અભિષેક (Abhishek Novel Part-51)

Related

અભિષેક પ્રકરણ 51

પ્રશાંત વૈદ્ય પોતાની ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીની ઓફિસમાં બેઠો હતો અને અભિષેક વિશે ગંભીરતાથી વિચાર કરી રહ્યો હતો. અભિષેકના દહીસરના ફ્લેટ ઉપર વેશપલટો કરીને એ ગયો હતો અને એના પરિવારને આશ્વાસન પણ આપ્યું હતું.

અભિષેક નવલકથા by આવકાર
અભિષેક નવલકથા

હવે મુખ્ય કામ અંકિતને શોધવાનું જ હતું. એને હવે પાક્કી ખાતરી પણ થઈ ગઈ હતી કે વલ્લભદાસ શેઠના ઘરે અંકિત તરીકે એણે જેને ગોઠવ્યો હતો એ તો ડૉ. અભિષેક જ હતો. તો હવે સાચો અંકિત ક્યાં હશે એ શોધ કરવાની બાકી હતી.

એક વિચાર ગમે તેમ કરીને અંકિતને રાજકોટ લઈ જઈ એ જ્યાં જોબ કરતો હતો એ પરિમલ હોસ્પિટલમાં લઈ જવાનો હતો. એ સિવાય એ જ્યાં રહેતો હતો એ ચંદારાણા ટાવર્સના ફ્લેટ ઉપર પણ એને લઈ જવો હતો જેથી એની યાદદાસ્ત પાછી આવે !

પરંતુ અભિષેકની યાદદાસ્ત પાછી લાવતા પહેલાં અંકિત વિશે જાણવું ખૂબ જ જરૂરી હતું. અંકિત વિશે જો સાચી માહિતી મળી જાય તો જ અભિષેકને એના ભૂતકાળમાં પાછો લાવી શકાય અને અંજલી સાથે જોડી શકાય.

આ માટે વલ્લભદાસને મળવું ખૂબ જ જરૂરી હતું. વલ્લભદાસે રજનીકાંત પાસેથી અંકિતને દત્તક લીધો હતો એ તો એણે વીણાબેન પાસેથી જાણી લીધું હતું એટલે અંકિતની સાચી માહિતી વલ્લભદાસ જ આપી શકે તેમ હતા.

" શેઠ હું પ્રશાંત વૈદ્ય બોલું છું. મારે તમને એકવાર મળવું છે. તો ક્યારે અને ક્યાં મળી શકાય ? " પ્રશાંતે વલ્લભદાસને ફોન લગાવ્યો.

" દિવસે મળવું હોય તો હોટલ ઉપર મળી શકાય અને રાત્રે મળવું હોય તો ઘરે આવી શકો છો. સવારે તો દોડાદોડી હોય છે એટલે સવારે મળવાની મજા નહીં આવે. " શેઠ બોલ્યા.

" ઠીક છે તો પછી કાલે સાંજે ચાર વાગે હોટલ ઉપર જ આવું છું. " પ્રશાંત બોલ્યો.

બીજા દિવસે પ્રશાંત સમયસર વલ્લભદાસ શેઠની જૂહુ તારા રોડ ઉપર આવેલી હોટલે પહોંચી ગયો.

હોટલમાં મોટા શેઠની એટલે કે વલ્લભદાસની અને નાના શેઠ અંકિતની ઓફિસ અલગ અલગ હતી.

" આવો આવો પ્રશાંતભાઈ. આજે તો સામેથી તમે મને મળવા માટે આવ્યા. સૌથી પહેલાં બોલો શું લેશો ? " શેઠ બોલ્યા.

" કોફી મંગાવી દો. ચા પણ પી લઉં છું પરંતુ કોફી થોડી વધારે ભાવે છે. " પ્રશાંત હસીને બોલ્યો.

શેઠે ઇન્ટરકોમ ઉપર એક કોફીનો ઓર્ડર આપી દીધો.

" હવે બોલો. મને મળવાની તમને કેમ જરૂર પડી ? તમારા પ્રયત્નોથી મારો અંકિત તો મને પાછો મળી ગયો છે. " વલ્લભદાસ બોલ્યા.

" હા અંકિતને શોધવાનું કામ તો પૂરું થઈ ગયું છે શેઠ. પરંતુ કોઈ પણ કામ હાથમાં લઈએ એટલે એના વિશેની આખી હિસ્ટ્રી અમારે લખવી પડતી હોય છે. અંકિતને શોધવા માત્રથી અમારું કામ પૂરું થઈ જતું નથી. એક આખો રેકોર્ડ અમારે બનાવવો પડતો હોય છે શેઠ. એટલે કેટલાક પ્રશ્નો લઈને આવ્યો છું અને આશા રાખું છું કે તમારી પાસેથી સાચા જવાબો જ મળશે. " પ્રશાંત વલ્લભદાસ સામે જોઈને બોલ્યો.

" જવાબો તો મેં તમને હંમેશાં સાચા જ આપ્યા છે. અને ખોટું બોલવાની કે છૂપાવવાની મને કોઈ ટેવ પણ નથી." વલ્લભદાસ બોલ્યા. આજે એમને પ્રશાંતનો આ સવાલ ન ગમ્યો.

" અરે નહીં નહીં. મારા કહેવાનો એવો મતલબ છે જ નહીં. અમે ડિટેક્ટિવ રહ્યા એટલે અમારી ભાષા જ એવી હોય. અમારા દરેક કસ્ટમર સાથે અમે આવી રીતે જ વાત કરતા હોઈએ છીએ. એક આદત પડી ગઈ છે શેઠ." પ્રશાંત હસીને બોલ્યો અને વાતને વાળી લીધી.

" હા, એ વાત પણ તમારી સાચી છે. હવે પૂછો તમારે જે પણ પૂછવું હોય તે. " વલ્લભદાસ ઠંડા થયા.

" અમારી તપાસમાં એવું જાણવા મળ્યું છે કે અંકિત તમારો સગો દીકરો નથી. પરંતુ તમારા જૂના સ્વર્ગસ્થ મિત્ર રજનીકાન્ત મુનશીનો દીકરો છે. એ જ્યારે છ આઠ મહિનાનો હતો ત્યારે તમે દત્તક લીધેલો. " પ્રશાંત શેઠની આંખોમાં આંખો પરોવીને બોલ્યો.

અને જાણે પોતાના પગ ઉપર સાપ ચડતો જોઈ ગયા હોય એમ શેઠ વલ્લભદાસ ખુરશીમાં ઉછળી પડ્યા. એમને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે આવો સવાલ આ ડિટેક્ટિવ મને પૂછશે. આ વાત વલ્લભદાસ અને એમની પત્ની કામિની સિવાય કોઈ જ જાણતું ન હતું તો પછી આ પ્રશાંત પાસે આટલી બધી ખાનગી માહિતી કેવી રીતે આવી ગઈ !!

બે ત્રણ મિનિટ સુધી વલ્લભદાસ મૌન થઈ ગયા. એટલામાં વેઇટર કોફી લઈને આવ્યો એટલે એમણે પ્રશાંતને કોફી લેવાનું કહ્યું.

પ્રશાંતે કોફી પીવાનું ચાલુ કર્યું અને કોફીની ચુસ્કી લેતાં લેતાં વલ્લભદાસ શેઠની કેબિનમાં એ ચારે તરફ પોતાની ચકોર નજર ફેરવતો રહ્યો. શેઠની રિવોલ્વિંગ ચેરની પાછળની દીવાલ ઉપર એક જગ્યાએ એની નજર સ્થિર થઈ. એક મોટું રંગીન સ્ટીકર ત્યાં ચોંટાડેલું હતું. આ સ્ટીકર અહીં કેમ લગાવ્યું હશે એ એને સમજાયું નહીં.

" તમારી પાસે આ વાત કેવી રીતે આવી પ્રશાંતભાઈ ? કોણે તમને આ માહિતી આપી ? અને હવે આ બધો ઇતિહાસ ઉખેળવાનો મતલબ પણ શું છે ! તમારા રેકોર્ડમાં આ બધી માહિતી લખવાની જરૂર મને નથી લાગતી. " કોફી પીવાઇ ગઈ એટલે વલ્લભદાસ બોલ્યા.

" શેઠ જાસુસી તંત્ર વિશે તો તમે ઘણું બધું જાણતા જ હશો. અમારું કામ દરેક કેસના છેક મૂળ સુધી જવાનું હોય છે. અને સંપૂર્ણ રેકોર્ડ અમારી પાસે ન આવે ત્યાં સુધી અમે અમારા કેસને અધૂરો જ સમજીએ છીએ ભલે પછી અમને પૂરું પેમેન્ટ મળી ગયું હોય ! અને આ માહિતીથી તમને કોઈ ફરક પડવાનો નથી કારણ કે એ લીક થવાની પણ નથી. " પ્રશાંત બોલ્યો.

" હા અંકિત મારો દત્તક પુત્ર છે. મારા મિત્ર રજનીકાન્ત પાસેથી એ લીધેલો છે. મારામાં સ્પર્મ કાઉન્ટ હતા જ નહીં એટલે સંતાન થઈ શકે એમ ન હતું. મારો હોટલનો બિઝનેસ જામેલો હતો એટલે વારસદારની મને જરૂર હતી. એ સમયે રજનીકાન્તની આર્થિક હાલત ખૂબ જ ખરાબ હતી એટલે બહુ મોટી રકમ ચૂકવીને મેં અંકિતને લીધો હતો. " વલ્લભદાસ બોલી રહ્યા હતા.

" દત્તક તરીકેની કાયદેસરની વિધિ પણ મેં એડવોકેટ દ્વારા કરી હતી પરંતુ અમે એની કોઈ જાહેરાત કરી ન હતી. મારા પોતાના નજીકના કુટુંબમાં કોઈ છે જ નહીં એટલે આ વાત ખાનગી જ રહી છે. અંકિત આ વાત જાણતો નથી એટલે મહેરબાની કરીને આ વાત અંકિત સુધી ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખજો. " વલ્લભદાસ બોલ્યા.

" આટલી માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. અને એ બાબતમાં તમે નિશ્ચિંત રહેજો. આ ચર્ચા અહીં જ પૂરી થાય છે અને ક્યારે પણ અહીંથી બીજે ક્યાંય જશે નહીં." પ્રશાંત બોલી રહ્યો હતો.

" હવે બીજો સવાલ. લગભગ બે વર્ષ પહેલાં અંકિત ગુમ થયાની જે ફરિયાદ તમે મને લખાવી હતી એ પ્રમાણે ગુમ થયાનો દિવસ માગશર વદી પાંચમનો હતો. તો આ દિવસે ઘરમાં કંઈ થયું હતું ? આઈ મીન તમારા બે વચ્ચે અથવા તો એના અને શાલ્વીના વચ્ચે ? કારણકે કોઈપણ કાર્ય પાછળ કારણ તો હોય જ. બરાબર યાદ કરીને કહો. " પ્રશાંત હસીને બોલ્યો.

" એ બહુ લાંબી વાત છે પ્રશાંતભાઈ અને એના માટે તમારે થોડો વધારે ટાઈમ લઈને બીજી કોઈ વાર આવવું પડશે. આજે હું એ ચર્ચા નહીં કરી શકું. " વલ્લભદાસ બોલ્યા.

" મને મંજૂર છે અને મને કોઈ જ ઉતાવળ નથી. હું હવે તમારા ફોનની રાહ જોઈશ શેઠ. આટલો સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર. હવે હું રજા લઉં. " પ્રશાંત બોલ્યો અને તરત બહાર નીકળી ગયો.

હું જે દિશામાં વિચારી રહ્યો છું એ પ્રમાણે જ ઘટનાઓ બની છે – પ્રશાંતે હોટલની બહાર નીકળીને મનોમન સ્મિત કર્યું અને પોતાની ગાડીમાં બેસી ગયો.
 
********************
શાલ્વીને પ્રેગ્નન્સી આવતી ન હતી એટલા માટે એ ચેકઅપ કરાવવા પોતાના પિતાના ઘરે બોરીવલી આવી હતી. એના ઘરની નજીક જ સેફ્રોન નર્સિંગ હોમ આવેલું હતું અને એના પપ્પા એ લેડી ડોક્ટરને ઓળખતા હોવાથી શાલ્વી એની મમ્મીને લઈને ત્યાં બતાવવા ગઈ હતી.

ડૉ. અભિષેકની પત્ની અંજલી પણ પોતાને સાતમો મહિનો પૂરો થવા આવ્યો હોવાથી રૂટિન ચેકઅપ માટે એ જ સમયે ત્યાં આવી હતી.

શાલ્વીને અંજલી ખૂબ જ ગમતી હતી એટલે એની ઈચ્છા અંજલીને થોડા સમય માટે પોતાના ઘરે લઈ જવાની હતી.

શાલ્વી લોકો નર્સિંગ હોમની બહાર નીકળીને દિપક રેસ્ટોરન્ટમાં નારિયેળ પાણી પીને અંકિતની રાહ જોતાં હતાં ત્યાં અંકિત પોતાની ગાડી લઈને શાલ્વીને અને એની મમ્મીને લેવા આવ્યો હતો. અંજલી પણ ત્યાં જ હતી એટલે અંકિતને એકદમ નજીકથી જોઈને એ ચમકી ગઈ !

અંકિત પણ એની સામે અંજલીને ઊભેલી જોઈને વિચારોના વમળમાં ફસાઈ ગયો. એ ક્યાંય સુધી અંજલી સામે જ તાકી રહ્યો. એને અંદરથી અંજલી તરફ એક વિચિત્ર પ્રકારનું ખેંચાણ અનુભવાતું હતું. જાણે કે એને વર્ષોથી ઓળખતો હોય એવી લાગણી થતી હતી.

અંજલી પણ અંકિતને પોતાની સામે જોઈને ખૂબ જ ગૂંચવાઈ ગઈ. એક તરફ હજુ ત્રણ ચાર દિવસ પહેલાં જ પ્રશાંત વૈદ્ય એના ઘરે આવીને કહી ગયો હતો કે અભિષેક અત્યારે ઋષિકેશથી આગળ એક શિબિરમાં છે. છતાં અત્યારે અંકિતને જોઈને એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. એને પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો આવતો કે આ અભિષેક નહીં પણ શાલ્વીનો પતિ અંકિત છે !!

" અંકિત આ અંજલી છે. મેં તમને તે દિવસે કહ્યું હતું ને કે અંજલી જેવી ખૂબસૂરત યુવતી આજ સુધી મેં જોઈ નથી. તમે પણ એને જોઈને ચક્કર ખાઈ ગયા ને !! અરે હું પણ એના પ્રેમમાં પડી ગઈ છું. તમારી તો પછી વાત જ શું કરવી !!" શાલ્વી હસીને બોલી.

અભિષેક અને અંજલી બંને ભાનમાં આવી ગયાં. બંનેના વિચારોના તરંગો થોડા શાંત થયા. મન તો હજુ પણ માનતુ ન હતું છતાં પણ અંજલીને વાસ્તવિકતા સ્વીકારવી પડી.

" અંકિત તમારે અંજલીને એમના ઘરે દહીસર ઉતારવાની છે. મમ્મીને ઘર પાસે ઉતારીને અંજલીને આપણે એમના ઘરે મૂકી આવીએ. તમે આવ્યા છો તો તમે પણ નાળિયેર પાણી પી લો. " શાલ્વી બોલી.

અંકિતે નાળિયેર પાણી પી લીધું અને પછી ગાડીમાં પોતાની ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયો. મમ્મી આગળ બેઠી જ્યારે આરતી શાલ્વી અને અંજલી પાછળની સીટ ઉપર જોડે જ બેઠાં.

અંકિતે ગાડી સૌથી પહેલાં મયૂર ટાવર લઈ લીધી અને મમ્મીને ઉતાર્યા પછી ચંદાવરકર રોડ થઈને ગાડીને દહીસર તરફ ડાબી બાજુ વાળી.

" દહીસર વેસ્ટમાં શૈલેન્દ્ર વિદ્યાલય રોડ ઉપર લઈ લેજો અંકિતભાઈ." આરતીએ સૂચના આપી.

" અંજલી તમે એક વાર જૂહુ સ્કીમ મારા ઘરે પણ આવો. જો કે હમણાં તો તમને હરવા ફરવામાં તકલીફ થતી હશે એટલે એકવાર ડિલિવરી થઈ જાય પછી હું તમને ગાડી લઈને લેવા આવીશ." શાલ્વી બોલી.

" તમારો આટલો બધો પ્રેમ છે તો ચોક્કસ હું તમારા ઘરે આવીશ. હવે તમારો ફોન નંબર પણ મને આપી દો." અંજલી હસીને બોલી.

" અરે હા એ કામ તો આપણે સૌથી પહેલાં કરવાનું છે. " શાલ્વી બોલી અને બંનેએ એકબીજાના ફોન નંબર આપ લે કર્યા.

" તમારા હસબન્ડ ડૉ. અભિષેક વિદેશથી ક્યારે પાછા આવવાના છે ? આવા સમયે તો એમની હાજરી ખાસ જરૂરી છે. " શાલ્વીએ પૂછ્યું.

" હા એ કેનેડા ગયેલા છે. મારે વાત થઈ છે એ પ્રમાણે ડિલિવરી પહેલાં જ એ આવી જશે. " અંજલી બોલી અને અચાનક એનાથી અંકિત સામે જોવાઈ ગયું. અંકિત પણ ડ્રાઇવિંગ કરતી વખતે મિરરમાંથી વારંવાર એની સામે જ જોતો હતો.

દહીસર આવ્યું એટલે અંકિતે ગાડી સીધી નક્ષત્ર ટાવર્સ પાસે આવીને જ ઉભી રાખી.

" અરે અંકિતભાઈ તમે તો ગાડી સીધી અમારા ઘર સુધી લઈ આવ્યા. તમે તો રસ્તામાં અમને પૂછ્યું પણ નહીં કે કઈ બાજુ જવાનું છે ! અમે આ નક્ષત્ર ટાવર્સમાં જ રહીએ છીએ." આરતી આશ્ચર્યથી બોલી. અંજલીને પણ ખૂબ જ આશ્ચર્ય થયું.

આવું બની જ કઈ રીતે શકે ! આરતી અને અંજલી બંનેને ખૂબ જ નવાઈ લાગી હતી. અરે ખુદ અંકિત પોતે પણ સમજી શકતો ન હતો કે પોતે ગાડી અહીં કેવી રીતે લઈ આવ્યો ! એણે તો અંજલીના એડ્રેસ વિશે રસ્તામાં એને પૂછ્યું જ ન હતું. એને પોતાને પણ આ એરીયા જાણે કે ખૂબ જ પરિચિત લાગતો હતો.

" બસ એમ જ આ તરફ આવી ગયો. તમે લોકો અહીં રહો છો એની મને કોઈ જ ખબર નથી." અંકિત બોલ્યો.

" હવે તમે લોકો આવ્યાં જ છો તો ઘરે પણ આવી જ જાઓ. " અંજલી બોલી.

" ના અંજલી. ઘર જોઈ લીધું છે તો ફરી ક્યારેક ચોક્કસ આવીશું. હજુ ઘરે જઈને મારે મમ્મી પપ્પાને જમાડવાના છે. તમારી કંપનીમાં મને ખૂબ જ મજા આવી. આપણે બંને હવે ફોન ઉપર પણ વાતો કરતાં રહીશું. " શાલ્વી બોલી.

આરતી અને અંજલી નીચે ઊતર્યાં એટલે અંકિતે ગાડી સ્ટાર્ટ કરી. ગાડી સ્ટાર્ટ કર્યા પછી પણ અંકિતની નજર અંજલી ઉપર જ હતી તો અંજલીની નજર પણ અંકિત તરફ વારંવાર ખેંચાઈ જતી હતી ! અંકિત એક પરપુરુષ હતો છતાં આવું શા માટે થતું હતું એ અંજલીને સમજાતું ન હતું !! અંકિતને જોયા પછી એનું મન બેચેન થઈ ગયું હતું.

" મમ્મી આજે તો અમે લોકો પેલા અંકિતભાઈની ગાડીમાં બેસીને ઘરે આવ્યાં. અભિષેકભાઈના જે જોડિયા ભાઈ છે એમનું નામ અંકિતભાઈ છે. ભાભી તો એમને જોઈને એવાં ચક્કર ખાઈ ગયાં કે ના પૂછો વાત. એમનો ચહેરો જોવા જેવો હતો. એ તો સારું થયું કે તમે ત્રણ ચાર દિવસ પહેલાં જ અભિષેકભાઈના જોડિયા ભાઈ વિશે વાત કરી હતી. નહીં તો હું તો ભાઈને વળગી જ પડી હોત ! " આરતી ઘરે પહોંચ્યા પછી વીણામાસી સાથે વાત કરી રહી હતી.

" હા માસી. હું તો હજુ પણ માની શકતી જ નથી કે એ અભિષેક નહીં પણ અંકિત છે. કોઈ ફરક છે જ નહીં. એમનો દેખાવ, એમની ચાલ, એમનો અવાજ બધું અભિષેકનું જ છે ! આવું તો કઈ રીતે હોઈ શકે ! સમજાતું જ નથી." અંજલી બોલી.

" સ્નેહલતા પણ એવું જ કહેતી હતી કે બંને ભાઈઓમાં કોઈ જ ફરક નથી. પરંતુ હવે બીજું કંઈ વિચારવાની જરૂર નથી. પ્રશાંતભાઈ આપણને કહી ગયા છે કે અભિષેક શિબિરમાં છે એટલે પછી અંકિત વિશે શંકા કરવાની કોઈ જરૂર જ નથી." વીણામાસીએ વાત ઉપર પૂર્ણવિરામ મૂક્યું.

પરંતુ શાલ્વીની વાતોનું પૂર્ણવિરામ હજુ આવ્યું નહોતું. અંકિત જે રીતે સતત અંજલી સામે જોઈ રહ્યો હતો એ વાતની નોંધ એણે લીધી હતી. એને આ વાત ગમી ન હતી.

" તમને તો અંજલી બહુ ગમી ગઈ લાગે છે ! " શાલ્વી ગાડીનો બેલ્ટ પહેરતાં બોલી.

દહીસરમાં એ લોકો ઉતરી ગયા પછી શાલ્વી આગળની સીટ ઉપર અંકિતની બાજુમાં આવી ગઈ હતી.

" અરે શાલુ તું કેવી વાત કરે છે ! મને તારામાં જે રસ છે એવો એનામાં નથી. એને જોયા પછી મને એવું લાગે છે કે હું જાણે એને ઘણા સમયથી ઓળખું છું. મારી યાદદાસ્ત જતી રહી છે એટલે અત્યારે મને કશું યાદ નથી. પરંતુ પહેલાં પણ મારી મુલાકાત એની સાથે થઈ હોય એવું મને લાગે છે અને એટલા માટે હું વારંવાર જોતો હતો." અંકિતે નિખાલસ કબૂલાત કરી.

" હમ્ .... પણ એવું કેવી રીતે બની શકે અંકિત ? તમે તો છેલ્લા દોઢ વર્ષથી રાજકોટ હતા ! " શાલ્વી બોલી.

" હું રાજકોટથી મળી આવ્યો એનો મતલબ એવો થોડો થાય કે છેલ્લા દોઢ વર્ષથી હું રાજકોટમાં જ હતો !! હું તો મુંબઈનો જ છું ને ! ખોવાઈ ગયા પછી મુંબઈમાં અમુક સમય રહ્યો હોઉં એવું પણ બની શકે ને ! " અંકિતે દલીલ કરી.

" તમારી એ વાત પણ સાચી છે. તમે રાજકોટથી મળી આવ્યા એનો મતલબ એવો નથી કે તમે દોઢ વર્ષ સુધી રાજકોટમાં જ હતા ! ચાલો કંઈ નહીં. આપણે એ વાત ભૂલી જઈએ. મારે તમારી ઉપર શંકા કરવાનું કોઈ કારણ છે જ નહીં. અને તમે એની સામે જોઈ રહ્યા હો તો એનો પણ મને કોઈ વાંધો નથી કારણ કે ખરેખર એ બહુ જ ખૂબસૂરત છે ! " શાલ્વી હસીને બોલી.

" હા એ ખૂબસૂરત જરૂર છે પણ મને તારું આકર્ષણ વધારે છે. સુંદરતા સ્ત્રીના શરીરમાં નહીં પરંતુ માનવીની નજરમાં હોય છે. દરેકની પોતાની એક પસંદગી હોય છે.... અને હા ડૉક્ટરે શું કહ્યું પછી ? " અંકિત બોલ્યો.

" ડૉક્ટર મેડમે કહ્યું કે તમારા પ્રયત્નો ઓછા પડે છે. પ્રેગ્નન્સી રહે એના માટે તમારે હજુ પણ વધારે કોશિશ કરવાની જરૂર છે ! " શાલ્વી અંકિત સામે આંખો નચાવીને બોલી.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."