણ છાંટી દીધું.
વીણામાસીએ એ દિવસે સાત જણાં ની રસોઈ જાતે જ બનાવી. એમની રસોઈ સરસ થતી હતી અને ગમે એટલાં માણસો હોય પરંતુ એમને જમાડવામાં આનંદ આવતો હતો. જમવામાં એમણે કંસાર એટલે કે લાપસી બનાવી. સાથે દાળ ભાત અને ભીંડાનું શાક બનાવ્યું. પૂરીઓ તળવાની બાકી રાખી. આરતીને કહીને નીચેથી એક કિલો વાટી દાળનાં ખમણ પણ મંગાવી લીધાં.
આરતીએ એક થાળીમાં કંકુ પણ પલાળી દીધું જેથી ભાભી એમાં પગ મૂકીને એમના આ સાસરીયામાં કંકુપગલાં કરે !
સવારના સવા દસ વાગી ગયા હતા. બધી જ તૈયારીઓ થઈ ગઈ અને વીણામાસી અંજલીની રાહ જોવા લાગ્યાં.
બરાબર ૧૧.૦૫ કલાકે ઋષિકેશ ભાઈનો નીચેથી ફોન આવી ગયો.
" બેન અમે આવી ગયાં છીએ અને હવે લિફ્ટમાં ઉપર જ આવીએ છીએ."
જેવી લિફ્ટ પાંચમા માળે આવી અને ખુલી કે તરત જ આરતીએ પોતાના મોબાઈલમાં સેટ કરેલું બિસ્મિલ્લા ખાનનું મંગલ શરણાઇ વાદન મોટેથી વગાડવાનું ચાલુ કર્યું.
ભાભીને જોઈને એ પોતે જ પાગલ થઈ ગઈ. અંજલી નવોઢાની જેમ ધીમા પગલે અભિષેકના દરવાજા પાસે આવી કે તરત જ આરતીએ અને એની બહેનપણીએ ચોખા અને ફૂલોની પાંખડીઓથી એનુ ભવ્ય સ્વાગત કર્યું.
" ભાભી હું તમારી નણંદ આરતી. વેરી વેરી વોર્મ વેલકમ ! તમારા ઘરમાં તમારું સ્વાગત કરું છું. હવે આ કંકુની થાળીમાં બે પગ મૂકીને ઘરમાં લક્ષ્મી પગલાં કરો. " આરતી બોલી.
વીણામાસીના ઘરે આટલું બધું ભવ્ય સ્વાગત થશે એની તો અંજલીને કોઈ કલ્પના જ ન હતી. એનું હૈયું ભરાઈ આવ્યું અને આંખોમાંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યાં.
" ભાભી રડો નહીં. આ તો શુભ અવસર છે. મારા અભિષેકભાઈનું નાનકડું બાળક તમારા ઉદરમાં છે. તમારા બંનેનું હું સ્વાગત કરું છું. જલ્દી થાળીમાં પગ મૂકો અને આ ઘરને પાવન કરો. " આરતી એટલું સરસ બોલતી હતી કે અંજલીના મમ્મી પપ્પા પણ આશ્ચર્યચકિત થઈ ગયા !
આરતીએ અભિષેકના ઘરમાં કંકુ પગલાં કર્યાં એટલે તરત જ વીણા માસીએ એનાં ઓવારણાં લીધાં અને પ્રેમથી ભાણેજ વહુને ભેટી પડ્યાં.
" જ્યારથી મેં સમાચાર જાણ્યા ત્યારથી તને જોવા માટે એટલી બધી અધીરી થઈ ગઈ હતી કે દિલને ચેન જ નહોતું પડતું કે ક્યારે ગુરુવાર આવે ! હવે તારે બીજે ક્યાંય જવાનું નથી. આ તારી નટખટ નણદીએ જ તારા સ્વાગતની તૈયારી કરી છે ! " વીણામાસી બોલ્યાં.
અંજલી પાછળ ફરીને આરતીને પણ ભેટી પડી.
" મમ્મી ભાભીના કાનની પાછળ કાળું ટપકું કરી દે. કદાચ મારી જ નજર લાગી જશે ! " આરતી બોલી.
" તમારા બધાંનો આટલો બધો પ્રેમ જોઈને હું તો પાગલ જ થઈ ગઈ છું આરતીબેન ! " અંજલી ભાવુક થઈને બોલી.
" હવે સામે દિવાલ તરફ જુઓ ભાભી. " આરતી બોલી.
અને સોફાની બરાબર સામે વિશાળ કદનો એનો અને અભિષેકનો ફુલહાર વાળો ફોટો જોઈને એ તો ચકિત જ થઈ ગઈ !! સાસરિયું આટલું સુંદર હશે એની તો એને કલ્પના જ ન હતી !!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

