અભિષેક (Abhishek Novel Part-48)

Related

અભિષેક પ્રકરણ 48

"શાલ્વી આપણા ઘરમાં માળા હશે ?" બે દિવસ પછી એક રાત્રે સૂતી વખતે અંકિત બોલ્યો.

" હા માળા છે ને ! તમારાં દાદી રોજ શ્રીકૃષ્ણઃ શરણમ્ મમ મંત્રની માળા કરતાં હતાં એવું મેં સાંભળ્યું છે. મમ્મી કે પપ્પા તો માળા નથી કરતાં પરંતુ માળા ડ્રોવરમાં પડી છે. પણ તમારે વળી માળાને શું કરવી છે ? " શાલ્વી બોલી.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

" બસ મારે પરમ દિવસે સોમવારથી રોજ સવારે થોડા વહેલા ઊઠીને ગાયત્રી મંત્રની પાંચ માળા ચાલુ કરવી છે." અંકિત બોલ્યો.

" અરે આ ઉંમરે તો કંઈ માળા થતી હશે અંકિત ? અને આપણે તો શ્રીજી બાવાને માનીએ એટલે બહુ બહુ તો તમે દાદીની જેમ *શ્રીકૃષ્ણઃ શરણમ્ મમ* ની એકાદ માળા કરી શકો. " શાલ્વી બોલી.

" ગાયત્રી મંત્રને ધર્મ કે પંથ સાથે કોઈ લેવા દેવા નથી શાલુ. ગાયત્રી મંત્ર એ બ્રહ્મનો મંત્ર છે. એ આપણને યુનિવર્સ સાથે જોડે છે. એ સૂર્યનો મંત્ર છે અને સૂર્ય થકી જ આપણું જીવન છે. જેમ ઓક્સિજનની આપણને જરૂર છે એમ સૂર્યની ઊર્જાની પણ આપણા જીવનમાં જરૂર છે. " અંકિત બોલ્યો.

" તમને ગાયત્રી મંત્ર વિશે અચાનક આટલું બધું જ્ઞાન ક્યાંથી પ્રગટ થઈ ગયું એ જ સમજાતું નથી. " શાલ્વી આશ્ચર્યથી બોલી. કારણ કે અંકિતે આજ સુધી આવી ચર્ચા શાલ્વી સાથે ક્યારેય પણ કરી ન હતી.

અને અંકિતે એની જૂહુ તારા રોડ ઉપરની હોટલમાં આજે શનિવારે બનેલી તાજી જ ઘટનાનું શાલ્વી આગળ વર્ણન કર્યું.

બન્યું હતું એવું કે આજે બપોરે અંકિત એની હોટલના રિસેપ્શન ટેબલ પાસે એની રિસેપ્શનીસ્ટ નીલમ સાથે કોઈ ચર્ચા કરી રહ્યો હતો ત્યારે એનું અચાનક ધ્યાન ગયું કે આધેડ ઉંમરના એક વડીલ રિસેપ્શન હોલમાં ગોઠવેલા સોફા ઉપર બેસીને કોઈ મેગેઝીન વાંચી રહ્યા હતા. એ ખૂબ જ જાજરમાન અને તેજસ્વી વ્યક્તિ હતા. એક પ્રકારની વિશિષ્ટ સુગંધ એમના તરફથી આવી રહી હતી.

અંકિતને એ વ્યક્તિનું ખેંચાણ એટલું બધું થયું કે એને એ વડીલને મળવાની અને એમની સાથે વાત કરવાની ઈચ્છા થઈ. એ નીલમ સાથે ચર્ચા અધૂરી મૂકીને પેલી વ્યક્તિ પાસે જઈને સોફામાં બેઠો.

" સોરી વડીલ તમને ડિસ્ટર્બ કર્યા પરંતુ તમારી સાથે વાત કરવાની ઈચ્છા થઈ એટલે અહીં આવ્યો. મને સારા માણસોને મળવાનું ગમે છે. મારું નામ અંકિત શેઠ. હું આ હોટલનો માલિક છું. પહેલીવાર આ હોટલમાં મેં તમને જોયા. તમે ક્યાંથી આવો છો ? " અંકિતે વિવેકથી પૂછ્યું.

" મારો માર્કેટિંગનો મોટો બિઝનેસ છે અને આખી દુનિયામાં ફરતો રહું છું. આજે હું અહીં છું તો કાલે વળી બેંગલોર. બે દિવસ પછી દિલ્હી તો ત્યાંથી સીધો કલકત્તા ! સાધુ તો ચાલતા ભલા જેવી મારી જિંદગી છે સાહેબ." વડીલ ખડખડાટ હસીને બોલ્યા.

"તમારા બિઝનેસ વિશે જાણી શકું ? " અંકિતે વાત ચાલુ રાખવાના ઈરાદાથી પૂછ્યું.

" જીવનમાં જે જરૂરી છે એ બધી જ વસ્તુઓનું માર્કેટિંગ કરું છું. તમે નામ દો અને હું અહીંયાં હાજર કરી દઉં." વડીલ બોલ્યા.

" તમારું નામ જાણી શકું ? તમે કયા રૂમમાં ઉતર્યા છો ? " અંકિત બોલ્યો. એ વડીલની વાતોથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયો હતો.

"નામથી શું ફરક પડે છે શેઠ ? છતાં સંબોધન કરવા માટે આ શરીરનું નામ નિરંજન ભટ્ટ છે. બીજા માળે રૂમ લીધો છે. તમારે મારું કંઈ કામ હતું ?" વડીલ બોલ્યા.

" ના. મેં તો અમસ્તું જ પૂછ્યું. તમારા માટે કંઈ મંગાવું ? " અંકિત બોલ્યો.

" અંકિત શેઠ તમે મારી પાસે સામેથી આવ્યા. મારા વિશે પૂછપરછ પણ કરી. તમે વગર ઓળખાણે મારા માટે કંઈક મંગાવાની પણ વાત કરી. એનો મતલબ કે આપણી વચ્ચે કોઈ તો ઋણાનુબંધ હશે જ. બે આત્માઓ એક બીજા તરફ ખેંચાય એની પાછળ ઈશ્વરનો કોઈને કોઈ સંકેત હોય છે જ. હવે તમે આવ્યા જ છો તો મારી વાત તમે ધ્યાનથી સાંભળશો ? " વડીલ બોલ્યા.

" જી." અંકિતે હકારમાં માથું હલાવ્યું.

"તમે રોજ ગાયત્રી મંત્રની માળા કરો છો ? " વડીલે પૂછ્યું.

" ના અંકલ. હું ગાયત્રીની માળા કરતો નથી અને મને આ મંત્ર વિશે કંઈ ખબર જ નથી. " અંકિત બોલ્યો.

ફરી પાછા વડીલ હસી પડ્યા.

" અરે શેઠ તમારી ઑરામાંથી પણ ગાયત્રી મંત્રનાં આંદોલનો મને સ્પર્શ કરી રહ્યાં છે અને તમે કહો છો કે આ મંત્ર વિશે કંઈ જાણતા જ નથી !! ક્યાંક ભૂલા પડી ગયા લાગો છો શેઠ. ખોવાયેલી લીંક પકડી લો. તમને ગાયત્રી મંત્ર આવડે જ છે. એકવાર બોલવાની કોશિશ તો કરો ! " વડીલ હસીને બોલ્યા.

અને અંકિતના આશ્ચર્ય વચ્ચે એ આખો ગાયત્રી મંત્ર કડકડાટ બોલી ગયો.

" જુઓ બોલી ગયા ને ! ગાયત્રી મંત્ર તમારી રગેરગમાં છે અંકિત શેઠ. તમે ક્યાંક ભટકી ગયા લાગો છો. કાલથી જ આ મંત્રની પાંચ માળા ચાલુ કરી દો. તમારા માટે એ ખૂબ જરૂરી છે." વડીલ બોલ્યા.

" જી પરમ દિવસથી જ હું ચાલુ કરી દઈશ. સોમવાર સારો દિવસ ગણાય ને એટલે ! " અંકિત બોલ્યો.

" ઠીક છે. સોમવારથી ચાલુ કરજો." વડીલ બોલ્યા અને એમણે અંકિતને ગાયત્રી મંત્રનું મહત્ત્વ પણ સમજાવ્યું.

" તમારી સાથે આવી આધ્યાત્મિક ચર્ચા કરવી મને ખૂબ જ ગમે છે. તમે અહીં કેટલા દિવસ રોકાવાના છો અંકલ ? " અંકિત બોલ્યો.

" મારું કંઈ જ ઠેકાણું નહીં. ઉડતા પંખી જેવું છે. હમણાં ફોન આવે તો સાંજે ઉડી પણ જાઉં." વડીલ બોલ્યા.

" ઠીક છે અંકલ. સાંજે પણ ઘરે જતાં પહેલાં તમને મળતો જઈશ. થોડીક આધ્યાત્મિક ચર્ચા કરીશું. બાય ધ વે તમારી પાસેથી આ અદભુત સુગંધ શાની આવે છે ? પર્ફ્યુમનું નામ જાણી શકું ? " અંકિત બોલ્યો.

" આ કોઈ પર્ફ્યુમની સુગંધ નથી. ૨૪ કલાક મનમાં અખંડ ગાયત્રી મંત્ર ચાલતા હોય એટલે શરીરમાં સત્ત્વ ગુણનો ઉદય થાય છે. સાતે સાત ચક્રો ખીલી ઉઠે છે. બસ આ એની દૈવી સુગંધ છે. બધાને એ ના આવે. જેની પોતાની પણ ગાયત્રી ઊર્જા વિકસિત થયેલી હોય એ જ આ સુગંધનો અનુભવ કરી શકે ! એટલે જ કહું છું કે તમે તમારી અધૂરી રહેલી સાધના ફરી ચાલુ કરો. " વડીલ હસીને બોલ્યા.

" જી ભટ્ટ સાહેબ. પરમ દિવસ સોમવારથી ચોક્કસ ચાલુ કરીશ. " અંકિત બોલ્યો અને ઉભો થઈને પોતાની ઓફિસમાં ગયો.

સાંજે સાડા સાત વાગે ઘરે જતાં પહેલાં રિસેપ્શનમાં જઈને અંકિતે નીલમને નિરંજન ભટ્ટ વિશે પૂછ્યું. નીલમની ડ્યુટી બપોરે બારથી રાતના આઠ સુધી હતી.

" નીલમ નિરંજન ભટ્ટ બીજા માળે કયા રૂમમાં ઊતરેલા છે ? " અંકિત બોલ્યો.

" સર નિરંજન ભટ્ટ નામની કોઈ વ્યક્તિ આપણી આ હોટલમાં ઉતરી જ નથી. " કોમ્પ્યુટરમાં તમામ રૂમો ચેક કરીને નીલમ બોલી.

" સેકન્ડ ફ્લોર ચેક કર્યો ? " અંકિત બોલ્યો.

" અરે સર હોટલના તમામ રૂમો જોઈ લીધા. નિરંજન ભટ્ટ નામની કોઈ વ્યક્તિ આ હોટલમાં નથી. " નીલમ બોલી.

" અરે નીલમ તને યાદ છે જ્યારે આપણે બપોરે અહીં વાત કરતા હતા ત્યારે સામે સોફા ઉપર એક વડીલ બેઠા હતા અને હું તારી સાથે વાત અધૂરી મૂકીને એમને મળવા માટે ગયો હતો ? " અંકિત બોલ્યો.

" સર આપણે વાત કરતા હતા ત્યારે સામે કોઈ જ બેઠું ન હતું. આખો હોલ બપોરે ખાલી જ હતો. આપણી વાત અચાનક અધુરી મૂકીને તમે સામે જઈને સોફામાં બેસી ગયા હતા. મને પણ એ વખતે આશ્ચર્ય થયું હતું કે તમે કેમ અચાનક સામે જઈને સોફામાં બેસી ગયા !! " નીલમ બોલી.

" વ્હોટ !!! સામેના સોફા ઉપર કોઈ જ બેઠું ન હતું ? મને કેમ એમ લાગ્યું કે જાણે કોઈ બેઠું છે ! હું તો અમસ્તો જ સામે સોફા ઉપર જઈને બેઠો હતો." અંકિતે વાત વાળી લીધી પરંતુ આ ઘટના એના મન ઉપર અસર કરી ગઈ.

એણે ખરેખર સોફામાં વડીલને જોયા હતા. એમની સાથે ખાસ્સી પંદર મિનિટ વાતચીત પણ કરી હતી. એમણે ગાયત્રી મંત્ર કરવાની ખાસ સલાહ પણ આપી હતી અને છતાં નીલમ કહે છે કે ત્યાં કોઈ હતું જ નહીં અને તમે એકલા જ બેઠા હતા !

આવો અનુભવ અંકિતને આજે પહેલી વાર થયો હતો. હવે એને વડીલની વાતો થોડી થોડી સમજાવા લાગી. એમણે કહ્યું હતું કે સાધુ તો ચાલતા ભલા. એમણે એમ પણ કહ્યું કે જીવનમાં જે જરૂરી છે એ બધી જ વસ્તુઓનું માર્કેટિંગ કરું છું ! મારા જીવનમાં જરૂરી ગાયત્રી મંત્ર હતો તો એમણે એક રીતે જોઈએ તો માર્કેટિંગ જ કર્યું ને ! છેલ્લે એમ પણ કહ્યું કે સાંજે ઉડી પણ જાઉં !

આ નિરંજન ભટ્ટ એ કોઈ સામાન્ય માણસ ન હતા પરંતુ સ્વયં સ્વામી નિર્મલાનંદજી હતા !! બોરીવલીમાં લઘરવઘર સાધુના વેશમાં આવીને અંકિતના માથે હાથ મૂકી એની દસ ટકા જેટલી સ્મૃતિઓ એમણે જ જાગૃત કરી હતી તો આજે અહીં હોટલે આવીને અંકિતની અંદર રહેલી ગાયત્રીની ચેતના સક્રિય કરી હતી ! જો કે અંકિતને એની આ અવસ્થામાં નિર્મલાનંદજી યાદ ન હતા.

શાલ્વીએ અંકિત પાસેથી આ બધી વાત સાંભળી ત્યારે એને પોતાને પણ આશ્ચર્ય થયું કે આવું કઈ રીતે બની શકે ! છતાં જે બન્યું હતું એ એક હકીકત હતી અને અંકિત કદી ખોટું બોલતા નથી.

" તમારી વાત સાંભળીને મને પણ ખૂબ જ આશ્ચર્ય થયું છે. એમણે તમને આટલું બધું ભાર દઈને કહ્યું છે તો પછી કરો. હું ના નહીં પાડું." શાલ્વી હસીને બોલી.

" હા શાલુ. એમણે મને સલાહ આપી કે તમે ગાયત્રી મંત્રની રોજ પાંચ માળા ચાલુ કરો અને જુઓ કે તમારા જીવનમાં કેટલા ફેરફાર થાય છે ! તમારી અંદર ગાયત્રીની ચેતના છે પણ કોઈ અકળ કારણથી લીંક તૂટી ગઈ છે. તમે ફરી એ ચેતના સાથે જોડાઈ જાઓ." અંકિત બોલ્યો.

" હમ્ ... મને લાગે છે કે દોઢ વર્ષ સુધી તમે ખોવાયેલા હતા ત્યારે ગાયત્રીની માળા ચાલુ કરી હશે. જે હોય તે. તમારે માળા ચાલુ કરવી હોય તો કરો પરંતુ પછી સંસારથી વિમુખ ના થઈ જતા. આ ઉંમરે માળાઓ કરવી મને યોગ્ય લાગતું નથી." શાલ્વીએ પોતાના વિચારો પ્રગટ કર્યા.

" તું ખોટી ડરે છે. ગાયત્રી મંત્ર કદી સંસારથી વિમુખ કરતો નથી. ભૌતિક પ્રગતિ માટે પણ એ જરૂરી છે. આ બધી જ વાતો મને એમણે સમજાવી. એ કોઈ ચમત્કારી પુરુષ હતા. એમની વાતો સાંભળીને જ મને ગાયત્રી તરફ આકર્ષણ વધી ગયું ! " અંકિત બોલ્યો.

અને સોમવારે અંકિત એલાર્મ મૂકીને સવારે પાંચ વાગે ઉઠી ગયો અને નાહી ધોઈને સાડા પાંચ વાગે પૂજા ખંડમાં બેસીને એણે ગાયત્રીની માળા ચાલુ કરી. વર્ષોની પ્રેક્ટિસ હતી જ એટલે અડધા કલાકમાં તો પાંચ માળા પૂરી પણ થઈ ગઈ. એને પોતાને પણ આશ્ચર્ય થયું અને મજા પણ આવી.

રોજ ગાયત્રી મંત્રની માળાઓ ચાલુ થઈ ગઈ એટલે ધીમે ધીમે અંકિતમાં સુષુપ્ત થઈ ગયેલી કેટલીક સિદ્ધિઓ ફરી જાગૃત થવા લાગી. કાલે શું રસોઈ બનવાની છે એની ખબર એને આગલા દિવસે પડી જતી. ક્યારેક કોઈના વિચારો પણ એ વાંચી લેતો.

એકાદ મહિના પછી અંકિત હોટલની પોતાની ઓફિસમાં બેઠો હતો ત્યારે ત્યાં જોબ કરતી બીજી રિસેપ્શનિસ્ટ મોનિકા ચાર દિવસની રજા લેવા માટે એની સામે આવીને બેઠી.

" સર મારા પપ્પાને એડમિટ કર્યા છે એટલે મારે એમની ખબર કાઢવા જવું છે. મને આવતી કાલથી ચાર દિવસની રજા જોઈએ છે." મોનિકાએ ઇંગ્લિશમાં જ વાત કરી. કારણકે હોટેલમાં ઇંગલિશમાં કે ક્યારેક હિન્દીમાં જ વાત કરવાની સિસ્ટમ હતી.

" તમારા પપ્પા એકદમ ઓલરાઈટ છે. પરંતુ તમે જેની સાથે આવતીકાલે લોનાવલા જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે એ કેન્સલ કરી દો. સિદ્ધાર્થનું ચારિત્ર્ય સારું નથી. એ ગયા અઠવાડિયે કોઈ રીના નામની છોકરી સાથે પણ આ રીતે ફરવા ગયો હતો. એ તમને પ્રેમ નથી કરતો. તમે ફસાઈ જશો ! " અંકિતથી બોલાઈ ગયું.

" વ્હોટ !!! તમે સિદ્ધાર્થને ઓળખો છો ? " મોનિકા તો સડક જ થઈ ગઈ.

" અરે મોનિકા... હું એને કેવી રીતે ઓળખું ? મેં તો એને જોયો પણ નથી અને તમે મને ક્યાં અત્યારે સિદ્ધાર્થની કોઈ વાત કરી છે ? તમે તો પપ્પાની તબિયતની વાત કરી. " અંકિત બોલ્યો.

મોનિકાને પણ થયું કે વાત સાચી છે. પોતે તો સિદ્ધાર્થ અંગે કોઈ ચર્ચા કરી જ નથી તો પછી સરને કેવી રીતે ખબર પડી ?

" સર તમને આ બધી કેવી રીતે ખબર કે સિદ્ધાર્થ રીના સાથે ફરવા ગયો હતો ! " મોનિકા બોલી.

" જઈને પૂછો એને. એ રીનાને લઈને લોનાવલા સીટી પેલેસ રિસોર્ટમાં ગયો હતો કે નહીં ? તમને જવાબ મળી જશે. અને હું કંઈ એને જોવા ગયો નથી. મને અત્યારે જે લાગે છે એ મેં તમને કહ્યું. માનવું ન માનવું તમારી ઈચ્છા. " અંકિત બોલ્યો.

" હું ચોક્કસ આજે જ એને મળું છું. હું તો એની સાથે લગ્ન કરવાની હતી સર. છેલ્લા એક વર્ષથી એની સાથે રિલેશનશિપમાં છું. તમે કહો છો એ જો સાચું હોય તો મને ખૂબ જ આઘાત લાગ્યો છે સર. " મોનિકા બોલી.

" સાચું જ છે. ઈશ્વરે જ તમને બચાવી લીધાં. " અંકિત બોલ્યો અને મોનિકા બહાર નીકળી ગઈ.

બીજા જ દિવસે મોનિકા હોટલની પોતાની ડ્યુટી ઉપર હાજર થઈ ગઈ. અંકિત જેવો આવ્યો કે તરત જ એની ઓફિસમાં ગઈ.

" સર તમારી વાત એકદમ સાચી નીકળી. ગઈકાલે રાત્રે જ હું સિદ્ધાર્થને મળી અને રીના વિશે પૂછપરછ કરી. લોનાવાલા સીટી પેલેસ રિસોર્ટની વાત કરી અને એક થપ્પડ મારી દીધી. કાપો તો લોહી પણ ના નીકળે એવી એની સ્થિતિ હતી. એણે કબૂલ કરવું જ પડ્યું. મેં એની સાથે રિલેશનશિપ તોડી નાખી છે. તમે આ બધું કેવી રીતે જાણો છો એ હજુ પણ મને સમજાતું નથી સર. " મોનિકા બોલી.

" હું કોઈ ત્રિકાળજ્ઞાની નથી મોનિકા. પરંતુ કોઈને બચાવવાનું હોય ત્યારે ઈશ્વર જ મારી પાસે આવું કંઈક બોલાવી દે છે." અંકિત બોલ્યો.

જો કે ગઈ કાલે અંકિતને પોતાને પણ આશ્ચર્ય થયું જ હતું કે આ બધી વાતોની એને પોતાને કેવી રીતે ખબર પડી !!

મોનિકાના ગયા પછી સાંજે અચાનક પ્રશાંત વૈદ્ય અંકિતને મળવા માટે હોટલ આવ્યો.

" અરે અંકલ તમે !!" અંકિત બોલ્યો.

અંકિતને ખબર ન હતી કે પ્રશાંત વૈદ્ય બહુ મોટી ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીના માલિક છે. એ તો એમ જ સમજતો હતો કે પ્રશાંત અંકલ પપ્પાના દૂરના કોઈ રિલેટિવ છે. કારણ કે તે દિવસે પ્રશાંત ઘરે આવ્યો ત્યારે વલ્લભદાસે એની ઓળખાણ એક સંબંધી તરીકે જ આપી હતી.

" હા. આજે ઇસ્કોન મંદિરે દર્શન કરવા જઈ રહ્યો હતો તો ઈચ્છા થઈ કે રસ્તામાં તને પણ મળતો જાઉં. આ ટીશર્ટ તને બહુ સરસ લાગે છે. એક ફોટો ક્લિક કરી દઉં ? " પ્રશાંત બોલ્યો.

" હવે તો મારાં લગન પણ થઈ ગયાં છે. ફોટો લઈને શું કરશો ? " અંકિત હસીને બોલ્યો.

" અરે ભાઈ દોઢ વર્ષ પછી તું મળી આવ્યો છે. તબિયત પણ સુધરી છે તો મારી પાસે પણ તારો એકાદ ફોટો તો હોવો જોઈએ ને !" પ્રશાંત બોલ્યો અને એણે પોતાના મોબાઈલથી અંકિતના જુદા જુદા એંગલથી બે ત્રણ સ્નેપ લઈ લીધા.

" બોલો અંકલ હવે શું લેશો ? " અંકિત પૂછ્યું.

"બસ એક સરસ મજાની કોફી મંગાવી દે. " પ્રશાંત બોલ્યો અને એણે પોતાના લાઇટરથી એક સિગરેટ સળગાવી.

પ્રશાંત અંકિતનો ફોટો પાડી રહ્યો હતો ત્યારે જ એના મનમાં ઝબકારો થયો કે પોતે અંકિતનો ફોટો પાડવા ખોટો આવ્યો. અભિષેક અને અંજલીના ફોટા અભિષેકના પોતાના મોબાઈલમાં હશે જ. અને મનીષે સીમકાર્ડ કાઢેલો એ મોબાઇલ તો મને જ આપેલો છે !

હવે ઓફિસે જઈને એ મોબાઇલ ચાર્જ કરવો પડશે અને નવું સીમકાર્ડ એમાં નાખવું પડશે. અભિષેકના એ મોબાઇલમાં જે પણ સારા સારા ફોટા હશે તે પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરવા પડશે. એ પછી દહીસરના એડ્રેસ ઉપર જઈને અંજલીને મળવું પડશે અને એને આ બધા ફોટોગ્રાફ્સ બતાવીને આશ્વાસન પણ આપવું પડશે !!

અંજલી પોતાના અને અભિષેકના ફોટા મારા મોબાઈલમાં જોશે એટલે એને મારા ઉપર વિશ્વાસ આવી જશે. એ પછી પોતે જે પણ સ્ટોરી અભિષેક માટે બનાવશે એ પણ અંજલી સાચી માની લેશે !! અંજલી અત્યારે પ્રેગનેન્ટ છે એટલે અંકિત જ્યાં સુધી અભિષેક ના બને ત્યાં સુધી અંજલીને ચિંતામુક્ત રાખવી જ પડશે !!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."