અભિષેક (Abhishek Novel Part-50)

Related

અભિષેક પ્રકરણ 50

મુંબઈના પ્રસિદ્ધ ડિટેક્ટીવ પ્રશાંત વૈદ્યે અભિષેકના ઘરે જઈને પોતાનો રોલ ખૂબ જ સરસ રીતે નિભાવ્યો હતો. બદ્રીનાથ રોડ ઉપર આવેલા એક આશ્રમમાં પોતે શિબિરાર્થી છે અને ડૉ. અભિષેકનો સંદેશો લઈને આવ્યો છે એવી રીતે એણે અંજલી અને વીણામાસી સાથે વાત કરી હતી અને એમને ઘણી શાંતિ આપી હતી.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

અભિષેકના મોબાઇલમાંથી કેટલાક ફોટા પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરીને એણે અંજલી અને વીણામાસીને બતાવ્યા હતા અને એ રીતે એમનો વિશ્વાસ પણ જીતી લીધો હતો. એમની પાસેથી અભિષેક વિશેની કેટલીક વાતો પણ એણે જાણી લીધી હતી. અભિષેક અને અંકિત બે સગા જોડીયા ભાઈ છે એ વાત પણ એણે વીણામાસી પાસેથી જાણી લીધી.

નક્ષત્ર ટાવર્સમાંથી બહાર આવ્યા પછી પ્રશાંત પોતાની ગાડીમાં બેઠો અને નેપકીનથી કપાળ ઉપરનું તિલક ભૂસી નાખ્યું. ગળામાંથી માળા કાઢી નાખી. માથા ઉપર કેપ પહેરી લીધી. ઓફિસે પહોંચીને લેંઘો અને ઝભ્ભો કાઢી નાખ્યા અને પેન્ટ ટીશર્ટ પહેરી લીધાં.

હવે એનું બીજું મિશન એણે અંકિત ઉપર એટલે કે અસલી અભિષેક ઉપર ફોકસ કરવાનું હતું અને એને એકવાર રાજકોટ લઈ જવાનો હતો. રાજકોટ ગયા પછી અને ખાસ કરીને હોસ્પિટલ ગયા પછી બની શકે કે ધીમે ધીમે એની યાદદાસ્ત પાછી આવી જાય. પરંતુ અત્યારે એવી કોઈ ઉતાવળ ન હતી. સમયની થોડી પ્રતીક્ષા કરવાની જરૂર હતી. શાલ્વીનો સુખી સંસાર ફરી પાછો ડિસ્ટર્બ થઈ જાય એવું એ ઇચ્છતો ન હતો.

પ્રશાંત નીકળી ગયા પછી વીણામાસી અને અંજલીને ખૂબ જ શાંતિ મળી હતી. એમની અભિષેક વિશેની બધી ચિંતા દૂર થઈ ગઈ હતી અને એક આશા પણ પેદા થઈ હતી. પ્રશાંતે ખાતરી આપી હતી કે એ ગુરુજીને વિનંતી કરશે કે બે ત્રણ દિવસ માટે ગુરુજી અભિષેકને ઘરે આવવાની રજા આપે. આ એક વાત એમના માટે બહુ મોટું સાંત્વન હતી.

સાંજે આરતી હોસ્પિટલથી ઘરે આવી ગઈ એટલે રાત્રે જમતી વખતે વીણામાસીએ એની સાથે પણ પ્રશાંતની બધી વાતો શેર કરી.

" બેટા આજે તો એક ખુશ ખબર આપણને મળ્યા છે. અભિષેક અત્યારે હિમાલય તરફ કોઈ શિબિરમાં છે. એની સાથે જ સાધના કરતા એક પ્રશાંતભાઈ સવારે આપણા ઘરે આવ્યા હતા અને અભિષેકના સમાચાર આપ્યા હતા. એમણે એમના મોબાઈલમાંથી અભિષેકના બધા ફોટા પણ બતાવ્યા. એ ભાઈના દાદા ગુજરી ગયા છે એટલે એ ખાસ ત્રણ દિવસની રજા લઈને આવ્યા છે. દાદા ગુજરી જશે એવા સમાચાર પણ ગુરુજીએ જ એને આપ્યા હતા. " વીણામાસી આરતી સાથે વાત કરી રહ્યાં હતાં.

" એમણે શું સમાચાર આપ્યા ભાઈ વિશે ?" આરતી બોલી.

" બસ એ શિબિરમાં છે અને એ લોકોની સાધના ચાલુ છે. વડોદરા ગાડી મૂકીને આ ભાઈની ગાડીમાં અભિષેક આબુ રોડ ગયો હતો અને ત્યાંથી ટ્રેઈનમાં ઋષિકેશ પહોંચી ગયો હતો. ત્યાંથી એ લોકો આશ્રમમાં ગયા હતા. પ્રશાંતભાઈને એણે જ મોકલ્યા હતા. અમે એ ભાઈને કહ્યું કે ગુરુજીને વિનંતી કરો કે અંજલી પ્રેગનેન્ટ હોવાથી બે દિવસ માટે એકવાર એ ઘરે આવવાની રજા આપે. એમણે ખાતરી આપી છે. " માસી ઉત્સાહથી બોલ્યાં.

" વાઉ !! આ તો બહુ જ સારા સમાચાર છે. પરંતુ મમ્મી મેં ખરેખર ભાઈને તે દિવસે બોરીવલીમાં જોયા હતા. હું સાચું જ કહું છું. ભાઈ જો ત્યાં શિબિરમાં જ હોય તો પછી મેં એમને સગી આંખે અહીં જોયા એ ખોટું ?" આરતી બોલી.

" ના તેં જે જોયું છે એ પણ સાચું જ છે. તે દિવસે તેં મને અભિષેક વિશે સમાચાર આપ્યા હતા કે ભાઈને મેં બોરીવલીમાં જોયા છે ત્યારે મેં બહુ રિએક્શન આપ્યું ન હતું. કારણ કે મને ખાતરી જ હતી કે જો એ ખરેખર અભિષેક હોય તો ઘરે આવ્યા વગર રહે જ નહીં. એ અંજલીને મળવા આવે જ. તેં જે જોયો એ અભિષેક નહીં પણ એનો જોડકો ભાઈ છે ! " વીણામાસી બોલ્યાં.

"અભિષેકભાઈનો જોડિયા ભાઈ !! મમ્મી આ વાત તો ક્યારે પણ તેં મને કરી જ નથી !!" આરતી એકદમ આશ્ચર્યથી બોલી.

" અરે બેટા એ વાત તો હું પણ ભૂલી જ ગઈ છું. એ એક જૂનો ભૂતકાળ છે અને એને યાદ કરવાનો કોઈ મતલબ પણ નથી એટલે એ વાત મેં કદી કાઢી જ નથી. આ તો પ્રશાંતભાઈએ મને આવો સવાલ કર્યો એટલે મારે બધું યાદ કરીને જવાબ આપવો પડ્યો. મારી બહેન સ્નેહલતા કહેતી હતી કે આ વાત અભિષેકને પણ ખબર નથી. કારણ કે એના ભાઈને દત્તક આપી દીધો ત્યારે એ માત્ર સાત આઠ મહિનાનો હતો ! " માસી બોલ્યાં.

" પરંતુ તો પછી આ સવાલ પ્રશાંતભાઈના મગજમાં કેવી રીતે આવ્યો ? એમણે તને આવો સવાલ કેમ પૂછ્યો ? " આરતી બોલી.

" બેટા અભિષેકના જે ગુરુજી છે એ કોઈ સિદ્ધ મહાત્મા લાગે છે. એ ઘણું બધું જાણી શકે છે. એમણે જ પ્રશાંતને આ વાત કરી. પ્રશાંતના દાદા ત્રણ દિવસ પછી ગુજરી જવાના છે એ વાત પણ એ ગુરુજીએ જ પ્રશાંતને કરી અને એને મુંબઈ મોકલ્યો. એટલા માટે જ પ્રશાંતે મને સીધો સવાલ કર્યો અને મારે બધું યાદ કરીને એને સાચો જવાબ આપવો પડ્યો. એ ભૂતકાળ તો હું પણ ભૂલી જ ગઈ હતી. આપણે પણ એ બધું યાદ કરવાની હવે જરૂર નથી. " વીણા માસી બોલ્યાં.

" માસીની વાત સાચી છે આરતીબેન. એ બધી વાતો એક ભૂતકાળ છે અને આપણે એને યાદ કરવાની કોઈ જરૂર જ નથી. " છેલ્લે છેલ્લે અંજલી બોલી.

દિવસો પસાર થતા ગયા. જુલાઈ મહિનામાં અભિષેકે રાજકોટ છોડ્યું હતું. ફેબ્રુઆરી મહિનો પણ આવી ગયો. અંજલીને સાતમો મહિનો ચાલુ થઈ ગયો. હવે એ મોટાભાગે આરામ જ કરતી હતી અને વીણામાસી એની ખૂબ જ સંભાળ રાખતાં હતાં.

અંજલી તો અભિષેક સાથે દસ દિવસ રહીને પ્રેગ્નન્ટ બની ગઈ હતી પરંતુ બીજી બાજુ અંકિતને આવી ગયાને સાત મહિના જેવો સમય પસાર થઈ ગયો હોવા છતાં પણ શાલ્વીને હજુ કોઈ સારા દિવસો દેખાતા ન હતા. અને એની સૌથી વધારે ચિંતા શાલ્વીને પોતાને જ હતી ! તે દિવસે સાગર હોટલમાં ખૂબસૂરત અંજલીને પ્રેગ્નન્ટ જોઈને શાલ્વીને પણ માતૃત્વના કોડ જાગ્યા હતા.

અને આ ચિંતા માત્ર શાલ્વીને જ નહીં પરંતુ વલ્લભદાસ શેઠ તેમજ કામિનીબેનને પણ હતી.

" અંકિત બેટા સમય હવે પાકી ગયો છે. તને ઘરે આવ્યાને સાત મહિના થઈ ગયા. એક વાર તમે લોકો ગાયનેક ડોક્ટર પાસે જઈને ચેક અપ તો કરાવી લો ! સંતાન વિશે તમારે હવે વિચારવું જોઈએ."

સવારે ચા પીતી વખતે કામિનીબેને અંકિત અને શાલ્વીને સંબોધીને કહ્યું.

" મમ્મી હું પણ એ જ વિચારી રહી છું. બોરીવલીમાં અમારા ઘરની નજીક જ મેટરનીટી હોસ્પિટલ છે. પપ્પાએ જ એ હોસ્પિટલનું ઇન્ટિરિયર ગયા વર્ષે કરેલું છે એટલે લેડી ડોક્ટર પપ્પાને પણ સારી રીતે ઓળખે છે. આવતા શનિવારે હું બોરીવલી જઈશ અને મમ્મીને લઈને ક્લિનિક ઉપર જઈ આવીશ." શાલ્વી બોલી.

" બસ એકવાર તમે જઈ આવો એટલે આપણને ખબર તો પડે. કંઈ તકલીફ હોય તો ટ્રીટમેન્ટ પણ ચાલુ થઈ જાય. હવે વધુ રાહ જોવાનો કોઈ મતલબ નથી. " કામિનીબેને વાત પૂરી કરી.

ચાર દિવસ પછી જ શનિવાર આવતો હતો. આગલા દિવસે જ વાત થઈ ગઈ હતી એટલે સવારે જમવાનો પ્રોગ્રામ પણ જૈમિનભાઈના ઘરે જ રાખ્યો હતો. અંકિત શાલ્વીને લઈને સવારે સાડા આઠ વાગે નીકળી ગયો અને દસ વાગ્યા સુધીમાં ચંદાવરકર લેનના છેડે મયૂર ટાવર પહોંચી ગયો.

બાભાઈ નાકા પાસે આવેલી સેફ્રોન મેટરનિટી હોસ્પિટલની સવારે ૧૧ વાગ્યાની એપોઇન્ટમેન્ટ જૈમિનભાઈએ લીધેલી હતી. અંકિતે શાલ્વીને અને સુષ્માબેનને ક્લિનિક પાસે ઉતારી દીધાં અને ગાડીનો યુ ટર્ન લઈને ગાડી પાછી મયૂર ટાવર તરફ લીધી.

અંકિતને અંદરથી એવું લાગતું હતું કે આ એરિયામાં એ પહેલાં પણ આવી ગયેલો છે. પરંતુ એણે મન મનાવી લીધું કે એનું સાસરું જ આ એરિયામાં છે એટલે ભૂતકાળમાં આવ્યો જ હોય !

શાલ્વી અને એની મમ્મી ઉપર નર્સિંગ હોમમાં પહોંચી ગયાં. હજુ અગિયાર વાગવામાં દસ મિનિટ બાકી હતી અને ડોક્ટરની કેબિનમાં કોઈ પેશન્ટ પણ હતું.

દસેક મિનિટ રાહ જોયા પછી ડોક્ટરની કેબિનમાંથી બે યુવતીઓ બહાર નીકળી. એક હતી અંજલી અને બીજી હતી એની નણંદ આરતી !

અંજલીને સાતમો મહિનો ચાલતો હતો એટલે એ રૂટિન ચેકઅપ માટે આવી હતી. આ સેફ્રોન મેટરનિટી હોસ્પિટલ આરતી જ્યાં નોકરી કરતી હતી એ હોસ્પિટલની નજીક જ હતી એટલે એણે શરૂઆતથી જ અંજલી નું નામ અહીં જ લખાવેલું હતું.

" અરે અંજલીબેન તમે !! વ્હોટ આ સરપ્રાઈઝ !! હું તો તમને જોઈને જ ઓળખી ગઈ. તે દિવસે રાત્રે આપણે સાગર હોટલમાં મળ્યાં હતાં યાદ છે ?" શાલ્વી એકદમ ઉત્સાહથી બોલી.

" બિલકુલ યાદ છે પણ તમારું નામ હું ભૂલી ગઈ છું. ઇન્ટિરિયર ડિઝાઇનર જૈમિન શાહ તમારા પપ્પા છે એટલું યાદ છે. " અંજલી બોલી.

" શાલ્વી. શાલ્વી મારું નામ. મારે તમારી સાથે ઘણી વાતો કરવી છે. પ્લીઝ તમે થોડું રોકાઓ ને ! હું દસ પંદર મિનિટમાં જ બહાર આવું છું. અત્યારે મારી એપોઇન્ટમેન્ટ છે. " શાલ્વીએ રિક્વેસ્ટ કરી.

" તમે જઈ આવો. હું અહીં બેઠી છું. અમારે ઘરે જવાની એવી કોઈ ઉતાવળ નથી." અંજલી બોલી એટલે શાલ્વી મમ્મીને લઈને અંદર ગઈ.

લેડી ડોક્ટર જૈમિનભાઈને સારી રીતે ઓળખતાં હતાં એટલે એમણે ખૂબ જ ઝીણવટપૂર્વક લગભગ પંદર મિનિટ સુધી શાલ્વીના ગર્ભાશયનું ચેકીંગ કર્યું. એ પછી સોનોગ્રાફીના રૂમમાં ગયાં અને ગર્ભાશયની સોનોગ્રાફી પણ કરી દીધી. બહાર આવ્યા પછી એમણે શાલ્વીને કેટલાક સવાલો પણ પૂછ્યા.

"જુઓ સુષ્માબેન શાલ્વીને ઓવરીઝ નો પ્રોબ્લેમ છે અને ફોલિકલ્સ પણ જોઈએ એવા ડેવલપ થતા નથી. એટલા માટે જ પિરિયડ પણ રેગ્યુલર આવતો નથી. ટ્રીટમેન્ટ તો બહુ લાંબી કરવી પડશે. પાંચ છ મહિના સુધી ઇન્જેક્શનનો કોર્સ કર્યા પછી રિપોર્ટ જોવા પડે. અને એ પછી જ પ્રેગ્નન્સી વિશે ચોક્કસ કહી શકાય." ડૉક્ટર મેડમ બોલી.

" હું સમજી નહીં ડૉક્ટર. કોર્સ કર્યા પછી જ પ્રેગ્નન્સી વિશે ચોક્કસ કહી શકાય એટલે ? શું મને પ્રેગ્નન્સી નહીં આવે એવું લાગે છે તમને ? " શાલ્વી એકદમ ટેન્શનમાં આવી ગઈ.

"અરે ના ના બેટા તું ખોટું સમજી. મારા કહેવાનો મતલબ કે આ કોર્સ પતી જાય પછી જ ખરેખર પ્રેગ્નન્સી ક્યારે શરૂ થશે એ સ્પષ્ટ કહી શકાય. અત્યારે તો જે પ્રોબ્લેમ છે એને જ સૉર્ટ આઉટ કરવો પડે. " ડોક્ટર મેડમે વાતને થોડીક વાળી લીધી.

" બેન જે ટ્રીટમેન્ટ તમારે કરવી હોય તે કરો પરંતુ મારી દીકરી પ્રેગનેન્ટ થવી જ જોઈએ. અંકિત અમારા વેવાઈના એકના એક દીકરા છે અને એમની પેઢી ચાલુ રહેવી જ જોઈએ. અને અમારી ઈચ્છા કુદરતી પ્રેગ્નન્સી આવે એવી છે. બાકી આઈવીએફ તો થતાં જ હોય છે ! " સુષ્માબેન બોલ્યાં.

"તમે ચિંતા ના કરો સુષ્માબેન. શાલ્વી પણ મારી દીકરી જેવી જ છે અને મારાથી બનતી બધી જ કોશિશ કરીશ કે એને કુદરતી પ્રેગ્નન્સી આવે. બસ થોડી રાહ જોવી પડશે. " મેડમ બોલ્યાં.

" આમ પણ આટલી રાહ તો જોઈ જ છે એટલે રાહ જોવામાં મને વાંધો નથી. અંકિતને પણ મારી પાસેથી ઘણી આશા છે. હું એમને નિરાશ કરવા નથી માગતી. " શાલ્વી બોલી અને એની આંખો ભીની થઈ ગઈ.

એ પછી ડોક્ટરે ઇન્જેક્શન અને ગોળીઓનું પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું અને જરૂરી સૂચનાઓ પણ આપી.. ગોળીઓ કાલથી ચાલુ કરી દેવાની હતી જ્યારે ઇન્જેક્શન દર અઠવાડિયે એક વાર લેવાનું હતું અને એ કોઈપણ ડૉક્ટર પાસે લઈ શકાય એવું હતું.

શાલ્વી મમ્મીને લઈને કેબિનમાંથી બહાર આવી. બહાર વેઇટિંગ રૂમમાં અંજલી અને આરતી બેઠેલાં જ હતાં.

" સોરી અંજલીબેન થોડુંક મોડું થઈ ગયું. ચેક અપ કરવામાં વાર વધારે લાગી. " શાલ્વી બોલી.

" તમારે મને સોરી કહેવાનું ના હોય શાલ્વીબેન. અને તમે મને માત્ર અંજલી કહો આપણા બંનેની ઉંમર લગભગ સરખી જ છે." અંજલી હસીને બોલી.

" તમને મેં પહેલીવાર જોયાં ત્યારથી જ મને તમારા તરફ આકર્ષણ થયું છે. ખરેખર તમે બહુ જ ખૂબસૂરત લાગો છો. અને પ્રેગ્નન્સીમાં તો તમારું રૂપ ઓર ખીલ્યું છે ! મેં તો અંકિત સામે પણ તમારાં વખાણ કર્યાં હતાં." શાલ્વી બોલી.

" અરે તમે મને ચણાના ઝાડ ઉપર ના ચડાવો. તમે પણ સુંદર જ લાગો છો." અંજલી બોલી તો ખરી પણ ઊંડે ઊંડે એણે નિઃસાસો પણ નાખ્યો કે મારા પ્રેગ્નન્સીથી ખીલેલા આ સૌંદર્યને જોનારો મારો અભિષેક તો કોશો દૂર જતો રહ્યો છે !

" હું બે મિનિટ જરા અંકિતને બોલાવી લઉં. અહીં આપણાથી વધુ વાર બેસાય નહીં. " શાલ્વી બોલી અને એણે ફોન કરીને અંકિતને જલ્દી આવી જવા કહ્યું.

" અંકિત બે પાંચ મિનિટમાં જ આવી જશે. ચાલો આપણે નીચે જઈએ. તમે લોકો કેવી રીતે આવ્યાં છો ? " શાલ્વી બોલી.

" અમે દહીસરથી રિક્ષામાં આવ્યાં. આ મારાં નણંદ આરતીબેન છે અને એ અહીં નજીકમાં જ હોસ્પિટલમાં નર્સ છે. આજે એમની ડ્યુટી બપોરે બે વાગે છે એટલે અમે લોકો સવારે જ આવી ગયાં. " અંજલી બોલી.

એ પછી એ લોકો લિફ્ટમાં નીચે ઊતર્યાં. અંકિતને આવવામાં પાંચ દસ મિનિટ લાગી શકે. સામે થોડેક જ દૂર દિપક રેસ્ટોરન્ટ હતું એટલે શાલ્વીએ ત્યાં જ સમય પસાર કરવાનું નક્કી કર્યું.

" ચાલો આપણે સામે દીપકમાં નાળિયેર પાણી પી લઈએ. તમારી આ અવસ્થામાં નાળિયેર પાણી સારુ. એમાં પોટેશિયમ બહુ જ હોય. " શાલ્વી બોલી.

એ પછી એ લોકો ધીમે ધીમે ચાલીને દિપક રેસ્ટોરન્ટ સુધી ગયાં. ત્યાં બેસીને ચાર નાળિયેર પાણીનો ઓર્ડર આપ્યો.

" અંજલી તમને લોકોને વાંધો ન હોય તો મારા ઘરે આવો ને ! ગાડી લઈને અંકિત આવે જ છે. થોડી વાતો કરીશું. એવું હશે તો અમે તમને તમારા ઘરે દહીસર સુધી મૂકી જઈશું. " શાલ્વી બોલી.

" ફરી ક્યારેક ગોઠવીશું શાલ્વી. સાડા અગિયાર વાગી ગયા છે. આરતીબેનને હોસ્પિટલમાં બે વાગ્યાની ડ્યુટી છે. હજુ ઘરે જઈને જમવાનું છે. એ પછી એમણે દોઢ વાગે ઘરેથી નીકળી જવું પડે. " અંજલી બોલી.

" તો પછી એક કામ કરીએ. મમ્મીને મયૂર ટાવર ઉતારીને અમે તમને તમારા ઘર પાસે ઉતારી દઈએ છીએ. ગાડીમાં જ થોડી વાતો કરી લઈશું. " શાલ્વી બોલી.

એ પછી એ લોકોએ શાંતિથી નાળિયેર પાણી પી લીધું. કાઉન્ટર ઉપર પૈસા ચૂકવીને અંકિતની રાહ જોવા લાગ્યા.

વાત થઈ હતી એટલે અંકિત ગાડી લઈને સીધો દીપક રેસ્ટોરન્ટ આવ્યો. ગાડી સાઈડમાં પાર્ક કરી.

શાલ્વી ગાડી પાસે ગઈ અને અંકિતને પણ નીચે ઉતરીને નાળિયેર પાણી પીવાની વાત કરી. અંકિત નીચે ઊતર્યો.

એ સાથે જ ત્રણ વ્યક્તિઓના જુદા જુદા પ્રતિભાવોનું જાણે કે અહીં વમળ સર્જાઈ ગયું !

આરતી અંકિતને નજીક આવતો જોઈ રહી. એ તો સારું થયું કે મમ્મીએ એને અભિષેકનો આબેહુબ જોડીયા ભાઈ મુંબઈમાં છે એવી એને તે દિવસે જ વાત કરી હતી નહીં તો એ એને ભેટી પડી જ હોત. કોઈ જ ફરક નહીં. તસુ ભાર પણ ફરક નહીં !!

અંકિતને જોઈને અંજલીના શ્વાસ થંભી ગયા. એની આંખોએ મટકું મારવાનું બંધ કરી દીધું. અભિષેકનો આ જોડિયા ભાઈ હોઈ જ ના શકે. એની આંખો કદી પણ ધોખો ના ખાઈ શકે. અભિષેકનું એણે પડખું સેવ્યું છે ! અભિષેકના લોહીની સુગંધ એ પારખી શકે છે. ના આ અભિષેક જ છે. પણ મને જોઈને એ કેમ કોઈ રિએક્શન નથી આપતા !!

તો એવી જ હાલત અંકિતની પોતાની પણ હતી. અંજલી સામે એ જોઈ જ રહ્યો. ગમે તેમ તોયે પાછલા જન્મોનો એની સાથેનો સંબંધ હતો અને યાદદાસ્ત જતી રહી એ પહેલાં અંજલી એના જીગરનો ટૂકડો હતી. એના સબકોન્સીયસ માઈન્ડમાં અંજલી જડાઈ ગઈ હતી ! એને એ કેવી રીતે ભૂલી શકે ? એ બસ એની સામે એક નજરે જોઈ જ રહ્યો.

" અંકિત આ અંજલી છે. મેં તમને તે દિવસે કહ્યું હતું ને કે અંજલી જેવી ખૂબસૂરત યુવતી આજ સુધી મેં જોઈ નથી. તમે પણ એને જોઈને ચક્કર ખાઈ ગયા ને !! અરે હું પણ એના પ્રેમમાં પડી ગઈ છું. તમારી તો પછી વાત જ શું કરવી !!" શાલ્વી હસીને બોલી.

શાલ્વીના શબ્દોથી અંકિત હોશમાં આવ્યો. અંજલીને જોઈને ખરેખર એ ઘણી બધી અસમંજસમાં પડી ગયો હતો. એના મગજમાં અનેક તરંગો ઊભા થયા હતા. દરિયાના એક મોજાની સાથે ક્યારેક એ દૂર તણાઈ જતો હતો તો બીજું મોજું એને અંજલીની સાવ નજીક લાવતું હતું ! ભૂતકાળ અને વર્તમાન વચ્ચે અંકિત અથડાઈ રહ્યો હતો !
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

"અભિષેક" નવલકથા - અનુક્રમણિકા પર જવા માટે :☞અહીં ક્લિક કરો
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."