અભિષેક (Abhishek Novel Part-45)

Related

અભિષેક પ્રકરણ 45

અંજલીને કલ્પના પણ ન હતી એટલી ભવ્ય રીતે અભિષેકના દહીસરના ફ્લેટમાં એનું સ્વાગત થયું. વીણા માસી અત્યારે અંજલીની સાસુના સ્થાને હતાં જ્યારે આરતી એકમાત્ર નણંદ !

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

બિસ્મિલ્લા ખાનના શરણાઈ વાદનથી અંજલીનું મંગલ સ્વાગત થયું. એને ચોખા અને ફૂલોથી વધાવી. કંકુ ભરેલી થાળીમાં બંને પગ મૂકાવી ઘરમાં કંકુ પગલાં કરાવ્યાં અને પછી વીણામાસી અંજલીને ભેટી પડ્યાં અને ખૂબ જ હેત વરસાવ્યું. અંજલી એ પછી આરતીને પણ ભેટી.

આરતીએ અભિષેક અને અંજલીના વિશાળ કદના ફોટા તરફ ભાભીનું ધ્યાન ખેંચ્યું અને અંજલી અવાક થઈ ગઈ. બોલવા માટે જાણે કોઈ શબ્દો જ ન હતા ! ચિત્ર એટલું મોટું હતું કે અભિષેક એની સામે જાણે પ્રત્યક્ષ ઊભો હતો !

અભિષેક અંજલીના વિશાળ ફોટાની એક બાજુ એના પપ્પા રજનીકાન્તનો ફોટો લટકાવેલો હતો તો બીજી તરફ મમ્મી સ્નેહલતાબેનનો ફોટો હતો !

" ભાભી તમે આ સોફા ઉપર બેસીને રોજ ભાઈ સાથે વાતો કરી શકો છો. ખાસ તમારા માટે જ ગઈકાલે આ ફ્રેમ બનાવી. " આરતી હસીને બોલી.

પહેલીવાર આ ઘરમાં એણે ભાભી શબ્દ સાંભળ્યો. ભાભી શબ્દ એને એટલો બધો મીઠડો લાગ્યો કે જાણે દુનિયાની સંપત્તિ એને મળી ગઈ. આવો પ્રેમ અને આવો આદર એની જિંદગીમાં અભિષેક સિવાય બીજા કોઈએ નહોતો આપ્યો !

અંજલી હવે લાગણીઓમાંથી બહાર આવી. એની સાથે એના મમ્મી પપ્પા અને ઋષિકેશ અંકલ પણ હજુ દરવાજે જ ઊભા હતા.

" અરે વેવાઈ તમે લોકો અંદર આવીને બેસો ને. મને તો કોઈનાં નામ પણ ખબર નથી એટલે વેવાઈ કહીને બોલાવું છું. " વીણાબેન બોલ્યાં.

" વેવાઈ છે તો વેવાઈ કહીને બોલાવવામાં કંઈ ખોટું નથી. એમનું નામ જીતુભાઈ જોષી છે અને આ જયશ્રીબેન ! " ઋષિકેશભાઇ બોલ્યા.

" બેન તમે મારી દીકરીને આજે એટલો બધો પ્રેમ આપ્યો છે, એટલું બધું સ્વાગત કર્યું છે કે અમારા પગ તો અહીં દરવાજામાં જ જડાઈ ગયા છે. અમારી કલ્પના પણ ન હતી કે તમારા લોકોનો સ્વભાવ આટલો બધો સારો હશે !! " જયશ્રીબેન બોલ્યાં.

" જયશ્રીબેન તમારી દીકરી સ્વાગત માટે હકદાર છે કારણ કે એ મારા અભિષેકની માં બનવાની છે. અને કાયદેસર રીતે આ ફ્લેટ અંજલીનો જ છે. અમે તો મહેમાન છીએ. અભિષેકે અમને અહીં રહેવાની વ્યવસ્થા કરી આપી છે. મારી આ આરતીને એની જ હોસ્પિટલમાં એણે નોકરી પણ અપાવી છે. અમારા ઉપર અભિષેકના ઘણા ઉપકારો છે બેન. " વીણાબેન બોલ્યાં.

" એ બધી વાત સાચી બેન છતાં પણ અંજલી ઉપર તમે જે પ્રેમ વરસાવ્યો છે, જે ઉમળકો બતાવ્યો છે એ અમારી કલ્પનાની બહાર છે. આ ફૂલોના હાર, આ તોરણ અને આ રંગોળીઓ તમે જે સજાવી છે એ જોઈને અમને એમ થાય છે અંજલી કેટલી બધી ભાગ્યશાળી છે ! " જીતુભાઈ બોલ્યા.

" મારી અંજલી લાખોમાં એક છે જીતુભાઈ. કોઈની પણ નજર લાગી જાય એટલી મારી વહુ સુંદર છે ! એના માટે આ તો કંઈ જ નથી ! અભિષેક જો અહીં હોત તો એણે જે રીતે અંજલીનું સ્વાગત કર્યું હોત એ હું વિચારી પણ શકતી નથી. " વીણાબેન બોલ્યાં.

માસીની વાત સાચી હતી. અંજલીને રાજકોટનો સુહાગરાતનો એ દિવસ યાદ આવી ગયો ! એણે જાતે બેડરૂમને કેટલો બધો સજાવ્યો હતો અને મારા માટે કેટલું બધું શોપિંગ કર્યું હતું !!

" મને આજે ખૂબ જ સંતોષ થયો છે વીણાબેન. અંજલીને એની યોગ્ય જગ્યાએ પહોંચાડી છે. તમારો આજે જે ભાવ જોયો, જે લાગણીઓ જોઈ એ તો મારી પણ કલ્પનાની બહાર હતું ! " હવે ઋષિકેશભાઇ બોલ્યા.

" ભાભી તમે તમારો બેડરૂમ તો જરા જોઈ લો. ભાઈનો બેડરૂમ હવે તમારો જ છે. " આરતી બોલી.

અંજલી આરતીની સાથે અભિષેકના બેડરૂમમાં ગઈ અને ત્યાં પણ બેડની સામેની દીવાલ ઉપર મોટા કદનો અભિષેક અને અંજલીનો ફોટો હતો !મધુરજનીની રાત્રે અભિષેક અને અંજલિએ જે આલિંગનની સેલ્ફી લીધી હતી એ ફોટો અહીં લટકાવ્યો હતો.

" આરતીબેન તમને શું કહું મને કંઈ ખબર જ નથી પડતી ! તમે મારા ઉપર જાણે કે વહાલનો દરિયો ઠાલવી દીધો છે. આજના જેવું સુખ મને ક્યારેય પણ નથી મળ્યું. તમે અભિષેક સાથેની એ યાદોને તાજી કરી દીધી !! થેન્ક્યુ વેરી મચ." અંજલી બોલી.

" તમારે ભાભી મને આરતીબેન કહેવાની જરૂર નથી. ભાઈ મારાથી ઘણા મોટા છે. અને હું તો તમારાથી પણ નાની છું. " આરતી હસીને બોલી.

" તમને નણંદબા કહીને બોલાવું તો ?" અંજલી હસીને બોલી.

" તમારે મને જે નામથી બોલાવવી હોય તે બોલાવજો. હવે આપણે બહાર નીકળીએ. મહેમાનો માટે રસોઈ પણ કરવી પડશે ને ! પૂરીઓ તળવાની હજી બાકી રાખી છે ! " આરતી બોલી.

" હું પોતે પણ હવે કિચનમાં આવું છું આરતીબેન. મારા પોતાના ઘરમાં હું મહેમાન નથી. " અંજલી હસીને બોલી.

" ના ભાભી. તમારે અહીં આરામ જ કરવાનો છે. મારી આ ફ્રેન્ડ મને મદદ કરશે. એનું નામ ગ્રીષ્મા છે. મારી સાથે જ હોસ્પિટલમાં નર્સ છે. એણે મને મદદ કરવા આજનો દિવસ રજા લીધી છે." આરતી બોલી.

" નમસ્તે ગ્રીષ્માબેન." અંજલી બે હાથ જોડીને બોલી.

" અભિષેક સર ખૂબ જ નસીબદાર છે ભાભી. હું તો સરને સારી રીતે ઓળખું છું. આરતી કરતાં હું એક વર્ષ સિનિયર છું. અભિષેક સરના વખતમાં પણ હું હોસ્પિટલમાં હતી. " ગ્રીષ્મા બોલી.

એ પછી આરતી અને ગ્રીષ્મા કિચનમાં ગયાં એટલે અંજલી માસીની બાજુમાં આવીને બેસી ગઈ.

" બેટા આ ઘરમાં તને લઈ આવીને અમને ખૂબ જ સંતોષ થયો છે. હવે અમને તારી કોઈ ચિંતા નથી. તું તારા અસલી સાસરે જ આવી છે. વીણાબેનનો સ્વભાવ ખૂબ જ સારો છે. મારા કરતાં પણ વધારે પ્રેમ એમણે તારા ઉપર વરસાવ્યો છે." જયશ્રીબેન બોલ્યાં.

" તમારે હવે તમારી દીકરીની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અભિષેક મારા માટે દીકરા જેવો જ છે અને એણે મને માની જેમ સાચવી છે. તમે પણ આ ઘર તમારું જ છે એમ સમજી આવતાં જતાં રહેજો. હવે અંજલી કાયમ માટે અહીં જ રહેશે ! અભિષેક પણ ચોક્કસ આવશે જ. " વીણાબેન બોલ્યાં.

"અંજલી ખરેખર નસીબદાર છે કે એને આવું સાસરું મળ્યું છે. આરતી નો સ્વભાવ પણ મને ખૂબ જ ગમ્યો. દરેકના જીવનમાં સારો અને ખરાબ સમય આવતો જ હોય છે. અને અભિષેકનો વિયોગ પણ લાંબા સમય સુધી રહેવાનો નથી. મને વિશ્વાસ છે કે એ ચોક્કસ પાછો આવી જશે. " ઋષિકેશભાઈ બોલ્યા.

" ચાલો હવે હું જરા રસોડામાં જાઉં. છોકરીઓને મદદ કરું." વીણાબેન બોલ્યાં અને ઊભાં થયાં.

" હું પણ તમારી સાથે કિચનમાં આવું છું વીણાબેન." જયશ્રીબેન બોલ્યાં.

"અરે ના..ના.. જયશ્રીબેન તમે બેસો. રસોઈ થઈ જ ગઈ છે. પૂરીઓ બાકી રાખી હતી એ આ છોકરીઓ તળે છે. હું જરા રસોઈ ગરમ કરી દઉં. પંદર મિનિટમાં તો બધાંને જમવા બેસાડી દઉં છું. " વીણાબેન બોલ્યાં અને કિચનમાં ગયાં.

અને વીસેક મિનિટ પછી બધી રસોઈ તૈયાર થઈ ગઈ એટલે વીણાબેને ચારે ચાર મહેમાનોને ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસાડી દીધા.

" વીણાબેન રસોઈ તો ખરેખર બહુ સરસ બની છે." જમતાં જમતાં ઋષિકેશભાઈ બોલ્યા.

" હા વીણાબેન. તમારો હાથ રસોઈમાં ખરેખર સારો છે." જયશ્રીબેને પણ સૂર પુરાવ્યો.

એ લોકો જમી રહ્યા પછી વીણાબેન આરતી અને ગ્રીષ્માએ પણ જમી લીધું. ઘણી ના પાડી છતાં પણ અંજલીએ જ ત્રણે જણને જમવાનું પીરસ્યું.

" ચાલો વીણાબેન અમે લોકો હવે રજા લઈએ. કંઈ પણ કામકાજ હોય તો ફોન કરી દેજો. અંજલી એના ઘરે પહોંચી ગઈ એટલે અમારા બધાંની ચિંતા દૂર થઈ ગઈ છે. અને અંજલી બેટા તું પણ હવે કોઈ પણ જાતનું ટેન્શન ના કરીશ. અભિષેક ચોક્કસ પાછો આવશે જ. વિરહનો સમય લાંબો સમય રહેતો નથી." ઋષિકેશ ભાઈ બોલ્યા.

એમણે અંજલીને આશ્વાસન તો આપ્યું પણ અંદરખાને પોતાની શક્તિઓથી એ જાણી ગયા હતા કે અભિષેક જલ્દી પાછો આવવાનો નથી !

"તમે અંજલીની હવે કોઈપણ જાતની ચિંતા ના કરશો. એ હવે અહીં આરામ જ કરવાની છે. મારે તો એ આવી ગઈ એટલે વસ્તી થઈ ગઈ. કારણ કે આરતી તો આખો દિવસ નોકરીએ જાય. " વીણાબેન હસીને બોલ્યાં.

એ પછી ઋષિકેશભાઇ અંજલીના માથે હાથ મૂકીને બહાર નીકળ્યા. એમની સાથે જીતુભાઈ અને જયશ્રીબેન પણ નીકળ્યાં. વીણાબેન અને અંજલી લિફ્ટ સુધી એમને મૂકવા માટે બહાર ગયાં.

એ લોકો ગયાં પછી વીણાબેન અને આરતી વાસણ માંજવા કિચનમાં ગયાં. ગ્રીષ્મા પણ જોડાઈ ગઈ.

અંજલી પણ એમની પાછળ કિચનમાં ગઈ પરંતુ વીણાબેને એને પાછી મોકલી.

" તારે બેટા નવ મહિના સુધી આ ઘરમાં કંઈ પણ કામ કરવાનું નથી. તું બેડરૂમમાં જઈને આરામ કર. એસી ચાલુ કરી દેજે. આજ સુધી અમે બે જણાં જ હતાં એટલે કોઈ કામવાળી અમે રાખી નથી. પરંતુ તું આવી ગઈ છે એટલે કામ પણ બંધાવી દઈશું. " વીણામાસી બોલ્યાં.

અંજલી પોતાની નાની બેગ લઈને બેડરૂમમાં ગઈ અને બેડ ઉપર આરામ કરવા માટે આડી પડી. એસી ચાલુ કરી દીધું. સામે જ અભિષેક એને આલિંગનમાં લઈને હસી રહ્યો હતો !

ત્રણેક મહિનાનો સમય પસાર થઈ ગયો. વીણામાસીએ કામવાળી બંધાવી દીધી. એ અંજલીની ખૂબ જ કાળજી લેતાં હતાં. એને કોઈ જ કામ કરવા દેતાં ન હતાં.

વીણામાસીએ બોરીવલી વેસ્ટમાં બાભાઈ નાકા પાસે આવેલા સેફ્રોન નર્સિંગ હોમમાં અંજલીની ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી. ત્યાંની લેડી ડોક્ટર અભિષેકને બહુ સારી રીતે ઓળખતી હતો. બાળક એકદમ તંદુરસ્ત હતું અને અંજલીની તબિયત પણ સારી હતી.

" બેટા આજે બજારમાં ગઈ ત્યારે ધાર્મિક પુસ્તકોની એક દુકાનમાંથી મોરારીબાપુનું રામાયણ અને ડોંગરે મહારાજનું ભાગવત તારા માટે લઈ આવી છું. ગુજરાતીમાં જ છે એટલે તને વાંચવાની પણ મજા આવશે. આવા દિવસોમાં તારે સારું સારું વાંચન કરવું જોઈએ. ભાગવત, ગીતા, રામાયણ જેવા ગ્રંથો વાંચવાથી આવનારા બાળકમાં સારા સંસ્કાર પડે છે. " વીણામાસી બોલ્યાં.

" જી માસી. હું ચોક્કસ વાંચીશ." અંજલી બોલી.
 
*********************
" પપ્પા ઘણા સમયથી આપણે લોકો હોટલમાં જમવા ગયા નથી. આજે રવિવાર છે. ચાલો ને સાંજે કોઈ હોટલમાં જમવાનો પ્રોગ્રામ બનાવીએ !" એક રવિવારે બપોરે જમ્યા પછી શિવાનીએ એના પપ્પાને સૂચન કર્યું.

" હા પપ્પા આજે આપણે હોટલમાં જમવા જઈએ. " નાની દીકરી અનેરી બોલી.

" મને શું વાંધો હોય ! તમારા બંનેની ઈચ્છા હોય તો આજે સાંજે હોટલમાં જમીએ. પણ હોટલ તમારે નક્કી કરવાની. મને આમાં કંઈ બહુ ખબર પડે નહીં. " ઋષિકેશભાઈ હસીને બોલ્યા.

" પપ્પા મેં તો વિચારી જ લીધું છે. આપણે આજે ચંદાવરકર લેન ઉપર સાગર ડાઇનિંગ હોલમાં જઈએ. સ્ટેશનની સામે જ છે. " શિવાની બોલી.

" ઠીક છે આપણે રાત્રે આઠ વાગે નીકળીશું. એક કામ કરીએ. આપણે વીણાબેન લોકોને પણ આમંત્રણ આપીએ. અંજલી પણ બિચારી એ બહાને થોડી બહાર નીકળશે. " ઋષિકેશભાઇ બોલ્યા.

" હા.. હા.. ભલે ને એ લોકો પણ જોઈન થતા. અભિષેક વગર એ પણ બિચારી એકલી પડી ગઈ છે." શિવાની બોલી.

" હું એમને જરા ફોન કરી દઉં. " ઋષિકેશભાઇ બોલ્યા અને એમણે વીણાબેનને ફોન કર્યો.

" વીણાબેન હું ઋષિકેશ ભાઈ બોલું છું. આજે મારી દીકરીઓએ હોટલમાં ડીનર લેવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. અમે લોકો આઠ વાગે નીકળવાના છીએ. તમે લોકો પણ તૈયાર રહો તો હું ગાડી લઈને તમને લેવા આવું. " ઋષિકેશ ભાઈ બોલ્યા.

" શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે એટલે હું તો એકવાર જ જમું છું. તમે આરતી અને અંજલીને લઈ જાઓ ભાઈ. એમને કહી દઉં છું કે આઠ વાગે એ તૈયાર રહે. " વીણાબેન બોલ્યાં.

" ઠીક છે. હું નક્ષત્ર ટાવર્સમાં નીચે આવીને ફોન કરી દઈશ. " ઋષિકેશ ભાઈ બોલ્યા.

દહીસરથી અંજલી લોકોને લઈને આવવાના હતા એટલે ઋષિકેશભાઇ શિવાની અને અનેરી સાથે સાડા સાત વાગે જ ઘરેથી નીકળી ગયા. દહીસર એન્ટર થયા એટલે એમણે અંજલીને નીચે આવી જવા ફોન કરી દીધો.

નક્ષત્ર ટાવર્સ પહોંચી ગયા ત્યારે અંજલી અને આરતી તૈયાર થઈને નીચે આવી ગયેલાં હતાં. શિવાની પપ્પાની બાજુમાં આગળ બેસી ગઈ. આરતી અને અંજલી પાછળની સીટ ઉપર અનેરીની બાજુમાં ગોઠવાઈ ગઈ.

" તારી તબિયત કેમ છે બેટા ? " ઋષિકેશભાઈએ પાછળ જોઈને અંજલીને પૂછ્યું.

" તબિયત તો સારી છે અંકલ. બસ એમના કોઈ સમાચાર આવતા નથી એટલે એ એક જ ચિંતા મને કોરી ખાય છે. " અંજલી બોલી.

" આ અવસ્થામાં કોઈપણ જાતની ચિંતા તું કરીશ નહીં. આવનારું બાળક ડૉ. અભિષેકનું છે અને અભિષેકના વિચારો કેટલા બધા પોઝિટિવ અને આધ્યાત્મિક હતા એ તને પણ ખબર છે. હંમેશા સારું જ વિચારવું. " કહીને ઋષિકેશભાઈએ ગાડી સ્ટાર્ટ કરી.

સાગર ડાઇનિંગ હોલમાં પહોંચ્યા ત્યારે સાડા આઠ વાગવા આવ્યા હતા.

રવિવાર હતો એટલે વેઇટિંગ ચાલી રહ્યું હતું. પંદરેક મિનિટ એ લોકોને બેસી રહેવું પડ્યું. પાંચ જણનું ટેબલ ખાલી થયું એટલે એમને બોલાવવામાં આવ્યા.

ગુજરાતી થાળીમાં દરેક જગ્યાએ મેનુ લગભગ ફિક્સ જ હોય છે. રોટલી કે પૂરી. ભાતની સાથે દાળ કે કઢી. એક શાક બટેટાનું ફિક્સ હોય. બીજું શાક બદલાતું જાય. કઠોળમાં મગ ચોળા કે ચણા. મીઠાઈમાં પૂરણપોળી, જલેબી, મગની દાળનો હલવો, ગુલાબ જાંબુ કે પછી લચકો મોહનથાળ ! આમાંથી કોઈ એક જ મીઠાઈ હોય. સાથે શીખંડ બાસુદી અથવા આમ રસ ! ફરસાણમાં નાની કચોરી, નાના સમોસા અથવા ખમણ. સાથે નાનો પાપડ અને છાશ તો ખરાં જ !

ગુજરાતી થાળીમાં એક જ તકલીફ કે માથે પીરસનારા સતત ઉભા જ હોય ! એક જાય અને બીજો આવે. તમને શાંતિથી જમવા જ ના દે ! પંજાબી ડીશમાં એ બાબતમાં શાંતિ !!

ઋષિકેશભાઇ લોકો ગોઠવાઈ ગયા એટલે એક પછી એક પીરસનારા આવતા ગયા અને થાળી ભરાતી ગઈ. બધાંએ જમવાનું ચાલુ કર્યું. રવિવાર હતો એટલે ડાઇનિંગ હોલ લગભગ પૅક હતો.

" અમે નાના હતા ત્યારે ક્યારેક ગામડે જતા તો ત્યાં આખી નાત પીરસાઈ જાય એટલે *બોલો પાર્વતી પતે હર હર મહાદેવ હર* બોલાય અને એ પછી જ જમવાનું ચાલુ થાય ! અને એ જમાનામાં મેનુ પાછું ફિક્સ જ હોય. જમવામાં ચૂરમાના લાડુ, દાળ, ભાત, બટેટાનું ખટમીઠું રસાવાળું શાક અને મેથીના ગોટા. ક્યારેક ગોટાને બદલે ફૂલવડી હોય. સાથે રાયતું પણ ખરું ! અને અમારે પીતાંબર પહેરીને જ જમવા જવાનું ! અત્યારે તો ગામડે પણ બધું બદલાઈ ગયું છે." ઋષિકેશભાઇ જૂની યાદોમાં ખોવાઈ ગયા.

વાતો કરતાં કરતાં બધાંએ શાંતિથી જમી લીધું. હોલમાંથી બહાર નીકળ્યા ત્યારે સવા નવ વાગી ગયા હતા.

હોલની બહાર હજુ પણ અમુક લોકો વેઇટિંગમાં બેઠેલા હતા. અચાનક ઋષિકેશભાઇની નજર જૈમિન શાહ ઉપર પડી. આ એ જ જૈમિન શાહ હતા જેમણે ડૉ. અભિષેકના વિલે પાર્લે નહેરુ રોડ ઉપરના અથર્વ હાઈટ્સ ફ્લેટની ઇન્ટિરિયર ડિઝાઇન કરી હતી !

"અરે જૈમિનભાઈ તમે અહીં ક્યાંથી ! ઘણા સમય પછી આપણે મળ્યા." ઋષિકેશભાઇ નજીક જઈને બોલ્યા.

" દીકરી અને જમાઈ મળવા આવ્યા હતા એટલે આજે અહીં જમવાનો પ્રોગ્રામ બનાવ્યો. આ મારી પત્ની સુષ્મા અને આ મારી દીકરી શાલ્વી. એ જૂહુ સ્કીમમાં રહે છે." જૈમિન શાહ બોલ્યા.

" બહુ સરસ... અરે અંજલી તને જૈમિનભાઈની ઓળખાણ કરાવું. ડૉ. અભિષેકના વિલે પાર્લેના ફ્લેટનું ઇન્ટિરિયર આપણે એમને જ સોંપ્યું હતું. અહીંના બહુ મોટા આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર છે. એમની ઓફિસ કાંદીવલીમાં છે આ એમની દીકરી શાલ્વી છે." ઋષિકેશ અંકલ બોલતા હતા.

" અને આ અંજલી ડૉ. અભિષેકની પત્ની. ફ્લેટમાં સુપરવિઝન એ જ કરતી હતી. " ઋષિકેશભાઈએ બંનેને એકબીજાની ઓળખાણ કરાવી.

" નમસ્તે અંકલ. " અંજલીએ બે હાથ જોડ્યા.

" ડૉ. અભિષેક નથી આવ્યા ? " જૈમિનભાઈએ પૂછ્યું.

" ના. એ વિદેશ ગયેલા છે." અંજલી ના બદલે ઋષિકેશભાઈએ તરત જવાબ આપી દીધો.

" તમે બહુ જ સુંદર લાગો છો અંજલીબેન." શાલ્વી અંજલી સામે જોઈને હસીને બોલી.

" થેન્ક યુ. " અંજલી થોડી શરમાઈને બોલી.

" તમારા જમાઈ દેખાતા નથી ! " ઋષિકેશભાઇ બોલ્યા.

" અંકિત ગાડી પાર્ક કરવા ગયા છે. બસ આવતા જ હશે. અહીં મુંબઈમાં મોટો પ્રોબ્લેમ પાર્કિંગનો છે. " જૈમિન શાહ બોલ્યા.

" ઠીક છે તો અમે રજા લઈએ." ઋષિકેશભાઇ બોલ્યા અને બધા હોટલની બહાર નીકળી ગયા અને જ્યાં ગાડી પાર્ક કરી હતી ત્યાં ગયા.

બધા ગાડીમાં બેસી ગયા એટલે ઋષિકેશભાઇએ ગાડી સ્ટાર્ટ કરી. ગાડીએ દહીસર બાજુ જવા માટે ટર્ન લીધો કે તરત જ પાછળ ગેટ પાસે બેઠેલી આરતીએ જોરથી બૂમ પાડી.

" અભિષેક ભાઈ.... !!!"

પણ ગાડી ટર્ન લઈને ઘણી આગળ નીકળી ગઈ હતી.

" અંકલ..અભિષેકભાઈને મેં હમણાં જ જોયા. પ્લીઝ જલ્દી ગાડી ઉભી રાખો. " આરતી બેબાકળી બનીને બોલી.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

"અભિષેક" નવલકથા - અનુક્રમણિકા પર જવા માટે :☞અહીં ક્લિક કરો
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."