અભિષેક (Abhishek Novel Part-46)

Related

અભિષેક પ્રકરણ 46

અંજલી અને આરતી ઋષિકેશ અંકલ સાથે બોરીવલીના સાગર ડાઇનિંગ હોલમાં જમવા માટે ગયાં હતાં. ત્યાં ઋષિકેશભાઈની મુલાકાત જાણીતા આર્કિટેક્ટ જૈમિન શાહ સાથે થઈ હતી જેમણે ડૉ. અભિષેકના ફ્લેટની ઇન્ટિરિયર ડિઝાઇન કરેલી. અંકિતની પત્ની શાલ્વી આ જૈમિનભાઈની જ દીકરી હતી !

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

આજે રવિવાર હતો એટલે શાલ્વીના આગ્રહથી અંકિત શાલ્વી સાથે એના સાસરે બોરીવલી આવ્યો હતો. જૈમિન શાહ ચંદાવરકર લેન ઉપર મયૂર ટાવરમાં રહેતા હતા. દીકરી અને જમાઈ ઘરે આવ્યા હતા એટલે જૈમિનભાઈએ રાત્રે સાગર હોટલમાં ડીનરનો પ્રોગ્રામ બનાવ્યો હતો.

હોટલની બહાર વેઈટિંગ લોબીમાં અંજલીની મુલાકાત શાલ્વી સાથે થઈ હતી જેની સાથે એનો ખોવાયેલો અભિષેક રહેતો હતો. પરંતુ એ વખતે અભિષેક એટલે કે અંકિત ગાડી પાર્ક કરવા ગયો હતો. એટલે અંજલી અભિષેકને મળી ના શકી. જો માત્ર પાંચ મિનિટ એ લોકો ત્યાં રોકાયાં હોત તો અભિષેક અંજલીને જરૂર મળ્યો હોત ! પરંતુ પ્રારબ્ધમાં લખ્યું હોય તો જ મુલાકાત થાય ! અંજલી લોકો ગાડીમાં બેસીને આગળ નીકળી ગયાં અને આ બાજુ ગાડી પાર્ક કરીને અંકિત હોટલમાં જમવા માટે આવ્યો !

અંકિત ગાડી પાર્ક કરીને હોટલ તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક આરતીએ ચાલુ ગાડીમાંથી એને દૂરથી જોયો. એણે અભિષેકના નામની બૂમ પણ પાડી પણ ગાડી ટર્ન લઈને આગળ નીકળી ગઈ હતી. એણે તરત જ ઋષિકેશ અંકલને કહ્યું.

" અંકલ..અભિષેકભાઈને મેં હમણાં જ જોયા. પ્લીઝ જલ્દી ગાડી ઉભી રાખો. " આરતી બેબાકળી બનીને બોલી.

આરતીએ "અભિષેકભાઈ..." કહીને મોટેથી બૂમ પાડી એટલે ગાડીમાં બેઠેલા બધા જ ચમકી ગયા. અંજલી પણ એકદમ આશ્ચર્ય પામી ગઈ. પરંતુ રાત્રે ટ્રાફિક ઘણો હતો અને ગાડી વચ્ચે હતી એટલે એકદમ ઉભી રાખી શકાય એમ નહોતી. ઋષિકેશભાઈએ ગાડીને થોડી સાઈડમાં લઈને આગળ ઉભી રાખી. બધાં નીચે ઉતરી ગયાં.

ઋષિકેશ અંકલ આરતી સાથે ઝડપથી ચાલીને જે જગ્યાએ અભિષેકને આરતીએ જોયો હતો ત્યાં આવ્યા. અંજલી પ્રેગ્નન્ટ હતી એટલે શિવાની એનો હાથ પકડીને પાછળ ધીમે ધીમે ચાલતી હતી. આરતી અને અંકલે આજુબાજુ બધે નજર કરી. અભિષેક ક્યાંય દેખાતો ન હતો.

આરતી તો દોડીને છેક આગળ સુધી પણ જઈ આવી. પરંતુ ત્યાં સુધીમાં તો અભિષેક હોટલમાં દાખલ થઈ ગયો હતો. અને ઋષિકેશભાઈને તો એવી કોઈ કલ્પના હતી જ નહીં કે અભિષેક જ અત્યારે એમના મિત્ર જૈમિન શાહનો જમાઈ હશે અને એમની સાથે હોટલમાં બેઠો હશે !

દસથી પંદર મિનિટ આજુબાજુ બધે જ જોયું. પરંતુ અભિષેક ક્યાંય પણ ન દેખાયો. આરતી નિરાશ થઈ ગઈ. સૌથી વધારે અપસેટ અંજલી થઈ ગઈ. આરતીની બૂમ સાંભળીને એના મનમાં એક નવી જ આશા પ્રગટી હતી !

શું આરતીબેને ખરેખર અભિષેકને જોયા હશે ! અભિષેક તો સાધના કરવા માટે ગયા છે તો અહીં બોરીવલીમાં કેવી રીતે હોય !! અને જો બોરીવલીમાં જ હોય તો પછી દહીસર ઘરે કેમ નથી આવતા ! હજારો સવાલોનું વાવાઝોડું અંજલીને ઘેરી વળ્યું.

"આરતીબેન.. તમે ખરેખર અભિષેકને જોયા હતા ?" અંજલી આરતી સામે જોઈને બોલી.

"અરે ભાભી એ અભિષેકભાઈ જ હતા ! મારી આંખો કદી પણ દગો ના દે. ભાઈની એ જ ચાલ અને એ જ પર્સનાલિટી ! મને ખબર નથી પડતી કે ભાઈ જો અહીં બોરીવલીમાં છે તો પછી ઘરે કેમ નથી આવતા !!" આરતી નિરાશાથી બોલી.

" મારા મનમાં પણ એ જ સવાલ છે આરતીબેન. એ રાજકોટમાં મારા વગર રહી શકતા ન હતા અને આજે એ મુંબઈમાં જ છે તો પછી ઘરે કેમ નથી આવતા ? અને મને ફોન કેમ નથી કરતા ? " અંજલી બોલી.

પરંતુ આ બધી જ વાતો સાંભળી રહેલા ઋષિકેશભાઇ ચૂપ હતા. કારણ કે એ તો જાણતા જ હતા કે અભિષેક મુંબઈમાં જ છે અને એ યાદદાસ્ત ગુમાવી ચૂક્યો છે. એ અત્યારે જૂહુમાં રહે છે અને આજે કોઈ કારણથી બોરીવલી આવ્યો હશે !

પરંતુ એમને એ કલ્પના ન હતી કે જૈમિન શાહ જેને પોતાનો જમાઈ અંકિત માને છે અને એમની દીકરી શાલ્વી જેને પતિ માને છે એ અભિષેક જ છે !! નહીં તો તરત જ એ સાગર હોટલમાં જ પહોંચી જાત. હવે એની શોધ કરવી નકામી છે કારણ કે એમને અંદરથી પણ એવું જ લાગતું હતું કે હજુ સમય પાક્યો નથી !

અંકિત ગાડી પાર્ક કરીને આવી ગયો એટલે જૈમિનભાઈ લોકો અંદર જમવા માટે ગયા.

" અંકિત તમે આવ્યા એના થોડી વાર પહેલાં પપ્પાના એક ક્લાયન્ટ અહીં મળી ગયા હતા. એમની સાથે કોઈ ડૉ. અભિષેકની પત્ની અંજલી પણ હતી. એ એટલી તો ખૂબસૂરત હતી અંકિત કે કોઈની પણ નજર લાગી જાય. એ પ્રેગનેન્ટ હોય એવું લાગતું હતું. " જમતાં જમતાં શાલ્વી બોલી.

" હમ્... તું પણ કંઈ ઓછી સુંદર નથી શાલુ અને બીજી કોઈ સ્ત્રી ગમે એટલી સુંદર હોય તેથી આપણને શું ફરક પડે છે ! " અંકિત બોલ્યો.

" બહુ સાચી વાત કરી તમે અંકિત." જૈમિનભાઈ બોલ્યા.

" અને તું અંજલીની પ્રેગ્નન્સીની વાત કરે છે પણ તારે પણ તારા પોતાના વિશે વિચારવું જોઈએ શાલુ. અંકિત આવ્યા ને ત્રણ મહિના કરતાં પણ વધારે સમય થઈ ગયો. " સુષ્માબેન બોલ્યાં.

" સુષ્માની વાત સાચી છે શાલુ. હવે તમારે ફેમિલી પ્લાનિંગ કરવું ના જોઈએ. અમને પણ નાના નાની બનવાનો શોખ હોય કે નહીં ? " જૈમિનભાઈ હસીને બોલ્યા.

પરંતુ જૈમિનભાઈને ક્યાં ખબર હતી કે શાલ્વી અને અંકિત એકબીજા પાછળ કેટલાં બધાં પાગલ હતાં અને અત્યાર સુધીમાં અનેક વાર શારીરિક સંબંધો થઈ ગયા હતા ! છતાં કોઈનું ગર્ભાશય અતિશય ફળદ્રુપ હોય જ્યારે કોઈનું ઓછું !

એ લોકો જમીને ઊભાં થયાં અને બહાર નીકળવા લાગ્યાં ત્યારે એ જ હોટલમાં જમી રહેલા ડૉ. ચૌહાણનું ધ્યાન અચાનક અભિષેક ઉપર પડ્યું. ડૉ. ચૌહાણ બોરીવલીની એ જ હોસ્પિટલમાં જોબ કરતો હતો જ્યાં પહેલાં અભિષેક સેવા આપતો હતો.

" અરે અભિષેક..... " ચૌહાણે ધીમેથી બૂમ પાડી. અંકિતે એ સાંભળી પણ ખરી પરંતુ એને કલ્પના ક્યાંથી હોય કે એ પોતાને જ બોલાવી રહ્યો છે ! એ પાછળ જોયા વગર બહાર નીકળી ગયો.

અંકિત જેવો હોટલની બહાર નીકળ્યો કે તરત જ એની સામે એક લઘરવઘર સાધુ આવીને ઉભો રહ્યો.

" બચ્ચા મુજે હરિદ્વાર જાના હૈ. કુછ પૈસે દે દે. " સાધુ બોલ્યો.

" જી બાબાજી. " અંકિત બોલ્યો અને એના ટીશર્ટના ખિસ્સામાં જે ત્રણ હજાર પડ્યા હતા એ બધા કાઢીને સાધુને આપી દીધા.

" તેરા કલ્યાણ હો બચ્ચા ! " કહીને સાધુએ અંકિતના માથે હાથ મૂક્યો અને આગળ નીકળી ગયો.

" અરે અંકિત તમે આ શું કરો છો ? આટલા બધા પૈસા તો દેવાતા હશે ? આ લોકોને તો માગવાની ટેવ પડી છે." જૈમિનભાઈ બોલ્યા.

" કંઈ વાંધો નહીં પપ્પા. એ સાધુને બિચારાને છેક હરિદ્વાર જવાનું છે. બધી વ્યવસ્થા કરી આપી." અંકિત બોલ્યો અને એ લોકો ગાડી જ્યાં પાર્ક કરી હતી ત્યાં ગયા.

અંકિત જૂહુથી પોતાની મર્સિડીઝ લઈને જ આવ્યો હતો. એ ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠો. એની બાજુમાં શાલ્વી બેઠી. મમ્મી પપ્પા પાછળ બેઠા.

વલ્લભદાસ શેઠ અને અંકિત આ એક જ ગાડી વાપરતા. શેઠને હોટેલ લઈ જવા લાવવાનું કામ ડ્રાઇવર રતન કરતો. જ્યારે અંકિતને એકલાને અથવા શાલ્વી સાથે ક્યાંય જવાનું હોય તો પોતે જ ડ્રાઇવ કરતો.

" પપ્પા પેટ્રોલ ભરાવવું પડશે. ગાડી એકદમ રિઝર્વમાં છે. " અંકિત બોલ્યો.

" પેટ્રોલ પંપ અહીં નજીકમાં જ છે. ગાડીને ડાબી તરફ દહીસર બાજુ વાળી લો ." જૈમિનભાઈ બોલ્યા.

" દહીસર !! આ નામ ક્યાંક સાંભળેલું છે પપ્પા. " અંકિત બોલ્યો.

" દહીસર નામ સાંભળેલું જ હોય ને ! તમે બધું ભૂલી ગયા છો. આપણે એકવાર દહીસર ઠાકુર મોલમાં શોપિંગ કરવા ગયા હતા. યાદ છે ? " શાલ્વી બોલી.

" ના. એ તો મને યાદ નથી. પણ નામ સાંભળીને મને થયું કે આ નામ સાંભળેલું છે. આ બધો એરિયા પણ મને થોડો પરિચિત લાગે છે. " અંકિત બોલ્યો.

" હા તો પરિચિત હોય જ ને ! લગ્ન પછી બે ત્રણ વાર આપણે પપ્પાના ઘરે આવ્યાં હતાં. આ હોટલમાં જમવા પણ આવ્યાં હતાં. હવે તમને થોડું થોડું યાદ આવતું જાય છે." શાલ્વી ખુશ થઈને બોલી.

એ પછી અંકિતે ગાડી એસ.વી રોડ થઈને સીધી પેટ્રોલ પંપ ઉપર લઈ લીધી. એણે એક હજારનું પેટ્રોલ નાખવાનું કહ્યું. પેટ્રોલ નખાવ્યા પછી એનો હાથ કુદરતી રીતે જ ટીશર્ટના ખિસ્સામાં ગયો તો ખિસ્સામાંથી ત્રણ હજાર નીકળ્યા. એણે એક હજાર ચૂકવી દીધા અને ચંદાવરકર લેન જવા માટે ગાડી ફરી સાગર તરફ લીધી.

પરંતુ અચાનક એ ચમકી ગયો. એણે તો ટીશર્ટના ખિસ્સામાંથી બધા જ પૈસા સાધુને આપી દીધા હતા તો પછી આ ત્રણ હજાર પાછા કેવી રીતે આવી ગયા !!

" પપ્પા મેં તો મારા ખિસ્સામાંથી ત્રણ હજાર પેલા સાધુને આપી દીધા હતા. ખિસ્સું ખાલી કરી દીધું હતું. તો પછી અત્યારે ત્રણ હજાર મારા ખિસ્સામાં પાછા કેવી રીતે આવી ગયા ? " અંકિત આશ્ચર્યથી બોલ્યો.

" તમને પાકી ખાતરી છે કે તમારા ખિસ્સામાં માત્ર ત્રણ હજાર જ હતા ?" જૈમિનભાઈ બોલ્યા.

" હા પપ્પા. ખિસ્સામાં જે પણ રકમ હતી એ બધી જ મેં આપી દીધી હતી અને એ પૂરા ત્રણ હજાર હતા. " અંકિત બોલ્યો.

" આ તો ખરેખર નવાઈની વાત છે. એનો મતલબ કે પેલો સાધુ કોઈ સામાન્ય બાવો ન હતો. ચાલો તમને એના આશીર્વાદ મળી ગયા." જૈમિનભાઈ બોલ્યા.

પરંતુ અંકિતને એ ખબર ન હતી કે લઘરવઘર સાધુના વેશમાં એ સ્વામી નિર્મલાનંદજી પોતે હતા. માથા ઉપર હાથ મૂકીને અભિષેકને એમણે દસ ટકા યાદશક્તિ પાછી આપી હતી ! અને એટલા માટે જ અંકિતને હવે આ એરીયા થોડો પરિચિત લાગતો હતો અને દહીસર નામ સાંભળીને એ નામ એને જાણીતું લાગતું હતું.

મયૂર ટાવર ચંદાવરકર લેનના છેડા ઉપર જ હતું. ઘરે પહોંચ્યા પછી અંકિતે પોતાના ઘરે જૂહુ જવાની વાત કરી.

" અરે આજની રાત રોકાઈ જાવ ને. શાલુવાળો બેડરૂમ ખાલી જ છે. ઘરે જઈને પણ સૂઇ જ જવાનું છે ને ! " પપ્પા બોલ્યા.

" હા અંકિત... પપ્પાજીનો આટલો આગ્રહ છે તો આપણે આજે અહીં જ સૂઈ જઈએ." શાલ્વી બોલી.

" ઠીક છે તો પછી હું પપ્પાને ફોન કરી દઉં છું. " અંકિત બોલ્યો અને એણે વલ્લભદાસને ફોનથી જાણ પણ કરી દીધી.

રાત્રિના સવા દસ વાગી ગયા હતા એટલે પછી એ લોકોએ સૂવાની તૈયારી કરી.

" કહું છું મમ્મીએ આજે કેવી ટકોર કરી ? પપ્પાએ પણ એમાં સાથ પૂરાવ્યો. એમને હવે નાના નાની બનવાના ઓરતા જાગ્યા છે. " રાત્રે બેડ ઉપર સૂતા પછી શાલ્વી બોલી.

"હા પણ એમાં તું કે હું શું કરી શકીએ શાલુ ? અમુક વસ્તુ આપણા હાથમાં નથી હોતી. એ બધી પ્રારબ્ધની વાત છે. " અંકિત બોલ્યો.

" હા પણ મારામાં હવે ધીરજ નથી રહી. મારે હવે જલ્દીથી તમારું બાળક જોઈએ છે ડાર્લિંગ. પેલી ખૂબસુરત અંજલીને પ્રેગ્નેન્ટ જોઈને મને પણ હવે ઉતાવળ આવી છે." શાલ્વી બોલી.

" અંજલી નામ મેં ક્યાંક સાંભળેલું લાગે છે. મને યાદ નથી આવતું પરંતુ ભૂતકાળમાં આ નામની કોઈ વ્યક્તિને હું મળ્યો હોઈશ એવું લાગે છે. " અંકિત બોલ્યો.

" બની શકે. તમે છેલ્લા દોઢ વર્ષ રાજકોટ હતા એટલે આ નામની વ્યક્તિ તમને ત્યાં મળી હોય. પણ હવે તમે આપણા ઘરે પાછા આવી ગયા છો એટલે એ બધું ભૂલી જાઓ જાન." શાલ્વી બોલી અને અંકિતને વળગી પડી.

આ બાજુ રાત્રે ઘરે પહોંચ્યા પછી આરતીએ એની મમ્મી વીણાબેનને વાત કરી કે એણે અભિષેકભાઈને બોરીવલીમાં જોયા છે. વીણાબેનને આ વાતથી ખૂબ જ આશ્ચર્ય થયું પરંતુ એમણે આ વાતને ગંભીરતાથી લીધી નહીં કારણ કે એમને ખાતરી હતી કે અભિષેક જો મુંબઈમાં હોય તો ઘરે આવ્યા વગર રહે જ નહીં !

બીજા દિવસે હોસ્પિટલમાં આરતીને જોઈ એટલે તરત જ ડૉ. ચૌહાણે આરતીને અભિષેક વિશે પૂછ્યું. એને ખબર હતી કે આરતી અભિષેકની કઝિન સિસ્ટર છે.

" અરે આરતી અભિષેક રાજકોટથી મુંબઈ ક્યારે આવ્યા ? મેં ગઈકાલે રાત્રે જ એમને સાગર હોટલમાં જોયા. મેં બૂમ પણ પાડી પરંતુ એમણે કદાચ સાંભળી નહીં. " ચૌહાણ બોલ્યો.

આરતી બે ક્ષણ મુંજાઈ ગઈ. જવાબ શું આપવો ?

" હા એ બે દિવસ પહેલાં જ આવ્યા છે. કદાચ આજે રાજકોટ પાછા જતા પણ રહેશે. " આરતીએ જે જવાબ મનમાં આવ્યો તે આપી દીધો.

" એ કાલ સુધી રોકાવાના હોય તો જરા એમને કહી દેજે કે હોસ્પિટલમાં એકાદ આંટો મારી જાય. " ચૌહાણ બોલ્યો.

" હા હું કહીશ એમને " આરતીએ જવાબ આપી દીધો અને વોર્ડમાં જતી રહી.

પરંતુ હવે એને પાક્કી ખાતરી થઈ ગઈ કે અભિષેકભાઈ મુંબઈમાં જ છે. ઘરે કેમ નથી આવતા એ એને સમજાતું ન હતું.

ચૌહાણે એ પણ કહ્યું કે ભાઈને સાગર ડાઇનિંગ હોલમાં જોયા હતા. એનો મતલબ એ હતો કે ભાઈ સીધા જમવા માટે જ ગયા હતા. અને અમે લોકો રોડ ઉપર એમને શોધતાં હતાં !

ભાભીને વાત કરવાની આરતીની ઈચ્છા થઈ પરંતુ કંઈક વિચારીને આ વાત એણે અંજલીને ના કરી. એ બિચારાં ફરી પાછાં અપસેટ થઈ જશે. અને આવી અવસ્થામાં એમને કોઈ ટેન્શન થાય એવા સમાચાર નહીં આપવા જોઈએ.

આ બાજુ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીનો માલિક પ્રશાંત વૈદ્ય શાંત નહોતો બેઠો. અંકિત મળી ગયો એ વાતને સાડા ત્રણ મહિના પસાર થઈ ગયા હતા. એની અંદર રહેલો આત્મા એને ડંખતો હતો. એના થકી એક મોટો અપરાધ થઈ ગયો હતો એવું એને લાગતું હતું. બીજી બાજુ એ પણ વિચાર આવતો હતો કે ડૉ. અભિષેકનો પરિવાર પણ બિચારો અભિષેકને શોધતો હશે. મારે ગમે તેમ કરીને ડૉ. અભિષેકનું મુંબઈનું એડ્રેસ મેળવવું જ પડશે !

અંકિતને શોધી આપવામાં લાખો રૂપિયા પોતે લીધા છે પરંતુ અંકિતને એના ઘરે સોંપી દેવાથી મારી ફરજ પૂરી થઈ જતી નથી. હવે મારે અંકિત અને અભિષેકનું સાચું રહસ્ય જાણવું જ પડશે !!

મનીષ શિંદેએ ડૉ. અભિષેકને પહેલી વાર જોયો ત્યારે એને રાજકોટની પરિમલ હોસ્પિટલમાં જતો જોયો હતો. બીજીવાર એને મળવા ગયો ત્યારે પણ પરિમલ હોસ્પિટલમાં જ એને મળ્યો હતો. ડૉ. અભિષેક ભલે એ હોસ્પિટલમાં જોબ ના કરતો હોય તો પણ હોસ્પિટલવાળા અભિષેકને
ઓળખતા તો હોય જ.

કારણ ગમે તે હોય પરંતુ પરિમલ હોસ્પિટલના સુપ્રીનટેન્ડેન્ટ કંઈક છૂપાવી રહ્યા છે. સ્ટાફ પણ ખોટું બોલી રહ્યો છે. મનીષ જેવો બાહોશ ડીટેકટીવ આવી ભૂલ કરે જ નહીં. મારે ફરી રાજકોટ જઈને અને જરૂર પડે તો પોલીસને સાથે રાખીને ફરીથી પરિમલ હોસ્પિટલની મુલાકાત લેવી જ પડશે.

પ્રશાંતે રાજકોટ જવાનો નિર્ણય લીધો કે તરત જ મનીષને ફોન કરી દીધો.

" મનીષ કાલે સવારના ૭:૧૫ ના ફ્લાઈટમાં આપણે રાજકોટ જઈ રહ્યા છીએ. બે ત્રણ દિવસ રોકાવાની તૈયારી સાથે સવારે છ વાગે એરપોર્ટ પહોંચી જજે. હું ત્યાં જ મળીશ. "

" જી સર. " મનીષ બોલ્યો.

બીજા દિવસે સવારે પ્રશાંત અને મનીષ બંને સાડા આઠ વાગે રાજકોટ એરપોર્ટ પહોંચી ગયા અને ત્યાંથી ટેક્સી કરીને ભાભા હોટલ પહોંચી ગયા.

" મનીષ આપણે હોસ્પિટલ પછી જઈશું. સૌથી પહેલાં તો અભિષેક જ્યાં રહેતો હતો એ ચંદારાણા ટાવર આપણે જઈએ છીએ. અભિષેક વિશે આજે ત્યાંથી માહિતી મેળવીને જ રહીશું. ભલે ચાર પાંચ ફ્લેટમાં પૂછવું પડે." ચા નાસ્તો કર્યા પછી પ્રશાંત બોલ્યો.

" ઓકે સર. " મનીષ બોલ્યો.

પ્રશાંત મનીષને લઈને સૌથી પ્રથમ ચંદારાણા ટાવર પહોંચી ગયો. જે ફ્લેટમાં ડૉ. અભિષેક રહેતો હતો એ ફ્લેટમાં તો બીજો કોઈ ભાડુઆત આવી ગયો હતો એટલે એને તો કંઈ ખબર ન હતી.

બાજુનો ફ્લેટ સ્વાતિ બહેનનો હતો અને આજે એમનો ફ્લેટ ખુલ્લો જ હતો.

મનીષે ડોરબેલ દબાવ્યો. થોડીવારમાં સ્વાતિબેને દરવાજો ખોલ્યો.

" મેડમ અમે લોકો મુંબઈથી આવીએ છીએ. અમારી ડિટેક્ટીવ એજન્સી છે. અમારે બાજુમાં રહેતા ડૉ. અભિષેક વિશે તમારી સાથે થોડી ચર્ચા કરવી છે. અમે પાંચ મિનિટ માટે અંદર આવી શકીએ ? " પ્રશાંત બોલ્યો.

અભિષેકભાઈ જેવા સજ્જન ડૉક્ટર માટે ડિટેક્ટિવ એજન્સી !! સ્વાતિબેન ચિંતામાં પડી ગયાં.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."