અભિષેક પ્રકરણ 47
પ્રશાંત વૈદ્ય મનીષને લઈને મક્કમ ઈરાદાથી ફરી રાજકોટ આવ્યો હતો. કોઈપણ હિસાબે અભિષેકનું મુંબઈનું એડ્રેસ એને મેળવવું હતું. અભિષેકને કોઈ બીજા જ કુટુંબમાં ગોઠવીને પ્રશાંતને સંતોષ ન હતો. શાલ્વી સાથે અભિષેકનો સંબંધ કરાવીને પોતાને પાપનો ભાગીદાર માનતો હતો.અભિષેક નવલકથા
પ્રશાંત મનીષને લઈને સૌથી પ્રથમ ચંદારાણા ટાવર પહોંચી ગયો. જે ફ્લેટમાં ડૉ. અભિષેક રહેતો હતો એ ફ્લેટમાં તો બીજો કોઈ ભાડુઆત આવી ગયો હતો એટલે એને તો કંઈ ખબર ન હતી.
બાજુનો ફ્લેટ સ્વાતિ બહેનનો હતો અને આજે એમનો ફ્લેટ ખુલ્લો જ હતો.
મનીષે ડોરબેલ દબાવ્યો. થોડીવારમાં દરવાજો ખોલ્યો અને સામે સ્વાતિબેન જ દેખાયાં.
" મેડમ અમે લોકો મુંબઈથી આવીએ છીએ. અમારી ડિટેક્ટીવ એજન્સી છે. અમારે બાજુમાં રહેતા ડૉ. અભિષેક વિશે તમારી સાથે થોડી ચર્ચા કરવી છે. અમે પાંચ મિનિટ માટે અંદર આવી શકીએ ? " પ્રશાંત બોલ્યો.
અભિષેકભાઈ જેવા સજ્જન વ્યક્તિ માટે ડિટેક્ટિવ એજન્સી !! સ્વાતિબેન ચિંતામાં પડી ગયાં.
પ્રશાંતે પોતાની ઓળખાણ ડિટેક્ટિવ તરીકે આપી હતી એટલે પછી વાત તો કરવી જ પડે. સ્વાતિબેને એમને અંદર આવવાનું કહ્યું.
પ્રશાંત અને મનીષ સોફા ઉપર બેઠા.
" બોલો સાહેબ શું વાત કરવી હતી ?" સ્વાતિબેન સામેના નાના સોફા ઉપર બેસીને બોલ્યાં.
" મેડમ તમારી બાજુમાં ડૉ. અભિષેક રહેતા હતા એ ગયા જૂન મહિનામાં હોસ્પિટલમાંથી રાજીનામું આપીને પોતાના વતન મુંબઈ જવા નીકળ્યા હતા. એ તો તમને ખ્યાલ હશે જ. " આટલું બોલીને પ્રશાંત અટક્યો.
" હા ખ્યાલ છે ને ! એમની સાથે એમની પત્ની અંજલી પણ હતી. બહુ જ સેવાભાવી અને સજ્જન માણસ હતા. પણ તમે કેમ એમના વિશે પૂછવા આવ્યા છો ? " સ્વાતિબેન બોલ્યાં.
" એમની સાથે એમની પત્ની પણ હતી ? " હવે મનીષે પૂછ્યું. એમના માટે આ સમાચાર નવા હતા.
" હા. આમ તો અભિષેકભાઈ દોઢ વર્ષથી એકલા જ અહીં એમની માસી સાથે રહેતા હતા. માસી ગુજરી ગયા પછી અંજલીબેન છેલ્લા પંદર દિવસ માટે જ અહીં આવ્યાં હતાં. એ લોકો દ્વારકા દર્શન કરવા માટે પણ ગયાં હતાં. પરંતુ મને કહો તો ખરા કે એમના વિશે પૂછપરછ કેમ કરવી છે ?" સ્વાતિબેન બોલ્યાં.
" મેડમ અફસોસ એક જ છે કે ડૉ. અભિષેક હજુ સુધી મુંબઈ પહોંચ્યા જ નથી. છેવટે એમના એક સંબંધીએ અમને તપાસ કરવા માટે રોક્યા છે એટલે અમે લોકો બધી પૂછપરછ કરવા માટે આવ્યા છીએ. " પ્રશાંત બોલ્યો.
" શું વાત કરો છો તમે !!! હજુ એ લોકો મુંબઈ પહોંચ્યા જ નથી ? " સ્વાતિબેન પણ આઘાતથી બોલ્યાં.
" હા મેડમ. રસ્તામાં ડૉ. અભિષેકનું અપહરણ થયું છે. અને અમારી તપાસ પ્રમાણે તો જ્યારે અપહરણ થયું ત્યારે ગાડીમાં અભિષેક એકલા જ હતા. જે તમે કહો છો તે પ્રમાણે એમની સાથે અંજલી મેડમ નહોતાં. " પ્રશાંત બોલ્યો.
" પણ એવું કેવી રીતે બની શકે ? અંજલીબેન પણ મુંબઈનાં જ હતાં. અને મારે એકવાર એમની સાથે વાત થઈ હતી એ પ્રમાણે એમનું પિયર મલાડમાં છે. " સ્વાતિબેન બોલ્યાં.
" તમે અમને સારો સહકાર આપ્યો મેડમ. હવે અમારે એ પણ શોધવાનું રહ્યું કે અપહરણ થયું ત્યારે એમની ગાડીમાં અંજલી મેડમ કેમ ન હતાં ?" મનીષ બોલ્યો.
" મેડમ ક્યારેય પણ કોઈ વ્યક્તિ અહીં એમના ફ્લેટમાં આવતી હતી ખરી ? જો કે આ પ્રશ્ન હું ખોટો પૂછી રહ્યો છું. અમારે તો ખાલી એટલું જ જાણવું છે કે એમનો કોઈ દુશ્મન હોય જે અહીં આવીને એમને ધમકી આપતો હોય ! " પ્રશાંત બોલ્યો.
" એ શક્ય જ નથી સાહેબ. એમના જેવો સજ્જન માણસ મારી લાઇફમાં મેં જોયો નથી. અમારા જ ટાવરમાં બીજા માળે સોનિયાએ આત્મહત્યા કરી ત્યારે દોડીને એમણે જ એની જિંદગી બચાવી હતી. અમે તો ત્યાં સુધી સાંભળ્યું છે સાહેબ કે એ જે હોસ્પિટલમાં નોકરી કરતા હતા ત્યાં પણ એમણે કેન્ટીનમાં લાખોનું દાન કર્યું છે." સ્વાતિબેન બોલ્યાં.
" લાખોનું દાન !! આ સમાચાર પણ અમારા માટે નવા છે. હવે છેલ્લો સવાલ. અભિષેક કઈ હોસ્પિટલમાં જોબ કરતા હતા એ તમને ખ્યાલ છે ? " પ્રશાંત બોલ્યો.
" હા. પરિમલ હોસ્પિટલમાં જ એ દોઢ વર્ષથી જોબ કરતા હતા. " સ્વાતિબેન બોલ્યાં.
" થેન્ક્યુ....થેન્ક્યુ વેરી મચ. અભિષેક ને શોધવામાં તમારી આ માહિતી અમને ખૂબ જ મદદ કરશે. અને હા અભિષેકનું અપહરણ થયું છે એ વાત તમારા સુધી જ રાખજો. અહીં ટાવરમાં આ વાત ફેલાઈ ન જાય એ જરા જોજો." પ્રશાંત બે હાથ જોડીને બોલ્યો.
"એ બાબતની તમે ચિંતા ના કરો સાહેબ" સ્વાતિબેન બોલ્યાં અને પ્રશાંત મનીષ સાથે બહાર નીકળી ગયો.
" તેં સાચી દિશામાં જ તપાસ કરી હતી મનીષ. ડૉ. અભિષેક પરિમલ હોસ્પિટલમાં જ જોબ કરતો હતો. મને એ લોકોએ તે દિવસે ખોટી માહિતી આપી હતી. સ્ટાફને પૂછ્યું તો સ્ટાફે પણ એવો જ જવાબ આપ્યો હતો." પ્રશાંત થોડા ગુસ્સાથી બોલ્યો.
" આપણે અત્યારે સીધા હોસ્પિટલ જઈએ. જોઈએ હવે શું જવાબ આપે છે એ ડૉ. દેસાઈ ! " મનીષ બોલ્યો.
" હા તારી વાત સાચી છે. આપણે ત્યાં જ જઈએ છીએ. " પ્રશાંત બોલ્યો અને ફરી પાછા એ લોકો ટેક્સીમાં બેસી ગયા અને ટેક્સી પરિમલ હોસ્પિટલ લેવડાવી.
હોસ્પિટલ પહોંચીને બંને જણા સીધા ડોક્ટર દેસાઈના રૂમમાં જ ગયા.
" નમસ્તે ડોક્ટર સાહેબ. હું મુંબઈથી ડિટેક્ટિવ પ્રશાંત વૈદ્ય. આ મારા આસિસ્ટન્ટ મનીષ શિંદે. હું ત્રણેક મહિના પહેલાં મારું કાર્ડ પણ અહીં મૂકીને ગયો હતો. યાદ આવે છે ? પરંતુ તમને મને ફોન કરવાનું યાદ પણ કેવી રીતે આવે કારણ કે ડોક્ટર અભિષેક તો અહીં નોકરી કરતો જ ન હતો ! રાઈટ ? " પ્રશાંત બોલ્યો.
" હા સાહેબ. યાદ કેમ ના હોય ? પણ અભિષેક નામનો કોઈ ડોક્ટર અહીં હતો જ નહીં પછી ફોન પણ કેવી રીતે કરું ? " ડૉ. દેસાઈ બોલ્યા.
" જૂઠ. એકદમ જૂઠ. આવડી મોટી હોસ્પિટલના સુપ્રિનટેન્ડેન્ટ થઈને તમે આટલું બધું ખોટું કઈ રીતે બોલી શકો છો દેસાઈ સાહેબ ? બહુ રિસ્પેક્ટથી હું વાત કરું છું. હું ધારું તો મને ખોટી માહિતી આપવા બદલ વોરંટ કઢાવીને તમને એરેસ્ટ પણ કરી શકું છું. તમારી બદનામી થાય એમાં મને રસ નથી. અમારી પોતાની પાસે પણ કેટલાક પાવર છે ! " પ્રશાંત ગુસ્સે થઈને બોલ્યો.
હવે દેસાઈ સાહેબ મૂંઝાઈ ગયા. એ ડરી ગયા એમ કહો તો પણ ચાલે. જો આ લોકો ખરેખર ડિટેક્ટિવ હોય તો પોતે એમની આગળ સાચી માહિતી છૂપાવી જ છે. અને એ ગુનો બને છે. પરંતુ એમણે તો પોલીસ ઇન્સ્પેક્ટર કહી ગયો હતો એટલા માટે ખોટું બોલ્યા હતા.
" જુઓ સાહેબ તમે મારી ઉપર આટલો બધો ગુસ્સો ના કરો. પોલીસ સ્ટેશન તરફથી મને સૂચના મળી હતી એનું મેં પાલન કર્યું છે. તમે મને મળવા આવ્યા એના પહેલાં રાજકોટ સેન્ટ્રલ પોલીસ સ્ટેશનમાંથી સબ ઇન્સ્પેક્ટર અહીં તપાસ કરવા માટે આવ્યા હતા." દેસાઈ સાહેબ બોલી રહ્યા હતા.
" અમે એને ડૉ. અભિષેકનું એડ્રેસ આપ્યું જ હતું. પરંતુ જતાં જતાં એમણે મને એવું કહ્યું હતું કે આ અપહરણનો કેસ છે અને જેમણે પણ અપહરણ કર્યું છે એ અભિષેકનું મુંબઈનું એડ્રેસ શોધતા જ હશે ! એટલે બની શકે કે સ્વાંગ બદલીને કોઈપણ વ્યક્તિ તમારી પાસે એડ્રેસ લેવા આવી શકે છે. તમે ભૂલે ચુકે પણ અભિષેકનું એડ્રેસ કોઈને ના આપશો અને સ્ટાફને પણ કહી દેજો. અને એ પછી બે જ દિવસમાં તમે મારી પાસે આવ્યા. હવે મારો શું વાંક ? " ડૉ. દેસાઈ બોલ્યા.
હવે પ્રશાંત ખડખડાટ હસી પડ્યો.
"આ પોલીસ પણ પોતે તો કંઈ કરી શકતી નથી અને તમને આવીને કોઈને પણ એડ્રેસ ન આપવાનું સમજાવી દે છે ! પોલીસ પાસે એડ્રેસ હતું તો અત્યાર સુધી એણે શું કર્યું ? મુંબઈમાં અભિષેક વિશે કોઈ જ ઇન્કવાયરી થઈ નથી ! મુંબઈનાં જાણીતાં તમામ મોટાં પોલીસ સ્ટેશનોમાં મારા માણસો ગોઠવેલા છે. મને જોઈએ એ માહિતી મળી જાય છે. " પ્રશાંત બોલ્યો.
" જી સર હું સમજી શકું છું. પેલા સબ ઇન્સ્પેક્ટરની વાતોમાં આવીને મેં મોટી ભૂલ કરી છે. એડ્રેસ તો હું આપું છું. પરંતુ તમે શું લેશો એ મને કહો. " ડૉ. દેસાઈ બોલ્યા.
" અમને તો બારે મહિના કૉફી પીવાની જ ટેવ હોય છે. એટલે એ જ ચાલશે." પ્રશાંત બોલ્યો.
દેસાઈ સાહેબે બહાર બેઠેલા હરીશને બૂમ પાડી બે સ્પેશ્યલ કૉફી લઈ આવવાનું કહ્યું.
" સાહેબ બીજી પણ એક માહિતી મળી છે કે અભિષેકે આ હોસ્પિટલમાં કંઈક દાન પણ કર્યું છે." પ્રશાંત બોલ્યો.
" આ સવાલ સાંભળીને હવે વિશ્વાસ આવી ગયો કે તમે સાચા ડિટેક્ટિવ જ છો. " ડૉ. દેસાઈ હસી પડ્યા.
"તમારી ઇન્ફર્મેશન સાચી છે સાહેબ. ખાર લિન્કિંગ રોડ ઉપર અભિષેકની પોતાની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ પણ બની રહી છે. એ અતિ શ્રીમંત છે. સેવા કરવાની ધગશ હોવાથી દોઢ વર્ષ માટે રાજકોટ સેવા આપીને ગયો. અમારી હોસ્પિટલની કેન્ટીનમાં એણે દસ લાખ રૂપિયાનું દાન કર્યું જેથી અમારા સ્ટાફને મફત ચા પાણી અને નાસ્તો રોજ મળ્યા કરે. " દેસાઈ સાહેબ એક પછી એક રહસ્યો ખોલતા ગયા.
" પોતાની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એ પણ ખાર જેવા પોશ વિસ્તારમાં !!! " પ્રશાંત ખરેખર ચમકી ગયો. આ માહિતી એની કલ્પના બહારની હતી.
" જી સાહેબ. એ ખૂબ જ સેવાભાવી હતો અને આઠ કલાકના બદલે દસ અગિયાર કલાક અહીં સેવા આપતો." દેસાઈ બોલ્યા.
એટલામાં ચા આવી ગઈ એટલે થોડો બ્રેક પડ્યો.
" થોડી વધારે માહિતી ડો. દિપાલી પાસેથી પણ મળશે. એ હોસ્પિટલમાં ડેન્ટલ સર્જન છે. અભિષેકને બહુ સારી રીતે ઓળખે છે. " કહીને દેસાઈ સાહેબે ફરી હરીશને બોલાવીને દિપાલીને મોકલવાનું કહ્યું.
" દિપાલી આ પ્રશાંતભાઈ મુંબઈના જાણીતા ડિટેક્ટિવ છે અને એ ડૉ. અભિષેકનો કેસ જોઈ રહ્યા છે. એમના કહેવા મુજબ હજુ સુધી ડૉ. અભિષેકનો કોઈ પત્તો લાગ્યો નથી. " દેસાઈ બોલ્યા.
" હા મારે વીણામાસી જોડે વાત થાય છે સર. એ બિચારાં બહુ જ દુઃખી છે. પરંતુ એમને કોઈએ એવી માહિતી આપી છે કે ગુરુજીની આજ્ઞાથી ડૉ. અભિષેક સાધના કરવા માટે ક્યાંક એકાંતવાસ ગયા છે. એટલે એ રાહ જોઈને બેઠાં છે. " દિપાલી બોલી.
" આ વીણામાસી વળી કોણ છે ? અને અહીં પણ અભિષેક સાથે એક માસી રહેતાં હતાં જે થોડા સમય પહેલાં ગુજરી ગયાં. " પ્રશાંત દિપાલી સામે જોઈને બોલ્યો.
" મુંબઈમાં દહીસરમાં વીણામાસી રહે છે એ એમનાં અસલી માસી છે. વીણા માસી અભિષેક સરના ઘરમાં જ રહે છે જેથી ઘર સચવાય. રાજકોટમાં અભિષેક સર જેમની સાથે રહેતા હતા એ ભારતી માસી એમનાં માસી નથી. જો કે અભિષેક સરે એમની ખૂબ જ સેવા કરી. દીકરાની જેમ એમનું ક્રિયાકર્મ પણ કર્યું. મને લાગે છે ત્યાં સુધી એમની સાથે કોઈ દૂર દૂરનો સંબંધ હશે. મેં એમના વિશે ક્યારેય પૂછ્યું નથી. " દિપાલી બોલી.
" ઠીક છે. આપણે એમના વિશે વધુ જાણવું પણ નથી. મને એવી માહિતી મળી છે કે ડૉ. અભિષેક જ્યારે અહીંથી ગયા ત્યારે એમની સાથે એમની પત્ની અંજલી પણ હતી. પરંતુ અપહરણ થયું ત્યારે અંજલી એમની સાથે ગાડીમાં ન હતી. તમે આ વિશે કોઈ પ્રકાશ પાડી શકશો ?" પ્રશાંત દિપાલી સામે જોઈને બોલ્યો.
" હા સર. અભિષેક સર અહીંથી ગયા ત્યારે અંજલી એમની સાથે જ હતી. હું એમ જ માનતી હતી કે અંજલી એમની ફિયાન્સી છે. પરંતુ હમણાં જ જાણવા મળ્યું છે કે બંનેએ દ્વારકા જઈને ફૂલહાર કરીને લગ્ન કરી લીધાં હતાં અને મુંબઈ પહોંચીને રિસેપ્શન રાખવાનું હતું ! " દિપાલી બોલી.
" હમ્ ... આગળ બોલો. "
" મારે એક મહિના પહેલાં જ માસી સાથે વાત થઈ હતી ત્યારે અંજલી એમના ઘરે જ હતી. મેં એની સાથે પણ વાત કરી. એ બિચારી ફોન ઉપર રડતી હતી. એના કહેવા પ્રમાણે મુંબઈ જતી વખતે અમદાવાદમાં રહેતી એની ફ્રેન્ડને મળવાની ઈચ્છા હોવાથી બે દિવસ પછી મુંબઈ આવી જઈશ એમ કહીને એ અમદાવાદ ઉતરી ગઈ હતી. અને સર અંજલી અત્યારે પ્રેગનેન્ટ છે." દિપાલીએ પોતાની વાત પૂરી કરી.
" ઓહ્... એનીવેઝ તમે મને ઘણી બધી માહિતી આપી છે. આ માહિતી અભિષેકને શોધવામાં અમને ઘણી મદદ કરશે. તમે હવે જઈ શકો છો. અને દેસાઈ સાહેબ તમે મને ડૉ. અભિષેકનું એડ્રેસ લખી આપો એટલે અમે પણ હવે રજા લઈએ." પ્રશાંત હસીને બોલ્યો.
ડૉ. દેસાઈએ અભિષેકની ફાઈલ કાઢીને ચિઠ્ઠીમાં ડૉ. અભિષેકનું દહીસરનું પૂરું એડ્રેસ લખી આપ્યું.
એડ્રેસ મળી ગયું એટલે ફરી આભાર માનીને પ્રશાંત અને મનીષ હોસ્પિટલ ની બહાર નીકળી ગયા અને સીધા પોતાની હોટલમાં ગયા.
જે કામ માટે પ્રશાંત મનીષને લઈને રાજકોટ આવ્યો હતો એ કામ તો એક દિવસમાં જ પૂરું થઈ ગયું હતું. હવે પોલીસ સ્ટેશન જવાનો પણ કોઈ મતલબ ન હતો. એટલે મુંબઈ જતી છેલ્લી ફ્લાઇટનું બુકિંગ પ્રશાંતે કરાવી દીધું.
" આપણે આ વખતે શુકન જોઈને આવ્યા છીએ મનીષ. ઘણી બધી માહિતી આપણને આજે મળી ગઈ છે. હવે આપણે આ કેસને સોલ્વ કરવા માટે ઘણું બધું વિચારવું પડશે ! એક તો અભિષેક અતિ શ્રીમંત છે અને એની પોતાની હોસ્પિટલ પૉશ એરિયામાં બની રહી છે. વળી એની પત્ની અંજલી પ્રેગ્નન્ટ છે. એ પતિની રાહ જોઈ રહી છે. " પ્રશાંત બોલી રહ્યો હતો.
" બીજી બાજુ વલ્લભદાસ પાસેથી અંકિતને આપણાથી આટલી જલ્દી છીનવી નહીં શકાય. અંકિત એમના બંગલે એકદમ સેટ થઈ ગયેલો છે. શાલ્વી સાથે પત્નીનો સંબંધ પણ એ ભોગવી રહ્યો છે. અંકિતને શોધવાના પૂરા પૈસા પણ આપણને મળી ગયા છે. એટલે સમયની રાહ જોયા સિવાય છૂટકો પણ નથી. હા અંજલીને ચોક્કસ મળવું પડશે. અભિષેક સાધના કરવા ગયો છે એવા ભ્રમમાં બિચારી જીવી રહી છે. " પ્રશાંત બોલ્યો.
" જી સર તમારી વાત એકદમ સાચી છે. શાલ્વીને દોઢ વર્ષ પછી એનો પતિ પાછો મળ્યો છે. અંકિતથી એ ખૂબ જ ખુશ છે એવું પણ તમે મને કહ્યું છે. હવે એકદમ એનાથી અંકિતને છૂટો ના પડાય. અને અભિષેકે યાદદાસ્ત ગુમાવી દીધી જ છે એટલે અત્યારે તો અભિષેકને પોતાના ઘરે દહીસર મોકલવાનો પણ કોઈ અર્થ જ નથી. સમયની રાહ જોવી જ પડશે. યુ આર રાઈટ સર ! " મનીષે આદરપૂર્વક કહ્યું.
" મનીષ બીજું પણ એક કામ આપણે કરવાનું છે. દહીસર જઈને અભિષેકનાં વીણામાસી પાસેથી અભિષેકના ભૂતકાળ વિશે અને જૂહુ વલ્લભદાસ પાસેથી અંકિતના ભૂતકાળ વિશે ઝીણામાં ઝીણી માહિતી મેળવવી પડશે. મને હવે ચોક્કસ ખાતરી થઈ ગઈ છે કે અભિષેક અને અંકિત બંને જોડિયા ભાઈઓ છે. ધે આર ટ્વીન્સ !" પ્રશાંત બોલ્યો.
પ્રશાંત સિગારેટ પીતાં પીતાં બોલી રહ્યો હતો. એ જ્યારે અઘરો કેસ સોલ્વ કરતો હોય અને બહુ વિચારે ચડી જાય ત્યારે જ સિગારેટ પીતો હતો !
" એ બંનેના ચહેરામાં એટલી બધી સામ્યતા છે કે જોડકાં બાળકોમાં જ એ શક્ય બને. ચહેરાનું આટલું બધું સરખાપણું લાખોમાં એકાદ કેસમાં જ જોવા મળે છે. હવે આપણને ઉતાવળ પણ નથી. શાંતિથી આ દિશામાં આપણે આગળ વધીશું. " પ્રશાંત બોલ્યો.
આ બાજુ બોરીવલીમાં સવારે જાગ્યા પછી ચા નાસ્તો કરીને અંકિત અને શાલ્વી સવારે નવ વાગે પોતાના ઘરે જૂહુ જવા માટે નીકળી ગયાં. ગાડી એસ.વી રોડ થઈને એક્સપ્રેસ હાઈવે ઉપર લઈ લીધી અને એરપોર્ટથી જમણી બાજુ વિલે પાર્લે નહેરુ રોડ ઉપર ટર્ન લીધો.
શિવસાગર રેસ્ટોરન્ટ આવ્યું એટલે એણે બે મિનિટ માટે ગાડી સાઈડમાં ઉભી રાખી. એ નીચે ઉતર્યો અને શિવસાગર રેસ્ટોરન્ટ તરફ જોઈ રહ્યો.
ભૂતકાળમાં ડૉ. અભિષેક નહેરુ રોડ ઉપરના આ જ રેસ્ટોરન્ટમાં આવ્યો હતો. નવા ફ્લેટનો સાડા છ કરોડમાં ડેવિડ સાથે સોદો કરવા ઋષિકેશ અંકલ સાથે એ અહીં આવ્યો હતો. પરંતુ અત્યારે એને એ ઘટના બિલકુલ યાદ ન હતી !! યાદદાસ્ત ભલે ચાલી ગઈ હોય પરંતુ મગજમાં સચવાયેલી સ્મૃતિઓ હંમેશાં કાયમ રહે છે !
અભિષેક અચાનક નીચે ઉતર્યો એટલે શાલ્વી પણ નીચે ઉતરી અને એની પાસે ગઈ.
" તમે કેમ નીચે ઉતરી ગયા અને અહીં કોને શોધી રહ્યા છો ? " શાલ્વી બોલી.
" શાલુ આ શિવસાગર રેસ્ટોરન્ટમાં હું એક બે વાર આવી ગયો છું એવું મને યાદ આવે છે." અંકિત બોલ્યો.
" અંકિત શું કહું તમને ? શિવસાગર રેસ્ટોરન્ટની ઘણી બ્રાન્ચ મુંબઈમાં છે. આપણા એરિયામાં પણ છે. અને તમે વર્ષોથી મુંબઈમાં જ રહો છો એટલે કોઈને કોઈ શિવસાગરમાં ગયા જ હશો. કોઈની સાથે મીટીંગ કરવા પણ ગયા હશો. જરૂરી નથી કે તમે આ જ શિવસાગરમાં આવ્યા હો ! " શાલ્વી બોલી.
" તારી વાત સાચી છે. હું આ જ શિવસાગરમાં આવ્યો હતો એવું તો મને પાક્કું યાદ નથી પરંતુ શિવસાગર નામ જાણીતું લાગ્યું. " અંકિત માથું ખંજવાળીને બોલ્યો.
" ચાલો હવે નીકળીએ. તમને ધીમે ધીમે બધું યાદ આવતું જાય છે એ સારી વાત છે ! " શાલ્વી બોલી એટલે અંકિત ગાડીમાં બેસી ગયો અને જૂહુ સ્કીમ જવા માટે અંકિતે ગાડી પાર્લે વેસ્ટ તરફ લીધી !
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

