અભિષેક પ્રકરણ 49
ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર પ્રશાંત વૈદ્ય અંકિતની હોટલે ગયો હતો અને ત્યાં જઈને એણે મોબાઈલમાં અંકિતના બે ત્રણ સ્નેપ લઈ લીધા હતા. પરંતુ એ જ વખતે એના મનમાં ઝબકારો થયો હતો કે અંજલીને બતાવવા માટે નવા ફોટા પાડવાની કોઈ જરૂર જ નહોતી. અભિષેકનો પોતાનો મોબાઇલ એની ઓફિસમાં પડેલો જ છે !અભિષેક નવલકથા
અંકિતની હોટલે કોફી પીને પ્રશાંત ત્યાંથી નીકળી ગયો. બીજા દિવસે સવારે પોતાની ઓફિસમાં જઈને પહેલું કામ કબાટમાંથી અભિષેકનો બંધ કરેલો આઈફોન બહાર કાઢવાનું કર્યું. મોબાઇલમાં સીમકાર્ડ ન હતું એટલે પોતાનું એક એક્સ્ટ્રા સિમકાર્ડ એમાં નાખી દીધું.
એ પછી એણે ૧૫ મિનિટ સુધી મોબાઈલને રિચાર્જ કર્યો. મોબાઈલ ચાલુ કર્યો ત્યારે એને એક જ ડર હતો કે જો મોબાઈલ લૉક કરેલો હશે તો પ્રોબ્લેમ થશે. પરંતુ સદનસીબે એ મોબાઇલ લૉક નહોતો. એણે તરત જ ગેલેરી ઓપન કરી. અભિષેકના અને અંજલીના જે પણ ફોટા હતા એ બધા જ એણે ધ્યાનથી જોયા. એણે એ વાતની પણ નોંધ લીધી કે શાલ્વી સુંદર જરૂર હતી પરંતુ અંજલી તો અતિ સુંદર હતી !!
એણે આ બધા ફોટામાંથી ૧૧ ફોટા સિલેક્ટ કર્યા. એમાં બે ફોટા અભિષેકના એકલાના હતા જેમાં એક ફોટો ડૉક્ટર તરીકે એપ્રોન પહેરેલો અને ગળામાં સ્ટેથેસ્કોપ સાથેનો હતો. એ હોસ્પિટલમાં પાડેલો હતો. બીજો ફોટો પેન્ટ ટીશર્ટ સાથેનો નોર્મલ હતો. એક ફોટો એનાં વીણામાસીનો હતો.
એ સિવાય પાંચ ફોટા માત્ર અંજલીના હતા જેમાંથી ત્રણ તો લગ્ન પછીની પ્રથમ રાત્રિના સોળ શણગાર સજેલી નવોઢાના હતા અને બે જીન્સ અને કુર્તીના હતા. બાકીના ત્રણમાંથી બે ફોટા અભિષેક અને અંજલીના દ્વારકામાં લગ્ન પછી ફૂલના હાર પહેરેલા સજોડે હતા તો એક ફોટો આલિંગનનો સેલ્ફી હતો !
આ બધા ફોટા બતાવીને અંજલીનો વિશ્વાસ જીતવાનો હતો અને એવી સ્ટોરી બનાવવાની હતી કે જેથી કદાચ બીજા ચાર છ મહિના નીકળી જાય તો પણ અંજલી અભિષેકના ટેન્શન માંથી બહાર નીકળી જાય અને એને ડિલિવરી પણ સુખરૂપ થાય !
સાથે સાથે એણે એ પણ વિચારી લીધું કે ધીમે ધીમે અંકિતને અભિષેક તરીકે જાગૃત કરવાનો હતો. એની યાદદાસ્ત ધીમે ધીમે પાછી લાવવાની હતી. શાલ્વી અને પપ્પા વલ્લભદાસને ગમે કે ના ગમે પરંતુ એમણે વાસ્તવિકતા સ્વીકારવાની જ હતી. કારણ કે અંકિત અલગ હતો અને ડૉ. અભિષેક અલગ હતો એ હવે પ્રશાંતના મનમાં પાક્કું થઈ ગયું હતું.
ત્રીજું પણ એક કામ ખૂબ જ જરૂરી હતું કે અભિષેક અને અંકિતનો દેખાવ લગભગ એક જેવો જ હતો અને ચહેરામાં તો કોઈ ફરક જ ન હતો. જોડકા બાળકો હોય તો જ ક્યારેક ક્યારેક આવી સામ્યતા જોવા મળે છે. એટલે અંકિત અને અભિષેકના ભૂતકાળમાં જવાનું હતું અને બંને જોડકા હતા કે નહીં અને કેવી રીતે છૂટા પડ્યા એ બધું જાણવું જરૂરી હતું !!
શરૂઆતમાં અંજલીને મળવાનો એણે નિર્ણય કર્યો કારણ કે એ પ્રેગ્નેન્ટ હતી અને એ દુઃખી રહે એ યોગ્ય ન હતું. એના માટે એ પોતાને પણ થોડો જવાબદાર માનતો હતો.
એના માટે એણે એક રવિવાર પસંદ કર્યો. આગલા દિવસે એણે માથે મુંડન કરાવી દીધું. રવિવારે પોતે જાણે કોઈ આશ્રમમાં રહેતો હોય એવી રીતે સફેદ લેંઘો અને સફેદ ઝભ્ભો ધારણ કર્યો. ગળામાં રુદ્રાક્ષની એક માળા ધારણ કરી. કપાળ ઉપર ચંદનનું ઊભું તિલક લગાવ્યું અને વીણા માસીના ઘરે પાંચમા માળે પહોંચી ગયો. એણે ૫૦૧ નંબરના ફ્લેટનું બટન દબાવ્યું.
" આન્ટી હું અંદર આવી શકું ? " વીણામાસીએ દરવાજો ખોલ્યો એટલે પ્રશાંતે આન્ટી શબ્દ વાપર્યો. આરતી અત્યારે હોસ્પિટલ ગયેલી હતી.
કોઈ તપસ્વી જેવા લાગતા યુવાનને જોઈને વીણામાસીએ દરવાજો ખોલ્યો અને એને અંદર આવવા ઈશારો કર્યો.
પ્રશાંત વૈદ્ય ખૂબ જ હોશિયાર તેમ જ ચકોર હતો. એણે સોફામાં બેસીને ફ્લેટનું નિરીક્ષણ કર્યું. અભિષેકનો ફ્લેટ ખૂબ જ ભવ્ય હતો. એની પાસે જે ફોટા હતા એમાંનો જ એક ફોટો એન્લાર્જ કરીને અહીં એણે ડ્રોઈંગ રૂમમાં ફ્રેમ કરેલો જોયો. એણે મનોમન સ્મિત કર્યું.
"તમારી ઓળખાણ ના પડી ભાઈ ?" વીણામાસીએ પૂછ્યું.
" મારું નામ પ્રશાંત છે. હું ગુજરાતી છું અને ગઈકાલે જ ઉત્તરાખંડથી આવ્યો છું. મારે તમને ડૉ. અભિષેક વિશે થોડીક માહિતી આપવી છે. તમે જો અંજલીને અહીં બોલાવો તો એની સામે જ વાત કરું. " પ્રશાંત બોલ્યો.
એ મહારાષ્ટ્રીયન હતો છતાં પણ શુદ્ધ ગુજરાતીમાં જ એણે વાતચીત ચાલુ કરી જેથી થોડી આત્મિયતા લાગે.
" હા હા જરૂર બોલાવું ભાઈ. " કહીને અભિષેકના સમાચારથી હરખાઈ ગયેલાં વીણામાસીએ બેડરૂમમાં જઈને આરામ કરી રહેલી અંજલીને સમાચાર આપ્યા અને એને ડ્રોઈંગ રૂમમાં આવવાનું કહ્યું. એ પછી પોતે કિચનમાં જઈને પાણીનો ગ્લાસ લઈ આવ્યાં અને પ્રશાંતને આપ્યો.
અંજલી ઊભી થઈ. કપડાં અને માથાના વાળ સરખા કર્યા અને બહાર આવીને પ્રશાંતની સામેના સોફા ઉપર બેઠી. પ્રશાંત એને જોઈ જ રહ્યો. અદભુત સૌંદર્ય !!! અંજલી દેવકન્યા જેટલી રૂપાળી હતી.
" હું તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યો છું. ડૉ. અભિષેક મારી સાથે શિબિરમાં જ છે. એણે જ મને અહીં મોકલ્યો છે. હું તમને આખી વાત શરૂઆતથી કહું છું. અભિષેક રાજકોટથી જ્યારે મુંબઈ આવી રહ્યો હતો એ જ દિવસે અચાનક અમારા ગુરુજીનો શિબિરમાં હાજર થવાનો આદેશ અમને મળ્યો. એમનો આદેશ અમારા માટે બ્રહ્મવાક્ય જેવો હોય છે." પ્રશાંત પ્લાન કર્યા મુજબ વાર્તા સંભળાવી રહ્યો હતો.
" આદેશ મળ્યો ત્યારે અભિષેક વડોદરા પહોંચવા આવ્યો હતો. અમારે બધાએ આબુરોડ સ્ટેશને ભેગા થવાનું હતું અને ત્યાં જઈને ઋષિકેશ જતી ટ્રેન પકડવાની હતી. અમારા બધાનું રિઝર્વેશન આબુરોડથી થઈ ચૂક્યું હતું. અભિષેકને આ શિબિરની ખબર હતી પરંતુ તારીખની ખબર ન હતી એટલે એણે અંજલી સાથે કોઈ ચર્ચા કરી ન હતી." પ્રશાંત અંજલી સામે જોઈને બોલી રહ્યો હતો.
" હું મુંબઈથી મારી ગાડી લઈને નીકળવાનો હતો એટલે ગુરુજીએ મને અભિષેકનો ફોન નંબર આપ્યો અને મને રસ્તામાંથી એને પિક અપ કરી લેવાનું કહ્યું. મેં અભિષેક સાથે વાત કરી અને વડોદરા નજીક હાઈફ્લાય હોટલે ભેગા થવાનું અમે નક્કી કર્યું. અભિષેક ગાડી પાર્ક કરીને હોટલમાં મારી રાહ જોતો બેસી રહ્યો. " પ્રશાંતે વાર્તા આગળ ચલાવી.
" હું પહોંચ્યો ત્યારે અભિષેકે હોટલમાં જમી લીધું હતું. એ એની ક્રેટા ગાડી લઈને આવેલો. મારી પાસે ડ્રાઇવર હતો એટલે મેં અભિષેકને ક્રેટા હોટલના પાર્કિંગમાં જ પાર્ક કરી મારી જ ગાડીમાં બેસી જવાનું કહ્યું. એ મારી ગાડીમાં બેસી ગયો." પ્રશાંત બોલી રહ્યો હતો.
" એ પછી અભિષેકે અંજલી સાથે વાત કરવાની કોશિશ કરી પરંતુ બરાબર એ જ વખતે એના ફોનની બેટરી ડીસ્ચાર્જ થઈ ગઈ. મારી પાસે ફોન હતો પરંતુ અભિષેકને મારી હાજરીમાં વાત નહીં કરવી હોય એટલે ના પાડી." પ્રશાંત બોલી રહ્યો હતો.
પ્રશાંતે ક્રેટા ગાડીની વાત કરી એટલે વીણા માસીને અને અંજલીને પ્રશાંતની વાત ઉપર પૂરો વિશ્વાસ આવી ગયો.
" આબુરોડ સ્ટેશનથી અમે ટ્રેઈન પકડી લીધી. અમારી સાથે બીજા આઠ શિબિરાર્થીઓ આ જ ટ્રેઈનમાં હતા. અભિષેક પાસે મોબાઇલ તો હતો પરંતુ ચાર્જર એની ગાડીમાં જ રહી ગયું હતું. ઋષિકેશ પહોંચ્યા પછી નવું ચાર્જર લઈને ફોન ચાર્જ કરી અંજલી સાથે વાત કરી લઈશ એવું એણે નક્કી કર્યું પરંતુ અમને એવો કોઈ ચાન્સ મળ્યો જ નહીં. મારો ફોન પણ ત્યાં સુધીમાં ડિસ્ચાર્જ થઈ ગયો હતો. " પ્રશાંત વિસ્તારથી વર્ણન કરી રહ્યો હતો.
" અમે ઋષિકેશ ઉતરીને ચાલતા ચાલતા જ આગળ બદ્રીનાથ રોડ ઉપર એક આશ્રમમાં ગયા જ્યાં અમારે સતત ધ્યાન અને સાધના કરવાની હતી. અત્યારે પણ અમારી શિબિર ચાલુ જ છે અને હું ત્યાંથી જ આવ્યો છું. શિબિરમાં નિયમો કડક છે અને ત્યાં ગયા પછી ફોન ઉપર વાત કરવાની મનાઈ છે. " પ્રશાંત બોલતો હતો.
" ત્યાં અમારા માટે બધી જ વ્યવસ્થા છે. રોજ ગુરુજીના પ્રવચનો પણ ચાલે છે અને વહેલી સવારે ચાર વાગે ઊઠીને નાહી ધોઈને જાતે સાધના પણ કરવાની હોય છે. બે ટાઈમ જમવાનું પણ મળે છે. અમારે આશ્રમમાં જ રહેવાનું હોય છે. અભિષેકને હજુ ઘરે આવતાં છ સાત મહિના પણ લાગી શકે છે અને વહેલો પણ આવી શકે છે. ગુરુજી જ્યારે એને આદેશ આપે ત્યારે જ એ ઘરે પાછો ફરી શકે. " પ્રશાંત બોલ્યો.
" તમારી વાત સાંભળીને અમને ઘણી બધી શાંતિ અને રાહત થઈ ગઈ છે ભાઈ. તમે અહીં આવીને અમારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. એની સાધનામાં અમે કોઈ વિઘ્ન નાખવા માગતા નથી. તમે અભિષેકને ફરી મળવાના છો ? " વીણામાસી બોલ્યાં.
" હા મળવાનો જ છું. કાલે જ નીકળવાનો છું. મારા દાદા મરણ પથારીએ હતા અને એમની ઈચ્છા મને એકવાર જોવાની હતી. ગુરુજીને એ બધી ખબર પડી ગઈ એટલે ગુરુજીએ પોતે જ મને સામેથી ત્રણ દિવસ માટે મુંબઈ જવાનો આદેશ આપ્યો. મને મળ્યા પછી દાદાજીનું પરમ દિવસે જ અવસાન થઈ ગયું. પરંતુ હું રોકાઈ શકું એમ નથી. બસ દાદાજીનાં દર્શન કરી લીધાં. " પ્રશાંતે જવાબ આપ્યો.
" ગુરુજી એ તમને દાદાજી સિરિયસ છે એવી વાત કરી ? " હવે અંજલી બોલી.
" હા અંજલી એ ત્રિકાળજ્ઞાની છે. એ બધું જ જોઈ શકે છે. અભિષેકને જે પણ મળ્યું છે એ એમની કૃપાથી જ મળ્યું છે. એમના આશીર્વાદથી જ અભિષેકની હોસ્પિટલ બની રહી છે." પ્રશાંતે જાણી જોઈને હોસ્પિટલની વાત કરી. આ જાણ એને દિપાલી તરફથી થઈ હતી.
" મારે તમને એક વાત કહેવાની છે. હું આવવાનો હતો એટલા માટે અભિષેકે પોતાનો ફોન બીજાના ચાર્જરથી ચાર્જ કર્યો અને મારો પણ કરાવ્યો. એણે મને કેટલાક ફોટા મારા મોબાઈલમાં ટ્રાન્સફર કર્યા. જેથી તમને મારામાં વિશ્વાસ આવે. શિબિરમાંથી વાત કરવાની મનાઈ છે પણ ફોટા તો મોબાઈલમાં ટ્રાન્સફર કરી શકાય છે. " પ્રશાંત બોલ્યો.
એ પછી પ્રશાંતે પોતાના મોબાઈલમાં જે અગિયાર ફોટા ટ્રાન્સફર કર્યા હતા એ બધા જ અંજલીને અને વીણામાસીને બતાવ્યા.
ફોટા જોઈને અંજલીને એકદમ પ્રશાંતની વાતોમાં વિશ્વાસ આવી ગયો અને એની આંખો પણ ભીની થઈ ગઈ. માસીને પણ પ્રશાંત ઉપર પૂરો ભરોસો બેસી ગયો અને એમને ઘણી શાંતિ પણ થઈ. એમણે પણ પોતાનો ફોટો મોબાઇલમાં જોયો. કારણ કે આ ફોટો તો એ જ્યારે નાશિકથી અહીં આવ્યાં એ સમયનો હતો.
" મારે બીજી પણ એક વાત આન્ટી તમને પૂછવાની છે. ગુરુજીએ મને એકવાર કહ્યું હતું કે અભિષેકનો એક સગો ભાઈ પણ છે અને બંને જોડીયા છે. બંનેના ચહેરા એક સરખા છે અને એ પણ મુંબઈમાં જ રહે છે. શું તમે અભિષેકના જન્મ વિશે કંઈ જાણો છો ? માત્ર કુતુહલ ખાતર હું પૂછું છું. મને કોઈએ પૂછાવ્યું નથી. " પ્રશાંત ધીમે રહીને બોલ્યો.
આ પ્રશ્ન સાંભળીને વીણામાસી થોડીવાર માટે મૌન થઈ ગયાં. આ પ્રશ્ન ભવિષ્યમાં પૂછાશે એવી એમને કોઈ કલ્પના જ ન હતી. એ થોડીવાર માટે ભૂતકાળમાં સરી ગયાં.
" તમારા ગુરુજી જો આટલું બધું સચોટ જાણતા હોય તો માનવું જ પડે ભાઈ કે એ કોઈ સિદ્ધ મહાત્મા જ છે. આ વાત કોઈ જ જાણતું નથી. અભિષેક આ વાત જાણે છે કે નહીં એ પણ મને ખબર નથી અને કદાચ નહીં જ જાણતો હોય ! મને પણ પૂરી જાણકારી તો નથી જ કારણ કે હું તો નાશિક રહેતી હતી. પરંતુ મારી બહેન સ્નેહલતાને બે જોડકા દીકરાનો જન્મ થયો હતો એ મને ખબર છે." વીણા માસી ભૂતકાળને યાદ કરી કરીને બોલી રહ્યાં હતાં.
" જ્યારે મારા બનેવી બહુ જ આર્થિક તકલીફમાં આવી ગયા હતા ત્યારે આ બે બાળકોનો જન્મ થયો હતો. બંને બાળકો એકદમ સુંદર અને દેખાવડા હતા. મારા બનેવીના એક ખાસ મિત્ર હતા. નામ તો મને એમનું ખબર નથી પરંતુ એમની એક બહુ મોટી હોટલ હતી અને ખૂબ જ શ્રીમંત હતા. એમને કોઈ જ સંતાન ન હતું. " વીણામાસી ઇતિહાસ ઉખેળી રહ્યાં હતાં.
" મારા જાણવા મુજબ એમના એ મિત્રએ મારી બહેનના કોઈ એક દીકરાની દત્તક તરીકે માગણી કરી હતી અને સામે બહુ મોટી મદદ આપવાની વાત કરી હતી. મારા બહેન બનેવી વચ્ચે એક મહિના સુધી બહુ જ વાદવિવાદ થયા હતા પરંતુ છેવટે આર્થિક તકલીફ એટલી બધી હતી કે બંને બાળકોને મોટા કરવા અને મુંબઈ જેવા શહેરમાં ભણાવવા અઘરું કામ હતું એટલે તેમણે આ સોદો કબૂલ કર્યો હતો. એ વખતે અભિષેક અને અંકિત સાત આઠ મહિનાના હતા." વીણામાસી બોલી રહ્યાં હતાં.
અંજલી માટે તો આ સમાચાર એકદમ નવા હતા. એને બિચારીને તો કોઈ કલ્પના જ ન હતી કે અભિષેકનો કોઈ જોડીયા ભાઈ છે !! એ ધ્યાનથી માસીની વાત સાંભળી રહી હતી.
" અભિષેક ખૂબ જ નસીબદાર હતો. એના જન્મ પછી ધીમે ધીમે મારા બનેવીની આવક પણ વધવા લાગી. એમના મિત્રના પૈસા તો એમને મળેલા જ હતા પરંતુ એ ઉપરાંત પણ એમને ઘણી સાઈડ ઈન્કમ થવા લાગી અને એમણે દહીસરમાં આ ફ્લેટ પણ ખરીદી લીધો. જો કે અભિષેક ૧૪ ૧૫ વર્ષનો થયો એ પછી મારા બનેવી અચાનક ગુજરી ગયા.અને એ પછી મારી બહેનના જીવનમાં સંઘર્ષ ચાલુ થઈ ગયો. બધી મૂડી વપરાતી ગઈ. ઘણો સંઘર્ષ કરીને બહેને અભિષેકને ડોક્ટર બનાવ્યો." વીણામાસી બોલ્યાં.
" હા પણ હવે તો ડૉ. અભિષેક ઘણો સુખી છે અને અઢળક સંપત્તિનો માલિક પણ બન્યો છે એવું અભિષેકે જ મને કહ્યું હતું." પ્રશાંત બોલ્યો.
"હું તો એના સુખે સુખી છું ભાઈ. એણે તો આ એનું પોતાનું વિશાળ ઘર અમને રહેવા માટે આપી દીધું છે. એનું દિલ પણ ઉદાર છે. હું એને ક્યારે પણ એના અંગત જીવન વિશે કંઈ પૂછતી જ નથી. ભાણો શ્રીમંત બન્યો હોય તો મને તો એનો આનંદ છે. આ અંજલી મારા ભાણાની વહુ નથી પણ મારા પોતાના દીકરાની જ વહુ છે એમ હું માનું છું. પોતાનો દીકરો પણ ન રાખે એ રીતે અભિષેકે મને સાચવી છે ભાઈ. તમને મળીને આજે ખૂબ જ આનંદ થયો છે. હવે તમારા માટે હું શું લાવું ? " વીણામાસી બોલ્યાં.
" મને ખાલી એક કપ દૂધ આપી દો. કારણ કે અમે લોકો શિબિરમાં ચા કોફી કંઈ લેતા નથી. અને તમારે અભિષેકને કોઈ સમાચાર આપવા હોય તો પણ મને કહી શકો છો. હું પરમ દિવસે શિબિરમાં પહોંચી જઈશ." પ્રશાંત બોલ્યો.
" અભિષેકને માત્ર એટલું જ કહેજો કે અંજલી કાગડોળે એની રાહ જોઈ રહી છે અને એ અભિષેકના સંતાનની મા બનવાની છે. અભિષેકના વિરહમાં ઝૂરી રહી છે. તમે ગુરુજીને પણ વિનંતી કરજો કે એક વાર પોતાની ગર્ભવતી પત્નીને મળવા માટે માત્ર બે દિવસની રજા અભિષેકને આપે. એને જોવા માટે અમારી આંખો પણ તરસી રહી છે !" બોલતાં બોલતાં ભાવુક થઈને વીણામાસીની આંખોમાં પણ જળજળિયાં આવી ગયાં.
" જી તમારો સંદેશો હું અભિષેકને પણ આપીશ અને ગુરુજીને પણ વિનંતી કરીશ." પ્રશાંત બોલ્યો.
આ બધી લાગણીભરી વાતો સાંભળી સાંભળીને પ્રશાંતનું પણ હૃદય ભરાઈ આવ્યું હતું. પોતાનાથી અજાણતાં થઈ ગયેલા અપરાધની લાગણી એના હૃદયને કોરી ખાતી હતી.
છતાં આજે ઘણું સત્ય એની સામે આવ્યું હતું એનો એને આનંદ હતો. હવે આ જ વાતની ચર્ચા ધીમે ધીમે વલ્લભદાસ શેઠ પાસે પણ કરવી જ પડશે અને સત્યને બહાર લાવવું જ પડશે. પણ એના માટે થોડો સમય લેવો પડશે કારણ કે હમણાં જ અંકિત પાછો ફરેલો છે એટલે એકદમ શાલ્વીને અને વલ્લભદાસને આઘાત આપવો યોગ્ય નથી.
વીણામાસી ખાંડ નાખીને થોડું દૂધ ગરમ કરી કાચના એક ગ્લાસમાં લઈ આવ્યાં અને પ્રશાંતના હાથમાં આપ્યું.
એ પછી પ્રશાંત ઉભો થયો અને અંજલીને આશ્વાસન આપ્યું.
" અંજલી તમે જરા પણ ચિંતા ના કરશો. હું ગુરુજીને ચોક્કસ વાત કરીશ. રજા મળશે કે નહીં એની ખાતરી નથી આપતો પણ વાત ચોક્કસ કરીશ. અને તમારા પ્રેગ્નન્સીના સમાચાર તો હું સૌથી પહેલાં આપવાનો છું. મારે તો આશ્રમમાં એની પાસેથી પાર્ટી પણ લેવી પડશે. અને તમને વાંધો ના હોય તો તમારો આ પ્રેગ્નન્સીનો એક ફોટો લઈ લઉં ? અભિષેક ખુશ થઈ જશે. " પ્રશાંત હસીને બોલ્યો. પ્રશાંત કંઈક વિચારીને આ બોલ્યો હતો.
" અરે ચોક્કસ લઈ લો ને ભાઈ. અભિષેકને જ બતાવવાનો છે ને ! એ તો બિચારો ખૂબ ખુશ થઈ જશે. " વીણામાસીએ જવાબ આપ્યો.
અને પ્રશાંતે પોતાના મોબાઈલથી અલગ અલગ એંગલથી અંજલીના બે સ્નેપ લઈ લીધા. વીણામાસીના ડ્રોઈંગ રૂમમાં જે મોટો ફોટો લટકાવેલો હતો એનો પણ એક ફોટો એણે પાડી દીધો. એ પછી એ બંનેને નમસ્કાર કરીને બહાર નીકળી ગયો.
આજનો એનો અભિનય ખૂબ જ સરસ રહ્યો અને અંજલીને અને વીણામાસીને પણ સંતોષ થયો. સાથે સાથે ઘણી બધી માહિતી પણ મળી ગઈ. આ પરિવાર માટે કંઈક કર્યાનો આનંદ પણ એને થયો.
પરંતુ પ્રશાંતને ક્યાં ખબર હતી કે એને આ બધો વેશ બદલાવીને અહીં મોકલવાની પ્રેરણા અભિષેકના મહાન ગુરુજી સ્વામી નિર્મલાનંદજીએ જ આપી હતી !! અંજલીને આશ્વાસન આપવા એણે જે પણ વાતો કરી એની પાછળ પણ ગુરુજીનો જ દોરી સંચાર હતો !!!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

